Speechless Words CH - 18 books and stories free download online pdf in Gujarati

Speechless Words CH.18

||18 ||

પ્રકરણ 17 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દ્રષ્ટિ સાથેની લવ સ્ટોરી માંડ શરૂ થવાની તૈયારી હતી ત્યાં જ દ્રષ્ટિના પિતાને દેવું વધી જતાં તેમને પોતાનું ઘર વેચીને બીજે રહેવા જતું રહેવું પડ્યું. ત્યારબાદ આદિત્યની મુલાકાત એક બીજી છોકરી સાથે થાય છે. હવે આ લવ સ્ટોરીમાં શું છે ?આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

* * * * *

હવે શરૂ થઈ ધ મોસ્ટ બ્યુટીફુલ સ્ટોરી. આ છોકરી કઈ વેનમાં છે તે મેં ધ્યાનથી જોયું. લીલા કલરની વેન હતી અને પાછળ લખ્યું હતું ‘ગુજરાતી મોરલો’.તમને હસવું આવે પણ દોસ્ત આ કાઠીયાવાડ છે. અહીંયા આમ જ હોય. આ છોકરી વેનમાં બારી પાસે બેઠી હતી. કારણ તમે સમજી શકો ને ?હા... બરાબર સમજ્યા કારણ કે ત્યાંથી પવન આવે એટલે નહીં પણ મને જોઈ શકે એટલે અને હા, થયું પણ એવું એક વાર અમારી વેને એની વેનને ઓવરટેક કર્યો અને એનું ધ્યાન ગયું મારા પર. હવે, તેને પણ ખબર પડી ગઈ હતી કે હું સફેદ વેનમાં હતો અને હું પણ બારી પાસે જ. હવે અમારી નજર એક થઈ ગઈ અને મેં જસ્ટ સ્માઇલ કરી. બસ પૂરું મારી એક સ્માઇલ એને મારી તરફ કરવા કાફી હતી. હવે, તો તેની વેન પાસેથી અમારી જ બીજી કોઈ વેન નીકળતી તો પણ તે જોયા કરતી કદાચ મારી વેન હોય અને જ્યારે મારી વેન નીકળે ત્યારે તો મારા નેણના ઊંચા નીચા થવાનો ઈશારો જ એને ખુશ કરી દેતો. હવે સ્માઇલ – સ્માઇલની રમત મસ્ત ચાલતી હતી. મને વેનમાં રમવામાં નહીં પણ તેની સાથે ઇશારા કરવામાં જ મજા આવતી હતી. હું તો ત્યારે તેનું નામ પણ જાણતો ન હતો. બસ, એને જોવાની મજા આવતી હતી.

હવે અમે જમવાનો સમય થયો હોવાથી બપોરે એક આશ્રમે ગયા હતા. ત્યાં જ હવે અમારે સાંજ સુધી રહેવાનુ હતું. સૌથી પહેલા ભોજનશાળામાં આવતા પહેલા બુટ ચંપલ બહાર ઉતરવાના હતા. હું જ્યાં બુટ ઉતારતો હતો સદભાગ્યે એ પણ ત્યાં જ સેન્ડલ ઉતારવા આવી. મારાથી બોલ્યા વગર રહેવાતું જ નથી અને હું બોલ્યો પણ ખરા કે,

“ સેન્ડલની સાથે મોજા પણ અહીંયા જ રાખી દેવાય મેલાં થઈ જાય પણ અમુક લોકોને તો મોજા પણ કઢાય એમ નથી બાકી એમના પગ મેલાં થઈ જશે. “, મારા આ વાક્ય બોલવાની સાથે જ તે મારી સામે જ જોઈ રહી અને આછી પાતળી સ્માઇલ પણ આપી રહી હતી.

હું બધા જ મિત્રો સાથે જમવા માટે ગયો. તમને ખબર જ હશે આપણે ત્યાં આશ્રમમાં જમવામાં પ્રસાદ લેવા માટે બહુ જ લાંબી લાઇન થતી હોય છે. મારા કેસમાં પણ એવું જ હતું. બહુ જ લાંબી લાઇન અને હું લાઇનમાં અને મારૂ ધ્યાન મહિલાઓની લાઇનમાં ઊભી રહેલી પેલી બ્લેક ટી – શર્ટ અને બ્લૂ જીન્સવાળી છોકરી પર હતું. તે શું કરી રહી છે ? શું નહીં ? કોની કોની સાથે વાતો કરે છે ? એટલું તો પાક્કુ હતું કે તે હાર્દીની કોઈ રિલેટિવ થતી હશે. કારણ કે તેની સાથે જ વાતો કરી રહી હતી અને મંદીર બહાર શોપિંગ કરતી વખતે પણ હાર્દી જ તેને બોલાવવા આવી હતી. લાંબુ મોઢું, હેર સ્ટાઇલ ઘોડાની પૂછડી જેવી, આંખો ડાર્ક બ્રાઉન અને પહેલી નજરે જોતાં અભિમાની છોકરી લાગે. હું ધ્યાનથી એની સામે જોતો હતો અને ક્યારેક તે મારી સામે જોવે તો તરત જ નજર ફેરવી લેતો. કારણ કે પહેલી મુલાકાત હતી. થોડું ઇમોશન્સને કંટ્રોલમાં રાખવા પડે ને!

ફાઇનલી જમવામાં મારો વારો આવી ગયો. કેળું, સૂકીભાજી અને દહીં જમવાનું મેનૂ હતું. થાળી લઈને હું અને મારો ભાઈ બંને જમવા બેસ્યા એ પણ મસ્ત કાઠિયાવાડી પલોઠી વાળીને પટમાં રેતી પર. હું જમતો હતો પણ બરાબર 'જામતો' નહોતો કારણ કે મારૂ ધ્યાન તે છોકરી પર જ હતું મારી દિલથી ઈચ્છા હતી કે હું તેની સાથે જમવા બેસું પણ શું થાય ? તેની સાથે તેનું આખું ફેમીલી આવ્યું હોય તો કોઈ આપણી સાથે જમવા કેવી રીતે બેસી શકે ? ખેર, ચાલો જવા દો. જમીને એ ઊભી થઈ અને થાળી મૂકવા માટે ઊભી હતી અને હું બેઠો હતો તેનું ધ્યાન હું જમતો હતો ત્યાં મારા પર પડ્યું. મેં મારા તરફથી શરૂઆત કરતાં હલકી સ્માઇલ આપી. તેણે પણ આપી અને મેં જસ્ટ ઇશારામાં ઉદાસી વ્યક્ત કરતો હોય એવો ભાવ મારા ચહેરા પર પ્રગટ કર્યો અને તે પણ હસતી હોવા છતાં અચાનક ઉદાસ થઈ ગઈ પણ પછી મેં ફરીવાર સ્માઇલ આપી અને મારી સ્માઇલ જોઈને તે પણ સ્માઇલ આપવા લાગી. ત્યારબાદ અમે છોકરાઓ આશ્રમની બહાર ઘણા સમય સુધી વોલીબોલ રમ્યા. નેટ કે એવું કઇ નહોતું પણ અમે સાથે બોલ લઈને આવ્યા હતા તો બસ પછી આપણે બીજું શું જોઈએ ? અમે વોલીબોલ રમતા હતા અને તે અમારો વોલીબોલનો મેચ નિહાળી રહી હતી. મેચ પૂરો થઈ ગયો અને હું પરસેવે રેબઝેબ હતો. મારા મમ્મી અને બધા આંટીઓ સાથે બેઠા હતા. મેં ત્યાં જઈને પીવાનું પાણી માગ્યું.

“ મમ્મી, પાણીની બોટલ આપો ને પ્લીઝ.. “, મમ્મીની પાસે પાણી માગતા મેં કહ્યું. આ સમયે તે મારી સામું જોઈ રહી હતી.

“ પાણી તો બોટલમાં નથી બેટા, અંદર જઈને પીતો આવ ને અને આ બોટલ પણ ભરતો આવ. “, મમ્મીએ મને કહ્યું.

“ અરે યાર મમ્મી ! હવે મારે ત્યાં છેક જવાનું ? “, મેં મમ્મીને નિરાશ થતાં કહ્યું.

“ હેલો સ્ક્યુઝ મી, મારી પાસે પાણી છે. આ મારી બોટલમાં ઠંડુ પાણી છે. “, હું મમ્મી સાથે વાત કરતો હતો ત્યારે પાછળથી અવાજ આવ્યો.

હું તો એમની પાસેથી બોટલ લઈને નીકળી ગયો. થોડીવાર બાદ અમે પહેલાંની જેમ જ વેનમાં મારા પપ્પાના મિત્ર રાજુકાકાના સસરાના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં પણ એની બોટલ મારા હાથમાં હતી એ પણ પિન્ક કલરની મસ્ત બોટલ હતી એના જેવી જ. ત્યારબાદ અમે રસ્તામાં અંતાક્ષરી રમતા હતા પણ દુ:ખ મને એ હતું કે તે બીજી વેનમાં હતી અને હું આ છોકરાઓની વેનમાં, તેની વેનના ડ્રાઇવર હતા અમારામિત્ર ‘સુનીલભાઈ’. થોડીવાર થઈ રસ્તો પસાર થયો અને અમે અંતાક્ષરી રમતા રમતા રાજુકાકાના સસરાના ઘરે પહોંચી ગયા. ગામડું ગામ અને નળિયાવાળું મકાન હતું. આજુબાજુ ઘાસ અને ઘરની બહાર મસ્ત મોટો પટ. આ પટમાં ગાયો ઘાસ ચરતી હતી. ગામડાનું વાતાવરણ કેવું હોય ? એકદમ ખુશનુમા, તંદુરસ્ત. મન તો થતું હતું હવે અહીંયા જ રહી જાવું છે પણ વિચારોને ક્યાં મર્યાદા જેવુ હોય છે? વિચારો માણસને ક્યારેક રંકથી રાજા બનાવી દે છે તો ક્યારેક રાજાથી રંક. આગળ વધીએ..

રાજુકાકાના સસરા સવાભાઈના ઘરે બહારથી કંદોઈને બોલાવીને ગરમા ગરમ ભાવનગરી ગાંઠીયા અને સાથે મરચાં અને ટામેટાંના સંભારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી વધુ મજા મને ત્યારે આવી જ્યારે એવું કહેવામા આવ્યું કે આપણાં ઘરની અગાસી ઘણી મોટી છે આથી બધાએ સાથે જ જમવા બેસવાનું છે, પીરસવાવાળા રસોયા અને સવાભાઇના કુટુંબ સિવાય બધા લોકો સાથે જમવા બેસી ગયા. તે મરાથી ક્રોસમાં જમતી હતી. હું તો ચા પીતો નથી આથી મેં ચા લીધી નહીં. તેનું ધ્યાન તો હવે મારા પર જ હતું. હું મારી વેનના છોકરાઓ સાથે જમવા બેઠો હતો. ફરીવાર મેં તેની સામે જોયું અને ત્યારે જ બરાબર એ ચા પી રહી હતી અને તેનું ધ્યાન મારા પર પડતાં જ મેં એકદમ લાઇટ સ્માઇલ આપી અને ચા નો કપ ઢોળાય ગયો. એક વસ્તુ તો ફાઇનલ હતી કે હું કોઈ બ્યુટીફુલ છોકરીના હાથમાંથી ચા નો કપ ઢોળવા જેટલો તો સક્ષમ હતો. પછી શું થાય ? તે ઉભી થઈ થોડી ગુસ્સાવાળી નજરથી મારી સામે જોયું અને નાક એક દમ લાલ થઈ ગયું હતું. આજ સુધી એક વાત નથી ખબર પડતી આ રૂપાળી છોકરીઓ ગુસ્સે થાય ત્યારે એનું નાક આટલું બધુ લાલ કેમ થઈ જાય ? હું વિચારમાં ખોવાયને પાછો જમવા લાગ્યો. મારી તો ઈચ્છા હતી કે ઉભો થઈને તેની સાથે જાવ અને તેના જીન્સ પર પડેલા ‘ચા’ ના ડાઘ મારી જાતે સાફ કરું. પણ હું હજી કોઈ છોકરીના પેન્ટ પર પડેલા કોઈ પણ પ્રકારના ડાઘ સાફ કરવા જેટલો સમજુ થયો નહોતો. તમારી સમજણ શક્તિ પર મને માન થાય છે પણ આ હકીકત હતી. ‘ઇટ્સ ઓકે ચાલ્યા કરે આવું તો’ એવું તે તેના મમ્મીને કહીને મારી પાછળથી મને પોતાના પગની ટચલી આંગળી અડાડતી ગઈ. તમને હસવું આવે પણ એક ઉંમર હોય છે દરેક વ્યક્તિની જિંદગીમાં આવો એક સમય હોય છે જેમાં તમને કોઈ પણ વિજાતીય વ્યક્તિ દ્વારા આવું કઈ પણ થાય ને ત્યારે તમારા રોમ રોમ માં ધ્રુજારી થઈ જાય.

હવે આ ‘ઈશારો ઈશારો’ માં દિલ દેવાની વાત બહુ થઈ હતી પણ આગળ વધવું જરૂરી હતું. મેં વિચાર્યું ભગવાન કરે ને નાસ્તો કર્યા બાદ બધા લેડીઝ થોડીવાર ઘરમાં બેસવાનું નક્કી કરે અને જેન્ટસ પણ આવું કઈક નક્કી કરે તો થોડીવાર અહીંયા રોકવાનું થાય. કારણ કે વેનમાં બેઠા બેઠા તો કઈ થવું અશક્ય હતું. આથી મેં કહ્યું એમ ભગવાન અમુક વખત મારી સાથે પણ હોય છે. હા, અહીંયા એવું જ થયું. મમ્મી અને બધા આંટીઓએ એવું નક્કી કર્યું કે નાસ્તો કર્યા બાદ પુરુષોએ થોડીવાર ઘરમાં બેસવાનું છે જ્યારે સ્ત્રીઓએ મંદિરે જવાનું છે બેસવા. માત્ર વાતો કરવાની છે કઈ કામ નહોતું એમ જ અને સાંજે સાડા આંઠ વાગ્યે રાજકોટ જવા નીકળવાનું છે. કારણ કે રાજકોટથી આ ગામ ઘણું નજીક છે. અમે નાસ્તો કરીને ઉભા થયા ત્યારે મેં મારી કાંડા ઘડિયાળમાં જોયું તો બરાબર સાડા પાંચ વાગ્યા હતા. આથી હવે, બે કલાક હતી મારી પાસે પૂરેપૂરી સ્ટાર પર્ફોર્મન્સ આપવા માટે. આથી મેં પ્લાનિંગ કર્યું. મારા પ્લાન મુજબ મેં એક વીઝીટીંગ કાર્ડ મારા ટ્યુશન ક્લાસીસનું મારા પોકેટમાં હતું. વિઝિટિંગ કાર્ડ હોય અને એમાં પણ કાર્ડની પાછળની બાજુ કોરી હોય એટલે થોડોક કોન્ફિડન્સ તો આવવાનો, મને પણ આવી ગયો. ફટાફટ પેન મારા પપ્પા પાસેથી લઈ આવ્યો અને એક જગ્યાએ જ્યાં કોઈ નહોતું એવી જગ્યાએ રૂમમાં જઈને મસ્ત કાર્ડ પાછળ મારૂ નામ, ડિપ્લોમા એન્જિ. કરું છું અને મારા મોબાઇલ નંબર લખીને કાર્ડ વાળી અને મારા પેન્ટના જમણા પોકેટમાં રાખી દીધું. હું બહાર આવી તેની સામે ઉભો રહી ગયો અને અદબ વાળીને હળવેથી કાર્ડ લઈને મારા હાથની બે આંગળીઓ વચ્ચે રાખ્યું, જેથી સરળતાથી ફેંકી શકાય. તેનું ધ્યાન મારા પર ગયું અને તેને સ્માઇલ કરી અને મેં તરત જ ઈશારો કરી ચિઠ્ઠી બતાવી. તેના હરખનો પાર નહોતો. તેના ચહેરા પરની સ્માઇલ સ્પષ્ટ બતાવતી હતી કે તેને આનંદ છે કે હું તેને ચિઠ્ઠીમાં મારી ઇન્ફોર્મેશન આપવાનો છું.

હવે આ કાર્ડ એટલે કે ચિઠ્ઠી લઈને હું તેની સાવ નજીકથી ચાલ્યો અને ચિઠ્ઠી નીચે છોડી દીધી, મેં જોયું કે તેણે તરત જ તે લઈને કોઈનું ધ્યાન ના જાય એમ પોતાના પર્સમાં રાખી દીધી. થોડીવાર થઈ અને તે પાણી પીવા ઉભી થઈને મને ‘નામ કહું’ એવો હોઠ ફફડાવી અને આંખોથી ઈશારો કર્યો. હું તરત જ ખોટે ખોટો મોબાઇલ કાને રાખી ‘હલો.. એક મિનિટ તમારો અવાજ નથી આવતો’ એવું કહેતા કહેતા બહાર તે પાણી પીવા ગઈ ત્યાં જતો રહ્યો. ‘આ......હેય’ તે પોતાનો ફેસ પાણીથી ધોતી હતી અને હું તેની આ જ ખૂબસૂરતીમાં અંજાતો જતો હતો. તે કઈ જ બોલતી નહોતી મને એવું લાગ્યું કે તે મારા તરફથી પ્રશ્ન આવવાની રાહ જોતી હશે.

“ તમારું નામ ? “, મેં ધ્રૂજતા હોવા છતાં શાંત મન રાખી અને તેને નામ પૂછ્યું.

“ કાજલ શાહ, આઈ એમ કાજલ શાહ અને હું એસ. વાય. બી. બી. એ. માં છું. “, કાજલ નામ સાંભળતા જ એની આંખ જોઈ અને સાચે આંખમાં પણ કાજલ હતું.

“ તમારા નંબર ? “, મોબાઇલ નંબર કોઈ છોકરીના મેળવવાની અને માંગવાની ફેશન ત્યારે બહુ જ જોરમાં આથી મેં કાજલ પાસે તેના મોબાઇલ નંબર માંગ્યા.

“ હા, ડોન્ટ વરી હું તને ઘરે જઈને તરત જ મારા ફોનમાંથી મેસેજ કરી દઇશ. અત્યારે તો મારી પાસે ફોન નથી અને હા, મારી પાસે મારો પોતાનો પર્સનલ ફોન પણ નથી. હા, મમ્મીના ફોનમાંથી પાકકું હું તને મેસેજ કરી દઇશ. જસ્ટ ટ્રસ્ટ મી. “, આટલું બધુ કોઈ અજાણી છોકરી 16 વર્ષની ઉંમરના કોઈ છોકરાને કહે એટલે દિલમાં ઠંડક થવી સ્વાભાવિક હતી. મને હવે કાજલ પર વિશ્વાસ આવી ગયો.

સવાભાઇના ઘર સામે પણ ઘણું મોટું ગ્રાઉન્ડ હતું. આવું મોટું ગ્રાઉન્ડ હોય અને છોકરાઓ પાસે વોલીબોલનો બોલ હોય તો બીજું શું જોઈએ ? પપ્પા અને તેના મિત્રો રાજુકાકા અને એ બધા તો અંદર ઘરમાં બેઠા હતા. આ પટમાં સામે જ એક મંદિર હતું અને ત્યાં મમ્મી અને બધા આંટીઓ બેઠા હતા. અમે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. હવે, શરૂ થઈ ઇશારે ચાલવાની ગેઇમ. રમતી વખતે ઘણા બધા ઇશારા અને સારા સારા ગોળ કાજલને શો ઓફ કર્યા બાદ હું પગ મરડાઇ જવાનું બહાનું કાઢીને વોલીબોલમાંથી નીકળી અને કાજલ જ્યાં બેઠી હતી ત્યાં બેસી ગયો તેની બરાબર નીચેના પગથિયાં પર. મારા મમ્મી અને બીજા બધા આંટીઓ પણ ત્યાં જ હતા પણ બધા ઘૂમટો વળીને ( ગોળ ફરતે બેસીને ) બેઠા હોવાથી તે બધાનું ધ્યાન વાતોમાં હતું. કાજલ આ જ ઘૂમટામાં બહારની તરફ પોતાની બેન સાથે બેઠી હતી અને તેની બરાબર નીચેના પગથિયાં પર હું. બસ, શરૂ થયો રોમાન્સ. વોલીબોલનો સ્કોર હું બોલતો હોવાથી મને કોઈ બોલાવવા પણ નહોતું આવતું. કાજલની નીચેના પગથિયાં પર બેઠો હોવાથી તે કોઈનું ધ્યાન ના હોય એમ મારા વાળમાં ક્યારેક ક્યારેક હાથ ફેરવતી હતી, તો ક્યારેક કાજલના એ સુંવાળા સુંવાળા હાથ મારા ગાળામાં પાછળની તરફ ફરતા હતા. એવી ફિલિંગ આવતી હતી કે અહીંયા જ સૂઈ જાવ આથી હું ક્યારેક કોઈનું ધ્યાન ના હોય ત્યારે એના ખોળામાં માથું પણ લંબાવતો અને તે મારા ગાલ ખેંચતી એકદમ સોફ્ટ રીતે. કાજલની બહેનને બધી જ ખબર આથી અને હંમેશા નેવું ટકા કેસમાં એવું જ હોય કે છોકરીની સગી બહેન છોકરીને પૂરેપૂરો સહકાર આપતી હોય છે.

કાજલના પરિવારમાં પણ આવું જ હતું. કાજલની બહેન જ્યોતિનો કાજલને પૂરેપૂરો સપોર્ટ હતો. ત્યારબાદ વળતી વખતે મેં સુનિલભાઈને પટાવીને ‘તમે ગાડી બહુ સારી ચલાવો એવા મસકા મારીને તેમની ગાડીમાં બેસવાનું નક્કી કરાવ્યુ. અંતે હું અને કાજલ એક જ વેનમાં જેમાં કાજલના ફેમિલીમાંથી જ્યોતિ એક જ હતી. આ વેનમાં અમે સાથે રાજકોટ આવ્યા. લાઇફનો કદાચ આ બેસ્ટ દિવસ હસે જેમાં મેં જેતપુરથી રાજકોટ સુધી સતત એક છોકરીનો હાથ પકડી રાખ્યો હતો અને હું તેની બાજુમાં બેઠો હતો. રાજકોટ પહોંચીને કાજલ પાસે કોલ મેસેજ કરવાનું કહીને હું મારા ફેમિલી સાથે મારા ઘરે આવવા નીકળી ગયો. ત્યારબાદ આખી રાત કોલ મેસેજની રાહ જોઈ પણ મારા નસીબ ખરાબ કે ફોન ના આવ્યો અને ના તો મેસેજ આવ્યો. મેં તો એનું ઘર પણ નહોતું જોયું અને હાર્દીને તો એવું પૂછાય નહીં મરાથી ? ખેર આ સ્ટોરી અહીંયા જ પૂરી થઈ.

***

હવે આદિત્યની સ્ટોરીમાં લેપ આવશે એટલે કે બે – અઢી વર્ષ પછી જ્યારે આદિત્ય એક રેડિયોનો શો જીતીને તેને હોસ્ટ કરવા જશે અને આખા રાજકોટને પોતાના અવાજથી ડોલાવશે. આ વાર્તામાં આગળ સુસાઇડ પણ છે. આત્મહત્યા, કોણ કરે છે ? શું કામ ? ક્યારે ? કેમ ? કરશે કે નહીં ? બધા જ પ્રશ્નોના જવાબ આવતા પ્રકરણમાં... આવતા પ્રકરણથી આવશે દિયા અને હેતવી કમબેક.. તો આવજો..