Natvar Mahetani Kavitao - 1 books and stories free download online pdf in Gujarati

નટવર મહેતાની કવિતાઓ - 1

પ્રેમમાં છું

ઠુકરાવો તમે કે મને પ્યાર કરો, હું પ્રેમમાં છું;

જે કરવું હોય એ લગાતાર કરો, હું પ્રેમમાં છું.

નથી બચવાની કોઈ જ આશા, નથી નિરાશા;

હોય જો કોઈ તો સારવાર કરો, હું પ્રેમમાં છું.

નસીબમાં હતું જ ઇશકમાં પાયમાલ થવાનું;

હવે તમે તમારી દરકાર કરો, હું પ્રેમમાં છું.

ધરાર ઇકરાર કરો સનમ કે કરો ઇન્કાર તમે;

કદી મારા ઇશ્કનો ઇઝહાર કરો, હું પ્રેમમાં છું.

ન તો રૂબરૂ થયા, ન તો સપનામાં પધાર્યા;

મારા સપનાંને તો સાકાર કરો, હું પ્રેમમાં છું.

તમારી ચાહતથી ય નથી મળતી રાહત મને;

ચાલો, આજે મીઠી તકરાર કરો, હું પ્રેમમાં છું.

નજર નચાવો અથવા નજર બચાવો, સનમ;

ડુબાવી દો આંખોમાં કે પાર કરો, હું પ્રેમમાં છું.

થતા થતા તમને પણ થઈ જશે પ્યાર એક દિ;

મારો તમે થોડો તો એતબાર કરો, હું પ્રેમમાં છું.

દીવાલો સાથે વાત કરૂં, હસતા હસતા હું રડું;

મારી હાલતનો જરા વિચાર કરો, હું પ્રેમમાં છું.

આ ભવમાં તો દઈ ગયા દગો નટવરને તમે;

આવતા ભવ માટે તો કરાર કરો, હું પ્રેમમાં છું.

------------------------

જુસ્તજૂ

સાવ અધૂરી રહી ગઈ છે એમ તો કેટલીય હજુ;

ને જન્મે છે દિલમાં રોજ રોજ એક નવી આરજૂ.

તું જો ખુદા હાથ રાખે મારા સર પર એક વાર;

તો હર નમાજ પહેલાં કરૂં મારા આંસુંથી વજૂ.

લખું લખું ને હું શું લખું તારા વિશે સનમ વધુ?

તારા વિશે કંઈક લખી શકું હું,નથી એટલું ગજુ.

તુ માને ન માને,મને ચાહે ન ચાહે તારી મરજી;

હું નિશદિન હરપળ, જાગતા સુતા તને જ ભજુ.

સાથ જો તારો હર કદમ પર મળે સફરમાં મને;

સાથ સહુ હમસફરનો હસતા હસતા હું ય તજુ.

ન થાય એને કોઈ અસર આ શબ્દની,લાગણીની;

એની સમક્ષ રોજ રોજ કરૂં હું મારી લાગણી રજૂ.

જોઈએ એ નથી મળતું કદી નટવર સૌ કોઈને;

આ જિંદગીનું બીજું નામ એટલે અવિરત જુસ્તજૂ.

------------------------

ધબકું છું

કહે સનમ, હું ક્યાં કદી પણ ખોટું બકું છું?

ધ્યાનથી સાંભળ,તારા દિલમાં હું ધબકું છું!

કેટકેટલી નજર મને કેદ કરવા તત્પર છે!

બસ તારી જ નશીલી નજરથી હું છટકું છું.

કેટકેટલાં રૂપ ધર્યા તને મનાવવા મેં તો;

તારા કપાળે રક્તિમ ચાંદલાનું ટપકું છું.

એવો તો ખોવાયો તારા હસીન ખયાલોમાં;

મારા ઘરમાં મને શોધવા ઠેર ઠેર ભટકું છું.

ભવોભવની પ્યાસ લઈને બેઠો છું યુગોથી;

મારા જ આંસુંઓને અમૃત સમજી ગટકું છું.

મુસાફર છું, સફરમાં રહું છું સદા એકલો હું;

વહેતી હવા છું, હું ક્યાં એક જગાએ ટકું છું?

હોય એવું કહી દેવાની કુટેવ છે મને યારો;

એથી મારા યાર દોસ્તોને ક્યારેક ખટકું છું.

એમ તો ઘણું કહેવાનું બાકી રાખ્યું નટવરે;

તને સમય નથી, એટલે અહીં જ અટકું છું.

------------------------

યકીન

ભલે સનમ, તને વાત પર થાય જરા ય ન યકીન;

પણ તારા વિના જીવવું મારૂં નથી જરા ય મુમકિન.

જો હોય જાણ તને સનમ તો કહી દે મને એટલું તું;

યાદમાં તારી આવતા આંસુ કેમ હોય વધુ નમકીન?

આમ તો જનમથી જ ખુશમિજાજ આદમી રહ્યો છું હું;

તોય આજકાલ તારી યાદમાં ગમે છે રહેવું ગમગીન.

તારા ઇશ્કની જ આ અસર નથી તો શું છે સનમ, કહે!

કાળી ઘનઘોર સૂમસામ રાતે આવે સપનાં મને રંગીન.

સાચવીને પાના ફેરવજે મારી કવિતાઓના પુસ્તકના;

તારી યાદમાં લખેલ કવિતા છે તારાથી વધુ કમસિન.

ગનીમત છે કદી કદી પળ બે પળ યાદ કરતી રહે મને;

હું ક્યાં કહું છું સનમ, યાદ કર મને તું સદાય નિશદિન.

છોડીને તને હવે ક્યાં જાય નટવર તું જ કહે એને હવે;

તું જ એની હવા-પાણી, તું આકાશ, તું જ એની જમીન.

------------------------

જિંદગી

જિંદગીમાં જેની બહુ જરૂરત પડે છે;

વખત જતા એ જ કમબખ્ત નડે છે.

જીવતો રહી ગયો એથી હું એ જાણું;

સનમ, ઝેર જુદાઈનું કેટલું ચડે છે.

હું જેમ તેમ આમ તેમ જીવી લઇશ;

મારા વિના જિંદગી તને પરવડે છે?

હસતો રહ્યો ભરી મહેફિલમાં હરદમ;

એ જ ન જોયું કોઈએ ભીતર રડે છે.

નથી દોષ મયનો કે નથી સાકીનો;

કદમ ક્યારેક અમસ્તાં જ લથડે છે.

તું લખાવે છે એટલે લખતો રહ્યો હું;

બાકી મને ય લખતા ક્યાં આવડે છે?

રોજબરોજ રાતવરત ફંફોસું હું મને;

મારી રગ રગમાં તું જ મને જડે છે.

એક દિ તો હુંય જીતી જઈશ જંગમાં;

ખુદ સાથે જ નટવર હર ઘડી લડે છે.

------------------------

હોય છે

બધું જ અહીં ત્યારે ઠીક ઠીક હોય છે;

જ્યારે એ મારી સાવ નજીક હોય છે.

કરે એ તો બહુ કરકસર ઇશ્ક કરવામાં;

અને ઇશ્ક મારો હંમેશ અધિક હોય છે.

રાહ-એ-ઇશ્ક લાગે એવો આસાન નથી;

એમાંય યાર, ઘણી લમણાઝીંક હોય છે.

હું તો હર પળ, હરરોજ યાદ કરૂં એને;

એ મને યાદ કરે એવું તો કદીક હોય છે.

એનાં ગુલાબી ગાલે છે જે કાળો તલ;

મારા પાવન પ્રેમનું જ પ્રતીક હોય છે.

રૂપિયા, પૈસા ચેન નથી આપતા કદી;

રાતે જે ચેનથી સૂએ એ ધનિક હોય છે.

ચહેરાથી ક્યાં ઓળખાય છે શખ્સ અહીં?

સાવ સૂક્કો લાગતો શખ્સ રસિક હોય છે.

ડર મટી જાય જ્યારે અહીં સહુ કોઈનો;

ત્યારે આપણને ખુદની જ બીક હોય છે.

આપણે પણ આપણાં હોતા નથી કદી;

આપણોય કોઈ ને કોઈ માલિક હોય છે.

માનવું ન માનવું તમારી મરજી યારો;

બાકી કવિતા નટવરની મૌલિક હોય છે.

------------------------

ઓ સાકી..

મેં હજુ એટલું ય નથી પીધું ઓ સાકી;

કે સરવાળાને બદલે કરૂં હું બાદબાકી.

ખાલી જામ મારો એમ જ છલકાય જશે;

જોતી જો રહે સાકી,તું એને તાકી તાકી.

તન્હાઈની આ કેવી આ કેદ મળી મને?

લાખ લાખ લોકમાં રહું હું સાવ એકાકી.

એકલતાનો રંગ એવો લાગ્યો સાયબા;

રંગીન રાતે મને સપના આવે છે ખાકી.

ક્યાં સુધી લખતો રહીશ તારી યાદમાં?

જે લખવાનું છે એ તો હજુ રહ્યું છે બાકી.

નીકળી પડયો છું ઇશ્કની મંજિલ તરફ;

રાહ-એ-ઇશ્કમાં ભલે આવે ભારે હાલાકી.

ન કર શક સનમ તું ય નટવર પર હવે;

એની આ જનમોજનમની પ્રીત છે પાકી.

------------------------

જરૂર ક્યાં છે?

કંઈક ખરૂં કંઈ કે,ખોટું ધારવાની જરૂર ક્યાં છે?

બગડયું ક્યાં છે, તો સુધારવાની જરૂર ક્યાં છે?

દિલ મારૂં રાખ્યું હતું જમા સનમ તારા જ માટે;

દિલ તારૂં મારા નામે ઉધારવાની જરૂર ક્યાં છે?

જેટલો ઇશ્ક છે એટલો પૂરતો આપણે બન્ને માટે;

આજે કે કાલે એ ઇશ્ક વધારવાની જરૂર ક્યાં છે?

રૂબરૂ મળવાનું કહીને ન આવી કદી ય તું સનમ;

છાનામાનાં સપનાંમાં પધારવાની જરૂર ક્યાં છે?

આખરે હતું નસીબમાં તારી આંખોમાં જ ડૂબવાનું;

તો હવે ઓ સનમ, મને ઉગારવાની જરૂર ક્યાં છે?

હુકમનાં બધાં પાના રાખી હાથમાં હારવું હતું મારે;

જે દિલથી હાર્યો એને વધુ હરાવવાની જરૂર ક્યાં છે?

નજમમાં જ નહીં, જિંદગીમાં થોડી ગલતી જરૂરી છે;

જેવી છે એવી રહેવા દો, મઠારવાની જરૂર ક્યાં છે?

સમજનારા સમજી જશે સાનમાં નટવર તારી વાત;

કાગળની હોડીને રણમાં તરાવવાની જરૂર ક્યાં છે?

------------------------

લાચારી

આજના માણસની આ છે કેવી લાચારી?

કરે ઇશ્ક પણ એ બહુ વિચારી વિચારી.

હસતા રમતા કરી જો બેસે એ પ્રેમ કદી;

હસતી રમતી જિંદગીને કરી દે બિચારી.

રાહ- એ-ઇશ્ક નથી આસન દોસ્ત મારા;

ઇશ્ક કર્યા પછી આવે છે એ સમજદારી.

દ્વાર દિલના ને ઘરના ખુલ્લા રાખ્યા છે;

આપી દે પ્રભુ, તું આફત કોઈ અણધારી.

ડૂબી ગયો હું મઝધારે દરિયા-એ-ઇશ્કમાં;

આવ્યો છું એમ તો ઘણાંને કિનારે ઉતારી.

હતું એવું કહ્યું તો લાગી ગયું ખોટું એમને;

ક્યાં કહ્યું મેં સનમ, તને વધારી વધારી?

એમ તો ઘણી ખામી રહી ગઈ છે કવનમાં;

દોસ્તો, વાંચશો માણશો તમે એને સુધારી.

બહુ સાચવ્યું તો ય ન સચવાયું દિલ મારૂં;

નટવર, દિલ-એ-નાદાંની છે કેવી નાદારી?

------------------------

પ્રવાસી

લેવી હોય તો લઈ લો તમે અહીં હર કોઈની તલાશી;

હર કોઈ પાસે મળી આવશે એકાદ મનગમતી ઉદાસી.

મજા છે તડપવાની, તફડવાની ઇશ્કમાં કોઈ શું જાણે?

ઇશ્કી રહે તરસ્યો, જેમ જળમાં રહે મીન સદા પ્યાસી.

મળતા મળતા છેવટે સઘળું મળી તો જાય છે સહુને;

છતાં ય કોઈ એકાદ પ્રિય વ્યક્તિની ખોટ રહે ખાસી!

ન તો કદી કરૂં હું હજ, નથી કરવી યાત્રા ચારધામની;

જ્યાં પગલાં પડયા સનમનાં, ત્યાં મારા કાબા- કાશી.

તમારી મારી જેવી છે એવી આપણી આ જિંદગી શું છે?

જનમથી મોત સુધીનો કઠિન રાહ,આપણે સૌ પ્રવાસી!

આયનો મારો રોજબરોજ જોતો રહે ચહેરો એ વારંવાર;

ને ઉપરથી કહે મને, બદલ ચહેરો થઈ છે ગયો વાસી.

ઇશ્ક પરમ, ઇશ્ક ધરમ, ઇશ્ક જખમ ને ઇશ્ક જ મલમ;

એ શું સમજશે ઇશ્કને, જે સમજે ઇશ્કને એક અય્‌યાશી?

જરૂરી છે દિલથી દિલ મળવાની વાત ઇશ્કમાં નટવર;

ભલે ન મળે નવ ગુણ,ન મળતી આવે કોઈ સાથે રાશિ!

------------------------

વખત

વખત વખતનું કામ વખતસર કરી ગયો;

સવાર થતા ખુમાર ઇશકનો ઊતરી ગયો.

એના તન નહીં, મન સુધી પહોંચવાનું હતું;

ત્યાં પહોંચી કેટલી ય વાર પાછો ફરી ગયો.

વસવું હતું મારે તો એની બે મલાખી આંખોમાં;

હાય રે નસીબ! બની આંસું ત્યાંથી ખરી ગયો.

હવે કેવી રીતે રાત વિતાવીશ હું? કહો યારો;

બાકી હતો ગણવાનો એ તારો ય ખરી ગયો.

ચેનથી સૂતો હતો હું એના ખ્વાબો ખયાલોમાં;

મારા યાર પણ કેવાં? સમજ્યા હું મરી ગયો !

લો, ગામ આખેઆખું આજ હિલોળે ચઢ્‌યું છે !

ખૂબસૂરત ષોડશીનો પાલવ સહજ સરી ગયો.

કેટકેટલાં હિસ્સામાં વહેંચાતો રહ્યો જિંદગીભર!

હવે તો હું કોણ છું એ ય હું સાવ વીસરી ગયો.

ઇશક તો છે ઠંડી આગનો એક દરિયો નટવર;

એમાં મઝધારે ડૂબ્યો એ ભવસાગર તરી ગયો.

------------------------

આભાર

ખભા તો એના એ જ છે ને વધતો રહે છે ભાર;

ને વળી દોસ્ત, તું મને ઉપરથી કહે છે આભાર.

આ કેવી દોસ્તી આપણી કે માનવો પડે આભાર;

રે’વા દે દોસ્ત,તું મારી સાથે આ ઠાલો વ્યવહાર.

કરતો રહે તું બધુંય મારી જાણ બહાર બારોબાર;

તારો પણ છે મારા ભગવાન જેવો જ કારોબાર.

મારી દે જો તું ધક્કો મને હું હસતા હસતા ડૂબીશ;

જવું છે ક્યાં મારે દોસ્તીના દરિયાની પેલે પાર?

તારી હદ તેં નક્કી કરી છે દોસ્તીના સામ્રાજ્યની;

લે આપ્યો તને એ રાજમાં મેં મારો પુરો વિસ્તાર.

કેવી રીતે ભૂલી ગયો તું બચપણના એ દિવસો?

જ્યારે આપણે બન્ને હરદમ ચાલતા’તા હારોહાર.

તારે સુખે થતો હું સુખી, તારે દુઃખે દુઃખી થવાનું;

બંધ ન કરીશ મારા કાજ કદી તારા દિલના દ્વાર.

મળી રહેશે દુનિયામાં દોસ્ત,સર્વ રોગનો ઉપચાર;

બસ દોસ્ત, દરદ-એ-દગાની નથી કોઈ સારવાર.

દોસ્તી યારી, એ જ તો છે આપણો સાચો ઈમાન;

જે સમજ્યો છે નટવર ક્યારે તું એ સમજશે યાર?

------------------------

લખાઈ ગયું છે

યાદ કર, કેવી રીતે એ ભૂલાઈ ગયું છે;

દિલ મારૂં તારાથી ક્યાંક મૂકાઈ ગયું છે.

આખેઆખું જંગલ આજ ધ્રૂસકે ચડયું છે;

જુવાનજોધ વૃક્ષ અચાનક સૂકાય ગયું છે.

ત્રોફાવ્યું હતું મારૂં નામ એણે દિલ પર;

કાળના થપાટમાં એ ય ભૂંસાઈ ગયું છે.

સપનું જ હતું,એ સપનું જ રહેશે સનમ;

આંખો ખૂલતાં એય ક્યાંક છુપાઈ ગયું છે.

સુમન છે તો એ સુવાસ તો આપશે જ;

ભલે લાખો હાથમાં જઈ ચૂંથાઈ ગયું છે.

લખવાનું હતું એ ન લખી શક્યો નટવર;

ન લખવાનું અમસ્તાં જ લખાઈ ગયું છે.

------------------------

છે

જેની સાથે ન કોઈ પણ સગપણ છે;

આંખોને એના દર્શનનું વળગણ છે.

સોંપ્યા છે મને થોડાં સપના એમણે;

એ તો મહામૂલી એમની થાપણ છે.

ચોરી ગયા છે મારૂં પ્રતિબિંબ એઓ;

આંખો છે એમની કે જાદુઈ દર્પણ છે?

લટકે છે એક લટ એમના ચહેરા પર;

ધરતી પર થતું રોજ એ ચંદ્રગ્રહણ છે.

નથી મારી પાસે કંઈ આપવા એમને;

આ શબ્દો સિવાય ક્યાં કઈ પણ છે?

વિરહની વેદનાથી શણગારી કરચલી;

મિત્રો શું જાણે? આ સુહાનું ઘડપણ છે.

નટવરની લખી હર નજમ,હર કવન;

લો, દોસ્તો આજ એમને જ અર્પણ છે!

------------------------

પલળવું છે

મારે મને જ એક વાર મળવું છે;

ને ખુદ તરફ જ પાછાં વળવું છે.

કોઈ જ ખાસ ઇચ્છા નથી, સનમ;

તારી સાથે વરસાદમાં પલળવું છે.

એ મદમસ્ત મચલતી શમા છે;

મારે પરવાનાની જેમ બળવું છે.

અલગ રાખ્યો જેમણે મને સૌથી;

એમની સાથેય મારે તો ભળવું છે.

જો કદી એ ગણગણે એના સુરમાં;

તો હરેક શબ્દમાં મારે ઢળવું છે.

હોય છે એક મજા વિરહમાં પણ;

એમના ઇંતેજારમાં ટળવળવું છે.

આંસુની કિંમત ત્યારે જ સમજાશે;

અશ્રુ જળ બની આંખેથી ગળવું છે.

કદી અંધારૂં ન થાય એની રાહમાં;

બની એક દીવો મારે ઝળહળવું છે.

જખમ એણે આપ્યા તો મલમ પણ;

દરદ-એ-દિલ એથી સાવ હળવું છે.

સદા યાદ કરતા રહે સૌ નટવરને;

આ દુનિયામાંથી એ રીતે ટળવું છે.

------------------------

મળતું નથી

આ જિંદગી છે, એમાં બધાને જ બધું મળતું નથી.

આકાશ ઢળે છે ધરા તરફ પણ એને મળતું નથી.

ક્યારેક આપણને નડે આપણું જ માણસ એ રીતે;

એવું તો કોઈ પારકું પણ ક્યારેય કદી નડતું નથી.

આ કોના ધ્રૂસકા સંભળાયા રાખે મને આજકાલ?

મારી આસપાસ હવે આજકાલ કોઈ રડતું નથી.

સાકી ભરી દે જામ મારૂં તું નજરથી કે સુરાહીથી;

ખરેખર પીઉ છું દિલથી,એમ એ કંઈ ગળતું નથી.

એટલો તરસ્યો છું કે હવે પ્યાસનો અહેસાસ નથી;

સનમ,પ્યારમાં તારા એટલું તો કોઈ તરસતું નથી.

કહે છે કે તણખલાંનો સહારો પૂરતો છે ડૂબતાને;

પણ દોસ્તો એ તણખલાને પકડી કોઈ તરતું નથી.

શમા સળગે ભલે આમ મહેફિલમાં પરવાના માટે;

હર જલતી શમા પર પાગલ પરવાનું બળતું નથી.

વાદળું બંધાય છે,ગરજે છે,એ વળી વરસે પણ ખરૂં;

જ્યાં વરસવું જોઈએ એટલું હવે એ વરસતું નથી?

દિલની વાત મારા મિત્રો દિલથી લખવાની હોય;

દિલથી વાત લખે નટવર એ રીતે કોઈ લખતું નથી.

------------------------

પ્રયાસ કર

જે કરવું હોય એ અનાયાસ કર;

અને મને ભૂલવાનો પ્રયાસ કર.

કર પ્રયત્ન,થઈ જશે થતા થતા;

વર્તુળથી મોટો એનો વ્યાસ કર.

સમજવું હોય તો સમજાય જશે;

મોઘમ ઇશારાઓનો ક્યાસ કર.

માંગ્યું હોય એ નથી મળતું કદી;

તો સંસારમાં રહીને સંન્યાસ કર.

થતા થતા થઈ જશે ગોઠવણ;

લાગણીઓનો ય વિન્યાસ કર.

પુસ્તકો તો બહુ વાંચ્યા સનમ;

દિલના લેખનો તું અભ્યાસ કર.

ઇશ્ક તો છે આગનો એક દરિયો;

ગટગટાવી એ તીવ્ર પ્યાસ કર.

લખી સનમનું નામ નિખર્વવાર;

નટવર એક નવો ઉપન્યાસ કર.

------------------------

નથી

જે શખ્સ અરથ લાગણીનો સમજતો નથી;

એ ભર વરસાદમાં ય કદી પલળતો નથી.

કેવી રીતે તમને મળવા આવું સનમ, કહો;

ખોવાયો છું હું, હું મને જ હવે મળતો નથી.

સાકી,ન જો તું આમ તાકી તાકી એ જામને;

મેં નથી પીધું, જો શાયદ એ ગળતો નથી?

લઈ ગયા આંખોમાં કેદ કરી મારા સમયને;

ગયા છે એ ત્યારથી સૂરજ પણ ઢળતો નથી.

મન મૂકીને તરસ્યો છું દરિયો પ્યાસનો પીને;

કોરો કોરો છું ને એ કહે તું કદી વરસતો નથી!

આયનો મારો મને બરાબર ઓળખી ગયો છે;

ચહેરો એનો એ હવે મને જોઈ બદલતો નથી.

સાથ મારી રહે હરદમ અને રહે અતડો અતડો;

પડછાયો છે મારો ને મને કદી ય અડતો નથી.

લખું ત્યારે એ કહે બહુ લખ્યા કરે છે તુ નટવર;

ન લખું ત્યારે એ જ કહે, કેમ હવે લખતો નથી?

------------------------

માણસ તો એવો કે...

માણસ તો એવો કે, સાવ અમસ્તો એ પરેશાન રહે;

માણસ તો એવો કે, ખુદના ઘરમાં એ મહેમાન રહે.

માણસ તો એવો કે, કરે કમસીન ગુના હસતા રમતા;

માણસ તો એવો કે, હોય ગુનેગાર તો ય નાદાન રહે.

માણસ તો એવો કે, ઈમાનદારી વાત કરતો રહે એ;

માણસ તો એવો કે, જે ખુદની સાથે જ બેઇમાન રહે.

માણસ તો એવો કે, શોધતો ખુદાને દરબદર ભટકે;

માણસ તો એવો કે,ન જાણે એની અંદર રહેમાન રહે.

માણસ તો એવો કે, સાવ નિછાવર થઈ જાય ઇશ્કમાં;

માણસ તો એવો કે, કોઈક ઘાયલ દિલની જાન રહે.

માણસ તો એવો કે, ન તો અહીં રહે, ન તો ત્યાં રહે;

માણસ તો એવો કે, સમાજની ભીંતોની દરમ્યાન રહે.

માણસ તો એવો કે, ચમડી છોડે પણ દમડી ન છોડે;

માણસ તો એવો કે, સદા ય ચાહે, એ ધનવાન રહે.

માણસ તો એવો કે, દોડતો રહે એ સમયને પકડવા;

માણસ તો એવો કે, એ ઇચ્છે, હંમેશ એ જવાન રહે.

માણસ તો એવો કે, નટવર શું કહેવું એના વિશે હવે?

માણસ તો એવો કે,જાણીતો માણસ પણ અનજાન રહે.

------------------------

ખ્વાબ બનીને...

ક્યારેક તમે સવાલ બની મળો તો ક્યારે મળો જવાબ બનીને;

હકીકતથી બચતો રહ્યો દિવસભર, મળ્યા રાતે ખ્વાબ બનીને.

તમને ઓળખતા ઓળખતા ઓળખી જઈશ એક દિ હું પણ;

મળ્યા સારા બનીને હરઘડી, મળો કદી થોડા ખરાબ બનીને.

એક એક વાત જાણીશ તમારી,એક એક વાત માણીશ તમારી;

હવે જો સામે મળો સનમ મને તો મળો ખૂલી કિતાબ બનીને.

આવતા જતા કદી અચાનક મળશો તો કેવી રીતે ઓળખીશ?

રહે તમારા ખૂબસૂરત ચહેરા પર શરમ રેશમી હિજાબ બનીને.

એક વાર ભૂલથી સરખાવ્યો હતો તમારા ચહેરાને ચાંદ સાથે;

કદીક મળી જાઓ હવે તમે, ન રહો દૂર દૂર માહતાબ બનીને.

છું એમ તો હું સાવ મુલાયમ અને બની ગયો કંટક જેવો સખત;

ફરી રહ્યા છે એઓ ફૂલગુલાબી વસ્ત્રોમાં મહેકતું ગુલાબ બનીને.

સાચવી સાચવીને કેટલું સાંચવું હું એની હવે મનેય નથી જાણ;

તણાય જઈશ તણખલાની જેમ,વહે છે લાગણી સૈલાબ બનીને.

સાકી, તારી નજરનો જ આ જાદુ છે ને એની જાણ નથી તને;

ભર્યું તેં નકરૂં પાણી પયમાનાંમાં, કરે છે અસર શરાબ બનીને.

ન શોધશો તો પણ મળી રહેશે ઘણી ભૂલો મારી જિંદગીમાંથી;

જીવતા જીવતા જીવી ગયો છું હું, સાવ ખોટો હિસાબ બનીને.

મળ્યા ઘડી બે ઘડી મને, વાતો પણ કરી મૌન રહીને આંખોથી;

મુફલિસ જેવો નટવર ત્યારથી જીવે છે શાનથી નવાબ બનીને.