From the Earth to the Moon - 12 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 12

ઉર્બી એત ઓર્બી

પ્રકરણ ૧૨

અવકાશી, તકનીકી અને ભૌગોલિક આ તમામ તકલીફોને પાર પાડી દેવામાં આવી હતી અને હવે પ્રશ્ન બાકી રહ્યો હતો નાણાંનો. જે રકમ આ કાર્ય માટે જરૂરી બની હતી તે કોઈ એક વ્યક્તિ પૂરી પાડી શકે તે અશક્ય હતું એટલુંજ નહીં કોઈ એક રાજ્ય આખું પણ આ ભાર વહન કરી શકવા માટે સમર્થ ન હતું.

આ માત્ર અમેરિકાને લગતી બાબત હોવા છતાં બાર્બીકેને તેને એક વૈશ્વિક મહત્ત્વની ઘટના બનાવીને પેશ કરી અને નાણાકીય સમસ્યાનો હલ કરવા માટે વિશ્વના તમામ લોકોને મદદ કરવા માટે અપીલ કરી. તેમની અપીલમાં એમ કહેવામાં આવ્યું કે તમામ પૃથ્વીવાસીઓની એ ફરજ બની જાય છે કે તે તેના સેટેલાઈટની બાબતે દખલગીરી કરે. આ માટેનો ફાળો બાલ્ટીમોરથી ઉઘરાવવાનો શરુ થયો અને બાદમાં તેમાં યથાયોગ્ય ઉમેરો કરવા માટે સમગ્ર વિશ્વ સમક્ષ તેને ખુલ્લો મુકવામાં આવ્યો એટલેકે તેને ‘ઉર્બી એત ઓર્બી’ ની જેમ ફેલાવવામાં આવ્યો.

ફાળો ધાર્યા કરતાં પણ વધારે ઉત્સાહથી આવવા લાગ્યો; એમ નક્કી હોવા છતાં પણ કે આ રકમ ઉધાર આપવાની નથી પરંતુ આપીને ભૂલી જવાની છે. આ એક એવું કાર્ય હતું જેમાં કોઈને કોઇપણ ફાયદો થાય તેવો જરાક પણ મોકો મળવાનો ન હતો.

બાર્બીકેનની અપીલે માત્ર અમેરિકાની સરહદો સુધી મર્યાદિત ન રહેતા તેણે એટલાન્ટીક અને પેસેફિક મહાસાગરો પસાર કરીને છેક એશિયા, યુરોપ, આફ્રિકા અને ઓશિયાના સુધી પોતાની પહોંચ બનાવી. દેશ-વિદેશની વેધશાળાઓએ પણ એકબીજા સાથે સંપર્ક બનાવ્યો જેમાં પેરીસ, પીટ્સબર્ગ, બર્લિન, સ્ટોકહોમ, હેમ્બર્ગ, માલ્ટા, લિસ્બન, બેનારેસ, મદ્રાસ અને અન્યનો સમાવેશ થતો હતો. કેટલીક વેધશાળાઓએ પોતાની શુભેચ્છાઓ મોકલી આપી તો કેટલીકે કશું પણ કર્યા વગર પરિણામની રાહ જોવાનું નક્કી કર્યું. ગ્રિનવીચ ખાતે સ્થિત વેધશાળા જે ગ્રેટ બ્રિટનથી બાવીસ એસ્ટ્રોનોમીકલ માઈલ દૂર આવી હતી તેણે આ પ્રયોગની સફળતાની શક્યતાને સમૂળગી નકારી દીધી અને તેણે કેપ્ટન નિકોલના સિદ્ધાંતને ટેકો આપ્યો. પરંતુ આ તેમની ‘અંગ્રેજી ઈર્ષા’ સિવાય બીજું કશું જ ન હતું.

આઠમી ઓક્ટોબરે પ્રમુખ બાર્બીકેને એક ઘોષણાપત્ર જાહેર કર્યું જેમાં ખુબ ઉત્સાહપૂર્વક દુનિયાના તમામ સારા લોકોને એપીલ કરવામાં આવી હતી. આ દસ્તાવેજને તમામ ભાષાઓમાં ભાષાંતરિત કરવામાં આવ્યો અને તેને ખૂબ સફળતા મળી.

ફાળો નોંધવા માટે અમેરિકાની તમામ બેન્કોમા ખાસ સુવિધા રાખવામાં આવી જેમાંથી મુખ્ય બેન્ક બાલ્ટીમોર બેન્ક, ૯ બાલ્ટીમોર સ્ટ્રીટ ખાતે નક્કી કરવામાં આવી હતી.

આ ઉપરાંત નીચેની બેન્કોમાં બે જુદાજુદા ખંડોમાં પણ ફાળો પ્રાપ્ત થયો. આ બેન્કો હતી.

વિયેના – એસ. એમ. ડી રોથ્સચાઈલ્ડ

પીટર્સબર્ગ – સ્ટીગ્લીટ્ઝ એન્ડ કો.

પેરીસ – ધ ક્રેદિત મોબીલીયેર

સ્ટોકહોમ – ટોટ્ટી એન્ડ અર્ફ્યુર્સન

લંડન – એન એમ રોથ્સચાઈલ્ડ એન્ડ સન

તુરીન – અરડોઈન એન્ડ કો

બર્લિન – મેન્ડેલસોહ્ન

જીનીવા – લોમ્બાર્ડ, ઓડીએર એન્ડ કો

કોન્સ્ટેન્ટીનોપલ – ધ ઓટ્ટોમન બેન્ક

બ્રસલ્સ – જે લેમ્બર્ટ

મેડ્રિડ – ડેનિયલ વેઇસવેલર

એમ્સ્ટ્રડેમ – નેધરલેન્ડ્સ ક્રેડીટ કો.

રોમ – તોર્લોનીયા એન્ડ કો

લિસ્બન – લેસેસ્ને

કોપનહેગન – પ્રાઈવેટ બેન્ક

રિયો ડી જાનેરો – પ્રાઈવેટ બેન્ક

મોન્ટેવિડીયો – પ્રાઈવેટ બેંક

વાલ્પરાઈઝો અને લીમા – થોમસ લ ચોમ્બ્ર એન્ડ કો

મેક્સિકો માર્ટીન ડરાન એન્ડ કો.

પ્રમુખ બાર્બીકેનના ઘોષણાપત્રની જાહેરાતના ત્રીજા દિવસે ૪, ૦૦૦, ૦૦૦ ડોલર્સ જુદાજુદા શહેરોમાં જમા થયા. આ રકમ સાથે ગન ક્લબ તેનું કાર્ય તો શરુ કરી જ શકે તેમ હતી. પરંતુ થોડા દિવસો બાદ વિદેશોમાંથી આવતા ફાળામાં કેટલીક અડચણો આવવા લાગી. કેટલીક નામાંકિત વિદેશો બેન્કોએ પોતાની રીતે ફાળો મોકલવાની આઝાદી મેળવી લીધી તો અન્યોએ ફાળો મોકલવા માટેની સુવિધાઓમાં કાપ મુક્યો. જો કે જમા થયેલી રકમ શબ્દોમાં વર્ણવી ન શકાય એટલી બધી ભેગી થઇ ગઈ હતી. આવો જોઈએ કે ગન ક્લબને જ્યારે ફાળો ઉઘરાવવાનું કાર્ય બંધ થયું ત્યારે ક્યા ક્યા દેશોમાંથી કેટલી કેટલી રકમ મળી હતી.

રશિયાએ એના પ્રતિનિધિમંડળને ૩૬૮,૭૩૩ રૂબલનું પ્રચંડ દાન સોંપ્યું. આમ થવું જરાય આશ્ચર્યની વાત નહોતી કારણકે રશિયનોમાં પણ અવકાશ વિજ્ઞાન અંગે એટલીજ ચાહના અને જ્ઞાન હતાં જેટલા અમેરિકામાં. તેઓએ તેમની વિવિધ વેધશાળાઓ તરફથી કેટલાંક મહત્ત્વના સૂચનો પણ દાનની રકમ સાથે મોકલ્યા હતા.

ફ્રાન્સે શરૂઆતમાં તો આ અપીલ તરફ ધ્યાન ન આપ્યું. ત્યારબાદ ચંદ્રને લગતી વાત હોવાને લીધે તેમણે અમેરિકનોની અપમાનજનક ભાષામાં મજાક પણ ઉડાવી અને છેવટે તેમણે કુલ ૧,૨૫૩,૯૩૦ ફ્રેન્કનો ફાળો મોકલી આપ્યો. આ એટલી મોટી રકમ હતી કે જેનાથી તેમની અમેરિકનો બાબતે કરેલી મજાકને માફ કરી શકાય તેમ હતી.

ઓસ્ટ્રિયાએ ખુબ દયા દેખાડી અને તે પણ જ્યારે તેની આર્થિક હાલત જરાય સારી ન હતી. ઓસ્ટ્રિયાની જનતાએ ૨૧૬,૦૦૦ ફ્લોરીન્સ ભેગા કરી આપ્યા જે એક યોગ્ય ભેટ હતી.

બાવન હજાર ને છ ડોલર્સનો ફાળો સ્વિડન અને નોર્વે તરફથી આવ્યો જે તેમની વસ્તીને ધ્યાનમાં લેતા ખૂબ મોટી રકમ કહી શકાય. પરંતુ તેમ છતાં જો સ્ટોકહોમમાં પણ ક્રિસ્ટીનાની સાથેજ ફાળો ઉઘરાવવામાં આવ્યો હોત તો આ રકમ હજી પણ વધી શકી હોત કારણકે સામાન્યતઃ નોર્વેજીયનોને પોતાના નાણા સ્વિડનને આપવામાં થોડો ખંચકાટ થતો હોય છે.

પ્રશિયાએ ૨૫૦,૦૦૦ થેલર્સનું ભંડોળ ભેગું કરી આપ્યું જે તેમના આ પ્રયોગ વિષેનો ઉત્સાહ જાહેર કરતો હતો.

તુર્કીએ ખૂબ દયાભાવના બતાવી કારણકે આ કાર્યમાં તેનો અંગત રસ પણ હતો. ચંદ્ર એ તેમની વાર્ષિક સાયકલ સાથે સંકળાયેલો છે જે સાયકલના અંતે તેઓ રમઝાનનો મહિનો ઉજવતા હોય છે. તુર્કી ૧,૩૭૨,૬૪૦ પિયાસ્ત્રેસ થી ઓછું દાન આપી શકતું હતું પરંતુ જે પ્રકારની ઉત્તેજના એ દેશમાં આ પ્રોજેક્ટ અંગે છવાઈ હતી એ ઉપરાંત આ અંગે સરકારનું પણ દબાણ હતું તેને લીધે આટલી મોટી રકમ ભેગી થઇ શકી.

બેલ્જીયમે બીજી હરોળના રાષ્ટ્રોમાં એક અલગ સ્થાન બનાવ્યું જયારે તેણે ૫૧૩,૦૦૦ ફ્રાન્કનું ભંડોળ એકઠું કરી બતાવ્યું. આ રકમ તેની કુલ વસ્તીની બેગણી હતી.

હોલેન્ડ અને તેના ગુલામ રાજ્યોએ ૧૧૦,૦૦૦ ફ્લોરીન્સ ભેગા કરવાની તૈયારી તો બતાવી પણ સામે તેમણે તુર્તજ પૈસા આપવા બદલ પાંચ ટકાનું વળતર પણ માંગ્યું.

ડેન્માર્ક જે એક નાનકડો દેશ હતો તેણે માંડમાંડ ૯,૦૦૦ ડુકાટ્સ માત્ર વિજ્ઞાન પ્રત્યેના પોતાના પ્રેમને લીધે ભેગા કરી દીધા.

જર્મન ગણરાજ્યએ ૩૪,૨૮૫ ફ્લોરીન્સનું દાન આપવાની પ્રતિબધ્ધતા દર્શાવી અને તેમની પાસેથી આનાથી વધારે રકમ માંગવી પણ અશક્ય હતી કારણકે તેઓ આનાથી વધારે રકમ ભેગી થાય તો પણ કોઈ કાળે આપવાના ન હતા.

તંગી મહેસુસ કરી રહેલા ઇટાલીએ પણ તેની પ્રજા પાસેથી આ કાર્ય માટે ૨૦૦,૦૦૦ લીરા ભેગા કરી આપ્યા. જો તેની પાસે વેનિસનો કબજો હોત તો તે વધારે નાણા ભેગા કરી શક્યું હોત પણ હાલમાં તેની પાસે વેનિસ નહતું.

ચર્ચના રાજ્યએ પોતે ૭,૦૪૦ રોમન્સ થી વધારે નહીં આપી શકે તેમ જણાવ્યું જ્યારે પોર્ટુગલે વિજ્ઞાન પ્રત્યેના પ્રેમને લીધે જ તે ૩૦,૦૦૦ કૃઝાડોઝ આપી રહ્યું છે એમ જણાવ્યું. અમસ્તુંય સ્વરચિત ગણરાજ્યો પાસે કાયમ નાણાની તંગી જ હોય છે.

સ્વીત્ઝરલૅન્ડે અમેરિકન મહાકાર્ય માટે માત્ર બસો સત્તાવન ફ્રાન્ક્સનો જ ફાળો આપ્યો. એવું સ્પષ્ટપણે કહી શકાય કે તેમણે આ કાર્યની વ્યવહારુ બાજુ જોઈ ન હતી. આ માત્ર કોઈ પદાર્થ જ ચંદ્ર પર પહોંચાડવાની કસરત નહતી, આ ચંદ્ર સાથે એક સંબંધ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત બનવાની હતી. પરંતુ તેને આ બાબતે કોઈજ રસ જાગ્યો નહી, કદાચ તેઓ તેમની જગ્યાએ સાચા પણ હતા.

સ્પેનનો જ્યાંસુધી સવાલ છે તો તેણે માત્ર ૧૧૦ રીયાલ્સ જ આપ્યા અને સાથે બહાનું એ બતાવ્યું કે તેના દેશમાં રેલ્વે માટેનું બાંધકામ પૂરજોશમાં ચાલુ છે. જો કે સાચી વાત તો એ હતી કે એ દેશમાં વિજ્ઞાન પ્રત્યે કોઈ ખાસ લાગણી ન હતી. તે હજીપણ એક પછાત દેશ હતો. કેટલાક સ્પેનિશ લોકો તો ભણેલા પણ ન હતા અને તેઓ ચંદ્ર પર કેવી રીતે ગોળો મોકલી શકાય તેની ગણતરી પણ સરખી રીતે કરી શકતા ન હતા. તેઓને એવો ડર હતો કે આ બાબતે ફાળો આપવાથી તેમની અત્યારની ગોઠવેલી વ્યવસ્થા પડી ભાંગશે. આથી તેમણે આ પ્રયોગથી દૂર જ રહેવાનું પસંદ કર્યું.

હવે રહ્યું ઇંગ્લેન્ડ અને આપણને ખબર છે કે તેણે બાર્બીકેનના ઘોષણાપત્રનો કેવી અપમાનજનક ભાષામાં તિરસ્કાર કર્યો હતો. ઇંગ્લેન્ડનો આત્મા બાકીના ગ્રેટ બ્રિટનના છવ્વીસ મિલિયન લોકોના આત્મા જેવો જ હતો. તેમનો તો ઉલટો એવો અભિપ્રાય હતો કે ગન ક્લબ જે કરવા જઈ રહ્યું છે તે કુદરતના નિયમોમાં દખલગીરી કરવા સમાન છે અને આથી તેમણે એક પાઉન્ડનું પણ દાન ન આપ્યું.

નાણા એકઠા થવાની આ પ્રમાણેની માહિતી મળ્યા બાદ ગન ક્લબના સભ્યોએ ધૂળ ખંખેરી અને પોતાનું મહાન કાર્ય કરવા માટે કાર્યરત થવાનું નક્કી કર્યું. છેવટે લેટીન અમેરિકાના દેશો જેવા કે પેરુ, ચીલી, બ્રાઝિલ, લા પ્લાટાના રાજ્યો અને કોલમ્બિયા દ્વારા તેમનાથી બનતો ફાળો મોકલવામાં આવ્યો ત્યારે ગન કલબના હાથમાં કુલ ૩૦૦, ૦૦૦ ડોલર્સની રકમ આવી ગઈ હતી જે એક નોંધપાત્ર મૂડી કહી શકાય. આ બાદ નીચે પ્રમાણેનું પત્રક જાહેર કરવામાં આવ્યું.

યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી મળેલું દાન: ૪, ૦૦૦, ૦૦૦ ડોલર્સ

વિદેશી દાન: ૧, ૪૪૬, ૬૭૫ ડોલર્સ

કુલ દાન: ૫, ૪૪૬, ૬૭૫ ડોલર્સ

આ એક એવી રકમ હતી જેણે લોકોને ગન ક્લબની ઓફીસ આવવા ફરીથી આકર્ષ્યા.

જો એમ કહેવામાં આવે તો કોઈને પણ આશ્ચર્ય નહીં થાયકે જેટલી રકમ મોટી લાગી રહી હતી તેની સામે જો હવે થનારું કાસ્ટિંગ, બોરિંગ, મિસ્ત્રીકામ, મજૂરોની આવાજાહી, તેમના ભથ્થાં, રહેવાની વ્યવસ્થા, વર્કશોપમાં બનનારી ફર્નેસ, પ્લાન્ટ નું બનવું, પાઉડર બનાવવો, તોપનો ગોળો બનાવવો તેમજ અન્ય પ્રારંભિક ખર્ચાઓને જો ગણી લેવામાં આવે અને તેનો અંદાજ કાઢવામાં આવે તો આ આખી રકમ લગભગ પૂરી થઇ જવા પામશે. ગૃહયુદ્ધ સમયે કેટલાક તોપના ગોળાઓ એક હજાર ડોલરમાં બન્યા હતા. જો બાર્બીકેનની હોશિયારી સામેલ ન હોત તો આ જ ગોળાઓ પાછળ પાંચ હજાર ડોલર્સ વધારે ખર્ચ કરવો પડત જેનો ગન ક્લબના લોકોને ખ્યાલ હતો.

વીસમી ઓક્ટોબરે ન્યૂયોર્ક નજીક આવેલા કોલ્ડસ્પ્રિંગ ખાતેની ફેક્ટરી સાથે એક કરાર કરવામાં આવ્યો, આ ફેક્ટરીએ ગૃહયુદ્ધ સમયે કાસ્ટ આયર્નની સૌથી મોટી પેરોટ તોપ બનાવી હતી. આ કરારમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે કરાર કરનાર કોલ્ડસ્પ્રિંગની ફેક્ટરી તેનો તોપ બનાવવાનો સામાન દક્ષીણ ફ્લોરીડાના ટેમ્પા ટાઉનમાં લઇ જશે અને તેમાંથી તે કોલમ્બિયાડ બનાવશે. કરારની શરત મુજબ આ ફેક્ટરીએ મોડામાં મોડી આવતી ૧૫મી ઓક્ટોબરે તોપ બનાવીને આપી દેવાની હતી. જો તેમ ન થાય તો તેમણે જ્યાંસુધી ચંદ્ર ફરીથી એજ પરિસ્થિતિમાં ન આવે ત્યાંસુધી રોજના એક હજાર ડોલર્સનો દંડ ભરવાનો હતો. બીજા શબ્દોમાં કહીએ તો આવતા અઢાર વર્ષ અને અગિયાર દિવસ સુધી.

મજૂરોની વ્યવસ્થા કરવી તેમના પગાર અને કાર્ય અંગેની તમામ જવાબદારી કોલ્ડસ્પ્રિંગ કંપનીની રહેશે.

આ કરાર પર બાર્બીકેને ગન ક્લબના પ્રમુખ તરીકે અને કોલ્ડસ્પ્રિંગ ફેક્ટરીના ડિરેક્ટર તરીકે ટી. મર્ચીસને સહીઓ કરી.