Harigeeta books and stories free download online pdf in Gujarati

Harigeeta

।। શ્રીસ્વામિનારાયણો વિજયતેતરામ્‌ ।।

શ્રી હરિગીતા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

।। શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ્‌ ।।

।। શ્રીહરિગીતા ।।

શ્રીહરિગીતા માહાત્મ્ય તથા તાત્પર્ય સંગ્રહ

આ હરિગીતા ત્રિવિધ તાપથી અત્યંત તપી ગયેલા જીવાત્માના તે તાપને ટાળવા માટે તથા તે તાપની તુરંત શાંતિ કરવામાં સમર્થ, શ્રીકૃષ્ણસેવારૂપ સુધાના અગાધ અખૂટ ધરામાં સ્નાનાર્થે પ્રવેશ કરવા ઇચ્છતા મુમુક્ષુ મનુષ્યોને પ્રયત્ન વિના સુગમ માર્ગરૂપ છે.

આ ગીતા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ : આ ચાર ઉત્તરોત્તર સોપાનો(પગથિયાં)થી સંપન્ન હોવાથી મુક્તિરૂપી મહામહેલ ઉપર ઠેઠ ચઢાવી દેનાર કોઇ અપૂર્વ અદ્‌ભૂત નિસરણી છે.

આ હરિગીતા શ્રીહરિકૃષ્ણના મુખકમળના મકરંદ રસરૂપ અને અનાદિ ભવમાર્ગના ભ્રમણશ્રમને જલ્દી ઉતારનારી છે. માટે સર્વ કોઇ મુમુક્ષુ મનુષ્યોએ સદા સેવવા યોગ્ય છે. જે ધર્મમાં નિરંતર આ લોકમાંથી પરલોકમાં અને પરલોકમાંથી આ લોકમાં વારંવાર જવા-આવવાના કેવળ કલેશમાત્ર ફળ નથી. જે ધર્મમાં પ્રમાદને લીધે અચાનક આવી પડતી આપત્તિઓ પણ પીડતી નથી તથા વેદવિધિમાં શ્રવણ થતાં વિવિધ ફળોદ્વારા જે વિરુધ્ધ ગતિ થાય છે, તે પણ જેમાં નથી. કારણ કે સર્વ કર્મનો ભક્તિમાં સમન્વય કરેલો છે; અર્થાત્‌ મુમુક્ષુ જે કર્મ કરે છે તે સર્વ ફળસંગ, કર્તૃત્વસંગ, મમત્વસંગનો ત્યાગ કરીને એક પરમેશ્વર પ્રીત્યર્થે જ કરે છે માટે તે કર્મો ક્યારેય પણ ફળદ્વારા બંધક થઇને વિપરીત ગતિ આપનારાં થતાં નથી.

વળી, જે ધર્મ સકળ કામનાઓથી દૂર રહેલો છે અર્થાત્‌ કામ સંકલ્પ વર્જિત છે, આવો નિષ્કામ ધર્મયોગ આ હરિગીતામાં વર્ણવ્યો છે. જે પુરુષ વિવિધ વિષયવાસનાથી વિકલ્પિત એવાં વિવિધ ફળોમાં જે દારૂણ દુરંત દુઃખ દેનારી સ્પૃહા છે તેનો બિલકુલ ત્યાગ કરીને ભગવાનના વિધિનિષેધરૂપ વચનને વશ થઇને રહે. તેમાં પોતાના વર્ણાશ્રમને ઉચિત જે જરૂરી કર્મ હોય એટલું જ કરે. અને જો પ્રજ્ઞાદિ સમગ્ર કર્મને કરે તો આ સર્વ પરમેશ્વરનું પ્રીણન છે એવી સંસ્કૃત બુધ્ધિથી કરે. એ જ પરમ ધર્મનિષ્ઠ કહેલો છે. મુમુક્ષુ મનુષ્ય આવી શુધ્ધ સ્વધર્મ માર્ગમાં દૃઢ નિષ્ઠાથી અત્યંત નિર્મળ મનવાળો થતાં શુધ્ધ બુધ્ધિથી આત્મ તત્ત્વને યથાર્થ પણે જાણીને, ક્ષરાક્ષરપુરુષ થકી સર્વથા વિલક્ષણ, સમસ્ત ચેતન-અચેતનના અધીશ્વર, પરમકારણ, પરબ્રહ્મ, પરમાત્મા શ્રી- નારાયણને નિશ્ચયથી જાણે છે.

આવી જ્ઞાનનિષ્ઠાવાળો આ પુરુષ પોતાના આત્મસ્વરૂપને સ્થૂલાદિ ત્રણ દેહ થકી વિલક્ષણ સ્વયંપ્રકાશ અને બ્રહ્માત્મક તત્ત્વથી જાણે છે.

આ પ્રકારે આત્મસ્વરૂપને જાણનારો પુરુષ જે સર્વ ઇશ્વરના ઇશ્વર, સર્વ કારણના કારણ, સર્વના અંતર્યામી, સર્વ કોઇએ સેવવા યોગ્ય એવા જે પરંબ્રહ્મ પરમાત્મા વેદાંતમાં કહ્યા છે, તે શ્રીકૃષ્ણ ભગવાન જ છે એમ યથાર્થપણે જાણે છે.

આ જીવાત્મા કાળકર્મના અભિઘાતથી ઉત્પન્ન થયેલા માયારૂપી ચક્રના ભ્રમણમાં સંલગ્ન થતાં તેના ભ્રમણથી વિશેષ ભ્રાંત થયો છે. અને માયાગુણથી તેનું જ્ઞાનતેજ આવરિત થયેલું છે. કેવળ વિજ્ઞાનઘન સ્વચ્છ છે તે દુઃખ પરંપરાને ક્યારેય પણ અર્હ નથી. આવો શુધ્ધ આત્મા પરમાત્માના પરમાનંદરૂપ સામ્રાજ્યોના અનુભવને લાયક છે. આવી રીતે દેહ, આત્માનું વિવેચન કરીને જાણતા પુરુષને એવો વિવેક થાય છે. શુદ્ધ સ્ફટિકમણિને સદૃશ વિજ્ઞાનઘન હું આત્મા ક્યાં ? અને ત્રિગુણમય, જડ, મોહ, શોક, રોગના સ્થાનભૂત આ દેહ ક્યાં ? એ બેમાં અત્યંત અંતર છે. નિત્યસિધ્ધ આનંદસ્વરૂપવાળો અને જન્મ- મૃત્યુએ રહિત એવો હું આત્મા ક્યાં ? અને ગર્ભ, જન્મ, જરા, મૃત્યુના દુઃખપ્રાય આ શરીર ક્યાં ? બેમાં બહુ તફાવત છે. નિરતિશય આનંદમય પરમાત્માની આનંદમયી સેવા ક્યાં ? અને આ દેહ, દેહા ભિમાનીઓની દુઃખમયી સેવા ક્યાં ? એ બેમાં અતિશય અંતર છે.

આ રીતે નિત્ય ગુણ-દોષનો વારંવાર વિચાર કરનાર અને આત્મમનન કરનારા મુમુક્ષુને પરમાત્મા સિવાયની બીજી વસ્તુમાત્રમાં તીવ્ર વૈરાગ્ય પામે છે.

આત્મા-અનાત્માના વિવેકથી ઉદય પામેલી સુદૃઢ વૈરાગ્ય સંપદાથી ક્યારેક આનંદમય શ્રીકૃષ્ણ ભગવાનમાં પરાભક્તિ પ્રગટ થાય છે; જે ભક્તિ વડે તે આનંદમય પરમાત્મા શ્રીકૃષ્ણને પામે છે. આનંદમયની પ્રાપ્તિ થકી બીજાું કોઇ નિઃશ્રેયસ પદ છે જ નહિ. અવિવેકી વિષયસંગીઓને જેવી વિષયોમાં ત્યજી ન શકાય તેવી પ્રીતિ હોય છે એવી પ્રીતિ પ્રેમથી સ્મરણ કરાતા શ્રીકૃષ્ણને વિષે દૃઢપણે થાય તો તે પરાભક્તિ કહેવાય. સ્વાર્થવર્જિત, પરાનુરાગગર્ભિત, જે શ્રીકૃષ્ણનું સ્મરણ છે તે જેમ કામુક નરને સ્મરણ વેગથી કામિની દેખાયા કરે તેમ પરમાત્માનું પ્રત્યક્ષપણું કરનારું થાય છે. આવી કૃષ્ણ વિશે પરાભક્તિ થાય એ જ પરમ પુરુષાર્થ છે. આથી અન્ય કોઇ પુરુષાર્થ નથી. આવો જ આ “હરિગીતા”નો ઉત્તમ તાત્પર્ય સંગ્રહ છે.

આ “હરિગીતા” ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વડે કલ્યાણ માર્ગની નિરતિશય શોભાને પોષણ કરનારી છે.

શ્રીહરિના મુખકમળમાંથી સ્વયં નીકળેલી પરમ મનોહર છે. જ્ઞાનામૃતને વર્ષનારી, ભવભયને વિનાશ કરનારી અને શ્રીકૃષ્ણના ચરણકમળ યુગલની સેવારૂપ સર્વોત્તમ સ્વાર્થને સિધ્ધ કરનારી છે, માટે સર્વ કોઇ મુમુક્ષુએ શ્રવણપાઠનાદિકથી સદા સેવવી.

શ્રીહરિગીતા

અધ્યાય : ૩૨

સત્પુરુષોનાં લક્ષણો

સુવ્રતમુનિ કહે છે-રાજન્‌ ! સર્વ સદ્‌ગુણોથી સંપન્ન એવાં પ્રેમવતીએ નારાયણના અવતારરૂપ પોતાના પુત્ર જે શ્રીહરિ તેમને પૂછ્યું.

પ્રેમવતી બોલ્યાં : કષ્ટ હરનારા મુમુક્ષુ પુરુષોએ શરણ લેવા યોગ્ય એવા શ્રી નારાયણ ઋષિ હરિ તમને હું નમસ્કાર કરું છું. હે હરે ! સંસૃતિની કારણભૂત માયા તે રૂપ જે અજ્ઞાન તેની જે પ્રકારે નિવૃત્તિ થાય તેનો મને ઉપદેશ કરો. હે રૂડી બુધ્ધિવાળા ! મેં પ્રાકૃત સુખનો ત્યાગ કર્યો છે અને તમારે શરણે આવી છું માટે મોક્ષની ઇચ્છાવાળી મને હિતકારી જે હોય તે કહેવા યોગ્ય છો. હું તમને સાક્ષાત્‌ નારાયણ ઋષિ એવા પ્રભુ જાણું છું. તમે આ વૃથ્વી ઉપર સર્વે પ્રાણીઓના રક્ષણને માટે દેહ ધાર્યો છે. હે હરે ! પ્રગટ પ્રતાપવાળા અને મનુષ્યદેહ ધારણરૂપી પોતાની માયાથી પોતાનાં અમાપ ઐશ્વર્ય, જ્ઞાન વગેરે દિવ્યભાવને ગુપ્ત રાખનારા એવા તમે સૂર્ય જેમ અંધકારને નિવૃત્ત કરે તેમ મારા અજ્ઞાનનો નાશ કરો એવી હું પ્રાર્થના કરું છું.

શ્રીહરિ બોલ્યા : હે માત ! સાંભળો, મુમુક્ષુ તથા વિરક્ત થયેલાં એવાં તમને શાસ્ત્રસંમત અને વેદને જાણનારાઓએ નક્કી કરેલું હિત તમને કહું છું. મુમુક્ષુ પુરુષોએ શ્રીકૃષ્ણ ભગવાન જે સાક્ષાત્‌ વિષ્ણુ કહેવાય છે, તેમની જ માયાથી મોહ પામીને મનુષ્ય સંસારને પામે છે માટે જે જીવાત્માઓ તેમને શરણે જાય છે તે જ તરે છે. માટે પ્રથમ સત્પુરુષોનો સંગ કરીને તેમનું માહાત્મ્ય જાણીને સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સાથેની ભક્તિથી તે ભગવાનનું સેવન કરવું. હે મહાવ્રતે! સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણ અંગ સાથેની ભક્તિ હોય તો તેનો ક્યારેય કોઇ વિઘ્નથી પરાભવ થતો નથી. એ ત્રણ અંગમાં એકાદ વિઘ્ન થાય છે. પ્રધાન સંજ્ઞાવાળી કાર્યરૂપ જે માયા તથા મૂળ પ્રકૃતિરૂપ જે કારણ માયા તેની નિવૃત્તિ તો મનુષ્યોને ઉપર કહેલાં ત્રણ અંગોવાળી ભક્તિથી જ થાય છે; બીજી કોઇ રીતે નહીં. તે માયાની નિવૃત્તિ થતાં શુધ્ધ એવો કૃષ્ણનો સેવક શ્રીકૃષ્ણના પરમધામને પામે છે, જે ધામને શાસ્ત્રો બ્રહ્મ કહે છે, તે ધામમાં કાળ-માયાના ભયથી રહિત થઇને તે ભક્ત તે ધામમાં અનંત અને અક્ષય એવું પોતાનું મનોવાંછિત ભગવત પરિચર્યારૂપ સુખ તેને પામે છે.

સુવ્રતમુનિ કહે છે : વેદશાસ્ત્ર અને પુરાણ તથા પંચરાત્ર શાસ્ત્રના સિધ્ધાંતરૂપ એવું પોતાના પુત્રનું વાક્ય સાંભળીને પ્રેમવતી માતા ફરી બોલ્યાં. સર્વ શાસ્ત્રના તત્ત્વને જાણનારા ! તમોએ મને એ શાસ્ત્રોનો સિધ્ધાંત કહ્યો કે સ્વધર્માદિક ત્રણ અંગવાળી કૃષ્ણની ભક્તિથી જ કાર્ય-કારણરૂપ માયાની નિવૃત્તિ થાય છે. હે મહામતે ! એ સ્વધર્માદિક અંગોને વિસ્તારથી હું જાણવા ઉચ્છુ છું માટે સ્ત્રી સ્વભાવવાળી મને જે પ્રકારે તેનો બોધ થાય તેમ કરો. માહાત્મ્ય- જ્ઞાન પૂર્વક અને સ્વધર્માદિક અંગ તે સાથે એવી જે ભક્તિ તે જે સત્પુરુષથી પમાય તેમનાં લક્ષણો મને કહો. હે કૃષ્ણ ! ધર્મ વગેરેનાં લક્ષણોનું જુદું જુદું વિવેચન કહીને તત્ત્વતઃ મને કહો કેમકે તમે તો સર્વ શાસ્ત્રના સારને જાણનારા છો !

સુવ્રતમુનિ કહે છે :-ભક્તિમાતાએ આ પ્રમાણે પૂછેલા અને પુરાતન મુનિ છે નામ જેમનું એવા તે શ્રીહરિ ધર્માદિક જાણવાની ઇચ્છાવાળાં પોતાનાં માતા પ્રત્યે ઉત્સાહપૂર્વક બોલ્યા.

શ્રીહરિ બોલ્યા : હે માત ! પોતાના આત્માના કલ્યાણને ઇચ્છતાં આપે સર્વ જીવોનું હિતકારક અને ડાહ્યા પુરુષોએ પણ જાણવા યોગ્ય એવું આ ઠીક પૂછ્યું. હે સતી ! સ્વધર્માદિક અંગ સહિત શ્રીહરિની ભક્તિના કારણભૂત અને મુમુક્ષુ એ સેવવા યોગ્ય એવાં સાધુ પુરુષોનાં લક્ષણો પ્રથમ તમને કહું છું તે તમે શ્રવણ કરો.

તે દયાળુ, ક્ષમા કરવાના સ્વભાવવાળા, સર્વે જીવોનું હિત કરવાની ઇચ્છાવાળા, દેશકાળ અથવા પ્રારબ્ધકર્મથી પ્રાપ્ત દુઃખાદિકને સહન કરનારા, પરના ગુણોને દોષરૂપે નહિ જોનાર, રાગદ્વેષાદિથી રહિત હોઇ અંતઃકરણ ઉપર જય પામેલા તથા જેને કોઇ શત્રુ જ નથી એવા, ઇર્ષ્યા વિનાના, વૈર નહિ રાખનારા, માન નહિ રાખનારા, મત્સર વિનાના, જેમ ઘટે તેમ સર્વને માન આપનારા અને પ્રિય તથા સત્ય વચન બોલનારા, જીત્યો છે કામ જેણે, જીત્યો છે ક્રોધ જેણે, જીત્યો છે લોભ જેણે, વિદ્યાદિ સદ્‌ગુણના મદથી રહિત અહંતા-મમતા વિનાના અને સ્વધર્મમાં દૃઢ રીતે વર્તનારા, દંભ વિનાના, શુચિ એટલે આંતર તથા બાહ્ય શુધ્ધિવાળા, દાન્ત એટલે ઇન્દ્રિયોના નિગ્રહવાળા, સરળ સ્વભાવવાળા, જોઇતી જ વાણી બોલનાર, ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર, સ્વધર્મમાં સાવધાન રહેનાર, શીત-ઉષ્ણ વગેરે દ્વંદ્વ રહિત અને ધૈર્યશાળી, કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, આત્મહિતની વિરોધી વસ્તુનો સંગ્રહ નહિ કરનાર, બોધ કરવામાં નિપુણ, આત્મનિષ્ઠા અને સર્વે ઉપર ઉપકાર કરનાર, ભય વિનાના, કોઇ જાતની અપેક્ષા નહિ રાખનાર, દ્યુતાદિક વ્યસનથી મુક્ત, શ્રધ્ધાળુ, ઉદૃાર, તપમાં નિષ્ઠાવાળા અને તે વડે પાપથી મુકાયેલા; ગ્રામ્ય-વ્યવહારિક કથા-વાર્તાનો ત્યાગ કરતા, સચ્છાસ્ત્રોના વ્યસનવાળા, વિષયની આસક્તિથી રહિત, આસ્તિક અને વિવેકી, મદ્યમાંસ વગેરેના સંસર્ગથી રહિત, દૃઢ વ્રતવાળા, ચાડીચૂગલી તથા ચોરીના દુર્ગુણથી રહિત અને પારકાના ગુપ્ત વૃત્તાંતનો પ્રકાશ નહિ કરનાર, નિદ્રાને જીતનાર, આહાર નિયમિત કરનાર, સંતોષ રાખનાર, સ્થિર બુધ્ધિવાળા, અહિંસા વૃતિવાળા, તૃષ્ણાથી રહિત અને સુખ તથા દુઃખને સમાન ગણનાર, નહિ કરવા યોગ્ય કાર્યમાં લજ્જાવાળા, આત્મપ્રશંસા તથા પારકી નિંદા ત્યજી દેનાર, શાસ્ત્રમાં કહેલા બ્રહ્મચર્યને પાળનાર અને યમ તથા નિયમવાળા, આસન જીતનાર, પૂરક-કુંભક ને રેચકાદિ પ્રણાયામે કરીને પ્રાણને જીતનાર, શ્રીકૃષ્ણના ચરણકમળના દૃઢ આશ્રયવાળા, નિત્યે કૃષ્ણની ભક્તિ પરાયણ અને બધી ક્રિયાઓ કૃષ્ણને અર્થે જ કરનાર, શ્રીકૃષ્ણના અવતારનાં ચરિત્રો દરરોજ આનંદથી સાંભળતા તથા ગાતા અને શ્રીકૃષ્ણનું ધ્યાન કરનાર, ક્ષણમાત્ર પણ ભગવાનની ભક્તિ વિના જે કાળ જેમનો જતો નથી એવા લક્ષણે સંપન્ન એવાઓને તમારે હે નિષ્પાપ! સંત જાણવા. એવાં લક્ષણે યુક્ત સંતોના સમાગમથી જ માહાત્મ્ય-જ્ઞાનપૂર્વક સ્વધર્માદિ અંગે સહિત શ્રીકૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે.

હે માત ! એ સંતો થકી શ્રીકૃષ્ણના અવતારોનાં ચરિત્રોનું શ્રવણ થાય તથા સ્વયં શ્રીકૃષ્ણનાં અદ્‌ભુત ચરિત્રનું શ્રવણ પણ તેવાઓની પાસેથી જ થાય. વળી ગોલોક, અક્ષર,વૈકુંઠ વગેરે જે ભગવાનનાં ધામો તેમાં જે અનંત ઐશ્વર્યો છે તે પણ તેમનાથી જાણી શકાય છે. ક્ષીરસમુદ્રમાં રહેલા અને અક્ષરબ્રહ્મના તેજથી વ્યાપ્ત એવા શ્વેતદ્વીપધામનો મહિમા પણ એ સાધુઓથી જ પમાય છે. વૃદાંવન, દ્વારિકા, બદરિકાશ્રમ એ આદિ આ લોકમાં રહેલાં છે. શ્રીકૃષ્ણનાં અને તેમનાં અવતારોનાં નિવાસ્થાનોનું માહાત્મ્ય પણ એ સાધુઓના જાણવામાં આવે છે. ભારતવર્ષમાં પુલહાશ્રમ વગેરે મોટાં ક્ષેત્રો અને ગંગા તથા યમુના વગેરે તીર્થોનો શ્રીકૃષ્ણના સંબંધથી જે અદ્‌ભુત મહિમા છે તે પણ એ સત્પુરુષોથી જ જણાય છે. મુમુક્ષુઓ શ્રીકૃષ્ણ અને તમના અવતારનાં ચરિત્રાદિકનું શ્રવણ પણ સાધુઓ પાસેથી જ કરે છે અને તે માહાત્મ્યથી જ શ્રીકૃષ્ણને વિષે સ્વધર્માદિક અંગે સહિત ભક્તિ થાય છે(શ્લોક)હે માત! તે સત્પુરુષોનાં દર્શનથી, તેમનો સ્પર્શ કરવાથી, તેમને નમન કરવાથી, તેમની સેવા કરવાથી, તેમને ભોજન કરાવવાથી તથા ચંદન-પુષ્પાદિકથી તેમની પૂજા કરવાથી મનુષ્યોનાં અનેક જન્મનાં પાપ મૂળ સહિત નાશ પામે છે. શ્રીકૃષ્ણ ભગવાને સાધુપુરુષોને પોતાના હૃદય સમાન માનેલા છે, તે સત્પુરુષોના સમાગમથી મુમુક્ષુઓને અલભ્ય એવું આ લોકમાં કાંઇ જ નથી.

ઇતિશ્રી “સત્સંગિજીવન”માં નારાયણચરિત્રરૂપ ધર્મશાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં સત્પુરુષોનાં લક્ષણનું નિરૂપણ કર્યું એ નામે બત્રીસમો અધ્યાયઃ

અધ્યાય : ૩૩

વર્ણાશ્રમધર્મ નિરૂપણ

શ્રીહરિ કહે છે-હે માત ! ભક્તિનાં અંગભૂત અને મનુષ્યોએ સેવવા યોગ્ય એવાં સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યનાં જાુદાં જાુદાં લક્ષણો હું તમને કહું છું. તે ત્રણમાં જે ધર્મ છે તે, બ્રહ્માદિ ઇશ્વરો સહિત ભૂરાદિ ત્રણે લોકોનો ધારક છે અને તે ધર્મ જીવો તેમજ બ્રહ્માદિ ઇશ્વરોએ પણ સર્વદા (એટલે મોક્ષ પામ્યા પછી પણ) ધારવા યોગ્ય છે. જાતિ અને કુળથી નીચ હોય છતાં જે પુરુષ સ્વધર્મનિષ્ઠ હોય તે બ્રહ્માદિ દેવોએ પણ પૂજવા યોગ્ય છે અને પ્રશંસા યોગ્ય છે અને ઐશ્વર્યવાન એવા બ્રહ્માદિક પણ જો કદી સ્વધર્મથી ભ્રષ્ટ થયા હોય તો તે તુચ્છ મનુષ્યોથી પણ નિંદા પામવા યોગ્ય છે. મનુષ્યોમાં તે ધમ પણ વર્ણાશ્રમના વિભાગથી શ્રુતિ-સ્મૃતિ અને સદાચાર વડે પૃથક્‌ પૃ થક્‌ પ્રમાણે ગણેલો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ અને બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી એ ચાર આશ્રમો કહેલા છે. હે મંગળરૂપ માત ! વર્ણ અને આશ્રમના સાધારણ અને વિશેષ એવા બે પ્રકારના ધર્મ છે તે બંને હું સંક્ષેપથી તમને કહું છું.

અહિંસા, સત્ય, ચોરી ન કરવી, કામ તથા લોભ અને ક્રોધને જીતવા, તથા મદ્યમાંસ અને પરસ્ત્રી વગેરેનો ત્યાગ કરવો; સંકરતાના હેતુરૂપ એવાં પાપકર્મો એટલે કે વટલવું, વટલાવવું વગેરે ક્રિયાઓનો ત્યાગ કરવો તથા સત્પુરુષોની સેવા અને ભગવાનની ભક્તિ એ મનુષ્યના સાધારણ ધર્મો છે. શમ, દમ, તપ, જ્ઞાન, દયા, શ્રધ્ધા તથા ક્ષમા વગેરે બ્રાહ્મણના સ્વાભાવિક ધર્મો કહેલા છે. શૌર્ય, ધૈર્ય, બળ, ઉદારતા તથા સાધુ, ગાય અને બ્રાહ્મણનું રક્ષણ કરવું એ ક્ષત્રિયોના સાધારણ ધર્મો છે. અને ખેતી, વેપાર, ગાયની રક્ષા, વ્યાજવટું એ વૈશ્યોના સ્વાભાવિક ધર્મો છે. હે નિષ્પાપ ! ત્રણે વર્ણોની સેવા કરવી તે શૂદ્રનો ધર્મ છે અને તે ચારવર્ણ વિનાના બીજી વર્ણસંકર જાતિના મનુષ્યોનો હિંસા, ચોરી, વ્યભિચાર વિગેરે દોષે રહિત પોતાની કુળ પરંપરાનાં શ્રેષ્ઠ કર્મ કરવાં તે ધર્મ છે. બ્રાહ્મણો માટે યાજન, અધ્યાપન વગેરે, ક્ષત્રિયોને તલવાર આદિ આયુધો ધારણ કરવાં અને વૈશ્યોએ ખેતીવાડી તથા વેપાર કરવો એ તેમની જીવિકાનાં સાધન છે. અને શૂદ્ર માટે ત્રણે વર્ણની સેવારૂપ આજીવિકા કહી છે. આપત્તિકાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ વૈશ્ય વૃત્તિ કરવી અને વૈશ્યોએ શૂદ્રની વૃત્તિ કરવી અને આપત્તિમાં આવેલ શૂદ્રોએ સૂપડાં, ટોપલાં બનાવવારૂપ આજીવિકા કરવી. ત્રણ વર્ણનો જે પુરુષ યજ્ઞોપવિત વગેરે સંસ્કારને પામેલો હોય તે બ્રહ્મચર્યાશ્રમમાં રહ્યો થકો વેદવિદ્યા માટે ગુરુનો આશ્રય કરે. તેણે કૌપીન, બે આચ્છાદનના કટવેડા વગેરે જરૂરી વસ્ત્રો, મૃગચર્મ, કાંબળી, રેશમી મુગટો અને દંડ કમંડળ રાખવું. જપ કરવાની માળા, યજ્ઞોપવિત, મસ્તક પર જટા, અને દર્ભને ધારણ કરે. કાજળ આદિ નેત્રનું અંજન, તેલથી સ્નાન, ચંદનાદિ સુગંધી, પુષ્પમાળા વગેરે આભરણની શોભાનો ત્યાગ કરે. મોટા સંતપુરુષોનો સંગ એ મુક્તિનું દ્વાર છે. અને સ્ત્રીલંપટ પુરુષોનો સંગ તે સંસૃતિનું દ્વાર છે માટે મોટા પુરુષોનો સંગ કરે અને સ્ત્રીલંપટોનો ત્યાગ કરે. સ્ત્રીઓનો આઠ પ્રકારનો ત્યાગ કરવો અને તેમનો સ્પર્શ તો સર્વ પ્રકારે ત્યાગવો અને ગુરુપત્નીને પણ દૂરથી જ વંદન કરવા. તે બ્રહ્મચર્યના વ્રત ધરનારે મૈથુનવાળા કોઇ પણ પ્રાણીને બુધ્ધિપૂર્વક જોવું નહીં. તે બ્રહ્મચારીએ વળી દેવતાની પ્રતિમા વિનાની સ્ત્રીઓની ચિત્રરૂપે આલેખેલી પ્રતિમાનો પણ સ્પર્શ ન કરવો તથા ગુરુની સેવા ભક્તિપૂર્વક કરવી. સવાર, બપોર અને સાંજ એમ ત્રણ સમયની સંધ્યા કરે. શક્તિ મુજબ ગાયત્રીનો જપ અને સવારે તેમજ સાંયકાળે મૌન રાખે. તેણે સવાર તથા સાંજે અગ્નિમાં હોમ કરવો અને ભિક્ષાટન કરવું તથા વેદાભ્યાસ કરવામાં તત્પર અને જિતેન્દ્રિય થઇને ગુરુકુળમાં વાસ કરે. છ અંગે સહિત તેમજ અર્થ સાથે વેદ દેશકાળને અનુસરીને જાણવા તથા યથાશક્તિ ગૃહસ્થાશ્રમ પ્રવેશ નિમિત્તે સ્નાન કરે. જો તેને વૈરાગ્ય ન હોય તો ગુરુને ઇચ્છિત દક્ષિણા આપી ગૃહસ્થાશ્રમ સ્વીકારવો પણ જો તે વૈરાગ્યવાન હોય તો વાનપ્રસ્થ કે સંન્યાસાશ્રમ સ્વીકારે.

ગૃહસ્થ થવા ઇચ્છનારે સારા કુળમાં ઉત્પન્ન થયેલી, સમાન જાતિની, પોતાથી વયમાં નાની અને નિર્દોષ એટલે વાણીથી પણ બીજાને દાનમાં નહીં અપાયેલી તેવી કન્યાને પરણે. તે ગૃહસ્થાશ્રમીએ સમન્ત્ર સ્નાન, ત્રિકાળ સંધ્યા, હોમ, તર્પણ, વિષ્ણુનું પૂજન, વેદાધ્યયન અને વૈશ્વદેવ આટલાં કર્મો હંમેશા કરવાં. આપ્તકાળ હોય તો તેણે મધ્યાહ્ની સંધ્યા પ્રાતઃકાળમાં કરવી અને પાતઃકાળ મધ્યાહ્ને કરે પણ સાયં સંધ્યા તો રાત્રિના આરંભમાં જ કરે. સંધ્યાવંદન, ગાયત્રી, જપ અને વિષ્ણુપૂજનથી રહિત એવો ગૃહસ્થ વિપ્ર બેચાર વેદ જાણનાર હોય તો પણ શૂદ્ર છે એમાં સંશય નથી. તે ગૃહસ્થ વિપ્રે સ્નાન કર્યા બાદ ધોયા વિનાના સૂતરના વસ્ત્રનો સ્પર્શ ન કરવો તથા સ્નાન રહિત અથવા અપવિત્ર પુરુષે સ્પર્શ કરેલા વસ્ત્રનો પણ સ્પર્શ ન કરવો. ત્રણે વર્ણના ગૃહસ્થાશ્રમીઓએ ધન-ધાન્યાદિ વૈભવ સતે પોતાના વિવાહકાળમાં તથા પિત્રીધનના વિભાગમાં અગ્નિહોત્રનું ગ્રહણ કરવું. તેણે માતા-પિતાદિનું પોષણ કરવું પણ તેમને પીડવાં નહીં અને અતિથિને પણ અન્નજળ તથા વસ્ત્ર વડે સદા સંતોષ આપવો. તેણે સાધુપુરુષોનો સમાગમ અને શ્રીહરિની નવધા ભક્તિ કરવી, કુસંપનો ત્યાગ કરવો અને મૂઢની પેઠે ઘરમાં આસક્તિ રાખવી નહીં. તેણે સઘળા જીવો કરતાંય ભગવાનના એકાંતિક ભક્તોને સત્કાર, રક્ષણ તથા પૂજનાદિકમાં અધિક જાણવા; કેમકે પાષણાદિકથી તૃણ વગેરે ઉત્તમ છે, તેથી અન્નઔષધિ વગેરે શ્રેષ્ઠ છે, તેથી લતા શ્રેષ્ઠ છે, તેથી આંબા વગેરે વૃક્ષો અને તેથી દેવકુળ ઉત્તમ છે. આમ સ્થાવર પ્રાણીઓમાં ન્યૂનાધિક ભાવ છે. તે જ પ્રમાણે જંગમ પ્રાણીઓમાં પણ ન્યૂનાધિક ભાવ છે તે કહું છું.

કીડી આદિકથી પતંગિયાં આદિ શ્રેષ્ઠ છે, તેનાથી સુગંધના જ્ઞાનવાળા ભ્રમરો આદિક શ્રેષ્ઠ છે, તેથી ચકલી આકાદિ શ્રેષ્ઠ છે, તેથી શશલાં આદિ શ્રેષ્ઠ છે, તેથી બકરાં આદિક શ્રેષ્ઠ છે, તેથી ગાયો આદિક શ્રેષ્ઠ છે, તેથી મનુષ્યો અને મનુષ્યોમાં પણ ચાર વર્ણ શ્રેષ્ઠ છે, તેમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેમાં પણ સ્વવર્ણાશ્રમ ધર્મનિષ્ઠ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને તેમાં પણ કેવળ આત્મજ્ઞાનયોગનિષ્ઠ શ્રેષ્ઠ છે અને તેથી પણ શ્રીહરિના એકાંતિક ભક્તો શ્રેષ્ઠ છે, તેઓમાં શ્રીહરિનો નિરંતર વાસ છે, એટલે તેમનાથી કોઇ શ્રેષ્ઠ નથી. જે પુરુષો એ પ્રકારના તારતમ્યને જાણતા નથી તે પૂજ્ય અને અપૂજ્ય વિષે સમાન બુધ્ધિ રાખવાથી દોષ પામે છે માટે સત્‌ અસત્‌નો વિચાર કરવો. વૈષ્ણવ એવા ગૃહસ્થાશ્રમીએ ચંદન-પુષ્પોની માળા, ઘરેણાં તથા અન્નવસ્ત્રાદિક ભક્તિથી શ્રીહરિને ચરણે ધરીને વાપરવું તથા દેવો તેમજ પિત્રીઓનું વાસુદેવ બુધ્ધિથી પૂજન કરવું અને સમયે આવ્યે વિધિપૂર્વક પિત્રીઓનું શ્રાધ્ધ કરવું. હે સતી, ખેડ વિના ઊગેલાં એવા નમાર તથા સામો વગેરે મુનિ અન્નો વડે તેમજ ખેડવાથી ઊગેલાં અને પવિત્ર એવાં ડાંગર વગેરે ધાન્યોથી શ્રાધ્ધ કરવું.

આપત્તિકાળમાં કોઇ ગંગા વગેરે તીર્થોમાં અગર સંક્રાંતિ આદિ પુણ્યકાળમાં પણ શ્રાધ્ધમાં માંસ ન આપવું કેમકે પિતૃગણો વિષ્ણુના ભક્ત હોવાથી તેમને અહિંસા ધર્મ જ અતિ પ્રિય છે. જે દેવીને મદ્યમાંસનું નૈવેદ્ય ધરાતું હોય અથવા જેની આગળ જીવહિંસા થતી હોય તે દેવદેવીને વંદનાદિ ન કરવાં તથા દેશકાળને અનુસરીને પોતપોતાના અધિકાર મુજબ અને પોતાની સંપત્તિ પ્રમાણે શાસ્ત્ર મુજબ તીર્થયાત્રા તથા વ્રતો કરવાં પુણ્યદેશમાં પુણ્યકાળે પુણ્યશાળી પાત્ર જોઇને જો થોડું ઘણું પણ પુણ્ય કરવામાં આવે છે તો તે અક્ષય થાય છે. ધનાઢ્ય એવા ગૃહસ્થોએ રમણીય અને અતિશે દૃઢ એવું વિષ્ણુનું મંદિર કરાવવું અને તેની આજીવિકાનો પ્રબંધ કરી ભગવાનની પૂજા કરાવવી. ધનાઢ્ય ગૃહસ્થે હિંસા રહિત, બહોળી દક્ષિણાવાળા અને વિષ્ણુ જેમાં પ્રધાન દેવતા છે એવા યજ્ઞો કરવા તથા ભગવાનની પૂજાને ઉપયોગી એવાં વાવ, કૂવા, તળાવ અને ફળફૂલવાળા બગીચાઓ વગેરે કરાવવાં.

વળી સાધુ અને બ્રાહ્મણોને બહુ ઘી તથા સાકરવાળા ઉત્તમ ભોજનથી તૃપ્ત કરવા અને તેમનો ક્યારેય તિરસ્કાર ન કરવો તથા સત્પુરુષોની સાથે નિષ્કપટપણે વર્તવું. ગૃહસ્થે ક્યારેય અતિલોભી, અતિકામી, અતિક્રોધી કે મત્સરવાળા ન થવું તેમજ અતિ માની ન થવું. પ્રાણીઓ ઉપર દયા કરવી. વળી નિકટના સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો ગૃહસ્થે જાણી જોઇને આપત્તિકાળ વિના કદી સ્પર્શ ન કરવો. તેમજ ગૃહસ્થાશ્રમીએ આપત્તિકાળ વિના પોતાની માતા, બહેન કે દીકરીની સાથે પણ એકાંતમાં ન રહેવું. તેમજ પ્રયાગાદિ તીર્થોમાં પણ આત્મઘાત અગર બીજાનો ઘાત મુક્તિના હેતુથી પણ કરવો નહીં અને સદાય ધર્મનિષ્ઠ રહેવું.

હવે સધવા સ્ત્રીના ધર્મ કહે છેઃ સધવા સ્ત્રીઓએ શાસ્ત્રમાં કહેલા પતિવ્રતાના ધર્મમાં તથા ધર્મને વિરોધી એવી ચપળતાનો ત્યાગ કરીને પોતાના પતિની નિરંતર દેવની પેઠે સેવા કરવી.

હવે વિધવાના ધર્મો કહે છેઃ વિધવા સ્ત્રીઓએ રમા કહેતાં લક્ષ્મીજીના પતિ એવા શ્રીકૃષ્ણની (પ્રતિમારૂપે) પતિબુધ્ધિથી સેવા કરવી અને પોતાના દેહનું વ્રત વગેરેથી દમન કરવું તથા પોતાનાં સગાંથી બીજાજનોને કદી જોવાં નહીં તથા તેમનો સ્પર્શ ન કરવો. કેની પેઠે ? કે જેમ ત્યાગી પુરુષ અષ્ટ પ્રકારે સ્ત્રીમાત્રનો ત્યાગ રાખે તેમ. વળી વિધવા સ્ત્રીઓએ આપત્તિકાળ વિના પોતાના પિતા તથા પુત્રાદિ સંબંધીજનોની સાથે પણ એકાંતમાં ક્યારેય રહેવું નહીં.

વાનપ્રસ્થાશ્રમના ધર્મો ચાર શ્લોકથી કહે છેઃ આયુષ્યનો ત્રીજો ભાગ એટલે એકાવન વર્ષ થતાં ગૃહસ્થે વનમાં પ્રવેશ કરવો. તે જો પોતાની સ્ત્રી સુશીલ હોય તો તેની સાથે વનમાં જવું; નહીં તો એકલા જ જવું. તેણે વનમાં ગ્રીષ્મઋતુમાં પંચાગ્નિ સેવવો, શિશિર ઋતુમાં જળાશયમાં નિવાસ કરવો અને વર્ષાઋતુમાં વરસાદની ધારાઓ સહેવી અને એક વિષ્ણુની જ ભક્તિપરાયણ થવું. તેણે નમાર વગેરે ધાન્યથી તથા ફળાદિકથી અગ્નિહોત્રાદિક કરવાં અને અગ્નિના સંરક્ષણ માટે પર્ણકુટી બાંધવી અને પોતે તો બહાર માટીની વેદિકા પર આસન કરે. ખેડ્યા વિના પોતાની મેળે પાકેલાં અને પોતેજ આણેલાં એવાં સામો, નિવાર અને કંદમૂળાદિક વડે પોતાની જીવિકા કરે અને પોતાની શક્તિને અનુસરી વનમાં રહી ચતુર્થાશ્રમ સ્વીકારે.

હવે સન્યસ્ત આશ્રમના ધર્મો કહે છેઃ સંન્યાસીઓ એક ગોદડી, બે કૌપીન, તે ઉપર ઢાંકવાનાં બે વસ્ત્રો તથા દંડ અને કમંડળ ધારણ કરવાં. નારાયણ પરાયણ એવો એ યતિ જે તે નિત્યે અષ્ટાક્ષર મંત્રનો જપ કરે અને જ્ઞાન તથા વિજ્ઞાન તેને મેળવીને શ્રીહરિની ભક્તિ કરે. આપત્તિ પડ્યા વિના વર્ષાઋતુ સિવાયના દિવસોમાં તેણે ક્યારેય એક સ્થળમાં નિવાસ ન કરવો અને પવિત્ર બ્રાહ્મણના ઘરમાં એકવાર ભિક્ષાથી પ્રાપ્ત અન્નનું થોડું ભોજન કરે તથા એકાદશી આદિક જે શ્રીહરિનાં વ્રતો તે વિધિપૂર્વક કરે અને જીતાત્મા તથા જિતેન્દ્રિય થઇને બ્રહ્મચર્યનું પાલન કરે. વાનપ્રસ્થ અને સંન્યાસ એ બે આશ્રમોનો કળિયુગમાં નિષેધ છે માટે વૈરાગ્યવાન એવો બ્રહ્મચારી અથવા ત્રણે વર્ણનો ગૃહસ્થાશ્રમી પુરુષ વાસુદેવ ભગવાનની મહાદીક્ષાને ગ્રહણ કરી વૈષ્ણવ થાય અને પોતાના આશ્રમમાં રહીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરી ભગવાનને ભજે અથવા તો પોતાના કુટુંબનો ત્યાગ કરી આગળ કહેલાં લક્ષણોવાળા સાધુઓનાં મંડળોમાં રહીને સાધુનાં શીળવૃત્તાદિ યુક્ત થઇ જડભરતની પેઠે શ્રીકૃષ્ણનું ભજન કરે. તેણે કાષ્ઠની પણ સ્ત્રીની પ્રતિમાને પણ જોવી નહીં અને તેનો સ્પર્શ પણ કરવો નહીં તથા સુવર્ણ વગેરે ધનનો ત્યાગ કરી પોતાના હિતના ઉદ્યમમાં રહેવું. સ્ત્રીઓનો તથા સ્ત્રીલંપટ પુરુષોનો સંગમાત્ર શ્રીહરિ વિના મુક્તોને પણ બંધનકારક છે માટે તેનો બધી રીતે ત્યાગ કરવો. સ્ત્રીના પ્રસંગથી જ્ઞાન, ભક્તિ, તપ, ત્યાગ તથા સચ્છાસ્ત્રોનું ચિંતન વગેરે ગુણો પણ વ્યર્થ થાય છે માટે કાળી સર્પિણીઓની પેઠે મુમુક્ષુઓએ સ્ત્રીઓથી ભયશીલ રહેવું અને સમાધિનિષ્ઠ પામેલા પુરુષોએ પણ તેનો દૂરથી ત્યાગ કરવો. કામ, ક્રોધ, લોભ, કુત્સિત શબ્દાદિ વિષયોમાં પ્રીતિ તથા નાના પ્રકારના રસોની ઇચ્છા એ છ નરકનાં દ્વાર છે માટે સાધુપુરુષોએ તેનો ત્યાગ કરવો.

વળી જિતેન્દ્રિય એવા ત્યાગીએ બ્રહ્મચર્યનું અષ્ટ પ્રકારે રક્ષણ કરવું અને શ્રીહરિની ભક્તિ પ્રીતિપૂર્વક નવ પ્રકારે કરવી. વિષ્ણુની સેવા વિના તો તેણે ચાર પ્રકારની મુક્તિની પણ ઇચ્છા ન કરવી, તેમજ કૈવલ્ય મુક્તિની પણ ઇચ્છા ન કરવી; તો પછી સ્વર્ગાદિકની તો વાત જ શી? વિષ્ણુની સેવાથી બીજી વાસનાઓ નિર્મૂળ કરવામાં રોકાયેલા રહેવું અને કામાદિક અંતર્‌-શત્રુઓ પોતાના ચિત્તમાં ન પેસે તેમ વર્તવું; તેમજ અસત્‌ એવા દેશ, કાળ, ક્રિયા, શાસ્ત્ર, સંગ વગેરેનો ત્યાગ કરવો, સત્દેશકાળાદિકનો આશ્રય કરીને સન્માર્ગે વર્તવું. એ સર્વે ધર્મોમાંથી જેનો ભંગ થાય તેનું તે વર્ણાશ્રમીએ શાસ્ત્રમાં કહ્યા મુજબ પ્રાયશ્ચિત કરવું. હે માત! આ પ્રમાણે ચાર વર્ણ તથા ચાર આશ્રમના ધર્મો મેં પૃથક્‌ પૃથક્‌ તમોને સારી રીતે કહ્યા. હવે હું જ્ઞાનનાં લક્ષણ કહું છું.

ઇતિશ્રી“સત્સંગિજીવન”માં નારાયણચરિત્રમાં ધર્મ શાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં હરિગીતામાં વર્ણાશ્રમધર્મ નિરૂપણ એ નામે તેત્રીસમો અધ્યાય થયો.

અધ્યાય : ૩૪

જ્ઞાન સ્વરૂપ નિરૂપણ

શ્રીહરિ બોલ્યા : હે માત! જે વસ્તુ જે પ્રકારની હોય તેને તેવા પ્રકારે પ્રત્યક્ષ જાણવી તેને જ્ઞાનનું લક્ષણ કહે છે. તે જ્ઞાન બે પ્રકારનું કહેલું છેઃ એક આત્માનું જ્ઞાન તથા પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. આમાં આત્માને જીવ શબ્દથી કહ્યો છે. તે જીવ સર્વે શરીરમાં વ્યાપીને રહેલો છે અને બાહ્ય, અંતઃકરણ તથા તેમના દેવતાઓનો પ્રકાશક છે. જાગૃત, સ્વપ્ન તથા સુષુપ્તિ એ અવસ્થાઓ અને સ્થૂલાદિક શરીરોમાં તાદાત્મ્ય સંબંધથી બંધાયેલો છે; જો કે વસ્તુતઃ તો તેનાથી વિલક્ષણ છે જેમ કે અગ્નિ, લોઢાના ગોળામાં વ્યાપીને રહેલો છે તો પણ તે તેનાથી ભિન્ન છે તેમ.

હે માત ! આ શરીર જેમ બાળપણ વગેરેથી વિકાર પામે છે તેમ આત્મા વિકારોને પામતો નથી તે પ્રમાણે દેહનો નાશ થાય છતાં આત્માનો નાશ થતો નથી. તે આત્મા ત્રણે કાળમાં ચિદ્રૂપ, અક્ષર, સૂક્ષ્મ ન જાણી શકાય એવો રહે છે, આ પ્રકારે આત્માના સ્વરૂપને જાણવું તે આત્મજ્ઞાન કહેવાય છે. હવે હે માત! હું તમને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહું છું. શ્રીકૃષ્ણ જેઓ પરબ્રહ્મ તથા પરમાત્મા કહેવાય છે. તેમનામાં પ્રાકૃત ગુણ નથી, સકળ વિશ્વના અંતર્યામી હોવાથી વિષ્ણુ કહેવાય છે, તે માયિક ગુણોથી રહિત છે તથા ઇશ્વરના પણ ઇશ્વર છે, છ ઐશ્વર્યવાન હોવાથી ભગવાન કહેવાય છે અને આ વિશ્વમાં સર્વત્ર સર્વ પ્રકારે સર્વદા વાસ કર્યો છે માટે વાસુદેવ નામે કહેવાય છે; જેના સાક્ષાત્‌ સંબંધથી શ્રધ્ધા, કર્મ, જ્ઞાન તથા સ્થાન, દ્રવ્ય, કાળ, અવસ્થા વગેરે સર્વ ત્રિગુણી હોવા છતાં નિર્ગુણ થઇ જાય છે. તે સ્વતંત્ર છે, પોતાની મેળે જ પ્રકાશે છે તથા સર્વ કારણના કારણ છે અને બ્રહ્મપણાને પામેલાજનોએ પણ ઉપાસના કરવા યોગ્ય છે અને કોટિકોટિ સૂર્ય ના સરખી ક્રાંતિવાળા છે. વળી પ્રધાનાદિક અષ્ટાવરણથી વીંટાયેલા અનેક કોટિ બ્રહ્માંડો પણ જેમાં અણુની પેઠે રહેલાં છે તે અક્ષરબ્રહ્મ તેમનું ધામ છે. દિવ્યરૂપ, અક્ષરના આત્મા અને અક્ષરથી પર એવા અને સર્વ આત્માના પણ અંતર્યામી એવા અને અચ્યુત એવા એ શ્રીહરિ છે. કાળ, માયા, પુરુષ અને મહત્તત્વાદિક ચોવીસ તત્ત્વો તે, એક અને અદ્વિતીય બ્રહ્મ એવા પ્રભુની શક્તિઓ છે તથા આ પૃથ્વી ઉપર લોકના કલ્યાણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે, જેનામાં અનેક કલ્યાણકારી ગુણો છે તેમને પુરુષોત્તમ જાણવા. તે શ્રીકૃષ્ણ ભગવાન અસંખ્ય બ્રહ્માંડોને સર્જવાની ઇચ્છા કરતા થકા અક્ષર પુરુષરૂપ પોતાની શક્તિરૂપ મૂળ પ્રકૃતિના સામું જાુએ છે, તેથી તે મૂળપ્રકૃતિ ઇક્ષણાત્મક ગર્ભને ધારણ કરે છે એટલે કે પ્રકૃતિ ક્ષોભ પામી ગુણસામ્યતાનો ત્યાગ કરી ભગવત્સંકલ્પાત્મક ગર્ભને પામે છે, પછી તે મૂળપ્રકૃતિએ પુરુષોએ સહિત પ્રકૃતિ એવા અપર નામથી ઓળખાતાં પ્રધાન સંજ્ઞાવાળાં તત્ત્વો ઉત્પન્ન કર્યાં. પછી પ્રધાન નામે જે પ્રકૃતિના પતિ પુરુષ તે દ્વારા, પ્રધાન તત્ત્વોથી, જગતનાં કારણ મહત્તત્ત્વાદિક તત્ત્વોની ઉત્પત્તિ થઇ. તે પ્રમાણે શ્રીહરિની ઇચ્છાથી અસંખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે તેમાંથી એક બ્રહ્માંડની ઉત્પત્તિ કહું છું.

હે માત! એક બ્રહ્માંડની ઉત્પત્તિ પણ વિસ્તારથી કહેવી અશક્ય છે માટે તે પણ હું તમને સંક્ષેપમાં કહું છું. ભગવાનના સંકલ્પને આધીન એવા પુરુષે દૃષ્ટિ કરેલું અને સત્ત્વાદિ ત્રણ ગુણથી પ્રચુર એવી પ્રધાન નામની પ્રકૃતિથી જગતના અંકુરરૂપ મહત્તત્ત્વ ઉત્પન્ન થાય છે. હે સતી! પછી પ્રધાન નામની પ્રકૃતિથી વીંટયેલા મહત્તત્ત્વથી વાસુદેવ ભગવાનની ઇચ્છાથી સાત્વિક, રાજસ, તામસ એમ ત્રણ પ્રકારનો અહંકાર ઉત્તપન્ન થાય છે અને મહત્તત્ત્વ જેમ પોતાના કારણરૂપ પ્રધાન અને પ્રકૃતિથી વીંટાયેલું છે તેમ તે ત્રણ પ્રકારનો અહંકાર પણ પોતાનું કારણ મહત્તત્ત્વ તેનાથી વીંટાયેલો છે. તામસાહંકારથી શ્રીવાસુદેવ ભગવાનની ઇચ્છા વડે જ શબ્દની ઉત્પત્તિ થાય છે અને તે શબ્દમાંથી શબ્દ માત્રાવાળો આકાશ ઉત્પન્ન થાય છે. અહંકારથી વીંટાયેલો એ શબ્દ તન્માત્રાવાળા આકાશમાંથી સ્પર્શ ઉત્પન્ન થાય છે, તે સ્પર્શમાંથી સ્પર્શમાત્રાવાળો વાયુ ઉત્પન્ન થાય છે. આકાશથી વીંટાયેલા વાયુથી રૂપ ઊપજે છે. અને તે રૂપમાંથી રૂપતન્માત્રાવાળું તેજ ઊપજે છે. આ તેજમાંથી રસ થાય છે, રસતન્માત્રાવાળું જળ થાય છે અને તે જળ પોતાનું કરાણ તેજ તેનાથી વીંટાયેલું હોય છે. તે જળથી ગંધ થાય છે અને ગંધમાંથી ગંધતન્માત્રાવાળ ી પૃથ્વી થાય છે. તે પૃથ્વી પોતાના કારણરૂપ જળ વડે વીંટાયેલી છે અને તેથી તેનો વિશેષ એવી પરિભાષાથી વ્યવહાર થાય છે.

હે માત! આ જ્ઞાનપ્રકરણમાં આકાશ વગેરેની પંચમહાભૂતની સંજ્ઞા કહેવાય છે. અને શબ્દ, સ્પર્શ વગેરે પ્રાચીન તન્માત્રા સંજ્ઞા છે. હે માત! રાજસાહંકારથી શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિય, વાણી આદિ કર્મેન્દ્રિયો, સૂત્રાત્મા, મહાપ્રાણ અને બુધ્ધિ ઉત્પન્ન થાય છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિહ્‌વા, પ્રાણ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને વાક્‌, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિયો છે. સાત્ત્વિક અહંકારમાં બાહ્ય અને આભ્યંતર કરણ જે ઇન્દ્રિયો તથા તેના દેવતાઓ ઊપજે છે તથા મનની ઉત્પત્તિ થાય છે. દિશાઓ, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર કહેતાં વિષ્ણુ, મિત્રદેવ અને પ્રજાપતિ એ દશ દશ બાહ્ય ઇન્દ્રિયોના દેવતા છે અને ચંદ્રમા, બ્રહ્મા, ક્ષેત્રજ્ઞ, વાસુદેવ અને રુદ્ર એ ચાર આભ્યંતર મન આદિ ઇન્દ્રિયોના દેવ છે. એ સર્વે તત્ત્વસંજ્ઞાવાળા દેવો ભગવાનની ઇચ્છાથી જ પરસ્પર મળીને એટલે એક વિચારવાળા થઇને પોતાના સામર્થ્ય વડે વૈરાટ પુરુષના દેહને ઉત્પન્ન કરે છે. તે વિરાટ દેહમાં રહેલો આત્મા વૈરાજ પુરુષ-ઇશ્વરસંજ્ઞિક કહેવાય છે. તથા તે વૈરાજ પુરુષ પોતાના શરીરથી ઉત્પન્ન થયેલા ગર્ભોદક નામે જળમાં શયન કરવાથી સ્મૃતિઓમાં તેમને નારાયણ નામે કહેલા છે. તેમના નાભિકમળમાંથી રજોગુણ પ્રધાન બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને ઇશ્વર એવા શ્રીકૃષ્ણ ભગવાન તે દ્વારા સર્વે જીવોને સૃજે છે. એટલે કે સૂક્ષ્મભાવે રહેલા જીવોને નામરૂપનું પ્રદાન કરે છે. તેમનાં કેટલાકનાં નામ પ્રજાપતિ, મનુ, દેવ, ઋષિ, પિતૃગણ, ગંધર્વ, ચારણ, સિધ્ધ, યક્ષ, વિદ્યાધર, અસુર, કિંપુરુષ, અપ્સરાઓ, કિન્નર, સર્પ તથા બ્રહ્મ આદિ માતૃગણ, પિશાચ, રાક્ષસ, ભૂત, પ્રેત, વિનાયક, વૈતાલ, ઉન્માદ, કુષ્માંડ, વૃધ્ધગ્રહ, બાળગ્રહ તથા ગાય વગેરે પશુઓ, વનમાં ફરનારાં હરણ વગેરે મૃગો, પક્ષીઓ, વૃક્ષો, પર્વતો, સરિસૃપ-એક પ્રકારના સર્પો, તે સવાય બીજા સ્થાવર, જંગમ, પૃથ્વીમાં, જળમાં અને આકાશમાં ફરતા તથા પોતપોતાનાં કર્મો અને સત્ત્વાદિ ગુણો પ્રમાણે ઉચ્ચ-નીચ દેહને પામેલા સર્વને સૃજે છે. તેમાં કેટલાક કેવળ સત્ત્વગુણ પ્રધાન હોય છે, કેટલાક રજોગુણ અને કેટલાક તમોગુણ મિશ્રિત સત્ત્વ પ્રધાન હોય છે, કેટલાક સત્ત્વ અને રજ મિશ્રિત તમઃપ્રધાન હોય છે, કેટલાક કેવળ તમોગુણ પ્રધાન હોય છે, કેટલાક સત્ત્વ, તમ મિશ્રિત રજઃપ્રધાન હોય છે, અને કેટલાક તો ત્રણે ગુણથી રહિત નિર્ગુણ પણ હોય છે. તે જીવો સત્ત્વાદિ અને તેને અનુરૂપ સ્વભાવ જેને પ્રકૃતિ અથવા વાસના કહે છે તેના અનુગુણી સુકૃતિરૂપ પુણ્યકર્મ અને દૃષ્ટાંતરૂપ પાપકર્મ તથા પુણ્ય પાપરૂપ મિશ્રકાર્ય એમ ત્રણ પ્રકારે કર્મને કરે છે અને નિર્ગુણ જીવો તો શ્રીકૃષ્ણની ભક્તિ જ કરે છે. તે શ્રીકૃષ્ણ ભગવાન બ્રહ્મા વડે પ્રજાઓને સૃજાવે છે, વિષ્ણુરૂપથી તેનું રક્ષણ કરે છે અને શિવરૂપે સંહાર કરે છે. શ્રીકૃષ્ણ ભગવાન અક્ષર પુરુષરૂપે કરીને સર્વે જીવોને વિષે પ્રવેશ કરીને, દરેક તરફ સમભાવ રાખીને તેમને કર્મનાં ફળ આપે છે. તે પરબ્રહ્મ શ્રીનારાયણ જેને અક્ષરબ્રહ્મ, પુરુષ મૂળપ્રકૃત તથા તેનાથી ઊપજેલાં પ્રધાનપુરુષો અને તેથી ઊપજેલાં મહત્તત્ત્વાદિ સર્વે તત્ત્વો તથા બ્રહ્માંડની અંદર અને બહાર સંવત્સરાદિ સ્થૂળ અને પરમાણુ વગેરે રૂપ સૂક્ષ્મ કાળ તથા એ મહત્‌ તત્ત્વોના સમુહરૂપ વિરાટ અને તેના અધિષ્ઠાતા વૈરાજપુરુષો અને તેથી ઊપજેલા બ્રહ્માદિ સર્વે પ્રજાપતિઓ તે સર્વેના, રાજાઓના નિયંતા, એક સમ્રાટ ચક્રવર્તીની જેમ તે એક અદ્વિતીય નિયંતા છે. તે અક્ષરાદિકના મધ્યમાં જેને જેને આ વિશ્વના અધિકોરોમાં શ્રીકૃષ્ણ પરમાત્માએ યોજી દીધા છે. તે સર્વે તે પરમાત્માથી સર્વદા ભયભીત હોઇ તેમની આજ્ઞામાં વર્તે છે. હે માત! એ પ્રકારે તે સર્વે પરતંત્ર છે માટે તે પરમાત્મા જ એક સેવવા યોગ્ય છે.

આ પ્રમાણે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહ્યું જે જ્ઞાન ભગવાનના એકાંતિક સદ્‌ગુરુથી પામ્યા પછી બીજાું જાણવાનું કાંઇ બાકી રહેતું નથી. જે પુરુષ એ કહેલા પ્રકારથી સત્પુરુષોનો સારીરીતે સમાગમ કરીને આત્મસ્વરૂપ તથા જીવ, ઇશ્વર અને અક્ષરાદિ સર્વેના અધિપતિ શ્રીકૃષ્ણના સ્વરૂપને સારી રીતે જાણીને સંસારનાં બંધનોનો નાશ કરનાર શ્રીકૃષ્ણ પુરુષોત્તમની ઉત્તમોત્તમ ભક્તિ તથા ઉપાસના કરે છે તે પુરુષ અનાદિ સંસારનાં બંધનથી રહિત થઇ મુક્ત થાય છે.

ઇતિશ્રી “સત્સંગિજીવન”માં નારાયણચરિત્રરૂપ ધર્મશાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં જ્ઞાનસ્વરૂપ નિરૂપણ એ નામે ચોત્રીસમો અધ્યાય થયો.

અધ્યાય : ૩૫

વૈરાગ્ય સ્વરૂપ નિરુપણ

શ્રીહરિ બોલ્યા : હે સર્વેને યથાયોગ્ય માન આપનાર માતા! હવે હું તમને વૈરાગ્યનું સ્વરૂપ કહું છું.

ભગવાન વિના બીજે ઠેકાણે જે પ્રીતિનો અભાવ-અનાસક્તિ તેને વૈરાગ્ય કહેવાય છે. હવે એ બીજા ઠેકાણાની વિગત આપે છે. પોતાના શરીરમાં અપ્રીતિ, દૈહિક એટલે સ્ત્રી, ધન, પુત્ર, ગૃહ, પશુ, વાહન વગેરે સાધનો તથા ક્ષેત્રાદિમાં અરુચિ તેમજ શબ્દ વગેરે પંચવિષયના વિવિધ ભોગમાં તથા વસ્ત્ર-ઘરેણાં તથા રાજ્યના ભોગોમાં અરુચિ તેમજ સ્વર્ગાદિક પુણ્યલોક અને તેના બધાય ભોગવિલાસમાં અરુચિ અને તેમાંથી સર્વ પ્રકારે અનાસક્તિ કરવી તેને સ્પષ્ટ રીતે વૈરાગ્ય કહેલો છે.

પ્રેમવતી માતા કહે છે : હે કૃષ્ણ! આ પ્રકારનો વૈરાગ્ય જીવોને કેવી રીતે થાય? તે તમે મને કહેવાને યોગ્ય છો કેમકે તમે સર્વજ્ઞ છો.

શ્રીહરિ કહે છે : હે માત! પ્રધાન પુરુષ પર્યંત આ સર્વે પ્રાણીઓનો તથા તેમના લોક, ભોગ વગેરેનો નાશ થાય છે એ જોવાથી મનુષ્યોને વૈરાગ્ય થાય છે. હવે તે વિચારવાના પ્રકાર બતાવે છે. પ્રલય ચાર પ્રકારના છે, નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. તે ચાર પ્રકારના પ્રલયોમાં મૂળ પ્રકૃતિના કાર્યભૂત આ સમગ્ર બ્રહ્માંડ તથા બ્રહ્માદિ સ્તંબ પર્યંત સર્વે પ્રાણીઓ અને તેના સર્વ પ્રકારના ભોગ તેનો બળવાન એવો જે કાળ જે તે વિનાશ કરે છે એમ પ્રત્યક્ષ પ્રમાણોથી અખિલ વિશ્વના વિનાશનો વિચાર કરનારા મુમુક્ષુજનોને વૈરાગ્ય જરૂર ઉત્પન્ન થાય છે. જેમ એ પ્રલયના વિચારથી વૈરાગ્ય ઊપજે છે તે જ રીતે સર્વે શરીરીઓનાં અનેકવિધ દુઃખોનું અવલોકન કરવાથી પણ વૈરાગ્ય ઊપજે છે. તે દુઃખ સર્વે પ્રાણીઓનાં દુષ્કર્મના ફળરૂપ છે. આ પૃથ્વી ઉપર જેઓ કેવળ શિશ્ન અને ઉદરના સુખનું જ પોષણ કરનારા છે તેવા અસાધુ પુરુષોના સમાગમ થકી જ મનુષ્યો ભવિષ્યમાં અતિ દુઃખપ્રદ પાપકર્મમાં પ્રવૃત્ત થાય છે. તે અસત્‌ પુરુષોના સંગથી સદ્‌બુધ્ધિનો તથા ધર્મમાર્ગમાં સદ્‌રુચિનો નાશ થાય છે તથા કુસંગથી જ્ઞાનાદિ સર્વે સદ્‌ગુણોનો પણ નાશ થાય છે. અસત્‌ પુરુષોના સંગથી દેહમાં અહંબુધ્ધિ તથા સ્ત્રી, પુત્ર ધનાદિકમાં મમત્વબુધ્ધિ અતિશય વૃધ્ધિ પામે છે અને તેથી દેહાદિકમાં અત્યંત આસક્તિ થાય છે. દેહ, સ્ત્રી, પુત્રધનાદિકમાં અતિ આસક્તિ થયેલા જનો અહંતા અને મમતાને લીધે દેહાદિક સુખ માટે અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. દંભ, ચાડી ખાવી, શઠતા, જાૂઠું બોલવું વગેરેમાં તત્પર એવા તે પુરુષો પારકી થાપણો ઠગી લે છે તથા વિશ્વાસ રાખનારનો ઘાત કરે છે. સ્વાર્થ માટે બીજાના ઉપર કલંક મૂકનારા તથા બીજાના અર્થનો નાશ કરનાર, પાપથી ડર્યા વિના પારકાની હિંસા કરનારા તેઓ કેવળ અન્યાયથી જ કુટુંબનું પોષણ કરે છે. તે દુર્જનો ગમે તેવાં પાપકર્મ કરીને જ્યાં ત્યાંથી ધન લાવી તે વડે પોતાના કુટુંબનું પોષણ કરે છે. ધનાદિક મેળવવાની આસક્તિને લીધે પોતાના વેદોક્ત વર્ણાશ્રમ ધર્મનો પણ ત્યાગ કરી નિરંકુશ બનેલા એટલે યમનો પણ ભય ન ગણીને પાખંડધર્મનો વેશ ધરે છે. ગાય, બ્રાહ્મણ, સાધુ, વેદ, તીર્થ અને દેવતાઓ તેમનો દ્રોહ કરનારા દુરભિમાનીઓ, સત્પુરુષો અને દેવ-પ્રતિમા આગળ પણ અક્કડ વર્તનારા તથા વિષ્ણુની ભક્તિથી વિમુખ રહેનારા તે પાખંડીઓ માંસનું ભક્ષણ કરે છે તથા દારૂ પીએ છે, તેમજ લજ્જાથી રહિત, મદથી ઉદ્વત બનેલા તેઓ વારંવાર નહીં પીવાનું પીએ છે અને નહીં ખાવાનું ખાય છે તથા નહીં બોલવાના શબ્દો બોલે છે.

હે સતી! આ પૃથ્વી ઉપર એવા જે મનુષ્યો છે તે અંતકાળે મહાકષ્ટને પામે છે. અંતકાળે તેમને લેવાને અતિનિર્દય તથા વાંકા મુખવાળા, હાથમાં છે દોરડાં જેના એવા અને જોવાથી જ ભય ઉત્પન્ન કરનાર નેત્રોવાળા એવા યમદૂતો આવે છે. યમદૂતોના દર્શન માત્રથી જ તેઓના દેહનાં બંધનો તૂટી જાય છે અને ઉદ્વેગ પામી જાય છે, અને સર્વગાત્ર થરથર કંપે છે. આવી રીતે તે પાપીઓ અતિ વ્યાકુળ થઇ જાય છે. યમના દૂતો તે પાપીજનોને, આ સ્થૂળ શરીરની દૃઢ વાસનાવાળા લિંગ-શરીરમાં રોકી દઇને શરીર સાથે અતિ દીર્ઘ, દુઃખરૂપ માર્ગમાં ચલાવીને યમપુરીમાં લઇ જાય છે. માર્ગમાં અતિઘાતકી એવા યમકિંકરો મોટા ચાબુકો તથા લોખંડનાં દંડા વડે તેમને પીઠે વારંવાર તાડન કરે છે અને નથી કોઇ રક્ષક જેમનો એવા તે પાપીઓ ઊંચો સાદ કરીને રડે છે. સૂર્ય અને દાવગ્નિથી અતિ તપેલી રેતીવાળા અને ઘણા કાંટાવાળા માર્ગમાં ચાલવાને અશક્ત એવા પાપીઓને તે દૂતો અતિશય માર મારીને ચલાવે છે. ઉપર અને નીચે તાપ તથા મારના ઉગ્ર દુઃખથી પડી જતાં તે પાપીઓને યમકિંકરો મુદ્‌ગરાદિ વડે માર મારીને વારંવાર ઊભા કરી જેમ બને તેમ ઉતાવળા અને કોઇ સ્થળે વિશ્રાંતિ આપ્યા વિના ચલાવે છે. જેમ રાજાના ચાકરો ચોરલોકોને પકડીને રાજ્યમંદિરમાં પહોંચાડે છે તેમ તે યમના દૂતો તે પાપીઓને અતિદુઃખ આપીને યમપુરીમાં પહોંચાડે છે. તે દુષ્ટોનાં માનસિક, વાચિક તથા કાયિક સર્વે કર્મોને યમરાજા તથા ચિત્રગુપ્ત જાણે છે.“આ પ્રાણીએ મોક્ષના સાધનભૂત એવા મનુષ્યદેહને પામીને વ્યર્થ ગુમાવ્યો” એવો પોતે વિચાર કરીને અતિ ક્રોધથી તે યમરાજા તે પાપીઓની સામું પણ જોતા નથી અને દૂતો પાસે અતિદારુણ એવાં નરકનાં દુઃખો ભોગવાવે છે. તે યમપુરીમાં પાપીઓને ભોગવવા લાયક અતિ ભયંકર સો સો અને હજારેહજાર નરકકુંડો રહેલા છે.

હે માત! તે નરકકુંડમાં પાપકર્મ કરનારા પાપીજનો લાબાકાળ સુધી તીવ્ર વેદનાઓ પામે છે. તે નરકકુંડોમાંનાં કેટલાકનાં નામ તમને કહું છું. તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, મહારૌરવ, રૌરવ, કુંભિપાક, કાળસૂત્ર, અસિપત્રવન, અંધકૂપ, શૂકરમુખ, સંદશ, કૃમિભોજ, તપ્તસૂર્મિ, વૈતરણી, શાલ્મલી, વજ્રકંટક, પ્રાણરોધ, પૂયોદ, સારમેયાદન, લાલાભક્ષ, વૈશસન, અયઃપાન, અવીચિકા અને ક્ષારકૃમિ છે મુખ્ય જેમાં એવા હજારો નરકકુંડો છે તેમાં પડેલા દુષ્ટકર્મ કરનારા પાપીઓ અતિરુદન કરતા થકા નરકમાં દુઃખો ભોગવે છે. અતિક્રોધી એવા યમરાજા જે તે જે પાપીનું જેવું કર્મ છે તેવા કુંડમાં ઉગ્ર પીડા આપવામાં તત્પર એવા દૂતો પાસે નખાવે છે. તે યમપુરીમાં વજ્રના સરખા દાંતવાળા યમના દૂતો પાપીઓના હાથપગ વગેરે અવયવોને કુહાડાઓથી કાપી કાપીને ખાય છે અને તે દૂતો તે પાપીઓને તેના અવયવો ખવરાવે છે. અતિબળતા એવા અગ્નિમાં તે પાપીઓને બાળે છે તથા લોઢાની કઢાઇમાં તપાવેલા તેલમાં તળે છે તથા સર્પ, વીંછી તથા ગીધ અને કુતરાઓ કરડાવે છે. તેમનાં સજીવ આંતરડાંઓ હથિયાર વડે બહાર ખેંચી કાઢે છે(તો પણ તે મરતા નથી તેનું કારણ)તે નરકકુંડમાં પડેલા પાપીજનો પોતાના કર્મનાં ભોગ્યફળોને આધીન પડેલા હોવાથી મરણ પામતા નથી. તેમણે આ લોકમાં જે જે પ્રાણીઓની જે રીતે હિંસા કરી હોય છે તે પ્રમાણે તેવી જાતના હાથમાં ઉગ્ર દંડધારી દૂતો માર મરાવે છે. ક્યારેક તેમને હાથીઓ પાસે કચરાવે છે, ક્યારેક પર્વત ઉપરથી નીચે ગબડાવે છે, ક્યારેક ઝેરી અગ્નિના ધુમાડાવાળા સ્થાનમાં ગોંધી રાખે છે અને ક્યારેક ક્ષારમય ગારાવાળા જળમાં ગોંધી રાખે છે.

પરસ્ત્રીનો સંગ કરનારા તેઓને અગ્નિમાં તપાવેલી લાલચોળ લોઢાની પ્રતિમાઓનું આલિંગન કરાવે છે તથા પરસ્ત્રી તરફ કામભાવથી જોનારાનાં નેત્રોમાં લોહની તપાવેલી સળીઓ ઘોંચે છે તથા તેમના કાનમાં તપાવેલું સીસુ રેડે છે અને મુખમાં બળથી લોઢાનો રસ રેડે છે તથા વીર્ય, વિષ્ટા, મૂત્ર, પાચ વગેરેનું વારંવાર પાન કરાવે છે તથા તેમના શરીરની ચામડી ચીરીને મોટા મોટા સોયા વડે તેમને સીવે છે અને અતિક્રૂર એવા યમના દૂતો શેરડી પીલવાનાં યંત્રોમાં તે પાપીજનોને શેરડીની પેઠે પીલે છે. એ રીતે પાપીઓ ભયંકર પીડાઓ પામે છે અને પછી જરાયુજ, અંડજ, ઉદ્‌ભિજ અને સ્વેદજ એવી ચાર જોનિઓમાં જન્મે છે. ગર્ભવાસનું દુઃખ મોટું છે, જન્મનું દુઃખ તેથીય વધારે છે તથા તે પછી રોગથી થતાં દુઃખ વૃધ્ધાવસ્થાનું દુઃખ તથા મરણનું દુઃખ તેઓ વારેવારે પામે છે.

હે માત, આધ્યાત્મિક વગેરે ત્રણ પ્રકારનાં દુઃખો તે મનુષ્યો પોતાના કર્માનુસારે પામે છે અને રુદન કરતા થકા તે જીવો તીવ્ર વેદના ભોગવે છે. તેઓ ભારે દુઃખવાળી ચોર્યાશી લાખ યોનિઓમાં હજારોહજાર અને સો સો વર્ષ પર્યંત વારંવાર દુઃખોના અનુભવ કરતા થકા ભમે છે. આ પ્રમાણે જન્મમરણાદિ દુઃખરૂપ સંસૃતિઓને પામતા તે જીવો શ્રીકૃષ્ણની કૃપા થવાથી સંસારમાંથી મોક્ષ પામવાના સાધનરૂપ ઉત્તમ એવા આ નરદેહને પામે છે.

હે જનની! જેઓ આ મનુષ્યદેહને પામીને સાચા સત્પુરુષોના સમાગમરૂપ સત્સંગ કરીને શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરે છે તેઓ ઇચ્છા પ્રમાણે ઉત્કૃષ્ટ સુખના ભોગને પામે છે અને અંતે મોક્ષને મેળવે છે, પણ જે કુબુધ્ધિઓ અસત્પુરુષોના સંગીજનો અંતકાળે યમદૂતોના હાથે પડીને દુરંત એવાં યાતનાનાં દુઃખોને પામે છે. પછી ચોરાશી લાખ યોનિઓમાં પડે છે. આ લોકમાં જેઓ વારંવાર જન્મમરણાદિ દુઃખોનો વિચાર કરે છે તેઓને જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને પછી વૈરાગ્ય સત્પુરુષોના સમાગમથી વૃધ્ધિ પામે છે.

હે સતી! પછી વૈરાગ્ય પામેલા તેઓ દુષ્ટોના સંગથી ભય પામતા થકા દુઃખ ક્ષય અને ભયથી રહિત થઇ સદા આનંદરૂપ એવા શ્રીકૃષ્ણનો આશ્રય કરે છે. જેનામાં વૈરાગ્ય નથી તેને દુઃખ વિનાનું સુખ મળતું નથી અને તે મનષ્યોને વૈરાગ્ય વિના એકદમ ભક્તિની વૃધ્ધિ થતી નથી. હે માત! માયિક પદાર્થમાં વૈરાગ્ય પામેલાઓને શ્રીકૃષ્ણમાં પ્રીતિની વૃધ્ધિ થાય છે અને તેથી તેઓ પરમગતિને પામેછે.

હે માતા! વૈરાગ્યની ઉત્પત્તિના કારણ સહિત તેનું સ્વરૂપ મેં તમને કહ્યું. હવે મુમુક્ષુઓને અતિ ઇષ્ટ એવી ભગવાનની એકાંતિકી ભક્તિનું સ્વરૂપ તમને કહીશ.

ઇતિશ્રી “સત્સંગિજીવન”માં નારાયણ ચરિત્રરૂપ ધર્મશાસ્ત્રના પ્રથમ પ્રકરણમાં હરિગીતામાં વૈરાગ્યના સ્વરૂપનાં લક્ષણનું નિરૂપણ એ નામે પાંત્રીશમો અધ્યાય થયો.

અધ્યાય : ૩૬

એકાંતિકી ભક્તિનું સ્વરૂપ

શ્રીહરિ કહે છે : “ભજ”ધાતુનો સેવા એવો અર્થ થાય છે અને “ક્તિન્‌” પ્રત્યય પ્રેમરૂપ અર્થ થાય છે માટે અતિ સ્નેહથી ભગવાનની સેવા કરવી તેને ડાહ્યા માણસો ભક્તિ કહે છે. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની સેવા કરે છે તેમ મુમુક્ષુએ સર્વદા અનન્ય ભાવથી શ્રીહરિની સેવા કરવી. ભગવાનનું શ્રવણ તથા કીર્તન, તેમનાં ચરણોની સેવા, તેમનું પૂજન, વંદન, દાસભાવ, સખાપણું, આત્મનિવેદન એ નવ લક્ષણો ભક્તિનાં છે તે પૈકીનું એક લક્ષણ પણ હોય તેવા મુમુક્ષુ ભક્તિ સહિત મુક્તિ પામે છે.

હે માત! સ્વધર્મમાં રહેલા એવા તે શ્રીકૃષ્ણના ભક્તના મુખ થકી જ ભગવાનનાં જન્મકર્મની કથા સાંભળવી. મુમુક્ષુઓએ શ્રીકૃષ્ણ ભગવાનના વરાહ વગેરે આવતારોનાં ચરિત્રો પણ એવા જ વક્તાના મુખથી સાંભળવાં, તેમજ શ્રીકૃષ્ણના ભક્ત જે પ્રહ્લાદ તથા ધ્રૂવજી, પ્રિયવ્રત અને અંબરીષ આદિ ભક્તોની કથા પણ આદરથી સાંભળવી. વળી શ્રીરાધિકાજીના પતિનાં ચરિત્રો તથા ભગવાનના ભક્તોના ચરિત્રોનું કીર્તન કરવું તથા તેની કથાવાર્તા સદાય આદરથી કરવી. શ્રીકૃષ્ણ તથા તેમના ભક્તોના સંબંધના ગ્રંથો ભણવા તથા ભણાવવા તથા પોતાનું હિત ઇચ્છનારે તેનો રોજ પાઠ કરવો. વ્રજના ઇશ્વર એવા એ શ્રીકૃષ્ણમાં ગુણસંબંધવાળા છંદોબધ્ધ શ્લોકો અથવા સ્તોત્રાદિ અથવા ગદ્યપ્રબંધાદિ સંસ્કૃત કે પ્રાકૃત હોય તો પણ તેનું હર્ષથી પાન કરવું. જો પોતાને વીણા વગેરે વાજિંત્રો સહિત ગાનવિદ્યા આવડતી હોય તો તે વાદ્યે સહિત પદ્યોનું ગાન કરવું અગર તાળી વગાડીને ગાવું અગર તાળી વિના પણ ગદ્ય-પદ્ય પ્રબંધોનું ગાન કરવું.

હે માત! ભગવાનની પ્રાર્થના કે નામકીર્તન તે શ્લોકાદિકથી કરવું અથવા મનોહર વાક્યોથી કરવું. ભગવાનની મૂર્તિનું હૃદયમાં સાંગોપાંગ ચિંતવન કરવું કે એકેક અંગથી પાદ વગેરેનું ને મુખારવિંદ સુધ્ધાંનું ધ્યાન કરવું. વૃંદાવનચંદ્ર જે શ્રીકૃષ્ણ તેમના નામનું હૃદયમાં સ્મરણ કરવું તથા તેમના ચરિત્રો તેમજ ગુણોનો તથા મંત્રનો જાપ કરવો, તેમજ જગતના પતિ એવા ભગવાનનાં ધામ ગોલોક-વૈકુંઠનું તથા તેમાં રહેલા પાર્ષદો વગેરેનું સ્મરણ કરવું. તેમજ પ્રત્યક્ષ સત્પુરુષોના પતિ એવા પરમાત્માના ચરણ ચાંપવા વગેરે સેવા કરવી અને જો પ્રત્યક્ષ ન હોય તો તેમની મૂર્તિનું માનસિક ધ્યાન કરવું અને તેમાં જાણેહું પ્રભુનાં ચરણ ચાંપુ છું એવી ભાવના કરવી. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર જે ભગવાનનાં ચરણારવિંદની સેવાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા સંહાર કરવારૂપ સામર્થ્યને પામ્યા છે તથા જેમનાં ચરણોના સ્પર્શથી ત્રિલોકીમાં ગતિ કરનાર ગંગાજી સર્વે પ્રાણીઓને પવિત્ર કરે છે તથા જેમનાં ચરણકમલોના આશ્રયથી મુમુક્ષુજનોની અનાદિ અવિદ્યારૂપ માયા અને તેને ક્ષોભ પમાડનાર કાળ એ બન્નેની ભીતિ નાશ પામે છે તથા જે ભગવાનનાં ચરણારવિંદની રાધા, લક્ષ્મી તથા ઉધ્ધવાદિ ભાગવતજનો પ્રેમથી નિરંતર સેવા કરે છે તેથી તેવાં ચરણકમળને ક્યો મુમુક્ષુજન ન સેવે ?

હે માત! જે ચરણકમળોના સેવનથી આ પૃથ્વીમાં વ્રજની ગોપીઓ, રાધા તથા લક્ષ્મીજી કરતાં પણ ઉત્કૃષ્ટ અને કવિઓમાં શ્રેષ્ઠ એવા વ્યાસ-વાલ્મિકિ આદિ મહર્ષિઓએ પણ ગાન કરેલી એવી ઉત્કૃષ્ટ કીર્તિ પામી હતી અને વિવિધ લીલા તથા મનુષ્યતનુ જે વૃંદાવનચંદ્ર શ્રીકૃષ્ણનું જ છે તે પરમાત્માનાં ચરણારવિંદને સંસારના બંધનથી મુક્ત થવાની ઇચ્છા રાખનાર મુમુક્ષુઓએ પ્રેમથી સેવવાં. તે સિવાય સંસારમાંથી છૂટવાનો બીજો ઉપાય નથી.

હે માત! પરમ ભક્તોએ શ્રીકૃષ્ણની સેવા બે પ્રકારની કહી છેઃ એક આભ્યંતર અને બીજી બાહ્ય. તે શાસ્ત્રની વિધિ તથા પોતાની શક્તિ મુજબ કરવી. સત્પુરુષોથી જે પ્રમાણે સાંભળ્યા હોય તેવા શ્રીકૃષ્ણ ભગવાનનું પોતાના હૃદયકમળમાં ધ્યાન કરીને પછી મનમાં કલ્પેલા ઉપચારોથી સ્થિર ચિત્તે પૂજા કરવી એવો આદિ પૂજા પ્રકાર કહેલો છે અને શ્રીકૃષ્ણની બાહ્ય પૂજા જેવા મળી આવે તેવા તથા પોતાના અધિકાર પ્રમાણેના ઉપચારો અને વેદમાંના મંત્ર વગેરે વડે શ્રી વાસુદેવ ભગવાનનું પૂજન કરવું તેને બાહ્ય પૂજન કહે છે. તેમાં પ્રથમ આભ્યંતર પૂજા કરવી અને તે પછી બાહ્ય પૂજા. તે ચળ પ્રતિમાને વિષે શ્રીકૃષ્ણનું આહ્‌વાન કરીને તેનું પૂજન કરવું. મદ્ય-માંસના સંસર્ગથી રહિત, અપવિત્રતાના દોષથી મુક્ત તથા બીજા દેવોને અર્પણ નહીં કરેલા અને શાસ્ત્રમાં પ્રસિધ્ધ એવાં દ્રવ્યો વડે તે પૂજન કરવું. તે પૂજાનો પ્રકાર : શ્રીકૃષ્ણ ભગવાનને સ્નાન કરાવી પછી ઉચિત વસ્ત્રો તથા વિવિધ અલંકારો ઘટે તે સ્થાને ધરાવવાં. કુમકુમ અને કેસર તેણે યુક્ત ચંદન વગેરેનો લેપ ઋતુઋતુને અનુસરીને અતિ પ્રેમથી કરવો તથા કેસરયુક્ત ચંદન વડે લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. સુગંધી એવા પુષ્પોના હાર તથા ગુચ્છ તથા તોરાઓ ભગવાનને જેમ ઘટે તેમ ધરાવીને પછી દશાંગ ધૂપ તથા દીવો પણ અર્પણ કરવો. ઋતુને તથા પોતાની શક્તિને અનુસરી ભગવાનને જુદાં જુદાં નૈવેદ્ય ધરાવવાં અને વાજિંત્રના ઘોષ સહિત મોટી આરતી કરવી. પછી પ્રદક્ષિણા કરવી એટલે દક્ષિણભાગ ભગવાન તરફ રહે એવી રીતે પાંચ પ્રક્રમા કરવી, પછી સ્તવન કરવું, પછી પ્રાર્થના કરવી અને પછી પ્રણામ(સાષ્ટાંગ કે પંચાગ) કરવા. પ્રાતઃકાળ, સંગવકાળ, મધ્યાહ્નકાળ, અપરાહ્નકાળ તથા સાંયકાળ એ પ્રમાણે શ્રીકૃષ્ણનું ઉપર કહ્યા મુજબ પૂજન કરવું તે તેને ઉત્તમ કહેલું છે. પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ તથા સાંયકાળ એમ ત્રણ કાળમાં ત્રણ વાર જે અર્ચન કરવું તેને મધ્યમ કહેલું છે અને એક કાળે પૂજન કરવું તેને કનિષ્ઠ કહેલું છે. શ્રીકૃષ્ણના સર્વ જન્મના દિવસો જેવા કે જન્માષ્ટમી વગેરે તથા એકાદશીઓના દિવસે ગીત અને વાજિંત્ર સાથે મોટી પૂજા કરવી. તે દિવસે ઉપવાસ તથા જાગરણ પોતાની શક્તિ મુજબ કરવાં અને પારણાના દિવસે સાધુ તથા બ્રાહ્મણોને જમાડવા.

ધનિકોએ કૃષ્ણનાં ભવ્ય મંદિરો કરાવવાં અને તેમાં શ્રીકૃષ્ણની પ્રતિમાની પ્રતિષ્ઠા-મહોત્સવો સાથે કરવા તથા તે પ્રતિમાની પૂજાપધ્ધતિ-પરંપરા ચાલુ રહે તે માટે ગામ, ખેતર, વૃક્ષો તથા ધન અર્પણ કરી નિર્બાધ એવી તેની જીવિકા બાંધી આપવી અને તે વૃત્તિ સતત ચાલુ રહે એવો બંદોબસ્ત કરવો તથા શ્રીકૃષ્ણ ભગવાનની સેવામાં ઉપયોગી થાય તે માટે કૂવા, વાવ, તળાવ, બાગ-બગીચા વગેરે કરાવવા તથા હિંસા વિનાના વિષ્ણુયાગ તથા શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રો તથા જે ગ્રંથોમાં શ્રીકૃષ્ણ ભગવાનનું મુખ્ય રીતે પ્રતિપાદન કરેલું હોય તેવા ગ્રંથોનું પુરશ્ચરણ બ્રાહ્મણો પાસે કરાવવું. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરતાં બાકી વધેલા ચંદન વગેરે ઉપચારો વડે દેવતાઓ, પિત્રીઓ, સાધુઓ તથા બ્રાહ્મણોની પૂજા કરવી તથા ભગવાનને નૈવેદ્ય કરેલા અન્ન વડે તેમને જમાડવા.

હે શુચિવ્રતવાળાં : પુરુષોએ શ્રીકૃષ્ણને સાષ્ટાંગ વંદન કરવું અને ભક્ત એવી સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ જ કરવો એટલે સ્ત્રીઓએ અષ્ટાંગ પ્રણામ કરવાના નથી. શ્રીકૃષ્ણ ભગવાનના ચરણના સ્પર્શવાળી રજમાં આળોટવું અને તે ધૂળ પોતાના મસ્તકે ચડાવવી. માનનો દૂરથી જ ત્યાગ કરી ભગવાનનું દાસપણું કરવું અને સમયને અનુસરી ભગવાનની સર્વ પ્રકારની સેવામાં તત્પર રહેવું. શ્રીકૃષ્ણ ભગવાનને માટે પાણી તેમજ પુષ્પો તથા તુલસી પોતે જાતે જ લાવવાં તથા ચંદન પણ પોતે જ ઘસે અને પોતે પવિત્ર થઇને શુભ રસોઇ બનાવે તથા તાડના વીંઝણા વડે ઋતુને અનુસરી ભગવાનને પવન નાંખવો તથા ભગવાનના મંદિરમાં વાળવું-લીંપવું પણ પોતે જ કરે. વળી અન્ન, જળ, ફળાદિ વડે ભક્તજનોની પ્રીતિથી સેવા કરવી તથા નિર્માની થઇ તેમને પ્રણામ કરવા.

હે માનદ ! કૃષ્ણ ભગવાનની સાથે દ્વૌપદી તથા અર્જાુનની પેઠે સખાભાવ કરવો તથા ભગવાનને વિશે દેહ, સ્ત્રી, પુત્ર તથા પૈસો તેથી પણ અધિક સ્નેહ કરવો.

હે સતી! મનુષ્યભાવનું અનુકરણ કરતા તે ભગવાનની ક્રિયાઓમાં ક્યારેય દોષબુધ્ધિ કરવી નહિ અને ભગવાનનો જ દૃઢ વિશ્વાસ રાખવો.

હે જનની! હવે ભક્તિનું આત્મનિવેદન નામનું નવમું લક્ષણ સાંભળો. “આત્મા” શબ્દથી દેહ, ઇન્દ્રિય, મન અને સ્વભાવ એ સર્વે પ્રકારે કૃષ્ણ ભગવાનને માટે જ કરવાં. દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, સ્વભાવ તથા પોતાના પિતા તેમજ પુત્રાદિક જે સગાં તેમને આધીન થઇને ક્યારેય સ્વેચ્છાએ વર્તવું નહિ. દરરોજ ભગવાનને વશ વર્તવું અને બધી ક્રિયાઓ કૃષ્ણને અર્થે જ કરવી. કૃષ્ણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન કરનારો સ્વભાવ તથા પોતાનાં સંબંધીજનોનો દૂરથી ત્યાગ કરવો. દૃષ્ટિથી શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન કરવાં તથા કર્ણ વડે ભગવાનની કથા સાંભળવી, ત્વચાથી ભગવાનના ચરણકમળનો સ્પર્શ કરવો. જિહ્વાથી તે ભગવાનના ગુણોનું ઉચ્ચારણ કરવું. ભગવાનને નૈવેદ્ય ધરેલું અન્ન જમવું અને નાસિકાથી ભગવાનની પ્રસાદી એવાં પુષ્પાદિકના ગંધનું જ ગ્રહણ કરે. હાથ વડે ભગવાનની સેવા કરે. મસ્તકથી ભગવાનને નમસ્કાર કરે, પગ વડે ભગવાનની પ્રદક્ષિણા કરે તથા ભગવાનની સમીપે જાય. મન વડે ભગવાનનો જ સંકલ્પ કરે, બુધ્ધિથી ભગવાનનો નિશ્ચય કરે, ચિત્તથી ભગવાનનું ચિંતવન કરે, અહંકારથી ભગવાનનું દાસપણું કરે, ભગવાનની પ્રસન્નતા માટે ખેતી-વાડી કરે, વ્યાપાર કરે, આજીવિકા નિમિત્તે કોઇ પણ ઉદ્યમ કરે. પોતાને જે કાંઇ ઇષ્ટ હોય તે ભગવાનને નિવેદન કરે અને ચંદન, પુષ્પ તથા વસ્ત્રાદિક પણ ભગવાનની પ્રસાદી કરાવીને જ ધારણ કરે.

હે નિષ્પાપ ! શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ ન થયેલું એવું પત્ર પણ ન ખાય તથા એવું જળ પણ ન પીએ. તપ, યજ્ઞ, વ્રત, દાન તથા વૈષ્ણવોની સેવા તે પણ સેવકોએ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરવાં : આ પ્રમાણે શ્રવણાદિ નવ લક્ષણો વાળી ભક્તિથી જેઓ શ્રીકૃષ્ણનું ભજન કરે છે તેઓ ભાગવત ભક્તો કહેવાય છે. ભક્તો પણ બે પ્રકારના કહેલા છે. તેમાં પહેલા પ્રકારના સકામ ભક્તોને વિસ્તૃત ધર્મનિષ્ઠપણું ધનસંપત્તિ નાના પ્રકારની ભોગ-સંપત્તિ અને મોક્ષ જે સાલોક્યાદિ મુક્તિ તે ભગવાન થકી જ મળે છે એમ શાસ્ત્રથી પ્રસિધ્ધ છે. તે સકામ ભક્તોને દેહને અંતે ભગવાનનાં ગોલોકાદિ ધામોમાં પોતાને ઇષ્ટ એવા અક્ષય સુખ ભગવાનથી જ મળે છે. બીજા નિષ્કામ ભક્તો તો શ્રીકૃષ્ણ ભગવાનની સેવા સિવાય ચાર પ્રકારની મુક્તિ તથા અણિમાદિ અષ્ટ સિધ્ધિઓને પણ ઇચ્છતા નથી. ભગવાને બળાત્કારથી આપવા માંડેલું અતિશય ઐશ્વર્ય પણ ભગવાનની સેવામાં વિઘ્ન કરનારું છે એમ જાણી તે નિષ્કામ ભક્તો મન વડે પણ તેનું ગ્રહણ કરતા નથી. નિષ્કામ ભાવથી જે પુરુષ કૃષ્ણને ભજે છે તે ભક્તોમાં ઉત્તમ છે, કૃતકૃત્ય છે અને ભગવાનને હૃદયની પેઠે પ્રિય છે એમ જાણવું. ભગવાનની પ્રતિદિન સેવા કરનારા તે ભક્તને ભગવાનમાં પ્રેમની વૃધ્ધિ થાય છે અને તેમાં વિઘ્ન આવતું નથી. જેમ ગંગાનો પ્રવાહ પોતાની ગતિમાં અંતરાય કરનાર હિમાલય વગેરે પર્વતોને નહીં ગણતાં તેને ભેદી જલ્દીથી સમુદ્રને પામે છે તેમ નિષ્કામ ભક્તનો પ્રેમ અસત્‌ દેશ, કાળ, ક્રિયા વગેરે મહાન વિઘ્નોનું ઉલ્લંઘન કરી ભગવાનને જ પામે છે. જેમ પ્રાકૃત વિષયમાં આસક્ત થયેલા પુરુષની વૃતિઓ પ્રાકૃત શબ્દાદિમાં સહજપણે રહે છે તેમ નિષ્કામ ભક્તનાં મન વગેરે આંતર-ઇન્દ્રિયો અને ચક્ષુ વગેરે બાહ્ય ઇન્દ્રિયોની વૃતિઓ સ્વભાવિક રીતે જ ભગવાનમાં રહે છે. સાક્ષાત્‌ શ્રીકૃષ્ણ ભગવાનમાં જેમને અતિશય સ્નેહ પ્રાપ્ત થયો હોય એવો ભક્ત બીજા કોઇ પણ પદાર્થમાં ક્યારેય પણ પ્રીતિવાળો થાય નહીં, માત્ર ભગવાનમાં જ પ્રીતિવાળો થાય.

આ લોકમાં રમણીય તથા અરમણીય એમ બે પ્રકારની વસ્તુઓ હોય છે તેમાં રમણીય વસ્તુ તે ભક્તને દુઃખરૂપ જણાય છે; જો કે અરમણીય પદાર્થમાં તેને કાંઇક સુખ જણાય પણ રમણીય પદાર્થમાં તો તેને દુઃખ જ થાય. મલયાગર ચંદનનો લેપ તેને ઝેરના કીચડ જેવો અને પુષ્પના હાર સર્પ જેવા જણાય છે. ઘરેણાં દૂષણ આપનારાં લાગે છે, ને નિષ્કામ ભક્તોને પુષ્પની સુંદર શય્યાઓ પ્રદીપ્ત અગ્નિ સમ જણાય છે અને શરદ ઋતુનો ચંદ્ર પણ ગ્રીષ્મ ઋતુના સૂર્ય જેવો જણાય છે. વળી સુંદર એવું જે મંદિર તેને ઘોર જંગલ જેવું ભાસે છે અને સુગંધીમાન શીતળ વાયુ પણ અત્યંત દાવાનળની જ્વાળા સમાન લાગે છે. સૂક્ષ્મ વસ્ત્રો તેને ભારરૂપ જણાય છે, પોતાના પુત્રાદિક સંબંધીઓ વરુ જેવાં લાગે છે, શરીરની સુંદરતા કોઢ જેવી અને મિષ્ટ ભોજન વિષ ભક્ષણ જેવું જણાય છે. મનોહર મધુર ગાયન તેને તીખા બાણ તથા દેવાંગના જેવી સ્ત્રી પણ તેને રાક્ષસી જેવી જણાય છે.

વૈરાગ્યવાળા નિષ્કામ ભક્તોનો સ્નેહ પૂર્વોક્ત ચિહ્નાથી અનુમાની લેવો. તેના અંતઃકરણમાં અને બાહેર એક શ્રીકૃષ્ણ ભગવાન જ નિરંતર સ્ફુરે છે. તે ભક્ત ક્યારેક સ્નેહને લીધે એકાએક સ્ફુરિત થયેલા ભગવાનને જોઇને કદાચિત્‌ હસે છે. અને ક્યારેક તેમને જતા જોઇને વિરહના સંભવથી રડે છે. ક્યારેક આનંદથી નાચે છે, ક્યારેક ભગવાન સાથે ભાષણ કરે છે, ક્યારેક ભગવાનને સાષ્ટાંગ વંદન કરે છે અને ક્યારેક મૌન થકો ધ્યાનમાં રહે છે.“મારા અપરાધ ક્ષમા કરો” એમ ક્યારેક ભગવાનની પ્રાર્થના કરે છે અને ક્યારેક સ્નેહથી પરવશ થઇને તે લોકલાજ વિનાનો થઇ ઉચ્ચ સ્વરે ભગવાનના ગુણોનું ગાન કરે છે.

હે હરે ! નારાયણ! સ્વામિન્‌! કૃષ્ણ! ગોવિંદ! માધવ! એ પ્રકારે ભગવાનનાં નામ ઉચ્ચ સ્વરથી ઉચ્ચારે છે. એ વગેરે બહુ પ્રકારનાં ચિહ્નોથી ઉપલક્ષિત એ ભક્ત પોતાનાં ચરણની રજ વડે સકળ ભુવનને પવિત્ર કરે છે.

હે માત! એ પ્રેમી ભક્તના પ્રાણ અને મનનો નિરોધ અનાયાસે જ ભગવાનની મૂર્તિમાં થાય છે તે ચોક્કસ નિઃશંક છે. તે ભક્ત પ્રારબ્ધને અંતે સ્ત્રી અથવા પુરુષના શરીરનો ત્યાગ કરી તથા માયાના ત્રણ ગુણોનો ત્યાગ કરી નિષ્કામ થાય છે. તે ભક્ત ભગવાનની ઇચ્છાથી દિવ્ય એવા બ્રહ્મરૂપ શરીરને પામીને દિવ્ય વિમાનમાં બેસી પોતાના ઇષ્ટ ધામને અચૂક પામે છે. તે ભક્તરાજ ગોલોક, અક્ષર અથવા વૈકુંઠ ધામમાં સર્વે ધામના ભક્તોથી વંદન કરાયેલો એવો ભગવાનની અખંડ સેવામાં વર્તે છે.

હે જનની, તે ધામોમાં ભગવાને પરાણે આપેલાં અપરિમિત અક્ષય દિવ્ય સુખોને જરૂર પામે છે. આ પ્રમાણે મેં અધ્યાત્મ એવું શાસ્ત્ર તમને કહ્યું અને મનુષ્ય દેહ પામેલાં પ્રાણીઓએ આત્યંતિક કલ્યાણ માટે આટલું જ કરવાનું છે એમ હું માનું છું. ચાર વેદ, પંચરાત્ર, સાંખ્ય, યોગ અને ધર્મશાસ્ત્રોનું આ જ રહસ્ય તે સુખેથી બોધ થાય તેવી સ્પષ્ટ રીતે મેં તમને કહ્યું. માટે તમારે પણ મેં કહેલું રહસ્ય રૂપ આ અધ્યાત્મશાસ્ત્ર તમારા આત્યંતિક કલ્યાણને માટે અંતઃકરણમાં ધારણ કરવું. જેથી તમો સર્વે કષ્ટોથી મુકાઇને પરમ સુખને પામશો. જે મુમુક્ષુજન આ રહસ્ય પણ શ્રધ્ધાથી શ્રવણ કરશે અથવા તેનો પાઠ કરશે તેને શ્રીકૃષ્ણ ભગવાનમાં ભક્તિ થશે તથા ઇચ્છિત સુખને મેળવશે.

સુવ્રતમુનિ કહે છે : હે પ્રતાપસિંહ રાજન્‌! પોતાના પુત્ર શ્રીહરિએ કહેલું રહસ્ય સાંભળીને માતા પ્રેમવતી હૃદયમાં અત્યંત પ્રસન્ન થઇ નિઃસંશય થકાં પુત્ર પ્રત્યે બોલ્યાં :

પ્રેમવતી બોલ્યાં : હે હરે! સ્વધર્મ, જ્ઞાન તથા વૈરાગ્યે સહિત અને શ્રવણાદિ નવ લક્ષણોવાળી, જીવોનાં કલ્યાણ કરનારી શ્રીકૃષ્ણ પરમાત્મામાં ભક્તિ કરવાની તમે કહી અને એ શ્રીકૃષ્ણ ભગવાન તો સાંપ્રતકાળે હરિનામથી તમે પોતે જ છો એમ હું નિશ્ચયથી જાણું છું અને તમારા વાક્યોથી મારા સંશયો નિવૃત્તિ પામ્યા છે. તમારે વિષે જ મનને જોડીને, માયા-કાલથી ઉદ્‌ભવેલાં કષ્ટોથી હું મુક્ત થઇ છું અને હું હમણા જ તમારા ધામ પ્રત્યે જાઉં છું.

સુવ્રતમુનિ કહે છે : એ પ્રમાણે કહીને માતાજી નારાયણપ્રભુ એવા શ્રીહરિનું શુધ્ધ મન વડે ધ્યાન કરવા લાગ્યાં અને તેમની વૃત્તિ મૂર્તિમાં લય પામી તથા દેહની વિસ્મૃતિ થઇ.

હે રાજન્‌ ! સાક્ષાત્‌ શ્રીહરિના મુખકમળથી નીકળેલી માટે વેદના સારરૂપ આ સમગ્ર ગીતાનો અથવા આના એકેક અધ્યાયનો આ લોકમાં જે જન નાના પ્રકારના મનોરથની અભિલાષાથી ભગવાનના પૂજન પછી ભક્તિથી દરરોજ પાઠ કરશે અથવા શ્રવણ કરશે તો તે તત્કાળ ઇચ્છિત સુખને પામશે અને એવી અભિલાષા વિના જો પાઠ કરશે તથા શ્રવણ કરશે તો તેને ભગવાનમાં ભક્તિ થશે.

ઇતિશ્રી “સત્સંગિજીવન”માં નારાયણચરિત્રમાં હરિગીતામાં ભક્તિના સ્વરૂપનું નિરૂપણ કર્યું એ નામે છત્રીશમો અધ્યાય થયો.