Durguno books and stories free download online pdf in Gujarati

દુર્ગુણો

દુર્ગુણો

નટવર આહલપરા

ભાગ નં. ૧

અભિમાન – અહંકાર – મદ

અભિમાન એટલે હુંપણાનો દુર્ભાવ, જેટલા વિકારો શરીરમાં પ્રગટે છે તેમાં અહંકાર પણ છે. કામ, ક્રોધની સાથે મદ આવે એટલે પતન થાય છે.

કવિ નરસિહ મહેતાના પદની બે પંક્તિ જ અભિમાન – અહંકાર – મદ માટે પર્યાપ્ત છે.

હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા,

શકટનો ભાર જાણે શ્વાન તાણે.

રાજા રાવણ, દુર્યોધન, જરાસંધ કોઈના અભિમાન – અહંકાર – મદ ટક્યા નહોતા તો સામાન્ય માનવીનું શું ગજું ?

‘ગરવ કિયો સોઈ નર હાર્યો’ – ભજનમાં પણ સરળતાથી સમજાવ્યું છે કે ગર્વ-અભિમાન કરનાર હંમેશાં હાર્યો જ છે. અભિમાન – અહંકાર – મદનું વિસ્મરણ કરવા માટેનો એક પ્રસંગ પૂજ્ય મુનીશ્રી વાત્સલ્યદીપે બોધપ્રેરક પ્રસ્તુત કર્યો છે.

“મારા જીવનની ધરતીમાં એવું કયું બીજ રોપું કે જેનાથી આત્મશ્રેયની મંગળ વેલ પાંગરે ?”

“ભાઈ ! આત્મશ્રેય મેળવવાના માર્ગો અનેક છે, પણ તેમાંનો શ્રેષ્ડ માર્ગ, ‘હું’ ને, અહંકારને સંતના ચરણમાં નમી પડવું તે છે.

બ્રિગીટ બારડોડેસ કહે છે કે, ‘હું ઘણો પૈસાદાર, ઘણો જાણીતો, ઘણો તાકાતવાર અને ઘણો દુઃખી છું.’ બધું છે છતાં દુઃખી ? કારણ, નિખાલસતા, પારદર્શકતા સરળતા નથી એટલે દુઃખી થવાય છે. આ બધું હોય તો અભિમાન, અહંકાર મદ ન આવે.

હિંસા

માનવ અને એના જીવનની રક્ષા કરવાનું સામર્થ્ય અહિંસાના પાવન બળમાં છે. પણ હિંસા તો ભયંકર પરિણામ નોતરે છે. અનેક પાપોમાં હિંસાનું સ્થાન મોખરે છે.

કૃમિ, કીટકોને મારવાથી લઈ પશુ-પંખીને મારવા એ હિંસા પણ નાની-સૂની નથી. કોઈનું પડાવી લેવું, લૂંટી લેવું હિંસા છે. નિર્દોષ લોકોને મારીને તેની સંપત્તિ ઝૂંટવી લેવી હિંસા છે. ગાંધીજી, મહાવીર સ્વામી, મધર ટેરેસા વગેરે મહામાનવોએ હિંસા નહીં આચરવા ધરતી પર અવતરેલા. કાળા માથાના માનવીએ પોકારી હિંસા નહીં આચરવા કહ્યું છે.

મૂંગા ઢોરને છાનામાના પકડી કતલખાને લઈ જઈ તેની ક્રૂર રીતે કતલ કરવામાં આવે છે એ કેવી ભયંકર હિંસા છે. વન-ઉપવાસમાં, જંગલમાં મોરના શિકાર કરી હિંસા આચરવામાં આવે ત્યારે માતા સરસ્વતીને કેટલું દુઃખ થતું હશે ?

આજે માણસનો સ્વભાવ એટલો તામસી થઈ ગયો છે કે, પોતાના પાડોશીને મારઝૂડ કરી હેરાન કરતા હોય છે અને ન સહી શકાય તેવી હિંસા આચરે છે.

આજનો માનવ માને છે કે બીજાને દુઃખી કરીને હિંસા ફેલાવીને, શોષીને હું માલેતુજાર બની જઈશ. કદાચ તે સંભવિત બને પણ તેમાં અંતર પ્રસન્ન્તા નહિ હોય ! હિંસાથી કાંઈ મેળવ્યું હોય તે મન ઉપર બોજ બની જાય છે. આમ તો જીવનમંત્ર એ છે કે,

હિંસા કરવી નહિ,

અભિમાન રાખવું નહિ,

સ્વમાન છોડવું નહિ.

હિંસાથી તો અશાંતિ જ ફેલાય ને ?

ઈર્ષા

‘ઈર્ષાળુને આશીર્વાદ’ આવું કહેવાયું છે. તે ભલે ઈર્ષા કરે પણ મારા તો આશીર્વાદ છે. ઈર્ષાની આગ ભયંકર છે. માણસ બળ્યાં જ કરે છે છતાં ઈર્ષાની ખાયમાંથી બહાર નીકળતો નથી.

શ્રી અરવિંદ કહે છે કે, તમે જયારે ઝઘડો શરૂ કરો છો. ઈર્ષા કરો છો ત્યારે જાણે કે ભગવાનના કાર્ય સામે યુદ્ધ જાહેર કરવા જેવું કરો છો. ઈર્ષા કરનાર માણસને બળતણિયો કહેવાય છે. કેટલાક લોકો પહોંચી ન શકે પછી ઈર્ષા કરે છે અને લોકોને પછાડવાના પેંતરા કરે છે. ઈર્ષાનો સ્વભાવ જ એવો છે જેમ રામાયણમાં સિંહિકા બધાના પછડાયા જોઈ પછડવાની જ પ્રવૃત્તિ કરે છે !

વર્ગ ખંડમાં શિક્ષકે બોર્ડ ઉપર લીટી દોરીને વિદ્યાર્થીને કહ્યું કે, ‘લીટી ભૂંસ્યા વિના તમારી લીટી દોરો વિદ્યાર્થીએ બોર્ડમાં લીટી નીચે બીજી મોટી કરી. અર્થાત્ કોઈની લીટી ભૂંસવી ન પડે, ટૂંકી ન કરવી પડે તેમ વિદ્યાર્થીઓ લીટી દોરી. પણ ઈર્ષાળુ માણસને બીજાની લીટી ટૂંકી કરવામાં જ મજા પડતી હોય છે !

નરસિહ મેહતાની ઈર્ષા બહુ થાતી ત્યારે તેઓ વટથી કહેતા.

એવા રે અમો એવા, વળી તમો કહો છો તેવા,

ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા.

ઈર્ષાળુ સમાજે કેનેડીને કારતુસથી, ગાંધીજીને ગોળીથી, સોક્રેટિસ ઝેરથી, ઈસુને ક્રૂસ ઉપર લટકાવીને મારી નાખ્યા. આ ઈર્ષાળુ લોકોને ભગવાન પણ ન પહોંચે આવા ઈર્ષાળુથી ભગવાન પણ દૂર રહે છે ! ઈર્ષાળુ અનેક મનોરોગથી પીડાતો હોય છે. કોઈનું પણ ભલું ઈચ્છતો નથી. જયારે માણસ ઈર્ષા કરે છે ત્યારે પહેલાં તો તેને જ બળવાનું આવે છે !

નિંદા

આદ્ય કવિ નરસિહ મહેતાના પ્રસિદ્ધ પદ ‘વૈષ્ણવજન’ની પંક્તિથી જ નિંદા વિશે વાત કરીએ,

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;

અહીં કવિનો કહેવાનો ભાવાર્થ એ છે કે સૃષ્ટિમાં બધાને વંદન કરે અને કોઈની પણ નિંદા ન કરે એજ સાચો વૈષ્ણવ છે. સંસ્કૃતમાં એમ કહેવાયું છે કે, નિંદકને હંમેશાં પાસે રાખવા જોઈએ. જોકે નિંદા કરનાર સામેની વ્યક્તિને હંમેશાં જાગૃત રાખે છે.

‘ચાર મળે ચોટલા, ભાંગે ઓટલા’ આ કહેવત પણ એટલે જ પડી હશે કે, ઓટલે ભેગી થયેલી સ્ત્રીઓ કરી-કરીને સારી વાત કેટલી કરે ? પછી તો એકમેકની નિંદા જ શરૂ થાય છે. મંદિર જેવી પવિત્ર, ધાર્મિક જગ્યાએ સત્સંગ, કિર્તન અને ભક્તિ કરવાને બદલે જો નિંદા જ થતી હોય તો એવો સત્સંગ શું કામનો ?

ઉપનામ ‘સુરતા’ ધરાવતા કવયિત્રી લીલાદેવી તારપરા કહે છે કે,

નિંદારસના રે રસિયા જાણે શું આંસુ ને ?

આંસુડે અંતર ઠારી મેલી એ...

પણ નિંદા, કૂથલીમાં પડ્યા રહેતા લોકોની વૃતિ મંથરા, શકુનિ અને નારદ જેવી હોય છે. જેમ મંથરાએ, શકુનિએ અને નારદે બધાને જાગૃત રાખ્યા હતાં તેમ નિંદા કરનારને નુકસાન છે, સામે વાળાને તો ફાયદો છે. નિંદક નિંદા કરે છે ત્યારે તેનામાં દુર્ગુણ ભળી જાય છે અને નિંદારસ ટપક્યા કરે છે. નિંદા કરનાર પહેલા પોતે દાઝે છે પછી અન્ય.

શંકા-સંશય

શ્રીમદ્ ભગવતગીતામાં કહ્યું છે કે, સંશયાત્મા વિનશ્યતિ શંકા, સંશય કરનારનો હંમેશાં વિનાશ થાય છે. શંકાનો કીડો જયારે માણસના મનમાં સળવળે છે ત્યારે તે શું કરશે તે નક્કી હોતું જ નથી. પતિ પત્નીના ચારિત્ર્ય ઉપર કે પત્ની પતિના ચારિત્ર્ય ઉપર શંકા કરે અને પછી એકમેકની હત્યાના કિસ્સાઓ આજે છાશવારે બને છે.

ગુજરાતી સાહિત્યના વિવેચક આનંદશંકર ધ્રુવના વિચારો શંકા-સંશય માટે સ્પષ્ટ છે કે, સંશય-શંકા જેવો અનિષ્ટ પદાર્થ આત્મજ્ઞાનના માર્ગમાં બીજો નથી.જયારે ટેનિસન કહે છે કે, ‘Doubt is the disease of privileged souls’ શંકાએ આત્માનો રોગ છે, પણ એ રોગ હોવો એ પણ એક અસાધારણ અધિકાર છે.’ આ વચનમાં શંકાની નિંદા અને સ્તુતિ ઉભય છે. સંશય જો મૂળમાં શ્રદ્ધાત્મક ન હોય તો એ અનિષ્ટ છે, કેમ કે, ‘પર’ વસ્તુની શ્રદ્ધા ઉન્નતિને આવશ્યક છે.

આમ જોયાં, જાણ્યાં વિના કોઈના ઉપર શંકા કરવી ઘોર અજ્ઞાન છે. શંકાને કારણે ઘણાં ઘર બરબાદ થઈ ગયાં છે. શંકાને લીધે ખૂન-ખરાબા થાય છે. શંકાનું પાપ માણસને શાંતિ લેવા દેતું નથી. શ્રદ્ધા, વિશ્વાસથી તો જગત ચાલે છે. શંકા-સંશયથી જગત ટક્યું નથી.

શંકા-સંશય માટે માણસ ઘણીવાર બધું મૂકી, કામ-ધંધો મૂકી વ્યક્તિની પાછળ પડી જાય છે. ક્યારેક માણસે કરેલી શંકા ખોટી પડે છે અને માણસે પાછા પડવું પડે છે. પણ શંકા જ ન કરીએ તો ?

દંભ-કપટ-લુચ્ચાઈ

‘આચાર એ જ પ્રચારનું શ્રેષ્ડ માધ્યમ છે’ પણ આજે દંભથી ‘હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા’ એવો દંભ કરવામાં આવે છે. આમ જોઈએ તો કોઈનો આત્મા દંભી-કપટી-લુચ્ચાઈથી ભરેલો હોતો નથી. એ તો સત્ય, શિવ અને સુંદર છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. દંભ-કપટ અને લુચ્ચાઈ તો અજ્ઞાનને કારણે ઉત્પન્ન થાય છે. આ અજ્ઞાન એક પ્રકારની બીમારી છે.

કપટ કરનારનું ચપટ થતા વાર લાગતી નથી પણ કપટ કરનાર તંત્ર-મંત્રમાં, મેલી વિદ્યાનો સહારો લેતા હોય છે. તાંત્રિકો કપટ કરીને કેટકેટલાયને છેતરે છે. કપટી માણસનો ભરોસો કોઈ કરતું નથી. ભોળી, મુર્ખ સ્ત્રીને તેના જ ઘરમાં ઘૂસી કપટી લોકો પિત્તળના ઘરેણા પકડાવી સોનાના લઈ આવે છે. એકના બે ઘરેણા લેવા જતા લોકો છેતરાય છે પણ આવા કપટી માલામાલ થઈ જાય છે.

લુચ્ચાઈ કરનારને ભગવાન પણ પહોંચે નહીં. એટલે જ કહેવાયું હશે ને કે, ‘નરસાથી નારાયણ વેગળો’ લુચ્ચા, દંભી અને કપટી લોકોથી ભગવાન દૂર રહે છે.

કવિ અખાએ અને શામળે, ભોજાભગતે દંભ-કપટ અને લુચ્ચાઈ ઉપર ઘણા છપ્પા લખ્યા છે. એક ચાબખામાં ભોજાભગત કહે છે કે,

ચેલાચેલીને ભેળા કરી, બાવો ખાય ખીરખાંડને પોળી,

આવા બાવાઓએ, ભવસાગરમાં માર્યા બોળી.

આમ દંભ-કપટ-લુચ્ચાઈનું આયુષ્ય ક્ષણિક હોય છે. ક્યાં ને ક્યાં ને ક્યાંક તેનું મરણ થાય છે.

અસંતોષ

‘સંતોષી નર સદા સુખી’ કહેવત છે પણ અસંતોષીઓનો અસંતોષ ઠેર ઠેર જોવા મળે છે. અસંતોષ માટે ધીરા ભગત કહે છે કે,

આ જગત નાટ્યશાળા, સૌ પાત્ર છે નિરાળા;

સૌ પાઠ ભજવનારા, બધી અસંતોષની બીમારી.

અસંતોષ માણસને કોરી ખાય છે. ભોતિક સુખનો અસંતોષ શાંતિ લેવા લેવા દેતો નથી. ક્યારેક અસંતોષમાંથી ઈર્ષા જન્મે છે. અસંતોષની આગ જેમ જેમ પ્રજવલિત થાય છે તેમ તેમ માણસ અશાંત થઈ જાય છે.

હા, વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ મેળવવા અસંતોષ જરૂરી છે પણ વૃદ્ધાવસ્થાએ પહોંચેલા વૃદ્ધોને અસંતોષ નહીં હોવો જોઈએ. તેઓએ સંતોષની અનુભૂતિ કરવી જોઈએ. અસંતોષ દૂર કરવા માણસ ખોટું કરતા આચકાતો નથી નોકર-ચાકર, ગાડી-બંગલા, સુખવૈભવ પ્રાપ્ત થયાં પછી પણ અસંતોષ માનવીનો પીછો છોડતો નથી.

અસંતોષથી તાણ વધે છે અને માનવી લક્ષ્ય સુધી પહોંચવા ભયંકર બીમારીમાં સપડાય છે. કેટલાક લોકો પોતાનો અસંતોષ અન્ય ઉપર લાદી કડવાશ વ્હોરી લે છે. અસંતોષની અસર માણસના ગુસ્સો કરે છે. અરે ! કોઈનું અપમાન પણ કરે છે. અસંતોષથી બચવા માણસે શાંતિ ચિત્તે વિચારવું જોઈએ.

વિશ્વાસઘાત-દગો

વિશ્વાસે વહાણ ચાલે પણ વિશ્વાસઘાત – દગો થાય ત્યારે નિર્દોષ માણસને બહુ જ દુઃખ થાય છે. હમણાં-હમણાં લાખો, કરોડો રૂપિયાનો વિશ્વાસઘાત કરી દગો કરીને કહેવાતી પેઢીઓ, ફાઇનાન્સ કંપનીઓ ઊઠી જાય છે અને નિર્દોષ લોકોના રૂપિયા તેમાં ડૂબી જાય છે.

‘દગા કિસીકા સગા નહીં’ એમ સમજીને જ કહેવાયું છે. વફાદારીની કિંમત સોનાની લગડી કરતાંય ઘણી વધુ હોય છે પણ વિશ્વાસઘાતની કોઈ કિંમત હોતી નથી.ફેક્ટરીનો માલિક, ગાદીનો રાજા, દેશનો નેતા કે કુટુંબનો મોવડી તેનું સામ્રાજ્ય અને કારભાર તો જ ચલાવી શકે જો તેને વફાદાર સાથીદાર મળે. જો વિશ્વાસઘાતી કે દગો કરનારા મળે તો ?

પત્ની ગમે તેવી રૂપાળી અને હોશિયાર હોય પણ જો વિશ્વાસઘાત કરનારી કે દગો કરનારી હોય તો તેનું રૂપ રાખ બરાબર છે. રૂપથી સંસારનું ગાડું ચાલતું નથી. સંસાર વિશ્વાસઘાત અને દગાથી ચાલતો નથી પરંતુ વફાદારી અને નિષ્ઠાથી ચાલે છે. ફેકટરીમાં કે વેપારી પેઢીમાં ખૂબ ચતુર માણસ હોય તો તે ચતુરાઈ ઉપયોગી છે પણ વિશ્વાસઘાત ઉપયોગી નથી. શેઠની ફેક્ટરી અને વેપારને ખાડામાં નાખે છે. અવગુણો હશે તોસુધારી શકાય પણ વિશ્વાસઘાત કરે કે દગો કરે તો તેને સુધારી શકાતો નથી.

બીજા અવગુણો સહન થાય પણ વિશ્વાસઘાત માણસને ઊંડો આઘાત પહોંચાડે છે. માટે ક્યારેય પણ કોઈની સાથે વિશ્વાસઘાત, દગો ન કરવો જોઈએ.