Amaru athvadiyu books and stories free download online pdf in Gujarati

અમારું અઠવાડિયું

અમારું અઠવાડિયું (બાળવાર્તા)

-નટવર આહલપરા

પ્રકાશ અને ઊર્જાએ નવા વર્ષના પ્રારંભે પોતાની બાલ-વાટિકાને એકત્રિત કરી હતી.

પરી, ઊર્વિ, મિત, ધ્રુવા, કાવ્યા, મલય, પ્રીત, લીલા, મીના, મંજરી, સંજય, કનુ-મનુ સહિત ઝૂપડ પટ્ટીના સૌથી વધુ પાંચથી સાતમાં ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળતો હતો. સૌના મનમાં એક વિચાર ચાલતો હતો કે, આ વર્ષે પ્રકાશસર અને ઊર્જા ટીચર આપણને શું ભેટ આપશે? શું શીખવશે?

બધાજ બાળકો કતારમાં પાથરેલા પાથરણા ઉપર શિસ્તબધ્ધ રીતે બેસી ગયાં હતાં. સરકારી બગીચામાં વૃક્ષોના છાંયા નીચે મંદ મંદ હવાની લહેરખીઓ આવતી હતી. કોયલ, કાબર, કબુતર, ચકલી વ. પક્ષીઓ મુક્ત રીતે ચણ ચણી રહયાં હતાં. પ્રકાશ અને ઊર્જા એ પણ પોતાનું સ્થાન લઈ લીધું હતું. સમૂહપ્રાર્થનાથી પ્રકાશ અને ઉર્જાની બાલસૃષ્ટિએ વાતાવરણ પુલકિત બનાવ્યું હતું. પ્રાર્થના પુરી થયાં બાદ ઊર્જાએ કાલીઘેલી વાણીમાં વાત શરું કરી હતી :

‘મારા, વ્હાલા બાળારાજાઓ . તમને સૌને નવા વર્ષના ખુબ ખુબ અભિનંદન. તમને સૌને આનંદ થાય તેવા સમાચાર આપુ છું. આપણે એક અઠવાડિયું ઉજવવું છે અને અઠવાડિયામાં તમને ગમે તેવી પ્રવૃતિઓ, મોજ-મજા કરવી છે. સૌને ગમશેને ?’ ઊર્જાની વાત સાંભળીને તાળીઓ પડી. તાળીઓના ગડગડાટ ક્યાંય સુધી બંધ જ ન થયાં.

તાળીઓ બંધ થઈ એટલે પ્રકાશે બાળરાજાઓને સંબોધવાનો પ્રારંભ કર્યો: જુઓ, સાંભળો બાળમિત્રો, આપણે સોમવાર સાઈકલ દિવસ તરીકે ઉજવવો છે. મંગળવારને વૃક્ષદિવસ નામ આપ્યું છે. બુધવારે સ્વચ્છતાદિન તરીકે ઉજવશું. ગુરૂવાર બચત દિવસ રહેશે. શુક્રવારની પંખી દિવસ તરીકે ઉજવણી કરવાની છે. શનિ અને રવિ પ્રવાસ દિવસ.’ પ્રવાસની જાહેરાત સાંભળી બાળકો નાચી ઉઠયાં હતાં. કેટલાક તો કૂદવા માંડ્યાં હતાં.

પ્રકાશ અને ઊર્જા શહેરમાં જુદાજુદા વિસ્તારમાં મંદિરનાં પ્રાંગણમાં, બગીચામાં, ખુલ્લા મેદાનમાં વૃક્ષો નીચે પોતાની બાલવાટિકા ચલાવી ગરીબ બાળકોનું ઘડતર કરે છે. બંનેએ પોતાનું જીવન બાળપ્રવૃત્તિમાં સમર્પિત કરી દીધું હતું.

દાતાએ સો બાળકોને સાઈકલ આપી હતી. જોત જોતામાં સોમવાર આવી ગયો. ગાંધી મેદાનમાં બાળકો પોતાની સાઈકલ સાથે ઉપસ્થિત થઈ ગયાં હતાં. નગરશેઠના વરદ્દ હસ્તે બાળકોની સાઈકલ રેલીનો પ્રારંભ થયો હતો. સાઈકલ આગળ પુંઠાઉપર લખેલા સ્લોગન લગાડ્યા હતાં. ‘દીકરા-દીકરી બંનેને ભણાવો.’ ‘અમારે ભણવું છે.’ ‘અમારે રમવું છે.’ ‘અમે અમારા દેશને બચાવશું’ ‘અમે દુનિયાને બચાવશું.’ ‘ઈંધણ, પાણી, વીજળી બચાવો.’ ‘વૃક્ષ જતન, આબાદ વતન.’ ‘નશો નાશનું મૂળ છે.’ ‘વ્યસન નહીં, પ્રસન્ન રહો.’ ‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ આ પ્રકારના શીર્ષકવાળા બેઠાર લઈ બાળકો નિકળી પડયાં હતાં.

પ્રકાશ અને ઊર્જાએ બાળકોની સાઈકલ રેલીનું સ્વાગત કર્યું અને સાઈકલનું મહત્વ સમજાવ્યું:

‘ચોમાસાના ભારે વરસાદના સમયે જે વ્યક્તિને સમય છે અને વધુ દૂરના સ્થળે ન જવાનું હોય તેના માટે આજનું સૌથી શ્રેષ્ઠ વાહન ‘સાઈકલ’ ગણી શકાય.

જે સાઈકલ લઈને હોલેન્ડના વડાપ્રધાન ઓફિસે જાય છે, ડેન્માર્કના પ્રિન્સ બાળકોને સ્કૂલમાં મૂકવા જાય છે. લંડનમાં મેયરે પોતાના નામે મફતમાં સાઈકલ યોજના શરૂ કરી છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘સન્ડે સાઈકલ’ ચલાવવાની વાત કરી છે તેવી સાઈકલ વપરાશના ફાયદા ઘણાં છે.

(૧) પેટ્રોલ/ડીઝલના બેફામ વધતા ભાવો સામે આર્થિક રીતે ફાયદાકારક છે થતા પ્રદૂષણ અટકાવે છે.

(૨) રસ્તા પરના ભરાઈ ગયેલા પાણીમાં ચલાવી શકાય છે તથા અન્ય વાહનોની જેમ વાહન બંધ થવાનો ભય રહેતો નથી.

(૩) શરીરને કસરત મળે છે. (૪) અકસ્માત જવલ્લે જ થાય છે. (૫) રીપેરીંગ નહીવત હોઈ બિનખર્ચાળ છે. (૬) કિંમતમાં સસ્તી છે. (૭) વાહનની રાહ જોયા વિના સમય જાળવી નિયત સ્થળે સમયસર પહોંચી શકાય છે. (૮) ટ્રાફિક જામમાં સરળતાથી આગળ આવી શકાય છે. (૯) હેલ્મેટનો ખર્ચા બચાવે છે. (૧૦) વજનમાં હલકી હોઈ ઉપાડીને બીજી સાઈડમાં લઈ જઈ શકાય છે.

‘આજથી તમે પણ પ્રતિજ્ઞા લેજો કે અમે પણ સાઈકલનો જ ઉપયોગ કરશું. સાઈકલ વાપરવાનો જ આગ્રહ રાખશું !’

સૌ બાળકોએ પ્રકાશ-ઊર્જાના સાઈકલ સંદેશને વધાવ્યો.

સોમવારની ભણતર-ગમ્મતની મજા લઈ બાલમિત્રો પોત પોતાનાં ઘરે ગયાં હતાં. મંગળવાર આવી પહોંચ્યો હતો. સવારે પ્રકાશ અને ઊર્જા ભગતસિંહ ઉદ્યાનમાં આવીને ઉદ્યાનના એક કિલોમીટરના રસ્તાને નિહાળી રહયાં હતાં. સોથી વધુ રોપા આવી ગયાં હતાં. રસ્તા ઉપર ખામણા તૈયાર હતા. બાળારાજાઓ પણ ઉદ્યાનમાં ઉપસ્થિત હતા. તેમના હસ્તે વૃક્ષા રોપણ થવાનું હતું.

બગીચાના માળી જેરામદાદા પ્રકાશ અને ઉર્જાને કહેતા હતા : અઠવાડિયાથી સવારે હું આવું એ પહેલા બગીચાના ઝાડવાના ખામણામાં પાણી ભરેલું હોય છે. બગીચો સાફ થઈ ગયો હોય છે. ઝાડવાને નવડાવેલા હોય છે. અરે ! ઝાડ ઉપર પાટિયાં લગાવ્યાં છે. તેમાં લખ્યું છે, ‘વૃક્ષો અમારા ભગવાન છે.’ ‘અમે વૃક્ષોનું જીવનભર જતન કરીશું.’

માળી જેરામદાદા, પ્રકાશ અને ઊર્જા તો જોતાં જ રહયાં. ઊર્જા કહે છે :

મોટાની અલ્પતા જોઈ થાક્યો છું.,

નાનાની મોટાઈ જોઈ જીવું છું.

બાળારાજાઓ રાજી રાજી થઈ રસ્તાની બંને બાજુએ વડલા, લીમડા, પીપળા, આંબા, જાંબુડા, કરેણ, પારિજાત, બદામ ના રોપા રોપે છે અને એક સાથે મધુર અવાજે બોલતા હતા. ‘વૃક્ષો અમારા દેવ છે, વૃક્ષો અમારા દેવ છે.’ રોપા રોપતા-રોપતા આનંદ-કલરવ સાથે બાળારાજાનો મંગળવાર ક્યાં પસાર થઈ ગયો તેની કોઈને ખબર પણ ન રહી.

આજે બુધવાર, સ્વચ્છતાદિન ઉજવવાની તડામાર તૈયારીઓ થઈ ગઈ હતી. ‘જ્યાં સ્વચ્છતા ત્યાં ઉર્જાની બાળટીમ તૈયાર હતી.

સૌએ સૌ પ્રથમ રસ્તા ઉપરના કચરાને વીહત સફાઈ કરી હતી. બગીચામાં પડેલા કચરાને ઉપાડીને ટોપલીઓમાં ભરવામાં આવતા હતા. વૃક્ષોના પાંદડાને જમીનમાં દાટવાથી વરસાદ લાવી શકાય છે તે વાત પ્રકાશે બાળકોને સમજાવી હતી એટલે ખરી ગયેલાં પીળા પર્ણો જમીનમાં દાટવામાં આવતા હતા.

શૌચાલયો, દવાખાના, શાળા, કચેરીઓ વ. સંસ્થાનોની સફાઈ પણ બાળવિદ્યાર્થીઓ હોંશે-હોંશે કરતા હતા. પાન, માવાની પીચકારી મારતા લોકોને ભૂલકાઓ સમજાવતા હતા કે, ‘આપણા દેશને આપણે સૌએ સાથે મળીને સ્વચ્છ બનાવવો છે. કોઈ એકલા માણસનું કામ નથી. જ્યાં-ત્યાં થુંકવાથી, પીચકારી મારવાથી ગંદકી ફેલાય છે, મચ્છરો થાય છે અને રોગચાળો ફેલાય છે તેનો ભોગતો આપણે જ બનવું પડે છે. ક્યાંક કયાંક દંડ પ્રથાનો અમલ કરાવવો પડ્યો છે તે ગૌરવ કહેવાય ?’

કેટલાક બાળકો લાઉડ સ્પીકરથી સંદેશો આપતાં હતાં કે, ‘જાગો મારા ભાઈઓ-બહેનો જાગો. માંદા પડવા કરતા થોડીક જાગૃતિ એટલે અનેકાનેક ફાયદા. આવો આપ સૌ અમારા અભિયાનમાં જોડાઓ.’

પ્રકાશ અને ઊર્જા બાળકોની સ્વચ્છતા સેવાથી ગદગદિત થઈ ગયાં અને બુધવારની સાંજ પડી ગઈ.

ઊર્જા ગુરુવારને બચત દિવસ તરીકે ઉજવતા પહેલા પોતે પણ તેનું પાલન કરે છે. પ્રકાશે પોતાના બાળકોને શિવધામ મંદિરના પટાંગણમાં એકઠાં કર્યા છે.પહેલા તો બાળકો મનભરીને હીંચકા ઉપર હિંચકે છે. લપસણી ઉપરથી વારંવાર લપસે છે. અરે ! કેટલાક બાળકો તો ચકરડી ઉપરથી ઉતરવા માગતા જ નથી.

વડલાની વડવાઈએ હીંચકતા ન ધરતા બાળકો મંદિરમાં જઈ ઘંટ વગાડે છે. બધાને બહુ મજા પડી જાય છે. શિસ્ત પણ કેવી ! રમી લીધા પછી બધા કતારમાં બેસી જાય છે.

પ્રકાશ બચત દિવસની વાત કરતા કહે છે કે, ‘મારા વ્હાલા બાળુડાઓ બચત માત્ર પૈસાની જ નથી કરવાની પણ વીજળી, પાણી, ઈંધણ, ખનીજ ખાણ બળતણની બચત કરવાની છે. કરકસર એ નાનપણથી વાણીની પણ બચત કરવી જોઈએ.’

‘સમજીને બોલવું જોઈએ, વિચારીને બોલવું જોઈએ. પ્રિય બોલવું જોઈએ. સમય પણ બચાવીને સમયનો ઉપયોગ કરવો જોઈએ. આજે જે બાળારાજા પાસે ગલ્લા નથી તેમને ગલ્લા આપવામાં આવશે. આપણે આવતી કાલનો વિચાર આજથી જ કરવાનો છે.’

એક બાળક પ્રકાશને કહે છે: ‘સર, મેં બચાવેલા પૈસા ઉત્તરાખંડમાં મદદ માટે કલેકટર રાહત ફંડમાં જમા કરાવ્યાં હતાં. મારા પછી કેટલાય બાળમિત્રોએ પોતાના ખિસ્સાખર્ચમાંથી રાહત ફંડમાં ફાળો આપ્યો હતો.’

પ્રકાશ અને ઉર્જાની આંખમાં આંસુ આવી ગયાં હતાં અને હૈયું બોલતું હતું : ‘અમારે હવે મંદિરે દર્શન કરવા જવું નથી તમે સૌ અમારા ભગવાન છો. તમે બચતદિવસ ખરેખર ઉજવ્યો છે.’

શુક્રવાર પંખી દિવસ તરીકે ઉજવવાનો હતો એટલે બાળકોમાં ભારે ઉત્સાહ હતો. બાલભવનમાં પ્રકાશ અને ઊર્જા બાળકોને લઈ ગયાં હતાં. ચકલી, કોયલ, કાબર, કબુતરને ચણ નાખી હતી. વૃક્ષોની ડાળીએ બેઠેલા કાબર, કોયલ અને ચકલીનો કલરવ સાંભળી બાળકો નાચતા હતા. બધાં વિશ્રામ લેવા બેઠાં ત્યારે જાનકીએ પોતાનાં બાલમિત્રો આગળ પોતાના પ્રિય પંખી મોર વિશે વાત શરૂ કરી ત્યાં તો બાળારાજાઓ નાચવા માંડ્યા હતાં.

મારો છે મોર, મારો છે મોર;

મોતી ચરંતો મારો છે મોર.

બાલ દોસ્તો આપણે આજે મોર જોયો ને ? આપણને બધાને મોર બહુ જ ગમે છે. મોરના સુંદર મજાના રંગો... તેની નાજુક ડોક..! અરે! તેની કલગી કેવ સરસ હોય છે ! તેના લાંબા, પાતળા અને વળી સુંદર પગ. તેનાં પીંછા તો.. અદભુત ! ભગવાન શ્રીકૃષ્ણ તેની કલગીમાં મોરનું પીંછું રાખે તો આપણે પણ આપણા પુસ્તકમાં મોરનું પીંછું રાખીશું. ઝવેરચંદ મેઘાણીજીનું ગીત ગાતાં ગાતાં આપણે નાચીએ..

મન મોર બની થનગનાટ કરે, મન મોર બની થનગનાટ કરે. મિત્રો, મોર વિશે મેં પણ કવિતા લખી છે.

આવ મારા મોરલા, સૂના છે ટોડલા;

તારી સાથે રમવા આવ્યા છે છોકલા.

બાલદોસ્તો, આપણે આપણા પશુ-પંખીને બચાવવા છે. બચાવવા છે ને?

પ્રકાશ અને ઉર્જાને પણ શનિ-રવિની પ્રવાસની મજા બાળકો સાથે માણવી હતી એટલે સૌપ્રથમ શંભુદાદાની નવજીવન શાળામાં બાળકોને લઈ જાય છે.

શંભુદાદા પંચાણું વર્ષના છે. અતિ પછાત આદિવાસી બાળકોને ભણાવે છે. આદિવાસી એટલે કેવાં ! ગંધાતા, ગોબરાં, ગંદુ બોલતાં બાળકો. આવાં બધાં બાળકોનું ધ્યાન શંભુદાદા રાખે છે. કોઈને મા હોય, તો કોઈને બાપનું છત્ર ન હોય. બાપ હોય, તો મા ન હોય. રોજીરોટી માટે રઝળપાટ કરતાં આદિવાસી લોકો દીકરીઓને ભણવા ન મોકલે.

શંભુદાદા પ્રકાશ, ઊર્જા અને બાળકોને લઈ શાળામાં ફરે છે. બાળકોને હીંચકા ખવડાવે છે. લપસણીમાં લપસાવે છે. ચકરડીમાં ફેરવે છે. પુસ્તકાલયમાં લઈ જાય છે. બગીચામાં લટાર મારે છે. બાળકો પકડંપકડી, સંતાકુકડી, આંધળોપાટો, લંગડી, ખો-ખો, કબડ્ડી વ. રમતો રમીને ખુશ થાય છે.

શંભુદાદા બાળકોને બેસાડી ગીતો ગવડાવે છે, નાચે છે, કૂદે છે અને કહે છે : ‘ભણવું તો જોઈએ જ, ન ભણીએ તો ગધેડાં જેવા લાગીએ. ગધેડા થવું છે કે હણહણતા ઘોડાં ?’

શનિ-રવિ ક્યાં પસાર થઈ ગયાં કોઈને પણ ખબર ન રહી. આમને આમ બાળારાજાનું મજાનું અઠવાડિયું પણ પસાર થઈ ગયું !

‘શ્રી પવનતનય’, ૩, વિમલનગર, યુનિ. રોડ, રાજકોટ-૫

મો: ૯૯૭૪૦૦૯૦૪૨