Jivanma Vanchvanu Mahatv - 1 books and stories free download online pdf in Gujarati

જીવનમાં વાંચનનું મહત્વ - 1

કેટલાક પ્રશ્નોનો ખુલાસો કરી નાખીયે...

  • મુખ્ય લેખ : ‘જીવનમાં વાંચનનું મહત્વ.’
  • બે પ્રકારના વાંચકો હોય – પુસ્તકિયો કીડો (Book worm) અને પુસ્તક પ્રેમી (Book lover).
  • બે પ્રકારનું વાંચન હોય.
  • પુસ્તકો વાંચવાનો રસ કેવી રીતે જગાવવો....?
  • હું વાંચક કેવી રીતે બન્યો...? [Motivational Story]
  • પુસ્તક પર આધારિત મુવી કરતાં પુસ્તક વધુ કેમ ગમતું હોય છે...?
  • નામચીન વ્યક્તિઓએ પુસ્તકોની અગત્યતા વિષે કહેલા પ્રેરણાદાયક અવતરણો.
  • ચકો ચડ્યો કોટ પર...! [Thought provoking story with image]
  • જીવનમાં વાંચનનું મહત્વ

    જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો એટલું વધુ શીખશો, જેટલું વધુ શીખશો, એટલા વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે. – Dr. Seuss

    પુસ્તક શું છે...? કોઈ તમારા-મારા જેવી વ્યક્તિએ પોતાના સ્વવિચારોને શબ્દદેહ રૂપે કાગળ પર અંકિત કર્યા છે, આલેખ્યા છે. જે પુસ્તક રૂપે લોકો સુધી પહોચાડવા માટેનું એક માધ્યમ છે. જો એ વ્યક્તિ એના વિચારો મનમાં જ ધરબી રાખે તો એનો લાભ, એની અગત્યતા, ક્યારેય બહારની દુનિયામાં પ્રાકટ્ય થતી નથી. એ એના મનમાં જ બંધ પડી રહેશે અને એની જીવન અવધિનો દોર સમાપ્ત થશે ત્યારે એના વિચારો પણ એની સાથે વિલયિત થઈ જશે. – પણ જો એ વિચારોને શબ્દોમાં ઉતારી લે તો એ વિચારો પુસ્તકમાં સુષુપ્ત અવસ્થામાં સદંતર જીવંત રહેશે. વ્યક્તિના મૃત્યુના પછી પણ વર્ષોના વર્ષો સુધી. એ વ્યક્તિએ સર્જન કરેલું શાબ્દિક વિશ્વ લોકો દીર્ધ સમય સુધી વાંચતાં રહેશે, શિખતા રહેશે, જાણતા રહેશે –આ છે પુસ્તક...

    પુસ્તક જેમાં કોઈનો વિચાર સુસુપ્ત રીતે ધરબયેલો છે. એ વિચારના અનેક સ્વરૂપો હોઇ શકે, - ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, લેખ, કવિતા, ગઝલ કે સાહિત્યના કોઈપણ સ્વરૂપે.

    કોઈ એક સરસ પુસ્તક વ્યક્તિના વિચારો બદલી શકે છે. અને એ વિચારોથી એની સમજ બદલાય, એની સમજથી એનો સ્વભાવ બદલાય, એના સ્વભાવથી એનું વ્યક્તિત્વ બદલાય, અને એનું વ્યક્તિત્વ બદલાય એટલે વ્યક્તિ આખો અંદરથી બદલાઈ જાય. આ ક્યારે શક્ય થાય...?

    – સારા ઉન્નત વિચારથી. જે સારા પુસ્તકોના વાંચનમાંથી મળે. વ્યક્તિ બહારથી એવોને એવોજ દેખાતો હોય, પણ અંદરથી એ બદલાઈ જાય છે. પહેલા હતો એના કરતાં વધુ સમજદાર બને છે. નવા ઉત્કૃષ્ઠ વિચારો વ્યક્તિની સમજમાં સ્પષ્ટતા લાવે છે, એને અંદરથી નિખારે છે, વૈચારિક રીતે ધોઈને ઉજળોબળાક કરી દે છે.

    ગાંધીબાપુએ કહ્યું છે કે : ‘સારા પુસ્તકો રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો બહારથી જ પ્રકાશતા હોય છે, જયારે સારા પુસ્તકો વ્યક્તિ અંદર જ્ઞાનથી પ્રકાશિત કરતાં હોય છે.’

    સરસ પુસ્તક વાંચ્યા પહેલા વ્યક્તિ પોતાને જે સમજતો, વિચારતો, જાણતો હતો એમાં પારદર્શક્તા આવશે. દુનિયાને જે રીતે જોતો હતો એ નજરિયો (perspective) આખો જ બદલાઈ જતો હોય છે. એની વૈચારિકશક્તિમાં નવા દ્રષ્ટિકોણો ખુલી જતાં હોય છે. આપણે આપણી જાતને વધુ નિકટથી નિહાળી શકીએ છીએ. સારા પુસ્તકોનું વાંચન આપણી જાતનું ‘newly updated version’ કરી આપે છે.

    બંધ પુસ્તકોમાં માહિતીનો ભંડોળ ભરેલો હોય છે. એમાંથી આપણે જે વિષય પર અભ્યાસ કરવો હોય એ કરી શકીએ છીએ. જે વિષયમાં દિલચસ્પી હોય એવા પુસ્તકો વાંચીને અવનવું જાણી શકાય, શીખી શકાય. જે આપણું મંતવ્ય, સમજણશક્તિ, વિચારશક્તિને વિસ્તૃત ફલક પર ઉજાગર કરે છે, કલ્પનાશક્તિ ખીલવે છે. જીવનને અલગ પરિમાણથી (dimension) જોવાનો દ્રષ્ટિકોણ આપે છે, જીવનમાં થતાં સારા-નરસા અનુભવોમાં માનસિક રીતે સ્થિતપ્રગણ્ય સ્થિતપ્રજ્ઞ રાખે છે. દુ:ખદ પરિસ્થિતિમાં પણ દિર્ધદ્રષ્ટિથી જોવાની દ્રષ્ટિ કેળવે છે.

    વાંચન વગર આપણી વિચારશરણી, કલ્પનાશક્તિ અમુક હદ સુધી પરિસીમિત જ રહે છે. વાંચન એ અંતરાય તોડી નવી દુનિયામાં વિહાર કરવા, આનંદમાં રાચવા, નવો દ્વાર ખોલી આપે છે, આપણી કલ્પનાશક્તિને પાંખો આપે છે, નવા ઉત્કૃષ્ટ વિચારો આપે છે, જીવન વિષેની આપણી સમજણને વધારે છે. પુસ્તક વાંચતાં વાંચતાં આપણને એક આખી અલગ જ દુનિયામાં લઈ જાય છે. પુસ્તકમાં લખેલું વર્ણન આપણને નવા નવા સ્થળો, વ્યક્તિઓ, પરિસ્થિતિનો પરિચય કરાવે છે. એના વિષેની ઘણી અકલ્પેલી શક્યતાઓ, વિભિન્ન દ્રષ્ટિકોણોના પડળો છતાં કરે છે.

    જો કોઈ ફ્રીક્શન, ફેન્ટસી કે સાયન્સ ફ્રીક્શન નોવેલમાં ભરપૂર રસાળ વર્ણનથી ભરેલી વાર્તા કહી હોય તો વાંચવાની મજા જ પડી જાય. એ આપણી ઈમેજીનેશનને કાલ્પનિક પણ વાસ્તવિકતા મહેસુસ થાય એવી દુનિયામાં ખેંચી જાય છે. આ પ્રકારની નોવલમાં નરપશુ, બોલતા પ્રાણીઓ, રૂપ બદલી શકાય એવી શક્તિ, હવામાં ઊડવાની શક્તિ, લોકોના મન વાંચવાની શક્તિ, ગાયબ થવાની શક્તિ, વ્યક્તિ કે વસ્તુને કંટ્રોલ કરવાની તાકાત, સ્પેસ, ટાઇમ-ટ્રાવેલ કરી શકાય એવી ઘણી બધી રસપ્રદ વાતો વાંચવાની મજા પડી જાય એવી કાલ્પનિક વાસ્તવિક્તાનો જાદુ પુસ્તકોમાં છે. તમે એક જ જગ્યાએ બેસીને નવીજ દુનિયામાં ડૂબકી મારી શકો છો.

    પુસ્તકો એ એક પ્રકારના ટાઇમ-ટ્રાવેલ જેવુ જ છે. પુસ્તક વાસ્તવિક દુનિયામાંથી છટકબારી કરવાનો 'એસ્કેપ વે' આપે છે. જેમાં આપણે લેખકે સર્જેલી દુનિયામાં વિહાર કરી શકીએ છીએ.

    અત્યારે તમે 2076 માં દુનિયા કેવી હશે..? લોકો કેવા ક્રાઇમ કરશે..? ટાઈમ-મશીન દ્વારા ભવિષ્ય કે ભૂતકાળમાં જઈ શકાય એ પ્રકારની નોવેલ્સ સોફામાં કે હીંચકા પર બેઠા બેઠા વાંચતાં આપણી ઈમેજીનેશન 50 વર્ષ પછીના ભવિષ્યકાળમાં લઈ જાય છે. અને એ ફ્યુચરેસ્ટિક સાયન્સ ફ્રિક્સન નોવેલ વાંચતાં વાંચતાં મમ્મી બૂમ પડે કે ‘ ચકા.... હેડ જે ચા પીવા..... ’ એટલે ચકો એક જ ક્ષણમાં 2076 માંથી 2017ના વર્તમાનકાળમાં હાજર. –ચા પીવા.

    આ એક પ્રકારનું ટાઈમ-ટ્રાવેલ જ તો છે. આ તાકાત પુસ્તકમાં છે. ફક્ત સરસ ઈમેજીનેશન ખીલવવી પડે. અને આ ઈમેજીનેશન પુસ્તકો વાંચવાથી જ ઘડાય. તીક્ષ્ણ થાય, વિસ્તૃત ફલક પર વિસ્તરે.

    જેમ શારીરિક શૌષ્ઠવ મસ્ક્યુલર બનવું હોય તો મસલ્સને સ્ટ્રેસ આપવો પડે, નિયમિત કસરત કરવી પડે. એવી જ ટ્રેનિંગ માનસિક સ્તરે કરવી પડે, – ઈમેજીનેશન શાર્પ કરવા અલગ અલગ જોનરા (genre) ઉપરના અવનવા સરસ પુસ્તકો વાંચવા પડે. મજાની વાત એ છે કે એક જ જગ્યાએ બેસી રહેવાનું ને એક આખી અલગ જ દુનિયામાં ઘૂસી જવાનું. કોઈ શારીરિક શ્રમ કે ટિકિટ લીધા વગર, બસ ઈમેજીનેશન વાપરવાની અને સફર કરવાની...

    અત્યાર સુધીના મહાન વિચારક અને નોબલ-પ્રાઇઝ વિજેતા ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સટાઇને ભારપૂર્વક કહ્યું છે કે;

    ‘Imagination is more important than knowledge.’

    ‘જ્ઞાન કરતાં પણ ઈમેજીનેશન સૌથી વધુ મહત્વની છે.’

    પુસ્તકો આપણાં જીવનના વિકાસ માટે ખૂબ અગત્યનો ભાગ ધરાવે છે. ખરા અર્થમાં આપણો સાચો મિત્ર છે. કોઈ સિક્રેટ કે દગો ન કરે. આપણી પાસેથી કોઈ એની ડિમાન્ડ હોતી નથી. જો કોઈ પુસ્તક ન ગમે તો બાજુમાં મૂકી દેવાનું (તો’યે રિસાય તો ના જ) ને બીજું પુસ્તક લેવાનું. પુસ્તકો તો ખુલ્લો ખજાનો છે. આપણે વાંચી વાંચીને લૂંટવાનો હોય. મજા કરવાની હોય, અને ઘણું બધુ એમાંથી શીખવા મળે. પુસ્તકો તો એની અંદર ધરબાયેલી દુનિયાનો દરવાજો સદંતર ખુલ્લો જ રાખીને બેઠી હોય છે. બસ આપણે વાંચીને અંદર પ્રવેશ કરવાનો હોય છે. જો ડોકયુ કરો ને રસપ્રદ લાગે તો વાર્તા જ આપણને ખેંચીને એની દુનિયામાં લઈ જાય. આગળ શું થશે...? શું આવશે...? એવી ઉત્કંઠા પુસ્તકના છેલ્લા પાનાં સુધી વાંચી રાખવા મજબૂર કરી રાખે.

    ઈમેજીનેશન આપણને એક એવી દુનિયામાં લઈ જાય છે, જેનું અસ્થિત્વ હકીકતમાં હતું જ નથી, પણ એનું અસ્થિત્વ આપણે ઘડેલી ઈમેજીનેશનથી ઊભું થાય છે, વગર ઈમેજીનેશને આપણે ક્યારેય ત્યાં જઈ જ ન શકીએ, અને એનું અસ્થિત્વ પણ ઊભું ન થાય. – કાર્લ સાગન (ખગોળશાસ્ત્રી)

    પુસ્તક એ એક એવું ઉપકરણ છે જે આપણી ઈમેજીનેશનને પાંખો આપે છે. આકાશ અને પાતાળથી પણ અનંત વિસ્તરેલી અવિરત દુનિયા છે ત્યાં. (કેટલીકવાર પુસ્તક વાંચ્યા પછી લેખક બનવાની ઈચ્છા ઊભી થાય. ઈમેજીનેશનથી વાર્તા રચવાની, પાત્રો ઘડવાની, એમાં લાગણી પૂરવાની, વાચા આપીને એમાં પ્રાણ ફૂંકી નાનું-મોટું સર્જન કરવાની, શબ્દોમાં આલેખવાની ઇચ્છા થાય. કાલ્પનિક દુનિયામાં આપણે ઈચ્છીએ એવું સર્જન કરી શકીએ છીએ. It’s a fully customized world. All up to us which sort of tools we use to sculpt it.)

    પુસ્તક એ એવું ઉપકરણ છે કે, તમે ખુલ્લી આંખોએ સપનું દેખાડે છે. પુસ્તકમાં એક આખી સર્જેલી દુનિયા ધરબાઇને સુસુપ્ત અવસ્થામાં પડી હોય છે. વાંચો ત્યારે એ વાંચકની ઇમેજીનેશનમાં એ જીવંત બની જાય છે, વર્ષો પહેલા મૃત્યુ પામેલો લેખક, સર્જકે એને ઘડેલી દુનિયાને વાંચીએ ત્યારે એ આપણી ઇમેજીનેશનમાં સૂક્ષ્મ રૂપે આવીને જીવી જતો હોય છે. અને એ સદંતર જીવતો જ રહે છે, જ્યાં સુધી પુસ્તક અને વાંચક બન્ને હયાત હોય ત્યાં સુધી.

    “ પુસ્તક એ ગજબની વિસ્મયકારક વસ્તુ છે. વૃક્ષમાંથી બનાવેલું કાગળ સીધું સપાટ અને ગમેતેમ વાળો એમ વળે એવી નાજુક વસ્તુ છે. જેના ઉપર કેટલાયે અલગ અલગ કાળા વાંકાચૂંકા શબ્દો-ચિત્રો અંકિત કરેલા હોય છે. પણ જ્યારે તમે એ વાંચો કે જુઓ છો ત્યારે તમે બીજા વ્યક્તિના દિમાગમાં ઘૂસી જાવ છો, એ વ્યક્તિ કદાચ હજારોવર્ષો પહેલા મૃત્યુ પામ્યો હશે. એટલા હજારોવર્ષો પૂર્વેથી એ લેખક શાંતિથી એ કાગળમાંથી તમારી સમક્ષ સ્પષ્ટ બોલે છે, સીધું જ તમને. લેખન એ કદાચ મનુષ્યે કરેલી સૌથી મહાન શોધોમાંની એક છે. ક્યારેય એકબીજાને ન મળેલા, કેટલાય યુગો દૂર રહેતા લોકોને એકબીજા સાથે જોડતી, ભેગા કરતી કડી રૂપ છે, પુસ્તક એ સમયના બધા બંધનો તોડી નાખે છે. પુસ્તક એ એવી સાબિતી પૂરે છે કે માનવી એ જાદુઇ કામ કરવા માટે શક્તિમાન છે.”

    – કાર્લ સાગન (ખગોળશાસ્ત્રી)

    પુસ્તકો વગરનો રૂમ એ બારીઓ વગરના રૂમ જેવો છે.

    – Heinrich Mann

    મતલબ, રૂમમાં કોઈ હવા-ઉજાસ માટેની જગ્યા ન હોય તો એ બંધિયાર કોટડી થઈ જાય. જો બારી-બારણાં ખુલ્લા હોય તો રૂમ હવા-ઉજાસ વાળો ફ્રેશ લાગે. રૂમ મતલબ આપણું દિમાગ અને બારીઓ મતલબ પુસ્તકો. સારા પુસ્તકો એ આપણાં દિમાગમાં જ્ઞાન રૂપી વિચારો દાખલ કરે છે. વર્ષો પુરાણી કુંઠિત વિચારસરણી, ગેરમાન્યતા દૂર કરી નવા updated વિચારો આપે. આપણાં મનનું સંવર્ધન (nourish) કરે છે. જ્યારે જીવનમાં નિરાશા ઘેરી વળે, તકલીફો ટૂટી પડે, વિશ્વાસ ઉઠી જાય, શ્રધ્ધા ડગી જાય, ત્યારે સારા પુસ્તકોનું વાંચન આપણને પ્રેરણા આપે, ફરીથી ઊભા કરીને આગળ વધવા આંતરિક બળ પૂરે છે...

    આ નિર્જીવ પુસ્તકમાં આટલું કૌવત (power) કેવી રીતે હોઇ શકે...?, છે તો એક કાગળિયું જ ને...!

    – હા, છે તો એ કાગળિયું જ, પણ એ કાગળ ઉપર કોઈકનો વિચાર ધબકતો હશે, કોઈકનો અનુભવ બોલતો હશે, કોઇ માણસની શૂન્યમાંથી સર્જન કર્યું એની આખી જીવન કહાની હશે, પ્રેરણાદાયી નવલકથાના પ્રેરક પાત્રો બોલતા હશે, કોઈકે જીવનમાં ઠોકરો ખાઈને શિખેલા બોધ પાઠ કહ્યા હશે, કોઈ કવિ કે ગઝલકારે દિલની લાગણીઓ, મનમાં ભભૂકતી ચિંગારીઓને ચંદ લબ્જોમાં સંક્ષિપ્ત (compress) કરી કવિતા કે ગઝલોમાં લપેટી લીધી હશે. ભુતકાળના પુરાવા, વર્તમાનની વાસ્તવિકતા અને ભવિષ્યની શક્યતાઓને સંકેલી એક કાગળ પર અંકિત કરીએ ત્યારે એ સમય-સંજોગો પુસ્તકમાં પુરાઈ જાય. અને આપણે વાંચીએ ત્યારે એ આપણાં મનમાં જીવંત બની જાય છે. આ છે પુસ્તકનું કૌવત... બોસ !

    એ વ્યક્તિઓએ એમના વિચારો, મંતવ્યો, કે ફિલોસોફી આજથી પચાસ-સો કે હજાર વર્ષો પહેલા કહેલી હશે. એ વ્યક્તિ તો ખુદ અત્યારે તમારા કે મારા અંદર પ્રાણ ફૂંકી, ઉત્સાહનો સંચાર કરી, પીઠબળ આપવા તો આવવાના નથી જ that for sure, પણ એમના અમૂલ્ય વિચારો, અનુભવો, જ્ઞાન એ પુસ્તકમાં મૂકીને ગયા છે. એમને મળવું હોય તો – એમના પુસ્તકો વાંચવાની જરૂર છે. એમના વિચારોને મમળાવાની જરૂર છે, ગમે તો જીવનમાં ઉતારવાની તો ખાસ જરૂર છે...

    એમણે જે ઠોકરો ખાઈને અડધી જિંદગી કોઈ એક શીખ કે અનુભવ મેળવવા માટે ગુજારી દીધી હોય એને આપણે વાંચીને શીખી શકીએ છીએ. અને એમના એ તારણ પર પહોંચવા માટે આપડે -એમણે જે ઠોકરો ખાધી એ ફરીથી ખાઈને (શીખવામાં) ખોટો સમય વ્યર્થ નથી કરવાનો. એ પુસ્તકમાં એમનો સ્વ-અનુભવ એટલા માટે જ તો લખ્યો છે કે આપણે એ ભૂલ ફરીથી ન કરીએ. એ શીખવા ખોટા રસ્તે ફાંફાં ન મારીએ. પુસ્તકો વાંચીને એમના અનુભવોમાંથી શીખીને એ અનુભવો પોતાનો કરી શકાય. પુસ્તકો આપણને દુનિયામાં બની રહેલી તથા ગતમાં (in past) બનેલી દરેક જીવંત યા મૃત –વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ સાથે નજીકથી પરિચય કરાવે છે. માતબર (ઠોસ) જાણકારી આપે છે.

    મનીલો કે, ભૂતકાળમાં જે કોઈ મહાન વિચારકો, લેખકો, વૈજ્ઞાનીકો, ફિલોસોફરો કે કોઈપણ નામચીન લોકો થઈ ગયા એમના વિષે કશું લખાયું જ ન હોત તો શું થાત....? think for a while…..

    આપણે ભૂતકાળમાં લોકોએ શું કર્યું એના વિષે કશું ખબર જ ન હોત. એમનો કોઈ વારસો જ ન મળત. ન્યુટને શોધેલ ગુરુત્વાકર્ષણ બળનો સિધ્ધાંત શું છે એની યે ખબર ન હોત. બસ ન્યુટનને અને એમની આજુબાજુના લોકોને એ વિષે જાણ થઈ હોત. એમના મૃત્યુ પછી એમના સાથે એમની મહાન શોધો પણ વિસરાઈ ગઈ હોત.

    ભૂતકાળમાં બનેલા મહાન વ્યક્તિએ શું કર્યું એ ક્યાંક લખાયું હોય તો આપણને ખબર પડે કે ભઈ –આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધ્યો છે ! જો એ ન લખાયું હોત તો આપણાં વૈજ્ઞાનીકો એ શોધવા, જાણવા ફરીથી એકળો ઘૂંટવો પડે. ભૂતકાળમાં થયું એ લખાયું એટલે આપણે એનાથી પરિચિત થયા, શીખી શકયા, હજારો વર્ષો પહેલા શોધાયેલી વસ્તુ કે અનુભવેલું જ્ઞાન પુસ્તકોમાં સચવાયું એટલે અહીં આપણાં સુધી પહોંચ્યું. વગર પુસ્તકોએ દુનિયાનો વિકાસ સીમિત થઈ જાય. પુસ્તકો તો ભુતકાળમાં જીવી જાણેલા લોકો સાથેનો પરિચય કરાવે છે.

    જેટલી શોધો થાય છે કે જે કશું નવું સર્જાય છે –એ આજદિન સુધી લખાતું આવ્યું છે. વૈજ્ઞાનિકો, લેખકો, ફીલોસોફરો એમણે જે સર્જન કર્યું હોય એને તમારા-મારા જેવા જિજ્ઞાસુઓ વાંચે છે, જાણે છે, શીખે છે, મનોમંથન કરે છે. અને એ મહાન વ્યક્તિઓનું જ્ઞાનરૂપી અનુભવામૃત લઈને એમની અધૂરી જર્નીથી શરૂઆત કરે છે. આ વારસો પુસ્તકમાં જળવાયો હોય તો ફરીથી એકળો ઘૂંટવો ના પડે. એટલે પુસ્તકો એ હજારો વર્ષો પુરાણું જ્ઞાન વહાવતો અને વહેંચતો મીઠો દરિયો છે... Books are the ocean of knowledge.

    આતો જસ્ટ વાત છે :-

    “ જો નિરક્ષરતા એ અભિશાપ અને અંધકાર છે, તો આ અભિશાપના અંધકારમાંથી બહાર નીકળવા ‘સારા પુસ્તકો’ એ મશાલ સમાન છે. ”

    – અજ્ઞાત.

    આશા રાખું છું કે, પંદર મિનિટ પહેલા તમે ‘જીવનમાં વાંચનની અગત્યતા’ કેટલી હોય છે એ વિષે જેટલું જાણતા હતા, એ જાણકારીમાં 1% થી વધુ અગત્યતા આ લેખ વાંચ્યા પછી સમજ્યા-જાણ્યા હશો તો રેટિંગ અને રિવ્યુ આપવામાં જરાયે કંજૂસી ના કરતાં. કારણકે હું જેટલું જાણું છું, વિચારું છું, સમજુ છું –એને શબ્દોમાં અહીં ઉતારવામાં જરાયે કંજૂસી નથી કરી. બિંદાસ... થઈને વિચારો તમારી સમક્ષ તરતા મૂક્યા છે.

    ***

    બાકીના પ્રશ્નોનો ખુલાસો વાંચવા ભાગ – 2 અચૂક વાંચજો...