Aazad Hindustanna Bhagla books and stories free download online pdf in Gujarati

આઝાદ હિંદુસ્તાનનાં ભાગલાં

આઝાદ હિંદુસ્તાનનાં ભાગલાં

આઝાદ હિંદુસ્તાનનાં ભાગલાં : ગાંધી-જીન્ના કે કોઈ હિંદુ-મુસ્લિમે-કશ્મીરી-પંજાબીએ નહીં, સીરિલ રેડક્લિફ નામનાં બ્રિટીશરે પાડ્યા હતા

એક વ્યક્તિ રેડક્લિફને : ‘આ ભારત પાકિસ્તાન વચ્ચે જે રેખા ખેંચવામાં આવી છે એ ફિરોજપુરની રેલવે લાઈન છે. આથી તો એક રેલવે લાઈન ભારત અને બીજી પાકિસ્તાનમાં ચાલી જશે.’

રેડક્લિફ રેખા ભૂસતા-ભૂસતા : ‘તો આ રેખાને દક્ષીણ બાજુ કરી નાખી.’

બીજો વ્યક્તિ રેડક્લિફને : ‘ત્યાં તો હિંદુઓનું ખેતર છે.’

રેડક્લિફ : ‘તો ઉત્તર બાજુ કરી દઈએ.’

આ સંવાદ લંડનમાં એક સમયે ભજવાતા હોર્વડ બ્રેંટન લિખિત ‘ડ્રોઈંગ ધી લાઈન’ નાટકનાં છે. જે નાટકમાં ભારત-પાકિસ્તાનને બે ટુકડામાં વહેચનાર સીરિલ રેડક્લિફ કઈ રીતે વિશ્વ ઈતિહાસનો નિર્માતા બન્યો તેની તમામ તલસ્પર્શી હકીકત દર્શાવવામાં આવી છે.

ભારતીયો ૧૫ અને પાકિસ્તાનીઓ ૧૪ ઓગષ્ટની આઝાદીની ઉજવણીમાં ભાગલાંનાં અમાનુસી દિવસ ૧૭ ઓગષ્ટને ભૂલી જાય છે. ૧૯૪૭માં પણ વર્ષોની ગુલામી બાદ એક તરફ ૧૪ ઓગષ્ટે પાકિસ્તાન અને ૧૫ ઓગષ્ટે ભારતમાં આઝાદીનો ઉત્સવ મનાવનાર કરોડો લોકોને અંદાજ ન હતો કે આખરે ૧૭ ઓગષ્ટનાં દિવસે શું થવાનું છે? બધા જ બેખબર બની સ્વતંત્રતા મળ્યાનાં સમાચારોથી ખુશ હતા ત્યારે બીજી તરફ અંગ્રેજોએ ભારતને સ્વતંત્ર કરવા માટે એક મહિના અગાઉ બ્રિટનની પાર્લામેન્ટમાં ૪ જુલાઈ ૧૯૪૭નાં રોજ ‘ધી ઈન્ડીપેન્ડેન્સ એક્ટ’ રજૂ કરી ભારતમાંથી એક અલગ પાકિસ્તાન દેશ બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરી દીધો હતો. આ ખરડો ૧૮ જુલાઈ ૧૯૪૭નાં રોજ પસાર થયો હતો. ભારત અને પાકિસ્તાનને બે અલગ દેશ બનાવવા માટે તેનાં ભાગલાં પાડવા બ્રિટનનાં વકીલ સીરિલ રેડક્લિફને નિયુક્ત કરી પાંચ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. મતલબ કે, આઝાદી પહેલાં જ આઝાદ હિંદુસ્તાનને ખંડિત કરવાનું ષડયંત્ર રચાઈ ગયું હતું.

પૂર્વ ગર્વનર-જનરલ માઉંટ બેટન દ્વારા જુલાઈ ૧૯૪૭માં રચાયેલી સીમા આયોગની કમિટીમાં મુસ્લિમ જનસંખ્યાનાં આધારે ભારત, પાકિસ્તાન, પંજાબ અને બંગાળની વિભાજન રેખા નક્કી કરવાની કામગીરી રેડક્લિફની અધ્યક્ષતામાં આઠ નિર્ણાયક સદસ્યવાળી ચાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ચાર મુસ્લિમ લીગનાં સદસ્યોને સોંપાઈ હતી. જે લોકો કોઈ પ્રકારની સહમતિ પર પહુંચી શક્યા ન હતા. હિન્દુસ્તાની આઝાદીની તવારીખ ધીમે-ધીમે દસ્તક દઈ રહી હતી. આથી અંતિમ નિર્ણય સીમા આયોગ અધ્યક્ષ સીરિલ રેડક્લિફ લઈ ભારત-પાકિસ્તાનનાં ભાગલાં પાડ્યા હતા. આ પરથી ભારત-પાકની સીમા ‘રેડક્લિફ લાઈન’ કહેવાય છે. આઝાદ હિન્દુસ્તાને નવા બનેલા દેશ પાકિસ્તાનને ભાગલાં પછી કરોડો રૂપિયાની આર્થિક સહાય ઉપરાંત ૧/૩ ભારતીય સેના, ૬ મહાનગરમાંથી ૨ મહાનગર અને ૪૦% ભારતીય રેલલાઈન આપી હતી અને બદલામાં પાકિસ્તાને આઝાદીથી આજ સુધી આતંકવાદ અને મઝહબી ઝેર આપ્યુ છે.

જે રીતે ઘણા-ખરા લોકો રેડક્લિફથી અજાણ છે એ મુજબ જ રેડક્લિફ પણ ભારતનાં ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિપેક્ષ્યથી તદ્દન અજાણ હતો. હિંદુસ્તાનમાંથી પાકિસ્તાનને અલગ કરવાથી સાંપ્રદાયિક હિંસા સદીઓ સુધી ભડકતી રહેશે, કરોડો લોકોને પોતાની જન્મભૂમિ, કર્મભૂમિ સાથે વ્યવસાય, સગા-સંબંધીઓ, બાળપણ-જવાની-બુઢાપાની યાદો, વડીલ ઉપાર્જિત મિલ્કતોને પણ છોડી દેવા પડશે કે બે દેશ વચ્ચે ખેંચાયેલી સરહદી લકીર યુદ્ધક્ષેત્રમાં પરિવર્તિત થઈ જશે તેવી કોઈ જ સમજબૂજ રેડક્લિફને ન હતી. ટૂંકમાં તેને પોતાના કામની ગંભીરતા જ ખબર ન હતી. આથી રેડક્લિફે કરેલા ભારત પાકિસ્તાનનાં ભાગલાં માનવ ઈતિહાસનાં સૌથી મોટો સામૂહિક પલાયન સાથે કરોડો નિર્દોષ લોકોની આર્થિક-સામાજિક-ધાર્મિક સંપત્તિનાં નુકસાન, લાખો માસૂમ લોકોની મૃત્યુનાં દોષ અને હજારો સ્વાતંત્ર સ્ત્રી-બાળકોનાં શોષણ-દમનનું નિમિત્ત બન્યા. આટલું જ નહીં પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે ખેંચાયેલી સરહદી રેખાનાં સીમા વિવાદ માટે વાર-તહેવારે અને પ્રસંગ-અવસરે ગાંધી-જીન્ના કે કોઈ કશ્મીરી-પંજાબી, હિંદુ-મુસ્લિમની ભૂલ ગણવામાં આવી. હકીકતમાં તો અંગ્રેજોની કૂટનીતિ ‘ભાગલાં પાડોને રાજ કરો’નો આ સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક હતો જેનાં ઉજરડાઓ આજે અને આવનારી સદીઓ સુધી નહીં ભૂંસાઈ.

ડેઝર્ટ : પાકિસ્તાનને ૧૪ ઓગષ્ટ અને ભારતને ૧૫ ઓગષ્ટ આઝાદી મળી હતી અને ૧૭ ઓગષ્ટે ભારત-પાકિસ્તાનનાં ભાગલાં પડ્યાં હતા. આવું કેમ? કેમ કે, માઉંટ બેટનને બંને દેશોનાં સ્વતંત્રતા સમારોહમાં હાજરી આપવી હતી.

બોક્સ : ભારત અને પાકિસ્તાનનાં ભાગલાં પાડવા આવેલો સીરિલ રેડક્લિફ ક્યારેય ભાગલાં પહેલાં કે ભાગલાં પછી ભારત આવ્યો ન હતો. ભાગલાં પાડવા માટે તેની પાસે કોઈ જિલ્લા, શહેરો કે રાજ્યનાં નકશા ન હતા. તેણે હવાઈ મુસાફરી કરી હિંદુસ્તાનની ભૌગોલિક પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો હતો. લાહોરમાં હિંદુઓની સંપત્તિ વધુ હતી પરંતુ પાકિસ્તાન પાસે કોઈ મહાનગર હતું નહીં આથી લાહોર રેડક્લિફે પાકિસ્તાનને આપ્યું. જો રેડક્લિફે પહેલાં ભારતને આપેલું લાહોર પાછળથી પાકિસ્તાનને ન આપ્યું હોત તો..

બોક્સ : સીરિલ રેડક્લિફ વિશે ઇતિહાસમાં બહુ ઓછુ લખાયું અને ચર્ચાયું છે આમ છતાં તે ભારત પાકિસ્તાનનું સૌથી ઓછુ જાણીતું અને બ્રિટીશ શાસનનું અહમ પાત્ર એવો હુકમનો એક્કો છે. જાણકારોનાં મતે તે બહુ સંવેદનશીલ વ્યક્તિ અને વકીલ હતો અને તેણે ખેંચેલી ભારત પાકિસ્તાનની સીમા રેખા ઉતાવળિયું અને ખોટું પગલું હતું એવો તેને પાછળથી અહેસાસ થયેલો. રેડક્લિફની ભૂલથી કરોડો લોકોને છેલ્લાં ૭ દસકથી અસંખ્ય યાતના અને અન્યાય સહન કરવા પડી રહ્યાં છે. રેડક્લિફને આ અંગે અફસોસ હતો. પણ..

- ભવ્ય રાવલ