Manasvi - 1 books and stories free download online pdf in Gujarati

મનસ્વી

મનસ્વી પથારીમાં પડી પડી ઊંઘવાના વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. પણ આજે એની આંખમાં ઊંઘ ક્યાંય ફરકવાનું નામ ન હતી લેતી. એના લગ્નને એક વર્ષનો સમય થયો હતો. છતાંય એ પ્રજયને પોતાના પતિના સ્થાને કલ્પી શકતી ન હતી. એને તો પ્રજય પહેલી નજરે જ ન હતો ગમ્યો પણ એના માં-બાપ ક્યાં એનું સાંભળનાર હતાં? મનસ્વીએ કદી પ્રજય સાથે લગ્નનો ઉત્સાહ જ મહેસુસ ન હતો કર્યો. પ્રજય પૈસાદાર પિતાનું એક માત્ર સંતાન હતો અને પિતાનો ધંધો સુપેરે ચલાવી પણ જાણતો હતો. આથી મનસ્વીના માતા-પિતાએ પ્રજયને પોતાની મનસ્વી માટે પસંદ કર્યો હતો. પણ મનસ્વીને એ પસંદ ન હતો. મનસ્વીના મતે તો એની કોલેજમાં એની સાથે ભણતો માનસ એક શ્રેષ્ઠ પુરુષ હતો કે જેની સાથે એ લગ્ન કરી પોતાનો સંસાર વસાવવા માંગતી હતી. પણ મનસ્વીના માં-બાપને એ મંજુર ન હતું.

વેવિશાળ અને લગ્ન બાદ મનસ્વી બધું ભૂલવાના પ્રયત્ન કરતી જેથી એ પ્રજય સાથે સારી જિંદગી જીવી શકે. પણ ક્યાંક હૃદયના કોઈક ખૂણે એને કંઈક ખુંચતું. એ ખુશ ન હતી અને જાણતા-અજાણતા એ પ્રજયની સરખામણી માનસ સાથે કરી બેસતી. એણે માનસ સાથેના તમામ સંપર્કો પણ તોડી નાંખ્યા હતાં છતાંય માનસ મનસ્વીના મનમાંથી દૂર થતો ન હતો.

આમ તો પ્રજય સારો બિઝનેસમેન હતો. અનેક એવોર્ડ્સ અને સન્માનો એની સફળતા અને કાબેલિયતની સાક્ષી પૂરતા હતાં. પણ માણસ તરીકે એ મનસ્વીના વિચારોને સમજી શકતો નહિ. એણે લગ્ન પહેલા મનસ્વીના મમ્મી-પપ્પા સામે પ્રસ્તાવ મુક્યો હતો કે મનસ્વી લગ્ન પછી નોકરી નહિ કરે. એ ઘરે રહીને ઘર સંભાળશે. કોઈ બાબતમાં એને પૈસાની કમી નહિ પડે પણ એને ઘરના માન-મોભાને અનુરૂપ જ રહેવું પડશે. અને મનસ્વીના માતા-પિતાએ પણ સહર્ષ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો.

મનસ્વીએ વેવિશાળ નક્કી થતા જ પોતાને ગમતા નૃત્યને અલવિદા કહેવું પડ્યું હતું કારણકે ઘરની વહુ નૃત્ય કરે એ પ્રજયના મોભાને છાજે એમ ન હતું. લગ્ન બાદ મોટા મહેલ જેવા ઘરમાં મનસ્વી પોતાને ખુબ એકલી મહેસુસ કરતી. પ્રજયના મમ્મી-પપ્પા દિલ્હી રહેતાં અને પ્રજય અને મનસ્વી પ્રજયનાં બિઝનેસને કારણે મુંબઈમાં રહેતાં. સવારે પ્રજય ચાલ્યો જાય પછી આખો દિવસ મનસ્વી પોતાને ખુબ એકલી મહેસુસ કરતી. આખો દિવસ ઘરમાં ફક્ત મનસ્વી અને ઘરની કામવાળી બાઈ બે જ રહેતાં.

મનસ્વી એની ફ્રેન્ડ્સ જોડે ફોનથી સંપર્કમાં રહેતી. આજે એની કોલેજની ફ્રેન્ડ શિખાનો ફોન આવ્યો ત્યારે એણે મનસ્વીને કહ્યું કે એને માનસ મળ્યો હતો અને એ મનસ્વી વિશે પૂછી રહ્યો હતો. આ વાતો થી મનસ્વીના હૃદયમાં ફરી માનસની યાદો ઉમટી આવી. માનસને ભૂલવું તો આમ પણ મનસ્વી માટે શક્ય ન હતું પણ છતાંય માનસ એને હજુ યાદ કરે છે એ જાણી એ ખુશ થઇ ઉઠી. અને શિખાનો ફોન મૂકતાં જ એ ભૂતકાળમાં સરી પડી.

***

મનસ્વીને નૃત્ય પહેલેથી જ ખુબ ગમતું. એનાં ઘરે છોકરીને નૃત્ય કરવાની મનાઈ હોવા છતાં પણ એ રૂમ બંધ કરીને કલાકો સુધી અરીસાની સામે નૃત્ય કરતી રહેતી. આથી જ જયારે કોલેજના પહેલા વર્ષમાં એની કોલેજમાં નૃત્ય-સ્પર્ધા થઇ ત્યારે એણે ઘરે પૂછ્યા વગર જ નામ નોંધાવી દીધું. તે અને શિખા દરરોજ રીસેસ પછીનો એક લેક્ચર છોડીને ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં પ્રેકટીસ કરતાં. આ સ્પર્ધામાં "મિસ બ્યુટીફૂલ ડાન્સર" અને "મિસ્ટર હેન્ડસમ ડાન્સર" નો ખિતાબ જીતવા માટે સૌ કોઈ જીવ રેડીને નૃત્યની પ્રેકટીસ કરતાં. બધાને ખબર હતી કે આ એક ખિતાબ એમને ઘણાંનાં દિલો પર રાજ કરવાનો અધિકાર આપી શકે એમ છે. દર વર્ષે આ સ્પર્ધાની બધાને ઉત્સુકતા રહેતી.

સ્પર્ધાના દિવસે મનસ્વી ઘરેથી કોલેજ જવાનું કહી સામાન્ય કપડાં પહેરી કોલેજ પહોંચી અને ત્યાં ગર્લ્સ હોસ્ટેલમાં જઈને એ શિખા પાસે મંગાવેલ કપડાં પહેરી મેક-અપ કરી તૈયાર થઇ. આમ પણ સુંદર લગતી મનસ્વી આજે તો કાતિલ લાગી રહી હતી. પોતાના રૂપથી કોઈને પણ ઘાયલ કરવા એ સક્ષમ હતી. એ શીખાની સાથે સ્ટેજ પાસે પહોંચી અને પોતાના નામની રાહ જોવા માંડી. સ્પર્ધાને અંતે ધાર્યા મુજબ મનસ્વીએ "મિસ બ્યુટીફૂલ ડાન્સર" નો ખિતાબ પોતાના નામે કર્યો. તો સામા પક્ષે "મિસ્ટર હેન્ડસમ ડાન્સર" નાં ખિતાબ માટે માનસ પરીખનું નામ જાહેર થયું. સૌ ગર્લ્સે કિકિયારીઓથી આ નિર્ણયને વધાવી લીધો. માનસ એક સુંદર સ્માઈલ અને વ્યક્તિત્વ ધરાવતો હેન્ડસમ છોકરો હતો જેની મનસ્વીએ નોંધ લીધી. માનસ અને મનસ્વી બન્નેએ એકબીજા સાથે હાથ મિલાવીને એકબીજાને "કોન્ગ્રેચ્યુલેશન" કીધું. માનસનાં આ સ્પર્શથી મનસ્વીના શરીરમાં એક ઝણઝણી ફરી વળી. સામે માનસ પણ પોતાને અપલક નેત્રે જોઈ રહ્યો હોવાનું મનસ્વીએ નોંધ્યું.

તે દિવસે શિખાએ માનસનું નામ લઇ લઈને મનસ્વીને ખુબ ચીડવી. શિખા જાણી જોઈને કહેતી "વાહ મેડમ.! માનસ ની મનસ્વી અને મનસ્વીનો માનસ.. નામમાં પણ કેવો પ્રાશ બેસાડ્યો છે નહિ ભગવાને?" અને મનસ્વી શરમાઈ ગઈ. બીજા દિવસે કોલેજ ગયા તો માનસ મનસ્વીની રાહ જોતો ગેટ પાસે જ ઉભો હતો. એને જોઈને શિખાએ મજાક કરી "લે આવી ગયો તારો મજનુ મનસ્વી" અને મનસ્વીએ ઈશારાથી એને ચૂપ કરી.

"હાય મનસ્વી.. કાલે તારો ડાન્સ મને ખુબ જ ગમ્યો. તું ખુબ સુંદર લાગી રહી હતી કાલે.!" માનસ શબ્દ ગોઠવતાં બોલ્યો

"થેન્ક યુ. તમે પણ સારો ડાન્સ કરો છો"

"થેન્ક યુ મનસ્વી. આજે જલ્દી લેક્ચર પતે તો આપણે કોફી પી શકીએ? જોઈએ તો તમારી ફ્રેન્ડને પણ સાથે લઇ આવજો."

"અમમમ.. કોફી? ઠીક છે."

"તો હું તમારી કૅન્ટીન પર રાહ જોઇ મનસ્વી."

"ભલે. હું જાઉં? મને મોડું થાય છે. મારા લેક્ચર સ્ટાર્ટ થઇ જશે."

"ઓહ.. સ્યોર. નાઇસ ટુ મીટ યુ મનસ્વી"

"થેન્ક યુ"

અને મનસ્વી ત્યાંથી જતી રહી. લેક્ચર પતાવીને મનસ્વી અને શિખા બહાર નીકળ્યા તો માનસ કેન્ટીન પર એમની રાહ જોતો ઉભો હતો. આથી શિખા અને મનસ્વી બન્ને કોફી પીવા ગયા. થોડી વાર રહીને શિખા ફોન પર વાત કરવાનું નાટક કરી ત્યાંથી જતી રહી. માનસે મનસ્વીને પૂછ્યું "તમને વાંધો નહિ હોય તો આપણે બન્ને ફ્રેન્ડ્સ બની શકીએ?"

"હમ્મ.. હા ઓકે."

"થેન્ક યુ મનસ્વી."

"વેલકમ માનસ."

અને એકબીજાના ફોન નંબરની આપ-લે કરી બન્ને છૂટાં પડ્યાં. એ સમયે હમણાંની જેમ બધા પાસે મોબાઈલની સુવિધા નહિ હતી. ઘરનાં એક ફોનથી જ બધા એકબીજાને સંપર્ક કરી શકતા.

***

"મેડમ સાહેબનો ફોન છે."

કામવાળીના અવાજથી મનસ્વી અચાનક તંદ્રામાંથી જાગી. પ્રજય તે દિવસે બહાર જમીને આવનાર હતો. આથી એણે મનસ્વીને ફોન કર્યો હતો કે એની રાહ જોયા વગર મનસ્વી જમી લે. પણ આજે મનસ્વીનું ચિત્ત ત્યાં ન હતું. એને કંઈ જ રસોઈ બનાવવાની ઈચ્છા ન થઇ. એને બ્રેડ શેકીને ખાઈ લીધા અને પ્રજય આવે એ પહેલા જ માથું દુખતું હોવાનું બહાનું કાઢી એ સુઈ ગઈ.

રાતે પ્રજય આવ્યો ત્યારે પણ એ જાગતી જ હતી છતાં ઊંઘવાનો ઢોંગ કરી પડી રહી. આગળનાં રૂમમાં ટી.વી.નું રિમોટ એની જગ્યાએ ન હોવાથી કામવાળીને ખિજવાતાં પ્રજયનો અવાજ એને સાંભળ્યો. પ્રજયને બધું જ ચોક્કસ જોઈતું. દરેક વસ્તુ એની જગ્યાએ જ જોઈએ, ઘરમાં ક્યાંક પણ બિલકુલ ધૂળ ન દેખાવી જોઈએ. નહીંતર મનસ્વીનું પણ આવી બનતું. આ બધી ચોકસાઈનો આગ્રહ મનસ્વીને પસંદ ન હતો. પણ એ પ્રજયને ક્યાં કંઈ કહી શકવાને સક્ષમ હતી?