Khel books and stories free download online pdf in Gujarati

ખેલ

ખેલ

ભાગ-

નટવર મહેતા

એક વહેલી સવારે પોલીસને એક ફોન આવ્યો.

માહિમની ખાડી પાસે ગટર કામદારો લાંબા સમયથી બંધ એક પડેલ ગટરની સાફ સફાઈ અને સમારકામ કરતા હતા. ત્યાં એમને એક લાશ મળી આવી. લાશ શું? કહો ને કે લગભગ હાડપિંજર જ મળી આવ્યું. પોલીસ દોડી આવી. ગટરની ઊંડાઈ આશરે સાતેક ફૂટ હશે. એના સ્થળ પર ફોટાઓ લેતા પોલીસ ફોટોગ્રાફરને ઊલટી થઈ ગઈ. એક તો અવાવરુ ગટર અને બિહામણી, કહોવાયેલ લાશ!! સ્થળ પર જ પૉસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોલીસે વિકીને જાણ કરી. એ દોડી આવ્યો. એ ઓળખી ગયો કે આ એના ભાઈસાબ અજય ખન્નાની જ લાશ છે!! કારણ કે લાશના જમણા હાથની આંગળીના હાડકાં પર એક વીંટી હતી…!! એ વીંટી હતી એના ભાઈસાબની. અજય ખન્નાની…!! એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

‘સાલોની ક્યા હાલત કર દી મેરે ભાઈસાબકી….?! મેં ઉનકો જિંદા નહિં છોડુંગા જિસને ભી એ કિયા મેં ઉસકા જિના હરામ કર દુંગા…’

પોલીસે હાડકાં એકત્ર કર્યા. અજય ખન્નાની ખોપરીમાં જમણી તરફ ઉપર એક નાનકડું કાણુ હતું. વિકીએ લાશના તુરંત કબજા માટે ઘણો જ આગ્રહ કર્યો.

‘એમ લાશનો કબજો આપી ન શકાય!’ ઇન્સ્પેક્ટર વિજય વાધમારેએ એને સમજાવ્યો. એણે ત્યાંથી જ બે-ત્રણ ફોન કર્યા. હોમ મિનિસ્ટર શિંદેનો ફોન પોલીસ કમિશ્નર પર આવ્યો. કમિશ્નર રિતેષ દેશમુખે ઈ. વિજયને ફોન કર્યો. પરન્તુ ઈ. વિજય એક ના બે ન થયા. અને ત્યારે જ વિકીએ ઈ. વિજયને ખન્ના કેસમાંથી દૂર કરાવવાનો એણે નિર્ણય લઈ લીધો..

બે દિવસ પછી અજયના અવશેષો ખન્ના ફૅમિલીને સોંપવામાં આવ્યા. અંગત અંગત સગા-સંબંધી અને ખાસ મિત્રોની હાજરીમાં ભારે હૈયે વિકીએ ચંદનવાડી સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપ્યો. આમ ખન્ના કિડનૅપ કેસ એક ખૂનકેસ બન્યો. ઈ.વિજય વાઘમારેની બદલી થવાની જ હતી એ પણ જાણતા હતા અને અંદરખાતેથી એ પણ એવું ઇચ્છતા હતા કે ખન્નાકેસથી એમનો છુટકારો થાય. અને વિજય વાઘમારે પાસેથી ખન્ના ખુનકેસ આવ્યો ઈ. અનંત કસ્બેકરના હાથમાં!

લાશ અજય ખન્નાની છે એ સાબિત થવું જરૂરી હતું. અવશેષોની લંબાઈ પરથી તો મેળ ખાતો હતો. અજય ખન્નાની ઊંચાઈ હતી પાંચ ફુટ અગિયાર ઇંચ. તો હાડકાના એ માળખાને વ્યવસ્થિત ગોઠવતા પાંચ ફુટ નવ ઇંચથી માંડીને અગિયાર ઇંચની ધારણા થઈ શકતી હતી.

‘અમારે આપના ભાઈ અજય ખન્ના વાપરતા હોય એ ટુથ બ્રશ કે કાંસકીની જરૂર પડશે!!’ ઈ. અનંતે વિકીને દિલાસો આપી કહ્યું, ‘વિ હેવ ટુ મેચ ધ ડીએનએ ઓફ ધ ડેડ બોડી…!!

‘ઇન્સ્પેક્ટર સાહેબ…!!’ વિજયે ગંભીર થઈ જતાં કહ્યું, ‘ઈસમે કોઈ શક નહિ હૈ કી યે ભાઈસા’બકી હી બોડી હૈ. ભાઈસાબ જે રિંગ વરસોથી પહેરતા એ રિંગ પરથી…’

‘તો પણ અમારે ખાતરી તો કરવી જ પડે. પ્લિસ…!! કોઓપરેટ વિથ અસ!!’ ઈ. અનંતે વિનંતી કરતા કહ્યું.

વિકીના મ્હોં પર સ્પષ્ટ અણગમો તરી આવ્યો, ‘કેટલો સમય વિતી ગયો?! હવે તમને એ વસ્તુઓ કેવી રીતે આપવી?’

‘કંઈ પણ કાંસકો…ટુથ બ્રશ…જે અજયજી વાપરતા હતા. નહીંતર પછી તમારા બ્લડનું સૅમ્પલ…!!’

‘વો મેરે સગે ભૈયા નહિં થે…!!’ વિકીએ ઈ. અનંતને અટકાવી કહ્યું, ‘હમારી મા અલગ થી…! મેરે ડેડને દુસરી શાદી કી થી…!!’ સહેજ અટકીને એ બોલ્યો, ‘આપ થોડા દિવસ રાહ જોઈ શકશો. ભાભીજી હરદ્વાર ગયા છે. એમની પાસે કંઈ મળી આવશે…! બાકી…’

‘પોલીસ રાહ જોશે.’ ઈ. અનંતે ઉભા થતાં કહ્યું, ‘આપના ભાભીજી આવે એટલે મને રિંગ કરજો…! યુ સી. અમે પુરો પ્રયાસ કરી રહ્યા છીએ. બાબુ બિહારી જે રીતે ગુમ થઈ ગયો છે….’

‘બાબુને રાહેજાએ જ ગુમ કરી દીધો હશે…સંતાડ્યો છે. તમે રાજીવ રાહેજાને કેમ દબોચતા નથી?! જે દિવસે ભાઈસાબની બોડી મળી હતી એ દિવસે એણે મોટી પાર્ટી આપી હતી એની તમને જાણ છે? હી વોસ એન્જોઈંગ માય બ્રધ્રર્સ ડેથ…!’

‘મારા ધ્યાનમાં એ છે જ. અમારી નજર એના પર ચોવીસ કલાક છે. મેં એની પુરી તપાસ પણ કરી છે. પણ એની વિરૂધ્ધ કોઈ એલિબી નથી મળતી.’

‘તો પુરાવો ઊભો કરો…! કુછ કિજીયે…! મેં તો મારા ભાઈ ખોયા છે. ભલે એ મારા સગા ભાઈ ન્હોતા. પણ એમણે મને કદી પરાયો ગણ્યો ન્હોતો.’ આંખ ભીની કરતા વિકી બોલ્યો, ‘ જ્યાં સુધી બોડી મળી ન હતી ત્યાં સુધી મને થોડો થોડો વિશ્વાસ હતો..! પણ હવે…!!’

‘આઈ એમ સોરી…! પણ હવે કેસ મારા હાથમાં છે…!! આઈ વિલ ટ્રાય માય બેસ્ટ…!!’ ઈ. અનંતે વિકીના ખભા પર હાથ મૂકી સાંત્વનાના સ્વરે કહ્યું.

ઈ. અનંતે બાબુને શોધવા ભીંસ વધારી. રાજીવ રાહેજા પર દેખરેખ ચાંપતી કરી. એના ફોન, સેલ ફોન, ઈમેઈલ વગેરે પર વોચ ગોઠવી દીધી. બસ, એમણે હવે રાહ જોવાની હતી કે ક્યારે રાજીવ રાહેજા ભૂલ કરે!! ક્યારે બાબુ રાજીવનો સંપર્ક કરે!!

એ સિવાય ઈ. અનંતને એક વાતની ખાસ નવાઈ લાગતી હતી કે આટલા ઓછા રેન્સમ મનીની માંગણી કેમ કરવામાં આવી?!

-ફક્ત દશ કરોડ?!

-ખન્ના બ્રધર્સ તો વધારે આપી શકે એટલાં માતબર હતા…

-અરે…! રાજકોટના સોની ભાઈઓનું કિડનૅપ થયેલ એમાં પણ સિત્તેર કરોડમાં માંડવાલી થયેલ એવું જાણવા મળેલ…!

-ત્યારે આ તો છેક દશ ખોખા…!! જરૂર સ્થાનિક ગેંગનું કે નાદાન છોકરાઓનું કામ હોવાની સંભાવના વધી રહી હતી. એઓનો કોઈ રેકર્ડ ન હોવાને કારણે પોલીસ અંધારાંમાં ફાંફાં મારી રહી હતી.

એ દરમ્યાન વિકીએ પોલીસ સ્ટેશને આવીને એક હેર બ્રશ ઈ. અનંતને આપ્યું, ‘ આ મારા ભાઈ વાપરતા હતા. ભાભીસાબે યાદગીરી રૂપે સાચવેલ છે એ!! આઈ હોપ કે અમને એ પાછું મળશે?’

‘યસ…! આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ રિટર્ન યુ. આઈ એમ વેરી થેંકફુલ ફોર ધીસ…!’ ઈ. અનંત લાકડાના હાથાવાળું એ બ્રશ લેતા બોલ્યા. બ્રશ નિહાળી ઈ. અનંતને વિચાર આવ્યોઃ ધીસ વિલ બી વેરી ઈમ્પોર્ટન્ટ એક્ઝિબીટ…!! કારણ કે, એ બ્રશ પર એક બે વાળ પણ વિંટાળાયેલ હતા. એ બ્રશ અને અજય ખન્નાના લાશ પરથી મળેલ થોડા વાળ બેંગલુરૂ મોકલવામાં આવ્યા. ડીએનએ મેપિંગ કરવામાં આવ્યું. બન્ને નમૂનાઓ મળતા આવ્યા.

-તો એ લાશ ખરેખર અજય ખન્નાની જ છે…! પોલીસ પર દબાણ વધી રહ્યું હતું…ઈ. અનંત કસ્બેકરની નિદ્રા વેરણ બની હતી.

પુત્રી નેહાના કપાળ પર હાથ ફેરવી એની ચાદર બરાબર ઓઢાડી સહેજ નમીને ઈ. અનંતે ઘસઘસાટ નિદ્રાધીન શિવાંગીના કપાળે એક ચુંબન કર્યું. થોડા અસમંજસ અવાજો કરી શિવાંગી પડખું ફરીને સૂઈ ગઈ. એ કારણે ઈ. અનંતના હોઠ સહેજ ફરકી ગયા. એઓ પથારીમાંથી ઉભા થયા. બે-ત્રણ ઊંડા શ્વાસો-શ્વાસ લીધા. રેફ્રિજરેટર ખોલી પાણીની બોટલ લઈ પાણી ગટગટાવ્યું. વરંડામાં ગયા. રાત્રિના અંધકારમાં ગોરેગાંવના સ્વચ્છ આકાશના એ ટુકડામાં તારાઓ ટમટમતા હતા. ઈ. અનંતના મન પર અજય ખન્ના ખૂનકેસ પર કબ્જો જમાવી દીધો હતો. એઓ અંદર આવ્યા. કમ્પ્યુટર ચાલુ કરી ખુરશી પર ગોઠવાયા. વિકીએ શરૂ કરેલ અજય ખન્નાના બ્લોગ પર ગયા.

-આ પણ એક નવું ગતકડું છે!!

બ્લોગ પર જાત જાતની કોમેન્ટસ્ વાંચતા એઓ વિચારતા હતાઃ લોકો સાવ નવરા પડી ગયા લાગે છે!!

મોટે ભાગની કોમેન્ટસ્ પર પોલીસ ની કુથલી જ કરવામાં આવી હતી. બ્લોગ પર અજય ખન્નાની જીવન ઝરમરની સાથે સાથે એમના ઘણા ફોટાઓ પણ હતા; એકલા તો રાજકારણીઓ સાથે…ફિલ્મ એક્ટર-એક્ટ્રેસ સાથે…!! તો બાબુ બિહારીના પણ જુદા જુદા ફોટાઓ હતા અને એની શોધ કરનારને કે માહિતી આપનારને અપાનારા પાંચ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ હતી.

ઈ. અનંતને ચેન પડતું ન્હોતું. એમણે અજય ખન્ના કેસની ફાઈલના પાનાઓ ઉથલાવવા માંડ્યા. ફાઈલમાં સર્વે માહિતીઓ હતી. એમણે જ પેન્સિલથી કરેલ નોંધ ફરી ફરી નિહાળી. છેલ્લે ગટરમાં પાડેલ અજય ખન્નાની લાશના ફોટાઓ એઓ જોવા લાગ્યા. પોલીસ ફોટોગ્રાફરે પાડેલ ફોટાઓ ચિતરી ચઢે એટલા વિકૃત અને બિહામણા હતા. એ ફોટાઓ જોતા જોતા એ ચમક્યા. એમનું હ્રદય જોરથી જોરથી ધબકવા લાગ્યું. એઓ જે નિહાળી રહ્યા હતા એ માની શકતા ન્હોતા…!!

-આજ સુધી આ કેમ કોઈના ધ્યાનમાં ન આવ્યું…!?

લાશના ફોટા નિહાળતા એઓ વિચારવા લાગ્યા. અજય ખન્નાના બ્લોગ પર ગયા. ત્યાંના ફોટાઓ જોયા…!!વારંવાર જોયા…!!

-ઓ…માય ગોડ….!! ઓ પાન્ડુરંગા…!!

-આઈ કાન્ટ બિલીવ ધીસ…!!

-આઈ ગોટ ઈટ…!!

એઓ સવાર પડવાની રાહ જોવા માંડ્યા. કમ્પ્યુટર બંધ કરી, ફાઈલમાં ફરી લાશ પર એક નજર કરતા એમના ચહેરા પર એક હાસ્ય ફરી વળ્યું!! એક હળવી રાહત થઈ એમને…!

-હવે એક એક કદમ સાચવી સાચવીને માંડવું પડશે!!

-ધે આર વેરી ક્લેવર…!!

ટ્રેક સુટ પહેરી એ રોજની જેમ પાંચ માઈલ દોડી આવ્યા. સ્નાનાદિથી પરવારી યોગાભ્યાસ કર્યા બાદ એમણે કમિશ્નર રિતેષ દેશમુખના સેલ ફોન પર ફોન કર્યો.

‘ગુડ મોર્નિંગ સર…!!’

‘ગુડ મોર્નિંગ અનંત…!!’

‘હું આપને હેરાન તો નથી કરતોને સર…!?’

‘ના…ના…!’ હસીને એ બોલ્યા, ‘આ તો અંજલિ સાથે વોક પર નીકળ્યો છું!! યુ નો અંજલિ સાથે ચાલતા ચાલતા તારી જ વાત કરતો હતો. શું ન્યૂઝ છે. એની પ્રોગ્રેસ…?!’

‘યસ…!! ઈટ લુક્સ્ લાઈક એ બિગ ગેઈમ…!! એક ખતરનાક ખેલ...!!’

‘વૉટ…??’

‘યસ…સર…!! આઈ નિડ યોર ફુલ સપોર્ટ…!! એન્ડ ઈટ વિલ બી ઓન્લી યુ એન્ડ મિ…!! ઓન્લી…!! સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ…!!

‘અફકોર્સ…યુ વિલ ગેટ ઓલ સપોર્ટ…!! વ્હેર ઈસ બાબુ બિહારી…??’

‘હું તમને મળું છું. દશ વાગે…!! ઈફ ઈટ ઈસ ઓકે ફોર યુ…!!’

‘વ્હાઈ દશ વાગે…? કમ સુન…તું મારે ઘરે આવ…!! અંજલિ આજે ઉપમા બનાવવાની છે. વિ વિલ હેવ બ્રેક ફાસ્ટ ટુ ગેધર…!!’

‘મારે થોડાંક અખબારોની રેફ્રન્સ ફાઈલ જોવી છે. બીજું પણ એક ઈન્વેસ્ટીગેશન કરવાનું છે. પણ હું તમને બે-ત્રણ કલાકમાં મળું છું…!! અંજલિજીનો ઉપમા નેક્સ્ટ ટાઈમ…!!’

બરાબર હોમ વર્ક કરીને ઈ. અનંત કમિશ્નરને મળ્યા. એમની સચોટ રજૂઆતથી અને હકીકતથી કમિશ્નરશ્રી તો અચંબામાં પડી ગયા અને એક ઊંડો શ્વાસ લઈ એ બોલ્યા, ‘ધીસ વીલ બી વેરી ઈન્ટરેસ્ટીંગ…!! ગો એહેડ…!! કિપ ઈન ટચ…!! બ્રિફ મી..!! માય ઓલ સપોર્ટ ઈસ વિથ યુ ટુ ફાઈન્ડ આઉટ ધ ટ્રુથ…એન્ડ ઓન્લી ધ ટ્રુથ…!!’

***

ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ ગયો… લોકો ધીરે ધીરે અજય ખન્ના ખૂન કેસ ભૂલવા માંડ્યા હતા ત્યાં જ ‘આજતક’ના ક્રાઇમ રિપોર્ટર મનિષ દુબેના સેલ પર ટેક્સ્ટ મૅસેજ અવતર્યોઃ પ્લીસ કમ ટુ ધ ન્યૂઝ કૉન્ફરન્સ એટ મેઇન પોલીસ સ્ટેશન એટ નાઈન…!!

એવો જ એક મૅસેજ ‘એનડી ટીવી’ની બરખા દત્તને પણ મળ્યો. તો ‘ઝી ન્યૂઝ’ના રમેશ મેનન શા માટે રહી જાય? ‘સી. એન. એન’ની સુહાસિની હૈદર પણ ખરી જ…!!એજ રીતે ‘મિડ ડે’થી માંડીને દરેક સમાચારપત્રોના ખબરપત્રીઓને સંદેશો મળી ગયો. પોણા નવે તો કૉન્ફરન્સ રૂમમાં સર્વે રિપૉર્ટરો-કેમેરામેનથી છલકાય ગયો…!! સહુને આ પ્રેસ કૉન્ફરન્સ અંગે ઈંતેઝારી હતી.

બરાબર સવા નવે કમિશ્નર રિતેષ દેશમુખે હસતા હસતા કૉન્ફરન્સ રૂમમાં પ્રવેશ કર્યો, ‘ગુડ મોર્નિંગ એવરીવન…!! થેન્ક યુ વેરી મચ ટુ યુ ઓલ…!! યુ ઓલ આર હિયર ઈન વેરી શૉર્ટ નોટિસ…!! બટ બિલીવ મી…!! ધીસ વિલ બી ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બ્રિફીંગ ફોર મી એન્ડ યુ…! યુ વિલ ઓલ્સો સરપ્રાઈઝડ્ વિથ ધ ઈનફોર્મેશન ઓફ ધી પરફેક્ટ ક્રાઇમ…!!’

‘પરફેક્ટ ક્રાઇમ…!?’

‘હા, પરફેક્ટ ક્રાઇમ…! પણ તમે તો જાણો જ છો ને કે ક્રાઇમ નેવર પેઈઝ્…’ હસીને કમિશ્નર બોલ્યા, ‘આજે આપ સહુને ખન્ના ખૂનકેસ વિશે ઈન્ફોર્મ કરવા બોલાવ્યા છે. ધ મિસ્ટ્રી ઈસ નાવ રિસોલ્વ્ડ…!!’

‘ખન્ના ખૂનકેસ…!? અજય ખન્ના…!?’

‘હુ ઈસ મર્ડરર….!?’

‘કાતિલ કોન હૈ…!?’

‘ખૂની કોણ આહે…!?’

‘શાંતતા… શાંતતા…!!’ જરા મોટો અવાજ કરીને હસીને કમિશ્નર બોલ્યા, ‘એ જણાવવા માટે જ તો આપને અહિં બોલાવ્યા છે!’

એટલામાં જ પોલીસ યુનિફૉર્મમાં સજ્જ ઈ. અનંત કસ્બેકર ધીમેથી હૉલમાં દાખલ થયા. એમની સાથે પાછળ હાથકડી પહેરાવેલ મ્હોં પર બુરખો ચઢાવેલ એક શખ્સ પણ હતો જેને એમણે એમની બાજુમાં રાખેલ ખુરશી પર ધીમેથી બેસાડ્યો…!

કૉન્ફરન્સ રૂમમાં એક શાંતિ છવાઈ ગઈ.

‘ગુડ મોર્નિંગ એવરીબડી…!!’ ઈ. અનંતે એમના પ્રભાવશાળી ઘેરા અવાજે કહ્યું.’… તો ઓનરેબલ કમિશ્નર સાહેબે કહ્યું એમ ખન્ના ખૂન કેસ મિસ્ટરી ઈસ રિસોલ્વ્ડ…!! એન્ડ ધ મર્ડર વોઝ ડન બાય…!!’ કહીને એઓ અટક્યા

‘…..??’

એમણે પેલા શખ્સના મ્હોં પરથી બુરખો દુર કર્યો…!!

‘મિસ્ટર અજય ખન્ના…!? ઓ માય ગોડ…!! હી ઈસ અલાઈવ…!! વો જિંદા હૈ…!?’ હોલમાં સર્વે પત્રકારો અચંબિત થઈ ગયા…! સહુ ગણગણાટ કરવા લાગ્યા…!!

‘હા…!! અજય ખન્ના જીવિત છે. આપની સમક્ષ રૂબરૂ છે…!!’

‘તો પછી ખૂની કોણ…!!’

‘ધીસ ઈસ એ વેલ પ્લાન્ડ…વેલ ફર્નિશડ્ ક્રાઇમ…!! એક એવો ખતરનાક ખેલ કે જેના ખેલાડી બહુ ચપળ અને ચબરાક છે…પણ એમની ચતુરાઈ એમને જ ભારે પડી ગઈ.’

‘તો પછી અજય ખન્નાનું અપહરણ કોણે કરેલ…!?’

‘અજય ખન્નાનું અપહરણ થયેલ જ ન્હોતું!! ઈટ વોઝ અ ડ્રામા… વેલ પ્લેઈડ બાય એન્ડ ડેઈઝીંગલી ડાયરેક્ટેડ બાય ખન્ના બ્રધર્સ…!!’

‘ખન્ના બ્રધર્સ ??’

‘યસ…!! બન્ને ભાઈઓ આમાં સંડોવાયેલ છે!!’

‘ઇન્સ્પેક્ટર અનંત આપને ક્યારે અને કેવી રીતે જાણ થઈ કે…’

‘અજય ખન્ના જીવિત છે….?? એમનું ખૂન નથી થયેલ…??’ ઈ. અનંતે એ પત્રકારનું વાક્ય પુરૂં કર્યું…

‘યસ…અને પેલી બોડી કોની કે જેની સાથે અજય ખન્નાના ડીએનએ પણ મળતા આવ્યા અને એમનો દશ કરોડનો લાઇફ ઈન્સ્યુરંસ પણ ક્લિયર થઈ ગયો હતો…!?’

‘વેલ…વેલ…વેલ..!!’ કમિશ્નર ચર્ચામાં સામેલ થતા બોલ્યા, ‘સહુ એમ જ માનતા હતા કે અજય ખન્નાનું જ ખૂન થયેલ. પણ અમારા બાહોશ ઇન્સ્પેક્ટર અનંતની એક નજરે આ કેસને ઉકેલી નાંખ્યો. હવે ઈ. અનંત આપના સવાલોના જવાબો આપશે.’

‘આપને કઈ રીતે શક ગયો કે અજય ખન્ના જીવિત છે??’ બરખાએ પૂછ્યું.

‘આ કેસે મારી ઊંઘ ઉડાડી દીધી હતી. એક રાત્રે જ્યારે હું એની ફાઈલ લઈને બેઠો હતો. એમાં ડેડબોડીના ફોટોગ્રાફ્સ્ પણ હતા. આ ફોટોગ્રાફ્સ્ અમારા ફોટાગ્રાફરે બોડી જ્યારે ગટરમાં અંદર હતી ત્યારે લીધેલ. બોડી મુવ કરવા પહેલાં. એવા જ ડેડ બોડીના એક ફોટા પર મારી નજર પડી. એક જ ફોટો…હા ફક્ત એક જ ફોટામાં વીંટીનો ભાગ હતો. એ પણ અસ્પષ્ટ…ઝાંખો…! એમાં મેં એ જોયું કે ડેડ બોડીના જમણા હાથની લાંબી વચલી આંગળીના અડધા તૂટેલ હાડકાંની ઉપર હથેલીની નજદીક વીંટી હતી. પણ જ્યારે વિકી ખન્નાએ બનાવેલ બ્લોગ પર મેં અજય ખન્નાના ફોટોગ્રાફ્સ જોયા ત્યારે દરેક ફોટાઓમાં એ મોટા હીરા વાળી ચમકતી વીંટી જમણા હાથની સહુથી નાની આંગળીની બાજુની આંગળીમાં હતી. નહિં કે મોટી આંગળીમાં…! તો પછી લાશમાં વીંટીની આંગળી એકદમ બદલાય કેમ ગઈ?!’ અજય ખન્ના નીચી નજરે બેઠા હતા એમની તરફ હસીને એક નજર કરી ઈ. અનંતે વાતનો દોર આગળ વધાર્યો, ‘મને શક ગયો. મેં પોલીસ ફોટોગ્રાફર પાસે પેલો એક ફોટો કે જેમાં વીંટીનો ભાગ અસ્પષ્ટ દેખાતો હતો એ એન્લાર્જ કરાવ્યા. અને એ સ્પષ્ટ થઈ ગયું કે લાશમાં આંગળી બદલાય ગઈ હતી. હા, લાશ સાવ કહોવાય ગયેલ અને આંગળીના ઉપરના બે સાંધાના હાડકાં તો ખરી પણ ગયેલ. આમ છતાં આંગળીના મૂળના હાડકાં પર વીંટી રહી ગઈ હતી. ખૂની ખૂન કરવા પહેલાં કદી લાશમાં વીંટીની પોઝિશન તો ન જ બદલે એ સ્વાભાવિક છે. મારો શક મજબૂત થવા લાગ્યો. મેં ન્યૂઝ પેપરના રેફ્રન્સ-જુના અંકોમાં અજય ખન્નાના ફોટાઓ પણ નિહાળ્યા. એઓ લાયન્સ ક્લબના પ્રૅસિડેન્ટ પણ હતા. એમના ફોટાઓ આસાનીથી મળી ગયા. દરેક ફોટાઓમાં વીંટી નાની આંગળીની બાજુની વેડીંગ ફિંગર પર જ હતી. એટલે વરસોથી માણસ એક હાથમાં વીંટી પહેરતો હોય તો એકાએક એનું સ્થાન ન બદલે!!’

“તો પછી ડીએનએ મૅચિંગ…!! અને એ ડેડ બોડી કોની…!!’

‘હું પણ ગૂંચવાયો તો હતો જ કે, ડીએનએ રિપોર્ટ ખોટો છે કે શું?! બાયોટેકનોલોજી લૅબ બેંગલુરૂને ફોન જોડ્યો. એમણે એમાં કોઈ જ ભૂલ થઈ શકે નહિ એમ ખાતરીપૂર્વક જણાવ્યું. અમે ડેડ બોડીની એક્સરેસ્ લીધેલ હતા. એમાં સ્કલના પણ દરેક એંગલથી એક્સરે લીધેલ એટલે એ ફિલ્મ લઈને હું અજય ખન્નાના ડેન્ટિસ્ટને મળ્યો. એમના જડબાના એક્સરે સાથે ડેન્ટિસ્ટ પાસેના એમના ડેન્ચરના એક્સરેની સરખામણી કરી ડેન્ટિસ્ટે મને કહ્યું કે આ લાશના જડબાના એક્સરે અજય ખન્નાના એમના એક્સરે સાથે મેચ નથી થતા. અજયના ઉપરના જડબામાં જમણી તરફ એક દાઢ ઓછી હતી જે એ જ ડેન્ટિસ્ટે ઉખેડેલ. જ્યારે ડેડ બોડીના બધા દાંત સાબૂત હતા. આમ એ નક્કી થઈ ગયું કે જેને મૃત અજય ખન્ના સમજી રહ્યા હતા એ તો કોઈ બીજાની જ બોડી હતી!!’

‘કોન થા…??’

‘કોની લાશ હતી એ….!?’

‘કહું છું…એ પણ કહું છું… પણ એ પહેલાં અમારે અજય ખન્નાને શોધવાના હતા. મેં માનનિય કમિશ્નરસાહેબને વાત કરી એમને વિશ્વાસમાં લીધા. એમણે મને ફુલ સપોર્ટ કર્યો. કોઈને પણ જરા ગંધ ન આવવા દીધી. તમને પણ ત્યારે સાવ ખોટું બ્રિફીંગ કરતા રહ્યા અને અમે બાબુ બિહારીને શોધી રહ્યા છે ના ગીતો ગાતા રહ્યા. પણ ત્યારે અમે અજય ખન્નાને માટે જાળ બિછાવતા હતા. પણ એ જાળ બિછાવતા અમારે નાકે દમ આવી ગયો. ખન્ના બ્રધર્સના દરેક ફોન, ફેક્સ, ઈમેઈલ, સેલ ફોન પર અમારી વોચ હતી. ખાસો સમય ગયો. પણ અમને કંઈ જ જાણવા ન મળ્યું! ખન્ના ગૃપના દરેક ફોનના ટેપના ફીંડલા ના ફીંડલા અમારી પાસે છે. લગભગ દરેક ઈમેઈલ ફિલ્ટર થતી હતી. તો ય કંઈ જ માહિતી ન મળી. અજય ખન્ના ક્યાં છે એની કોઈ જ માહિતી ન મળી તે ન જ મળી. બન્ને ભાઈઓ સંપર્ક તો કરતા જ હશે. પણ કઈ રીતે…!?’ પાણી પીવા ઈ. અનંત કસ્બેકર અટક્યા એ ય રિપોર્ટરોને કઠ્યું.

‘કઈ રીતે…!? કઈ રીતે…!?’

‘એઓ એક બીજાના સંપર્કમાં રહેતા! દિવસ દરમ્યાન લગભગ દરેક કલાકે એમની વચ્ચે માહિતીની આપ-લે થતી. વિકીને ધંધાની સૂઝ ન્હોતી એટલે એને સલાહ-સૂચનની જરૂર પડતી. અરે!! એમના ફોટાઓ વિડીયોની પણ આપ-લે થતી.’

‘હાઉ…??’

‘એ પણ મને અચાનક જાણવા મળ્યું. વિકી ખન્નાએ અજયને શ્રદ્ધાંજલિ માટે બ્લોગ બનાવેલ એ તો આપને સહુને ખબર જ છે ને આપે એને બહુ ફુટેજ પણ આપેલ છે. આ બ્લોગ શું બલા છે એ જાણવા મેં પણ મારો એક બ્લોગ બનાવ્યો. મને ક્મ્પ્યુટરમાં ખાસ રસ નહિ. પણ આ બ્લોગ બનાવતા મને એ જાણવા મળ્યું કે બ્લોગ પર ડ્રાફ્ટ તરીકે માહિતી સાચવી શકાય અને એ પબ્લિશ કરવી ન પડે. આવી રીતે ચિત્રો. વિડીયો..ફોટોગ્રાફ્સ વગેરે સ્ટોર કરી શકાય. હવે જો તમારા બ્લોગનું યુઝર્સ નેઈમ અને પાસવર્ડ તમે બીજા કોઈને આપો તો એ પણ તમારા બ્લોગ પર જઈ શકે અને ડ્રાફ્ટ વાંચી શકે, બનાવી શકે, વાંચ્યા બાદ ડિલીટ કરી શકે…આમ કોઈને પણ જાણ થયા વિના, જાણ કર્યા વિના દુનિયાના કોઈ પણ ખૂણે તમે સંપર્કમાં રહી શકો. બસ ખન્નાબંધુઓ એમ જ કર્યું…બન્ને પાસે એ બ્લોગનંશ યુઝર્સ નેઈમ અને પાસવર્ડ હતા અને દિવસમાં કેટલીય વાર એઓ આ રીતે માહિતીની આપ-લે કરી લેતા. અલબત્ત, આ માટે પોલીસે એમના પ્રોવાઈડરનો સંપર્ક કર્યો પણ એમણે આના-કાની કરી. અમે પ્રોફેશનલ હેકર્સની મદદ લઈ એમના બ્લોગને દિવસો સુધી હેક કર્યો અને દરેક માહિતી મેળવી લીધી. અજય ખન્નાનું નવું નામ-સરનામું મેળવ્યું! અજય ખન્ના આજે ગુલ મુહમદના નામે ઓળખાય છે અને એમનો મુકામ છે મોરિશિયસ…!! એમણે મોરિશિયસમાં હોટલ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. હું મોરિશિયસ ગયો. ત્યાંની પોલીસનો સહકાર લઈ એમની ધરપકડ કરી.’

‘તો પછી કિડનેપિંગ અને પેલી લાશ…!!’

‘કિડનેપિંગ થયું જ ન્હોતું. કિડનેપિંગનો ડ્રામા કરવામાં આવેલ. દશમી જુને એમની બાબુ બિહારી સાથે મિટિંગ હતી અને ખન્ના વિવિંગ્સમાં બાબુ બિહારીને હડતાળ ન પડાવવા માટે એઓ મનાવી ન શક્યા. જો હડતાળ પડે તો એમને કરોડોનું નુકશાન થાય એમ હતું. વળી બાબુએ અજયને બે-ચાર શબ્દો ભલા-બુરા કહ્યા કે ગમે તે હોય. સમજાવીને બાબુ બિહારીને અજય ખન્ના એમની સાથે મુંબઈ લઈ આવ્યા. બન્નેએ મળી બાબુને પતાવી દીધો. બાબુનું શરીર-કાઠું અજય ખન્ના જેવું જ હતું. અજયની વીંટી પહેરાવી બાબુની લાશ આગળથી જોઈ રાખેલ બંધ પડેલ ગટરમાં પધરાવી દીધી. અજય ખન્નાએ પબ્લિક બુથનો ઉપયોગ કરી પોતાના જ અપહરણના ફોન પોતાના ભાઈ વિકીને કર્યા…

‘પણ આમાં એક ફોન તો ઇન્ટરનેશનલ થયેલ…!!?’

‘હા, એ માટે એમણે ‘મેજિક જેક’ નો ઉપયોગ કરેલ!! છ મહિના પહેલા અજય ખન્ના યુએસએ ગયેલ. ત્યાં એક ઉપકરણ મળે છે. એને મેજિક જેક કહે છે. એ એક યુએસબી પૉર્ટ અને હાઈસ્પિડ ઈન્ટરનેટથી મારફત ઇન્ટરનેશનલ ફોન માટેની સસ્તી ડિવાઇસ છે. એક વાર યુએસમાં એક્ટિવેઈટ કરતા તમને યુએસએનો લોક્લ ફોન નંબર મળે. દુનિયામાં ક્યાંય પણ હાઈસ્પિડ ઈન્ટરનેટ વાળા તમારા લૅપટોપ કે ડેસ્કટોપના યુએસબી પૉર્ટમાં આ મેજિક જેક કનેક્ટ કરો ને બીજે છેડે તમારા ફોનનો જેક નાંખો તો તમે ફોન કરી શકો!! વિઓઆઈપીનો આ સહુથી સાદો અને સરળ ઉપયોગ કરી એમણે ઈંટરનેશનલ ફોન થયાનો ભ્રમ ઊભો કરેલ પણ ખરેખર એ ફોન તો અંધેરીની હોટલ લિલા પરથી અજય ખન્નાના લૅપટોપ દ્વારા મેજિક જેકથી થયેલ. અહિં પણ એમણે વધારાની સાવચેતી તો રાખેલ જ…! કેમ ખરું ને મિસ્ટર ખન્ના..??’

‘….!’ અજય ખન્ના નીચું નિહાળી ગયા.

‘એમણે એ દિવસે હોટલ લિલા પરથી મેજિક જેક મારફત યુએસએ એક ઇન્ટરનેશનલ ફોન સર્વિસ પ્રોવાઈડ કરતી ફોન કાર્ડ એજન્સીને ફોન કરેલ. કારણ કે, મેજિક જેકને લીધે એમને એ ફોન લોકલ થાય અને એ એજન્સી મારફતે ઇન્ડિયા એમના ઘરે ફોન કરેલ. આમ અંધેરીથી જ અંધેરી ફોન વાયા અમેરિકા કરવામાં આવેલ. એટલે સંચાર નિગમ એ ફોન લોકેટ કરી ન શકેલ. ફોન કરી રાત રોકાઈ અજય ખન્ના બાબુ બિહારીના નામે જેટ એરવેઈઝની સવારની છ પચાસની ફ્લાઇટ નંબર 9W2153 મારફત આગિયારમીએ કોલકાતા ગયા. કોલકાતાથી ફરી દિલ્હી આવ્યા અને ત્યાંથી એર ઈન્ડીયાની ફ્લાઇટ લઈ ખોટા પાસપોર્ટ પર ગુલ મુહમદના નામે મોરિશિયસ ગયા. ત્યાં એમણે અગાઉથી જ સારા એવા પૈસા મોકલી આપેલ. હજુ દરોડા પરથી વધુ માહિતી મળશે.’ ઈ. અનંત કસ્બેકરે એમના બ્લેક બેરી સેલ ફોન પર આવેલ મૅસેજ નિહાળી કહ્યું, ‘જે રિવૉલ્વરથી બાબુની કતલ કરવામાં આવેલ એ બાવીસ કૅલિબરની કૉલ્ટ વિકી ખન્ના પાસેથી મળી આવી છે. બાય ધ વે, ગઈ કાલે આખી રાત ખન્ના બ્રધર્સના દરેક ઠિકાના પર રેડ પાડવામાં આવેલ છે અને એ કાર્યવાહી હજુ ચાલુ જ છે. વિકીની પણ ધરપકડ થઈ છે અને ગરિમાદેવી લખનૌ છે ત્યાં એમને લેવા માટે મુંબઈ પોલીસ પહોંચી ગઈ છે. ઘણા જ ગફલાઓ બહાર આવવાના બાકી છે.’

‘એક વાતની સમજ પાડશો…ડીએનએ….!??’

‘યસ..!! ડીએનએ ટેસ્ટ…!!હમ્ …!! ધે આર સ્માર્ટ…વેરી સ્માર્ટ…!’ હસીને ઈ. અનંત કસ્બેકર બોલ્યા, ‘આખો ખતરનાક ખેલ એવો એમણે માંડ્યો કે એમાં ક્યાં ય લુપ હોલ ન હોય એની પુરી કાળજી રાખી હતી. અહિં પણ એમની ચાલને દાદ દેવી જ પડે. જ્યારે મેં ડીએનએ માટે અજય ખન્નાના ટુથ બ્રશ કે કાંસકી કે હેર બ્રશની માંગણી કરેલ ત્યારે વિકીએ તો વિરોધ જ કરેલ. વીંટી ભાઈસાબની જ છે. ડીએનએ ટેસ્ટીંગની કોઈ જરૂર નથી. વગેરે વગેરે…!’ હસીને ઈ. અનંત બોલ્યા, ‘…પછી એણે સમય માંગ્યો. ભાભી સાહેબ હરદ્વાર ગયા છે નું બહાનું બતાવીને. અને તમે માનશો નહિ એ દિવસે જ એણે એની ભાભી ગરિમાને હરદ્વાર પણ મોકલી આપેલ. એઓને બે અઠવાડિયાનો સમય મળી જતા બન્ને બંધુએ વિચાર્યું. બ્લોગ પર ડ્રાફ્ટ દ્વારા માહિતીની, વિચારોની આપ-લે કરી. બાબુ બિહારી એમનો નોકરિયાત હતો. બાબુ ભિવંડી ખાતે ખન્ના વિવિંગ્સનો ચિફ સિક્યુરિટી ઓફિસર હતો. એનો યુનિફોર્મ હતો. એને એક લોકર પણ ફાળવેલ. એ લોકરની વિકીએ તલાશી લીધી. નસીબ જોગે એમાંથી એને બાબુ બિહારીનું હેર બ્રશ મળી આવ્યું જેના પર હેર ફોલિકલની સાથે સાથે એક-બે વાળ પણ હતા. લાશ બાબુની જ હતી…હેર બ્રશ બાબુનું જ હતું…!! ડીએનએ મેચ થાય જ ને…!! ડીએનએ મેચ થતા પોલિસે ડેન્ચર મૅચિંગ ન કર્યું. જે પાછળથી મારે કરાવવું પડ્યું! એમની દરેક ચાલ કાબિલે તારીફ હતી. અરે!! અપહરણની રાત્રે વિકી ખરેખર એની લેંડરોવર લઈને રાતે અઢી વાગે વરસતા વરસાદમાં મુકેશ મિલ પર પણ ગયો હતો અને એ લેંડરોવરને પેલા ટેક્ષી ડ્રાયવરે પણ જોયેલ. મુકેશ મિલનું સ્થળ પણ એમણે અગાઉથી નક્કી કરેલ. આમ આ એક એવો ખતરનાક ખેલ હતો કે જેના ખેલાડીઓ અનાડી ન્હોતા…!! બહુ ચાલાક હતા…!! ચતુર હતા…!! પણ ક્રાઇમ નેવર પેઈસ..!! એક નાનકડી ભૂલ…એમને ગુન્હો કબૂલ કરવા માટે મજબૂર કરી ગઈ. આ ખેલમાં વિજય તો છેલ્લે સત્યનો જ થયો…!!’ ઈ. અનંત કસ્બેકરે અજય ખન્નાને નિહાળી કહ્યું, ‘શું કહો, છો મિસ્ટર ખન્ના…!?’

‘રિયલી વેરી ઈન્ટરેસ્ટીંગ…!!’ સહુ પત્રકારો, ટીવી રિપોર્ટરસે ઈ.અનંત કસ્બેકરને ધન્યવાદ આપ્યા, ‘વિ આર વેરી પ્રાઉડ ઓફ યુ એન્ડ મુંબઈ પોલીસ…!! ધેટ્સ વાય મુંબઈ પોલીસ ઈસ વન ઓફ ધ બેસ્ટ પોલીસ ફોર્સ ઓફ ધી વર્લ્ડ…!!’

(સમાપ્ત)