Maa-Dikaro in Gujarati Short Stories by Archana Bhatt Patel books and stories PDF | મા – દિકરો

Featured Books
Categories
Share

મા – દિકરો

Name : -અર્ચના ભટ્ટ, પટેલ

Email :

Story in words 678

મા – દિકરો


મૈત્રી આજે ખૂબ જ રઘવાટમાં હતી, ઉતાવળથી કામ કરતાં કરતાં એનાં હાથમાંથી કાંતો વાસણ પડી જતું હતું કાંતો કંઈક લેતા કે મૂકતી વખતે ભટકાઈ પડતી હતી ક્યાંક ને ક્યાંક. નચિકેત છાપું વાંચતો હતો પરંતુ સાથે સાથે એની પત્નીની દરેક વર્તણૂંક પર તેની નજર જરૂરથી હતી, પરંતુ શું વાત છે તેમ પૂછીને તે એને કોઈપણ પ્રકારે ડિસ્ટર્બ કરવા ન્હોતો માંગતો કે ન્હોતો એ મૈત્રીને કોઈ રીતે કંઈ પૂછીને તેનાં રઘવાટની મજા બગાડવા માંગતો, એ ય કાંઈ અજાણ થોડી હતો મૈત્રી આજે કેમ રઘવાટ કરી રહી છે તે ? આજે તો શિવમ નો ફોન આવવાનો, ભણવા માટે એને ઓસ્ટ્રેલિયા મોકલ્યો ત્યારથી જ દર રજાને દિવસે એ બીજા કોઈ સાથે વાત કરે ન કરે પણ એની મા મૈત્રી સાથે અચૂક વાત કરતો, અને મૈત્રીની કઈ ખાવાની વસ્તુ એને કયા કારણોસર ખૂબ સાંભરી... ક્યારે ક્યારે એને એની માની ખોટ વર્તાઈ બધું જ ખૂબ ધીરજથી અને પ્રેમથી એને કહેતો, મૈત્રી પણ શિવમ તારા પપ્પા આમ અને આમની ફરિયાદો કરતી અને બંને મા-દિકરાની ફોનમાં ગોઠડી ખૂબ લાંબો સમય ચાલતી.


ટ્રીન...ટ્રીન... એ ઉભારો હું લઉં છું શિવમ જ હશે... મૈત્રીએ લગભગ દોડતા દોડતા કહ્યું અને વાક્ય પૂરું કરે તે પહેલાં તો તેણે ફોનનું રિસીવર ઊંચકી લીધું હતું, અને હલ્લો... હાં શિવમ બોલ બેટા, ત્યાંતો સામે
શિવમે કહ્યું કે મમ્મી પપ્પા છે ? એકમિનિટ એમને આપને ફોન, મૈત્રી ફોન નચિકેતને આપે છે, પણ આજે આ ફોનનાં ઊલ્ટા ક્રમનો સ્હેજ ચિંતા તેમજ આશ્વર્યથી તાગ મેળવવા પ્રયત્ન કરે છે, નચિકેત હા... હા ચોક્કસ આવા જ બધાં શબ્દોમાં ફોન પતાવીને ઝટપટ મૂકી દે છે ત્યાં સુધીમાં તો મૈત્રી રડુરડુ થઈ જાય છે, નચિકેત કહોને મને.. કહો શું થયું ? કેમ શિવમે મારી સાથે વાત ન કરી ? એને કોઈ તકલીફ તો નથીને ? જો જો હોં છુપાવતાં નહીં મારાથી, તમને મારાં સમ છે... આમ એકપછી એક બંદૂકમાંથી ગોળી છૂટે તેમ પ્રશ્નોનો મારો ચલાવે છે, નચિકેત એને જેમતેમ સમજાવવા પ્રયત્ન કરે છે કારણ સાચી વાત તેને જણાવવાની શિવમે ના પાડી છે, ગમેત કરીને નચિકેતને આ વાત હજુ બીજ એક આખો દિવસ છુપાવવાની છે, એ મૈત્રીને કહે છે કે કંઈ નથી જા એ તો થોડા પૈસાની વ્યવસ્થા કરવાની છે બીજું કંઈ નથી તું તારે શાંતિ રાખ એ જરા ઉતાવળમાં હતો તે વાત નહીં કરી હોય, પણ મૈત્રીનાં મનને હાંશ થતી નથી એણે જાણે નક્કી કરી લીધું હતું કે દિકરાને શું થકલીફ છે તે જાણશે નહીં ત્યાં સુધી જમશે પણ નહીં અને બસ નિયમ પર અડગ રહી.
નચિકેત પણ વાતની મજા લઈ રહ્યો હતો,હતું એવું કે શિવમ ગ્રેજ્યુએટ થઈને આવતીકાલ સવારની ફ્લાઈટમાં ઘરે આવી રહ્યો હતો અને બરોબર એક મહિના પછી એને પાછું ત્યાંજ નોકરી અર્થે પાછા ફરવાનું હતું, પણ એની મા નો જ દિકરો ને.. એટલે માને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, અહીં મૈત્રીએ તો નચિકેત સાથે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું, પણ નચિકેત તો નિશ્વિંત હતો, કારણ એ તો બધું જ જાણતો હતો... મૈત્રી એ હદ સુધી નચિકેતને સંભળાવી બેઠી કે તમે બાપ કહેવાવાને લાયક જ નથી , દિકરાની કંઈ ચિંતા નથી.. એક હું છું જેને બધાની ચિંતા કરવાની પણ ન બાપને પોતાની પત્નીની પડી છે ન દિકરાને પોતાની મા ની...અને આવાને આવા કકળાટમાં રડી રડીને આંખો સૂઝાવેલી મૈત્રી ક્યારે ઊંઘી જાય છે ખબર પણ પડતી નથી...


સવારે નચિકેત વહેલો જ ઊઠી જાય છે અને સઘળું પરવારવા લાગે છે.. મૈત્રી હજુ ઊંઘે જ છે, અને ત્યાં જ ઘરની ડૉરબેલ લાગે છે અને એ ઝબકીને ઊભી થઈ જાય છે, બહાર ખૂબ જાણીતો અવાજ લાગે છે, જઈને જોવે છે તો શિવમ, હરખની મારી દોડીને જાય છે અને અધવચ્ચેજ પાછો ગુસ્સો યાદ આવી જતાં અટકી પડે છે, અને મૌન ધારણ કરી પાછી ફરી જાય છે, શિવમ કહે છે મા.. બોલીશ પણ નહીં મારી સાથે...? સારુ જા હું પાછો જતો રહું છું ... ત્યાંતો ના બેટા એમ કરીને દોડીને એને વળગી પડે છે, અને બધોજ ટોપલો નચિકેત પર, આ જ એવા છે મને તો ડરાવી જ મારેલી પણ એમ નહીં કે સત્ય હકીકત કહીએ તો મને ચિંતા તો ન થાય... અને જૈસે થે... મૈત્રીનું રૌદ્ર સ્વરૂપ ક્યાં ગાયબ થઈ ગયું જાણે એ ગુસ્સે થઈ જ ન્હોતી અને એનાં દિકરા સાથે વાતોએ વળગી અને જલદી જલદી એના ભાટે ભાવતાં ભોજન બનાવવા લાગી...


નચિકેત બસ જોતો જ રહ્યો, મા દિકરાનાં પ્રેમને... એમાં એ ક્યાં... અને બસ ઈશ્વરને આટલાં હસતાં સુખી કુટુંબ માટે વંદી રહ્યો...