Kaunu Kahyu Karvu books and stories free download online pdf in Gujarati

કોનું કહ્યું કરવું

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888

શીર્ષક : કોનું કહ્યું કરવું ?
શબ્દો : 1314
સજેસ્ટેડ શ્રેણી : પ્રેરણા / ધાર્મિક


કોનું કહ્યું કરવું ?

એક વાત...હૃદય અને મગજ બંનેનાં દ્વંદની, આપણે વિચારીએ હંમેશા બે રીતે...

1. હૃદયથી - કે જેમાં આપણે માત્ર હૃદયનું કહ્યું જ કરવાનું છે, લાગણીનાં દોરવાયાં આપણે આસાનીથી દોરવાઈ જવાનું છે, જેમાં કોઈ પ્રકારનાં લોજિકલ તથ્યોને જગ્યા જ નથી, અને જો કોઈકવાર કોઈ એવું કરવા જાય તો હૃદય એ વખતે એને યુધ્ધનાં સાત કોઠા ભેદવા જેટલું આકરું લાગશે એ વાત ચોક્કસ છે.

2. મગજથી - કે જેમાં શા માટે ? કેવી રીતે ? કઈ પ્રેરણાથી ? કે પછી જવાબદાર કોણ ? અને એનું પરિણામ કદાચ આમ કે પછી આમ, અને પરિણામ જો હા માં તો પછી શું ? અને પરિણામ જો ના માં તો પછી શું એવાં અનેકો જટિલ પ્રશ્નોમાંથી પસાર થઈ કોઈ પણ વાતનું સંપૂર્ણપણે પોર્સ્ટમોર્ટમ કરીને વિચારવું તે, તેમાં માત્ર અને માત્ર આપણી તર્કબુધ્ધિ જ કામ કરે છે.

હૃદયની વાતમાં એક વાત નક્કી છે કે હૃદય કદાચ મોડું જાગે, પણ જાગે તો છે જ, હૃદયનાં વેગને અસત્યનો સ્પર્શ લગભગ નહિવત્ હોય છે, કારણ હૃદયનો એ સ્વભાવ છે કે પોતે હેરાન થશે પરંતુ અન્યને ક્યારેય હેરાન નહીં થવા દે, કેમ કરીને સૌનું સારું થાય તે પાછળ ઘસાઈ મરવાની ક્ષમતા હૃદયની ખૂબ સારી છે. જ્યારે બીજી તરફ આવે છે મગજ, તે હંમેશા તર્ક પહેલાં કરે છે, સામાજિક સંબંધો, લાગણી એ બધાં સાથે એનો સંબંધ નહિવત્ જોવા મળે છે, અસત્ય વાત પણ જો તાર્કિક રીતે સાચી હશે તો એ મગજ અસત્યને સાથ આપવા પણ રાજી જ થઈ રહેવાનું છે. કારણ તર્કનાં આધારે ઘણીવાર હૃદયનાં સત્યને અસત્ય પણ સાબિત થવું પડે છે, તો ક્યારેક લાગણીઓને હારવાની નોબત પણ આવે છે, પણ થાય શું કળિયુગનો પ્રભાવ આપણાં પર એટલો હાવી છે કે એકવીસમી સદી તરફ પ્રયાણ કરતો મનુષ્ય ખરેખર તો એક વસમી સદી તરફ આગળ વધી રહ્યો છે.

વાત કરું કળિયુગની, તો અત્યારનો યુગ એવો થઈ ગયો કે બસ તર્કનાં આધારે જ આપણું જીવન નભતું ચાલ્યુ જાય છે, શ્રધ્ધા એમાં દૂર દૂર સુધી જોવા મળતી જ નથી, હવે જોકોઈ બાળકનાં મનને જ આપણે સમજવું છે તો માતાનાં હૃદયની અને તે બાળક પ્રત્યેની આપણી શ્રધ્ધા જ કામ લાગવાની છે, કોઈ વૈજ્ઞાનિક માપદંડો કે તર્ક એમાં ચાલી શકશે નહીં, બાળકનું વજન, ઉંમર, તેનો બુધ્ધિઆંક પણ એક માતાની તેના પ્રત્યેની શ્રધ્ધા સામે પાણી જ ભરશે, હા કેટલાક અંશે આ બધા કહેવાતા તર્કની જરૂરિયાત જરૂર ઊભી થાય છે પરંતુ સમગ્રતયા વર્તન તો જેટલું તેની મા ઓળખશે એટલું કોઈ ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ પણ નહીં જ સમજી શકે, આ બધા મારાં અંગત મંતવ્યો હોઈ શકે પરંતુ ખરેખર તો આ જ છે કે શ્રધ્ધા હંમેશા તર્ક કરતાં મહાન સાબિત થાય છે.

બીજો એક દાખલો આપુ કોઈપણ સ્ત્રી પોતાનાં ઘરે પોતાનાં પતિ અને બાળકો કે તેનાં વડીલો માટે હેતથી ભોજન બનાવે છે, એવું સ્વાદિષ્ટ કે તેનો સંતોષ બીજી થાળી પથરાય ત્યાં સુધી સૌના ઓડકારમાં રહે, હવે અહીં તર્ક આવ્યો કામે લાગવા શું રાંધ્યુ ? એમાં કઈ રીત કામે લાગી ? કઈ કંપની નો મસાલો વપરાયો, કેટલો નાંખ્યો ? વિગેરે વિગેરે, અને એ બધું જ જાણ્યા પછી રસોયાના હાથે એજ ભોજન ફરી પીરસવામાં આવે જમ્યા બધાં જ પરંતુ જે તૃપ્તિ કોઈ એક પત્ની કે મા ભોજનની સાથે પીરસી શકી તે સ્વાદ આવ્યો ખરો ?

આ તો માત્ર નાના નાના દાખલાઓ છે કે જેના દ્વારા આપણે આપણાં મગજથી હૃદય તરફનું પ્રયાણ કરવાનું છે, અને એમાં જો સૌથી વધુ આપણને કોઈ સાથ આપી શકે તો એ આપણાં અંગત અનુભવો છે, એકવાર શાંતિથી વિચારી જોજો કે એવી કેટલી કેટલી બાબતો તમારાં જીવનમાં ઘટી કે છેણે સતત તમને હાર જ મળી હોય, તમે એવી ઘણી બાજી હારી ચૂક્યા હશો જેમાં સામાજિક હાર હોવાં છતાં તમને ચૈતસિક આનંદ મળ્યો હોય, કોઈકનું કંઈક સારું કર્યાનો સંતોષ મળ્યો હોય, એમ લાગ્યુ હોય કે હાંશ મારે આમ જ કરવું હતું સારું થયું કે ખોટાં મગજનાં વિચારોનું અનુકરણ કરવાને બદલે હૃદયનું સાંભળ્યું, અને આ જ તો આપણી ખરી પૂંજી છે. મને અત્યારે બાળપણમાં સાંભળેલી એક વાર્તા યાદ આવે છે તે કહ્યા વિના રહેવાતું નથી:

“એક ગામડામાં એક વિધવા સ્ત્રી રહે નામ એનું સરલા, એનાં પતિનાં મૃત્યુ પછી એનાં ઘરડાં સાસુ - સસરાં અને એક દિકરા સિવાય કોઈ એનાં કુટુંબમાં હતું નહીં, પતિનાં અચાનક અવસાનથી એનાં માથે સાસુ - સસરાની દેખરેખ તેમજ તેમનાં પોષણની અને દિકરાને મોટો કરવાની જવાબદારી એનાં શિરે આવી, સિલાઈ કામ શીખી અને એ જ સિલાઈ કામ કરી કરીને પોતાનાં દિકરાનું ભણતર એણે પૂરું કરાવ્યું, અને પોતાનાં વૃધ્ધ સાસુ - સસરાનાં દવા દારૂ નો ખર્ચ પણ હસીને ઉઠાવ્યો, કંઈ કેટલાંય દુખ એનાં હૃદયમાં હશે પરંતુ એ સઘળું એણે પોતાનાં હાસ્ય પાછળ ક્યાંય દૂર છૂપાવી દીધું હતું, ગામમાં પણ દરેક ઘર સાથે એને ખૂબ સારો સંબંધ, દરેકનાં કામ હસતાં હસતાં કરી આપે, અને ક્યારેય કોઈ પાસે એણે વળતરની આશા સરખી રાખી નહીં, ગામની સીમે કોઈ વટેમાર્ગુ આવ્યા હોય તો એમને પણ ભોજન પાણી કરાવતી અને બદલામાં બસ આશિર્વાદ માંગતી, ધીમે ધીમે એનો દિકરો કોલેજ પણ પૂરી ભણી રહ્યો, એ દરમિયાન એનાં સાસુ - સસરા પણ ધામમાં સિધાવી ગયા હતા તેમનાં કારજની ગોઠવણ પણ એણે જાત મહેનતે જ કરેલી છતાં એક પણ ફરિયાદ નહોતી એનાં મુખ પર, એનો દિકરો કરસન હવે નાનો નહોતો રહ્યો બધું જ જોતો, એની માને આમ ઢસરડાં કરતી એનાથી જોવાતું નથી, એ કહે છે કે મા હવે તું આ બધાં ઢસરડાં કરવા રહેવા દે, હું કોઈ નોકરી શોધી લઈશ, અને તને જરાય ચિંતા નહીં રહે, મા એક કામ કર મને થોડાં રૂપિયાની વ્યવસ્થા કરી આપ, જેથી હું શહેર જઈ શકું, સરલા એ પણ તાજવીજ કરે છે, કરસન એનાં બિસ્તરાં તૈયાર કરીને મા ને કહે છે કે મા આવતી કાલે વહેલી સવારે હું શહેર જવા નિકળીશ, તું મને થોડું ભાથું તૈયાર કરી આપજે મારે વાટમાં શાંતિ રહે, અને એ સૂવા ચાલી જાય છે, સવારે વહેલા ઊઠીને માના આશિર્વાદ લઈને જવા માટે નીકળતા કરસન મા પાસે ભાથુ માંગે છે અને એની મા એને એક નાનકડી ચબરખી આપે છે, કરસન ચબરખી ખોલે છે, એમાં લખ્યું હોય છે કે ધીરજ અને મહેનત, કરસન કહે છે કે આ શું મા ? મને ભાથું પણ તૈયાર ન કરી આપ્યું ? ત્યારે સરલા કહે છે કે બેટા ભાથુ તો મેં આટલાં વર્ષ તારા માટે બાંધ્યે જ રાખ્યું છે, તું શહેર જા અને આ સરનામે જઈને આ શેઠને મળજે એમ કહી એનાં હાથમાં બીજી એક સરનામાની ચબરખી આપે છે, કહે છે કે એમને જઈને આ ચબરખી આપજે જે મેં તને ભાથામાં આપી છે, બસ અને કરસન માની વાતને આંખ માથે ચડાવીને શહેર જાય છે ઓલા શેઠને મળે છે અને ભાથામાં મળેલી ચિઠ્ઠી આપે છે, ઓલા શેઠ એને હૃદય સરસો ચાંપી ને કહે છે કે આવ દિકરા બધું તારું જ સમજજે, અને એને નોકરીમાં રાખી લે છે, કરસન કંઈપણ બોલ્યા વગર બસ વિચારે રાખે છે કે આ તે વળી કેવું ધીરજ અને મહેનત નામના ભાથાથી તે કાંઈ નોકરી મળતી હશે ? પણ મનમાં કોઈ તર્કને ઘૂસવા દીધા વિના જ એ શેઠને જઈને આનું રહસ્ય પૂછે છે, ત્યારે એ શેઠ હસી પડે છે અને કહે છે કે બસ આટલી જ વાત તો લે સાંભળ, મારી પાસે જ્યારે રૂપિયા નોતા અને તમારાં ગામમાં એગ્રીકલ્ચર નાં સર્વે માટે મારે આવવાનું થયેલું ત્યારે તારી મા એ મને ઘણીવાર કોઈ પણ મદદની આશા વિના ઘણુંય જમાડ્યો છે અને જ્યારે હું કહું કે હું આ બદલો ક્યારે વાળીશ ત્યારે એ કહે કે બદલો આપવો એ તો ઈશ્વરનાં હાથની વાત છે હું બસ ધીરજથી ઈશ્વર પર શ્રધ્ધા રાખીને મારું કામ કરું છું ભવિષ્યમાં મારો દિકરો મહેનત માંગવા આવે તો એને કામે રાખજો ......

બસ ? આટલી જ વાત ? કરસન ખૂબ રાજી થયો અને મનમાં ઈશ્વરનો તેમજ તેની માતાનાં આપેલ સંસ્કારનો પાડ માનવા લાગ્યો, અહીં આ વાતમાં એ હૃદયથી વર્ત્યો, કોઈ શંકા કુશંકા ને એણે મગજમાં લાવ્યા વગર હૃદયનું કહ્યું કર્યું અને સાચી વાત જાણી રાજી થયો. ”

ખાધું પીધું ને રાજ કર્યું એવી જ વાત થઈ પરંતુ ખરેખર ઘણીવાર આપણે આવી ખાઈ પીને રાજ કરવાની વાતમાં આપણાં મગજને ઈઆમે લગાડીને તાળો મેળવવા પ્રયત્ન કરતાં હોઈએ છીએ, જો ખરેખર એ જ વાત હૃદયને અનુસરીને જીવી લેવામાં આવે તો જિંદગી ખરેખર ઘણી સુંદર છે. વિચારવા માટે કે વાંચવાં માટે આ બધી બહુ ક્ષુલ્લક બાબતો છે પરંતુ જ્યારે આ સાચુ લાગે ત્યાં જ બસ સમજજો કે હૃદયથી જ જીવીએ છીએ અને શ્રધ્ધા બસ તર્કથી એક ડગલુ આગળ ચોક્કસ ચાલશે.

હા જીવનના અમુક દાખલા ઉકેલવા તર્કનો સહારો લેવો જરૂરી છે પરંતુ એ તર્કને ક્યારેય પોતાની શ્રધ્ધા પર હાવી ન થવા દેશો એટલી જ અરજ.

અસ્તુ,

-અર્ચના ભટ્ટ, પટેલ

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : dhara2402@gmail.com
Mobile : 9408478888