Chalo Piya-ve... Sarovar Jaye... books and stories free download online pdf in Gujarati

Chalo Piya-ve... Sarovar Jaye...

Name: Parul H. Khakhar

Email: parul.khakhar@gmail.com

2)

‘ચલો પિયા વે સરોવર જાયે’

===============

‘ચલો પિયા વે સરોવર જાયે…
વે સરોવર કમલ કમલા…
રવિ વિના વિકસાય
ચલો પિયા….’
એક સવારે આ પંક્તિઓ કાને પડી અને દિલ બાગ બાગ થઇ ગયું કે વાહ…અદભૂત !
પ્રિયતમને સાથે લઇ ને કોઇ એવી મંઝિલે જવાનું જ્યાં સૂરજનાં સ્થૂળ કિરણોનું અજવાળું ન હોય ! કે ના હોય સ્થૂળ કમળ…કલિકાઓ ! જ્યાં હંસો સાથે મળીને મુક્તિનો મોતિચારો ચરતા હોય એવા સરોવરે જવાનું કેવી મસ્ત વાત…! એક અલૌકિક પ્રેમની ઝાંખી કરાવતું આ તત્વ ક્યું છે ભલા ? કે જ્યાં પ્રભુ અને પ્રિયતમ વચ્ચે કોઇ ભેદ નથી !

આમ જુઓ તો ભક્તિ અને પ્રેમ વચ્ચે ક્યાં કોઇ ભેદ હોય છે ! ક્યારેય કોઇને દિલોજાનથી ચાહ્યા હશે એને ખબર હશે કે કોઇને ચાહવું એ ભક્તિથી જરાય ઉતરતી કક્ષા નથી. પ્રેમ તો એ છે કે જ્યાં સવાલો-જવાબો-કારણો હોતા નથી. હોય છે તો માત્ર વિશુદ્ધ ચાહત !હું કંઇ કહું એ પહેલા આ ગીત સાંભળો…..આ સનમ માટે લખાયુ છે કે ઇશ્વર માટે !! ખૈર એ ઝંઝટમાં પડ્યા વગર એની રૂહાની મજાનો અનુભવ કરો.

‘તુ ઇસ તરહા સે મેરી ઝિંદગી મે શામિલ હૈ,
જહાં ભી જાઉ યે લગતા હૈ તેરી મહેફિલ હૈ.’
પ્રિયતમ હોય કે ઇશ્વર આપણી જીંદગીમાં એવી રીતે એકાકાર થઇ જાય કે દરેક ગલી, દરેક શહેર, દરેક ઘર જાણે એની જ મહેફિલ હોય એવી અનુભૂતિ થવા લાગે.સનમ હોય કે ઇશ્વર, પ્રેમમાં એકાકાર થવુ એ જ પ્રેમનું મુખ્ય લક્ષણ . જ્યાં જ્યાંનજર મારી ઠરે..યાદી ભરી ત્યાં આપની એ પંક્તિઓ ગૂંજવા લાગે કે નહી ? પ્રેમ ગલી અતિ સાંકરી…જીન મે દો ન સમાય……પ્રેમમાં તો એકરૂપ થયે જ છૂટકો !

અને મને યાદ આવે છે એક સ્ત્રી…નામ રાબિયા બસરી…વતન ઇરાનનું બસરા શહેર.
એક હાથમાં પાણીનો કટોરો અને બીજા હાથમાં અગ્નિ લઇ ને ઇરાનની ગલીઓમાં પ્રેમની આહલેક જગાવતી નિકળી પડે!
એ કહે…”હું ઇશ્વરને પ્રેમ કરુ છુ બસ….બીજું કશુ નહી.!પાણીમાં નર્કની આગને ડૂબાડી દઇશ અને આગથી સ્વર્ગને ભસ્મીભૂત કરી દઇશ…કારણ કે તો જ હું ઇશ્વરને નિસ્વાર્થ ચાહી શકીશ.ન સ્વર્ગનાં સુખોથી લલચાઇશ કે ન નર્કનાં દુખોથી ડરીશ.બસ..મારા ઇશ્વરને રાગ-દ્વેષ વગર ચાહતી રહીશ”

અને એક બીજી સ્ત્રી..આપણી મીરાં ! નાનપણથી જ કૃષ્ણપ્રેમની લગની લગાડી બેઠી.શું કોઇએ નહી સમજાવ્યુ હોય કે…અલી, એ તો છેલછબીલો…છોગાળો..રંગીન છે ! સોળહજાર એકસોને આઠ સ્ત્રીઓનો પતિ છે ! હજારો ગોપીઓ સાથે રાસલીલાઓ કરી છે ! રાધા એની પ્રાણપ્યારી પ્રિયતમા છે ! દ્રૌપદી એની વ્હાલી સખી છે ! જાણે છે આ બધું તું…?આ ભીડમાં તારું સ્થાન શું ? ત્યારે એ પગલી એ માત્ર એક સ્મિત જ ફરકાવીને કહ્યું હશે ને !એને ભલેને હજારો પ્રિયતમા હોય ‘મેરે તો ગિરિધર ગોપાલ..દૂજો ન કોઇ’.શું આ પૃથ્વિ તટે આવી અનેક અર્વાચીન મીરાંઓ નહી વસતી હોય !જે રાણાનાં મહેલની અટારીએ બેસી કૃષ્ણની માળા જપતી હોય! મને લાગે છે કે વસ્તી ગણતરીનાં પત્રકોમાં આવી મીરાંઓ માટે એક અલગ કોલમ હોવી જોઇએ. શું કહો છો? આ પ્રેમને તમે કોઇ પણ નામ આપી દો..પ્રેમલક્ષણા ભક્તિ કહો..કે ડીવાઇન લવ કહો….અશરીરી પ્રેમ કહો…કે…આત્મિક મિલન કહો .અંતે તો હેમનું હેમ જ હોય. !ફન્ડા સીંપલ છે….ઇશ્વરને પ્રેમી સમજીને ચાહો…કે પછી પ્રેમીને ઇશ્વર સમજીને પૂજો વાત એક જ છે..દોસ્ત !

ફરી પેલુ ગીત સાંભળાય છે મને ક્યાંક દૂર દૂરથી….
‘હરએક શય હૈ મુહબ્બત કે નૂર સે રોશન,
યે રોશની જો ન હો ઝીંદગી અધૂરી હૈ’

આમ ગહન છતાં..આમ સરળ વાત. એક એક કણ…એક એક દિશા…એક એક શ્વાસ….એક એક ધબકારો પ્રેમનાં નૂરથી ઝળહળે છે.તો પ્રેમ વગરનું જીવન ?? ધત્ …..વો જીના ભી કોઇ જીના હૈ લલ્લુ ??

ફરી એક સ્ત્રી કબ્જો જમાવવા લાગે દિલો-દિમાગ પર ! સાવ યુવાન વયે વિધવા થયેલી સુંદર..સ્ત્રી..પાનબાઇ.
જ્યારે જ્યારે સાસૂજી અગમ-નિગમની વાતો કરતાં કરતાં સમજાવે…’ વિજળીને ચમકારે મોતિડા પરોવો પાનબાઇ….અચાનક અંધારૂ થાશે હો જી.’
અને ત્યારે યુવાન વિધવા…મનોમન કહેતી હશે ને …બાઇજી…મને તો ખરેખર વિજળીનાં ચમકારાં જેટલો જ અલ્પ સમય મળ્યો હતો પ્રિયતમને પામવાનો..અને મે પામી લીધો છે મારા મનનાં માણીગરને !પ્રિયતમને પામવો એ ઇશ્વરને પામવાથી અલગ થોડું છે?

અને ત્યારે નરસિંહ મહેતો પણ ટહૂકો કરી જતો હશે ને….
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.
જો નરસિંહ ભગતને પણ પ્રેમરસ પાસે તત્વનું ટૂંપણું તુચ્છ લાગતું હોય તો આપણે કઇ વાડીનાં મૂળા !
અને આ બધું સાંભળીને પેલો…સૂત્રધાર મલક મલક હસતો હશે ને ?

પેલી અમૃતા પ્રીતમ કંઇ ગાંડી ન હતી…કે કહે…
‘માત્ર બે રજવાડાં હતાં—એકે મને અને એને હદપાર કર્યા હતા,
બીજાનો અમે બન્ને એ ત્યાગ કર્યો હતો.’પ્રેમને પામવા અનેક રજવાડાંઓ ત્યાગવા પડે.સ્થુળ હોય કે સુક્ષ્મ ત્યાગ વગર પ્રેમ શક્ય નથી.

અને..ત્યાં..પડઘો પાડે..
એ..રી..મૈ તો પ્રેમ દિવાની મેરા દર્દ ન જાને કોઇ !આહા….પ્રેમ હોય કે ભક્તિ દર્દ અને વિયોગ તો એની સાથે જ જોડાયેલા હોય છે.વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજી સમક્ષ થોડા વાક્યો બોલાતા હોય છે એમાં કેવી અદભૂત વાત છે જુઓ….’ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતિત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હ્રદયમાં તાપ કલેશનો આનંદ જેને તિરોધાન થયો છે એવો હું જીવ દેહ,ઇન્દ્રીય, પ્રાણ,અંત;કરણપૂર્વક તેના સ્ત્રી,ઘર,પુત્ર, કુટુંબ,ધન,આ લોક પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું..હે કૃષ્ણ હું તમારો છું’ હવે આ જ વાક્યો જરા પ્રેમીઓ માટે લાગુ કરી જુઓ તો !! છે ને અદ્દલ એ જ ખુમારી અને ખુવાર થવાની તૈયારી !

અને પેલી પંક્તિઓ ફરી યાદ આવે.
‘નદીકિનારે ધૂંઆ ઉઠે , મૈ જાનુ કુછ હોય,
જિસ કારન મૈ જોગન બની , કહીં વો ના જલતા હોય!’
કોઇ પ્રેમને ખાતર સંસાર છોડે, જોગન બની જાય, નગરી નગરી દ્વારે દ્વારે જેને શોધ્યા કરે..એ જ દુનિયા છોડી ચાલ્યો ગયો હોય એવુ પણ બની શકે ને?કોઇ સંસાર છોડે તો કોઇ દુનિયા….જેવું જેનું તપ ! જેવો જેનો વિયોગનો તાપ !

અને..ફરી કાનમાં અજવાળું રેલાવા લાગે…
‘તેરે જમાલ સે રોશન હૈ કાઇનાત મેરી,
મેરી તલાશ, તેરી દિલકશી રહે બાકી,
ખુદા કરે કે યે દિવાનગી રહે બાકી.’
આહા…આહા…એ જમાલ…એ તલાશ…અને એ દિવાનગી !! જુગ જુગ જીવો દિવાનાઓ ! કોઇને ચાહવું…ચાહતા રહેવું….અને ફના થઇ જવુ…..યા ખુદા…..ઐસા હી હો !!
એ સનમ…તું જ અલ્લા…..તું જ ઇશ્વર…તું અમર ને…તું જ નશ્વર.

–પારુલ ખખ્ખર