Ek Salaam Purush Ane Paurushtvane books and stories free download online pdf in Gujarati

એક સલામ પુરુષ અને પૌરુષત્વને

‘એક સલામ પુરુષ અને પૌરુષત્વને’

૧૯ નવેમ્બર એટલે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’. આપણે ત્યાં ‘વુમન્સ ડે’ માટે જેટલું લખાય, બોલાય, ચર્ચાય છે એટલું ‘મેન્સ ડે’ માટે નથી થતું.કેમ વારુ? પુરુષો એ તો સમરકંદ બુખારા ઓવાર્યા છે સ્ત્રીઓ માટે ! તો કોઇ સ્ત્રી પુરુષો માટે બે શબ્દો પણ ન લખી શકે ?! બહોત નાઇન્સાફી હૈ યે !સો…ડીયર એન્ડ નિયર મેલફ્રેન્ડ્સ…..પેશ-એ-ખિદમત હૈ….એક સલામ આપકે નામ :) અને આમપણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતા ની વધુ નજીક હોય છે.ખરુ કે નહી?

પુરુષ એટલે શું ?

-પુરુષ એટલે પત્થર માં પાંગરેલી કૂંપળ.
-પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ.
-પુરુષ એટલે ટહુકાને ઝંખતુ વૃક્ષ.-
પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ.-
પુરુષ એટલે રફટફ બાઇક માં ઝૂલતું હાર્ટશેપ નું કીચેઇન.
-પુરુષ એટલે બંદુક નાં નાળચા માં થી છૂટતુ મોરપિંછું.

મિત્રો,પુરુષ એ નથી જે માત્ર ફિલ્મો કે ટી.વી માં જોવા મળે છે.પણ પુરુષ એ છે જે રોજબરોજ ની ઘટમાળ માં થી આંખ સામે ઉપસી આવે છે.પુરુષ એમ કહે કે ‘આજે મૂડ નથી, મગજ ઠેકાણે નથી’ પણ એમ ના કહે કે ‘આજે મન ઉદાસ છે.’એ સ્ત્રી સાથે ઘણી વાતો શેર કરી શકે છે પણ પોતાના દર્દ શેર નથી કરી શકતો.સ્ત્રી હમેંશા પુરુષના ખભા પર માથું ઢાળી રડે છે. જ્યારે પુરુષ સ્ત્રીનાં ખોળા માં માથુ છૂપાવી રડે છે.કારણકે એ સ્ત્રીને પોતાના આંસુ બતાવી નથી શકતો.

જેમ દુનિયાભર ની સ્ત્રીઓ ને પોતાના પુરુષનાં શર્ટમાં બટન ટાંકવામાં રોમાંચ થાય છે એ જ વખતે એ સ્ત્રી ને ગળે લગાડી લેવા નો રોમાંચ પુરુષો ને પણ થતો હોય છે પણ તે પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી નથી શકતો. અને કદાચ આ કારણથી જ સ્ત્રીઓ એને કઠોર સમજી બેસે છે..હજારો કામકાજથી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવી જગાડે છે ત્યારે પુરુષ નો દિવસ ખરેખર સુધરી જાય છે.અને આ વાતની બહુ ઓછી સ્ત્રીઓને ખબર હોય છે.

પુરુષ સુંદર સ્ત્રીઓથી ખેચાઇ ને અને બુદ્ધિશાળી સ્ત્રીઓનાં પ્રભાવ થી અંજાઇ ને તેનાં પ્રેમમાં પડી જતો હોય છે.આમ તો જીતવા માટે જ જન્મેલો પુરુષ પ્રેમ પાસે હારી જાય છે અને જ્યારે એ જ પ્રેમ એને છોડી જાય ત્યારે તે મૂળ સોતો ઉખડી જાય છે.સમર્પણ એ સ્ત્રીનો સ્વભાવ છે અને સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે પણ પુરુષ જેને સમર્પિત થાય એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.હાં, સ્ત્રી સાથે સમજણ થી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બની ને રહી શકે પણ…બેવફાઇ થી ત્યજાયેલો પુરુષ કચકચાવી ને દુશ્મની નિભાવે છે.

પુરુષ માટે પ્રેમ નાં સુંવાળા માર્ગ પર લપસી જવું એ એક થ્રીલ છે અને સહજ પણ છે.પરંતુ એની જ સ્ત્રી માટે તે બ્લેકઝોન છે કે જ્યાં થી પાછી ફરેલી સ્ત્રીને એ ચાહી શકતો નથી કે અપનાવી શકતો નથી.પરણવું અને પ્રેમ કરવો એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે પુરુષ માટે નહી.એક જ પથારી માં અડોઅડ સૂતા બે શરિરો વચ્ચે ની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે પણ ફરિયાદ કરતો નથી.પુરુષ ને સમાધાન ગમે છે પણ જો એ સામે પક્ષે થી થતુ હોય તો! :P

વેલ..આ તો હતી પુરુષોની લાક્ષણિકતાઓ ! હવે જરા સિક્કાની બીજી બાજુ પણ જોઇ લઇએ…
શું હોય છે આ પુરુષોનું પૌરુષત્વ ?

આખી ઉગેલી દાઢી ?

આંકડા ચડાવેલી મૂછ?

બાવડેબાજ શરીર ?

વાતવાતમાં ઝગડ્યા કરવું ?

એકાદ બે વ્યસન હોવા તે?

હજારો સ્ત્રીમિત્ર હોવી તે ?

એક પડકારે બધાંને ચૂપ કરાવી દેવા તે?

ક્રિકેટ, સેક્સ કે રાજકારણ પર કલાકો ચર્ચા કરી શકવાની ક્ષમતા હોવી તે?

નેશનલ જ્યોગ્રોફી, એનીમલ પ્લેનેટ કે યુટીવી એક્શન જેવી ચેનલો જોવી તે?

મોબાઇલની બધી જ એપ્લીકેશનમાં માહિર હોવું તે?

દોસ્ત કરતાં દુશ્મનોનું લીસ્ટ લાંબુ હોવું તે?

કે સ્ત્રીઓ પર ભદ્દી મજાકો કરવી તે??

‘છાકો પાડી દીધો’…’સોપો પાડી દીધો’…’સપાટો બોલાવી દીધો’ જેવા તકિયાકલામ હોવા તે?

કે હેલ્મેટ પહેર્યા વગર, ભીડભર્યા રસ્તા પર બેફામ ડ્રાઇવીંગ કરવું તે?

કે ધંધામાં ગયેલા નુકશાનને સટ્ટો રમી સરભર કરવું તે ? શું હોય છે મર્દાનગીનાં માયનાઓ ??

વેલ..મર્દાનગી કોઇ દેખાડવાની ચીજ નથી એ તો વ્યક્ત થવાની ચીજ છે.જે પુરુષનાં વાણી, વર્તન અને વિચારોમાંથી જીંદગીનાં દરેક મોડ પર ટપકતી રહે છે ! અને તેથી જ દૂબળા-પાતળા , ઓછા દેખાવડા, કાળા, અપંગ કે બહેરા,મૂંગા પુરુષ પર પણ સ્ત્રી કુરબાન થઇ શકે છે.
કોઇનાં પ્રેમમાં ગળાડૂબ પડ્યા પછી..બધી જ અનુકૂળતાઓ હોવા છતા, સમાજ, જ્ઞાતી, કુટુંબ,સ્ટેટસ એન્ડ બ્લા..બ્લા..બ્લા…બહાનાઓ બતાવી મનગમતો સાથ છોડી દુખભરી ગઝલો શેર કરવામા કોઇ મર્દાનગી નથી દોસ્ત..પણ એ પ્રેમભર્યા સાથીને હુંફાળો હાથ આપવામાં મર્દાનગી હોય છે.અને એવી જ રીતે ભાગીને લગ્ન કરવામાં નહી પણ પોલીસ કેસ થાય ,કોર્ટ કચેરીની બબાલો થાય ત્યારે પ્રિયપાત્રનો હાથ ઝાલી રાખવામાં છે મર્દાનગી.

-રોડરોમિયોની માફક સુંદર છોકરીને જોઇને સીટી મારવામાં નહી પણ એને મોઢામોઢ ‘તુ બહુ સુંદર છે’ એમ કહી દેવામાં મર્દાનગી છે દોસ્ત !-
પાંચ લાર્જ પેગ પેટમાં પધરાવ્યા પછી પણ જે ઘરે રાહ જોતી પત્નિને ફોન કરી શકે છે ‘ તું જમી લેજે હું ડ્રીંક્સ પાર્ટીમાં છું’..આ મર્દાનગી છે.-
વરસાદી રાતે કોઇ અજાણી છોકરીનું સ્કૂટી બંધ પડ્યુ હોય અને તેને લીફ્ટ આપી ,તેનો ફોન નંબર પણ પૂછ્યા વગર તેને ઘરે પહોંચાડવામાં છે મર્દાનગી.
-ફેસબૂક કે વોટ્સએપ પર છાનાં-છપનાં ચીટ-ચેટ કરવાને બદલે જે સ્ત્રી મિત્રને ઘરે બોલાવી પરિવાર સાથે ઓળખાણ કરાવે છે તે મર્દ છે.-
પોતાના વિચારો માત્ર બેબાક પ્રગટ કરવામાં નહી પરંતુ વાસ્તવિક જીવનમાં એ મુજબ જીવવામાં હોય છે મર્દાનગી !
-પોતાના હોનહાર દિકરાને બોર્ડની પરીક્ષાનાં આગલા દિવસે કહે શકે કે ‘તારો પપ્પો ચોરી કરીને પાસ થતો’ એ મર્દ છે.
-કરોડોની ખોટ ખાધા પછી પાંચ રુપિયાનીઘઉંની ટીકડી ખાઇ સૂઇ જવામાં નહી પણ પાણીપૂરીની લારી કાઢવામાં છે મર્દાનગી.-
દારૂમાં જાત ડૂબાડી દેવાને બદલે પત્નિનાં, મિત્રનાં કે એટલીસ્ટ પાળેલ કુતરાનાં ખભે માથું નાંખીને રડી લે છે એ છે મર્દ…!
-મિત્રો સાથે બેફામ ગાળો બોલવામાં નહી પણ સ્ત્રીની હાજરીમાં ગાળો ન બોલવામાં છે મર્દાનગી.
-પોતાના બીમાર- અપંગ- વૃદ્ધ મા-બાપને પાર્ટી વખતે રૂમમાં પૂરી રાખવામાં નહી પણ મિત્રો સાથે ઓળખાણ કરાવવામાં છે મર્દાનગી.
-પત્નિ, પ્રેમિકા કે સ્ત્રી મિત્રને મોંઘીદાટ ભેટ કે ફુલ આપ્યા વગર માત્ર જાતે બનાવેલ કોફીનો કપ આપી હાથમાં હાથ લઇ ‘સોરી’ બોલ્યા વગર મનાવી લેવામાં છે ખરી મર્દાનગી.
વેલ…આવા તો ઘણા એસીડ ટેસ્ટ હોય છે મર્દાનગી માપવાના…એ ફરી ક્યારેક . આજે તો એટલું જ કહીશ કે લોકો ભલે કહે
કે ‘સ્ત્રી ને ચાહતા રહો સમજવાની જરુર નથી.’ હું કહુ છુ પુરુષ ને બસ….સમજી લો…આપોઆપ ચાહવા લાગશો. આમ પણ સમજણ આવ્યા પછી આવતી ચાહત જ જીવનભર ટકી જાય છે.
મિત્રો…આ મારા વિચારો છે. આપને અસહમત થવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે.અને હાં…આંતરરાષ્ટ્રિય ‘પુરુષ દિવસ’ આવે ત્યારે તમારા પોતાના પુરુષને વિશ કરતા પહેલા આ વાંચી લેજો. કદાચ વધુ સારી રીતે વિશ કરી શકશો એ મારી ગેરંટી :)

–પારુલ ખખ્ખર