પ્રેમનાં પ્રયોગો - 1

પ્રેમનાં પ્રયોગો

હિરેન કવાડ

૧) સ્માઇલ

દર્પણભાઇ એક કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર હતા. એમનું ટ્રાન્સફર બેંગ્લોરથી અમદાવાદ કરવામાં આવ્યુ હતુ. મુળ તો દર્પણભાઇ રાજકોટ, ગુજરાતના જ, એટલે એમનું ટ્રાન્ફર બેંગ્લોરથી ગુજરાતમાં થયુ એથી એ ખુશ હતા. દર્પણભાઇએ એમના વાઇફ, એક સાત વર્ષનો દિકરો અને પાંચ વર્ષની દિકરીને અમદાવાદ જ બોલાવી લીધા અને અંકુર ચાર રસ્તા પાસે ફ્લેટ રાખીને રહેવા લાગ્યા.

દર્પણભાઇ હજુ તો જુનીયર ડેવેલપર જ હતા. એમનુ કામ જે સોફ્ટવેર કે વેબસાઇટ બની ગઇ હોય એનું ટેસ્ટીંગ કરવાનુ હતુ. એમના કામનો કોઇ ફીક્સ સમય નહિ. એક દિવસમાં જેટલુ કામ સોંપેલુ હોય એટલુ કામ પતે એટલે એમને જવાની છુટ. પણ કામ કંઇ સહેલુ નહોતુ. બગ અને એરર શોધવામાં આખો દિવસ ક્યાં ચાલ્યો જતો એ એમને ખબર નહોતી રહેતી. ક્યારેક તો સમયના એક બે કલાક વધારે પણ ચાલ્યા જતા. દર્પણભાઇ ખુબ અકળાઇ જતા. પરંતુ નવુ નવુ જોઇન કર્યુ હતુ એટલે જુસ્સો તો હતો.

***

એક વર્ષ આમ જ વીતી ગયુ. પણ દર્પણભાઇના સ્વભાવમાં ચીડચીડીયા પણુ આવી ગયુ. દર્પણભાઇ વાત વાતમાં ઉશ્કેરાઇ જતા. પગાર તો સારો હતો પણ એ પગાર મળે ત્યારે કોઇ જ ખુશીનો અહેસાસ ન્હોતો થતો. સવારે પ્રિયાબહેને બનાવેલા નાસ્તાથી શરૂઆત થાય. ‘ભાખરી બળી ગયેલી છે. ચ્હા વધારે મીઠી બની ગઇ છે’ કે પછી ભુલથી હાથ રૂમાલ ધોવાનું રહી ગયુ હોય. એટલે રોજ કંકાસ વધવા લાગ્યો.

--- એક દિવસ સવારે ---

“પ્રિયા નાસ્તો લાવ ને.”, દર્પણભાઇએ કહ્યુ.

“હા, દર્પણ પાંચ મિનીટમાં આપુ છું, ત્યાં સુધી મિતુલને માથુ ઓળી દે ને”, પ્રિયાબેને કહ્યુ.

“પ્રિયા મારે મોડુ થાય છે. આજે બવ કામ છે.”, દર્પણભાઇએ કહ્યુ. “હા, તમને આખી દુનિયા માટે સમય છે, બસ ઘરમાં જ મોડુ થાય છે.”, પ્રિયાબેને ટોન્ટ મારતા કહ્યુ.

“ભાષણ આપવાનુ બંધ કર, નાસ્તો આપવાનો હોય તો આપ નહીંતો હું નીકળુ છું.”, દર્પણભાઇએ ચીડાઇને કહ્યુ.

“પપ્પા, મારા વાંહા(પીઠ)માં ખંજવાળ આવે છે. ખંજવાળી આપોને.”, મિતુલે કહ્યુ. પણ પપ્પા પીગળ્યા નહિ.

એમણે, એમના હાથના પંજાના નખથી ભીંસી ભીંસીને ખંજવાળવાનુ શરુ કર્યુ. “પપ્પા દુખે છે, આહહ્હ્હ”, મિતુલે એના પપ્પાને કહ્યુ અને દર્પણભાઇનો નખ મિતુલની કોમળ પીંઠમાં વધારે ભારથી ઢસડાયો એટલે મિતુલના મોંમાંથી ચીસ નીકળી ગઇ, મિતુલે દર્પણભાઇના હાથને દુર ધકેલી દીધો.

“પપ્પા તમને કંઇ જ નથી આવડતુ.”, નિર્દોષ બાળક બોલી પડ્યુ.

દર્પણભાઇને ગુસ્સો આવ્યો. મિતુલ રસોડા તરફ દોડ્યો. એટલામાં પ્રીયાબેન બહાર આવ્યા. રડતો મિતુલ એક હાથમાં નાસ્તો અને બીજા હાથમાં ચ્હાની કીટલી લઇને ડાઇનીંગ ટેબલ તરફ આવી રહેલા પ્રીયાબેન ની સાડીમાં મોં છુપાવીને રડવા લાગ્યો.

“દર્પણ મિતુલનો ખ્યાલ તો રાખ.”, પ્રિયાબેને નાસ્તો ટેબલ પર મુકતા કહ્યુ.

દર્પણભાઇ કંઇજ બોલ્યા વિના ઉભા થઇ ગયા અને નાસ્તો કર્યા વિના જ ઓફીસે જવા નીકળી ગયા.

મિતુલની સાથે પ્રિયાબેનની આંખોમાં પણ આજે ભીનાશ હતી. મિતાલી દર્પણભાઇની દિકરી આ બધુ જોઇ રહી હતી. પ્રિયાબેને મિતાલીને ખુર્શી પર નાસ્તો કરવા બેસાડી અને ભીની આંખો સહિત મિતાલી અને મિતુલને પોતાના હાથથી બન્નેના મોંમાં વારા ફરતી ભાખરીનું બટકુ અને ચ્હા-દુધ પીવરાવવા લાગ્યા.

દર્પણભાઇની સવાર તો ગુસ્સાથી શરુ થઇ હતી. પાર્કિંગમાં જોયુ તો એમની કારમાં પાછળના ટાયરમાં પણ પંચર હતુ. દર્પણભાઇએ ટાયરને ગુસ્સામાં આવીને એક લાત મારી. ઓફીસે પણ દિવસમાં કોઇ ને કોઇ સાથે બોલવાનુ થયુ. એમનું કામ પણ બરાબર ના થયુ. એમનુ આપેલુ અસાઇમેન્ટ પણ પુરુ ના થયુ. એ દિવસે બોસ પણ દર્પણભાઇને બોલ્યા, કે હમણા એમનું ધ્યાન કામમાં નથી. આજે બોસે એમને જ્યાં સુધી કામ પતે નહિ ત્યાં સુધી ઘરે ના જવાનુ કહ્યુ. “નહિતર નોકરીમાંથી છુટા કરવા” ત્યાં સુધીના શબ્દો સંભળાવ્યા.

દર્પણભાઇ પાસે આજે કોઇ જ રસ્તો નહોતો. એમને તાત્કાલિક તો કોઇ જોબ ના જ મળે એટલે એમને મોડી રાત સુધી કામ કરવુ પડે એમ જ હતુ. દર્પણભાઇએ પ્રિયાબેન ને કોલ કર્યો અને સવારે આવશે એમ કહ્યુ.

મોડી રાત સુધી કામ કર્યુ, અને દર્પણભાઇએ ઓફીસે જ સુઇ જવાનુ વિચાર્યુ. પણ ખબર નહિ આજે દર્પણભાઇને ઉંઘ ના આવી. દર્પણભાઇને સવારના દ્રશ્યો દેખાવા લાગ્યા. કદાચ દર્પણભાઇને એમની ભુલ સમજાઇ ગઇ હતી? એ સતત વિચારોમાં હતા.

ઉંઘ નહોતી આવતી એટલે દર્પણભાઇએ કમ્પ્યુટર ચાલુ કરીને ફેસબુક ઓપન કર્યુ.

દર્પણભાઇએ પોતાની ટાઇમલાઇન જોવાની ચાલુ કરી. જેમ જેમ દર્પણભાઇ નીચે સ્ક્રોલ કરતા ગયા એમ એમ ભુતકાળના સુખો દેખાવા લાગ્યા. એમની કોલેજ લાઇફના ફ્રેન્ડ્સ સાથેના ફોટા. પ્રિયા સાથેનો એમનો પહેલો બર્થ ડે. સાપુતારામાં સનસેટ પોઇંટ પર પડાવેલા ફોટાઓ. જ્યારે દર્પણભાઇએ પ્રપોઝ કર્યુ અને પ્રિયાબેને હા પાડી ત્યારે ચેન્જ કરેલ રીલેશનશીપની એક્ટીવીટી. પ્રિયાબેને એક્સેપ્ટ કરેલ ફ્રેન્ડશીપની એક્ટીવીટી. આ બધુ જ દર્પણભાઇએ જોયુ અને દર્પણભાઇ આજે એકલા એકલા રડ્યા. એમને સમજાયુ કે એ કેટલા દુર આવી ચુક્યા હતા !

ભીની આંખે એમણે સ્ક્રોલ કરવાનુ ચાલુ રાખ્યુ. ત્યારે દર્પણભાઇએ પોતેજ કોલેજમાં હતા ત્યારે અપડેટ કરેલુ સ્ટેટસ જોયુ.

“દિવસમાં ઇશ્વર બનવાની ચાવીઃ દિવસમાં કોઇ પણ ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્માઇલ લાવો.”

દર્પણભાઇને થયુ કે એ કોઇને હસાવતા તો નથી પણ જે સ્માઇલ હોય છે એ પણ છીનવી લે છે. દર્પણભાઇ રાતે ત્રણ વાગ્યે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. દર્પણભાઇના દિલમાં આ પોતેજ કરેલી સ્ટેટસ અપડેટ ફીટ થઇ ગઇ હતી. રડતા રડતા જ દર્પણભાઇ ટેબલ પર માથુ નાખીને ઉંઘી ગયા.

રાતે જે સ્ટેટસ અપડેટ વાંચ્યુ હતુ એ દિલમાં અપડેટ થઇ ચુક્યુ હતુ. દર્પણભાઇએ આજે મક્કમ મન સાથે આ સ્ટેટસને ફોલો કરવાનુ નક્કિ કર્યુ.

દર્પણભાઇ પોતાના ચહેરા પર સ્માઇલ સાથે ઓફીસમાંથી નીકળ્યા. ત્યારેજ એમણે ઓફીસના ચોકીદારને જોયો.

“વજેસીંહ ભાઇ આજ તો બવ સારા તૈયાર થઇને આવ્યા છો ને? આજ તો જબરદસ્ત લાગો છો !”, દર્પણભાઇએ ચોકીદારને કહ્યુ.

ચોંકીદારે પણ હસતા હસતા ગુડમોર્નીંગ એન્ડ હેવ અ નાઇસ ડે કહ્યુ. બન્નેના ચહેરા સ્મિતથી તરબતર હતા. દર્પણભાઇએ ઓટો રીક્ષા પકડી અને ઘરે જવા નીકળ્યા. પંદરેક મિનિટમાં અંકુર આવી ગયુ. દર્પણભાઇ રીક્ષાની નીચે ઉતર્યા.

“ઘણા સમય પછી એવી રીક્ષામાં બેઠો કે જે આરામ દાયક હોય, અને તમે મને સમયસર પહોંચાડ્યો. થેંક્યુ હો !”, પૈસા આપતા દર્પણભાઇએ રીક્ષા વાળાને કહ્યુ.

રીક્ષાવાળાના ચહેરા પર પણ સ્માઇલ આવી ગઇ. રીક્ષાવાળા પાસે આજે છુટ્ટા પૈસા નહોતા એટલે રીક્ષાવાળાએ ત્રણ રૂપિયા ઓછા લીધા અને ચહેરા પર ખુશી લાવીને થેંક્યુ કહ્યુ. આજે દર્પણભાઇ કંઇક નવો જ અહેસાસ કરી રહ્યા હતા.

રીક્ષામાંથી ઉતરીને ઘરે જતા પહેલા દર્પણભાઇ ફ્રુટ્સની દુકાનમાં ગયા. એમણે સ્ટ્રોબેરી અને દ્રાક્ષ ખરીદી.

ફ્લેટ તરફ જતી વખતે જ એણે એક યુવાન છોકરીની સ્કુટી રોડ પર ઢળી પડતા જોઇ. દર્પણભાઇ તરત જ ત્યાં દોડી ગયા, એમણે પેલી છોકરીને ઉભી કરી.

‘થેંકયુ વેરી મચ..’, પેલી છોકરીએ કહ્યુ.

‘ઇટ્સ ઓકે.’, દર્પણભાઇએ કહ્યુ.

‘પ્લીઝ તમારૂ નામ અને સાઇન આ નોટબુકમાં કરી આપશો ? મારી એક આદત છે કે જે લોકો મને હેલ્પ કરે એમને મારે ભુલવા નહિ.’, પેલી છોકરીએ પોતાની બેગમાંથી એક બુક કાઢીને દર્પણભાઇને આપતા કહ્યુ. દર્પણભાઇએ એ બુકમાં પોતાનું નામ લખ્યુ. નીચે ‘કીપ સ્માઇલીંગ’ લખ્યુ અને પોતાની સાઇન કરી.

‘થેંક્સ.’, દર્પણભાઇએ કહ્યુ.

‘પિયા.’, પેલી છોકરીએ પોતાનું નામ બોલતા કહ્યુ.

‘દર્પણ.’, દર્પણભાઇએ એમનું નામ કહ્યુ.

‘થેંક્સ અગેઇન દર્પણભાઇ.’,

‘ઇટ્સ ઓકે, બને તો કોઇને હેલ્પ કરી દેજો..’, દર્પણભાઇએ કહ્યુ.

‘સ્યોર !’, પિયાએ પોતાની સ્કુટી ચલાવી મુકી.

દર્પણભાઇ ફ્લેટમાં આવ્યા. દ્રાક્ષની કોથળી ટેબલ પર મુકી. થોડીક દ્રાક્ષ અને એક સ્ટ્રોબેરી હાથમાં લઇને દર્પણભાઇ રસોડા તરફ ચાલ્યા. રોજની જેમ પ્રિયાબેન ભાખરી વણતા હતા. દર્પણભાઇએ પ્રિયાબેનના મોંમાં બે-ત્રણ દ્રાક્ષ પાછળથી મુકી દીધી.

પ્રિયાબેન આશ્ચર્યમાં પડી ગયા. ઘણા દિવસ પછી એનો દર્પણ એને મળ્યો હતો. બન્નેએ એકબીજાને બાંહોમાં જકડી લીધા અને ગળગળા થઇ ગયા.

મિતુલ અને મિતાલી જાગ્યા એટલે આજે એમને નવડાવવાનુ કામ પ્રિયાબેન અને દર્પણભાઇ બન્નેએ કર્યુ. એકબીજા ઉપર પાણીના છાંટા ઉડાડ્યા. હકીકતમાં તો આ પ્રેમના છાંટા હતા. દર્પણભાઇએ મિતુલ અને મિતાલીને સ્ટ્રોબેરી પોતાના હાથેથી જ ખવરાવી. પોતાના હાથે બન્ને બાળકોના માથામાં તેલ નાખ્યુ. પોતાના આંગળા ધીમે ધીમે બન્નેના માથામાં ફેરવ્યા અને હળવા હાથે માલીશ કરી.

એ દિવસે ચોકીદાર આખો દિવસ પ્રસન્ન રહ્યો. એણે જે પણ કર્મચારી આવ્યા એમને સ્માઇલ સાથે વેલકમ કર્યુ. રીક્ષાવાળાએ પણ આજે કોઇ સાથે માથાકુટ ના કરી. દરેક પેસેન્જરને સમજવાની કોશીષ કરી. સાથે સમયસર બધાને જે જગ્યાએ પહોંચવુ હતુ ત્યાં પહોચાડ્યા.

***

દર્પણભાઇએ આજે આખો દિવસ પોતાના પરિવાર સાથે ગાળ્યો. રાત્રે રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. દર્પણભાઇએ કેક મંગાવી રાખેલી.

“દર્પણ આ કેક? આજે તો કોઇનો બર્થ-ડે નથી..”, પ્રિયાબેને પૂછ્યુ.

“આજે મારી નવી લાઇફનો બર્થ-ડે છે. મારા એક પ્રયોગનો બર્થડે છે.”, દર્પણભાઇ માત્ર આટલુ જ બોલ્યા.

એ દિવસ પછી આ ક્રમ રોજ ચાલ્યો. દર્પણભાઇ રોજ કોઇ ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્માઇલ લાવવાનો પ્રયત્ન કરતા. અને હવે જે કામ દર્પણભાઇને મળતુ હતુ એ ખુશીથી કરવા લાગ્યા, કામ પણ રોજ બે કલાક વહેલા જ પતવા લાગ્યુ, અને કામ પણ સારી ક્વોલીટીનુ બનવા લાગ્યુ.

દર્પણભાઇ રોજ એ દિવસથી ચાર કેડબરી ઘરે લઇ જતા અને નવી જીંદગીને સેલીબ્રેટ કરતા. રોજ રાતે એમના બાળકો એક વાક્ય તો અચુક કહેતા.

“પપ્પા તમે બવ સારા છો.”

***

જો તમને આ વાર્તા ગમી હોય તો રીવ્યુ આપવાનું ભુલતા નહીં. ટુંક સમયમાં બીજી વાર્તા. ત્યાં સુધી કરો પ્રેમનાં પ્રયોગો.

***

Rate & Review

Ashis Baldaniya 3 days ago

supar

Mayur Falki 3 days ago

good

Gandhi Gujju 2 weeks ago

Shreyansh 3 months ago

Nirav Soni 3 months ago