Premna Prayogo - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાં પ્રયોગો - ૪

પ્રેમનાં પ્રયોગો

હિરેન કવાડ

૪) શ્રધ્ધા - વિશ્વાસ

“શ્રધ્ધા, ભલે મારી આંખો આ દુનિયાના રંગોને ન જોઇ શકતી હોય, પરંતુ મારા માટે તો તારૂ નામ જ નવ રંગો છે, તારો સ્પર્શ મારા રૂંવાટે રૂવાટે રંગોની પુરણી કરે છે. તારા વિના મારી બ્લેક એન્ડ વ્હાઇટ જીંદગી સુની થઇ જશે.”, વિશ્વાસે સુંદર શ્રધ્ધાનો હાથ પોતાની છાતી પાસે ભીંસીને કહ્યુ. શ્રધ્ધા કંઇજ નહોતી બોલી રહી, પરંતુ એની આખોમાંથી પણ આંસુઓ દડ દડ પડી રહ્યા હતા. બન્નેમાંથી કોઇજ કશુ કરી શકે એમ નહોતા. શ્રધ્ધાની સગાઇ ઘરેથી શ્રધ્ધાની મરજી વિરુધ્ધ નક્કી થઇ ચુકી હતી. શ્રધ્ધાએ એક વાર વિશ્વાસ વિશે ઘરે જણાવ્યુ પણ હતુ. પરંતુ ઘરેથી જે જવાબ હતો એ ખુબ સામાન્ય હતો, “તને અમે આંધળા-બોબડા સાથે પરણાવવા માટે મોટી નથી કરી.”.

વિશ્વાસ પાસે માત્ર આંખો જ નહોતી. વિશ્વાસ દેખાવે હેન્ડસમ હતો. એનો વર્ણ ગોરો, એના શરીરનો બાંધો મજબુત અને એકદમ પરફેક્ટ હતો. વાત હતી ધંધાની તો, તે એક સોફ્ટવેર પ્રોગ્રામર હતો. બે વર્ષ પહેલા વિશ્વાસ પોતાની કાર લઇને અમદાવાદથી બરોડા જઇ રહ્યો હતો. એક્સપ્રેસ હાઇવે પર કારની સ્પીડ વધારે હતી અને વિશ્વાસે બેલેન્સ ગુમાવી દીધુ. એની કાર રોડની ઉપરના ઓવરબ્રીજના પીલર સાથે ખુબ જ વેગ સાથે અથડાઇ. વિશ્વાસની એક આંખમાં કાચ ઘુસી ગયો અને માથા પર વધારે વાગવાથી બીજી આંખની દ્રષ્ટી પણ ચાલી ગઇ. શરૂઆતમાં આંખો વિના એને બધુ જ કામ ખુબ અઘરૂ લાગ્યુ હતુ, પરંતુ વિશ્વાસ મહત્વકાંક્ષી હતો. પોતાના પર એને એટલો વિશ્વાસ તો હતો કે એનો ટેલેન્ટ આંખોને લીધે પડ્યો રહીને સડી નહિ જાય. એનો પેશન પ્રોગ્રામીંગ (સોફ્ટવેર એન્જીનીયરીંગ) હતો. એણે એ કામ ધીરે ધીરે ફરી શરૂ કર્યુ અને એમાં એને ફરી ફાવટ આવવા લાગી. એ જોઇ નહોતો શકતો પણ એ ટાઇપ કરી શકતો અને લખી શકતો હતો. એટલે એનુ કરીઅર એ જાળવી શક્યો.

શ્રધ્ધા અને વિશ્વાસની લવ સ્ટોરી ખુબ જ ઇન્ટરેસ્ટીંગ હતી. કારણ કે એક છોકરી એક અંધ વ્યકિતના પ્રેમમાં પડે એ ખુબ અઘરી વાત કહી શકાય. દરેક છોકરીની એક ઇચ્છા હોય કે એને સુંદર વ્યકિત મળે જે એને બધા જ પ્રકારના સુખ આપી શકે. પરંતુ જ્યારે તમે પ્રેમમાં હોવ છો ત્યારે પરમ સુખમાં હોવ છો.

એકવાર શ્રધ્ધાને અંધજન મંડળ અમદાવાદમાં એક સ્પેશીયલ લેકચર આપવા માટે જવાનુ હતુ. શ્રધ્ધાએ અંધજન મંડળના ગેટની સામે રીક્ષા ઉભી રખાવી. શ્રધ્ધાએ પીંક કલરનો ડ્રેસ પહેરેલ હતો, સાથે ચુડીદાર લેહંગા પહેરેલ હતો. એના વાળ એની આદત અને પસંદ પ્રમાણે હંમેશાની જેમ છુટ્ટા હતા. પરંતુ પવન એને જરાક પણ પરેશાન કરવાની હિમ્મત ન્હોતો કરતો. શ્રધ્ધા ગેટ તરફ આગળ વધી. આંખો પર સ્ટાઇલીશ બ્લેક કલરના ગોગલ્સ પહેરેલ, જીન્સ અને લોંગ શર્ટ પહેરેલ હેન્ડસમ વ્યક્તિને શ્રધ્ધાએ ઝડપથી દાદર ઉતરતો જોયો. ગેટ પાસે પહોંચતા એ વ્યકિત એક અંધ વ્યક્તિ સાથે ટકરાયો, બન્ને થોડા વધારે જોરથી ટકરાયા હતા એટલે બન્ને નીચે ગબડી પડ્યા. શ્રધ્ધા એ આ બધુ જોયુ અને એ તરત જ દોડીને પેલા અંધ વ્યકિતેને ઉભી કરવા માટે દોડી.

“મીસ્ટર, આ લોકોની સાથે તો ઇશ્વરે થોડોક અન્યાય કર્યો છે, પરંતુ તમે થોડીક શાંતી રાખીને ના ચાલી શકો? અને જો જડપથી જ ચાલવુ હોય તો આ મોટા મોટા ચશ્મા ઉતારીને ચાલતા શીખો, જેથી તમે બીજા માટે પ્રોબ્લેમ્સ ના ઉભી કરો.”, પેલા અંધ વ્યકિતને ઉભો કરતા શ્રધ્ધાએ પેલા સ્ટાઇલીશ વ્યકિતને કહ્યુ. પેલા ચશ્મા વાળા વ્યક્તિએ શ્રધ્ધા તરફ ચહેરો ફેરવ્યો. એ કંઇ ના બોલ્યો. એ પોતાનો હાથ સ્ટાઇલથી ચશ્મા તરફ લઇ ગયો અને એણે પોતાના બ્લેક ગોગલ્સ ઉતાર્યા.

શ્રધ્ધાએને તરત પછતાવાની લાગણી થઇ આવી. “આઇ, એમ સો સોરી.”, શ્રધ્ધાએ કંઇક ભુલ કરી હોય એમ, માફી માંગતા કહ્યુ. “મને નહોતી ખબર કે તમે અંધ છો”, શ્રધ્ધાએ કહ્યુ.

“હા, મને ખબર છે, મારા કપડા અને હુંલીયા ઉપરથી તો નહિ જ લાગતુ હોય. અને એક વાત તમે ખોટી કહી. ઇશ્વરે અમારી સાથે કોઇ જ અન્યાય નથી કર્યો, અને અમને ઇશ્વર તરફ કોઇ જ ફરીયાદ નથી. વધુ એક વાત તમે આજે થોડોક વાધારે જ બ્લુ લેડી પરફ્યુમ છાંટી દીધો છે.”, પેલા વ્યકિતે કહ્યુ. શ્રધ્ધાએ આજે દ્રષ્ટિ વાળો અંધ જોયો હતો.

“વિશ્વાસ સર ! તમે છો ?”, બીજા અંધ વ્યકિતે પૂછ્યુ.

“હા, રીતેશ હું જ છુ”, વિશ્વાસે કહ્યુ. એણે પોતાના ખીસ્સામાંથી નાની એવી સ્ટીક કાઢી. સ્ટીક પરનુ બટન દબાવતા જ એ સ્ટીક લાંબી થઇ ગઇ. વિશ્વાસ પેલા અંધ વ્યક્તિનો હાથ પકડીને ચાલતો થયો. શ્રધ્ધા મનમાં ગ્લાનીની લાગણી સાથે ઉભી ઉભી વિશ્વાસને પાછળથી જોઇ રહી. એણે આવો અંધ વ્યકિત ક્યારેય જોયો ન્હોતો. જે આટલો સ્ટાઇલીશ અને કુલ હોય. બોડી પર સ્પ્રે છાંટેલો હોય, જેની કુકડા કલગી ટાઇપ હેઇર સ્ટાઇલ હોય. આજે શ્રધ્ધાના મનમાં જે અંધ લોકો વિશેની છાપ હતી એ બદલાઇ ગઇ. “બધા અંધ લોકો બેબસ અને લાચાર નથી હોતા” શ્રધ્ધા અંધજન મંડળમાં જવા માટે ચાલતી થઇ.

શ્રધ્ધાએ માસ્ટર ઓફ એજ્યુકેશન કર્યુ હતુ. શ્રધ્ધા હવે અંધજનોની શાળામાં શિક્ષણ આપવા માંગતી હતી એટલે એ અંધજન મંડળમાં અંધ વ્યકિતઓના બેહેવીઅરને સ્ટડી કરવા માટે આવતી હતી. સાથે લેક્ચર અરેન્જ કરીને એ એનુ નોલેજ શેર કરતી. આ હતી શ્રધ્ધા અને વિશ્વાસની પહેલી મુલાકાત.

બીજી મુલાકાત પણ જલદી જ થવાની હતી. બે દિવસ પછી ફરી શ્રધ્ધાને અંધજન મંડળમાં જવાનુ થયુ. આજે પણ એને સ્પેશીયલ લેક્ચર જ ડિલીવર કરવાનો હતો. લેકચર લેવાને હજુ થોડી વાર હતી. શ્રધ્ધા લોબીમાં આંટો મારવા નીકળી. એક ક્લાસમાં એણે વિશ્વાસને લેકચર લેતા જોયો. એ ક્લાસના બારણા પાસે ઉભી રહીને સાંભળવા લાગી.

“માય ફ્રેન્ડ્સ, તો મેં કહ્યુ એમ કશુંજ અઘરૂ નથી. હું મારી જાતને અંધ માનતો જ નથી. મારે બસ આંખો નથી. તમારા વિશે પણ હું આજ માનુ છુ. અંધ તો એ વ્યક્તિને કહેવાય કે જેને ક્યાં જવુ છે એની ગતાગમ જ ના હોય. આપણે લોકો તો જાણીએ છીએ કે ક્યાં જવાનુ છે. શું માણસ આંખો મીંચી દે તો એ આંધળો થઇ જાય? ના, આપણે જોઇ તો શકીએ જ છીએ, પરંતુ અંધારૂ જ દેખાય છે. બસ આપણી પાસે એક ચેલેન્જ છે, કે આપણે જે કરવાનુ છે એ આંખો મીંચીને કરવાનુ છે. બસ જરૂર છે, હિમ્મત અને જુનુનની. કારણ કે હિમ્મત બળ આપશે અને જુનુન દૂર દ્રષ્ટિ. આજે હું TCS જેવી કંપનીમાં પ્રોગ્રામીંગનુ કામ કરૂ છુ. આ કામ આંખો વાળા માણસોને પણ અઘરૂ લાગતુ હોય છે અને હું ખુબ સરળતાથી કરી શકુ છુ. બસ આપણે જે રોજ કરીએ છીએ એજ કરવાનુ છે, બસ હિમ્મત નથી હારવાની. લોકોને તો આદત હોય છે, આંધળા કહેવાની. પણ યાદ રાખજો ઇશ્વરે દરેક વ્યક્તિને અહીં કંઇક પ્રયોજનથી મોકલ્યા છે જે આપણે શોધવાનુ છે, અને પુરુ કરવાનુ છે. થેંક્સ ગાય્ઝ. આવતા અઠવાડીયે ફરી મળીશુ.”, વિશ્વાસે એનો ક્લાસ પુરો કર્યો.

“ગુડ બાય સર…!”, બધા મોટી ઉંમરના સ્ટુડન્ટ્સે કહ્યુ.

શ્રધ્ધા ઉભી ઉભી હક્કા બક્કા જ રહી ગઇ હતી. આટલુ સારૂ તો જોઇ શકતો હોઇ એવો માણસ પણ બોલી શકતો નથી. વિશ્વાસના શબ્દોમાં જાદુ હતો, આત્મવિશ્વાસ હતો, દુર દ્રષ્ટિ હતી, હિમ્મત હતી. શ્રધ્ધા ઉભી ઉભી બસ વિશ્વાસને જોઇ રહી. શ્રધ્ધાને મનોમન પ્રેમ થઇ ગયો હતો. શ્રધ્ધા બારણા પાસે જ ઉભી રહી. એ વિશ્વાસ સાથે વાત કરવા માંગતી હતી.

“ઓહ્હ, તો તમે અહિં?”, વિશ્વાસ ક્લાસના દરવાજા પાસે ઉભો રહ્યો અને કહ્યુ. ફરી શ્રધ્ધાને આશ્ચર્ય થયુ કે વિશ્વાસે એને કેવી રીતે ઓળખી લીધી.?

“વધારે વિચારવાની જરૂર નથી. તમારા બ્લુ લેડીના પરફ્યુમેં મને કાનમાં કહી દીધુ.”, વિશ્વાસે શ્રધ્ધા કંઇ બોલે એ પહેલા જ કહી દીધુ.

“તમારા વિચારો બહું ઉંડા છે.”, શ્રધ્ધાએ કહ્યુ. બન્ને ઓફીસ તરફ ચાલતા થયા.

“ઉંડા, મને તો નથી લાગતુ. એમ કહું તો વધારે સારૂ રહેશે કે, મારા વિચારો પ્રેક્ટિકલ વિચારોથી એક પગલુ આગળ છે.”, વિશ્વાસે કહ્યુ. શ્રધ્ધાને શું બોલવુ કંઇ ખબર ના પડી.

“તમે સોફ્ટવેર એન્જીનીયર છો?”, થોડી વાર રહીને શ્રધ્ધાએ પૂછ્યુ.

“મને નથી લાગતુ કે મારી ઉંમર એટલી બધી વધારે હોય, અને તમારી પણ. તો આપણ એકબીજાને “તમે” જેવા શબ્દોથી બોલાવીને એકબીજાને વધુ “ભાર” ના આપવો જોઇએ. હા હું સોફ્ટવેર એન્જીનીયર છું”, વિશ્વાસે હસતા હસતા કહ્યુ. શ્રધ્ધા પણ હસવા લાગી.

“હું શ્રધ્ધા જોશી, શું આપણે મીત્રો બની શકીએ?”, શ્રધ્ધા બોલી.

“હું વિશ્વાસ શાહ, શામાટે નહિ?”, વિશ્વાસે પોતાનો હાથ લાંબો કર્યો. બન્નેએ હાથ મેળવ્યો.

“મારે અત્યારે લેક્ચર છે, આપણે પછી મળીએ?”, શ્રધ્ધાએ કહ્યુ.

“નો પ્રોબ્લેમ, પણ તારો નંબર આપીશ તો હું તને કોલ કરી શકીશ.”, વિશ્વાસે પોતાનો Iphone X મોબાઇલ કાઢ્યો. શ્રધ્ધા માટે વધુ એક આશ્ચર્ય. શ્રધ્ધા પોતાનો મોબાઇલ નંબર બોલી. શ્રધ્ધાને કંઇ સમજ ના પડી કે વિશ્વાસ આવા ટચ સ્ક્રિન મોબાઇલને જોયા વિના કેવી રીતે ઓપરેટ કરી શકે. વિશ્વાસે શ્રધ્ધાનો મોબાઇલ નંબર સેવ કર્યો અને શ્રધ્ધાના નંબર પર મીસકોલ કર્યો.

“પ્રેકિટ્સ મેક્સ મેન પરફેક્ટ !”, વિશ્વાસે શ્રધ્ધા તરફ ચહેરો કરીને શ્રધ્ધાના આશ્ચર્યનો જવાબ આપ્યો.

“ઓકે, બાય.”, શ્રધ્ધાએ કહ્યુ.

“બાય.”. શ્રધ્ધા એના ક્લાસ તરફ ચાલતી થઇ. વિશ્વાસે પોતાના ખીસ્સામાંથી પોતાની સ્ટીક કાઢી અને બહારની તરફ ચાલતો થયો.

***

વિશ્વાસ એના પેરેન્ટ્સને સતર વર્ષની ઉંમરે એક એસીડેન્ટમાં ગુમાવી ચુક્યો હતો. હવે એના ફેમેલીમાં આમ તો કોઇ નહોતુ રહ્યુ. એટલે એનુ ફેમેલી આખુ વિશ્વ હતુ. વિશ્વાસ ચાંદખેડા બસ સ્ટેન્ડની સામેના અંધજન અપના ઘરના ફ્લેટમાં રહેતો હતો. એની સાથે લગભગ ત્રીસેક બીજા વ્યક્તિઓ રહેતા હતા. સાંજના સાતેક વાગ્યા હશે. વિશ્વાસનો મોબાઇલ રણક્યો. એના મોબાઇલમાં “પાણીદા” ગીતની રીંગટોન હતી. રીંગટોન સાથે અમેરીકન એસન્ટ માં “શ્રધ્ધા શ્રધ્ધા” નામ બોલાઇ રહ્યુ હતુ. વિશ્વાસને ખબર પડી કે શ્રધ્ધાનો કોલ હતો.

“હા, મીસ શ્રધ્ધા બોલો.”, વિશ્વાસે કોલ રીસીવ કર્યો.

“ઓહ્હ, તો સાહેબને ખબર પણ પડી ગઇ કે, મારો કોલ છે?”, સામેથી શ્રધ્ધા બોલી.

“હા, ખબર પડી ગઇ હો..!”, વિશ્વાસે જવાબ આપ્યો.

“ફ્રી છે તુ ?”, શ્રધ્ધાએ પૂછ્યુ.

“હા, બોલ ક્યાં મળીએ? હું ચાંદખેડા છુ.”, વિશ્વાસે જવાબ આપ્યો.

“ઓકે, ધેન..અ…. તુજ કહે ને.”, શ્રધ્ધાએ કહ્યુ.

“ઓકે, ચોકોલેટ રૂમ?, IIT ગાંધીનગર.”, વિશ્વાસે કહ્યુ.

“ઓકે, મારે આવતા પંદરેક મિનિટ થશે.”, શ્રધ્ધાએ કહ્યુ.

વિશ્વાસ પોતાના નાઇટડ્રેસમાં હતો. એણે જીન્સની બ્લેક કલરની શોર્ટ કેપ્રી પહેરેલી હતી. એના ઉપર પ્લેન ગ્રીન કલરનું ટીશર્ટ પહેર્યુ. પોતાની હેઇર સ્ટાઇલ બદલી, બોડી પર સ્પ્રે છાંટ્યો. વિશ્વાસ પણ શ્રધ્ધાને મળવા માટે આતુર હતો. કારણ કે વિશ્વાસને મનમાં એમ હતુ કે, શ્રધ્ધા એના વિચારોને સમજી શકશે. વિશ્વાસને ઘણા સમય પછી એક ફ્રેન્ડ મળી હતી. એ એન્જીનિયરિંગ કોલેજ જવા માટે નીકળ્યો. એ ચાંદખેડા બસ સ્ટેન્ડ પર પહોંચ્યો.

“ભાઇ, ૯૦,૨૨ કે ૮૯/૧ નંબરની બસ આવે એટલે કહેજોને.”, જે ભાઇએ વિશ્વાસને રોડ ક્રોસ કરાવ્યો એ ભાઇને વિશ્વાસે કહ્યુ.

“હા, સ્યોર. હું પણ એ જ બસમાં જવાનો છું.”, પેલા ભાઇએ કહ્યુ. દસેક મિનિટમાં બસ આવી. વિશ્વાસ એન્જીનીયરીંગ કોલેજના બસ સ્ટેન્ડ પર ઉતર્યો. હવે વિશ્વાસને દિશા જાણવા માટે પૂછવાનુ હતુ કે SBI બેંક ક્યાં છે. એ પોતાની સ્ટીકના સહારે આગળ વધી રહ્યો હતો. ત્યાંતો એક ગરમ હાથ વિશ્વાસના જમણા હાથ પર પડ્યો. વિશ્વાસ આ રીતે ટેવાયેલો હતો કારણ કે રસ્તે ચાલતી વખતે કોઇ પણ વ્યક્તિ રસ્તો બતાવવા માટે વિશ્વાસનો હાથ પકડી લેતુ.

પરંતુ વિશ્વાસને આ હાથ કોઇ છોકરીનો લાગ્યો કારણ કે એ કોમળ હતો. વિશ્વાસને સ્પર્શથી જ ખબર પડી ગઇ કે આ હાથ શ્રધ્ધાનો છે. પરંતુ વિશ્વાસને બ્લુ લેડી પરફ્યુમની સુગંધ નહોતી આવી રહી. પરંતુ સવારે જે હાથ સાથે એણે હેન્ડ શેક કર્યુ હતુ, આ એજ હાથ હતો. પણ શ્રધ્ધા કંઇ બોલી નહોતી રહી. વિશ્વાસ થોડો કન્ફ્યુઝ થયો.

“મેમ મારે ચોકોલેટ રૂમ જવુ છે.”, વિશ્વાસને ખબર હોવા છતા કહ્યુ.

શ્રધ્ધા વિશ્વાસને ચોકોલેટ રૂમ સુધી દોરી ગઇ. વિશ્વાસ ચોકોલેટ રૂમમાં જઇને ચેઇર પર બેઠો. એને ખબર ના પડી કે શ્રધ્ધા કેમ કંઇ ના બોલી. શ્રધ્ધા ફરી પોતાનુ સ્કુટર પાર્ક કર્યુ હતુ ત્યાં ગઇ. એણે એક્ટિવાની ડેકી ખોલી અને પોતાના શરીર પર બ્લુ લેડી પરફ્યુમ છાંટ્યો. શ્રધ્ધાએ જીન્સ અને શર્ટ પહેરેલ હતો. એણે જીન્સમાં ઇનશર્ટ કરેલ હતુ. શ્રધ્ધા અત્યારે મોડર્ન ગર્લ લાગી રહી હતી. શ્રધ્ધાએ ચોકોલેટ રૂમમાં એન્ટ્રી મારી. વિશ્વાસને બ્લુ લેડીની સુગંધ આવી. વિશ્વાસ પોતાની જગ્યાએ ઉભો થઇ ગયો. શ્રધ્ધાના સેન્ડલનો અવાજ પોતાની નજીક આવી રહ્યો હોય એવુ વિશ્વાસને લાગ્યુ.

“હાઇ.”, પોતાનો હાથ લંબાવીને વિશ્વાસે કહ્યુ.

“હાઇ.”, શ્રધ્ધા બોલી. બન્ને સામ સામેની ખુરશી પર બેઠા.

“તુ મને ઓળખી ના શક્યો ને.”, શ્રધ્ધા બોલી.

“એ તુ જ હતી, એમને?”, વિશ્વાસે પોતાનું મોં પહોળુ કરીને કહ્યુ.

“હા, હું જ હતી. હું જોવા માંગતી હતી કે પરફ્યુમ વિના તુ મને ઓળખી શકે છે કે નહિ.”, શ્રધ્ધાએ કહ્યુ.

“તે જ્યારે મને સ્પર્શ કર્યો ત્યારે જ હું તને ઓળખી ગયો હતો. પણ હું થોડો કન્ફ્યુઝ હતો.”, વિશ્વાસે કહ્યુ.

“બસ, હવે સ્ટોરીઝ બનાવમા.”, શ્રધ્ધાએ કહ્યુ.

“સીરીયસલી યાર.”

“બોલો મેડમ શું ખાશો ?”, વિશ્વાસે પૂછ્યુ. શ્રધ્ધાએ મેનુ હાથમાં લીધુ. એ મેનુ વાંચવા લાગી.

“એન્ડ હું ગપ્પા નથી મારતો, હવે તારો સ્પર્શ નહિ ભુલાય એ પણ કહી દવ.”, વિશ્વાસે કહ્યુ.

“ઓહ્હ, મીસ્ટર ફ્લર્ટ કરે છે.”, શ્રધ્ધાએ મેનુ કાર્ડ બીજી તરફ ફેરવતા કહ્યુ.

“તારે જે સમજવુ હોય તે.”, વિશ્વાસે ખુબ જ પ્રેમથી કહ્યુ.

“હ્મ્મ્મ, તો તારા વિશે જણાવ.”, શ્રધ્ધાએ કહ્યુ.

“મારા વિશે..? જાણવુ જરૂરી છે..?”, વિશ્વાસે સામો પ્રશ્ન કર્યો.

“ના, જરૂર તો નથી… બટ મારે જાણવું છે.”, શ્રધ્ધાએ કહ્યુ

“ઓકે..! નામ તો તને ખબર જ છે. આ વિશ્વાસ એક ખુબ જ કોન્ફીડન્ટ વ્યક્તિ છે. જે પોતાને ક્યારેય દ્રષ્ટિ વિનાનો માનતો નથી. બસ એ પોતે આ જીવનમાં આંધળા પોટાની રમત રમે છે, એવુ માને છે. મારા ફેમીલીમાં હાલ હું એકલો જ છુ. મારા મમ્મી પપ્પા થોડા સમય પહેલા ઇશ્વરના ઘરે ચાલ્યા ગયા. પરંતુ હું મુવ ઓન કરવા વાળો માણસ છુ. હું ઓછુ યાદ રાખુ છુ. કારણ કે ક્યારેક સ્મૃતી ખુશીયો માટે બાધક બનતી હોય છે. હું જીંદગીમાંથી જેટલો આનંદ લુંટાય એટલો લુંટુ છુ. કારણ કે આ આંખોએ તો એક એસીડેન્ટમાં સાથ છોડી દીધો આ શરીરનો પણ કોઇ ભરોસો નથી. હાલ મારી પાસે જીવવા માટેનુ એક જ કારણ છે, ખુશીઓ..! અને મહત્વની વાત, બીજા કારણની શોધમાં છુ. ખબર નહિ મને સમજી શકે એવુ કોઇ મળશે કે નહિ…? એ એક પ્રશ્ન છે..!” વિશ્વાસે કહ્યુ.

ફરી એકવાર વિશ્વાસને સાંભળીને શ્રધ્ધા મોહિત થઇ ગઇ. વેઇટર ઓર્ડર લેવા માટે આવ્યો.

“ચોકોલેટ શેક..!”, શ્રધ્ધા બોલી.

“બે ચોકોલેટ શેક..!”, વિશ્વાસે ઓર્ડર આપ્યો.

“તુ મારા વિશે કંઇ નહિ પુછે…?”, શ્રધ્ધાએ પુછ્યુ.

“ના…! હું માણસોને એ જેવા છે, એવા જ સ્વિકારવામાં માનુ છુ..!”, વિશ્વાસે કહ્યુ.

“ધેટ્સ નાઇસ…!, પણ આમ ક્યાં સુધી એકબીજાથી અજાણ્યા રહેશુ..?, તને કદાચ હું શું કહું છુ એનો ખ્યાલ આવી રહ્યો હશે..!”, શ્રધ્ધાએ કહ્યુ.

“હ્મ્મ, તો સામાન્ય માણસની ભાષામાં કહું તો… મારી પાસે આંખો નથી. એ કદાચ તુ સ્વિકારી લઇશ. પરંતુ આ દુનિયા નહિ સ્વિકારે..!”, વિશ્વાસે ગંભીર થઇને કહ્યુ.

“મને દુનિયાની કોઇ પરવાહ નથી…! મને એટલી ખબર છે કે જ્યારે તને પહેલી વાર જોયો હતો ત્યારે જ હું તારા શબ્દોથી અટ્રેક્ટ થઇ ગઇ હતી. બીજી મુલાકાતમાં તો, તે મને પુરેપુરી તારી બનાવી લીધી હતી.”, શ્રધ્ધાએ હિમ્મત કરીને બોલી નાખ્યુ. વિશ્વાસને એના શબ્દોએ વધારે અટ્રેક્ટીવ બનાવી દીધો હતો. ઠંડુ ચોકોલેટ શેક આવ્યુ. વિશ્વાસ ઠંડો પડી ગયો. શ્રધ્ધાના આ શબ્દો સાંભળીને એનુ હ્રદય વધારે ધબકવા લાગ્યુ હતુ. એના માથા પાસેની રગમાંથી લોહી વહેવાની ગતી વધી ગઇ હતી, એટલે એ રગ ફુલી રહી હતી. વિશ્વાસને વિચાર આવતો હતો કે આટલી ઓછી મુલાકાતમાં કોઇ છોકરી કોઇ વ્યક્તિના પ્રેમમાં કેવી રીતે પડી શકે.? એ પણ આંધળા વ્યક્તિ સાથે..?

પણ વિશ્વાસના શબ્દો એકવાર જીભેથી ફેંકાંયા બાદ બધાજ ઠંડા પડી જતા. વિશ્વાસે એનો ચહેરો ટેબલ પર શ્રધ્ધા તરફ જુકાવ્યો.

“તને શું લાગે છે…? તારી બ્લુ લેડીની સુગંધ આજે મને તારો ચોથી વાર અહેસાસ કરાવી રહી છે. જ્યારે ઇશ્વર એક વસ્તુ છીનવે ત્યારે એ બીજી કોઇ વસ્તુ આપે જ છે. મને ઇશ્વરે સ્પર્શ અને સુગંધ આપ્યા છે.

દસેક દિવસ પહેલા તુ અંધજન મંડળથી RTOની BRTS બસમાં હતી. મેં આંખો પર ગોગલ્સ ચડાવ્યા હતા, એટલે હું કોઇના માટે અંધ ન્હોતો. બસમાં ભીડ વધારે હતી. એટલે હું પણ ઉભો જ હતો. બસ એની ફુલ સ્પીડ પર હતી. પ્રગતિનગરનુ બસ સ્ટોપ આવ્યુ એટલે ડ્રાઇવરે અચાનક બ્રેક મારી. બસ વધારે સ્પીડમાં હતી, બ્રેકના લીધે બધા ઉભેલા વ્યક્તિઓ આગળ તરફ ઢસડાઇ આવ્યા. એમાં અચાનક મારી બાજુમાંથી એક બુમ સંભળાણી. સાથે બ્લુ લેડી સ્પ્રેની સુગંધ આવી.

“ધીમી ચલાવતા નથી આવડતુ..?, આ બાળક ને માથા પરથી લોહી નીકળી રહ્યુ છે..! ચલાવતા આવડે છે કે નહિ..!”, તુ આગળ તરફ જઇને બુમો પાડવા લાગી. બસ દસેક મિનિટ ઉભી રહી. કદાચ બધાએ ભેગા થઇને પેલા બાળકને ફર્સ્ટ એઇડ આપી હશે. ફરી બ્લુ લેડી સ્પ્રેની સુગંધ મારી બાજુમાંથી પસાર થઇ. બસ ચાલતી થઇ. આખી બસમાં એક જ હિમ્મ્તવાળી છોકરી હતી, જે ડ્રાઇવર સામે ઉંચો અવાજ કરીને બોલી રહી હતી. મને તારા પ્રત્યે માન થઇ આવ્યુ હતુ. બીજી વાર એજ બ્લુ લેડી સ્પ્રેની સુગંધ અંધજન મંડળની બહાર આવી. તારી મદદ કરવાની આદત એ દિવસે મને સ્પર્શી ગઇ. પરંતુ એક આંખો વિનાના માણસને લોકો બીચારો જ સમજતા હોય છે. એટલે કોઇ પસંદ પડે તો પણ એ પસંદનુ ખુન જ કરવાનુ હોય. આજે સવારે પણ મેં તને સુગંધથી જ પારખી હતી. થોડી વાર પહેલા તુ જ્યારે મળી ત્યારે એ સુગંધને હું શોધી ના શક્યો. પરંતુ અત્યારે પણ આ સુગંધ જ મને તારો પરિચય આપે છે. મારા માટે તો આ સુગંધ અને તારો સ્પર્શ જ શ્રધ્ધાની ઓળખાણ છે. એટલે મને એ દિવસથી જ તારા પ્રત્યે માન છે.”, વિશ્વાસે કહ્યુ.

“આઇ, લવ યુ…!!”, શ્રધ્ધાએ વિશ્વાસના હાથ પર હાથ મુકતા કહ્યુ. શ્રધ્ધાના હુંફાળા હાથે વિશ્વાસના શરીરમાં ઝણઝણાટી દોડાવી

દીધી. એને આવો અહેસાસ પહેલી વખત થયો હતો. વિશ્વાસના હાથ ઠંડા હતા. વિશ્વાસે પોતાના હાથના બન્ને પંજા વડે શ્રધ્ધાના હાથને પોતાના હાથમાં સંગ્રહી લીધા.

“આઇ, લવ યુ… ટુ..”, વિશ્વાસે કહ્યુ. શ્રધ્ધાએ એની ચેઇર વિશ્વાસની બાજુમાં ખસેડી. બન્ને ચોકોલેટ શેકની એક એક ચમચી એકબીજાના મોંમા મુકી. શ્રધ્ધાએ પોતાનો ચહેરો વિશ્વાસના ચહેરા તરફ લઇ ગઇ. બન્ને એકબીજાના હોઠો ને મેળવીને એક થઇ ગયા. શ્રધ્ધા અને વિશ્વાસ એક થઇ ગયા.

***

“શ્રધ્ધા તુ જો મારી જીંદગીમાંથી જતી રહીશ તો, તને ખબર જ છે, જીંદગી જીવવાનુ બીજુ કારણ પણ નહિ રહે. હવે તો કદાચ બીજા કારણ સાથે પહેલુ કારણ પણ વિદાય લઇ લેશે..!”, વિશ્વાસે ફરી હુંફાળા સ્વરમાં કહ્યુ.

“વિશ્વાસ, ચાલ કોર્ટ મેરેજ કરી લઇએ..!”, શ્રધ્ધાએ કહ્યુ.

“હું તૈયાર છુ, પરંતુ એ પહેલા ફરી એકવાર તારા ઘરવાળાઓ સાથે વાત કરી લઇએ તો સારૂ રહેશે..!”, વિશ્વાસે કહ્યુ.

“હું જીવન વિતાવીશ તો તારી સાથે જ, વિશ્વાસ..”, શ્રધ્ધા ગળગળા સ્વરે બોલી.

“ઓકે, તો હું કાલે સવારે તારા ઘરે આવીશ… કાલે ખબર પડી જશે કે શું કરવુ..?”, વિશ્વાસે કહ્યુ.

“હવે, આપણે જવુ જોઇએ… ખાસ્સો એવો ટાઇમ થઇ ગ્યો છે..!,ચાલ હું તને સુભાષથી છોડી દવ.”, શ્રધ્ધાએ કહ્યુ.

શ્રધ્ધા અને વિશ્વાસ શ્રધ્ધાના સ્કુટર દ્વારા સુભાષ પહોંચ્યા. વિશ્વાસે સુભાષબ્રીજથી ચાંદખેડાની બસ પકડી. શ્રધ્ધા એના એક્ટિવા દ્વારા ઘરે પહોંચી.

શ્રધ્ધા ઘરમાં દાખલ થઇ. શ્રધ્ધાના મમ્મી પપ્પા અને એનો ભાઇ સોફા પર બેસેલ હતા. એ લોકોના ચહેરા પર ખાસ કોઇ સારા ભાવો નહોતા.

“આવી ગઇ..? આંધળાને મળીને…?”, શ્રધ્ધાના ભાઇ વિવેકે કહ્યુ. વિવેકમાં વિવેકનો છાંટોય નહોતો.

“ભાઇ, આંખો વાળા માણસો પણ આંઘળા હોઇ શકે…!”, શ્રધ્ધાએ કહ્યુ.

“શ્રધ્ધા, મોટા ભાઇ સાથે આવી રીતે વાત કરતા ક્યારથી શીખી ગઇ..?”, શ્રધ્ધાના મમ્મી કમળાબેન ઉભા થઇને બુમ પાડતા બોલ્યા.

“મમ્મી, મે કંઇજ ખોટુ નથી કહ્યુ. હું માત્ર એક અંધ વ્યક્તિને પ્રેમ કરૂ છુ. બસ હું એ વ્યક્તિ સાથે હવે પછીની જીંદગી વિતાવવા માંગુ છુ. તમે પુજા રાધા ક્રિષ્ન જેવા પ્રેમીઓની કરો છો, પણ બે પ્રેમી એકબીજા ને પામવા માટે દોટ લગાવે ત્યારે આડે કેમ આવી જાવ છો…?”, શ્રધ્ધાએ શાંત અવાજથી કહ્યુ.

“અમે તારૂ ભલુ ચાહિએ છીએ, એટલે એ અનાથ અને અંધ સાથે તો તને પરણાવી નહિ દઇએ. શ્રધ્ધાના પપ્પા પ્રવિણભાઇએ કહ્યુ.

“પપ્પા, બટ હું વિશ્વાસ સાથે ખુશ છુ. મને એ આજ સુધી અંધ નથી લાગ્યો. એને આંખો ભલે ના હોય, પણ એની દ્રષ્ટિ ખુબ જ વિશાળ છે.”, શ્રધ્ધાએ કહ્યુ.

“આવા ડાયલોગ્સ મને નથી સમજાતા. આ બધુ વાર્તાઓ માંજ સારૂ લાગે. જ્યારે હકિકત સામે હોય ત્યારે સામાન્ય જ બનવુ પડે”, પ્રવિણભાઇ બોલ્યા.

“પપ્પા હકીકતોથી જે ભાગે એને કાયર કહેવાય…!, અને આ કોઇ મોટા મોટા ડાયલોગ્સ નથી. હું દિવાલોની પેલે પારનુ વિચારૂ છુ, જે બધાને નથી ગમતુ.”, શ્રધ્ધાએ કહ્યુ.

“મારે કંઇ નથી સાંભળવુ, ધનંજય હમણા તને ડીનર માટે લઇ જવા આવે છે. તૈયાર રહેજે”, પ્રવિણભાઇ બોલ્યા. દસેક સેક્ન્ડ્સમાં જ ઘરની બહાર એક i10 કાર આવીને ઉભી રહી. એ ધનંજય હતો.

“જા જલદી તૈયાર થઇ જા..!”, કમળા બહેને શ્રધ્ધાને કહ્યુ.

શ્રધ્ધાએ માત્ર મોં પર પાણી છાંટીને ગાલો પર આવેલા આંસુઓને લુછ્યા. એ બે જ મિનિટમાં તૈયાર થઇને બહાર આવી. શ્રધ્ધાએ આજે લાલ કલરનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. કોઇ જ શંકા વિના એ સુંદર લાગી રહી હતી. પરંતુ એના ચહેરા પર આજે કોઇ જ ખુશીની રેખા નહોતી. શ્રધ્ધા અને ધનંજયના નામની જોડીમાં જ મેળ ન્હોતો. તો વિચારો તો ક્યાંથી મળવાના. ધનંજય થોડોક અભીમાની અને પૈસાના નશામાં ચુર વ્યક્તિ હતો. પરંતુ એને જીવનસાથી તરિકે એક સંસ્કારી છોકરી જ જોઇતી હતી. શ્રધ્ધાના ઘરનાને શ્રધ્ધાને મોટા અને ખાધે પીધે સુખી કુટુંબ હોય એવા પરિવારમાં પરણાવવી હતી. કુટુંબ ખાધે પીધે સુખી હતુ. પરંતુ એ બીજા સુખ આપી શકે એવુ તો નહોતુ જ.

“ક્યાં જઇશુ શ્રધ્ધા…?”, ધનંજયે પુછ્યુ.

“તમને જ્યાં સારૂ લાગે ત્યાં..!”, શ્રધ્ધાએ ધીમેથી કહ્યુ.

“તબીયત બરાબર નથી..? અને તારો ફોન પણ નથી લાગતો..!”, ધનંજયે પુછ્યુ.

“બેટરી પતી ગઇ છે.”, શ્રધ્ધાએ અકડથી કહ્યુ.

“ધ પામમાં લઇ લવ..?”, ધનંજયે પુછ્યુ. શ્રધ્ધાએ ડોકુ હલાવ્યુ. ધનંજયની ગાડીએ S. G. High તરફનો રસ્તો પકડ્યો.

***

આ તરફ વિશ્વાસ ઉંઘવાના નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યો હતો. પરંતુ વિશ્વાસને ક્યાં ઉંઘ આવવાની હતી. એને તો કાલ સવારની વાટ હતી. રાતે બાર વાગ્યા સુધી શ્રધ્ધાના વિચારો પછી વિશ્વાસને ઉંઘ આવી ગઇ.

સવારે છ વાગ્યે ઉઠીને વિશ્વાસને કંઇક બરાબર નહોતુ લાગી રહ્યુ. એને એક પ્રકારની ગભરામણ થઇ રહી હતી. વિશ્વાસે શ્રધ્ધાને કોલ કર્યો. શ્રધ્ધાએ કોલ ના ઉઠાવ્યો. વિશ્વાસે ફરી કોલ લગાવ્યો.

“હેલો.”, સામેથી શ્રધ્ધાના પપ્પાએ જવાબ આપ્યો.

“શ્રધ્ધાને ફોન આપોને..!, પ્લીઝ.”, વિશ્વાસે વિનંતી કરતા કહ્યુ.

“શ્રધ્ધા સીવીલ હોસ્પીટલના ICUમાં છે.”, પ્રવિણભાઇએ ફોન કટ કરી નાખ્યો. વિશ્વાસના પગ નીચેથી જમીન સરકી ગઇ. એને ખુબ જ આઘાત લાગ્યો. મનમાં એકાએક વિચારોનો ધોધ વહેવા લાગ્યો. “શું થયુ હશે…?” એ પ્રશ્ન વારંવાર એના મનમાં ઉછળી રહ્યો હતો. એના ફ્લેટની ઉપર રહેતા બીપીનભાઇના ઘરે જઇને એમને એની સાથે બાઇક લઇને આવવા કહ્યુ. વિશ્વાસ બીપીનભાઇની બાઇક પાછળ બેસીને સીવીલ તરફ ચાલતો થયો. બીપીનભાઇ શ્રધ્ધાને જ્યાં રાખી હતી એ ICUમાં લઇ ગયા. ત્યાં પ્રવિણભાઇ અને એમનુ ફેમીલી ઉભુ હતુ. બધાજ ઉંભા ઉંભા રડી રહ્યા હતા.

“શું થયુ…? મારી શ્રધ્ધાને…?”, વિશ્વાસે શ્રધ્ધાના ફેમીલીને પુછ્યુ.

કોઇ પણ કશું જ બોલવા તૈયાર નહોતા. ICUમાંથી ડોક્ટર બહાર આવ્યા.

“શ્રધ્ધા ઇઝ આઉટ ઓફ ડેન્જર.. પણ…”, ડોક્ટરે કહ્યુ.

“પણ, શું…?”, વિશ્વાસે ડોક્ટર તરફ પોતે આગળ વધીને પુછ્યુ.

“કાચના ટુકડાઓ આંખમાં વધારે ઘુસી ચુક્યા હતા, એટલે શ્રધ્ધા હવે જોઇ નહિ શકે… ધીરે ધીરે બધુ જ ઠીક થઇ જશે.”, ડોક્ટરનો સ્વર ખુબ કઠોર હતો. વિશ્વાસને કાળો આઘાત લાગ્યો. એને બે ઘડી ચક્કર આવવા લાગ્યા. બીપીનભાઇએ વિશ્વાસને પકડી રાખ્યો. શ્રધ્ધા હજુ બેભાન હતી. પ્રવિણભાઇએ બધી વાત વિશ્વાસને કહી.

ગઇ કાલે રાતે ધનંજય અને શ્રધ્ધા જમીને આવતા હતા, ત્યારે ધનંજયની કાર થલતેજ પાસેના ડીવાઇડર સાથે ટકરાઇ. ગાડી પલટી ખાઇ ગઇ હતી. કારનો આગળનો કાચ તુટી ગયો અને એ જ કાચના ટુકડાઓએ શ્રધ્ધાને ઇજા પહોંચાડી હતી. જ્યારે શ્રધ્ધાની સાથે ધનંજય હોસ્પીટલમાં આવ્યો ત્યારે એ નશામાં એટલો ચકચુર હતો કે પોતે ઉભો પણ ન્હોતો રહી શકતો. ધનંજયને માથા પાસે સામાન્ય ઇજા થઇ હતી. પરંતુ શ્રધ્ધાની હાલત નાજુક હતી. એને તરત જ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી.

ધનંજય બધા બેઠા હતા ત્યાં આવ્યો. એના કપાળ પર પાટો બાંધેલો હતો.

“તુ જ એ વિશ્વાસ છે, ને..? જેના લીધે આ બધુ ઉભુ થયુ છે.”, ધનંજયે વિશ્વાસનો કાઠલો પકડીને કહ્યુ.

“બેટા…! શ્રધ્ધા હવે જોઇ નહિ શકે…!!”, કમળાબેને ધનંજયના ખભા પર હાથ મુકીને કહ્યુ. બે ક્ષણ માટે ધનંજય સ્તબ્ધ રહી ગ્યો.

“તો એ આંધળીને હવે આ આંધળા સાથે જ પરણાવી દો.”, ધનંજયે કહ્યુ. વિશ્વાસને ધનંજયના મોંમાંથી શરાબની ગંધ આવી. ધનંજયે એજ ક્ષણે ત્યાંથી ચાલતી પકડી. પ્રવિણભાઇ અને એના ફેમીલીને ફરી એક મોટો આઘાત. એ લોકો હવે કંઇજ બોલવાની સ્થિતિમાં નહોતા.

“થુ… આવા આંખો વાળાઓ ઉપર..!!”, વિશ્વાસે જમીન પર થુંકારો કરતા કહ્યુ. ICUમાંથી એક નર્સ આવી.

“શ્રધ્ધાને હોંશ આવી ગયો છે, તમારામાંથી કોઇ બે જ વ્યક્તિ અંદર જઇ શકશે.”, નર્સે આવીને કહ્યુ.

“ચાલ બેટા, અત્યારે શ્રધ્ધાને અમારાથી વધારે તારી જરૂરત છે.”, પ્રવિણભાઇ વિશ્વાસને સાથે લઇને ICU રૂમમાં ગયા.

પ્રવિણભાઇ અને વિશ્વાસ ICUમાં દાખલ થયા. પ્રવિણભાઇએ શ્રધ્ધા તરફ જોયુ. દિકરીના સુખની સૌથી ખુશી બાપને જ થતી હોય એમ પ્રવિણભાઇની ખુશીઓનો પાર ના રહ્યો.

‘હા પપ્પા મારી આંખો ને કંઇજ નથી થયુ. હું આ રંગીન દુનિયાને જોઇ શકુ છુ.’, શ્રધ્ધાએ કહ્યુ.

વિશ્વાસે આ સાંભળ્યુ અને એનો હરખ ના સમાણો. વિશ્વાસે બેડ પાસે જઇને શ્રધ્ધાનો હાથ પકડ્યો.

‘ઇશ્વર તારો ખુબ ખુબ આભાર..!’, વિશ્વાસ ઉપર ચહેરો કરીને બોલ્યો.

‘તો ડોક્ટરે હમણા કહ્યુ એ..?’, પ્રવિણભાઇએ પુછ્યુ.

‘મેં જ એમને કહ્યુ હતુ, ખોટુ બોલવા માટે. મારે કંઇ સાબીત નહોતુ કરવુ. પણ મારે મારા પ્રેમને પામવો હતો. મને વિશ્વાસ પર વિશ્વાસ હતો અને મને ધનંજય પર પણ વિશ્વાસ હતો. બહાર જે બન્યુ એ બધુ જ નર્સે મને કહ્યુ.’, શ્રધ્ધા બોલી. પ્રવિણભાઇ કંઇજ ના બોલી શક્યા. એ ચુપ જ રહ્યા.

‘પપ્પા હું વિશ્વાસને પ્રેમ કરૂ છુ. આજે જે થયુ એના પરથી તમે ચોક્કસ નક્કિ કરી શક્યા હશો કે વિશ્વાસ માત્ર મારા શરીર કે શરીરના કોઇ એક અંગને પ્રેમ નથી કરતો, એ મને એટલે કે શ્રધ્ધાને પ્રેમ કરે છે. હું વિશ્વાસ સાથે મારી લાઇફ વિતાવવા માંગુ છુ. અને હું તમારા નિર્ણયની વિરુધ્ધ કોઇ પગલુ નહિ ભરૂ.’, શ્રધ્ધાએ પ્રવિણભાઇનો હાથ પકડીને આંખોમાં આંખો પરોવીને કહ્યુ. શ્રધ્ધા અને વિશ્વાસનો પ્રેમ જોઇને પ્રવિણભાઇની આંખો ભરાઇ આવી. એમનો હરખ પણ સમાતો નહોતો એમણે શ્રધ્ધાના કપાળ પર હાથ ફેરવ્યો.

‘મને માફ કરી દે બેટા..!’, પ્રવિણભાઇ ગળગળા થઇને બોલ્યા.

‘પપ્પા…!’, શ્રધ્ધા એના પપ્પા તરફ ખેંચાણી. પ્રવિણભાઇએ શ્રધ્ધા અને વિશ્વાસનો હોસ્પીટલમાં જ હસ્તમેળાપ કરાવી દીધો. પ્રવિણભાઇ ICU ની બહાર ગયા.

‘વિશ્વાસ મને એક પ્રશ્ન હું જ્યારથી મળી ત્યારથી જ સતાવે છે. તુ બ્લુ લેડી સ્પ્રેને દુર દુરથી કઇ રીતે ઓળખી શકે છે ?’, શ્રધ્ધાએ વિશ્વાસનો હાથ પકડી રાખીને કહ્યુ

“બ્લુ લેડી સ્પ્રે અને મારો સંબધ બવ જુનો છે. મારી મમ્મી રોજ કપડા પર બ્લુ લેડી છાંટતી હતી. મારી મમ્મી ગઇ એ પછી પહેલી વાર મેં આ સ્પ્રેની સુગંધ તારા પાસેથી મેળવી. જ્યારે પણ આ સુગંધ મારા નાક સુધી પહોંચે છે, ત્યારે હું ખુબ જ સેફ મહેસુસ કરૂ છુ. હું પરમ પ્રેમની ગોદમાં હોવ એવુ ફીલ કરૂ છુ. તુ જ મારી સુરક્ષા છો શ્રધ્ધા. આઇ લવ યુ.”, વિશ્વાસે કહ્યુ અને એ શ્રધ્ધાના હોઠો તરફ આગળ વધ્યો.

‘આઇ લવ યુ ટુ..!!!’ શ્રધ્ધાના એક નાનકડા પ્રયોગથી બન્ને એકબીજાને પામી ગયા.

**

જો તમને આ વાર્તા ગમી હોય તો રીવ્યુ આપવાનું ભુલતા નહીં. ટુંક સમયમાં બીજી વાર્તા. ત્યાં સુધી કરો પ્રેમનાં પ્રયોગો.