Premna Prayogo - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાં પ્રયોગો - ૮

પ્રેમનાં પ્રયોગો

હિરેન કવાડ

૮) રિહાના

“મારી સ્ટોરી ખુબ લાંબી છે, નિશ્ચય.”, અમદાવાદ પોલીસમાં હેડ કોન્સ્ટેબલનો હોદ્દો ધરાવતી ૨૫ વર્ષની રિહાનાએ એના પ્રેમીને કહ્યુ.

“આપણી પાસે, સમય જ સમય છે.”, નિશ્વયે પોતાનુ માથુ રિહાનાના માથા સાથે સ્પર્શ કરાવતા કહ્યુ.

“એના માટે તારે તારૂ કાળજુ લોઢાનુ બનાવવુ પડશે.”, રિહાનાએ પોતાના હાથ નિશ્વયના વાળમાં ફેરવતા કહ્યુ.

“હું તૈયાર છુ.”, નિશ્વયે પોતાના હાથ રિહાનાના ગાલ પર લઇ જઇને કહ્યુ.

“નિશ્ચય મને ડર છે કે તુ તારૂ મન બદલી લઇશ. મને કહેવુ તો નથી ગમતુ પણ ભુતકાળે મને એટલી મજબુત બનાવી દીધી છે કે એટલુ તો કહી જ શકુ કે, ‘કદાચ તારો પ્રેમ રસ્તો બદલી લેશે તો ?’ એવી મને શંકા છે.”, રિહાના થોડીક કઠોર બની.

“મેં તુ જેવી છે એવી જ સ્વિકારવા માટે પ્રેમ કર્યો છે, તને બદલવા માટે નહિ. હું કોઇ પ્રોમીસ નથી કરતો. કારણ કે પ્રોમીસ તો તુટી પણ શકે. પણ હું મારા કરેલા નિશ્વયને તો ના જ તોડી શકુ ને.! આજે હું તારા ભુતકાળમાં સફર કરવા માંગુ છુ.”, નિશ્વયે કહ્યુ.

“ભુતકાળ તને ભ્રમીતતો નહિ કરી દે ને. તુ સ્યોર છે..?”, રિહાનાએ ફરી એક વાર કનફર્મ કરવા પુછ્યુ.

“હું જાણવા માંગુ છુ કે એક યુવાન છોકરી આટલા કઠોર નિર્ણયો કઇ રીતે લઇ શકે ?, એક છોકરીનુ હ્રદય કોમળ હોવા છતા જ્યારે કોઇ ગુનેગાર ઉપર હાથ ઉઠાવવાનો હોય ત્યારે એ કેમ જરા પણ ખચકાતી નથી ? મારે જાણવુ છે કે મારી રિહાનામાં એક કોમળતા છુપાયેલી છે, કદાચ ખોવાયેલી છે, કદાચ છુપાવેલી પણ હોઇ શકે, એ કોમળતા બહાર ન લાવવાનું કારણ..? કદાચ વર્ષોથી તારા હ્રદયમાં કંઇક ભરાયેલુ હોય, જો એ ખાલી થાય તો કોમળતા પણ બહાર આવી જાય. બસ એટલા માટે હું તને પુછી રહ્યો છુ. હું મક્કમ છુ.”, નિશ્વયે આંખોમાં આંખો નાખીને કહ્યુ.

“મમ્મી કોફી બનાવી આપોને..!”, નિશ્વયે પોતાના સ્ટડી રૂમમાંથી બુમ પાડી.

“હું બનાવી આપુ છુ..!”, રિહાનાએ ઉભા થવા માટે તૈયારી કરી.

“ના તુ બેસ..!”, નિશ્વયે રિહાનાનો હાથ પકડીને બ્લુ કાઉચ પર બેસાડી દીધી.

“હા… બસ દસ મિનિટ…!”, નીચેથી અવાજ આવ્યો.

“ના હું આન્ટીને મદદ કરૂ..!”, રિહાના ફરી ઉભી થઇ.

“કોફી બની જાય એટલે તારે મને તારો ભુતકાળ બતાવવાનો છે.”, નિશ્વયે કહ્યુ.

“રિહાના સીડી ઉતરીને નીચે કીચનમાં ગઇ. રિહાના અને નિશ્વય ત્રણ મહિના પહેલા મળ્યા હતા. નિશ્વય સાઇબર ક્રાઇમ ડીપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. બન્નેને ઘણી વાર મળવાનુ થતુ. ધીરે ધીરે ઓળખાણ વધી. એક બીજા વચ્ચેનુ અંતર ઘટ્યુ, વિચારો શેર થયા. બન્ને પ્રેમમાં પડ્યા. રિહાના મુસ્લિમ છોકરી હતી. મુળ એ ભાવનગરની, એના મમ્મી પપ્પા ૨૦૦૨ની ગોધરાકાંડની રમખાણો વખતે અમદાવાદમાં હતા. આ ઘટના પછી એ લોકોનુ મોઢુ રિહાના જોઇ શકી નહોતી. એના પરિવારમાં આ ઘટના પછી તે એકલી જ હતી. નિશ્વયના પરિવારમાં રિહાના ઘોળાઇ ગઇ હતી. કોઇને જ રિહાનાના ધર્મ કે સંપ્રદાયની એલર્જી નહોતી. એક વાર નિશ્ચયના મમ્મીએ બન્નેની સગાઇની વાત રિહાનાને કરી હતી. પરંતુ રિહાનાએ જ ના પાડી અને કહ્યુ કે ‘નિશ્ચય મને પહેલા બરાબર જાણે, રોજનુ મારૂ કામે જુએ, મારી આદતો જુએ. પછી પણ હું જો નિશ્વયને પસંદ હોવ તો હું તૈયાર જ છુ’.

રિહાનાએ અને નિશ્વયના મમ્મીએ કોફી બનાવી. કોફી બનાવતા બનાવતા બન્ને એકબીજાને કેવા કપડા પહેરવા ગમે એની વાતો કરતા ગયા. રિહાના કોફી મગની ટ્રે લઇને ઉપર સ્ટડી રૂમમાં ગઇ. રિહાનાએ ટ્રે કાઉચની સામેની ટીપોઇ ઉપર મુકી. એક કોફી મગ નિશ્ચયના હાથમાં આપ્યો. કોફીની ચુસ્કી લેતા રિહાનાએ આંખો બંધ કરી લીધી.

***

“હું શું ગુમાવી શકુ એમ હતી..? મારી પાસે મારો પરિવાર નહોતો, સંબંધીઓ હતા પણ કહેવાના. એટલે કોઇ પણ ડર વિના મેં બધુ મેળવવાની રાહ પર ચાલવાનુ શરૂ કર્યુ.”, રિહાનાએ આંખો મીંચ્યા બાદ બોલવાનુ શરૂ કર્યુ. એ કોફીની ચુસકીઓ લેતી ગઇ.

***

ભાવનગર અમદાવાદ કરતા ઘણુ નાનુ છે. મને ભાવનગરમાં રહેવુ ગમતુ હતુ, હજુ ગમે જ છે. પણ ક્યારેક મારા કાન ભાવનગરનુ નામ સાંભળીને ધ્રુજી ઉઠે છે. જેટલી મીઠી યાદો ભાવનગર સાથે જોડાયેલી છે. એટલી જ ક્રુર યાદો આ જ શહેરના નામ સાથે જોડાયેલી છે. ૨૦૦૨ના ગોધરાકાંડ પછી બધુ બદલાઇ ગયુ. હું એકલી થઇ ગઇ. પરંતુ સમય જે ઘાવ આપે છે, એજ ઘાવને સમય જ રૂજ આપે છે. થોડાજ વર્ષમાં ધીરે ધીરે બધુ નોર્મલ થવા લાગ્યુ. મેં મારૂ ભણવાનુ શરૂ રાખ્યુ. મને આર્ટસમાં જવુ પસંદ હતુ. ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં એડમીશન પણ મળી ગયુ. હું મારા માસીના ઘરે રહેતી હતી. એમનુ ઘર અમારા ઘરને અડીને જ. ખરેખર તો એમના ઘરે રહેવાનુ માત્ર નામનુ જ હતુ. એમનુ હ્રદય સંકુચીત હતુ. એમના હ્રદયમાં મારા નામ માટે પણ જગ્યા નહોતી. ત્યાં રહેવાનુ એટલા માટે કે સમાજના લોકોને એમ લાગે કે હું એકલી અને બેબસ છોકરી નથી. મારા માથા પર પણ કોઇનો હાથ છે. બસ રાતે સુવા માટે જ માસીના ઘરે જવાનુ હોય. સવારથી સાંજ સુધી પાર્ટ ટાઇમ જોબ અને કોલેજ હોય. રાતનુ જમવાનુ પણ લગભગ હું બહાર લેતી.

મારૂ ગમતુ ક્ષેત્ર એટલે આર્ટ્સ. પણ કંઇક કમી લાગી રહી હતી. એક ખુણો ખાલી હતો. કોલેજના છેલ્લા વર્ષમાં આ ખુણામાં કોઇક રહેવા આવ્યુ.

***

“રિહાના, અમે લોકો મુવી જોવા માટે જઇએ છીએ તારે આવવુ છે..?”, મારી ફ્રેન્ડ તપસ્યાએ કહ્યુ.

“ના યાર. આજે જોબ પરથી રજા મળે એમ નથી.”, ઓફીસ પર મારૂ કામ ખાસ્સુ એવુ પેન્ડીંગ હતુ એટલે મારે ના છુટકે ના પાડવી પડી.

“રિહાના, ક્યાં સુધી આ રીતે પોતાની અંદર જ ઘુમ્યા કરીશ? કેટલીક ઘટના સમયની ક્રુરતા હોય છે. પરંતુ એનો મતલબ એ નથી કે પરિસ્થિતિઓ બદલી ના શકાય. એની સામે લડવા માટે હસતો ચહેરો જોઇએ. તુ તો ડરપોકની જેમ મોં ચડાવીને રહે છે.”, તપસ્યાની વાતે મારી બોલતી બંધ કરી દીધી.

હું ક્યાં સુધી આવી રીતે સ્મિતથી ભાગતી રહીશ.’ મારૂ મન શબ્દો ઘુંટવા લાગ્યુ.

“કોણ કોણ જઇ રહ્યા છો..?”, મેં મુવી જોવાનો રસ બતાવતા પુછ્યુ.

“હું, મહિમા, તુષાર અને તુષારનો ફ્રેન્ડ અનિરુધ્ધસિંહ.”

“હું કબાબમાં હડ્ડી બનીશ.”

“એવુ હોત તો હું અને તુષાર બન્ને એકલા જ ના જઇએ..?”

“શું મહિમા અને તુષારના આ ફ્રેન્ડનુ સેટીંગ છે..?”

“ના..! હવે. વિચાર આવ્યો કે લાસ્ટ યર ચાલે છે તો બધા મળીને કેટલીક સ્વીટ મેમરીઝ બનાવીએ. એટલે બધાની સાથે જવાનો પ્લાન કર્યો.”

“ઓકે, કેટલા વાગ્યાનો શો છે?”

“૬ થી ૯ ટોપ-થ્રીમાં.”

“ઓકે, હું તને પાંચ વાગ્યે કોલ કરીશ. આતાભાઇ ચોકથી મને પીકઅપ કરી લેજો.”, મેં તપસ્યાને મુવી જોવાની હા પાડી.

“તારા ચહેરા પર સ્મિત કેટલુ સુંદર લાગે છે.”, તપસ્યાએ એનો મોબાઇલ કાઢી મારી સામે જોતા કહ્યુ.

તપસ્યા કોલ કરતા મારી સામે મંદ મંદ હસી રહી. આ હાસ્યનુ કારણ તુષાર હતો. થોડી વાર રહીને તપસ્યા ફોન પર વાત કરતા બોલી, “તુષાર, એક ટિકિટ વધારે બુક કરાવજે. રિહાના પણ આવવાની છે.”

“કોલેજ..!”, તપસ્યાએ સામેથી પુંછાયેલા સવાલનો જવાબ આપતા કહ્યુ.

“તુ..?”

“ઓકે…! ઓકે ઓકે..!”

“બાય..! લવ યુ..!”, તપસ્યાએ કોલ કટ કર્યો.

“ઓહો..! લવ યુ.. હ્મ્મ્મ્મ”, મેં તપસ્યાના ચહેરા પર વધારે સ્મિત લાવવા કહ્યુ.

“બસ હવે..!”, તપસ્યાએ એનો મોબાઇલ મારા બાજુ પર મારતા કહ્યુ.

“ઓકે, ચાલ એક વાગી ગયો છે. હું જાવ…!”, ઓફીસ પર જવાનો ટાઇમ થતા મેં તપસ્યાને કહ્યુ.

“ઓકે.. પાંચ વાગે..!”

“બાય..!”, હું ક્લાસની બહાર નીકળી. લોબીમાંથી પસાર થતા થતા હું ગેટ તરફ ચાલતી થઇ.

“ઝ્ઝ્ઝુઉમ્મ્મ્મ,… ઝ્ઝ્ઝુઉમ્મ્મ્મ,…” કરતી એક પલ્સર બાઇક મારી ખુબ જ નજીકથી પસાર થઇ. જો હું થોડી પણ રોડની જમણી તરફ હોત તો ટકરાઇ ગઇ હોત. મારા મગજમાં ગુસ્સાની તરંગો આવી. એ બાઇકર માટે “લફંગા” જેવો શબ્દ પણ ઉછાળ્યો. એ યેલો ટીશર્ટ અને બ્લુ જીન્સ પહેરેલ બાઇકર અક્ષરવાડી વાળા રોડ તરફ વળી ગયો. હું રીક્ષા પકડીને આઇડીયા ટેલીકોમ્યુનીકેશન એટલે કે મારી ઓફીસ પર જવા નીકળી ગઇ.

***

ઘણા સમય પછી હું મુવી જોવા જઇ રહી હતી. એ પણ છોકરાઓ સાથે. ઓફીસેથી વહેલા નીકળવાની પરમીશન બોસ પાસેથી મળી ગઇ. મારૂ કામ ડેટા એન્ટ્રી કરવાનુ. એ પુરૂ થાય એટલે હું મારી બુક્સ પણ વાંચી શકતી. એ દિવસે ખાસ કામ નહોતુ. ચાર વાગે મારૂ કામ પતી ગયુ. હું મારા વાંચવાના શોખને લીધે હેરી પોર્ટરની નોવેલ વાંચવા બેસી. આ પુસ્તકોએ મને ખરેખર ખુબ જ મદદ કરી છે. કદાચ જો આ પુસ્તકો ના હોત તો હું ક્યારનીય આત્મહત્યા કરી ચુકી હોત.

પોણા પાંચ થયા એટલે મારો મોબાઇલ વાઇબ્રેટ થવા લાગ્યો. તપસ્યાનો કોલ હતો.

“હા, બોલ.”, મેં કોલ રીસીવ કરીને કહ્યુ.

“થોડી વારમાં અમે એ તરફ આવીએ છીએ તૈયાર રહેજે.”, તપસ્યાનો સામેથી અવાજ આવ્યો.

હું વોશરૂમમાં ગઇ. મેં કાચમાં મારો ચહેરો જોયો. હું ટીપીકલ છોકરી જ લાગી રહી હતી.

મારા મનમાં વિચાર આવ્યો કે, ‘આવા સીમ્પલ લુકને લીધે જ મને કોઇ પસંદ નહિ કરતુ હોય..!’ હું ફરી ઓફીસમાં ગઇ.

“પ્રેયાંશી..! ઓ પ્રેયાંશી..!”, મેં મારી સાથે કામ કરતી પ્રેયાંશીને બુમ મારી. એણે હાથના ઇશારાથી ‘શું છે?’ એવુ પુછ્યુ.

મેં પણ ‘અહિ આવ’ એ માટે હાથના ઇશારાનો ઉપયોગ કર્યો. પ્રેયાંશી વોશરૂમમાં આવી.

“પ્રેયાંશી મારે સુંદર દેખાવુ છે.”, ખબર નહિ આ શબ્દો ક્યાંથી આવ્યા હતા. પહેલીવાર હું બહાર જવા માટે તૈયાર થવા માંગતી હતી. આ નેચરલ હતુ. કદાચ કુદરતની ઇચ્છા પણ.

“તુ આટલી ગોરી તો છે..!”, પ્રેયાંશીએ એના નેણ ઉંચા કરતા કહ્યુ.

“પાગલ એતો મને પણ ખબર છે, મારે ગોરૂ નહિ સુંદર દેખાવુ છે..!”, મેં મારા ચહેરા પર વાળની લટ લાવીને કહ્યુ.

“ઓહ્હ..! આ અચાનક તને શું થઇ ગયુ..?”, પ્રેયાંશીએ પુછ્યુ.

“કંઇ નહિ..! બસ આજે એમ થયુ કે મારે તૈયાર થવુ છે…!”, મેં હસતા હસતા કહ્યુ.

“ઓકે, ઓકે…! તારો ડ્રેસ તો પરફેક્ટ જ છે. બસ વાળની હેઇર સ્ટાઇલ ચેન્જ થઇ શકે એમ છે…!, એન્ડ હું મારૂ પર્સ લઇ આવુ એમાં થોડા કોસ્મેટીક અને શ્રુંગારની વસ્તુઓ પડી હશે..!”, પ્રેયાંશી વોશરૂમની બહાર ગઇ. એ દિવસે મેં બ્લેક કલરનો કોટન ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસના ગળા પર લાલ રંગની સુતરાઉ બોર્ડર હતી. એવા જ રંગીન કાપડથી પીઠ પર ગરબા રમતી સ્ત્રીનુ ચીત્ર હતુ. પગમાં બ્લેક કલરની મોજડી હતી. હાથ સુના હતા. ગળામાં પણ કંઇ પહેરેલુ નહોતુ. કાન પણ મારા પર ગુસ્સો કરી રહ્યા હતા.

“ઓકે, અહિં બેસી જાવ મેડમ…!”, પ્રેયાંશીએ આવીને મારા સામે સ્ટુલ ધરતા કહ્યુ. હું વોશરૂમના અરિસા સામે સ્ટુલ પર બેસી ગઇ.

“એક મિનિટ, પહેલા ફ્રેશ થઇ જા…!”, પ્રેયાંશીએ ફરી આદેશ આપ્યો. પ્રેયાંશીએ એનુ ફેસવોશ આપ્યુ. મેં મારૂ મોં ધોયુ. હવે એ પહેલા કરતા થોડુક વધારે નીખરેલુ લાગતુ હતુ. પ્રેયાંશીએ મારા હાથમાં ફેઇરનેસ ક્રીમ પકડાવી.. મેં પ્રેયાંશી સામે જોયુ.

“તારે સુંદર દેખાવુ છે..!! નઇ?”, પ્રેયાંશીએ કટાક્ષ કરતા કહ્યુ. હું હંસી. મેં પ્રેયાંશીને પ્રેમથી ફેઇરનેસ ક્રિમ લગાડવાની ના કહી દીધી. હું મારા ગોરા ચહેરા પર કોઇ ક્રીમના લેયર લગાવવા નહોતી માંગતી. “બસ, હવે અહિં બેસી જા..!”, પ્રેયાંશીએ મને ફરી સ્ટુલ પર બેસવા કહ્યુ. એણે મારી હેઇર સ્ટાઇલ બદલવાનુ કામ ચાલુ કર્યુ. એણે મારી ચોટી છોડવાનુ શરૂ કર્યુ.

“આજે કોઇ સ્પેશીયલને મળવા જવાનુ છે…?”, પ્રેયાંશીએ ચોટી છોડતા કહ્યુ.

“ના, કોલેજ ફ્રેન્ડ્સ મુવી જોવા જઇએ છીએ..!”, મે અરિસામાં પ્રેયાંશી સામે જોઇને કહ્યુ.

“તુ કંઇ છુપાવતી તો નથી ને..?”, એણે શંકાની નજરથી મારા સામે જોયુ.

“હું શું છુપાવી શકુ..?”, મેં કહ્યુ. પ્રેયાંશીએ મારા વાળ કાંસકાથી બરાબર કર્યા. ત્યારબાદ એણે મારા વાળને સ્ટાઇલ આપવાનુ શરૂ કર્યુ. થોડી જ વારમાં એણે એક હટકે હેઇર સ્ટાઇલ મારા વાળને આપી દીધી. એણે ડાબી સાઇડથી વાળને કપાળ સુધી આવે એ રીતે વાળીને પાછળ લઇને પાથી પાડી. પોતાના પર્સમાંથી બટર ફ્લાય કાઢી. વાળને પાછળ લઇ જઇને બટર ફ્લાયથી બાંધી દીધા. પહેલા કરતા મારો ચહેરો અલગ જ લાગી રહ્યો હતો. અરિસામાં દેખાઇ રહેલી રિહાનાને હું પહેલીવાર જોઇ રહી હતી. એ પછી પ્રેયાંશીએ એનુ પર્સ ખંખોળવાનુ ચાલુ કર્યુ. હું મુંગી મુંગી જોઇ રહી. કાનમાંથી એરીંગ્સ અને પર્સમાંથી એણે ડાયમંડ સેટ કાઢ્યો. એ ખુબ જ સુંદર હતો. ગળામાં પહેર્યા બાદ ડાયમંડ્સ કરતા મારૂ ગળુ વધારે ચમકી રહ્યુ હતુ. મારા બ્લેક ડ્રેસ પર આ નેકલેસ પરફેક્ટ હતુ.

એણે પોતાના વ્હાઇટ કલરના પ્લાસ્ટીકના કડા કાઢી આપ્યા. મેં ના પાડી છતા એણે મારા હાથોમાં એ પહેરાવી દીધા. પોતાના પર્સમાંથી એણે લીપસ્ટીક કાઢી. પણ મેં જોઇને જ ના કરી દીધી. હું મારા ગુલાબી હોઠોને કેમીકલથી અભડાવવા નહોતી માંગતી. ઓલરેડી હું ઘણા કોસ્મેટીક્સનો ઉપયોગ કરી ચુકી હતી.

“રિહાના બિંદી લગાવીશ..?”, પ્રેયાંશીએ પુછ્યુ.

“કેમ..? એ પુછવાની બાબત છે..?”, મેં સામે પુછ્યુ.

“કદાચ તમારા લોકોમાં બીંદી નથી લગાવતા..!”

“તમારા એટલે..?”

“મુસ્લિમ લોકોમાં..!”

“પ્રેયાંશી..! જ્યારથી હું સમજણી થઇ છુ, ત્યારથી હિન્દુ અને મુસ્લિમ જેવા શબ્દોને ભુલી જ ગઇ છુ. લોકોના મનોમાં આ બે શબ્દો વચ્ચે જે આભાસી અંતર છે એના કારણે જ મેં ઘણુ ગુમાવ્યુ છે. જો હું પણ એ આભાસી અંતર ને ધ્યાનમાં લઇને જીવુ તો મારા અને એ લોકો વચ્ચે અંતર શુ..? હું એક સામાન્ય માણસ છુ, જેણે સંપ્રદાયોમાં માનવાનુ છોડી દીધુ છે. હેવાનીયત માણસોમાં હોય છે. કોઇ સંપ્રદાય સારા કે ખરાબ માટે જવાબદાર નથી હોતો.”

“સોરી..ડીઅર..!”, પ્રેશાંસીએ દિલગીરી સાથે કહ્યુ.

“ઇટ્સ ઓકે..!, ચાલ હવે બીંદી આપ..!”, મે પ્રેયાંશી પર રોપ જમાવતા કહ્યુ.

પ્રેયાંશીએ બ્લેક બોર્ડર વાળી, વ્હાઇટ કલરની નાની બીંદી આપી. મેં કપાળની મધ્યમાં એને ચોંટાડી દીધી.

અચાનક મારા વર્તનમાં પરિવર્તન આવવાનુ કારણ એક જ હતુ. ક્યાં સુધી આ ગમગીન અને વેરાન દુનિયામાં સુન થઇને જીવવુ. દુનિયા રંગોથી ભરપુર છે. ક્યારેક લાલ રંગને ગાલ પર લગાવવો, તો ક્યારેક લીલા રંગથી કોઇના ચહેરાને રોળવો એ પણ જીવન જીવવાના રસ્તાઓ છે. મેં નક્કિ કરી લીધુ હતુ. ‘હું આઝાદ પક્ષીની જેમ ઉડીશ. જેને કોઇ નીયમોની પરવાહ નહિ હોય. હું જીવીશ.’

થોડી વાર પછી મારો ફોન વાઇબ્રેટ થયો. તપસ્યાનો જ કોલ હતો. મેં કોલ રીસિવ કર્યો.

“અમે તારી ઓફીસ નીચે છીએ..!”, તપસ્યા બોલી.

“ઓકે, હું આવુ છુ.”, મે કહ્યુ અને કોલ કટ કર્યો.

“થેંક્સ પ્રેયાંશી… કાલે હું તારી બધી વસ્તુ લઇ આવીશ..!”

“ઇટ્સ ઓકે યાર..! એન્ડ ફોર્માલીટી કરમાં.! તારા ફ્રેન્ડ્સ આવા નાના નાના કામમાં હેલ્પ નહિ કરે તો કોણ કરશે..?”, પ્રેયાંશીએ મારો હાથ પકડીને કહ્યુ.

“ઓકે ચાલ.! બધા નીચે ઉભા છે..!”, મેં પ્રેયાંશીથી છુટા પડવા કહ્યુ. અમે બન્ને વોશરૂમમાંથી બહાર નીકળ્યા. મેં મારૂ હેન્ડ બેગ લીધુ અને ગળે લટકાવ્યુ. હું ઓફીસની બહાર નીકળી. તપસ્યા તુષારની બાઇક પાછળ બેસેલી હતી. એણે જીન્સ અને રેડ કલરનુ ટોપ પહેરેલ હતુ. મહિમા પોતાનુ એક્ટીવા લઇને ઉભી હતી. એણે પણ જીન્સ પહેર્યુ હતુ. સાથે ટીશર્ટ ટાઇપ વ્હાઇટ ટોપ પહેરેલુ હતુ. જે એને ખુબ સારૂ લાગી રહ્યુ હતુ.

***

“વાઉ… આ બધુ શુ છે..?”, હું તપસ્યા પાસે પહોંચી, તરત જ તપસ્યા બોલી પડી. આ અવતારમાં મને બધા જ પહેલી વાર જોઇ રહ્યા હતા.

“શું.?”, ખબર હોવા છતા મેં ધીંમેથી કહ્યુ.

“યુ આર લુકીંગ જસ્ટ વાવ…!”, તપસ્યાએ મને ઉપરથી નીચે સુધી જોઇ લીધી. તુષાર અને મહિમા પણ મને જોઇ રહ્યા.

“હાઇ, મહિમા..!”, હું મહિમાની એક્ટીવા પાછળ જઇને બેસી ગઇ.

“હાઇ મેડમ, પહેલી વાર અમારી સાથે..?”, એણે સ્કુટર ચાલુ કરીને એક્સેલરેટ કર્યુ.

“હા, બસ મને એમ થયુ મારા દર્શનનો લાભ તમને પણ આપુને..!”, હું મારી ગમગીન દુનિયામાંથી નીકળીને સારૂ મહેસુસ કરી રહી હતી. આજથી હું નવી જ જીંદગી જીવી રહી હતી.

“બસ, રેવાદે..!”

“તપસ્યા કહેતી હતી, તુષારનો કોઇ ફ્રેન્ડ પણ આવવાનો છે.?”, અમારી બાજુમાંથી એક પલ્સર ખુબ જ સ્પીડથી નીકળ્યુ. અમે ભડકી ગયા. આ એજ પલ્સર હતુ જે સવારે જોયુ હતુ. એ પલ્સર અમારી આગળ તુષારની બાઇકની સમાંતર ચાલવા લાગ્યુ. તુષાર અને તપસ્યા બન્ને એ પલ્સર ચલાવનાર સાથે વાતો કરવા લાગ્યા.

“ખબર છે તારી પાસે પલ્સર છે..!”, મહિમા બબડી.

“આ છોકરો સવારે પણ મારી બાજુમાંથી નીકળ્યો હતો. ખબર નહિ પોતાની જાતને શું સમજે છે ?”, મેં પણ ઉમેર્યુ.

“શું નામ છે એનુ..?”, મહિમાએ પુછ્યુ.

“અનિરુધ્ધ..!”

“ઓહ્હ, સમજાયુ..! જો ને એની બાઇક પાછળ પોલીસનો સીમ્બોલ અને જય માતાજી લખેલુ છુ.”, મહિમાએ ઓછા શબ્દોમાં સમજાવ્યુ.

“હા, આ જીનેટીક હેરીટેજ છે..!”, મેં પણ હસતા હસતા કહ્યુ.

પંદરેક મિનિટમાં અમે ટોપ થ્રી પહોંચ્યા. તુષાર અને અનિરુધ્ધ પોતાની બાઇક પાર્ક કરીને પાર્કિંગમાં જ ઉભા હતા. અમે પણ સ્કુટર પાર્ક કર્યુ. એ લોકો જ્યાં ઉભા હતા ત્યાં અમે ગયા.

“રિહાના, મહિમા..! આ અનિરુધ્ધ. અનિરુધ્ધ..! આ મહિમા અને આ રિહાના..!”, તપસ્યાએ મારાથી હાઇટમાં ઉંચા, ગોરા, ફ્રેન્ચ દાઢી વાળા, કાંડા પર ચમકદાર ઘડીયાળ પહેરેલ, હીરાના નંગ વાળી સોનાની વીટી પહેરેલ, ટીશર્ટના ગળા પાસે બ્લેક ગોગલ્સ લટકાવેલ એક કુલ છોકરા સાથે ઇન્ટ્રોડક્શન કરાવ્યુ.

“હાઇ”, અમે ત્રણેય એક સાથે બોલ્યા. અમે એકબીજા સાથે હાથો મેળવ્યા. એના હાથ ઠંડા અને કઠોર હતા. એ અટ્રેક્ટીવ હતો. એની કાળી ભંમર આંખો મારા તરફ તાકી રહી હોય એવો મને આભાસ થઇ રહ્યો હતો. હું બે ઘડી એની સામે જોઇ રહી. પછી મારી નજર મેં હટાવી.

અમે પાર્કીંગમાંથી થીયેટર તરફ ચાલ્યા.

“ક્યુ મુવી ચાલે છે..?”, મે પુછ્યુ.

“હા, ઓબવીઅસલી તને નહિ જ ખબર હોય ને ?, જન્નત..!”, તપસ્યાએ કહ્યુ. મેં તપસ્યાને મુક્કો બતાવ્યો. ફરી એને મારી આ નવી કરામતને લીધે આશ્ચર્ય થયુ.

“તુ સવારે હતી એ જ રિહાના છે ને ?”, તપસ્યાએ મારી બાજુમાં આવીને પુછ્યુ.

“ના, સવારના તારા ડાયલોગ્સ અસર કરી ગયા..!”, મેં સ્મિત સાથે ગંભીરતાથી કહ્યુ.

“પગલી રડાવીશ તુ તો..!”, તપસ્યાએ મારી આંખોમાં આખો પરોવીને ખભાને હાથથી દબાવતા કહ્યુ.

“થેંક્સ યાર..!”,

“બસ ને..! આવુ જ કરવાનુ ને?”,

“હવે પેલો.. દોસ્તી મેં નો થેંક્સ નો સોરી વાળો ઘસાઇ ગયેલો ડાયલોગ ના મારતી…!”, મેં હસતા હસતા કહ્યુ

“દોસ્તી મેં નો ફોર્માલીટી…!”, એણે શાંત અવાજે કહ્યુ.

“બાય ધ વે…! તમારે લોકો ને કોઇ પણ પ્રોબ્લેમ્સ થાય, ક્યાંક બબાલ થાય તો અનિરુધ્ધને મળજો. અનિરુધ્ધના પપ્પા ભાવનગર પોલીસમાં સારા હોદ્દા પર છે.”, તપસ્યાએ થોડી વાર રહીને કહ્યુ. અનિરુધ્ધ મારી સામે જોઇ રહ્યો હતો.

દરેક છોકરી સમજણી થાય એટલે એને ખબર પડી જ જાય કે છોકરાઓ એની સામે કઇ નજરથી જોઇ રહ્યા છે. અનિરુધ્ધ પણ મારી સામે તાકીને અને કતરાઇને જોઇ રહ્યો હતો.

“તુષાર આજે તુ કેમ ચુપ ચુપ છે ? તપસ્યાએ બોલવાની ના પાડી છે ?”, મહિમાએ તુષારના મૌનને લીધે હસતા હસતા પુછ્યુ.

“તમે લોકો બોલવાનો મોકો આપો તો હું બોલુ ને..!” તુષારે એનુ મૌન તોડ્યુ. તુષાર અને તપસ્યાનો રીલેશન પણ નવો જ હતો. તુષારે તપસ્યાને ગયા વેલેન્ટાઇનમાં જ પ્રપોઝ કર્યુ હતુ. તુષારના પપ્પાનુ નામ પણ ભાવનગરના અમીર વ્યક્તિઓમાં ગણાતુ. તપસ્યા પણ ઉંચા કુટુંબની છોકરી જ હતી. એટલે બન્ને ને જામી ગયુ.

મુવીના શો ને હજુ પંદરેક મિનિટની વાર હતી એટલે અમે લોકો ટોપ થ્રીના ગાર્ડનમાં બેઠા.

“તુ શું કરે છે અનિરુધ્ધ ?”, અનિરુધ્ધની બરાબર સામે અને મારી બાજુમાં બેસેલી મહિમાએ પુછ્યુ.

“હું સીવીલ એન્જીનીયરીંગના ફાઇનલ યરમાં છુ.” અનિરુધ્ધે જવાબ આપ્યો. અનિરુધ્ધે ફરી હેતુ સભર નજર મારી તરફ કરી.

એની નજરોનો જવાબ આપવા હું મારાથી રોકાઇ નહિ હું કટાક્ષ સાથે બોલી, “ફાસ્ટ બાઇક ચલાવવાનો ચસકો લાગે છે, ક્યારેક પડશો તો છોલાઇ જશો..!”,

“થેંક્સ ફોર યોર એડવાઇસ. પણ હજુ સુધી એવુ બન્યુ નથી. જ્યારે એવુ થશે ત્યારે વિચારીશ”, એણે ખુબ જ ઠંડી આંખે જવાબ આપ્યો.

“તમે ના છોલાવ એની ખબર નહિ, પણ આજે સવારે મારા રામ રમી જાત !”, મેં ફરી કટાક્ષથી થોડુ સ્મિત લાવીને કહ્યુ.

“આઇ એમ સોરી..!, પણ એ સમયે મારે થોડીક વધારે જ ઉતાવળ હતી. મારા ફ્રેન્ડનુ અક્ષરવાડી સામે એક્સીડેન્ટ થયુ હતુ. એન્ડ કદાચ તમારા લોકોમાં રામ નહિ રહિમ હશે.”, અનિરુધ્ધે ચોખવટ કરી. મને થોડો ક્ષોભ થયો. મને એવુ લાગ્યુ કે અનિરુધ્ધની મારા મનમાં ખોટી છાપ પડી છે. પણ એનુ છેલ્લુ વાક્ય થોડુ મને ના ગમ્યુ. એ વાત મેં ઇગ્નોર કરી.

“સોરી… અનિરુધ્ધ. ખોટુ તો નથી લાગ્યુ ને ? મારી જીભ આવી રીતે પહેલી વાર ચાલી છે. ”,

“બે વર્ષમાં મેં રિહાનાને આ રીતે બોલતા નથી જોઇ.”, તપસ્યા વચ્ચે બોલી.

“ઇટ્સ ઓકે..!”, અનિરુધ્ધે કહ્યુ. અમે બન્ને એકબીજા સામે હસ્યા. એ સ્મિત નેચરલ હતુ. બન્નેની આંખોએ વાતો કરી લીધી હતી. શો ટાઇમ થઇ ચુક્યો હતો. અમે સાથે મુવી જોયુ. જન્ન્ત મુવી સુપર્બ હતુ. મેં મોબાઇલમાં સમય જોયો. નવ વાગી ચુક્યા હ્તા. ઘરે જવા માટે ખાસ્સુ એવુ મોડુ થઇ ચુક્યુ હતુ. રોજ હું ઓફીસેથી સાડા સાત વાગે છુટી જતી. સાડા આઠ આસપાસ તો ઘરે પણ પહોંચી જતી. આજે નવ વાગ્યા છતા હું હજુ ટોપ થ્રી જ હતી. મારા મનમાં માસીના મેણા ટોણા અને કડવા વાક્યો નો ડર બેસ્યો.

“આપડે ડીનર લઇએ ?”, તુષારે બધાની સામે જોઇને કહ્યુ.

“ના..! મારે જવુ પડશે. ખાસ્સુ એવુ મોડુ થઇ ગયુ છે. વધુ મોડુ થશે તો સાંભળવુ પડશે.”, મેં કહ્યુ.

“મારે પણ નીકળવુ છે.”, મહિમા બોલી.

“ઓકે, તો બધા છુટ્ટા જ પડીએ..!”, તપસ્યા બોલી. મહિમાનુ ઘર વિજયરાજમાં હતુ. તપસ્યા અને તુષાર બન્ને હિલ ડ્રાઇવમમાં. મારૂ ઘર ખાસ્સુ દુર હતુ. ટોપ-થ્રી તો ખાસ્સુ દુર. ક્રેસન્ટ પાસે.

“ઓકે, તો હું રીક્ષા પકડુ..?”, મેં કહ્યુ.

“કેમ રિક્ષા..? મહિમા તને મુકી જશે.”, રિહાનાએ કહ્યુ. મેં મહિમાં સામે જોયુ. એના ચહેરા પરથી લાગ્યુ એને મોડુ થઇ રહ્યુ હતુ.

“ના, ચાલશે..!”, મેં કહ્યુ.

“જો કોઇ તકલીફ ના હોય તો હું ક્રેસંટ સુધી તમને છોડી દવ, મારે એમ પણ બજારમાં જવુ છે.”, અનિરુધ્ધે એના ઠંડા સ્વરમાં સહેજ હોઠોના વળાંક સાથે કહ્યુ. એ સહેજ વળાંક પાછળ ખુબ મોટુ સ્મિત હતુ જે માત્ર હું જ જાણતી હતી.

“ઓકે..!”, હું માત્ર એક શબ્દ બોલી. કોઇ અજાણ્યા છોકરાની બાઇક પાછળ હું પહેલી વાર બેસી રહી હતી.

બધાએ પોત પોતાની બાઇક ચલાવી મુકી. વચ્ચેથી મહિમાએ પોતાનો રસ્તો પકડ્યો. હિલડ્રાઇવ આવતા તુષાર અને તપસ્યા પણ છુટ્ટા પડ્યા.

“રિહાના….! એન્જોય..!”, તપસ્યાએ અમે છુટ્ટા પડ્યા ત્યારે પાછળથી બુમ મારી.

અનિરુધ્ધ, ચુપચાપ બાઇક ચલાવી રહ્યો હતો. આટલુ અનકમ્ફર્ટેબલ મેં પણ ક્યારેય ફીલ નહોતુ કર્યુ.

“કંઇ બોલશો નહિ..?”, હું પાછળથી બોલી. રસ્તા પર બમ્પ આવતી વખતે હું ખુબ જ ધ્યાન રાખી રહી હતી કે હું ભુલમાં પણ અનિરુધ્ધને સ્પર્શ ના કરી લવ. એટલે જ મેં બાઇકની પાછળનુ હેન્ડલ્લ પકડી રાખ્યુ હતુ.

“બોલીશ તો તમને એમ લાગશે કે હું બવ ફાસ્ટ છુ.”, અનિરુધ્ધ એની સ્ટાઇલમાં બોલ્યો. મને ખબર હતી આ શબ્દોનો અર્થ શો હતો ?. આ જ સ્ટાઇલ મને એના તરફ અટ્રેક્ટ કરી રહી હતી. એ બાઇકને નોર્મલ સ્પીડમાં જ ચલાવી રહ્યો હતો.

“એમ..?, મને ફાસ્ટ વ્યક્તિથી કોઇ પ્રોબ્લેમ નથી. બસ એ ફાસ્ટ વ્યક્તિ એટલો પણ ફાસ્ટ ના થઇ જાય કે વિશ્વાસ પાછળ છુટી જાય.”, મને ખબર હતી કે હું શું બોલી રહી હતી.

હા મને અનિરુધ્ધ ગમવા લાગ્યો હતો. પહેલી વાર મને કોઇ ગમ્યુ હતુ. હું એક અજીબ અકળામણ મહેસુસ કરી રહી હતી. આ બધુ બોલતા બોલતા મારૂ હ્રદય જોર જોરથી પમ્પીંગ કરી રહ્યુ હતુ. પ્રેમનો પ્રવેશ વ્યક્તિના જીવનમાં થાય અને હ્રદયની ધડકોની ગતિ ના વધે તો પ્રેમનો અનુભવ ફીક્કો લાગે.

આટલી વાતો પછી અમે બન્ને ચુપ રહ્યા ક્રેસંટ સર્કલ આવ્યુ. મે બાઇક ઉભી રખાવી. હું બાઇકની પાસે ઉભી રહી. હું ‘થેંક્સ’ કહેવા માંગતી હતી.

“વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે કોઇના પર વિશ્વાસ મુકવો જરૂરી છે.”, અનિરુધ્ધે આંખોમાં આંખો નાખીને કહ્યુ. એ આંખોમાં કંઇક ખુટતુ હોય એવુ મને લાગ્યુ. પણ શંકા સાથે જીંદગી ના જીવી શકાય.

“ના મુક્યો હોત તો આ બાઇક પર ના બેસી હોત…!”, મેં કહ્યુ. મારૂ આખુ શરીર ધ્રુજી રહ્યુ હતુ. ઝણઝણાટી મારા બદનમાં દોડી રહી હતી.

“તો, મારે કંઇ કહેવાની જરૂર નથી. તને મારી આંખો બધુ જ કહી દેશે.”, એ પોતાની બાઇક ઉપરથી ઉતરીને મારી સામે ઉભો રહ્યો અને કહ્યુ.

“મારે શબ્દોમાં સાંભળવુ છે.”, ખબર નહિ મારા આ શબ્દો શા માટે હતા.

“આઇ લવ યુ…!”, એણે મારા હાથ પકડીને ત્રણ શબ્દો કહી નાખ્યા.

“આઇ લવ યુ ટુ..!”, મેં પણ મારો ધ્રુજતો બીજો હાથ અનિરુધ્ધના હાથ પર મુકી દીધો. અમે બન્ને એકબીજાની આંખોમાં જોતા રહ્યા. આંખો હટાવી તો બન્ને એકબીજા સામે અજાણ્યુ હસ્યા. અનિરુધ્ધનો અકડુ એટીટ્યુડ ગાયબ થઇ ગયો હતો.

“કાલે મળીએ..!”, મોડુ થતુ હોવાથી મેં અનિરુધ્ધને કહ્યુ.

“બાય…!”, એણે બાઇક શરૂ કરી. એ દુર સુધી એનો હાથ હલાવીને મને બાય કહેતો રહ્યો.

***

એ દિવસે મારા મનમાં વિચારોનો ધોધ વહી રહ્યો હતો. અનિરુધ્ધ મારી આંખો સામેથી ન્હોતો હટી રહ્યો. મને એની સાથે વાત કરવાનુ મન થયુ. પણ યાદ આવ્યુ કે બેં માંથી કોઇ પાસે એકબીજાનો નંબર નથી. એ દિવસે આંખોમાં હું નવા નવા સપના સજાવતી રહી. હું થોડી થોડી વારે અનિરૂધ્ધ્ને યાદ કરીને બ્લશ કરતી રહેતી. આવતી કાલની સવારની વાટને લીધે મને ઉંઘ જ નહોતી આવી રહી. હું એ રાતે ઉંઘવા જ નહોતી માંગતી. કારણ કે એ દિવસે જે મહેસુસ થઇ રહ્યુ હતુ એ પહેલીવાર થઇ રહ્યુ હતુ. એને વ્યક્ત કરવુ થોડુ મુશ્કેલ છે. રાતે બે વાગ્યા સુધી તો મને યાદ છે હું જાગતી હતી. પછી ધીરે ધીરે આંખો મીંચાઇ ગઇ.

***

“બસ…. બસ..! તારી સ્માઇલ બધુ જ કહી રહી છે.!”, હું ઉતાવળથી જ્યારે તપસ્યા પાસે પહોંચી ત્યારે તપસ્યાએ કહ્યુ.

“આઇ લવ હીમ..!”, હું મારી જાતને વ્યક્ત કરતા ના રોકી શકી. હું ખુબ એક્સાઇટેડ હતી. આ એક્સાઇટમેન્ટ હું પહેલીવાર મહેસુસ કરી રહી હતી. હું ખુશ હતી. હું વિચારતી હતી કે કાશ અનિરુધ્ધ મારી લાઇફમાં થોડોક વહેલો આવ્યો હોત..! તો કદાચ આ ખુશીને વધારે માણી શકી હોત.

“તો ક્યારે મળવાના છો..?”, તપસ્યાએ મને પુછ્યુ.

“મને નથી ખબર, અમે કાલે નક્કિ કર્યુ હતુ કે આજે મળીશુ. મારી પાસે એનો નંબર પણ નથી એટલે ક્યાં મળીશુ એની હજુ મને પણ ખબર નથી..!”, મેં કહ્યુ અને તપસ્યા હસવા લાગી.

“બાર વાગે એ અહિં આવવાનો છે…! એનો કોલ આવ્યો હતો..!”, તપસ્યાના શબ્દો સાંભળીને હું અધીરી બની ગઇ.

“આ લેક્ચર પછી…?”,

“શાંત શાંત…! હા આ લેકચર પછી..!”

એ દિવસનો એ લેકચર અત્યાર સુધીનો સૌથી લાંબો લેક્ચર હતો..! મારા ફેવરીટ સબજેક્ટ મનોવિજ્ઞાનમાં મને એ દિવસે જરાંય રસ ના પડ્યો. હું ક્યાંક બીજે જ ખોવાયેલી હતી..! બારમાં દસેક મિનિટની વાર હતી ત્યારે તપસ્યાનો મોબાઇલ વાઇબ્રેટ થયો. એણે મને મોબાઇલની સ્ક્રીન બતાવી. એના પર અનિરુધ્ધનુ નામ ફ્લેશ થઇ રહ્યુ હતુ. દસ મિનિટ એક કલાક કરતા વધારે લાંબી લાગી. હું રીતસર ઉંચીનીંચી થઇ રહી હતી. તપસ્યા મને બેંચ નીચેથી એના પગ મારીને ચીડવી રહી હતી.

“મેમ તમે ક્યારે જશો..!!”, હું હાથ ઠપઠપાવતા બબડી. અત્યાર સુધી જેટલી પણ ધીરજ મેં જાળવી હતી. એ બધી ગુમાવી દીધી હતી. આખરે મેમ બારમાં એક મિનિટ બાકી હતી ત્યારે ક્લાસ રૂમની બહાર નીકળ્યા. તપસ્યાએ કોલ લગાવ્યો. વીસ સેકન્ડમાં જ એણે કોલ મુકી દીધો. તપસ્યા કંઇ બોલી જ નહોતી. હું એની સામે ટગર ટગર જોઇ રહી હતી.

“એ બહાર છે…!, ગેટ પાસે.”, એ બોલી.

“તો ચાલ, ઉભી થા..!”, મેં કહ્યુ.

“ના હું લેકચર ભરીશ..!”, એણે મારી સામે હસીને કહ્યુ. મને ખબર હતી એની આખો એમ કહી રહી હતી કે તમે બંને એકલા જ મળો.

હું મારૂ હેન્ડબેગ ઉઠાવીને ચાલતી થઇ. ક્લાસની બહાર નીકળતા ફરી એકવાર તપસ્યાને હાથ હલાવીને મેં બાય બાય કર્યુ. મારી ચાલવાની સ્પીડ રોજ કરતા વધી ગઇ હતી. ટુંકમાં કહું તો હું પાગલ થઇ ગઇ હતી અથવા તો કોઇએ મને પાગલ કરી દીધી હતી.

***

અનિરુધ્ધ કોલેજના ગેટની સામે પોતાની બાઇક સ્ટેન્ડ કરીને ઉભો હતો. એણે બ્લુ ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યુ હતુ. રોડની પેલી તરફ ઉભેલા અનિરુધ્ધની અને મારી નજરો મળી. બંને હસ્યા. હું અનિરુધ્ધ પાસે પહોંચી.

“જઇએ..?”, અનિરુધ્ધ બોલ્યો.

“ક્યાં..?”, મેં ઇચ્છા વિરૂધ્ધ પુછ્યુ.

“જ્યા હું તુ એકબીજાને સાંભળીએ..!”, એણે કાવ્યાત્મક શબ્દો કહ્યા.

“પણ ક્યાં..?”

“તખ્તેશ્વર..!”, અનિરુધ્ધ બોલ્યો અને એણે બાઇક શરૂ કરી. હું બાઇક પાછળ બેસી ગઇ.

“તો ઉંઘ આવી હતી..?”, એણે આગળથી પુછ્યુ.

“ના..!”, હું સ્મિત કરતા પાછળથી બોલી. એ મને સાઇડ ગ્લાસમાંથી જોઇ રહ્યો હતો.

“સેમ હીઅર..!”, એ બોલ્યો.

“તુ જમી..?”, એણે પુછ્યુ.

“ના..!”, મેં કહ્યુ.

“તો જમીએ..?”, એણે કહ્યુ.

“હા, પણ મારે દોઢ વાગ્યા પહેલા નીકળવુ પડશે..! ઓફીસ જવાનુ હોય છે.”

“ઓકે, નો પ્રોબ્લેમ..!”,

એણે બાઇક સંકલ્પ રેસ્ટોરન્ટમાં લીધી. અમે સંકલ્પ રેસ્ટોરન્ટના એક ખુણાનુ ટેબલ લીધુ. અમે બન્ને એક સોફા પર બેઠા. આ બધુ જ પહેલી વાર હતુ. એટલે ઓકવર્ડ લાગતુ હતુ. એ મારી ખુબ જ નજીકમાં બેઠો હતો. આટલી નજીક હું કોઇ છોકરા પાસે નહોતી બેસી. એણે મારો હાથ પકડ્યો. યુ આર લુકીંગ બ્યુટીફુલ.

“બસ..! યાર ખોટા વખાણ કરવાની જરૂર નથી..!”, હું હસી પડી.

“આ ખોટા વખાણ નથી..!, તારી આંતરીક સુંદરતાની વાત કરૂ છુ…!”, મારા મનમાં ‘કોઇ વ્યક્તિ બીજી વ્યક્તિને જાણ્યા વિના કેવી રીતે આંતરીક સુંદરતા ઓળખી શકે..?’ એ પ્રશ્ન હતો. પણ પ્રેમમાં પ્રશ્નો ના હોય. મૌન..!

“ઓકે, ઓકે..!”, મેં કહ્યુ. એણે મારા ખભા પર હાથ મુક્યો. એણે મને હગ કર્યુ. મને થોડુક અલગ અલગ લાગ્યુ પણ એનાથી હું રોમાંચીત થઇ રહી હતી.

“તો બોલ. શું ખાઇશ..?”, એણે મને પુછ્યુ.

“કંઇ પણ..!”, મે કહ્યુ.

અમે મૈસુર ઢોસા ઓર્ડર કર્યા. એ દિવસે અમે રેસ્ટોરન્ટમાં ખુબ વાતો કરી. વાતોના કેટલાક ટોપીક સાવ ફાલતુ હતા જેવા કે વાળની હેઇર સ્ટાઇલ, કપડા, મુવી ન જોવાની આદત, ભણવાની ટેવ, સેન્ડલ, આંખનુ કાજળ, ડ્રેસ, અનિરુધ્ધના ગોગલ્સ, ટી શર્ટ, બાઇક ની સ્પીડ. તો કેટલાક થોડાક ગંભીર ટોપીક્સ પણ હતા જેમકે મારા મમ્મી પપ્પાની ડેથ, મારી જોબ કરવાનુ કારણ, મારો ભુતકાળ, મારી સાદાઇ, મારા ભવિષ્યના પ્લાન્સ, મારા સંપ્રદાય મુક્ત વિચારો.

આ વાતો પછી અમે એકબીજાને વધારે માન આપવા લાગ્યા. અમારી વચ્ચેની વાતો પણ એટલી અસામાન્ય થવા લાગી. એ મારી અનિરુધ્ધ સાથેની બીજી મુલાકાત હતી.

***

કોલેજના છેલ્લા વર્ષમાં જ અનિરુધ્ધ કેમ મળ્યો.? એ સવાલ હું એકલી એકલી ઘુંટતી રહેતી. પણ શું કરી શકાય ? ખુશીયોના દિવસોમાં સમય ક્યારે વિતે એની ખબર જ ના પડે.

ફરી એક દિવસે હું, અનિરુધ્ધ, તપસ્યા અને તુષાર સાથે ફરવા ગયા. અમે નક્કિ કર્યુ હતુ કે અઠવાડિયામાં એક જ વાર મળવુ. ભલે દિવસો લંબાય પણ આવુ મેં જ કહ્યુ હતુ. હું ક્યારેક એકલી એકલી અકળાતી પણ હું મારા જીવનની બીજી વસ્તુઓ પર પણ ધ્યાન આપવા માંગતી હતી. અનિરુધ્ધ મને ક્યારેક રાતે બે વાગ્યે પણ કોલ કરતો પણ મેં જ એને ના પાડી કે મારી કોલેજ પુરી થાય ત્યાં સુધી વધારે વાત નહિ કરીએ.

એ દિવસે અમે માળનાથ મહાદેવના મંદિરે ગયા હતા. ઉંચી ઉંચી ટેકરીઓ વચ્ચે ઘેરાયેલુ મંદિર અને ચારે તરફ ઉર્જા ઉત્પાદન માટે ફરતી મોટી મોટી પવન ચક્કિઓ ચારે તરફના દ્ર્શ્યને વધારે સુંદર બનાવતી હતી. દર્શન કરીને અમે બાજુની જ એક પવન ચક્કી નીચે આકાશ તરફ મોં રાખીને હાથ પગ ફેલાવીને છાતી આકાશ સરસી રાખીને એકબીજાની બાજુમાં પડ્યા. ત્યારે હું કોઇ ફીલ્મની હીરોઇન હોવ એવુ મહેસુસ કરી રહી હતી. કારણ કે આવુ દ્રશ્ય મેં ફીલ્મોમાં જ જોયુ હતુ. આકાશમાં થોડા ઘેરા વાદળો હતા કારણ કે જુન મહિનો હતો. કોલેજ પુરી થવાને માત્ર પાંચ દિવસ બાકી હતા.

“અનુ..! આપણે મેરેજ ક્યારે કરીશુ..?”, મે મારી બાજુમાં જ સુતેલા અનિરુધ્ધને પુછ્યુ.

“મેરેજ..?, હમણા શું ઉતાવળ છે ?”, અનિરુધ્ધે મારા તરફ ડોક ફેરવીને કહ્યુ. મેં પણ મારી ડોક મારી જમણી બાજુમાં સુતેલા અનિરુધ્ધ તરફ કરી. ખુબ જ માદક પવન આવી રહ્યો હતો. પવન ચક્કીથી થોડા દુર જ સુતા હોવાથી પવન ચક્કિનો હવા કાપવાનો પ્રચંડ અવાજ અમારા અવાજને ચીરી રહ્યો હતો.

“અનિરુધ્ધ, હું તને ગુમાવવા નથી માંગતી..! મને તો કોઇ ના કહેવા વાળુ નથી. પણ કદાચ મારા રીલીજીઅનને લીધે તારા ઘરે પ્રોબ્લેમ થશે.” મેં મારી ચિંતા કહી.

“તો બ્રેકઅપ કરી નાખીશુ અને મુવ ઓન..!”, અનિરુધ્ધ એક જાટકે બોલ્યો.

“શું..?”, હું ફફડી ઉઠી.

“શાંત શાંત.. જસ્ટ મજાક કરૂ છુ”, મને ઉભી થતી જોઇને એ બોલ્યો.

“પ્લીઝ.. અનિરુધ્ધ આવો મજાક ક્યારેય ના કરતો.! એક ક્ષણ માટે હું શ્વાસ લેવાનુ ભુલી ગઇ હતી.”, મેં કરગરીને કહ્યુ.

“ગાંડી..! વિશ્વાસ રાખ..!”

“વિશ્વાસ ના હોત તો હું અહિં ના હોત…!”, મેં ફરી પહેલી વખતે કહેલા શબ્દો કહ્યા. અનિરુધ્ધના હાથ મારા ગાલ પર હતા. એ ધીરે ધીરે મારી છાતી તરફ સરકવા લાગ્યા.

“ના..! મેરેજ પહેલા નહિ..!”, મે અનિરુધ્ધનો હાથ હટાવતા કહ્યુ.

“પણ શું પ્રોબ્લેમ છે..?”, એણે જાણે કંઇ વાત જ ના હોય એ રીતે બીહેવ કર્યુ.

“નો..! ઇટ્સ નોટ રાઇટ..! કીસ સુધી જ બરાબર છે. મેરેજ પછી હું આખેઆખી તારી જ થઇ જવાની છુ ને..!”, મેં થોડુ સીરીયસ થઇને કહ્યુ.

“ઓકે, ધેન…!”, એણે મોં ફેરવીને કહ્યુ.

“અનિરુધ્ધ પ્લીઝ મને સમજ તો ખરો..!”, મેં થોડુ કરગરીને કહ્યુ.

એ કંઇ ના બોલ્યો.

“અનિરુધ્ધ પાંચ દિવસ પછી મારી કોલેજનો છેલ્લો દિવસ છે, ચાલ એ દિવસે જ મેરેજ કરી લઇએ..! એક નવી શરૂઆત કરીએ.!”, મેં નાદાનીમાં અનિરુધ્ધને કહ્યુ.

“ઘરે વાત કરવી પડશે..!”, અનિરુધ્ધે કહ્યુ.

“ઘર વાળા નહિ માને તો..?”, મે પુછ્યુ.

“મને નથી ખબર કે હું શુ કરીશ..?”, એણે આકાશ તરફ જ નજર રાખીને કહ્યુ.

“ચાલ અનિરુધ્ધ કોર્ટ મેરેજ કરી લઇએ..!”, મે ફૈસલો લેતા કહ્યુ.

“મારે વિચારવુ પડશે..!”, એણે એ જ અદામાં કહ્યુ. મેં અનિરુધ્ધના ગાલ પર હાથ મુક્યો. અને એનો ચહેરો મારા તરફ કર્યો.

“કદાચ તને કોઇ નવો રસ્તો મળી જાય..!”, એમ કહીને મેં મારા હોઠ અનિરુધ્ધના હોઠ પર મુકી દીધા. હું અનિરુધ્ધને પીવા લાગી અને અનિરુધ્ધ મને.

***

પાંચ દિવસ પછી - કોલેજનો છેલ્લો દિવસ - ફેરવેલ ફંક્શન.

“તપસ્યા..!, એ મેસેજ નો આન્સર પણ નથી આપતો..!”, મેં તપસ્યાને મારો મોબાઇલ બતાવતા કહ્યુ.

“અરે, એ બાઇક પર હશે..!”, તપસ્યાએ મને દિલાસો આપતા કહ્યુ.

“મારી સ્પીચ દસ મિનિટમાં શરૂ થશે.” મે કહ્યુ. ત્યાંજ મારો મોબાઇલ વાઇબ્રેટ થયો. અનિરુધ્ધનો જ મેસેજ હતો.

“હું ગેટ પાસે પહોંચી ગયો છુ, બેસ્ટ ઓફ લક…!”, મેં મેસેજ મોટેંથી વાંચ્યો. મને થોડીક શાંતી થઇ. ફેરવેલ ફંકશન શરૂ થઇ ગયુ હતુ. હોલમાં ફાઇનલ યર અને પ્રીફાઇનલ યરના બધાજ સ્ટુડન્ટો બેઠા હતા. ત્રણ સ્ટુડન્ટસને સ્પીચ અથવા કોઇ પણ ટોપીક પર બોલવા માટે સીલેક્ટ કરવામાં આવ્યા હતા. હું અને તપસ્યા ત્રીજી હરોળમાં બેઠા. ફંક્શન શરૂ થઇ ચુક્યુ હતુ. આગળ સ્ટેજ પર કોલેજના બધા પ્રોફેસરો અને પ્રીન્સીપાલ્સ હતા. મારૂ નામ બોલાય એટલે સ્ટેજ પર જવાનુ હતુ. મેં વિચાર્યુ હતુ કે હું “પ્રેમ” વિષય પર બોલીશ. થોડી ઘણી તૈયારી પણ કરી હતી. પણ મારૂ નામ બોલાયુ એ પહેલા બીજા બે સ્ટુડન્ટના નામ બોલાયા. એમાંથી એક છોકરીએ પ્રેમ પર ખાસ્સુ એવુ લાંબુ અને રસીક વર્ણન કર્યુ. જેમાંથી મેં વિચાર્યુ હતુ એ ઘણે ખરે અંશે બોલાયુ પણ હતુ. પણ આજે મેં મારી જાતને પહેલી વાર દિલાસો આપ્યો. “થઇ જશે.”

“અને હવે રિહાના”, પેલી છોકરી સ્ટેજ ઉપરથી નીચે ઉતરી એટલે સંચાલક મારૂ નામ બોલ્યા. આ કોઇ કોમ્પીટીશન નહોતી. જસ્ટ બધા કંઇક નવુ જાણે એ હેતુથી જ આ સ્પીચ આપવાની હતી. મને બોલવુ ગમતુ એટલે જ મેં પાર્ટીસીપેટ કર્યુ હતુ.

સ્ટેજ પર હું માઇકની સામે ઉભી રહી ગઇ. મેં દરવાજા તરફ નજર કરી. દરવાજા પાસે જ અનિરુધ્ધ તુષાર સાથે બેઠો હતો. મેં મારી આંખો એકક્ષણ માટે બંધ કરી. હું શાંત થઇ ગઇ. મને મારો બોલવાનો વિષય મળી ગયો હતો. મેં બોલવાનુ શરૂ કર્યુ,

“પ્રેમથી બધાજ મારા ગુરૂજનોને મારા પ્રણામ એન્ડ બધા ફ્રેન્ડ્સને ‘હાઇ !’. કદાચ તમને બધાને ખબર જ હશે હું મુસ્લિમ છોકરી છુ. તો તમને કદાચ પ્રશ્ન પણ થશે. તો શરૂઆતમાં હું આંખો બંધ કરીને પ્રાર્થના શા-માટે કરતી હતી ? ના હું પ્રાર્થના નહોતી કરતી. માણસના મગજમાં એક માન્યતા બનતી હોય છે. આ લોકો મુસ્લિમ છે તો એ લોકો પ્રાર્થના કેવી રીતે કરી શકે ? જે લોકો આવુ માને એનાથી બે-ફુટ દુર ચાલવુ. એ લોકો માણસો પર લેબલ મારીને જીવે છે. હિન્દુ અને મુસ્લિમના લેબલ.

મારે કોઇને બોર કરવાનો આજે લક્ષ નથી. પણ આજે હવે હું આ વિષય પર જ બોલવાની છુ. કોઇ રસ્તો જ નથી મારા પહેલા બોલનારે હું જે વિષય પર બોલવાની હતી એ વિષય પર બોલી ચુક્યા છે. એટલે પછી મેં એવો વિષય પસંદ કર્યો જેમાંથી હું પસાર થઇ ચુકી છુ. જેના વિશે હું ઘણુ બધુ જાણુ છુ.

કદાચ આજે ઘણી સમસ્યાઓ હશે. ભુખમરો, ગરીબી, આતંકવાદ, પુર વિગેરે. પણ મને જે સમસ્યા સામી દેખાણી છે એ આમાંથી કોઇ જ નથી. સંપ્રદાયિકતા પણ એક સમસ્યા છે. માણસને જીવતા સળગાવી દેવામાં લોકો આનંદ માણે છે. એ લોકો ને એમાં ધર્મ દેખાય છે. પાઠ્યપુસ્તકોમાં હિન્દુધર્મની ઘણી બધી વાર્તાઓ શામેલ હોય છે. પણ મે બવ ઓછા પાઠ્યપુસ્તકો જોયા હશે જેમાં ઇસ્લામ ધર્મની કહાનીઓ શામેલ હોય. આ છે સાંપ્રદાયિકતા. અમે મીરાના ભજનો મોઢે કરીએ, નરસિંહ ના પદો અમે ભણીએ છીએ અને ક્રિષ્ન પર લખાયેલી ઘણી કવિતાઓ અને પાઠને ભણીએ છીએ. હવે તો ક્રિષ્નને મેં મારો મિત્ર પણ બનાવી લીધો છે. પણ સાંપ્રદાયિકતા ત્યાં છે કે, શા માટે મહાભારતની કથાઓની સાથે ઇસ્લામની કહાનીઓ ભણાવવામાં નથી આવતી? રામાયણની ચોપાઇઓ પાઠ્યપુસ્તકમાં આવી શકે પણ મેં કોઇ પાઠ્યપુસ્તકોમાં ક્યાંક કુરાનની રૂચાઓ આજ સુધી જોઇ નથી. હોય તો એ ખુબ સારી વાત છે. કોઇ કહેશે તો હું સ્વિકારી લઇશ. આ શુ છે ? મને પણ ખબર નથી.

હું પહેલા પ્રેમ પર બોલવાની હતી. આપણે બધા જાણીએ છીએ પ્રેમ માત્ર છોકરા છોકરીઓ પુરતો સિમિત નથી હોતો. એક ઇશ્વરિય પ્રેમ પણ છે. ‘ક્રિષ્ન બધાનો પણ અલ્લાહ ને બંદગી તો માત્ર મુસ્લિમો જ કરે.’ આવા કહેનારાઓના ચિતમાં રહેલો ક્રિષ્ન એ જ ક્ષણે મૃત્યુ પામે છે. શું ઇશ્વર આટલો કમજોર હોય છે ? મેં તો મારા મમ્મી પપ્પા મર્યા એટલે તરત જ સંપ્રદાયોનો ત્યાગ કરી દીધો હતો. મારા માટે બધા જ કહેવાતા ઇશ્વરો અને પયગંબરો ઇતિહાસના પાત્રો બની ગયા. જો ઇશ્વર કે અલ્લાહ ક્યાંય પણ હાજર હોત તો ભડકે બળતા લોકોને ઠારીને બચાવ્યા હોત. માત્ર અફસાના, રશિદા કે રિહાના નામ પડે એટલે તરત જ લોકોના મનમાં એક છાપ ઉભી થઇ જતી હોય છે. કાંતો ત્યાં ભભકતો રોષ હોય અથવા તો બનાવટી સંવેદના. નથી જરૂર આવી સંવેદનાની. બસ અમારા માથા પરથી તમે મુસ્લિમનુ જે લેબલ મારી દીધુ છે એ હટાવી દો અને તમારા માથા પર હિન્દુ કે કોઇ બીજા ધર્મનુ લેબલ છે એ ભુસી નાખો. ત્યારે જ કદાચ સાચી સંવેદના પ્રગટ થશે.

પ્રેમ હોય ત્યાં નામની જરૂર નથી. પ્રેમ વ્યક્ત કરવા માટે આંખો જ કાફી છે. જો નામની જરૂર પડે તો એ નામ કહેવાતા સંપ્રદાયોથી મુક્ત હોવુ જોઇએ. જો કોઇ એમ કહે કે હું હિન્દુ છુ તો કદાચ એનો અર્થ એવો જ થાય કે એ હજુ હિન્દુ શબ્દનો અર્થ જ નથી જાણતો, એવી રીતે મુસ્લિમો માટે પણ. હું કંઇ ભડકીને કે હોશ ખોઇને નથી બોલતી. પણ મારા માટે આ બન્નેમાંથી એકેયનુ અસ્તિત્વ જ નથી. શાસ્ત્રોમાં વિધિઓ માટે એમ નથી લખ્યુ હોતુ કે આ વિધી હિન્દુ માટે કે મુસ્લિમો માટે. પાછળ થી જ લોકોએ જોડી દીધુ કે હિન્દુ વિધી પ્રમાણે લગ્ન કે મુસ્લિમોમાં નિકાહ. સ્નેહ બંધનને નામ આપીને ફાંટાઓ ઉભા કરવા વાળા આપણે જ છીએ. જો એને જોડી શકીએ તો આપણે જ. કોઇ હિન્દુ નહિ કે કોઇ મુસ્લિમ નહિ. માત્ર પ્રેમ…!”

મેં મારી સ્પીચ પુરી કરી. મેં સ્ટેજ પર બેસેલા બધા લોકો મારી સામે આંખો ફાડી ફાડીને જોઇ રહ્યા હતા. પાંચેક સેકન્ડ પછી બધા સ્ટુડન્ટો તાળીઓ પાડવા લાગ્યા. સ્ટેજ પર બેસેલા મહેમાનો પણ તાળીઓ પાડવા લાગ્યા. મને ખબર નહોતી કે મેં મારા વિષયને કેટલો ન્યાય આપ્યો હતો, પણ એ તો ખબર જ હતી કે અન્યાય તો ન્હોતો જ કર્યો. હું હલકુ ફુલકુ મહેસુસ કરતી હતી. હું મારી જગ્યાએ જઇને બેસી.

“રિહાના…! સુપર્બ સ્પીચ.!”, તપસ્યાએ કહ્યુ.

“આ માત્ર સ્પીચ નહોતી..! આ હું જેવુ જીવુ અને વિચારૂ છુ એ જ કહ્યુ છે.”, મેં ગંભીર થઇને કહ્યુ.

“રિહાના..! ખરેખર તારા વિચારો આસમાન્ય છે..!”, રિહાનાએ ગંભીરતાથી જ જવાબ આપ્યો.

ત્યાર પછી આવેલા બધા મહેમાનોએ પ્રવચનો આપ્યા. બધાએ જે જે વિધાર્થીઓ બોલ્યા હતા એમને અભિનંદન પણ આપ્યા. લગભગ આઠ વાગી ચુક્યા હતા. બહાર વરસાદ પણ પડતો હતો. મેં પાછળ તરફ જોયુ. અનિરુધ્ધ કોઇક વિચારોમાં ખોવાઇ ગયેલો લાગ્યો. ફંકશન પુરુ થયુ એટલે તરત જ હું અનિરુધ્ધ પાસે પહોંચી.

“આજે તારા માટે સરપ્રાઇઝ છે.”, અનિરુધ્ધે મારી સામે સ્મિત કરીને કહ્યુ.

“શું..?”, મેં પુછ્યુ.

“તો તો સરપ્રાઇઝ નો મતલબ શો..?”, અનિરુધ્ધે હસતા હસતા કહ્યુ.

મેં અનિરુધ્ધનો હાથ પકડ્યો..! “થેંક્સ આવવા માટે..!”, મેં કહ્યુ.

“એય, સેન્ટી થામાં હજુ તો તને સરપ્રાઇઝ આપવાની છે..!”, તુષાર અને તપસ્યા પણ બન્ને આશ્ચર્યમાં હતા.

“અમારા માટે નથી..?”, તપસ્યાએ પુછ્યુ.

“ના..! સ્પેશીયલી ફોર રિહાના.!!”, અનિરુધ્ધે મારી સામે નજર કરીને કહ્યુ.

“થેંક્યુ..!!”, મેં અનિરુધ્ધની આંખોમાં આખો નાખી કહ્યુ. અમે લોકો બહાર નીકળ્યા. વરસાદને કારણે અમે પલળ્યા. હું અનિરુધ્ધની બાઇક પાછળ બેસી.

“રેડી..?”, અનિરુધ્ધ એક્સાઇટમેન્ટમાં બોલ્યો.

“યસ… સર..!”, અનિરુધ્ધે બાઇક ચલાવી મુકી.

“સારૂ બોલતા આવડે છે..!”, અનિરુધ્ધે આગળથી કહ્યુ.

“અનિરુધ્ધ..! એ જસ્ટ હું બોલતી નથી. એવુ માનુ પણ છુ..!!”, મેં પાછળથી કહ્યુ.

“સાચે..?”,

“હા સાચે..!” મેં કહ્યુ.

“પણ આપણે ક્યાં જઇએ છીએ..?”,

“એ સરપ્રાઇઝ છે..!”, અનિરુધ્ધે કહીને બાઇકની સ્પીડ વધારી. અનિરુધ્ધની બાઇક ભાવનગરની બહાર જઇ રહી હતી.

“ઓહ્હ શીટ..! મારો મોબાઇલ તો પલળી ગયો..!”, મેં મારા જીન્સના ખીસ્સામાં પડેલા મોબાઇલની યાદ આવતા કહ્યુ.

“નવો લઇ લઇશુ..!”, અનિરુધ્ધે કહ્યુ. અનિરુધ્ધના ફોનમાં કોઇનો કોલ આવી રહ્યો હશે. એણે બાઇક ધીમી પાડીને ચાલુ બાઇકે ચાલુ વરસાદમાં જ વાત કરી.

“બસ…! આવી જ રહ્યા છીએ.! ત્યાંજ રહો..!”, અનિરુધ્ધે ફોનમાં કહ્યુ. એણે ફોન એના શર્ટના અંદરના ખીસ્સામાં નાખ્યો. એણે બાઇકની સ્પીડ ફરી વધારી. અમે અધેવાડાથી આગળ નીકળી ગયા હતા. મહુવા જવાના રોડ પર અનિરુધ્ધની બાઇક ફુલ સ્પીડ પર જઇ રહી હતી. રોડની બંને તરફ ખેતરો હતા. એટલે હવે ઠંડી પણ લાગી રહી હતી. દસેક મિનિટ પછી બાઇક એક મોટા દરવાજામાં દાખલ થઇ. એ લાઇટોથી ઝગમગતુ ફાર્મ હાઉસ હતુ. અનિરુધ્ધે બાઇક ઉભી રાખી.

“વેલકમ..!”, અનિરુધ્ધે બાઇક ઉભી રાખીને કહ્યુ.

“આ તમારૂ છે…?”, મેં પુછ્યુ.

“હા..!”, એણે ઠંડાઇથી કહ્યુ.

અમે અંદર ગયા. લાઇટો ચાલુ હતી. અંદર ભવ્ય ફર્નીચર હતુ. એક મોટા એલ.સી.ડી ટીવીમાં ગીતો વાગી રહ્યા હતા. અનિરુધ્ધે દરવાજો બંધ કર્યો.

“હવે તો કહે સરપ્રાઇઝ શું છે..?”, મેં આતુરતાથી કહ્યુ.

“વેઇટ..! વેઇટ..!”, એણે શાંત સ્વરમાં કહ્યુ.

“અમે સ્ટીલની સીડીઓથી ઉપર ચડ્યા. ઉપર બે રૂમ હતા એમાંથી એક રૂમનો દરવાજો ખુલ્લો હતો અને લાઇટો ચાલુ હતી. અમે એ ખુલ્લા દરવાજા તરફ ચાલ્યા. હું ખુબજ આતુર હતી. આજના દિવસમાં મેં ઘણુ મેળવ્યુ હતુ. આ સરપ્રાઇઝ માટે હું ઉતાવળી હતી. મારૂ મગજ જોર જોરથી પમ્પ થઇ રહ્યુ હતુ. હ્રદયના ધબકારા જોર જોરથી વાગી રહ્યા હતા.

“અમે દરવાજાની અંદર ગયા. અમારી સામે એક વિશાળ બેડ હતો.. બસ બીજુ કંઇ જ નહિ. મેં પાછળ જોયુ. અનિરુધ્ધે દરવાજાને લોક કર્યો. દરવાજો લોક થતા જ મને ઘણો ખરો અંદાજ આવી ચુક્યો હતો. પણ પછી જે મેં સાંભળ્યુ એનાથી મારા વિશ્વાસનુ ખુન થઇ ગયુ.

“ચાલ તારા કપડા ઉતાર…!”, જાણે કોઇ રાક્ષસ બોલતો હોય એમ અનિરુધ્ધ બોલ્યો.

“શું..?”, મેં પુછ્યુ.

“તારા કપડા ઉતાર… નહિતર મારે ઉતારવા પડશે.”, એણે આંખો પહોળી કરીને કહ્યુ.

“અનિરુધ્ધ તને શું થયુ છે. આ તુ શું બોલે છે ?”, મારામાં જે એક્સાઇટમેન્ટ એ હતી ચાલી ગઇ અને હવે એક જ ક્ષણમાં મને ગભરામણ થવા લાગી હતી.

“અમારા હિન્દુઓનુ તારે અસ્તિત્વ જ નથી રહેવા દેવુ નહિ..? તારા મા-બાપને મારી નાખવાનો આરોપ અમારા ઉપર નાખવો છે તારે..?”, એ દોડતો દોડતો આવ્યો અને મારા વાળ પકડ્યા અને ખેચ્યા.

“અનિરુધ્ધ તારે કંઇક, મીસઅન્ડરસ્ટેન્ડીંગ થાય છે..! મારો એવો કોઇ મતલબ છે જ નહિ.”, મેં ચિલ્લાઇને કહ્યુ.

“એમ…? આજે તારા જેવી મુસ્લિમ રંડીઓનુ અસ્તિત્વ જ નહિ રહે જેને હિન્દુઓનુ અસ્તિત્વ જ ના રાખવુ હોય..!”, એણે મારા વાળ વધારે ખેંચ્યા. હું ચિલ્લાઇ. પણ ત્યાં મારી ચીસો સાંભળે એવુ કોઇ જ નહોતુ.

“આવી જાવ..!”, અનિરુધ્ધે જોરથી બુમ મારી.

એના હાથથી પકડાયેલુ માથુ મેં બળપુર્વક બીજી તરફ કર્યુ. બાથરૂમમાંથી બે ત્રીસેક વર્ષની ઉંમરના છોકરાઓ બહાર આવ્યા.

“જો આ બન્ને ને, એકના પપ્પાનો હાથ તમારા લોકોએ કાપી નાખ્યો અને બીજાના પપ્પાના બન્ને હાથો”, અનિરુધ્ધે બન્ને તરફ હાથ લાંબા કરીને પ્રચંડ અવાજથી કહ્યુ.

“અનિરુધ્ધ, હું આ ભેદભાવ જ તો મીટાવવા માંગુ છુ.”, હું રડી પડી. પણ કોણ સાંભળે ?

“તમે ઉભા છો શું..?” એણે બુમ મારી.

એ બન્ને લોકો મારી તરફ આવ્યા. મને ખબર નહોતી હતી કે સરપ્રાઇઝ આવી હશે. એ લોકોએ મારા મોં પર કપડુ બાંધી દીધુ. મારા હાથ પણ પાછળની તરફ બંધાઇ ગયા. એક પછી એક એ લોકો પોતાના કપડા ઉતારવા લાગ્યા. એ ત્રણેય મને શૈતાન જેવા લાગી રહ્યા હતા. અનિરુધ્ધનુ આ રૂપ ભયંકર હતુ. ત્રણેની હરકતે હરકતે બદસુરતી નીતરતી હતી. હું તો મદદ માટે ચિલ્લાઇ શકુ એમ પણ નહોતી. એ ક્ષણે જ મને ઇશ્વર તત્વમાંથી પણ વિશ્વાસ ઉઠી ગયો.

એકપછી એક મારા કપડાઓ ઉતરવા લાગ્યા. એ પાશવીઓ મારા કુંમળા શરીરને ચુંથવા લાગ્યા. જાણે કુંતરાઓ માંસને ચુંથતા હોય. હું લોહી લુહાણ થઇ ગઇ હતી. ઇશ્વરે મારી સાથે થયેલા પહેલા સેક્સને યાદગાર બનાવી દીધો. અડધીએક કલાકમાં હું કદાચ બે ભાન થઇ ગઇ. જ્યારે જાગી ત્યારે એ રાક્ષસો હજુ ભુખ્યા હોય એમ મારી સામે જ ઉભા હતા. ફરી એક વાર એમના પાષાણી શરીર મારી સાથે ઘસાવા લાગ્યા. હું ઘસાતી ગઇ પણ ઉજળી ના થઇ.

શરીરને ચુંથતા ચુંતથા એમના મોં પર જે શબ્દો હતા એના પરથી તો એ હિન્દુ ના જ કહેવાય. ગાળો એ લોકોના મોંમાંથી સહજ મંત્રોની જેમ નીકળી રહી હતી. હું ફરી એકવાર ચુંથાઇ. હું ફરી બે-ભાન થઇ ગઇ.

***

પણ એ રાત હું કોઇ દિવસ ભુલી નહિ શકુ. જ્યારે હું ઉઠી ત્યારે કોઇ ખેતરના ઝુપડામાં પડી હતી. મારા શરીર પર કપડા ઢંકાયેલા હતા. શરીર પર મુંઢ ઘાથી લાલ ચામઠા પડી ગયા હતા. મારા પેડૂં મા સખત દર્દ થઇ રહ્યુ હતુ. ખરેખર તો આખુ શરીર દુખી રહ્યુ હતુ. હું ખૂબ જ ડરી ગયેલી હતી.

શું કરવુ એનુ કંઇજ ભાન મને નહોતુ..! જે પહેલો વિચાર આવ્યો એ હતો કે હવે જીવવા જેવુ કંઇ રહ્યુ નથી. મરી જ જવુ. સુંદર રીતે લહેરાતા ખેતરોએ મને એ કરતા રોકી લીધી. હું ઓરડાની બહાર નીકળી. એક વિશાળ ખેતર હતુ. એક બહેન ગાયને દોહી રહ્યા હતા. ઘાસના ખખડાટથી એમનુ ધ્યાન મારા તરફ ગયુ. હું ચાલી શકુ એવી સ્થિતિમાં નહોતી. હું ફરી એક વાર ગબડી પડી. એ બહેન દોડતા દોડતા મારા તરફ આવ્યા.

“બેન, તમે કોણ સો..?”, એણે મારૂ માંથુ ખોળામાં લઇને કહ્યુ. એ બહેન વારંવારં બોલતા રહ્યા. મારામાં બોલવાની ત્રેવડ નહોતી. હું મારી ઓળખાણ પણ ના આપી શકી. કદાચ એ બહેન મારા શરીર પરના ચામઠા જોઇને સમજી ગયા હતા કે મારી સાથે શું થયુ. તરત એમણે એમના ધણીને બુમ પાડી. હું ફરી ભાન ખોઇ બેઠી.

***

બપોરે ફરી મારી આંખ ઉઘડી. હું નળીયાવાળા કોઇ ઘરમાં હતી. મારી બાજુમાં પેલા બહેન, એમના પતિ અને બીજા કોઇ ભાઇ હતા.

“બેન તુ કોણ સો, તારી હારે હુ થ્યુ સ..?”, એ બહેને મને પુછ્યુ.

“મને ભાવનગર મુકી જાવ..!”, મેં ધ્રુજતા અવાજે કહ્યુ. એ લોકો ગાડી લઇને મને ભાવનગર મુકવા આવવાની તૈયારી બતાવી.

મારા મોંમાંથી એક પણ શબ્દ ન્હોતો નીકળ્યો. થાકીને પહેલા બેન પણ સવાલો પુછતા બંધ થઇ ગયા. મેં રામમંત્ર મંદિર આવ્યુ એટલે ગાડી રોકાવી.

“બસ અહિં ઉતારી દો”, હું પાછળથી બોલી.

“બેન તારા ઘર હુધી મુકી ઝાઇ..!”, પેલા બહેન બોલ્યા.

“મારે, કોઇ ઘર નથી..!” હું આંખોને સીટમાં ટકાવીને આઘાતપુર્વક બોલી. હું એ લોકોને પોલીસના ધક્કામાં નહોતી નાખવા માંગતી એટલે મેં એ લોકોને પોલીસ સ્ટેશન લઇ જવાનો નિર્ણય ટાળ્યો. પેલા ભાઇએ મને એમનો નંબર કાગળ પર લખી દીધો અને કંઇ પણ કામ પડે તો એ મદદ કરશે એવુ કહ્યુ.

***

“નિશ્ચય, જ્યારે હું પોલીસમાં રીપોર્ટ નોંધાવવા ગઇ અને પેલા રાક્ષસ અને એના ફેમિલીની વિગતો કહી ત્યારે પહેલા તો રીપોર્ટ નોંધવાની ના જ પાડી દેવામાં આવી. મારા પર ત્રણ રાક્ષસોએ બબ્બે વાર બળાત્કાર કર્યો એ વાત પોલીસ માની નહોતી રહી. પણ જ્યારે મેં એ લોકોને મારૂ ટોપ ફાડીને શરીર બતાવ્યુ ત્યાર બાદ ત્રણ કલાક પર ફોન અને બીજી ચર્ચાઓ બાદ મારી રીપોર્ટ નોંધાઇ. મીડીયાવાળોએ મને સાંત્વના આપવાના બદલે ઉલટતપાસ કરવાનુ ચાલુ કર્યુ. ભલે હું બોલી નહોતી શકતી પણ મારામાંની હિમ્મતુ રિહાના જાગી ગઇ હતી. મેં એ લોકોના નગ્ન સવાલોના સ્પષ્ટ જવાબો આપ્યા.”, રિહાના રડતી રડતી બોલી. નિશ્વયની આંખો પણ ભરાઇ આવી હતી.

“આઇ, એમ સોરી રિહાના. તને આ બધુ યાદ કરાવવા બદલ..!”, નિશ્વયે રિહાનાનુ માંથુ પોતાની છાતી સરસુ દાબીને કહ્યુ.

“હવે મારે કંઇ જાણવુ નથી..!”, નિશ્ચયે કહ્યુ.

“ના, આજે બધુ બહાર નીકળે છે..! તો બધુ નીકળી જ જવા દે. “, રિહાનાએ ફરી હિમ્મ્ત ગ્રહણ કરતા કહ્યુ.

“પેલા રાક્ષસના પપ્પાની વગ ઉંચે સુધી હતી. પણ મારો નિર્ણય પણ અડગ હતો. મારો મેડીકલ ટેસ્ટ આવ્યો. ડોક્ટરોએ કહ્યુ કે મારૂ કૌમાર્ય ભંગ થઇ ચુક્યુ છે. પણ હું કોને જઇને કહું કે મારૂ શરીર ચુંથાયુ છે. કુંવારીકા તો હું હજુયે છુ જ. કદાચ કહ્યુ હોત તો પણ કોણ સમજી શકત ? એમના વકિલોને કારણે એ લોકોએ સાબિત તો કર્યુ કે પેલા રાક્ષસનો આમાં ખાસ ફાળો ન્હોતો. કોર્ટે ત્રણેય ગુનેગારોને ત્રણ ત્રણ વર્ષની કેદ સંભળાવી. ત્રણ વર્ષ પછી મને ખબર પડીકે જે દિવસે એ ઘરે જઇ રહ્યા હતા એ જ દિવસે એ લોકોની કાર ટ્રક સાથે અથડાઇ અને ગાડીમાં બેસેલા ચાર લોકોના મોત થયા. કદાચ આ જ એ લોકોની સજા હતી. જે કોર્ટ નહોતી આપી શકી. પાછળથી ખબર પડી કે એ ટ્રક પેલા ખેતરવાળા ભાઇના દિકરાનો જ હતો. હું કઠણ બની ગઇ હતી. મેં નક્કિ કર્યુ હતુ કે બળાત્કાર પછી મારી સાથે જે ગુજરી એ બીજા કોઇ સાથે ના ગુજરે એટલે મેં પોલીસમાં દાખલ થવાનો નિશ્ચય કર્યો. પણ એ રાક્ષસને હું કદી નહિ ભુલી શકુ….! કારણ કે મારી અંદરની હિમ્મત એ રાક્ષસના કારણે જ જીવતી છે…! કદાચ મારી વાર્તામાં ક્યાંય પ્રેમ ન્હોતો એવુ કદાચ તને લાગી શકે, નિશ્ચય…! પણ શું પ્રેમ દરેક વખતે કોમળતાના રૂપમાં જ આવે ? પ્રેમમાં ક્રોધ પણ હોય છે. પ્રેમમાં કઠોરતા પણ હોય છે. મારી કઠોરતા જ મારો પ્રેમ છે. આ કઠોરતાનો પ્રયોગ જ મારો પ્રેમનો પ્રયોગ હતો.”, રિહાના ગળગળી થતા બોલી. એની આંખો છલોછલ આંસુઓથી ભરાયેલી હતી.

“રિહાના, તે શરૂઆતમાં મને કહ્યુ હતુ. યાદ છે તને..? ‘તારો પ્રેમ રસ્તો બદલી લેશે..?’”, નિશ્ચયે રિહાનાની આંખોમાં આંખો નાખીને કહ્યુ. રિહાના એની આંખોમાં જોતી રહી. નિશ્ચયે રિહાનાની આંખોમાં ભરેલા આંસુને લુંછ્યા.

“મારો પ્રેમ માત્ર શરીર માટે નથી..! મારો પ્રેમ તારા આ કઠોર સ્વભાવમાં છુપાયેલી કોમળતા સાથે છે. મારો પ્રેમ તારા માટે છે.”, કહીને નિશ્ચયે રિહાના સામે ગોઠણીયા વાળ્યા.

“વિલ યુ મેરી મી…?”, નિશ્ચયે પ્રપોઝ કર્યુ.

“આ નિશ્ચયનો એક જ નિશ્ચય છે. રિહાનાને પ્રેમ કરવાનો. શું તુ મને આખી જીંદગી તને પ્રેમ કરવા માટે મંજુરી આપીશ..?”, નિશ્ચયે કહ્યુ.

“સ્યોર, આઇ લવ યુ ટુ…!!”, રિહાનાએ કહ્યુ. બન્ને એકબીજાની બાંહોમાં પરોવાઇ ગયા. બન્નેએ હોઠોથી પ્રેમ વ્યક્ત કર્યો.

“સાચે જ, પ્રેમને કોઇનો ભુતકાળ નડતો નથી, પ્રેમને વર્તમાનમાં કોઇ સ્વાર્થ નથી હોતો અને પ્રેમને ભવિષ્યમાં કંઇ મેળવવાની આશ નથી હોતી ”, બંન્ને જ્યારે ચુંબન કરીને છુટ્ટા પડ્યા ત્યારે રિહાનના બોલી.

***

જો તમને આ વાર્તા ગમી હોય તો રીવ્યુ આપવાનું ભુલતા નહીં. ટુંક સમયમાં બીજી વાર્તા. ત્યાં સુધી કરો પ્રેમનાં પ્રયોગો.