પ્રેમનાં પ્રયોગો - ૫

પ્રેમનાં પ્રયોગો

હિરેન કવાડ

૫) ડ્રિમ્સ

દર્શિલે દસમુ પાસ કર્યુ પણ તેને ૬૮ ટકા જ આવ્યા હતા. દર્શિલના પપ્પા મહેશભાઇ એને પહેલેથી જ કહેતા કે વાંચવા બેસ, વધારે મહેનત કર, બરાબર વાંચ. પણ ૫ કલાક વાંચ્યા પછી દર્શિલનુ મન ચોપડી બહાર જ ભટકવા લાગતુ. દર્શિલને ફ્રેશ થવા માટે એક જ વસ્તુ જોઇએ ક્રિકેટ. ક્રિકેટ નુ નામ આવે એટલે પતી ગયુ. બધા જ શોક ખતમ. મગજમાં ગમે તેવુ ટેન્શન હોય એ ચાલ્યુ જાય. મહેશભાઇનુ તો કહેવુ હતુ કે આવુ ખરાબ રીઝલ્ટ આવ્યુ એનુ કારણ પણ આ ક્રિકેટ જ હતી. એક્ઝામ વખતે IPL ચાલતી હતી એનો સ્કોર જોવા માટે દર્શિલ કંઇક ને કંઇક બહાના કાઢી ટી.વી ચાલુ કરતો.

દર્શિલને સુરતની જ એક ડિપ્લોમાની સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં એડમીશન મળી ગયુ. પણ મહેશભાઇ હિરાઘસુ, વધારે ખર્ચો તો એ પણ ભોગવી શકે એમ નહોતા. એટલે દર્શિલને પણ કરકસર કરવાનુ કહેવામા આવ્યુ. ઘરનો ખર્ચ પણ જેમ બને એમ ઓછો થાય એ માટે કરકસર શરૂ કરી દીધી. પણ મહેશભાઇને ચિંતા તો સતાવતી જ.

“પપ્પા, મારે સીટી ક્રિકેટ ક્લબ જોઇન કરવો છે..!”, દર્શિલે એકવાર મહેશભાઇને કહ્યુ.

“હજુ ક્રિકેટનુ ભુત તારા ઉપરથી નથી ઉતર્યુ…? દસમાના રીઝલ્ટમાં તો તુ ગુજરાતમાં પહેલો નંબર લાવ્યો હવે ડીપ્લોમામાં પણ તારે આજ કરવુ છે…?”, મહેશભાઇએ રાડા પાડી અને ગુસ્સે થઇને દર્શિલને સલાહ આપવાનુ શરુ કર્યુ.

“પપ્પા, હું મારું પુરેપુરુ ધ્યાન આપુ છુ., અને તમે કહેશો એટલુ વાચીશ.. પ્લીઝ પપ્પા.”, દર્શિલે કહ્યુ.

“પુરેપુરૂ ધ્યાન આપતો હોય તો તો ક્રિકેટ વિષે વિચારવાનો ટાઇમ ક્યાંથી મળે છે ? તારી ફી ચુકવતા તકલીફ પડે છે. ખાસ કંઇ બચત પણ નથી થતી અને તારે ક્રિકેટ ની મોજ માણવી છે.?”, મહેશભાઇ ગુસ્સામાં ને ગુસ્સામાં બોલવા લાગ્યા.

“પપ્પા હું તમારી પાસે પૈસા ક્યાં માંગુ છુ. હું કોઇ પાર્ટ ટાઇમ જોબ કરી લઇશ..”, દર્શિલ બોલ્યો.

“હા, એટલે પછી ડિપ્લોમામાં પણ નાપાસ...! અમે તારો ખર્ચો ઉઠાવવા હજુ જીવતા છીએ…”, મહેશભાઇએ કડક શબ્દોમાં અભીમાન સાથે કહ્યુ.

દર્શિલ નિરાશ થઇ ગયો, નીરાશ મને જ બીજા રૂમમાં જઇને તેણે વાંચવાનુ શરૂ કર્યુ. પણ દર્શિલને તો ક્રિકેટમાં જ રસ હતો, તેને ક્રિકેટમાં જ આગળ વધવુ હતુ. શહેર ક્રિકેટ ક્લબમાં જોડાવાની વર્ષની ફી ૩૦૦૦ હજાર રૂ્પિયા હતી. પણ આ પૈસા પપ્પા પાસેથી તો ના જ મળે. એટલે દર્શિલે કંઇક પાર્ટ ટાઇમ કામ કરવાનુ નક્કિ કર્યુ. પણ એ ઘરે ખબર ના પડે એ રીતે.

ડિપ્લોમા એન્જીનીયરીંગની પહેલી એક્ઝામ એટલે કે મીડસેમ. મીડસેમ આવી ગઇ. દર્શિલે એની તૈયારી સખત મહેનતથી ચાલુ કરી દીધી. દર્શિલે નક્કિ કરી નાખ્યુ કે એક્ઝામ પતે એટલે રીલાયન્સની કંપની માટે જે છત્રી લઇને પ્રમોશનલ બોય્ઝ ઉભા રહે એમાં જ પાર્ટ ટાઇમ જોબ કરવી. પણ અત્યારે તો દર્શિલ મીડસેમની તૈયારીમાં લાગી ગયો. આમ તો એને કોઇ સબજેક્ટમાં પ્રોબ્લેમ નહોતો પણ કોમ્યુનીકેશન સ્કીલ્સ અને એન્જીનીયરીંગ ડ્રોઇંગમાં એને થોડી પ્રોબ્લેમ થતી. એટલે જ એણે આ બન્ને સબજેક્ટ પર વધારે ધ્યાન આપવાનુ નક્કિ કર્યુ હતુ. રીઝલ્ટ એવુ લાવવુ કે પપ્પા ખુશ થાય, એટલે એણે પંદર દિવસ કોઇ જ ક્રિકેટ મેચ ના જોવાનુ નક્કિ કર્યુ. પણ દર્શિલને એની પ્રેમિકા ક્રિકેટ વિના ગમતુ તો નહોતુ જ. એ ખુબ બેડ ફીલ કરી રહ્યો હતો.

આખરે મીડસેમ પતી. દર્શિલે ટેક્સટાઇલ માર્કેટમાં રીલાયન્સની ઓફીસ પર કોન્ટેક્ટ કર્યો. એણે રીલાયન્સના સીમકાર્ડનુ પ્રમોશન ચાલુ કર્યુ. રોજની ત્રણ કલાક. જેમાં જેટલા વધારે સીમકાર્ડ વેંચાય એટલુ એને કમીશન વધારે મળે. કોલેજનો ટાઇમ તો વહેલા સવારનો એટલે કે ૮ થી ૨ વાગ્યાનો. ત્રણ વાગ્યાથી છ કે સાત વાગ્યા સુધી દર્શિલે આ જ કરવાનુ ચાલુ કર્યુ. એક વાર એની મમ્મીએ પુછ્યુ કે રોજ તુ ક્યાં જાય છે..? પણ દર્શિલે લાઇબ્રેરીમાં રીડીંગ કરવાનુ બહાનુ કાઢ્યુ.

દર્શિલની મીડસેમ એક્ઝામ લેવાઇ એને પંદર દિવસ થયા. એ સાથે જ દર્શિલે જોબ શરૂ કરી એના પણ પંદર દિવસ થયા. દર્શિલ એનો સીમ કાર્ડનો સ્ટોલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં જ રાખતો કારણ કે એક તો ત્યાં આખો દિવસ માણસોની અવર જવર રહેતી હોય અને બીજી કે રાજસ્થાની મારવાડી લોકો છ વાગે છુટે એટલે ખાસ્સી એવી ભીડ થાય, અને રાજસ્થાની લોકો એના ઘરે વાત કરવા માટે આવા સીમકાર્ડ જ ખરીદે જેથી એ લોકોને સસ્તુ પડે. બેલેન્સ વપરાઇ જાય એટલે ફેંકી દેવાનુ. એટલે દર્શિલ રોજના ૧૦૦ રૂપિયા આરામથી કમાઇ લેતો. દર્શિલની બોલવાની સ્ટાઇલ અને માર્કેટીંગ સ્ટાઇલના લીધે જ રીલાયન્સ વાળાએ દર્શિલને પાંચ મિનીટના ઇન્ટરવ્યુમાં જ સીલેક્ટ કરી લીધો હતો.

પંદર દિવસમાં એ અઢારસો ને પચાસ રૂપિયા કમાઇ ચુક્યો હતો અને એ પણ પાર્ટ ટાઇમમાં. હવે રીઝલ્ટ આવવાની તૈયારી હતી. પંદર દિવસ પછી રીઝલ્ટ આવવાનુ હતુ. પણ કોલેજમાં હમણા કોઇ ભણાવતુ નહોતુ. મીડસેમ પછી સ્ટુડન્ટ્સ મીડટર્મ જ પાડી દે. એટલે એક દિવસ દર્શિલે વિચાર્યુ કે આજે કોલેજ ખોટો ધક્કો ના ખાવો અને ફુલ ટાઇમ જોબ પર જવુ. શનિવારનો દિવસ એટલે એ દિવસે પણ ભીડ તો ખુબ હતી. છત્રીની ચારે તરફ માણસોના ટોળા વળી ગયા હતા. ૩૦ પૈસા પ્રતિ મિનીટ એસ.ટી.ડી કોલ વાળી સ્કીમ એટલે મારવાડી લોકો ઉમટી પડ્યા હતા. દર્શિલને એક મિનીટનો પણ ટાઇમ નહોતો. એટલે એણે લોકોને નંબર સીલેક્ટ કરવાની પણ ના પાડી. જે કાર્ડ હાથમાં આવે એ જ આપી દેવાનુ. આજે દર્શિલને ખાસ્સી કમાણી થઇ હતી. લગભગ એણે સાતસો રૂપિયાના સીમકાર્ડ બપોર સુધીમાં જ વેંચી નાખ્યા. પણ હજુ એણે છત્રી બંધ થોડી કરી હતી. એ તો હજુ વકરો કરી જ રહ્યો હતો. ત્યારે એના મોબાઇલમાં રીંગ વાગી.

“હા, શૈલેષ બોલ..”, દર્શિલે મોબાઇલમાં નામ જોયુ અને કોલ રીસીવ કરીને કહ્યુ.

“અરે દર્શિલ રીઝલ્ટ આવ્યુ છે,..”, શૈલેષે કહ્યુ.

“શું આવ્યુ તારુ..?”, દર્શિલે એનો મોબાઇલ બીજા કાન પાસે લાવીને પુછ્યુ. “ ૬ સબજેક્ટનો ૧૧૨ ટોટલ થાય છે”, શૈલેષે જવાબ આપ્યો.

“મારુ જોઇલે ને યાર”, દર્શિલે રીક્વેસ્ટ કરી. “અરે તારુ રીઝલ્ટ જોવુ પડે એમ નથી..”, શબ્દો સાંભળતા જ દર્શિલની છાતીમાં ધ્રાસકો પડ્યો, એના પગ પાણી પાણી થવા લાગ્યા.

“એટલે બ્લોક આવ્યો છે, એકેયમાં..? ”, દર્શિલે પુછ્યુ.

“અરે ગાંડા તુ ક્લાસ ટોપર છે. બધામાં ૨૮ અને ૨૯ માર્ક છે”, શેલેષનો ઉંચો અવાજ સંભળાણો.

“શું વાત કરે છે..? મજાક તો નથી કરતો ને..?”, દર્શિલે પુછ્યુ.

“ના ભાઇ ના, સાચે જ”, શૈલેષનો સામેથી અવાજ આવ્યો.

“ઓકે, ચાલ પછી વાત કરૂ”, દર્શિલે કહ્યુ અને કોલ કટ કર્યો.

દર્શિલની મહેનત રંગ લાવી હતી. એને જે રીઝલ્ટ લાવવાનુ હતુ એ આવી ગયુ હતુ. દર્શિલે એની છત્રી બંધ કરી. એ ઓફીસે હિસાબ આપવા ગયો. આજે એ અંદરથી નાચી રહ્યો હતો. એની ખુશીયો વધારે હતી કારણ કે આ રીઝલ્ટ કદાચ એના પપ્પા જુએ તો એ રાજી થઇને સીટી ક્રિકેટ ક્લબમાં જોઇન થવાની રજા આપી દે. આજની કમાણી પણ હજાર રૂપિયા જેવી હતી. સાથે આજે દર્શિલને એનુ પેમેન્ટ પણ મળી ગયુ. ટોટલ ૨૫૦૦ રૂપિયાનુ પેમેન્ટ આવ્યુ હતુ. પણ દર્શિલના પગ ઉભા રહીને રહીને આજે થાંભલા જેવા તો જરૂર થઇ ગયા હતા. પણ ખુશીયોમાં ક્યો થાક માથે ચડે…? એને આજે જરાય થાંક લાગ્યો નહોતો. એ ઘર તરફ ચાલતો થયો.

મહેશભાઇ ખુરશીમાં બેઠા હતા. એમના ચહેરા પરના ભાવ કંઇ ખાસ ખુશીયો ભર્યા નહોતા. દર્શિલના મમ્મી રમિલાબેન શેટી પર બેસેલા હતા. દર્શિલ એક પ્લાસ્ટીકની થેલી હાથમાં લઇને રૂમમાં દાખલ થયો. મહેશભાઇ ગુસ્સાથી ઉભા થયા. દર્શિલના ચહેરા પર ખુશીયોના ભાવ હતા. જેવો દર્શિલ નજીક આવ્યો એવો જ મહેશભાઇએ જોરથી એક લાફો દર્શિલના ગાલ પર ચોડી દીધો.

“હવે, સાહેબે કોલેજ બંધ કરીને રોડ પર ધંધો ચાલુ કરી દીધો છે.”, મહેશભાઇ રમિલાબેનની સામે જોઇને બોલવા લાગ્યા. દર્શિલનો ગાલ લાલ થઇ ગયો. એના હાથમાં હતી એ પ્લાસ્ટીકની થેલી નીચે પડી ગઇ. એ ચુપ થઇને નીચુ જોઇ ગયો.

“બસ, આ જ ધંધો કરવો હોય તો, ચાલ મારી સાથે હિરા શીખવાડી દવ, કોલેજની પંદર હજાર ફી કેમ કરીને ભરીએ છીએ તને ખબર છે..?, અને ભાઇને કોલેજ જવુ નથી અને રોડ પર ઉભા રહીને સીમ કાર્ડ વેચવા છે.”, મહેશભાઇ દર્શિલનુ મોં પોતાના હાથથી પરાણે ઉંચુ કરીને બોલતા હતા અને રમિલા બેન “બસ બસ” એમ બોલતા બોલતા મહેશભાઇને રોકતા હતા.

“એલા, મોઢામાંથી કઇક ફાય્ટ તો ખરો…!!”, એમ કહીને ફરી એક લાફો જમણા ગાલ પર ચડાવી દીધો. હવે દર્શિલની સહનશક્તિ પુરી થઇ ગઇ. એની આંખો ભરાઇ ગઇ એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને ઘરની બહાર દોટમુકીને ચાલ્યો ગયો, રમિલાબેને એને રોકવાની કોશીષ કરી પણ એ ના રોકાયો.

“બસ, શાંતી થઇ ગઇ તમને..?, છોકરાને ક્યારેય શાંતી મળે એ તમને જ નથી ગમતુ.”, રમિલાબેન બબડ્યા.

“એને ભણવાનુ નથી ગમતુ તો મને શાંતી ક્યાંની?”, મહેશભાઇ પણ બબડ્યા.

રમિલાબેને પેલી પ્લાસ્ટીકની ઠેલી ઉઠાવી જેમા એક બોક્સ હતુ જે ગીફ્ટના કાગળથી પેક હતુ. એના પર એક સ્ટીકર હતુ. મારા વ્હાલા પપ્પા માટે… રમિલાબેન એ ગીફ્ટ ખોલતા હતા ત્યાંજ મહેશભાઇના મોબાઇલમાં રીંગ વાગી.

“હેલો..”, મહેશભાઇ એના નોકિયા ૧૧૧૨ ના ડબલા ફોન પર કોલ રીસીવ કરીને બોલ્યા.

“હા, મહ. મ્હ્હે…”, સામેથી કપાતો કપાતો અવાજ આવ્યો.

“હા, તમારો અવાજ કંઇ સંભળાતો નથી, અવાજ કપાય છે, એક મિનીટ હું બીજા મોબાઇલ માથી ફોન કરૂ છુ તમને”, મહેશભાઇએ ફોન કટ કર્યો અને રમિલાબેન નો નોકિયા ૧૧૦૦ ફોન લીધો અને જે નંબર પરથી ફોન આવ્યો હતો એ નંબર પર કોલ કર્યો.

“હા, તમે કોલ કર્યો હતો.?”, મહેશભાઇ બોલ્યા.

“હા, તમે મહેશભાઇ વઘાસીયા..? દર્શિલ વઘાસીયાના ફાધર બોલો છો..?”, સામેથી અવાજ આવ્યો.

“હું, STBS કોલજના સીવીલ ડીપાર્ટમેન્ટનો H.O.D બોલુ છુ”,

“હા, બોલો બોલો સાહેબ..”

“તમને એ માટે કોલ કરવામા આવ્યો છે કે દર્શિલ એની પહેલી એક્ઝામમાં ક્લાસમાં ફર્સ્ટ આવ્યો છે. આમ તો અમે કોઇ પેરેન્ટસને આ બાબતે કદી જ કોલ નથી કરતા, પણ દર્શિલનો એના સ્ટડી પ્રત્યે અને બીજી સ્પોર્ટ્સની એક્ટીવીટીમાં જે જુસ્સો છે એ જોઇને અમને ખુશી થાય છે કે આવા સ્ટુડન્ટ્સ અમારી પાસે છે.”,

“હા, હ…”, મહેશભાઇ પાસે આ સાંભળતી વખતે બીજા કોઇ શબ્દો હતા જ નહિ એટલે એણે સાંભળવાનુ જ ચાલુ રાખ્યુ.

“જો દરેક પેરેન્ટ્સ તમારી જેવા હોય જે સ્ટડી સાથે એક્સ્ટ્રા એક્ટીવીટીઝમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપે તો દરેક છોકરો કે છોકરી આગળ વધી શકે. સાથે દર્શિલનો બીહેવીઅર પણ ક્લાસમાં ખુબ સારો, શાંત અને હળીમળીને રહેવા વાળો છે, ખરેખર તમને આ જણાવતા અમને આનંદ થાય છે.”

જેમ જેમ મહેશભાઇ H.O.Dના શબ્દો સાંભળતા ગયા એમ એમ એની આંખો ભીની થવા લાગી, સજળ થવા લાગી, અને હવે તો એની આંખોમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા.

“આભાર, આ તો દર્શિલ ની મહેનત છે”, ગળગળા થઇને મહેશભાઇ પરાણે અવાજ કાઢીને બોલ્યા, કારણ કે એ બોલાય એવા નહોતા રહ્યા. આ જોઇને રમિલાબેનને પણ આશ્ચર્ય થયુ કે શું વાત ચાલી રહી છે.?

“બસ, આશા છે કે, એક મહિના પછી ઇન્ટર કોલેજ સ્પોર્ટસ કોમ્પીટીશન છે, જેના માટે તમે દર્શિલને તૈયારી માટે એક્સ્ટ્રા ટાઇમની પરમીશન આપશો. બાકી એ સ્ટડીમાં પણ ખેલાડી જ છે.” ફોનમાંથી અવાજ આવતો રહ્યો અને મહેશભાઇનુ ખમીસ આંસુઓથી પલળતુ રહ્યુ.

“ઓકે, વાંધો નહિ”, ફરી માંડ માંડ કરીને ભીના અવાજે મહેશભાઇ બોલ્યા અને કોલ કટ કર્યો.

મહેશભાઇ ઘણા સમય પછી રડી રહ્યા હતા. કશું જ જાણ્યા વિના એણે દર્શિલને કેટ કેટલુ સંભળાવ્યુ, બાકી હતુ તો બે લાફા પણ માર્યા. મહેશભાઇની બધી જ ધારણાઓ અને માન્યતાઓને દર્શિલે ખોટી પાડી દીધી હતી એ મહેશભાઇને ખ્યાલ આવી ગયો.

“શું થયુ,.. તમે કેમ રડો છો?”, રમિલાબેને હિમ્મત કરીને પુછ્યુ.

“આપડો દર્શિલ ક્લાસમાં પેલ્લો નંબર લાવ્યો છે, એ કહેવા માટે એના હેડનો ફોન આવ્યો હતો અને આપણા સંસ્કારોના વખાણ કરતા હતા.”, મહેશભાઇ લજ્જા, શરમ અને પશ્ચાતાપના ભાવથી બોલ્યા.

“તમે ખોટુ કરી નાખ્યુ… દર્શિલના પપ્પા”, રમિલાબેને ગીફ્ટ ખોલતા કહ્યુ.

બોક્સ પરથી ગીફ્ટનો કાગળ દુર કર્યો. એ બોક્સ સેમસંગના મોબાઇલનુ હતુ. એ બોક્સ પર એક ચીઠ્ઠી ચોંટાડેલી હતી. જે મહેશભાઇએ હાથમાં લીધી અને મનમાં જ વાંચવા લાગ્યા.

“પ્રીય પપ્પા, પહેલા સોરી કહી દવ કારણ કે તમારી ઇચ્છાની વિરુધ્ધ જઇને મે પાર્ટ ટાઇમ જોબ કરી. પણ પપ્પા મારે સિટી ક્રિકેટ ક્લબમાં જોડાવુ હતુ. ઘરને ભાર ના પડે એટલે આ કર્યુ. પણ કેટલા દિવસથી હું જોતો હતો કે તમારા મોબાઇલમાં બરાબર વાત નથી થતી. આજે મારી જીંદગીનો પહેલો પગાર આવ્યો. કદાચ આ તો હું તમને રોકડા પૈસા તરીકે પણ આપી શકત પણ, બટ યાદી રહે એટલા માટે મેં તમારા માટે આ મોબાઇલ લઇ લીધો. તમારી સામે બોલવાની હિમ્મત તો કદી મારી થઇ જ નથી એટલે જ મેં ચીઠ્ઠી લખી. સાથે એક ખુશખબર પણ આપવાની છે પપ્પા, મારો ક્લાસમાં ફર્સ્ટ રેંક આવ્યો છે. એટલે આ મારી તમને ગીફ્ટ….. સોરી પપ્પા…તમારુ ના માનવા બદલ.. અને થેંક્યુ પપ્પા… મને આટલી સુંદર જીંદગી આપવા બદલ.”

હજુ ચીઠ્ઠી પુરી વંચાણી નહોતી પણ ચીઠ્ઠી પલળી જરૂર ગઇ હતી. આજે રમિલાબેન અને મહેશભાઇ બેઉ રડ્યા. મહેશભાઇને પોતાની ભુલ સમજાઇ ગઇ.

“આજે, મને ખ્યાલ આવી ગયો કે અત્યાર સુધી હું મારા સપનાઓનો ભાર દર્શિલના ખભા પર નાખતો હતો, જે મોજ મેં મારી યુવાનીમાં કરી એટલી મોજ પણ મેં દર્શિલના ભાગે નથી આવવા દીધી.”, મહેશભાઇ પછતાવા સાથે બોલવા લાગ્યા.

“આપડે દર્શિલની માફી માંગવી જોઇએ, એ પ્રેમેશ્વર મહાદેવના મંદિરે જ ગયો હશે, જ્યારે એ ટેન્શનમાં હોય ત્યારે ત્યાંજ ચાલ્યો જાય છે”, રમિલા બેને કહ્યુ.

દર્શિલ પ્રેમેશ્વર મહાદેવના મંદિરે પોતાનુ માથુ બે પગની વચ્ચે રાખીને હજુ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. મહેશભાઇ અને રમિલાબેન દર્શિલ પાસે આવ્યા. મહેશભાઇએ બે હાથ વડે કોમળતાથી દર્શિલનો ચહેરો ઉંચો કર્યો.

“તારા પપ્પાને થેંક્યુ અને સોરી કહેવાનો મોકો નહિ, આપે..?”, મહેશભાઇ બોલ્યા અને પોતાની પાછળથી એક નવુ બેટ કાઢ્યુ અને દર્શિલની સામે મુક્યુ.

“પપ્પા…”, દર્શિલ એના મમ્મી પપ્પાના પ્રેમની વિશાળ બાહોંમાં જકડાઇ ગયો. ત્રણે લોકો કોઇ જ શબ્દો વિના રડી રહ્યા હતા પણ હવે જે આંસુ હતા એ પશ્ચાતાપના નહોતા કે નહોતા એ આભાર વ્યકત કરવાના કે ન તો કોઇ વિશેષ ખુશીના….

“એ આંસુ હતા નિર્દોષ અને નિઃસ્વાર્થ પ્રેમના. ગુણાતીત પ્રેમના..!”.

***

જો તમને આ વાર્તા ગમી હોય તો રીવ્યુ આપવાનું ભુલતા નહીં. ટુંક સમયમાં બીજી વાર્તા. ત્યાં સુધી કરો પ્રેમનાં પ્રયોગો.

***

Rate & Review

Hardeep Detroja 3 months ago

Shreyansh 4 months ago

Komal Patel 6 months ago

Nikunj Patel 6 months ago

Shambhu Mata 7 months ago