ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ-23

ઉજળી પ્રીતનાં પડછાયા કાળા

પ્રકરણ-23

              ગાડીમાં બેઠાં પછી સ્તવને પહેલાં પોતાની સ્લીપરની જગ્યા જોઇ. બધો સામાન વ્યવસ્થિત મૂકીને બારીમાંથી પાપા મંમીને બંન્ને બાય કીધું. મંમી પપ્પા બંનેનાં ચહેરો પર આનંદ હતો. દર વખતે દીકરો જયપુર અભ્યાસ અંગે જતો આ વખતે જીંદગીમાં કોઇ ખૂબ અગત્યનાં અને શુભ કામ માટે જઇ રહ્યો હતો. કાયમ એકલો સ્ટેશન આવતો આજે મંમી પપ્પા બંને મૂકવા આવેલાં બધાનાં મનમાં આનંદ સમાતો નહોતો. ગાડી ચાલુ થઇ અને ધીમે ધીમે મંમી પપ્પા આંખથી દૂર થઇ રહ્યાં હતાં એ બારીમાંથી હાથ હલાવતો રહ્યો. હવે ટ્રેઇને ઝડપ પકડી એ લોકો દેખાતા સાવ બંધ થયાં.

       સ્તવન સીધો જ પોતાની જગ્યા પર આવીને આડો પડ્યો ધીમે ધીમે અત્યાર સુધીનાં બનેલાં બધાંજ પ્રસંગોની સફરે એનું મન ચડી ગયું. આવતી કાલે સવારે હું જયપુર પહોંચીશ. દેવધરકાકાને લઇને જઇશ એ પહેલાં સ્વાતીને જાણ કરીશ એનાં પપ્પાને જાણ કરીશ.

       જયપુર અભ્યાસ માટે આવેલો. ઇતિહાસ અને પુરાત્વની શોધ કરતાં કરતાં જીવતી અપ્સરા જ મળી ગઇ. સ્વાતી સાથેનું પ્રથમ મિલન, સંવાદ, પ્રથમ નજરનો પ્રેમ, એજ ક્ષણથી મળવા માટે એનું મન આતુર રહેતું. હું બ્રાહ્મણ એ રાજપૂત ઘરાનાની રાજપૂત કન્યા. પરંતુ બ્રાહ્મણો માટેનું સન્માન ઘણું બધું એણે સાંભળેલું સ્વાતીએ કહેલું પણ આમ લગ્ન ગોઠવાઇ જશે એ સ્વપ્નેય કલપ્યું નહોતું.

એ વિચારી રહ્યો કે અમારી આખી વાતમાં નકારત્મક કંઇજ ના થયું જે અધિકારીની સહી લીધેલી ઘણાં પેલેસની મુલાકાત અને એમાં સમય ગાળવા અભ્યાસ માટે એમનીજ દીકરી માટે જાણે મને હસ્તાક્ષર કરી આપેલાં કેવું જોગાનુંજોગ. હાં ત્યાંના યુવાન ચીફ સૌરભસિંહ માટે ખૂબ માન હતું. એ ઘણી વાર સ્તવન સાથે ચર્ચા કરતાં રસપૂર્વક એનું કરેલું સંશોધન એણે લખેલાં લેખ. પુરાત્વ સ્થાપ્તય કંડારાયેલી મૂર્તિઓ એનાં અંગેની ઊંડી રસ્પરદ વાતો સાંભળતાં અંદરનો અંદર એમને સ્તવન માટે માન હતું એ સ્તવન પોતે પણ અનુભવતો.

       સ્તવને સ્વાતીએ આપેલી સુંદર ભેટ એનાં હાથમાં પહેરી હતી આજે સ્વાતીને મળશે ત્યારે એ ધડીયાળ એનો પરચો બતાવશે એમ વિચારી મનોમન હસું આવી ગયું. એને થયું મેં એનાં પિતાને જોયાં છે રૂબરૂ મળ્યો છું પરંતુ આ મુલાકાત સાવ અનોખી હશે. સ્વાતીનાં મોઢેથી તાઉજી વિશે ઘણું સાંભળ્યું છે અસલ રજપૂત છે. એમનો શહેર સમાજમાં ઘણો કડપ છે. એમનું માન છે. એમનો ક્રોધીત સ્વભાવથી બધાં દૂરજ રહે છે. પરંતુ સ્વાતી માટે અમાપ લાડ છે ખૂબ લાડ લડાવીને રાખે છે. એમનાં કુટુંબમાં એકમાત્ર સ્વાતી જ સંતાન છે. એટલે નાનપણથીજ ખૂબ લાડકોડમાં ઉછરી છે. તાઉજીની આખી કોઠીમાં સ્વાતી વધારે સમય રહી છે. પોતાનાં પિતાની અલગ કોઠી હોવા છતાં એ મોટાં ભાગે તાઉજી સાથેજ રહી છે. પિતાજી જયારે જયારે કામકાજ માટે બહાર જતાં ત્યારે એ તાઉજી પાસે જતી રહેતી, ત્યાંથી કહેણજ આવી જતું કે સ્વાતી બીટીયાને અહીં મોકલજો. મોહીનીબા ના નથી પાડી શકતા ક્યારેય મોહીનીબા એમનાં પિતાનાં ઘરે જાય ત્યારે સ્વાતી એમની સાથે ન  જતાં તાઉજીનાં ઘરે આવી જતી.

       સ્વાતી કહેતી કે મને તાઉજીનાં ઘરેજ ગમતું માં નાની કે મામાનાં ઘરે લઇ જવાં કહે મને ગમતુંજ નહીં. ત્યાં મામાને ઘરે બધાં બહુ... એમ કહેતી અટકી ગયેલી અને પછી વાત વાળીને કહેતી મામાં ના ઘરે મામીનાં ઘરનાં પણ રહે મને એ બધાં સાથે ક્યારેય ફાવતુજ નથી ફક્ત થોડું ધણું શક્તિમામાની દીકરી તનુશ્રી સાથે ફાવે.

       સ્તવન વિચારવા લાગ્યો. આ વખતની મારી મુલાકાતમાં સામાજીક બધુંજ સમજાઇ જશે. ઘણાં વિચારો પછી એ સ્વાતીમય થઇ ગયો. એણે ફોન જોડયો. હાય ડાર્લીંગ.. સ્વાતીએજ ફોન ઉચક્યો કેમ તમે હજી ઊંધી નથી ગયા ? મેં એટલે સમજીને ફોન નથી કર્યો. સ્તવન કહે તારી યાદ મને સૂવા નથી દેતી બસ હવે આ સમય પુરો થાય તને ક્યારે આવીને જોઊં એનીજ રાહમાં છું.

       સ્વાતી કહે મારો સમય પણ નથી જતો સવાર થવાનીજ રાહ જોઊં છું મને પાપા કહે આપણે સ્ટેશન જઇશું. પછી માં એ કીધું ના નથી જવાનું એકવાર એમને અહીં આવવા દો આપણે મળી લઇએ આમ પણ એ પહેલાં પેલાં દેવધરકાકાને ઘરે જશે. પછી એ લોકોને અહીં આવવા દો. પછી બધાં વ્યવહાર વિચારજો. મને એવો ગુસ્સો આવ્યો ને મારી ઇચ્છા ઉપર માં એ ઠંડુ પાણી જ રેડી દીધું મારા સામે પાપાએ જોયું મારું ઉતરેલું મોં જોઇ કહ્યું "અરે મારી પરી હવે કાલનો જ દિવસ છે એમ કહી હસી પડ્યાં. સ્તવન હું માંબાબાને ખૂબ પ્રાર્થના કરી રહી છું ખૂબ સરસ રીતે બધું ચાલી રહ્યું છે ખૂબ આશીર્વાદ છે એમનાં બસ આપણાં પ્રેમને કોઇની નજર ના લાગે બધુ સારું સારુ થાય ત્યારે પણ આવાં વિચાર આવી જાય મને..સ્તવન કહે "અરે ગાંડી હવે કેમ એવાં નેગેટીવ વિચાર કરે ? હવે તો શું થવાનું ? માં બાબાનાં આશીર્વાદ સંપૂર્ણ જ છે. સ્વાતી કહે "સ્તવન કઇ જ નહીં થાય કે નહીં જ થવા દઇએ.. પણ એક વાત કહું? મારાથી નહીં રેહવાય કીધાં વિના.. સ્તવન કહે શું છે ? સ્વાતી કહે" માં અને મામા ફોન પર વાત કરતાં સાંભળ્યા છે મેં.. આમ કંઇ ચિંતા નથી પણ... સ્તવન કહે" પણ તું કેમ અટકે ? હવે મારી ધીરજ નથી રહેતી જે હોય એ સ્પષ્ટ કહી દેને. સ્તવન પાપા, તાઉજી બધાંજ ખૂબ ખુશ છે. તમે તમારી કૂંડળી જન્માક્ષર લાવ્યા છો ને ? સ્તવન કહે બધુજ વૈદીક ગણત્રીવાળા લાવ્યો છું પણ મૂળ વાત શું છે એ કહેને ? સ્વાતી કહે "શક્તિમામાની ઇચ્છા હજી મારું સગપણ એમનાં સાળા સુંદરસિહ સાથે કરવાની ઇચ્છા હતી એવું માં ને કહેતાં હતાં માં એ કહ્યું "ભાઇ એ છોકરીનાં નસીબમાં હશે ત્યાંજ સગપણ થશે હવે આવું વિચારવું કંઇ અર્થ નથી અને સુંદર સાથે તારાં બનેવી સગપણ માટે ક્યારેય નહીં માને. એ છોકરો... પછી મને આવતી જોઇને વાત બંધ કરી પણ મેં બધું જ સાંભળી લીધેલું પછી વધુ વાત કર્યા વિનાં ફોન બંધ કરેલો. એ સુંદર નહીં ઊંદર છે. સાવ નકામો રખડેલ છે પાપા કે તાઉજી કયારેય માનેજ નહીં. મને તો ઇશ્વરે બચાવી છે તમને મોકલીને મારો તો ગીરધર ગોપાલ બસ તુંજ દૂસરો ના કોઇ... ઠીક છે તમે ચિંતા વિના હવે સૂઇ જાવ. હું પણ સૂઇ જાઊં ઉજાગરો નથી કરવો કે કરાવવો કાલે એકદમ તાજામાજા મળીશું એમ કહી લચ્ચુ હસીને બાય લવ યુ કહીને ફોન મૂકી દીધો.

       સ્તવન થોડો વિચારમાં પડી ગયો પછી ચહેરા ઉપરથી ચિતાંની રેખાઓ અદ્રશ્ય થઇ કે સ્વાતીનાં પિતાજી અને તાઉજીની પસંદ હુંજ છું સામાજીક કંઇ વિચાર્યા વિના પણ મને મળ્યાં પહેલાં જ સંબધનો સ્વીકાર કરવો એ ઇશ્વરની મહેરબાની છે અને એમ સ્વાતીનાં શમણાં જોતાં જોતાં ક્યારે આંખ મીંચાઇ ગઇ ખબરના પડી.

*********

       નીરુબહેન અને પરવીન સામગ્રી અને લાવવાની ચીજોનું લીસ્ટ લઇને ટેક્ષીમાં બજારમાં જવા નીકળી ગયાં. પરવીનને એમની સાથે પૂજા સામગ્રી વિગેરે લેવા જવાનો આનંદ અને સાથે આશ્ચર્ય તથા સંકોચ પણ હતો. પરંતુ નીરુબહેન એની સાથે નાની બહેનને લઇને નીકયા હોય એમજ ખૂબજ સારા વર્તાવ સાથે એની સાથે વાતો કરી રહ્યાં હતાં પોતાના પતિ સાથે પરવિનને સંબંધ છે એવું કયારેય જતાવ્યું નહીં. ધીમે ધીમે પરવીનનો સંકોચ પણ દૂર થઇ ગયો એ પણ જાણે ખાસ સખી સાથે નીકળી હોય એમ વર્તવા લાગી. નીરુબહેન લીસ્ટ પ્રમાણે એ બજાર લઇ જવા ટેક્ષીવાળાને કહેલુ ટેક્ષીવાળો એ પ્રમાણે લઇ આવ્યો એને રાહ જોવાનું કહી નીરુબહેન પરવીન સાથે બજારમાં આવ્યા એક મોટી દુકાનમાં આવીને લીસ્ટ પકડાવી દીધું પેલાએ કહ્યું બધુંજ મળી જશે આપ થોડીવાર વેઇટ કરો. નીરુબહેને પરવીનને કહ્યું "પરવીન મને મારી સરયુ સાજી થઇ જાય એનાંથી વિશેષ કંઇજ નથી જોઇતું મને મારા જીવનમાં હવે સરયુ સિવાય કંઇ જ નથી જોઇતું પરવીન એમની સામે જોઇ રહી કંઇ બોલી નહીં. નીરુબહેન એ કહ્યું પરવીન હું બીજી કોઇ રીતે નથી કહેતી પણ સરયુજ મારાં કેન્દ્ર સ્થાને છે. પરવીને નીરુબહેનનો હાથ હાથમાં લઇ આશ્વાસન સૂરે કહ્યું" તમારી બધી વાત સમજું છું હું પણ બેબી માટે સદાય દુઆ કરુ છું. મને પાક્કો વિશ્વાસ છે બેબી એકદમ સારી અને સ્વ્સ્થ થઇ જશે. આટલી સારાં સાચાં દીલની આપણી દીકરી.. એનું ક્યારેય ખોટું નહીં થાય નીરુબહેને નોંધ્યુ કે એ આપણી દીકરી બોલી. છતાંય એમણે કહું હાં મને એજ છે કે આપણી સરયુ એકદમ સાજી થઇ જાય.

       પરવીન આજે હું કબૂલુ છું કે તારી અહીં હાજરી મને હૂંક આપે છે. મને સારું લાગે છે. અહીં મારાં પીયરનું કોઇજ નથી મારો એકજ ભાઇ છે જે વિદેશ સ્થિર થયો છે આજે તારી અમારાં માટેની લાગણી અને કાળજી એ મારું દીલ જીતી લીધું છે અને સ્પષ્ટ શબ્દોમાં કહું તો ... મે તારો દીલથીજ સ્વીકાર કર્યો છે. નવનીત સાથે મારે જે વિચારભેદ કે મનભેદ અને ફરિયાદ છે એ એની જગ્યાએ છે અને રહેશે પરંતુ સાથે સાથે તારો સંબંધ તારા તરફે મેં સ્વીકારી લીધો છે એજ આપણાં બધાં માટે યોગ્ય નિર્ણય હશે.

       પરવીને ફરીથી નીરુબહેનનો હાથ પકડી લીધો અને દુકાનમાં બધાની ભીડ વચ્ચે પણ કોઇ સંકોચ વિનાં સરયું બહેનનાં પગે પડી ગઇ અને બોલી દીદી આજે હું... ખૂબ અને એ ખૂબ રડી પડી. નીરુબહેને એને ઉભી કરીને ગળે વળગાડી, પરવીને કહ્યું" દીદી હું પણ બધુંજ સમજું છું. મેં પણ મર્યાદા…... એ આગળ બોલે પહેલાં નીરુબહેન કહે" ચલ છોડ હું પણ સમજુ છું આ નસીબનો ખેલ છે હશે આપણાં એકમેકનાં સાથે લેણદેણ પરવીન નીરુબહેન સામે જોઇ રહી. નીરુબહેન પૂરી નિખાલસતા અને પુરી સચ્ચાઇ સાથે સ્વીકારી રહેલાં એણે અનુભવ્યું નીરુબહેનનાં હાથમાં એક અજબ ઉષ્મા એણે અનુભવી. નીરુબહેન કહે" પરવીન મેં તારો સ્વીકાર કરીને મારોજ સ્વાર્થ જોયો છે. તને ખબર છે ? મેં જ્યારથી જાણેલું તારાં એમની સાથેનાં બંધાંજ સંબંધ મે ખૂબજ દુઃખ અનુભવ્યું કેટલોય સમય મેં ખૂબ પીડા અનુભવી અને મને ખૂબજ ગુસ્સો આવેલો તારાં ઉપર સરયુનાં પપ્પા પર પણ સમય જતાં ધીમે ધીમે હું... ઠીક છે પણ સ્વીકાર કર્યા પછી હું અત્યારે એકદમ શાંતિ અનુભવી રહી છું જાણે હવે મને કોઇ ફરકજ નથી પડી રહ્યો. હું મારાં મનથી પીડાતી નવનીતને મારાં હાથમાં રાખવાં માંગતી પણ આ નસીબનાં ખેલ છે બધુ જ હાથમાં રાખીને પણ એ તો ના જ રહ્યાં. કાયમ ખોટાં કારણ ખોટાં બહાનાં એમાં મને તો બધીજ સાચી ખબર હતી અને કાયમ અમારે કચ કકળાટ થતો. પણ જાણે આજે બધાંજ ઉપર પૂર્ણવિરામ મૂકાઇ ગયું. તારી આપણાં કુટુંબ સાથે વફાદારી જે અમારો કુટુંબમાંથી આપણાં સુધીની તારી સફર મેં જોઇ અનુભવી છે એટલે જ તારો દીલથી સ્વીકાર કર્યો છે.

       નીરુબહેન આગળ કહ્યું" એક સાચી વાત મને સમજાઇ ગઇ છે. કે આવા સંબંધોમાં તમારી જીદ, મરજી કે અનુગ્રહ ક્યારેય કામ નથી કરતો.. આ ઋણાનુબંધ છે. જેવું જેટલું હોય એજ એનાં ભાગ્ય પ્રમાણે ભોગવટો હોય એ મેં સ્વીકારી લીધું છે. આ મારાં ગુરુજી મને કાયમ કહે "નીરું તારો અનુગ્રહ કામ નહી કરે આ ગ્રહ  બધાજ ગ્રહથી મોટો છે અનુગ્રહ એ કામના કરે ભલે ઋણાનુબંધ ઉપર જ છોડવાનું આજ સુધી પુરાણોક્ત સમયથી સાબિત થતું આવ્યું છે કે ઋણાનુંબંધ - નસીબ-ભાગ્ય - ભોગવટો સામે ક્યારેય આપણી જીદ કે અનુગ્રહ ક્યારેય ના ચાલે. આજે મારાં આ સ્વીકારથી મને કંઇક અજબ શાંતિ મળી રહી છે.

       અને તને ગુરુજીએ ઓળખી છે તારી સાથેજ એ અહીં આવ્યા છે. એમની સાથે પણ મારે તારી વાત થઇ હતી. મેં કહ્યુંજ કે હા આ એજ પરવીન છે. એમણે કહ્યું મને કે... પછી નીરુબહેન અટકી ગયાં. એટલામાં વેપારીએ કહ્યું. તમારાં લીસ્ટ પ્રમાણે બધીજ ચીજ વસ્તુઓ તૈયાર છે. તમે લઇ લો ગાડીમાં મૂકાવી દો. પરવીન પૂછવા ગઇ કે શું ? પણ નીરુબહેન પછી પૈસા ચૂકવી કાર તરફ આવ્યા. પરવીનનાં મનમાં પ્રશ્ન થયો કે.. બોલીને શું કહેવા ગયાં અને અટકી ગયાં પણ એ  તરતજ કામમાં પરોવાઇ. ટેક્ષી ડેકીમાં બધુ મૂકાવીને નીરુબહેનને ડ્રાઇવરને સીટીપેલેસ લઇ જવા કહ્યું. થોડીવાર ચૂપ રહ્યાં પછી પરવીનની ધીરજ ના રહી એણે પૂછીજ લીધું દીદી તમે કેમ બોલીને અટક્યા પછી કામમાં વળ્યાં. મને કહોને શું વાત છે ?

       નીરુબહેને એની દિલચસ્પી જોઇ હસવું આવી ગયું અને બોલ્યાં એવું કંઇ નથી કે તને હવે ના કહ્યું ગુરુજીએ તને જોઇનેજ તારું મને કહેલું કે નીરુ જ્યારે આવાં સંબંધો ફક્ત પૈસા કે શરીર સુખ માટેના હોય અને જીવથી સંબંધ બંધાય ત્યારે એ ગત જન્મનાં અધૂરા સંબંધો પૂરા થતાં હોય છે એને કોઇ અટકાવી કે મીટાવી ના શકે તું એનો સ્વીકારજ કરી લે ભલે આ દીકરીએ બીજાં ધર્મમાં જન્મ લીધો છતાં એ કોઇને કોઇ રીતે નવનીતનાં સંપર્કમાં આવી અને સંબંધ ફરી બંધાયોજ આમાં બેમાંથી કોઇનો કોઇ પ્લાન આયોજન નહોતું ઘણાં કર્મકાજે ભાગ્યથી ભેગાં થયાંજ. આજે તું તારી દીકરીનું ધ્યાન રાખે સાચવે એનાથી બમણું એ રાખે છે. એટલે વિકાર વાળો સંબંધ નથી એટલે તું તારી શાંતિ માટે પણ સ્વીકારી લે. બસ એ પછી મેં ખૂબ વિચાર કર્યાં. સરયુનાં વિચારો સાથે મેં ત્રણ ત્રણ આખી રાત્ આમાં કાઢી છે. અને તારી સાથેની આ વાત કરવાંજ મેં તને સાથે લીધેલી.

       પરવીનની આંખો ફરીથી ભરાઇ આવી એ કંઇજ બોલી ના શકી પણ નીરુબહેનને હાથ હાથમાં લઇ ધૂસકે ધૂસકે રડી રહી. ત્યાં ટેક્ષી સીટીપેલેસનાં વિસ્તારમાં પ્રવેશ કરી ગઇ.

**********

            નીરુબહેન અને પરવીન તો બધી સામગ્રી ખરીદી કરીને પેલેસનાં મહાદેવ દેવાલયમાં સીધાંજ મૂકવા ગયાં હતાં. આ બાજુ ડો.ઇદ્રોશને સાથે રાખીને સ્વામી બાલકનાથજી સરયુનાં રૂમમાં આવ્યાં ત્યાં નવનીતરાય અવની સરયુની પાસે હતા ડો.ઇદ્રીશનાં પત્ની ગુરુજીએ સોંપેલ કાર્ય કરી રહેલાં હતાં.

       અવનીની નીગરાનીમાં સરયુ એકદમ સુરક્ષિત હતી સરયુ વારે વારે કંઇને કંઇ અવનીની સાથે વાતો કરી રહેલી હમણાં એ ક્યારની ટુર પર આવેલા એવીજ એકદમ સ્વસ્થ થઇને વાતો કરી રહેલી. અવનીને એટલી નવાઇ લાગી રહી હતી કે જાણે સરયુને કંઇ થયુંજ નથી કોઇ તકલીફ જ નથી. એણે આશા અંગે પૂછ્યું તો અવનીએ કહ્યું એ ટુરમાં જોડાઇને પાછી સુરત જવા નીકળી ગઇ છે. સરયુંએ કહ્યું" ઓ હો સુરત ચાલી ગઇ એ હાં એણે કહ્યું હતું એને કોઇ છોકરો જોવા આવવાનો હતો અને એ સરયુ આગળ બોલે ત્યાં ડો.ઇદ્રીશ ગુરુજી સાથે સરયુનાં રૂમમાં આવી ગયાં નવનીતરાય સરયુની સામેનાં બેડ પર બેઠાં બેઠાં એની વાતો સાંભળતાં હતાં.

       ડો.ઇદ્રીશ અને ગુરુજી એકદમ શાંતિ રાખીને સરયુની સામે બેઠાં સરયુ વાતોમાં મશગૂલ હતી. આશા અંગે કહી રહી હતી અને ગુરુજીએ એની વાતનો દોર પકડીને કહ્યું હાં દીકરા આશાનો અને તારો પણ વિવાહ નક્કી કરવાનો છે ને. સરયું એકદમજ ગુરુજીની સામે જોવા લાગી એને થયું મારાં વિવાહની વાત ગુરુજીને કેવી રીતે ખબર પડી ? એણે થોડીવાર ગુરુજીની સામેજ જોયાં કર્યું. એણે સરયુનાં સ્વરૂપે વાત કરી હતી અવનીને અને ગુરૂજીએ ગત જન્મનાં સ્વાતીની વાત કાઢી. સરયુ બંન્ને વિધાનોનું સંતુલન મેળવે એ પહેલાં ગુરુજીએ કહ્યું "હાં દીકરા સ્વાતી અમે તારાંજ વિવાહની વાત કરીએ છીએ. સરયુ એકજ ધ્યાનથી ગુરુજીની વાત સાંભળી રહી.

       ગુરુજીએ સરયુની આંખમાં આંખ મિલાવી સતત એક ત્રાટક નજરે જોયાં જ કર્યું. ગુરુજીએ સરયુને આંખોનાં ત્રાટકાઇ સંમોહન વિદ્યા અજમાવીને સરયુને કહ્યું સ્વાતી..... સ્વાતી.... સરયુ ધીમે ધીમે ગુરુજીનાં શબ્દોમાં વશ થઇ રહી હતી. ગુરુજીએ ડો.ઇદ્રીશની સામે જોયું. ડો.ઇદ્રીશે સંમતિ સૂચક ડોકું ધુણાવ્યું. ગુરુજીનાં ચહેરા પર કોઇ હાવભાવમાં ફેરફારના થયો એમણે પાછું સરયુને જોઇને આગળ કહ્યું સ્વાતી તારાં વિવાહની અમે તૈયારી કરીશું. સરયુએ થોડી અધખૂલી આંખોએ કહ્યું હા સ્તવન આવવાનાં છે સ્તવન આવવા નીકળી ગયાં છે. અહીં આવશે અમે મળીશું. પંડિતજીએ અમારાં જન્માક્ષર મેળવવાનાં છે સ્તવન મને કહેતાં હતાં એમણે જન્માક્ષર મેળવાવી લીધાં છે. ખૂબ સરસ મળે છે કોઇ ચિંતા નથી પણ.. એક કોઇ વિધી કરાવવાની છે એ અહીં આવીને કરાવી લેશે.

       ગુરુજીએ કહ્યું "જન્માક્ષર મળે છે તો પછી શેની વીધી સરયુએ કહ્યું "એ આવીને કહેશે મને નથી ખબર પરંતુ મારે તે પહેલાં સ્તવનને જોવાં છે. સ્તવનને મળવું છે. મારે એમની સાથે વાતો કરવી છે. મારે એમને ઘણું કહેવું છે. અમારાં વિવાહ થઇ જાય પછી તુરંતજ દર્શન કરવા જવું છે. અમારી ખાસ પંચત્વની જગ્યા છે ત્યાં કુદરતનો આભાર માનવાનો છે અમારાં માટે એજ સાક્ષાત ઇશ્વર છે. ક્યાં છે સ્તવન ક્યારે આવશે. ? સરયુ એક સાથે બહુ બધું બોલી ગઇ અને પછી હાંફવા માંડી. થોડીવાર એ સતત શ્વાસ લેવા રોકાઇ.

       નવનીતરાય દોડીને સરયુની પાસે આવી ગયાં. એમણે ગુરુજીની સામે જોયું પછી ડો.ઇદ્રીશની સામે, ગુરુજીએ નવનીતરાયને ઇશારાથી શાંત રહેવા કહ્યું અને બોલ્યાં કોઇ ચિંતા ના કરો બધુ બરાબર ચાલી રહ્યું છે. સરયુ થોડીવાર શાંત થઇ ગઇ. ડો.ઇદ્રીશને આશ્ચર્ય થયું કે સરયુ આટલી જલ્દી કાબુમાં આવી ગઇ ? પછી મનોમંથન કર્યા પછી જાતેજ નિવારણ શોધ્યુ કે સરયુતો સ્વાતીમાંજ જીવે છે અને આ જન્મમાં પણ લક્ષ્ય તો સ્વાતીનાં જન્મનાં સાથી સ્તવનનું જ છે.

       ગુરુજીએ સ્વાતીને સંબોધતાં હોય એમજ સરયુને કહ્યું તારે સ્તવનને મળવું છે ને ? સરયુએ કહ્યું "હાં સ્તવનને જ મળવું છે. હું કયારની એની જ રાહ જોઉં છું હમણાં તો મને દેખાયા હતાં પાછાં ક્યાં ગયાં ? ગુરુજીએ કહ્યું હમણાં દેખાયા હતાં ? સરયુ કહે હાં મે હમણાંજ એમને અહીં જોયાં છે. કેમ મારી સામે નથી આવતાં ? મારી સાથે વાત નથી કરતાં ? મને ખૂબજ તડપાવે છે હવે આશ્ર્યર્ય પામવાનો વારો ગુરુજીનો  હતો. એમણે આંખો બંધ કરી અને ધ્યાનમાં જતાં રહ્યા. થોડીવાર એમનાં શ્વાસો શ્વાસ ધ્યાનમાં પ્રાણાયામ કરતાં હોય એમ ચાલ્યાં. પછી એમનાં જ શ્વાસ ખૂબ જોર જોરથી ચાલવાં લાગ્યાં. એમણે એકદમ આંખો ખોલી. એમની મોટી મોટી આંખો વિસ્ફારીત થઇ ગઇ અને આંખો સામે કંઇ જોઇ રહ્યા હોય એમ એક જ નજરે સ્તવનને જાણે જોયો એમની ઉઘાડી વિસ્ફારીત આંખોમાંથી પાણી વહેવાં માંડ્યું. એમની વાચા સીવાઇ ગઇ. એમને કંઇક કહેવું હતું પરતું બોલી શકતાં નહોતાં.

       ગુરુજી વિવશ થઇ તે આંખો અને હાથનાં ઇશારાથી બધાને બહાર જવા કહ્યું. એમણે અવનિ, ડો.ઇદ્રીશ, નવનીતરાય બધાને ઇશારાથી બહાર જવા કહ્યું. ડો.ઇદ્રીશ નવનીતરાય અને અવનીને બહાર જવા કહ્યું અને ગુરૂજીની સામે બે હાથ જોડી પોતાને રૂમમાં જ રહેવાં દેવા આજીજી કરી. ગુરુજીએ સંમતિ આપી. કચવાતે મને નવનીતરાય અને અવની બહાર ગયાં.

       ગુરુજીએ કોઇક મંત્રોચાર કરીને કહ્યું કોણ છો.. અને સામેનાં પલંગમાં કોઇ બેઠું છે એવો પાકો આભાસ થયો ગુરુજી સ્તવનનાં ઓળાને સ્પષ્ટ જોઇ શકતાં હતાં. ડો.ઇદ્રીશને આભાસ કરવા કહેતાં હતાં. પછી ગુરૂજીએ કહ્યું હે સ્તવન તારું નામ એજ છે ને ? તું કોઇ પવિત્ર આત્મા લાગે છે. તું શા માટે આ દીકરીને હેરાન કરે છે ? તારી શું ઇચ્છા છે ? તારે કંઇ કહેવું છે આ દીકરી સાથે સંવાદ કર અમને સમજાવ.

       થોડીવાર રૂમમાં એકદમ નીરવ શાંતિ છવાઇ ગઇ કોઇજ અવાજ નહીં અને એકદમ જ સરયુએ બોલવાનુ ચાલુ કર્યું "અરે સ્તવન તમે આવી ગયાં ? હું ક્યારની તમારી રાહ જોતી હતી. સરયુ સ્પષ્ટ એવી રીતે બોલી રહી હતી કે રૂમમાં એ અને સ્તવન બે જણાંજ છે. ગુરુજીને ઓળો સરયુની ખૂબ જ નજીક સરકતા જોયો. સરયુ બોલી "સ્તવન તમારાં મળવાથી મને જાણે અપાર શાંતિ મળી ગઇ છે. તમારાં આ આલિંગનને હું તરસતી હતી સ્તવન હવે મને ક્યાંય છોડીને ના જશો. નહીતર મારો જીવ નીકળી જશે. સ્તવન તમે બોલોને મારે તમને સાંભળવા છે. સરયુ બોલતી રહી...સ્તવન બસ મને આમજ રાખજો મારે ક્યાંય જવું નથી કોઇને મળવું નથી તમારા મય થવામાં તમારાં આજ સાંનિધ્યમાંજ મારું સ્વર્ગ છે. એય સ્તવન... સ્તવન અને ગુરુજીએ જોયું તો સરયુનાં હોઠની હલચલથી એમણે પરિસ્થિતિ જણાવવામાં કોઇ ભૂલ ના કરી. ગુરુજીએ આંખો બંધ કરી પાછો મંત્રોચ્ચાર ચાલુ કર્યો.

       થોડીવારમાં સરયુ પાછી ચીસ પાડી ઉઠી સ્તવન તમે ક્યાં ગયાં ? હમણાં તો તમે મારી પાસે હતાં તમારી બાહોમાં હું છુપાઇ ગઇ હતી. તમારાં શ્વાસની દોરમાં પરોવાયેલી હતી. ક્યા છો. સ્તવન પણ તમારી બાહોમાં રહીને મેં અનુભવ્યું હતુ કે તમે તમે.. સ્તવન તમે આક્રંદ કરી રહેલાં. શું થયું તમને ? કોઇએ તમને કંઇ કીધું ? સ્તવન કેમ તમે કંઇ કહેતા નથી ? આપણે તો વિવાહ નક્કી થયા છે. ક્યાં છો ક્યાં છો ? સ્તવન ક્યાં છો ? સરયું અનહદ આક્રદં કરી રહી, એની આંખો વરસી રહી અને રૂમની બારીઓ ખૂલીને અથડાવા લાગી એકદમ જોરમાં પવન ફૂંકાવા લાગ્યો. ડો.ઇદ્રીશ તો બાઘાની જેમ જોઇ રહ્યો એને ખબરજ ના પડી આ શું થઇ રહ્યું છે. એણે ગુરુજી તરફ જોયું તો ગુરુજીની આંખોનાં ડોળા તગતગી રહેલાં એમની આંખોમાં ક્રોધ હતો પરંતુ વિવશ જણાતાં હતાં. ડો.ઇદ્રીશે સરયુ તરફ જોયુ તો સરયુ પલંગમાં અડધી ઉભી થઇને હાથ ઊંચા કરી કરીને સ્તવન સ્તવન તમે ના જાવ સ્તવન… એ મૂર્છિત થઇને ઢળી પડી.

       ગુરુજીએ સરયુ તરફ જોયું અને ડો.ઇદ્રીશે તરતજ સરયુને ઝીલીને સુવરાવી દીધી. એમની મેડીકલની બેગમાંથી તુરંત એક ઇન્જેકશન કાઢીને સરયુનાં હાથમાં આપી દીધું. ગુરુજીનાં કપાળમાં પરસેવો પરસેવો થઇ ગયેલો. ગુરુજી ઘણા વ્યાકુળ દેખાતાં હતાં. આવો બધો અવાજ સાંભળીને બહાર ઉભેલાં અવની અને નવનીતરાય રૂમનો દરવાજો ખોલી અંદર આવી ગયાં.

       નવનીતરાયે જોયું ગુરુજી કોઇ અજીબ સ્થિતિમાં હતા નવનીતરાયે કહ્યું  "ગુરુજી શું થયું તમે કેમ કંઇ બોલતાં નથી ? મારી સરુયને શું થયું ? ડો.ઇદ્રીશ મારી સરયુને કંઇ થયું નથીને ? ઓકે છે ને ? ડો.ઇદ્રીશે કહ્યું તમે ચિંતા ના કરો મેં ઇન્જેકશન આપી દીધું છે કાંઇ ચિંતાજનક નથી. બાકી તો તમારી જેમ મારે ગુરુજી પાસેથીજ જાણવાનું છે.

       ગુરુજીએ થોડાં સ્વસ્થ થયાં પછી થોડીવાર આંખો બંધ કરીને બેસી રહ્યાં પછી ધીમેથી આંખો ખોલીને કહ્યું "આપણી દીકરી ગયા જન્મનાં કોઇ જીવ સાથે એટલે કે સ્તવન નામનાં યુવાન સાથે જોડાયેલી છે. એનો જન્મ થઇ ગયો સરયુ રૂપે પરંતુ એ યુવાનનો આત્મા હજી અહીંજ ભટકે છે. સરયુની આસપાસ જ રહે છે. આ કોઇ અનોખી ઘટના છે જેનું નિવારણ લાવવું જ પડશે. નવનીતરાય કહે "ગુરુજી જે કરવું પડે કરો મારી સરયુને બચાવી લો. ગુરુજીએ નવનીતરાય તરફ કંઇક એવી રીતે જોયું અને બોલ્યાં એ જીવ પણ ખૂબ પીડાયેલો છે. બંન્નેનું સમાધાન કરીશું.

પ્રકરણ - 23 સમાપ્ત.

       ગુરુજીને બધું જ્ઞાન થઇ ગયું કે સ્વાતી સ્તવનની ગતજન્મની કહાની છે સ્વાતી સરયુ તરીકે બીજો જન્મ લઇ આવી ગઇ સ્તવનનો આત્મા હજી ત્યાંજ ભટકે છે અને એનાં કારણે ... વાંચો આગળ ઊજળી પ્રીતનાં પડછાયાં કાળા પ્રકરણ - 24

 

***

Rate & Review

Verified icon

Swati Kothari 3 weeks ago

Verified icon
Verified icon

Vasu Patel 2 months ago

Verified icon

Vaishali 2 months ago

Verified icon

Bharat 3 months ago