ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... - પ્રકરણ - 24

ઉજળી પ્રીતનાં પડછાયા કાળા

પ્રકરણ-24

              સવારની પહોર થઇ ગઇ. સ્તવન જયપુર પહોંચી ગયો હતો. એનાં પગમાં એનેરો જોશ હતો આજે એ ખૂબ ખુશ હતો. કાયમ જયપુર આવતો પણ આજે આવ્યાનો આનંદ કંઇક અનેરો હતો. ઉતરીને તરતજ સ્વાતીને ફોન જોડયો. “હાય સ્વાતી ગુડમોર્નીંગ માય લવ. સ્વાતી કહે "ઓહો મારા રાજકુંવર આવી ગયાં. ? બસ તમારીજ રાહ જોઇ રહી છું. આજે તો ફક્ત હું નહીં ઘરનાં બધાંજ રાહ જોઇ રહ્યાં છે તમે કેટલા વાગે આવશો ? તમારું જમવાનું પણ અહીંજ છે એટલે તમે મોડામાં મોડાં અગીયાર સુધીમાં આવી જશોને ? પાપાએ પંડિતજીને પણ ઘરેજ બોલાવી લીધાં છે તેઓ 10 સુધીમાં આવી જશે. આપણાં જન્માક્ષર અને કોઇ વિધી કરવાનાં છે સ્તવન કહે શેની વિધી ? હજી મારાં જન્માક્ષર ક્યાં જોયા છે.

       સ્વાતી કહે "અરે વિધી એટલે ઘરમાં સુખશાંતિ અને આપણાં મિલનનાં ગોળધાણાં. સ્તવન કહે ગોળધાણાંતો મારા પપ્પા મંમી આવે પછી હોય. સ્વાતી કહે અરે આનંદનાં અતિરેકમાં કંઇ પણ બોલું મને નથી ખબર પણ કોઇક વિધી છે તમે આવશો એટલે ખબર પડશેજ સ્તવન કહે ભલે "લવ યુ સ્વાતી. ચાલ હું દેવધરકાકાનાં ઘરે પહોંચી પછી નીકળતાં પહેલાં ફોન કરીશ. અને સ્તવને ફોન મૂક્યો.

       સ્તવન દેવધરકાકાનાં ઘરે પહોચ્યો. કાકા વરંડામાં બેસીને રાહ જ જોઇ રહેલાં. સ્તવનને જોઇએ ઉભા થઇ ગળેજ વળગાવી દીધો. આવી ગયો દીકરા ? ચાલ થોડો આરામ કર. તારાં માટે ચા નાસ્તો બધુજ તૈયાર છે. પછી ફેશ થઇને તૈયાર થા મારા પર પૃથ્વીરાજસિહનો ફોન આવી ગયો છે. આપણે અગીયાર પહેલાં પહોંચી જઇશું અને જમવા માટેનું નિમંત્રણ પણ છે. સામે હું ખૂબ ખુશ હું સમજુ સારું ખાનદાન, સંસ્કારી અને સુંદર છોકરી સાથે તારું સગપણ થશે. ચાલ તું પરવાર ત્યાં સુધી હું પણ પાઠ માળા કરીને તૈયાર થઇ જઉ.

       સ્વાતીનાં ઘરમાં પુરી તૈયારીઓ હતી. આજે ના વિવાહનો પ્રસંગ હતો ના કોઇ સગાવ્હાલાને ખબર આપી હતી છતાં ઘરમાં આનંદનો અવસર હતો. તાઉજી અને માણેકબા અહીં હાજર હતાં. પંડિતજી પણ આવી ગયાં હતાં. મોહીનીબા પણ ખૂબ જ આનંદમાં હતાં. પૃથ્વીરાજસિંહતો સવારથી જાણે આજે વિવાહ કરવાનાં હોય એમ તૈયારીમાં લાગી ગયાં હતાં. દેવધરકાકાને ફોન કરી દીધો હતો. મીઠાઇઓ મંગાવી લીધી હતી ઘરમાં હુકુમ કરી દીધેલો જમવામાં અલગ અલગ સ્વાદીષ્ટ વ્યંજન બનાવવા કીધેલ તાઉજીની હાજરીથી ઘરમાં જાણે પ્રસંગ વધુ શોભતો હતો. મોહીનીબા એમનાં ભાઇ શક્તિસિંહ, ભાભી અને તનુશ્રીને બોલાવેલાં ખાસ, આમ બધાને નાં બોલાવતાં નજીકનાંને બોલાવી લીધેલા. તનુશ્રી પણ આજે સ્વાતીને કટાક્ષ અને મજાક કરીને ચીડવી રહેલી. બંન્ને બહેનો ખૂબ ખુશ હતી. પંડિતજી પણ આવીને તાઊજી સાથે ચર્ચા કરી રહેલાં, જેમજેમ સમય પસાર થઇ રહેલો એમ સ્તવનની રાહ જોઇ રહેલાં.

       દેવધરકાકા સાથે સ્તવન પૃથ્વીરાજસિંહની કોઠીએ આવી ગયાં. દેવધરકાકા એમની કારમાં આવેલાં. પૃથ્વીરાજસિંહ અને તાઉજી આંગણમાં આવીને બંન્નેનો સત્કાર કર્યો. તાઉજી પ્રથમજ વાર સ્તવનને જોઇ રહેલાં.

       સ્તવનને આજે સુંદર રજવાડી પહેરવેશ-જરકસી શેરવાની પહેરેલી એનાં ચેહરાં પર ચમકતું તેજ, આંખોમાં આનંદ, અને બ્રાહ્મણનું ગૌરવ અને રોબ હતો. ચહેરો પ્રભાવશાળી શોભતો હતો. તાઉજીતો જોઇજ રહ્યાં એમણે મનમાં વિચાર્યું કે સ્વાતીની પસંદગી કોઇ રીતે ખોટી નથી મારી દીકરીને શોભતો જ છોકરો મળ્યો છે. સ્તવન પ્રથમ તાઉજીને જોઇ અંદાજ આવી ગયો ઓળખી ગયો. એણે પગમાં પડીને આશીર્વાદ લીધાં. તાઉજીએ ઉમળકાથી ઉભો કરી ગળે વળગાવી દીધો. પૃથ્વીરાજસિંહને પણ ચરણ પડી પગે લાગ્યો. એમણે પણ ગળે લગાવી આવકાર આપ્યો. પૃત્વીરાજસિંહને સમજતાં વાર ના લાગી કે તાઉજીએ સંપૂર્ણ રીતે સ્તવનને સ્વીકારી લીધો છે. તાઉજી અને પૃથ્વીસિંહે દેવધર કાકાને પણ નમસ્કાર કરી ઉમળકા ભેર આવકાર આપ્યો.

       ઘરમાં આવીને અંદર સ્ત્રીમંડળ ઉભેલું. મોહીનીબાએ રીતરસમ પ્રમાણે થાળીમાં કંકુ ચોખા પુજા અને દીવો રાખેલો સ્તવનને જોઇને આનંદ પામ્યા. રાજકુંવર જેવો શોભતો છોકરો જોઇ બધાંને ખૂબ આનંદ થયો. સ્વાતી ઘડીકમાં સ્તવનને જુએ ઘડીકમાં ઘરનાં બધાનાં હાવભાવ. એની નજર સ્તવન ઉપરથી ખસતી નહોતી મારો રાજા આવી ગયો. એને એ ખૂબ આનંદ હતો કે બધાનાં ચહેરાં આંખોમાં સ્તવનને જોયાં પછી સ્વીકારી લેવાનો ભાવ હતો આનંદ હતો. એણે મનમાં વિચાર્યું. મારો સ્તવન છેજ એવો બધાને ગમી જાય એવો એનાં રૂપ રંગ રોબથી બધાને આકર્ષિત કરે છે.

       સ્તવન મોહીનીબા અને માણેકબાને નીચે નમી પગે લાગ્યો. મોહીનીબાએ આશીર્વાદ આપ્યા. સ્તવનનાં કપાળે કંકુનું તીલક કરી ચોખાથી વધાવ્યો હાથમાં ગુલાબનાં પુષ્પ આપી આવકાર આપ્યો. માણેકબાએ પણ સ્તવનને જોઇને હાથમાં ટોચકા બોલાવી રૂસણાં ઉતાર્યા નજર ઉતારીને કહ્યું ખૂબ સુખી થાવ.

       સ્તવને પછી શક્તિસિંહ મામા તરફ જોયું એમની આંખોમાં બનાવટી આનંદને ઓળખી ગયો છતાં એ નીચે નમીને તેમને પગે લાગ્યો શક્તિસિંહે વ્યવહાર બતાવવા એને છાંતી સરસો ચાંપ્યો પરંતુ એની સખ્તી એમાં વર્તાઇ ગઇ. પછી મામીને પગે લાગ્યો પરંતુ હાથની મુદ્દા કરી નમસ્કાર કરી પતાવ્યું પછી એકમાત્ર સાળી તનુશ્રી સાથે હાથ મિલાવ્યા. તનુશ્રીએ ખૂબ ખુશ થતાં કહ્યું વેલકમ જીજાજી અને સ્વાતી તરફ આંખ મીચકારી કહ્યું મસ્ત છે. અને હસવા લાગી.

       સ્તવન પંડતિજીને પણ પગે લાગી આશીર્વાદ લીધાં. તાઉજીએ સ્તવનને કહ્યું "આવો અહીં બેસો. અને સ્તવનને સોફા પર જગ્યા બતાવી. તાઉજીએ સ્તવનને કહ્યું "દીકરા ફરી એક વાર ગળે વળગી જા તારા માટે સ્નેહ અને લાગણી ઉપજે છે ફરીથી સ્તવનને છાંતી સરસો ચાંપીને ખૂબ પ્રેમથી આવકાર આપીને બેસાડ્યો.

       શક્તિસિંહથી આ દ્રશ્યો જોવાંતા જ નહોતાં. એ અને એની પત્નિ કચવાતાં મને બધું જોઇ રહેલાં બાજી હાથમાંથી સરકી ગઇ એવું નક્કી થઇ ગયેલું છોકરામાં જોવા જેવું કંઇ હતું નહી કંઇ ટીકા કરવાનું હતું નહી હવે શું કરશું એજ વિચારમાં પડી ગયાં. શક્તિસિંહ ઉંડા વિચારમાં પડી ગયો. પછી કંઇક વિચારીને એ કોઠીની બહાર આવીને તુરંત ફોન જોડ્યો અહીં ઘરમાં આનંદમાં ઓળધોળ આખું કુટુંબ હતું. સ્તવન અને સ્વાતીની ખુશી સમાતી નહોતી. સ્વાતીને પોતાનાં મનમાં મનોરથ બધાં જ પુરા થયેલાં લાગતાં હતાં સ્તવને પણ બધાંજ પૂર્વગ્રહો દૂર થઇ ગયાં હતાં એને સંપુર્ણ સ્વીકારવામાં આવી રહેલો. અને શક્તિસિંહ આ બધીજ ખુશી અને આનંદ પર પાણી ફરી વળતાં એ  વિધ્ન નાંખવાનાં ઇરાદા કરી રહેલો. બહાર જઇને એણે મદનસિંહ અને પછી સુંદરસિંહ સાથે કંઇક વાત કરી અહીંની સ્થિતિ વર્ણવી. સુંદરસિંહનાં મનમાં અને દીલમાં હળાહળ આગ સળગી ઉઠી. એણે શક્તિસિંહને ફોનમાં કહ્યું. શક્તિસિંહ એટલું જ બોલ્યો સુંદર પણ તું ક્યાંય વચ્ચે ના  આવતો બારોબાર સોંપી દેજે. કોઇ ઉતાવળ નહીં હું તને જાણ કરીશ હું તને કરવા માટે કહું એ પછીજ તારે એકશનમાં આવવાનું તારાં સ્વભાવ પ્રમાણે વર્તતો નહીં. નહીંતર તું બધાને મુશ્કેલીમાં મૂકીશ. અને તાકીદ કરીને શક્તિસિંહે ફોન મૂક્યો.

*********

            નીરુબહેન અને પરવીન ખરીદી કરી સામગ્રી બધીજ સીટીપેલેસ મહાદેવનાં મંદિરમાં પહોચતી કરીને પાછા આવી ગયાં ત્યાં સૌરભસિંહ હતાં એટલે બધી વ્યવસ્થા થઇ ગઇ અને વાત પણ થઇ ગઇ એટલે નિશ્ચિંન્ત થઇને પાછા આવી ગયાં. આવીને સરયુ અંગે બધી વાત અવની પાસેથી જાણીને થોડાં ગભરાયાં અને ચિંતામાં પડી ગયાં. એ તુરંતજ સ્વાતીજી પાસે પહોંચી ગયાં. સ્વામીજી મહાદેવને મંદિરે બધુ પહોચાડી દીધું અને બધી વ્યવસ્થાની વાત કરીને પૂછ્યું ગુરુજી મારી દીકરીને શું થયેલું ? એને સારું થઇ જશે ને? મને ખૂબ ચિંતા થાય છે ગુરુજી કહે કોઇ ચિંતા ના કરીશ દીકરી... હવે મારી જવાબદારી એનો ગતજન્મનો સંબંધ એટલો ગહેરો અને મજૂબત છે કે એ જીવ સાથે જન્મ પછી પણ બંધાયેલી છે. હવે બધું મને જાણવા મળી ગયું છે તું નિશ્ચિંન્ત રહેજે. બધાં સારાં વાના થશે આપણે ગુરુવારે એટલે કે પરમદિવસે વીધી વિધાન કરીને બંન્ને આત્માઓને શાંતિ કરવા ઉકેલ લાવી મુક્ત કરાવીશું પેલો આત્મા ભટકે છે એને ગતિ કરાવીને મુક્ત કરીશું પછી કોઇ અગવડ નથી સરયું એકદમ શાંત અને સારી થઇને મુક્ત થશે એટલે ઇશ્વરને પ્રાર્થના કરવાની કહ્યું સારુંજ થાય.

       નીરુબહેન કહે હું ક્ષણે ક્ષણે પ્રાર્થના કરું છું બસ મારી દિકરી એવા કોઇ બંધનમાં ના રહે મુક્ત થાય અને એ સંપૂર્ણ સાજી થઇ જાય. ગુરુજી કહે એમજ થશે તું અત્યારે ચિંતા મુક્ત થઇ જા અને દીકરીનું ધ્યાન રાખ. નીરુબહેન આશ્વાસન લઇને સરયુનાં રૂમમાં આવ્યાં.

       સરયુ, અવની અને નીરુબહેન બેઠાં હતાં સરયુ શાંતિથી નીંદર લઇ રહેલી. ડો.ઇદ્રીશ અને એમનાં પત્નિ એમનાં રૂમમાં હતા. ગુરુજી એમનાં રૂમમાં ધ્યાનમાં બેઠાં હતાં પરવીન અને નવનીતરાય નીચે હોટલનાં મુલાકાત રૂમમાં બેઠાં વાત કરતાં હતાં.

       પરવીને નવનીતરાયને કહ્યું "સર આજે મારું મન એટલું શાંત અને નિશ્ચિંત છે કે જાણે જીવનની બધીજ ખુશી મળી ગઇ. નવનીતરાયે કહ્યું તારો ચહેરો ચાડી જ ખાય છે કે તું ખૂબ ખુશ છે. કેમ શું થયું ? નીરુ જોડે કંઇ વાત થઇ ? કેવું રહ્યુ એની સાથે પરવીન કહે અરે અરે ધીરજ રાખો કહું છું બધુજ. હા. દીદીએ મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એમણે મારો સ્વીકાર કર્યો છે. તમારા સાથેનાં સંબંધનો સ્વીકાર થયો છે એ જાણીને મને ખૂબ આનંદ છે કે હવે તમને કોઇ ઘરમાં કચ, કકળાટ, ઝઘડા, કટાક્ષનો સામનો નહીં કરવો પડે નહીં ક્યારેય ક્ષોભ કે સંકોચ અનુભવવો પડે. મને ખુબજ સારું લાગી રહ્યું છે. એમણે એવું પણ કીધું મારાથી એમને પણ હુંફ લાગે છે હું એમનો આભાર માનું ઓછો છે હું એમનાં પગમાંજ પડી ગઇ હતી કે મારો સ્વીકાર થયો મારી લાગણી અને ભાવને એ સમજ્યા છે. અને એટલે હું ખૂબ આનંદમાં છું.

       નવનીતરાયે પરવીનનો હાથ ચુમી લીધો પછી બોલ્યાં. પરવીન એ તારી પાત્રતા અને લાયકાત છે. તારાં આનંદમાંજ મારો આનંદ સમાયો આજે હું પણ ખુબજ ખુશ છું નીરુનાં સ્વીકારથી બધાંજ અંતરાય પ્રશ્નનઓ સુલટાઇ ગયાં સારું થયું ચાલો હું નિશ્ચિંત થઇ ગયો. અને બંન્ને જણાં એકબીજાની આંખમાં આંખ મિલાવી પ્રેમ અમી પી રહ્યાં.

       સ્તવન ઘરમાં આવ્યો ત્યારથી સ્વાતી તરફ નજર નહોતો કરી શક્યો આજે સ્વાતી સામે જોવામાં સંકોચ અનુભવતો હતો એની નજરને કોઇની નજર જુએ નહીં એની સાવચેતી રાખતો હતો. ઘરનું સ્ત્રી મંડળમાં કયાંક ઉભી છે એટલો એહસાસ હતોજ પરંતુ જોઇ નહોતો શક્યો. બધાને પગે લાગ્યાં પછી તાઉજીએ સોફા પર સ્થાન આપ્યું અને એ બેઠો ત્યારે એની સીધીજ નજર સ્વાતી ઉપર પડી. આજે સ્વાતી સ્વર્ગની અપ્સરા કરતાં સુંદર લાગી રહેલી. એણે પણ એલોકોનો જોધપુરી લીબાસ પહેરેલો આજે રાજકુંવરીનો જાણે સ્વયંવર છે અને એ સ્વયંવરમાં રાજકુવરીને જીતી ગયો છે. રાજકુંવરીએ એને પસંદ કરી લીધો છે. ઘૂંટણ સુધી આવતાં લાંબાવાળ, અતિસુંદર ચહેરો. મોટી આંખો સુરેખ સુંદર નશીલા ગુલાબી હોઠ ખુબસૂરત ચિબુક અને સપ્રમાણે દેહ એની નજરજ ખસતી નહોતી એણે બધી શરમ બાજુમાં મૂકીને એકસરખી ટગર ટગર નજરે સ્વાતીનેજ જોઇ રહેલો. એને મનમાં વિચાર આવ્યો ક્યારે આ બધી વ્યવહારીક વિધીઓ પતે અને હું સ્વાતીને મળું એને બાહોમાં ભરી લઉ. સ્વાતી પણ સ્થિર નજરે બસ સ્તવનનેજ જોઇ રહી હતી. બંન્ને પ્રેમજીવ એકબીજાને આંખોથી પી રહેલાં. બાજુમાં ઉભી રહેલી તનુશ્રીએ સ્વાતીની કેડમાં ચૂંટી ભરી છતાં સ્વાતી બસ જોઇજ રહી. તનુશ્રીએ ફરીથી જરા જોરથી ચૂંટી ખણી ત્યારે સ્વાતીએ ઓહ કહીને પૂછ્યું શું થયું ? તનુશ્રી કહે ઓ મારી બહેનાં બંન્ને જણાં આમ એકમેકને જોયા કરો છો. બધાં તમનેજ જુવે છે. તનુશ્રીના શબ્દો સાંભળી સ્વાતી આજુબાજુ બધે જોયું અને શરમાય ગઇ. પાછી બધાની નજર ચુકાવી સ્તવનની સામે જોઇને કહ્યું "પેલું ક્યાં છે ? હાથની સાઇન કરી કાંડુ બતાવ્યું સ્તવન સમજી ગયો કે સ્વાતી એણે આપેલી ઘડીયાળની વાત કરે છે. સ્તવને શેરવાનીની બાંય ઉંચી કરીને ઘડીયાળ બતાવ્યું સ્વાતીએ હાંશનો ઇશારો કર્યો પછી આંખો મોટી કરી ફરીથી ઇશારામાં કીધું ચાલુ છે કે નહીં ? હવે સ્તવનને સમજાયું નહીં સ્તવને ઇશારો કરી મોબાઇલમાં મેસેજ લખવા કહ્યું.

       તાઉજી અને પૃથ્વીરાજસિંહ બધાં થોડી વાતોમાં પરોવાયેલા દેવધરકાકા સાથે એટલામાં ચાન્સ લઇને સ્તવને મોબાઇલમાં મેસેજ જોયો. સ્વાતીએ કીધું ઘડીયાળ પહેરી છે જોયું પણ તમે આવ્યા મારી ઘડીયાળે એનાં સંકેત રીસીવ કર્યો પરંતુ બઝર ના વાગ્યું તમે ઓફ રાખ્યું છે? સ્તવને તરત ઘડીયાળ જોયું ઘડીયાળ ચાલુજ પરંતુ બઝર ઓફ હતું એણે ઓન કર્યુ એવું બઝર ચાલુ થયું એણે રીસીવ કર્યું એટલે બંધ થયું સ્વાતી બઝર સાંભળી હસવા લાગી. તાઉજી અને દેવધરકાકા પણ વાત કરતાં બંધ થયા અને સ્તવન સામે જોવાં લાગ્યાં. સ્તવને કહ્યું "અરે કંઇ નહીં ભૂલમાં એલાર્મ વાગી ગયું એણે બઝર સાંભળીને શક્તિસિંહે મનમાં ને મનમાં કહ્યું "બેટા બરાબર સમયે એલાર્મ વાગ્યું છે ચેતી જજે. નહીંતર પછી અમે તો તારાં બાર વગાડીશું જ અને દાંત કચકચાવડા લાગ્યો.

       તાઉજીએ કહ્યું "દીકરા સ્તવન તમે આ બાજુ આવો પંડિતજી પાસે. પંડિતજી ત્યાં બેઠાં હતાં ત્યાં બાજુમાં સોફા પર સ્તવન આવીને બેઠો. તાઉજીએ સ્ત્રીમંડળને કહ્યું તમે લોકો  જમવાની તૈયારી પૂર્ણ કરો. પૃથ્વીરાજસિંહ કહે હાં સાચી વાત છે.

       પંડિતજીએ સોફા ઉપરજ પલાઠી વાળી દીધી. અને સ્વાતી તથા સ્તવનની જન્મકૂંડળીઓ ખોલી. પછી અભ્યાસ કરવા લાગ્યાં. થોડીવાર ગણત્રીઓ કર્યા કરી. બધાં પંડિતજીનાં ચહેરાનાં હાવભાવ જોઇ રહેલાં ખૂબ જ પ્રસન્ન જણાતાં હતાં પછી સ્વાતીની કુંડળી હાથમાં લઇને થોડાં ગંભીર થઇ ગયાં. બધાનાં ચહેરા ઉપર પણ આશ્ચર્ય સાથે ચિંતિત થઇ ગયાં. તાઉજીથી પૂછ્યા વિના ના રહેવાયું એમણે પંડિતજીને પૂછ્યું “પંડિતજી તમે કેમ ગંભીર થઇ ગયાં શું વાત છે ? જે કંઇ હોય એ સ્પષ્ટ કહો  "પંડિતજીએ કહ્યું" તમે બધાં શાંતિથી સાંભળો. બંન્નેની કૂંડળીઓ ખૂબ જ સરસ મળે છે. સ્તવનની કુંડળી ઉત્તમ રાજયોગવાળી છે. સ્વાતીની કૂંડળી સાથે મેળાપ પણ ખૂબ સરસ થાય છે. જરુરી ગુણાંક કરતાં પણ વધુ મળે છે પરંતુ દીકરીની કુંડળીમાં એક યોગ એવો છે કે ... અને અટક્યા સાંભળનાર બધાનાં કાન સરવા થઇ ગયાં. સ્વાતી અને સ્તવન પણ ગંભીર થઇ ગયાં. છાનું સાંભળતી સ્ત્રીઓ ઉત્સુકતાથી એલોકોની નજીક આવી ગઇ. શક્તિસિંહતો સાંભળ્યા પહેલાંજ આનંદમાં આવી ગયો. પૃથ્વીરાજસિંહે પૂછ્યું "એવો કેવો યોગ છે મારી દીકરીની કુંડળીમાં ?

       પંડિતીજી કહ્યું અરે બાકી આખી કુંડળી સરસ છે પરંતુ એનાં લગ્ન કરતાં પહેલાં એક વિધી કરવી પડશે બસ એટલે ચિંતા ના કરો. સ્તવનથી ના રહેવાયું એ બોલી ઉઠયો" મને પણ આ વાત મારાં પિતાજીએ કહી હતી કે લગ્ન પહેલાં સ્વાતીની કુંડળી પ્રમાણે વિધી કરાવવી પડશે બાકી કુંડળીઓ સરસ મળે છે.

       આ સાંભળીને સ્વાતીને તાળો મળી ગયો કે સ્તવને આ વાતનો મારી સાથે ઉલ્લેખ કરેલો. સ્વાતીને ગભરામણ થઇ ગઇ ડર લાગી ગયો કે આવો યોગ કેમ છે ? ગ્રહણ ના લગાડે કોઇ ? એની આંખોમાં પાણી ભરાઇ આવ્યા. મારીજ કુંડળીમાં દોષ છે ? એટલામાં પંડિતજી  બોલ્યાં. અરે આવા યોગ હોય તો એનાં શાસ્ત્રોમાં ઇલાજ ઉકેલ પણ આપ્યા છે એની વિધી કરાવ્યા પછી જીંદગીભર શું જન્મો સુધી કોઇ દોષ અડચણ નથી રહેતી. એટલે ચિંતાની કોઇ વાત નથી.

       તાઉજીએ પૂછ્યું "પંડિતજી દોષ શું છે ? કેવો છે ? અને એનાં માટે શું વિધી છે ? દોષ કેવી રીતે અડચણ કરે ?

       પડિતજીએ કહ્યું "આ દીકરીની કૂંડળીમાં દોષ એવો છે કે બધાનાં કાન સાંભળવા માટે સરવા થઇ ગયાં. બધાની નજર અને ધ્યાન પંડિતજી તરફ કેન્દ્રીત થઇ ગયું. પંડિતજીએ કહ્યું "આ દીકરીનાં લગ્ન કરાવતા પહેલાંજ એનાં પીપળા સાથે લગ્ન કરાવવા પડશે નહીંતર એનાં પરણેતરનું અકાળ મૃત્યું છે. કુંડળીમાં એવો દોષ છે. આવું સાંભળીને બધાંજ અવાક થઇ ગયાં. બધાની જીભ જાણે ઝલાઇ ગઇ. અંગ ખોટાં પડી ગયાં હોય એમ બધાં સ્તબધ થઇ ગયાં. સ્વાતીએ તો રડવાનું ચાલુ કર્યું એનાંથી ડૂસ્કુ નંખાઇ ગયું તાઉજી અને પૃથ્વીરાજસિંહ તો શું બોલવું એજ ના સમજાયું.

       પંડિતજીએ બધા તરફ દ્રષ્ટિ કરતાં કહ્યું "અરે અરે આમ ગભરાવ નહીં શાસ્ત્રમાં નિદાન આપેલુંજ છે. આ દોષ દુર કરવાં લગ્ન પહેલાંજ દીકરીનાં પીપળા સાથે લગ્ન કરાવી લઇશું એટલે આ લગ્ન બીજા ગણાશે. પ્રથમ લગ્નમાં જ આવો યોગ છે. અને આવો યોગ ઘણી કન્યાઓની કૂંડળીમાં હોય છે. આમાં નવું કંઇ નથી. મેં મારાં જીવનમાં આવી વિધી ઘણી કરાવી છે અને આજે એ યુગલો સુંદર જીવન જીવી રહ્યાં છે. અને એવું નથી કે આ છોકરા સાથેની કુંડળી મેળવતાં એવું છે એ દીકરી કોઇપણ સાથે લગ્ન કરે એ પહેલાં વિધી કરવી જરૂરી છે અને એ દોષ આપણી દીકરીની કૂંડળીમાં છે.

       તાઉજીએ કહ્યું "પંડિતજી આ વિધી કરાવી લેવાથી દોષમુક્ત થઇ જવાશે ને ? મારી દીકરીનું સૌભાગ્ય અંખંડ રહેશે ને? એ સાચું દામ્પત્યજીવન જીવી શકશે ને ? પંડિતજી કહે આપણે આ વિધી બની શકે એટલી ત્વરીત નિર્ણય લઇને કરીશું પછીજ વિવાહ સંબંધ કરજો. કૂંડળી પછી સંપૂર્ણ દોષમુક્ત થઇ જશે અને સુખી જીવન જીવશે. એમાં કોઇજ શંકા નથીજ.

       સ્તવને કહ્યું "તાઉજી વિનમ્ર રીતે જણાવું કે મારાં પિતાજી પણ જ્યોતિષ વિદ્યા જાણે છે. એમણે જે પંડિતજીએ ક્હ્યું એજ અક્ષરે અક્ષર કહેલું મને અને કીધું હતું કે એનો આજ ઉપાય છે પછી વિધી કરીને કોઇ દોષ નહીંજ રહે. એટલાં એ નિશ્ચિંન્ત હતાં. અને વિધી કરાવી લેવાની કોઇ વ્હેમ કે ડરજ નહીં રહે અને હું આ બધાને માન આપું છું માનું છું. અને હું લગ્ન કરીશ તો ફક્ત સ્વાતી સાથેજ એ પણ હું આપ સૌની ખાત્રી સાથે મારો નિર્ણય જણાવું છું.

       તાઉજી પૃથ્વીરાજસિંહ બધાં સ્તવનને બોલતો સાંભળીજ રહ્યા. કેટલાં નીડર છે અને બધાને માન આપીને પણ લગ્ન માટે કેટલો અડગ છે. આપણી દીકરી એની સાથે ખૂબ સુખીજ થશે. કોઇજ ચિંતા નથી. બધી વાતોમાં મોહીનીબા અને માણેકબા બધીજ વાતો સાંભળી રહેલાં એમને ખૂબ સંતોષ થયો. મનોમન સ્વાતીને આવો છોકરો મેળવી આપવા આભાર માનવાં લાગ્યા. મોહીનીબાને હવે સ્તવન ખૂબ ગમવા લાગેલો હવે એનાં માટે માન પણ થઇ ગયું હતું.

       આ બધામાં માત્ર શક્તિસિંહ અને એની પત્નિનું મોં ઉતરી ગયું. એલોકોને થયું આ છોકરો બધી રીતે બાજી જીતી રહ્યો છે. તાઉજીએ પંડિતજીને કહ્યું "પંડિતજી હવે જોવા બેઠાં હતા તો આ દીકરીની કુંડળીનો દોષ મુક્ત કરવાની વિધીનો દિવસ પણ જોઇજ લો. બની શકે એટલું વહેલુંજ કરી લો. તો પછી અમે આ દીકરાંના માં બાપને બોલાવી ખૂબ ધામધૂમથી અમારી દીકરીનું વેવીશાળ કરી શકીએ કોઇજ વ્હેમ કે ડર રાખ્યા વિનાં.

       પંડિતજી એ કહ્યું "મેં દિવસ કાઢી લીધો છે. આજથી પાંચ દિવસ પછીજ મૂહૂર્ત છે ત્યારે દીકરી માટેની વિધી કરી લઇશું પછી તમને વિવાહનું મૂહૂર્ત પણ કાઢી આપીશ એટલે તમે ધામધુમથી સગાઇ કરી લેજો અને સામાજીક રીતે બહાર પણ પાડી દેજો.

       તાઉજી એ કહ્યું ભલે ચાલો હવે આનો તો નિવેડો આવી ગયો સંતોષ થયો છે. હવે દીકરાં જમવાનું તૈયાર થાય એટલે આપને જમી લઇએ અને પછી તમે છોકરાઓને મળવું હોય તો મળી શકો છો. પૃથ્વરાજસિંહ અને બધાં આશ્ચર્યથી તાઉજીને સાંભળીજ રહ્યા કે આ રૂઢિવાદી અને ચૂસ્ત સામાજીક વ્યવહારવાળો માણસ છોકરાઓને મળવા માટે સામેથીજ પરવાનગી આપી દે છે. એમાં તાઉજીને સ્વાતી માટેનો ખાસ પ્રેમ ખૂબ લાડકીજ હતી એનાં સુખ અને આનંદ માટે કંઇ પણ કરવા માટે તૈયાર હતાં.

       તાઉજી એ પછી ઉમેર્યું મને ખબર છે તમે બધાં શું વિચારો છો પરંતુ હું આ દીકરા સ્તવનને મળ્યા પછી એનાં ઉપર મને મારી જાત કરતાં વધું વિશ્વાસ પડી ગયો છે. સંસ્કાર એનાં ચહેરાં એનાં વાણી વર્તન પરથી પરખાઇ આવે છે અને સાચું કહું તો જે પોતાનાં છે એને પારખવાનાં ના હોય. વધુ પરખ કરવાથી પોતાનાં પારકા થઇ જાય છે. કહીને હસતાં હસતા સ્તવનનાં બરડા પર ધબ્બો મારીને હસી પડ્યાં.

       અને..... આજે ગુરુવાર આવી ગયો. સવારથી આજે સરયુ ખૂબજ બેચેન હતી એને અસુખ લાગ્યા કરતું હતું અવનીને વારે વારે પૂછ્યાં કરતી હતી. અવની કોઇ આવ્યું ? કોઇ મારા માટે કંઇ પૂછતું હતું ? અવની સ્તવન આવીને ગયા છે મેં એમને મારી નજરે જોયાં છે. હવે આવશે તો જવાજ નહીં દઊં એમનો હાથ પકડી ને એમની સાથેજ જતી રહેવાની છું. એ કેટલાં બધાં ઉદાસ અને દુઃખી જણાતાં હતાં. એમણે મને કેટલો પ્રેમ આપેલો કેટલો મારાં પર વિશ્વાસ હતો. એમણે કર્યો છે એવો પ્રેમ જગતમાં કોઇએ પોતાની પ્રિયતમાને નહીંજ કર્યો હોય. અવી.... અવી...

       અવની સરયુ ઉઠી ત્યારથી એનો આવો બડબડાટ સાંભળી રહી રતી. રોજ કરતા સરયું આજે ખૂબજ ઉત્તેજીત થઇને બોલી રહી હતી હવે તો સ્પષ્ટ રૂપે એણે બે જન્મનાં પાત્રોને એકમેકમાંજ પરોવી ભેગાં કરી દીધાં હતાં ક્યારેક ક્યારેક પોતાને સ્વાતી નામે બોલાવતી હતી. અવની ખૂબ ડરી ગઇ હતી. એણે નીરુબહેન અને નવનીતરાયને વાત કરી કે ઉઠી ત્યારથી સરયુ આમ બોલી વર્તી રહી છે.

       નીરુબહેને ગુરુજી અને ડો.ઇદ્રીશને વાત કરીને પછી સરયુનાં રૂમમાં બોલાવી લીધાં. ગુરુજીએ આવીને તરતજ સરયુનો ચહેરો જોઇને કહ્યું "દીકરા સ્વાતી તું ચિતાં ન કર હવે તો તારી મુલાકાત અને સ્તવન સાથે કરાવીજ દઇશું. ગુરુજીને આવું બોલતાં સાંભળી બધાં આશ્ચર્યમાં પડી ગયાં. ડો.ઇદ્રીશ વાતને સમજી ગયા અને બધાંને ઇશારાથી ચૂપ રહી સાંભળવા કહ્યું દીકરા તારી મુલાકાત સ્તવન સાથે કરાવવા માટે પણ તારે અમે કહીએ એમ કરવું પડશે. સરયુ તો ગુરુજીની વાતને સાંભળીને ખૂબ ખુશ થઇ ગઇ. એણે હાથ જોડી આજીજ કરતાં કહ્યું તમે કહેશો એ હું કરીશ પરંતુ મને સ્તવન સાથે મેળાપ કરી આપો. એ મારાં વિના ખૂબ દુઃખી છે . ખૂબ દુઃખી છે એમ કહીને ધુસકે ધુસકે રડવા લાગી.

       ગુરુજીએ કહ્યું તું નિશ્ચિંત રહે આજેજ તારી મુલાકાત સ્તવન સાથે થઇ જશે. અને સરયુ સાંભળીને ખુશ થઇ ગઇ અને અચાનક બેહોશ થઇ પથારીમાં ઢળી ગઇ. ડો.ઇદ્રીશે બાજી સંભાળી લીધી.

પ્રકરણ - 24 સમાપ્ત

ગુરુજીએ નીરુબહેનને સીટીપેલેસ મહાદેવમાં આજની વિધીની તૈયારી કરવા માટે સૂચના આપી. બધાં તૈયારી માટે કામે લાગ્યાં. રસપ્રચૂર વર્તા આગળ વાંચો ઉજળીં પ્રીતનાં પડછાયા કાળા……….

 

 

 

***

Rate & Review

Jigar Shah 1 day ago

Latapatel 1 week ago

Nita Parmar 1 month ago

Ishan Lad 4 months ago

D. V. Jadeja 4 months ago