lanka dahan books and stories free download online pdf in Gujarati

લંકા દહન

"જગદિશાનંદજી મહારાજની જે"
મહારાજના દર્શન પામવા પડાપડી કરતા માનવોની મેદનીમાંથી જયઘોષ થયો. જ.મહારાજે (જગદિશાનંદજી મહારાજને પ્રસ્તુત વાર્તામાં આપણે જ.મહારાજ કહીશું). ઝાડની ટોચે બેસેલું વૃદ્ધ વાંદરૂ નીચે જમીન પર ચરતા ઘેટાઓને જુએ એમ આ મેદની પર નજર નાંખી.
"લબાડીયા હાળા, થઈ ગ્યા ભેગા. સગા બાપને નઈ નમ્યા હોય પણ મારા પગમાં મંડશે આળોટવા " સ્વગત ધીરેથી બબડીને જ. મહારાજે મેદની તરફ ડાબો હાથ ઊંચો કર્યો. ત્યાં તો ટોળું ફરી ગરજયું. " મહારાજની જે. જગદિશાનંદજી બાપુને જે, બાપુ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા મહારાજ કા નામ રહેગા"
સરોવરના પાણીમાં પથરો પડતા પાણીને સપાટી પર રચાતા વમળોની જેમ મહારાજના ડાબો હાથ ઊંચો થવા માત્રથી ટોળામાં ઉન્માદ છવાઈ ગયો. વળી બાપુ બબડયા, "હરામી, હાહરા"
ચાર ઘોડાની અને છ પૈડાની લાંબી ગુલાબના તાજા ફૂલોથી શણગારેલી બગીના ઉંચા સિંહાસન પર જ.મહારાજ પીળું પીતાંબર પહેરીને બિરાજ્યા હતા. તેમના લાંબા અને કાળી ડાઈ કરેલા કેશ તેમના બન્ને ખભા પર વિસ્તરેલા હતા. વિશાલ ભાલ પ્રદેશ કેસરી ત્રિપુંડથી શોભી રહ્યું હતું. અને મોટી આંખોની અંદર રમતી કીકીઓ ભક્તજનોની પાછળ આવતા સ્ત્રીવૃંદમાં રૂપાળી અને કમનીય દેહલતાઓ પર તાદૃશ થઈ રહી હતી.
"ક્યારે આ સમાજ અમારી જેવા સાધુઓના મોહપાશમાંથી છૂટશે ! " એમ ધીરેથી ઓચરી ને જ.મહારાજ વિશાલ ભક્તજનોની મેદનીને પર કરુણા અને પ્રેમભરી નજરથી આવરી રહ્યા.
સાધકો અને સ્વયં સેવકો વ્યવસ્થામાં દોડાદોડી કરી રહ્યા હતા. પ્રભુના પાયલાગણ માટે હૈયે હૈયું દબાય તેટલી ભીડ ઉમટી હતી. એવામાં રથના પૈડાં પાસે એક સુકલકડી અને લઘર વઘર વેશ વાળો અને વધેલી દાઢીવાળો માણસ આવીને મહારાજ સાંભળે એટલા જોરથી બોલ્યો
"જગલા, જમાવી દીધું હાળા. ગોળા ઠોકી ઠોકીને ગેબી બની ગયો, પણ તારી છઠ્ઠી હું જાણું છું, અહીં નીચે જો, તારો બાપ રમણ, રમણ બાર નમ્બર વાળો, કોઝી કોર્નર"
"એ ..ઇ કોણ છે કોણ છે ઇ, કાઢો સાલાને દૂર, ક્યાંક મહારાજને નુકશાન કરી બેસશે" એમ રાડો પડી.સાધકોનું ટોળું દોડ્યું.રમણને બાવડેથી પકડીને બેચાર લાફા ઠોકી દેવામાં આવ્યા.શોરબકોર જામી પડ્યો.રમણ મહારાજને ફાટી આંખે જોઈ રહ્યો
"આ હાળો ડફોળ અહીં ક્યાંથી ફૂટી નીકળ્યો. ક્યાંક મરાઈ જાશે ''
એમ બબડીને તેમણે પેલા ધોલ થપાટ કરનારા સેવકોને રોકવા સંકેત કર્યો .
"કોઈ અટવાઇયેલ જીવાત્મા છે,જીવનની ઘટમાળના ઘટના ચક્રના વેગ સાથે સમતુલન નહિ જાળવી શકવાથી આ જીવ અકળાયેલ જણાય છે, હે સાધકો એને મારા અંગત નિવાસસ્થાને લઈ જાવ.એનું કલ્યાણ મારા હાથે નિર્મિત થયું હોઇ તે કાળે ક્રમે અહીં આવી ચડ્યો છે,એને મ દુભવશો"
ઓહો ! સાધકો અને સેવકો સહિત આજુબાજુ ચાલી રહેલું ભક્તવૃંદ મહારાજની નિર્મળ અને વ્હાલથી ભરી ભરી મધુર વાણી સાંભળીને અભિભૂત થઈ ગયું.કેટલાકના તો મોં ખુલ્લા જ રહી ગયા અને મહારાજને તાકી રહ્યા. એ લોકો જાણે કે બગી ઉપર સાક્ષાત ભગવાનને બિરાજેલા જોઈ રહ્યા હતા."કેટલા મહાન છે આપણા ગુરુ ! એક ભિખારી જેવા ભટકેલ અને ખુદ પોતાને ગાળો આપનારનું પણ કલ્યાણ કરશે. અરે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ આવા મહાન અને ખુદ વિષ્ણુનો અવતાર એવા સમર્થ સ્વામી આપણને મળ્યા" એક ઘેટું બીજા અનેક ઘેટાઓને આ વાત સમજાવવા લાગ્યું.
"બુદ્ધિ વગરના બળધિયા હાળા" બબડીને મહારાજ પેલા રમણ સામે મંદ મંદ મલકી રહ્યા.અને ડાબી આંખ સહેજ નમાવી.
રમણ તરત સમજી ગયો કે જગલો પોતાને ઓળખી ગયો છે એટલે તરત જ એ એક્ટિવેટ થયો.
" જગદિશાનંદજી મહારાજ ની જે. પરમ જ્ઞાની પરમાત્માના સાક્ષાત અવતાર મહારાજના ચરણકમળમાં મારુ મસ્તક હજારો વાર નમો. પ્રભુ મને માફ કરો. હું આપને ઓળખી ના શકયો " એમ કહીને એ જમીન પર ઊંધો સુઈ ગયો. મહારાજને દંડવત પ્રણામ કરીને ઉભો થઇ ધૂળ ખેરવા લાગ્યો.
આ ચમત્કાર જોઈ વળી પેલું ટોળું જય જયકાર કરવા લાગ્યું.
મહારાજ ભૂતકાળમાં સરી પડ્યા.
"તારી જાતના જગલા, મારો નાસ્તો તું રાતે જાગીને ખાઈ ગ્યો ? હાળા હરામી !"રમણે બાજુના પલંગમાં ઊંધા સુતેલા મહાકાય જગદીશના કુલા પર લાત ઠોકતા કહ્યું.
" જે ચીજ જેના માટે બની હોય એ ચીજને ત્યાં પહોંચાડવી જોઈએ.દીકરા રમણ, નાસ્તો મનુષ્યના જઠરાગ્નિને શાંત કરવા માટે નિર્મિત થયો હોય છે. નહીં કે કબાટમાં મૂકી રાખવા. હે વત્સ અચાનક મધ્યરાત્રીએ મારો જઠરાગ્નિ પ્રદીપ્ત થવાથી મારી નિંદ્રાભંગ થયો અને મારા મસ્તિષ્કમાંથી સંદેશો પ્રાપ્ત થયો કે તે આહાર ને અયોગ્ય સ્થાને અપ્રાપ્ય દશામાં રાખ્યો છે.એટલે તુરંત મેં એ આહાર વડે મારો જઠરાગ્નિ શાંત કરેલો છે એટલે તું પણ શાંત થઈ જા, નહિતર મારા ચરણો વડે તારા પાશ્ચાત્ય પ્રદેશ પર જો પ્રહાર થશે તો તું કદી મળવિસર્જન કરવા યોગ્ય નહિ રહે"
કહીને એણે માથા પર શાલ ખેંચી લીધી.
રૂમ પાર્ટનર હસી પડ્યા.અને રમણ પણ. આ જગલો હાળો નક્કી બાપુ જ બનવાનો"
અડધી રાત્રે એકવાર ભરઊંઘમાંથી રમણને જગાડીને જગલાએ ઉપાડ્યો.
"જો રમણિયા, તું હોસ્ટેલ પાછળ હાલ મારી હારે. ઓલી રમલી આજ એકલી છે કેદુની ચાળા કરે છે આજ વારો પાડીએ. તારી ઈચ્છા નો હોય તો તું ખાલી બાર ઉભો રે'જે " બાવડું પકડીને એ ખેંચી ગયેલો. વોચમેનની જુવાન છોકરી આ જાડીયા ઉપર કેવી રીતે લટ્ટુ થઈ ગઈ એ એને તો શું આખી હોસ્ટેલને સમજાતું નહોતું.
ગમે ત્યારે એ વીસીઆર અને ટીવી ઉપાડી લાવતો.હોસ્ટેલના રેક્ટર રાત્રે નવ વાગ્યે ઘેર જતા રહે એટલે વોચમેનને છાંટો પાણી કરાવીને રમલી સાથે ઘડીક રમી લેતો. હોસ્ટેલના દરેક રૂમના રસિક (!) વિદ્યાર્થીઓ જગલાએ નક્કી કરેલી ફી આપીને બાર નંબરમાં શો જોવા ગોઠવાઈ જતા. ભક્ત પ્રહલાદ (!) ની ફિલ્મ રાત્રે એક વાગ્યા પછી શરૂ થતી. પંદર દિવસના નાસ્તાપાણી ના પૈસા કમાઈ આપીને વહેલી સવારે ટીવી અને વીસીઆર પોતાના મુકામ પર પહોંચી જતું.
"સ્વામીજી નો જય, મહારાજનો જય, શ્રી જગદિશાનંદજી અમર રહો ..." ના નારા ફરી ગુંજી ઉઠ્યા. ઉતારા નું સ્થળ આવી ગયું હતું. પ્રવેશદ્વારથી બગી સુધી ગુલાબની પથારી કરી દેવામાં આવી હતી. આ ગુલાબની પગદંડી ની બન્ને બાજુ સુંદર કન્યાઓ સ્વાગત માટે હાથમાં ફૂલોની છાબડીઓ લઈને ઉભી હતી.કેટલીકના હાથમાં સુશોભિત અત્તરદાની પણ હતી.આ તમામ કન્યાઓ મહારાજની સેવીકાઓ બનવા પણ આતુર હતી અને એમને આજે આ સ્થાન મળવા બદલ જે આનંદ હતો તે દરેકના ચહેરા પર જણાઈ આવતો હતો.
જ.મહારાજ બગીમાંથી ઉતરવા જેવા ઉભા થયા કે તરત જ ફરીવાર જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.
"હાળા ઘેટાં બકરા.." એમ બબડીને મહારાજ નીચે ઉતર્યા. બે સુંદર કન્યાઓએ તેમના એક એક હાથ પકડ્યા. જ.મહારાજે તરત જ બન્ને ને પડખામાં ઘાલીને બન્નેના ખભે પોતાના હાથ મુક્યા. ફરી જયનાદ થયો. પાથરેલી ગુલાબની પાંદડીઓને પગથી મસળતા અને કન્યાઓના સુંવાળા ખભા પરના રેશમી સંસ્પર્શને માણતા મહારાજ ચાલ્યા.ભક્તજનો અહોભાવથી અડધા અડધા થઈ ગયા. સ્વાગત માટે ઉભેલી કન્યાઓ એ અત્તરનો છંટકાવ કર્યો અને વધુ ફૂલો મહારાજના ચરણકમળમાં વેરતી ચાલી.
ઉતારો કોઈ અત્યંત માલેતુજાર ભક્તનો બંગલો હતો. તેનું વર્ણન કરીને કથાપ્રવાહને રોકવો નથી.
મહારાજે વિશાળ સભાખંડ માં સજાવવામાં આવેલા સ્ટેજ પર સુશીભીત કરાયેલા સિંહાસનમાં બિરાજીને આંખો બંધ કરી દીધી.
સિંહાસનની બન્ને બાજુ પેલી સુંદર કન્યાઓ મહારાજને ચામર ઢોળતી હતી ( એક પ્રકારના કાપડના ગુચ્છા વડે હવા નાખવી)
સભાખંડ ખીચોખીચ ભરાઈ ગયો. તમામ ભક્તજનો ચૂપચાપ બેસીને મહારાજની અમીદ્રષ્ટિ ક્યારે પોતાની ઉપર પડશે તેની રાહ જોવા લાગ્યા. વતાનુકુલીત સભાખંડમાં સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ.