lanka dahan 4 books and stories free download online pdf in Gujarati

લંકા દહન 4

"જી મહર્ષિજી. મહારાજ અત્યારે સમાધિલિન છે એટલે બે દિવસ કોઈને પણ મળશે નહીં અને કોઈની સાથે વાત પણ નહીં કરે. આપનો મહત્વનો કોઈ સંદેશ હોય તો જણાવો અહીંથી બનતી સેવા મોકલવામાં આવશે " અમેરિકાના આશ્રમ સંચાલકનો જવાબ સાંભળીને રમણને ખૂબ જ ગુસ્સો આવ્યો.કહેવાનું મન પણ થઈ ગયું કે તારા મહારાજની સમાધિ હું જાણું છું. ડાયો થઈને ફોન એમને આપ. પણ નિયમમાં રહેવું અને એકબીજાની આમાન્યા પાળવી એ આ સંસ્થાનો મૂળભૂત સિદ્ધાંત હતો. હવે બે દિવસ રાહ જોયા વગર છૂટકો નથી એમ સમજીને તે અવળું ફર્યો ત્યાં જ તેની સામે ખુરશીમાં ભીખુ મહારાજ અને જોરાવર જોટો આવીને બેઠા હતા.


જેમના નામ પેલી ચિઠ્ઠીમાં લખેલા હતા.રમણ કંઈ પણ બોલે એ પહેલા જ જોરાવર બોલ્યો


" કેમ, મહર્ષિજી અમેરિકા ફોન જોડ્યો'તો એમ ? મહારાજ સમાધિમાં છે ખરુંને !''


"તમે લોકો.."


"હા, અમે લોકો. આ ભીખુ મહારાજ અને હું જોરાવર જોટો. મહારાજે અમારો પરિચય તો આપ્યો જ હશે.આ સંસ્થાના ચાર પાયા પૈકીના બે અમે છીએ, ત્રીજો તમારો દોસ્ત જગદીશ અને ચોથો કોણ છે એ તમને કહેવાની જરૂર નથી. જુઓ તમારા બયરા છોકરા સુરતમાં આ આશ્રમના રોટલા ખાઈને જીવે છે. અને તું અહીં જલસા કરવા આવ્યો છો તારું મૂળિયું અમે જાણીએ છીએ.તને અહીં અમે એટલે બેસવા દીધો છે કે તું અમારા હાથનું ચાવી દીધેલું રમકડું બનીને રહીશ એની ખાત્રી તારા ભાઈબંધે અમને આપી છે.હવે તું અમારાં કામમાં દખલગીરી કરીશ તો પછી તારા માટે રમણ મહર્ષિમાંથી રમણિયો થવું પણ મુશ્કેલ છે સમજ્યો ! એટલે છાનોમાનો હરિનું નામ લે અને ભોળા ભગતડાઓને ઉપદેશ આપ્યા કર. બહુ આડો અવળો ન થઈશ "


"પણ, તમે બિચારી નિર્દોષ છોકરીઓને.." રમણનું મોં સુકાઈ જવા લાગ્યું.


"એ જ સમજાવે છે તને. કરતો હોય એ કર " ભીખુ મહારાજ એના લાલઘૂમ ડોળા કાઢીને બરાડ્યો.


"લે આ સીડી. નવરો પડ એટલે નિરાંતે જોઈ લેજે. જગદીશે તને ઘણી વાતો નથી કરી. આ જોઇશ એટલે તને બધું સમજાઈ જશે.કારણ કે તું આખરે મહારાજનો ભાઈબંધ છો.અને જો ન સમજાય તો ચૂપ રહેજે"


એમ કહી બન્ને ત્યાંથી ચાલ્યા ગયા.


રમણની જંગલમાં ભુલા પડેલા માણસ સામે વાઘ આવીને ઉભો રહી જાય તેવી સ્થિતિ થઈ.હવે આ સામ્રાજ્યની, આશ્રમની અને આ સાધુ બાવાઓની દુનિયાનો ડરામણો ચહેરો તેની સામે આવી રહ્યો હતો. તેનું મસ્તક સુન્ન મારી ગયું હતું.હાથમાં પકડેલી સીડી તેણે પ્લેયરમાં ચડાવી.


આખો સીન જગદીશની સેક્સલીલાનો જોઈને તેને જગલા ઉપર ખૂબ દાઝ ચડી.પણ દાઝ ઉતરે એ પહેલાં એની રાસ લીલાનો વીડિયો પણ ચાલુ થઈ ગયો. અને એ સમયે જ ફોનની રિંગ વાગી.


"આ આશ્રમમાં ઉચ્ચ પદ ઉપર બેસતા પહેલા દરેકની ચોટલી અમે હાથમાં જ રાખીએ છીએ. જો મહર્ષિ, આશ્રમના વહીવટમાં માથું મારવાનું રહેવા દઈ અહીંની સુખ સગવડો માણો.અને ભોગ ભોગવો. કોઈ દૂધે ધોયેલું નથી. આ સંસ્થા જેમની પાછળ રૂપિયા બગાડે છે એ બધાને ફી તો આપવી જ પડે છે સમજ્યો ? છોકરો હોય તો આશ્રમનું કામકાજ સંભાળે અને રૂપાળી છોકરીઓ આપણને સંભાળે. બસ એ જ રીત છે અહીંની. તું કંઈ પહેલવેલો સત્યવાદીનો દીકરો નથી થયો.જગદીશ પણ આજ રીતે સામો થયેલો, પણ એ પછી સમજી ગયેલો. એટલે તું પણ સમજી જા નહિતર જાનથી જઈશ અને એ છોકરીઓ તો ભીખુમહારાજની સેવામાં હાજર પણ થઈ ગઈ છે એટલે દોઢ ડાપણ ર'વા દે '' જોરાવરે ફોન કાપી નાખ્યો. રમણને હવે શું કરવું એ સમજાતું નહોતું.ફરી વખત અમેરિકા ફોન જોડવાની એને ઈચ્છા થઈ. પણ તેની દરેક મુવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી હોવાનો તેને ખ્યાલ આવી ગયો હતો. ભલે આ આશ્રમમાં ચાલતી કામલીલામા તે પણ સંડોવાયો હતો, જગદીશના કહેવાથી એણે પણ સેવીકાઓની સેવા લીધી હતી.


"અહીં આપણું સ્થાન એક ઉચ્ચ કોટિના આત્મા જેવું છે, સર્વ ભોગ ભોગવવા આપણે હકદાર છીએ. આ સેવકો, સેવીકાઓ અને આ બધા ભગતડાઓ આપણી મિલકત છે, જેનો ઉપયોગ એક વસ્તુની માફક આપણે કરી શકીએ છીએ.સમુદાયનો એક વર્ગ આ બધું જાણે છે છતાં આંખ આડા કાન કરે છે. શરૂઆતમાં મને પણ આ બાળાઓની મજબૂરીનો ગેરલાભ લેવાનું નહોતું ગમ્યું, પણ અહીં આ સ્થાને રહેવા માટે અમુક તમુક ભોગ સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી " જગદિશના શબ્દો તેને યાદ આવ્યાં.


"પણ આ તો જાગતા હોવા છતાં પથારીમાં પેશાબ કરવા જેવી વાત છે, તું મહાન આત્મા, ભગવાનનો અવતાર અને આ સ્થાનની ગરીમાં, વગેરે બહાનાઓ કાઢીને તારી વાસના વૃત્તિને સંતોષી રહ્યો છો, જગદીશ તું ભલે ગમે તેવી સૂફીયાણી વાતો કરતો હોય, તારા ભગતડાઓને સમજાવતો હોય, પણ મને પ્લીઝ આવી ગોળી ન પીવડાવ. ચોખ્ખું જ કહેને કે આ બધા ઢોંગ છે અને આવા ઢોંગ નીચે અહીં જલસા જ કરવાના છે. મને તારી સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ જ ગમી છે, તું કહે છે તેમ જો ધનવાનોની તિજોરીમાં કેદ લક્ષમીને ગરીબો માટે આવા આડંબરથી પણ જો છોડાવી શકાતી હોય અને એ પ્રકારે તો એ પ્રકારે પણ ગરીબોની સેવા થઈ શકતી હોય તો મારી દ્રષ્ટિએ તારા આ પાપના ધંધામાં હું ભાગીદાર થઈશ.પણ વખત આવ્યે જો મારે સત્ય માટે અને અન્યાય સામે લડવું પડશે તો તે સમયે હું તારી પણ પછેડી ખેંચી લેતા અચકાઈશ નહિ એ વાત યાદ રાખજે" રમણને પોતાના શબ્દો પણ યાદ આવ્યાં.અને આજ એ જ પરિસ્થિતિ આવીને ઉભી રહી હતી.ત્રણ નિર્દોષ બાલિકાઓની જિંદગીનો સવાલ હતો અને પોતે વચન આપી ચુક્યો હતો.


"જગલા, હું તારા કરતા જુદી જ માટીનો બનેલો છું. મેં તને કહેલું જ હતું કે વખત આવ્યે હું તને પણ નહીં છોડું.ભલે હું તારા રંગે રંગાઈ ગયો છું પણ મારો હેતુ અને જીવનના ઉદ્દેશ તારાથી અલગ છે.હું તારી જેમ અન્યાય સામે આંખ બંધ કરીને બેસી રહેવા વાળાઓમાંથી નથી.જોરાવર જોટો હોય કે ભીખુ મહારાજ, તમે લોકો ભલે મને જાનથી મારી નાખવાની ધમકી આપો પણ આ રમણ પણ રમત રમી જાણે છે " હાથની મુઠ્ઠી ટેબલ પર પછાડીને રમણે જોરાવરને કોલ લગાવ્યો.