Bhedi Tapu - Khand - 2 - 6 books and stories free download online pdf in Gujarati

ભેદી ટાપુ - ખંડ બીજો - 6

ભેદી ટાપુ

ત્યજાયેલો

ખંડ બીજો

(6)

નવો નોકર

હાર્ડિંગ સ્તબ્ધ થઈ ગયો. તે કંઈ બોલતો ન હતો. તેને સાથીઓ અંધારામાં દીવાલ ઉપર સીડીની શોધખોળ કરતા હતા. હવાથી કદાચ આડી અવળી થઈ ગઈ હોય કે નીચે પડી ગઈ હોય! પણ સીડી તો તદ્દન અદશ્ય થઈ ગઈ હતી.

“જો કોઈએ મજાક કરી હોય તો આ ક્રૂર મજાક છે!” ખલાસી બોલ્યો; “હું તેને જોઈ લઈશ!”

નેબ તો “ઓહ! ઓહ! ઓહ!” એમ ચીસો પાડતો હતો.

“કોઈએ આપણી ગેરહાજરીમાં આપણા ઘરનો કબજો લીધો છે; અને સીડી ઉપર ખેંચી લીધી છે.” સ્પિલેટ બોલ્યો.

“કોઈ -- એટલે કોણ?” ખલાસીએ પૂછ્યું.

“શિકારી જેણે ગોળી છોડી હતી.” સ્પિલેટે જવાબ આપ્યો.

“તો હું એને સાદ પાડીને બોલાવું” ખલાસીએ કહ્યું.

ખલાસીએ લાંબા અવાજે સાદ પડ્યોઃ “ત્યાં કોણ છે?” સામેથી દાંત કચડાતા હોય એવો અવાજ આવ્યો; પણ કંઈ જવાબ મળ્યો નહિ. અનેક સાદ પાડ્યા, પણ કંઈ અર્થ સર્યો નહીં.

આ પરિસ્થિતિમાં તેમને માટે દરેક ઘટના મહત્વની હતી. તેમણે આ ટાપુ પર સાત મહિના ગાળ્યા હતા. એ સમય દરમિયાન આવી નવાઈ પમાડે એવી કોઈ ઘટના બની ન હતી.

બધા થાકને ભૂલી ગયા. તેઓ ગ્રેનાઈટ હાઉસની નીચે ઊભા રહ્યાં. શું કરવું તે તેમને સૂઝ્તું ન હતું. બધા એકબીજાને પ્રશ્નો પૂછતા હતા; પણ તેનો જવાબ સંતોષકારક મળશે એવી તેમને આશા ન હતી.

“મિત્રો!” અંતે કપ્તાન હાર્ડિંગ બોલ્યો, “હવે એક જ રસ્તો છે. ચાલો, ગુફામા જઈને સૂઈ જઈએ. સવારે ઉપાય કરીશું.”

બીજો કોઈ છૂટકો ન હતો. ટોપને ગ્રેનાઈટ હાઉસની ચોકી કરવાનું કામ સોંપી, કપ્તાન હાર્ડિંગ અને તેના સાથીઓ આશ્રય લેવા માટે ગુફામાં ચાલ્યા ગયા.

ખૂબ થાક્યા હોવા છતાં ગુફામાં બધા શાંતિથી સૂઈ શક્યા નહીં. તેમને સૌને ચિંતા થતી હતી કે, આ અકસ્માત હતો કે કોઈ માણસે એ કર્યું હતું. લાચારી એ હતી કે, પોતાના ઘરને કોઈએ પચાવી પાડ્યું હતું અને પોતે તેમાં પ્રવેશી શકતા ન હતા.

ગ્રેનાઈટ હાઉસમાં બધા સાધનો, હથિયારો અને ખાવાપીવાની સામગ્રી વગેરે હતું. આ બધું એકડેએકથી ઉત્પન્ન કરવું એ ગંભીર બાબત હતી. થોડી થોડી વારે બધા બહાર જઈને જોઈ આવતા હતા કે ટોપ બરાબર ચોકી કરે છે કે નહીં. સાયરસ હાર્ડિંગ એકલો શાંતિથી રાહ જોતો હતો. જો કે, તેનું કુશાગ્ર મગજ પણ આ ઘટનાથી મૂઝાંઈ ગયું હતું. ગિડિયન સ્પિલેટ તેની લાગણીને સમજતો હતો. બન્ને વચ્ચે ધીમા અવાજે વાતચીત થતી હતી. પણ તેમની બુદ્ધિ અને તેમનો અનુભવ આ પરિસ્થિતિ સામે હારી જતાં હતાં.

“આવી મજાર કરનારને હું માફ નહીં કરું!” પેનક્રોફ્ટ બરાડા પાડતો હતો.

સવારે સૂર્યનો ઉદય થયો કે તરત જ બધા હથિયાર લઈને ગ્રેનાઈટ હાઉસ નીચે પહોંચી ગયા. સૂર્યના પ્રકાશમાં હવે બારીબારણાં બરાબર દેખાતાં હતાં.

બધું બરાબર હતું; પણ તેમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, જતી વખતે તેમણે બારણું બંધ કર્યું હતું; અત્યારે તે ઊઘાડું હતું. નક્કી કોઈ ગ્રેનાઈટ હાઉસમાં પ્રવેશ્યું છે.

સીડી બે ભાગમાં હતી. પણ નીચલી સીડીને ઉપર ખેંચી લેવામાં આવી હતી. આવનારાઓએ કોઈ ઉપર ન આવી જાય તે માટે આ પગલું ભર્યું હતું.

પેનક્રોફ્ટે ફરી સાદ પાડ્યો.

જવાબ ન મળ્યો.

“બદમાશો!” ખલાસી બોલ્યો; “બાપાનું મકાન હોય એમ આરામથી સૂતા છે. ચાંચિયાઓ! લૂટારાઓ! બહાર નીકળો.”

સૂર્યનો હવે પૂરેપૂરો ઉદય થયો હતો. ગ્રેનાઈટ હાઉસનો અંદરનો ભાગ તદ્દન શાંત હતો. ગ્રેનાઈટ હાઉસમાં ઘૂસનારાઓ હજી છટકી શક્યા ન હતા. પણ તેમને પકડવા શી રીતે?

હર્બર્ટને એક યુક્તિ સૂઝી. તીર સાથે એક દોરી બાંધી તીર ફેંકવું. તીર સીડીના પહેલાં પગથિયા વચ્ચેથી નીકળી જાય, એટલે દોરીથી સીડીને નીચે ખેંચી લેવી. ગુફામાંથી તીરકામઠાં અને દોરી મગાવવામાં આવ્યાં. પેનક્રોફ્ટે તીરને દોરી બાંધી દીધી. પછી હર્બર્ટે સીડીના નીચલા ભાગનું નિશાન લીધું ને તીર ફેંક્યું.

તીર દોરી સાથે ઊડ્યું અને સીડીના નીચેના બીજા પગથિયામાં પહોવાઈ ગયું.

કાર્ય સફળ થયું.

હર્બર્ટે તરત જ દોરીનો છેડો પકડી લીધો; પણ તે જ્યાં સીડીને ખેંચવા જાય ત્યાં તો બારણામાંથી હાથ બહાર આવ્યો; અને દોરી ગ્રેનાઈટ હાઉસમાં ખેંચાઈ ગઈ.

“બદમાશો!” ખલાસીએ બૂમ પાડી. “ગોળીએ દેવા જોઈએ.!”

“પણ ત્યાં હતું કોણ?” નેબે પૂછ્યું..

“જોયું નહીં? વાંદરો હતો!” ખલાસીએ જવાબ આપ્યો.

“આપણા ઘરમાં વાંદરા ઘૂસી ગયા છે!”

બરાબર આ વખતે ખલાસીની વાત સાચી છે એનો પુરાવો આપતા હોય એમ ત્રણ વાંદરા બારીમાં બહાર દેખાયા. તેઓ મોંએથી વિચિત્ર ચાળા કરતા હતા.

ખલાસીએ ગોળી છોડી. બધા વાંદરા ભાગી ગયા, પણ એક વાંદરો ઘાયલ થઈને નીચે પડ્યો. મોટા કદના આ વાંદરાને જોઈને હર્બર્ટે જાહેર કર્યું કે આ વાંદરા ઉરાંગ-ઉટાંગ જાતનો છે.

“આપણે ઘરમાં જઈશું કેવી રીતે?” પેનક્રોફ્ટે અધીરાઈથી પૂછ્યું.

“ધીરજ રાખો!” હાર્ડિંગ જવાબ આપ્યો; “આપણે હમણાં જ ઘરનો કબજો લઈ લેશું.”

“પણ કેવી રીતે?” ખલાસીએ પૂછ્યું. “અને કેટલા ડઝન વાંદરા અંદર ભરાયા હશે, કપ્તાન?”

આ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ હતો. હર્બર્ટ ફરીવાર તીર મારવા નિશાન લેતો હતો. પણ આ વખતે એ સહેલું ન હતું. કારણ કે, સીડીનો નીચલો ભાગ ગ્રેનાઈટ હાઉસમાં ખેંચી લેવામાં આવ્યો. બીજું તીર ફેંકવામાં આવ્યું. પણ કંઈ લાભ ન થયો.

પેનક્રોફ્ટ ખૂબ ગુસ્સે થયો. આ પરિસ્થિતિમાં રમૂજ પણ ભળેલી હતી. પણ ખલાસીને તેમાં કંઈ હસવા જેવું દેખાતું ન હતું. એટલું નક્કી હતું કે આ લોકો ગ્રેનાઈટ હાઉનો કબજો પાછો મેળવશે; પણ ક્યારં અને કેવી રીતે? એ અત્યારે કહી શકાય એમ ન હતું.

બે કલાક પસાર થયા. કોઈ વાંદરો દેખાયો નહીં. પણ તે અંદર જ હતા. કોઈ વાર નાક, હાથ કે બારી કે બારણામાંથી જરાક દેખાઈ જતા હતા. તરત જ બંદૂકની ગોળી છૂટતી હતી.

“ચાલો આપણે થોડી વાર સંતાઈ જઈએ.” અંતે ઈજનેરે કહ્યું; કદાચ વાંદરા બહાર દેખાય. સ્પિલેટ અને હર્બર્ટ પેલા ખડકની પાછળ સંતાઈ રહે, અને વાંદરા દેખાય કે તરત ગોળી છોડે.”

ઈજનેરના હુકમનો અમલ કરવામાં આવ્યો. સ્પિલેટ અને હાર્બર્ટ બંને નિશાનબાજ બરાબર સંતાયા અને બાકીના જંગલમાં શિકાર કરવા ચાલ્યા. બપોરનો જમવાનો સમય થયો હતો, અને ખાવા પીવાની કંઈ સામગ્રી પાસે ન હતી.

અર્ધા કલાકમાં શિકારીઓ પાછા ફર્યાં. તેઓ થોડાં જંગલી કબૂતરોનો શિકાર કરી લાવ્યા હતા. એક પણ વાંદરો દેખાયો ન હતો. પહેલાં ત્રણ જણાંએ નાસ્તો કરી લીધો. પછી સ્પિલેટ અને હર્બર્ટ નાસ્તો કરીને પાછી પોતાની જગ્યાએ ગોઠવાયા.

બે કલાક પછી પરિસ્થિતિમાં જરા પણ સુધારો થયો ન હતો. વાંદરા દેખાતા ન હતા. કદાચ તેઓ નાસી ગયા હોય. કદાચ તેઓ એક વાંદરાના મૃત્યુથી ગભરાઈને અંદર સંતાઈ ગયા હોય, વાંદરા અંદર કંઈ ભાંગફોડ ન કરે તો સારું. અંદર કિંમતી વસ્તુઓ હતી. ઈજનેરને હવે ચિંતા થવા લાગી. આ ચિંતા સકારણ હતી.

“પરિસ્થિતિ ખરાબ છે!” સ્પિલેટે કહ્યું, “પણ સૌથી ખરાબ વસ્તુ એ છે કે, આનો કોઈ ઉકેલ જડતો નથી.”

“એક ઉકેલ છે.” ઈજનેરે કહ્યુંય, “આપણે સરોવરવાળા રસ્તે થઈને ગ્રેનાઈટ હાઉસમાં પ્રવેશ કરીએ.”

ગ્રેનાઈટ હાઉસમાં જવાનો આ એક જ રસ્તો હતો. એ રસ્તે પ્રવેશી વાંદરાને તગડી શકાય એમ હતું. એ રસ્તો પથ્થરથી પૂરી દેવામાં આવ્યો હતો. એ પથ્થર કાઢવા પડે. પણ એ તો ફરીથી ચણી શકાય.

બપોરના બાર વાગ્યા હતા. ત્રિકમ, પાવડા અને બીજાં હથિયારો ગુફામાંથી લઈ આવ્યાં. તેઓ ગ્રેનાઈટ હાઉસ નીચેથી પસાર થયા. ટોપને ચોકી કરવાની સૂચના આપી. તેઓ બધા સરોવરને કિનારે જવા માટે ચાલવા માંડ્યા.

પણ હજી તો બધાએ દિશામાં પચાસ ડગલા પણ નહીં ભર્યાં હોય ત્યાં તો કૂતરો જોરજોરથી ભસવા લાગ્યો.

બધા પાછા ફરીને ગ્રેનાઈટ હાઉસ પાસે દોડી આાવ્યા.

આવીને જોયું તો પરિસ્થિતિ બદલી ગઈ હતી. હકીકતે, વાંદરા કોઈ અજાણ્યા કારણથી મુશ્કેલીમાં મુકાયા હતા, અને નાસી જવાનો પ્રયત્ન કરતા હતા. બે કે ત્રણ વાંદરા એક બારીએછી બીજી બારીએ નટની જેમ કૂકજા હતા. તેમને સીડી પાછી મૂકવાનું યાદ આવતું ન હતું. અતિશય ભયને લીધે તેઓ ગભરાઈ ગયા હતા અને નાસી છૂટવાનો આ રસ્તો તેમને યાદ આવતો ન હતો.

હવે નિશાન લેવું સહેલું હતું. બંદૂકો ફૂટી. કેટલાક મરાયા, કેટલાક ઘાયલ થયા. બાકીના ઉપરથી પડી મૃત્યુ પામ્યા. થોડી મિનિટોમાં કોઈ જીવતો વાંદરો ગ્રેનાઈટ હાઉસમાં રહ્યો નહીં.

બરાબર આ ક્ષણે, બારણામાંથી સીડી નીચે ફેંકવામાં આવી સીડી નીચે જમીન ઉપર પહોંચી.

“આ વિચિત્ર છે.” ખલાસી બોલ્યો

“ખૂબ જ વિચિત્ર!” ઈજનેર ધીમા અવાજે બોલ્યો, અને સીડીના પગથિયા ચડવા માંડ્યો.

“સાવધાન, કપ્તાન!” ખલાસી બોલ્યો; “કદાચ થોડા બદમાશ હજી અંદર ભરાઈ રહ્યા હોય!”

“જોઈ લઈશું!” ઈજનેરે જવાબ આપ્યો.

બધા સાથીઓ તેની પાછળ સીડી ચડવા લાગ્યા. અને એક મિનિટમાં બધા બારણા પાસે પહોંચી ગયા. તેમણે બધે જ શોધખોળ કરી. ઓરડાઓમાં કોઈ ન હતું. કોઠારમાં પણ કોઈ ન હતું.

“તો સીડી નીચે ફેંકી કોણે?” ખલાસીએ પૂછ્યું.

એ વખતે એક ચીસ સંભળાઈ. એક વાંદરો ઓરડામાં પ્રવેશ્યો નેબ તેની પાછળ હતો.

“લૂંટારો!” ખલાસીએ બૂમ પાડી.

તે કુહાડી ઉગામી વાંદરાના માથા પર મારવા ગયો. ત્યાં કપ્તાને તેનો હાથ પકડી લીધો; અને ક્હ્યું..

“પેનક્રોફ્ટ, એને જવા દો,”

“બદમાશને જવા દો.”

“હા! તેણે આપણે માટે સીડી ફેંકી હતી!” કપ્તાને ક્હ્યું. પણ કપ્તાનનો અવાજ કહેતો હતો કે, આ વાત માનવા એ પોતે જરાય તૈયાર ન હતો. આમ છતાં, બધાએ ભેગા થઈને વાંદરાને પકડી લીધો અને દોરડાથી બાંધી દીધો.

“હવે આનું આપણે શું કરીશું?” પેનક્રોફ્ટે પૂછ્યું.

હર્બર્ટ મજાક નહોતો કરતો. તેને ખબર હતી કે આ જાતના વાંદરાને કેળવી શકાય છે.

એ ઉરાંગ ઉટાંગ જાતનું હતું. તેનામાં ગોરીલા જેવી ક્રૂરતી કે બબૂન જેવી મૂર્ખતા ન હતી. તે માણસજાત જેવા જ બુદ્ધિશાળી હતા. તેને પાળવામાં આવે તો તે પીરસે, ઓરડાઓ વાળે, કપડાંને સંકેલે, બુટપાલીસ કરે, શાક સુધારે અને દારૂ પણ પીએ. કોઈ પણ વફાદાર નોકર જેટલું કામ એ ઉત્તમ રીતે બજાવી શકે તેમ હતો.

જે વાંદરો પકડાયો હતો તે છ ફૂટ ઊંચો હતો. તેની પહોળી છાતી, પ્રમાણસર માથું, સુંદર રૂંવાટી વગેરેથી તે ગમી જાય એવો લાગતો હતો. તેના શરીરની રચના પ્રમાણસર હતી. તેની આંખોમાં બુદ્ધિની ચમક હતી.

“રૂપાળું પ્રાણી છે.” પેનક્રોફ્ટ બોલ્યો. “જો આપણે એની ભાષા સમજી શક્તા હોત તો તેની સાથે વાતચીત કરવાની મજા આવત.”

“પણ માલિક,” નેબે કહ્યું, “આપણે ખરેખર એને નોકર બનાવવા માગીએ છીએ?”

“હા,” ઈજનેરે હસીને કહ્યું. “પણ નેબ, તું એની ઈર્ષા ન કરતો.”

“હું ધારું છું કે તે સારી રીતે નોકરી બજાવશે.” હર્બર્ટે કહ્યું. “તે જુવાન છે. તેને સહેલાઈથી તાલીમ આપી શકાશે. પ્રેમપૂર્વકનો વર્તાવ તેને પાળવામાં ઉપયોગી બનશે.”

પછી ખલાસી વાંદરા પાસે ગયો અને પૂછ્યું..

“કેમ છો?”

ધીમું ઘૂરકિયું કરીને વાંદરાએ જવાબ આપ્યો.

“તું કપ્તાનનો નોકર બનીશ?” ખલાસીએ પૂછ્યું.

ફરી પાછો ખુશીનો ઘુરકાટ.

“તું પેટવડિયે નોકરી કરીશ!”

ફરી ઘુરકાટ.

“ઓછું બોલે તે ઉત્તમ નોકર બની શકે.?”

આ રીતે વસાહતમાં એક સભ્યનો વધારો થયો. એનું નામ ખલાસીએ જ્યુપિટર પાડ્યું. ટૂંકમાં એને જપ કહેવામાં આવશે.

માસ્ટર જપ હવે ગ્રેનાઈટ હાઉસનો રહેવાસી બની ગયો.

***