MARU GHAR KYU books and stories free download online pdf in Gujarati

મારું ઘર ક્યું?

અનોખી એના નામ પ્રમાણે અનોખી જ હતી. સ્વભાવ માં, લાગણી માં, વ્યવ્હાર માં બધી રીતે સામાન્ય માણસ કરતાં અલગ તરી આવતી. અનોખી ને રૂપિયા કરતાં વધારે સંબંધો ગમતાં દરેક સંબંધ એ એવી રીતે નિભાવતી કે સામે વાળા ની નફરત પણ પ્રેમ માં બદલાઈ જાય. કાંઈ પણ થાય અનોખી હોઠ પર ની સ્માઇલ ક્યારેય ના જતી.

21 વર્ષ ની અનોખી દેખાવે મધ્યમ વર્ણી ને સ્માર્ટ લાગતી પણ છતાંય દરેક સંબંધ નિભાવવા માં નિષ્ફળ જતી. અનોખી પોતાની ટેવ પ્રમાણે દરેક નવો સંબંધ નિભાવવા પોતાનો જીવ રેડી દેતી છતાંય સામે કોઈ પણ હોય હમેશાં દુખી થવાનો વારો અનોખી નો જ આવતો. અનોખી નું સપનું હતું ભારત ભ્રમણ કરીને અલગ અલગ જ્ગ્યાએ ફરીને લોકો ને ઓળખવાનો. અનોખી ને કાંઈ પણ નવું કામ કરવું હોય કે ક્યાંય પણ બાર જવું હોય તેને ઘરેથી હમેશા એક જ જવાબ મળતો કે "જે પણ કરવું હોય તારા ઘરે જઈને કરજે" કાંઈ પણ બોલ્યાં વગર અનોખી પોતાની ઈચ્છા ને સપના ને જોઈને જ ખુશ રહેતી. હમેશાં વિચારતી કે લગ્ન પછી પોતાના સપનાં પોતાની ઈચ્છા પૂરી કરશે..

જોતજોતામાં અનોખી નાં લગ્ન અંશ સાથે થયાં. દેખાવે થોડો શ્યામ વર્ણ ને 5 ફુટ 9 ઇંચ હાઈટ, થોડો સ્માર્ટ ને બધા નું ધ્યાન રાખે તેવો છોકરો હતો અંશ. લગ્ન પછી અનોખી ઘરનાં કામ માં ને અંશ પોતાનાં બિઝનેસ માં વ્યસ્ત થઈ ગયાં.

અનોખી નાં સપનાં શું ઇચ્છા શું એની ક્યાં કોઈને પડી હતી.. ધીમે ધીમે એક વર્ષ વીતી ગયું અનોખી ને હતું કે તે અંશ ને વાત કરશે કે પોતાને ક્યાંક બાર ફરવા જવું છે અંશ એને સમજશે એની વાત માનશે પણ જ્યારે અનોખી એ બાર ફરવા જવાની વાત કરી તો અંશ એ તરત જ કહ્યું કે હવે તું એકલી નથી આપણા આખા ઘર ની જવાબદારી છે તારા પર અમને બધાને મૂકી ને તું એકલી ફરવા કઈ રીતે જઈ શકે? તારે તારા સપના ઇચ્છા બધું તારા ઘરે જ પુરા કરી ને આવવું હતું લગ્ન પછી એક સ્ત્રી ને માત્ર ઘર પરિવાર સંભાળી લોકો ને ખુશ રાખવાનાં હોય છે..આટલું જ સાંભળતા અનોખી ની આંખ ના ખૂણા ભીના થઈ ગયા અને મન માં ને મન માં જ વિચારતી રહી મારું ઘર?

મારું ઘર ક્યું?
જ્યાં જન્મ લીધો એ કે જ્યાં મારું કહેવાય એ બધું મુકીને આવી છું એ

મારું ઘર ક્યું?
જ્યાં મારા બધા સપના ઓ જન્મ્યા'તા એ કે જ્યાં મારા સપના નો અંત આવ્યો એ

મારું ઘર ક્યું?
જ્યાં મારા પોતાનાં લોકો મને સમજી ના શક્યા એ કે જે પારકા લોકો છે એને પણ પોતાના બનાવી ને પ્રેમ આપ્યો તે

મારું ઘર ક્યું?
જે ઘર ની હું વારસદાર છું એ કે જે ઘર ને હું વારસદાર આપીશ એ

મારું ઘર ક્યું?
જ્યાં કાંઈ પણ કરવા માટે પપ્પા ની પરમિશન લેવી પડતી તે કે
જ્યાં આજે બહાર જવા માટે અંશ ની મંજૂરી લેવી પડે તે

મારું ઘર ક્યું?
જ્યાં વાપરવા માટે પૈસા માંગવા પડતાં એ કે
જ્યાં પોતાને જરૂરી વસ્તુ લેવા માટે વારંવાર ભીખ માંગવી પડતી તે

મારું ઘર ક્યું?
જ્યાં નોકરી કરવા ની રજા લેવા માટે કરગરવું પડતું એ કે
જ્યાં સ્વનિર્ભર થવા માટે રોજ ઝગડા કરવા પડે છે તે

મારું ઘર ક્યું?
જ્યાં હું મારા પોતાનાં લોકો ને મુકી ને આવી તે કે
જ્યાં મેં પારકા ને પણ પોતાનાં બનાવ્યાં તે

આવાં કેટકેટલાં સવાલ અનોખી નાં મન માં થઈ રહ્યાં હતાં પણ પૂછે તો કોને પૂછે? એ લોકો ને કે જે હમેશા કહેતાં કે "જે પણ કરવું હોય તારા ઘરે જઈને કરજે" કે એને પૂછે જે અત્યારે એવું કહે છે કે તારે તારા સપના ઇચ્છા બધું તારા ઘરે જ પુરા કરી ને આવવું હતું લગ્ન પછી એક સ્ત્રી ને માત્ર ઘર પરિવાર સંભાળી લોકો ને ખુશ રાખવાનાં હોય છે.... આટલું વિચારતાં વિચારતાં જ અનોખી ની આંખો સદાય માટે બંધ થઈ ગઈ...