cozi corner part 2 books and stories free download online pdf in Gujarati

કોઝી કોર્નર ભાગ 2

            કોઝી કોર્નર

               પ્રકરણ 2
ગામથી હું બેગ બિસ્તરા લઈને કોઝી કોર્નરના રૂમ નં 17 માં આવ્યો ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. રવિવાર હોવાથી મારા રૂમ પાર્ટનર્સ પોત પોતાના  પલંગમાં પોઢેલા હતા. આઠમા પાર્ટનર તરીકે કોઈ મારુ સ્વાગત કરવા ઉત્સુક નહોતું અને  મારી  ધારણા  પ્રમાણે મારો કોટ સાવ ખૂણામાં ગોઠવી દેવામાં આવ્યો હતો. હોસ્ટેલમાં રૂમ ના દરવાજા બંદ કરવાનો રિવાજ નહિ હોવાથી હું આરામથી રૂમમાં પ્રવેશીને ખૂણામાં મને ફાળવેલા કોટ પર ગાદલું નાખીને બેઠો. જે જાગતા હતા એમાંથી કોઈ કાંઇ બોલ્યું નહિ. મને ખુબ તરસ લાગી હતી , મેં ચારેય ખૂણામાં માટલા માટે નજર ફેરવી. લોખંડના સ્ટેન્ડ પર માટલું તો પડ્યું હતું પણ સાવ ખાલી હતું.
"પાણી પીવું હોય તો સામે 12 નંબરમાં કદાચ હોય. અહીં તો કોઈ માટલું ભરતું નથી " ખૂણામાં મારો જે પડોશી હતો એ બોલ્યો.
"થેન્ક્સ" કહીને હું 12 નં તરફ ઉપડ્યો. વચ્ચે જે ચોગાન હતું એની સામેના  ખૂણામાં રૂમ નં 12 હતો. એનો દરવાજો પણ ખુલ્લો જ હતો. મેં બારણું ખોલીને જોયું તો કોઈ જાગતું નહોતું પણ માટલું સામે જ દેખાતું હતું અને મને આવકારી રહ્યું હતું.
"હું પાણી પીને પાછો વળ્યો ત્યારે એક જણ બોલ્યો, " આ દોસ્ત નવો લાગે છે, સત્તર નંબર વાળો.."
   રૂમ માં જઈને મેં ગાદલું છોડ્યું. પલંગમાં મેં બરાબર પથારી કરી. બાએ આપેલો સ્વચ્છ ઓછાડ પાથરીને ઓશીકું અને ઓઢવાની શાલ ગોઠવી. બેગ રાખવા માટે કબાટ વગેરે કોઈ ફર્નિચર રૂમમાં હતું નહીં , બધાની  જેમ મેં પણ મારી બેગ પલંગની નીચે મૂકી. બાએ આપેલ સુખડીનો ડબ્બો કાઢીને ખાવા બેઠો. કારણ કે બપોરનું જમવાનું બાકી હતું.
  સુખડીની સુગંધથી મારા રૂમ પાર્ટનર કે જે મને પરાણે માથે પડેલો માનતા હતા એ વારાફરતી આળસ મરડીને બેઠા થયા.
"શુ વાત છે બોસ, સુખડી ખાતા લાગો છો, અમને ચખાડો તો ખરા યાર" રૂમમાં પંખા નીચે જ જેનું આસન અને શાસન હતું એ હટ્ટો કટ્ટો પરેશ ઉભો થઈને મારા કોટ પર આવી બેઠો.
" પ્રેમથી માંગી રહ્યો છો કે દાદાગીરી ..?" મેં પરેશના અવાજમાં રહેલી ધમકી પારખીને કહ્યું
"કોઈની ખાવાની વસ્તુ પડાવી લેવા જેટલા હલકા સંસ્કાર નથી, હું પટેલનો દીકરો છું ખવડાવીને જ ખુશ થાઉં છું" ડબ્બામાંથી સુખડીનું બટકું  ઉપાડતા એ બોલ્યો.
" સારું કહેવાય, જોઈએ હવે પટેલનો દીકરો બીજા પટેલના દીકરા હારે કેવી રીતે વર્તન કરે છે " મેં કહ્યું. પરેશની પાછળ પાછળ બધા જ મારા ડબ્બા ઉપર તૂટી પડ્યા.એક પછી એક આવ્યા અને સુખડીના બટકા ઉપાડી ગયા. મને ડબ્બો ખાલી થઈ ગયો એ વાતનું દુઃખ નહોતું પણ આ લોકોએ જે રીતે એકબીજા સામે આંખો મારીને , તાળી ઠોકીને ખાસ મને પરેશાન કરવા માટે જ મારો નાસ્તો ઓહિયા કરી ગયા એ ખૂબ કઠયું.
બીજા દિવસે જ્યારે બધા કોલેજ ગયા ત્યારે મેં પરેશનો પલંગ ખસેડીને તેની જગ્યાએ મારો પલંગ પંખા નીચે ગોઠવ્યો.આ ખુલંખુલ્લાં યુદ્ધની જાહેરાત હતી. પણ મારે મારા હક્ક પ્રસ્થાપિત કરવા જ પડે તેમ હતા.
   સાંજે 4 વાગ્યે ખેલ શરૂ થયો.
"કેમ , બોસ  સીધા જ કબજો કરવાની હિંમત ?  તારી જગ્યા પેલા ખૂણામાં છે, સીધી રીતે મારો પલંગ હતો એમનો એમ કરી દે નહિતર
આ હોસ્ટેલમાં પણ નહીં રેવા દઉં સમજ્યો ?" પરેશ મારી સામે ડોળા કાઢીને બોલ્યો, તે ખરેખર ખુબ ગુસ્સામાં હતો
"કેમ, પંખા નીચે તારો હક તું લખાવીને લાવ્યો છો ? જો હું તારી ધમકીથી બી જઉં એવો નથી, આપણા બધાના વારા હોવા જોઈએ, એકલો તું જ આ રૂમ માં નથી રહેતો સમજ્યો ? તું મારુ કંઈ જ બગાડી શકવાનો નથી, હું તારી જેમ જ પટેલનો જ દીકરો છું એટલે જેટલો હક તારો એટલો જ હક મારો રહેશે, મારો એકલાનો નહિ આપણા બધાનો, દરરોજ આપણે પલંગ એકપછી એક ખસેડતા જવાનું, એટલે દરેક જગ્યાએ દરેક જણનો વારો આવે, તું એકલો જ પંખા નીચે હવા ખાય અને અમારે ઓલ્યા ખૂણામાં ગરમી જ ખાવાની એવું કાંઇ કોઈએ લખી નથી આપ્યું સમજ્યો ?" મેં દરેકના હિતની વાત કરી એટલે બીજા લોકો કે જે પરેશની દાદાગીરીથી પરેશાન હતા તેઓ માંથી બીટી બોલ્યો
" વાત તો બરોબર છે લ્યા પરિયા.. બધાને પાંખનો લાભ તો મળવો જ પડે ને !"
" હા, યાર બરાબર છે , અમારે કાયમ ખૂણામાં નથી રહેવાનું, અમે પણ તારી જેટલી જ ફી ભરેલ છે, આ બોસની વાત બરાબર છે અમારા દરેક ખૂણા વાસીઓનો સપોર્ટ છે " મારી જેમ બીજા જે ખૂણાવાસી હતા એ પણ મારા સ્પોર્ટમાં આગળ આવ્યા. હવે પેલા પરેશને જગ્યા છોડવી જ પડે તેમ હતું.
" સારું, ચાલો એમ કરશું, મારો પલંગ હતો એમ જ ગોઠવી આપ "
પરેશે નમતું જોખીને કહ્યું
"એ નહિ બને, નવો નિયમ મેં બનાવ્યો છે અને બધાના હિતમાં છે, એટલે તારો પલંગ કાલે એક સ્ટેપ ફરશે, અને આજથી જ આ નિયમ લાગુ પડશે, જે કોઈને આ નિયમ સામે વાંધો હોય એ સામે આવી જાય, આ રૂમમાં જેમને રહેવું હોય તેમને બધાને મઝા આવે એ રીતે જ રહેવું પડશે, અને કોઈની દાદાગીરી ચલાવી લેવામાં નહિ આવે, હું કોઈને ધમકી નથી આપતો એ સમજી લેજો, અને કોઈને હવા હોય તો તમે જે સુખડી ખાધી એવી જ સુખડી અને ઘી દૂધ ખાઈને જ હું મોટો થયો છું, તાકાત માપવી હોય તોય છૂટ છે, બાકી સંપીને સાથે રહેવામાં જ હું માનું છું" પરેશની આંખમાં આંખ પરોવીને મેં મોટેથી કહ્યું.
" ચાલો ભાઈ , રેડી વાત છે, પરેશ તું આજે ખૂણાની મોજ ઉઠાવ ત્યારે "બીટી એ પરેશને કહ્યું. 
" વાંધો નહિ, તમે લોકો નિયમ પ્રમાણે રહેજો, હું રૂમ બદલી નાખીશ, મને ખૂણામાં બિલકુલ નહિ ફાવે " કહીને એ સાહેબને મળવા ચાલ્યો ગયો
સાંજે પાંચ વાગ્યે પરેશે ઘમુસર ની કોર્ટમાં મને ખડો કરી દીધો. હું તો જઈને તરત જ સાહેબને પગે લાગ્યો. બસ આ એક જ વાત મારા માટે આખો ફેંસલો મારી તરફેણમાં લાવવા માટે પૂરતી હતી.
"ભાઈ, તે આ પરેશનો પલંગ ખસેડીને એની જગ્યા ઉપર કબજો કરી લીધો છે એ સાચું છે ?" સાહેબે અવાજમાં ભરી શકાય એટલી મીઠાશ ભરીને હળવેથી મને પૂછ્યું.
"સાહેબ, તમને એવું લાગે છે કે મેં કબજો કર્યો હોય ? હા મેં તેનો પલંગ જરૂર ખસેડયો છે પણ એનું કારણ પણ એને જણાવી દીધું છે,એ એણે તમને નહિ કીધું હોય " સાહેબને કહીને મેં પરેશ સામે જોઇને કહ્યું, " કેમ બરાબર ને પરેશ ?  ફરિયાદ કરવા જ આવ્યો છો તો પૂરેપૂરી વાત સર ને બતાવવી જોઈએ, અને જો ભાઈ જગ્યાનું તો એવું છે કે એ કોઈ દિવસ કોઈની કાયમ રહેતી નથી, મોટા મોટા રાજાઓને પોતાના રજવાડા છોડવા પડે છે તો તું એક ત્રણ બાય છની પાટ માટે થઈને સાહેબને પરેશાન કરવા દોડી આવ્યો ? ફટ છે તારી જુવાની ને , ખાલી શરીર જ વધાર્યું છે ને ! મગજ જેવું કંઈ હોત તો મારી વાત ગળે ઉતારીને તું મને ગળે વળગ્યો હોત, હવે મને તારી દોસ્તી કરવી બિલકુલ નહિ ગમે યાર !"
  પરેશ અને સાહેબ  મને સાંભળી રહ્યા. પછી મેં આખી વાતથી સાહેબને વાકેફ કર્યા ત્યારે સાહેબે મારી પીઠ થાબડી. પરેશ ને પણ સમજાયું કે એનો પનારો કોઈ એલફેલ સાથે નથી પડ્યો.
         રૂમ નં 17માં પડેલું પાણીનું માટલું ક્યારેય ભરાતું નહિ. હોસ્ટેલની પાછળના ભાગમાં એક મોટી ચોકડી બનાવેલી હતી. તેમાં ચારેક ફૂટ ઊંચી દીવાલમાં બે બે ફૂટના અંતરે ત્રણ ફૂટ ઉંચા અને બે ફૂટ લાંબા નળ મુકેલા હતા. સવારમાં આઠ વાગ્યા સુધી ત્યાં મ્યુનિસિપાલટીનું પાણી આવતું.  એટલે હોસ્ટેલના દરેક રૂમ ના વિદ્યાર્થીઓ વારા પ્રમાણે પોતાની રૂમ નું માટલું ભરી લેતા.કેટલાક હુંફાળા પાણીથી ત્યાં ન્હાતા પણ ખરા અને મોટેભાગે સવારમાં ત્યાં કપડાં પણ ધોતા.
     રૂમ નં 17ના બાદશાહો 12 નંબરમાં જ પાણી પીવા જતા. પણ કોઈ માટલું ભરતું નહિ. બીજા દિવસથી મેં માટલું ભરવાની શરૂઆત કરી. થોડા દિવસો પછી અમે બધા દોસ્તો બની ગયા.અમારા કોટ દરરોજ ખસતા રહેતા અને બાબા આદમના વખતના પંખાની હવા અમને સૌને મળી રહેતી.
   કોઝી કોર્નરમાં હવે જે ભયંકર અને રહસ્યમય ઘટના બનવાની હતી એની અમને કોઈને ખબર નહોતી.
***   ***  ***   ***
  જુલાઈ માસની એ ઘનઘોર રાત્રે બેસુમાર વરસાદ વરસતો હતો.વારંવાર વીજળીના કડાકા અમારી એ ભૂત બંગલા જેવી હોસ્ટેલને ઘડીભર અજવાળતા હતા.રૂમ નં 17 માં દીવાલ સાઈડ બારી પાસે જ મારો પલંગ વારા પ્રમાણે ખસતો ખસતો આવેલો હતો. પવનના જોરદાર ઝાપટાને કારણે બારી અચાનક ખુલી ગઈ.અને વાછટથી મારું ગાદલું પલળવા માંડ્યું એટલે હું જાગી ગયો. હું બારી બંધ કરી રહ્યો હતો ત્યારે જ ફરી વીજળીનો કડાકો થયો. અને એ ક્ષણભર બહારનું દ્રશ્ય જોઈને હું છળી મર્યો. મારા પેટમાં અજીબ પ્રકારની ફડક પેસી ગઈ.મારુ મન જોયેલા એ દ્રષ્યનું અર્થઘટન કરી શકવા સક્ષમ નહોતું. વીજળીના ચમકારમાં મને જે દેખાયું એ મારો ભ્રમ હશે એમ સમજીને પારાવાર ડર ને કારણે હું ઝડપથી બારી બંધ કરીને સુઈ જવા માગતો હતો. પણ ફરી પાછો વીજળીનો ચમકારો થયો અને મારી આંખો ફાટી જ રહી.વરસાદ પવનના ઝાપટા સાથે મારા પલંગ અને મને પલાળી રહ્યો હતો.ચમકારા બાદ ફરી વળેલા અંધકારમાં મેં જોવાની કોશિશ કરી પણ મને માત્ર એ માણસનો ઓળો દેખાતો હતો. વધુ જોવાની હિંમત પણ નહોતી અને વરસાદ મારી પથારી પલાળતો હોવાથી મેં બારી બંધ કરી.પણ મારી આંખો બંધ થતી નહોતી. હોસ્ટેલની પાછળના ભાગમાં જતો રસ્તો 17  નંબરની રૂમ પાસેથી જ પસાર થતો હતો. એ રસ્તે આવી બિહામણી રાત્રે વરસતા વરસાદમાં એક પડછન્દ અને કદાવર માણસ મેં જોયો હતો અને એ કોઈને ઢસડીને લઈ જતો હતો. બીજીવાર ની વિજળીમાં મેં જોયું ત્યારે જ મને ખ્યાલ આવ્યો હતો કે એ લાશ હતી. તેનું ગળું કપાયેલું હતું અને પેલો તેનો હાથ પકડીને હોસ્ટેલની પાછળ ઢસડીને લઈ જતો હતો. કદાચ એ ત્યાં દાટી દેવા માંગતો હશે કારણ કે એના બીજા હાથમાં મેં પાવડા જેવું કોઈ સાધન પણ જોયું હતું.માત્ર એક ચમકારમાં કોઈની દ્રષ્ટિ કેટલું જોઈ શકે ? પણ મને બે વખત જોવા મળ્યું એટલે હું એટલું તો સમજી જ ગયો કે કોઈ માણસ બીજા કોઈનું ખૂન કરીને અમારી હોસ્ટેલની પાછળના અવાવરું ભાગમાં કદાચ દાટવા જઈ રહ્યો હતો. એ વખતે હું માત્ર 18 વરસનો માસૂમ યુવાન હતો અને આવું ભયાનક દ્રશ્ય જોઈને શુ હું ઊંઘી શકું ખરો ?
આવે વખતે મને મારા પ્રિય દુષમન પરેશ ને જ ઉઠાડવાની ઈચ્છા થઈ, કારણ કે ભલે એ મારો વિરોધી હતો પણ ભારે હિમતવાળો હતો. મારા આવ્યા પહેલા એને જે દાદાગીરીથી પંખા નીચે એનું આસન જમાવેલું એ વાત જ એની બહાદુરી ની શાખ પૂરતી હતી. રૂમમાં કાળું ડિબાંગ અંધારું હતું.અને લાઈટ કરવાનો કોઈ જ મતલબ નહોતો કારણ કે લગભગ લાઈટ હતી જ નહીં, અને કદાચ હોત તો પણ હું એ જોખમ લેવા માંગતો નહોતો.
   પરેશનો પલંગ સામેની લાઈનમાં ખૂણાથી બે પલંગ જેટલો દૂર હતો.હું એના પલંગ પર જઈને એના પગ પાસે બેઠો. અને ધીરેથી એને હલાવીને જગાડવા લાગ્યો.
"પરેશ.. ઓ.. પરેશ... " મેં ખૂબ ધીમેથી અવાજ કાઢ્યો.
"કોણ છે, કોણ છે.... " પરેશ ઝબકીને સફાળો જાગી ગયો.અને મારો હાથ પકડી લીધો.
" યાર, હું છું સમીર, પહેલા બરાબર ઉઠ, તને એક વાત કહેવી છે " મેં કહ્યું.
"યાર સમીરિયા મારે તારું ભાષણ નથી સાંભળવું, સુવા દે યાર, પત્તર ઠોક્યાં વગર સુઈ જા, અને મરાવવી હોય તો બિટીને જગાડ, મને કોઈ રસ નથી ચલ હટ "  કહીને એ સુઈ ગયો. 
"ડોફા, હું @# મરાવવા માટે તને નથી જગાડતો, ભેંણ બખત, હોસ્ટેલમાં કોકનું ખૂન થયું છે , તું થોડોક બહાદુર છો એટલે તને જગાડું છું ઉઠને હાળા" મેં ગુસ્સે થઈને ગાળ દઈને વાક્ય પૂરું કર્યું.
મારા ધારવા મુજબ જ એને ઝટકો લાગ્યો હતો. તરત જ એ બેઠો થઈ ગયો. 
" હેં ?  તું શું બકે છે ?  ડોફા તને સપનું આવ્યું હશે. છાનીમાંની નો @#માં આંગળી ભરાવીને સુઈ જા. " એ જાગીને ફરી ખિજાયો. અમારી વચ્ચે એકબીજાને ગાળ દઈને બોલાવવાનો સબંધ સ્થપાઈ ચુક્યો હતો.
" તારે વાત સાંભળવી છે ?  તારી @#માં છાણ હોય તો ચાલ મારી સાથે, એક જણ લાશને ઢસડીને પાછળ નળ છે એ બાજુ લઈ ગયો છે, મેં હમણાં જ આ બારી બંધ કરતી વખતે જોયું. કદાચ એ પાછળ દાટતો હશે, ચાલ આપણે જોઈએ તો ખરા "
" તને અંધારામાં દેખાયું એમ ? સાલ્લા તને સપનું આવ્યું છે, ડફોળ સુઈ જા છાનો માનો, કોઈ લાશ નથી ડાટતું " પરેશ ગોદડું ઓઢીને સુઈ ગયો.
  મને પણ  એમ થયું કે "જે હોય તે, મારા બાપાનું શુ જાય છે, નકામી આવી બલામાં ન થવાનું થઈ જશે."
એટલે હું મારા કોટ પર આવીને સૂતો.બહાર વીજળીના કડાકા થતા હતા અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો. મને ઊંઘ આવતી નહોતી.કારણ કે જે દ્રશ્ય મેં જોયું હતું એ એટલું બધું ખતરનાક હતું કે કોઈ પણ અઢાર ઓગણીસ વરસનો છોકરો છળી મરે. મારી હાલત પણ કંઈક એવી જ હતી. રૂમ પાર્ટનરમાં પરેશ એક જ એવો હતો કે જે મારી સાથે બહાર આવવા તૈયાર થાય.પણ એ સાલ્લો મારી વાત માનવાને બદલે ઘોરવા લાગ્યો હતો. 
  ઘણીવાર સુધી આંખ બંધ કરીને મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો.પણ નજર સામે એ જ દ્રશ્ય દેખાઈ રહ્યું હતું.
એ કદાવર માણસ કોઈનું ગળું કાપીને વરસતા વરસાદમાં હોસ્ટેલની પાછળના ભાગમાં ઢસડીને લઈ જઈ રહ્યો હતો !!
 આખરે મેં એકલાએ જ હિંમત કરીને હોસ્ટેલની પાછળના એ અવાવરું ભાગમાં જવાનો નિર્ણય કર્યો. જો તે રાત્રે  પરેશની વાત માનીને હું સુઈ ગયો હોત તો મારી જિંદગીમાં આ ભયાનક પ્રકરણ ક્યારેય ન આવત. પણ રાત્રીના સમયે ઘેરથી ઘણીવાર વાડીએ હું ઘોર અંધારે ચાલતો જ ગયો હતો.ઘણીવાર આખી રાત બાપા જોડે વાડીમાં પાણી વાળેલું. બાપાને વાડીની ઓરડીમાં આરામ કરવાનું કહીને આડબીડ કપાસમાં કડકડતી ઠંડીમાં પણ હું પાણી વાળતો. એટલે અંધારાનો કે વરસતા વરસાદનો મને ડર નહોતો.અને કોઈ મારી હોસ્ટેલમાં માણસને મારીને લઈ જતો જોયા પછી હું ઊંઘી શકું એવું શક્ય નહોતું.
 મેં રૂમની બહાર નીકળીને બિલ્લી પગે અમારી રૂમની લોબી કે જે હોસ્ટેલના પાછળના ભાગમાં જતી હતી તે તરફ ચાલવા માંડ્યું. આ ભાગમાં ગ્રાઉન્ડફ્લોર પર જે રૂમ હતા તેમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ટોયલેટ અને એક્સાથે સાત આઠ છોકરાઓ સાથે નાહી શકે એવું એક મોટું બાથરૂમ બનાવેલું હતું. જે ભૂતકાળમાં કદાચ મોટો સ્ટોરરૂમ હતો. બાથરૂમ અને ટોઇલેટથી આગળ જ્યાં લોબી પુરી થતી હતી ત્યાં એક લોખંડનો કટાયેલો દરવાજો હતો. જે મોટેભાગે બંધ જ રહેતો. એ દરવાજા પર જે પતરું મારેલું હતું એ કટાઈ જવાને કારણે ઘણી જગ્યાએથી તૂટી ગયુ હતું.મારા માટે એ ઘણી અનુકૂળતા હતી, કારણ કે હું દરવાજો ખોલીને બહાર જવાનું જોખમ લેવા તૈયાર નહોતો.કારણ કે બહાર જે ભયાનક ઘટના બની હતી એમાં હું કોઈ જ પ્રકારે સામેલ થવા ઇચ્છતો નહોતો.માત્ર મારે એટલું જ જાણવું હતું કે  શું બની રહ્યું છે, જે મારી ગંભીર ભૂલ હતી.
  હું અંધારે અંધારે એ દરવાજા સુધી પહોંચ્યો. એના કટાયેલા છિદ્રમાંથી બહાર નજર કરી.
  મને એકાએક ટાઢ ચડી ગઈ. વરસાદને કારણે વળેલી ઠંડકને કારણે હું ધ્રૂજતો નહોતો. પણ મેં બહાર જે જોયું તે જોઈને મને એટલો બધો ડર લાગ્યો કે હું ધ્રુજી ઊઠ્યો. હું તરત જ રૂમ તરફ ભાગ્યો, રૂમમાં આવીને મેં પરેશનું ગોદડું ખેંચીને લાત મારી. 
"તારી જાતના @*##$ , સુવા દે ને 
લબાડ..".મારી અપેક્ષા મુજબ જ પરેશ ગાળ બોલ્યો.
"યાર, પરેશ તું જાગ. ઘ.મુ સર પણ પાછળ છે, ખૂન થયું છે , ઉઠ ઉભીનો થા, ચાલ મારી સાથે.."
 મહામહેનતે મેં પરેશને બધી વાત સમજાવી. હવે એની પણ ઊંઘ ઊડી ગઈ હતી. મારી વાતની ગંભીરતા હવે એને બરાબર સમજાઈ હતી. મારા કરતાં પણ પરેશ વધુ હિંમતવાળો હતો એ મને પછી સમજાયું હતું.
 અમે બન્ને લોબીમાં થઈને એ દરવાજા પાસે આવીને આગળનો ઘટના ક્રમ જોવા લાગ્યા. અમારા જીવનનું ભયાનક પ્રકરણ હવે જ શરૂ થવાનું હતું એ અમે ત્યારે જાણતા નહોતા.