cozi corner part 3 books and stories free download online pdf in Gujarati

કોઝી કોર્નર ભાગ 3

       કોઝી કોર્નર 
       પ્રકરણ 4.
  હું અને પરેશ લોબીના છેડે કટાયેલા એ દરવાજાના કાણામાંથી 
બહારનું દ્રશ્ય જોઈને ધ્રુજી ઉઠ્યા. જ્યાં નહાવાના નળ હતા એની પાછળના અવાવરું ભાગમાં ચાર પાંચ જણ હતા એ અમે જોઈ શક્યા કારણ કે એક બે જણના હાથમાં ટોર્ચ હતી.જેના અજવાળે બે જણ ખાડો ખોદી રહ્યા હતા. પેલો કદાવર જણ છત્રી નીચે ઉભેલા એક વ્યક્તિ જોડે વાત કરતો હતો અને એ વ્યક્તિ ઘ.મુ. સર હતા ! એ લોકો શુ વાત કરે છે એ અમને વરસાદને કારણે સ્પષ્ટ સમજાતું નહોતું. પણ ઘમુ સર એ કદાવર માણસને ખખડાવી રહ્યા હતા એ અમે સમજ્યા હતા. મેં પરેશનો હાથ પકડી રાખ્યો હતો.
"પરેશ, આમાં તો ઘમુ સર પણ સામેલ છે, સાલ્લો મોટો ગુંડો લાગે છે !" મેં હળવેથી કહ્યું.
" મૂંગો મર, જે થાય તે જોયા કર, બિલકુલ અવાજ ન કરતો." પરેશે મને ચૂપ રહેવા કહ્યું.
લગભગ દસેક મિનિટ પછી એ લોકોએ પેલા ખાડામાં લાશ દફનાવી દીધી. અમે પતરાના દરવાજામાં પડેલા કાણામાંથી આખી ઘટના નજરો નજર જોઈ. એ લોકો જરૂર પડે ત્યારે જ ટોર્ચ શરૂ કરતાં હતાં, પણ જ્યારે પણ ટોર્ચ શરૂ થાય ત્યારે જેટલું જોવા મળતું હતું એમાં અમે ઘમુ સરને ઓળખી કાઢ્યા હતા. હજુ પણ અમે ત્યાં જ ઉભા રહીને બહાર જોવાનો પ્રયત્ન કરતા હતા, પણ એ લોકો ક્યારે દરવાજા પાસે આવી ગયા એ ખ્યાલ ન રહ્યો.
" સાહેબ, અત્યારે આ હોસ્ટેલનું કોઈ છોકરું જાગતું તો નહીં હોયને ? " કોઈક દરવાજાની સાવ નજીકથી બોલ્યું, લગભગ એ પેલો કદાવર આદમી હતો એનો જ અવાજ હતો.
"જાગતું હોય તોય રૂમની બહાર નો નીકળે, જોતો નથી સાવ અંધારું છે અને વરસાદ પડે છે. તું એ ઉપાધિ ના કર, કાલે પૈસા લઈ જજે , જાવ ઉપડો અહીંથી " ઘમુ સર બોલ્યા.
 એ અવાજ દરવાજાની સાવ નજીકથી આવ્યો હતો. હું અને પરેશ તરત જ ત્યાંથી ભાગ્યા. કારણ કે એ લોકો કદાચ આ દરવાજામાંથી જ અંદર આવવાના હતા. અને ટોર્ચનું અજવાળું કરે તો અમે પકડાયા વગર ન રહીએ અને પકડાઈ જઈએ તો આ લોકો બીજા બે ખાડા ગાળીને અમને બન્ને ને દાટી દે તો કોઈને ખબર પણ ન પડે એવી ભયાનક એ રાત હતી. 
 અમે દોડાદોડ અમારી રૂમ તરફ ભાગ્યા. સદભાગ્યે લોબીમાંથી અમે અમારી રૂમમાં ઘૂસી ગયા ત્યારે જ પેલી ટોળી દરવાજો ખોલીને લોબીમાં પ્રવેશી હતી. અને અમારી ધારણા મુજબ એ લોકોએ ટોર્ચ ચાલુ કરીને પ્રકાશ લોબીમાં ફેંક્યો હતો. એ વખતે જ પરેશે દરવાજો બંધ કર્યો હતો અને દરવાજો બંધ કરતી વખતે એ પણ મારી જેમ ડરેલો હોવાથી બારસાખ સાથે ભટકાયો. દરવાજાની તિરાડમાંથી લોબીમાં રેલાતો ટોર્ચનો પ્રકાશ અમને દેખાતો હતો જે ઝડપથી વધુ પ્રકાશિત થઈ રહ્યો હતો. હવે અમારા હોશ નહોતા કે અમે કાંઈ જોઈ શકીએ !  દરવાજાનો અથડાવાનો અવાજ ઘમુસરની ટોળકીએ સાંભળ્યો. એટલે એ લોકો હરકતમાં આવ્યા હતા.
" કોઈએ દરવાજો બંધ કર્યો, એનો મતલબ કે કોક જાગે છે, કદાચ આ લોબીમાં કોઈ આવ્યું પણ હોય અને.." પેલા કદાવર બોલ્યો.એનો અવાજ અમરીશ પુરી જેવો ઘોઘરો અને ભારેખમ હતો.
" કદાચ કોઈ એકી પાણી કરવા આવ્યું પણ હોય, અથવા  હોસ્ટેલના છોકરા રૂમના બારણાં બંધ નથી કરતા હોતા. વરસાદને કારણે કોઈએ બંધ કર્યું હોય. એવું પણ બને" ઘમુ સર બોલ્યા.
"રૂમ નં 17.." પેલાએ અમારા રૂમના દરવાજા પર ટોર્ચ ફેંકીને રૂમનો નમ્બર વાંચ્યો.
'' તમે ભલે કયો પણ આ રૂમના છોકરાઓને મારે જોવા પડશે. કાલે હું આવીશ. કોઈએ કાંઈ જોયું ન હોય તો વાંધો નહિ,પણ ખાતરી તો કરવી જ પડે. હું તમને ના પાડતો હતો કે આયાં રવા દો, પણ તમે નો માન્યા. જો મારો ડાઉટ સાચો પડશેને તો આ રૂમ નં 17ની સાફ સફાઈ કરવી પડશે, કહી દવ છું તમને સાહેબ. આ હમીરસંગ કોઈ કામ કાચું નથી કરતો, શુ ?  અમથા મને લોકો શકરોબાઝ નથી કહેતા.''
" હા ભાઈ હા, તું જા ને અત્યારે. હું મારી રીતે તપાસ કરી લઈશ. મને નથી લાગતું કે કોઈએ કાંઈ જોયું હોય. છતાં તારી વાત પણ સાચી છે, હવે અહીંથી ટળો તમે લોકો."
ઘમુ સરે એ લોકોને કહ્યું. આ વાતચીત દરમ્યાન હું અને પરેશ પોતપોતાનાં કોટમાં પગથી માથા સુધી ગોદડું  ઓઢીને સુઈ ગયા હતા. 
 હમીરસંગ એની વાત પ્રમાણે ખૂબ જ ચકોર અને હોશિયાર માણસ હતો. ઘમુ સરે જવાનું કહ્યું તેમ છતાં એણે કોઈ માણસને અમારી રૂમના દરવાજા પાસે વાંકો ઉભો રાખ્યો.અને એની ઉપર ચડીને દરવાજા ઉપરના વેન્ટીલેશનમાંથી એણે અમારી રૂમમાં ટોર્ચનું અજવાળું ફેંક્યું. પછી એણે નીચે ઉતરીને ઘમુ સરને કહ્યું, " કાલે હું કહું એ છોકરાને ઓફિસમાં બોલાવીને મને બતાવી દેજો, હું મારી રીતે જોઈ લઈશ." 
"વાંધો નહિ " ઘમુ સરે કહ્યું. ત્યાર પછી એ લોકો ચાલ્યા ગયા.પણ અમે બન્ને ગોદડા નીચે પણ ધ્રુજતા હતા. એ રાત અમે કેમ કાઢી એ વર્ણવવું અશક્ય છે. ભયનો ઓથાર કેવો હોય એ અમને તે રાત્રે પ્રત્યક્ષ અનુભવાયું હતું. મને આ બધું જોવા બદલ પારાવાર પસ્તાવો થતો હતો. પણ હવે જે બનવાનું હતું એનો આરંભ થઈ ચૂક્યો હતો. મારે અને પરેશને ઉછળતા ઘોડાપૂરની નદીમાંથી તણાયા વગર  સામે કાંઠે પહોંચવાનું હતું. 
  ઘમુસર જેવો નિવૃત મામલતદાર આવા કામ પણ કરતો હતો એ અમે નજરો નજર જોયું ન હોત તો કદી પણ માની ન શકાય તેવી વાત હતી. જે માણસનું ગળું આ હમીરસંગે કાપીને મારી નાખ્યો હતો અને હોસ્ટેલની પાછળના અવાવરું ભાગમાં દાટી દીધો એ કોણ હશે ? એ બિચારાને આ લોકોએ શુ કામ મારી નાખ્યો હશે ? એ હમીરસંગ કોણ હશે ? કદાચ એ સોપારી કિલર હોવો જોઈએ, એટલે જ ઘમુ સર એને પૈસા લઈ જવાનું કહેતા હતા. તો શું આ ઘમુ સરે જ પેલાની સોપારી આપી હશે ? પણ તો પછી લાશના નિકાલ વખતે આવી વરસાદની અંધારી રાતે એ શું કામ હાજર રહે ? મને અનેક જાતના વિચારો આવતા હતા. હમીરસંગે ટોર્ચ ના અજવાળે અમારી રૂમ નું અંદરનું દ્રશ્ય જોઈને એમ કેમ કહ્યું કે હું કહું એ છોકરાઓને બતાવી દેજો ? શુ એને કંઈ ખ્યાલ આવી ગયો હશે ?  અંધારામાં મને રુમની અંદરનું દ્રશ્ય દેખાતું નહોતું. અને પરેશ નો કોટ મારી નજીકમાં નહોતો એ બાબતનો પહેલીવાર મને અફસોસ થતો હતો. મારી જેમ કદાચ એ પણ ગોદડા નીચે જાગતો જ પડયો હશે.અને આવા જ વિચારો કરતો હશે ! 
***     ***      ****    ***
   કોઝી કોર્નરનો મેઈન ગેટ મેં આગળ વર્ણવ્યું તે મુજબ હમેંશા બંધ રહેતો હતો. આવનાર અને જનાર સાઈડની ઝાંપલી ખોલીને આવતા જતા. એ ઝાંપલી જે રસ્તા પર પડતી હતી એ રસ્તો અમારી હોસ્ટેલના બિલ્ડીંગ તરફ જઈને પાછળ ઝૂંપડપટ્ટીમાં પૂરો થતો હતો.અમે લોકો કદી પણ એ તરફ ગયા નહોતા. આમ પણ હોસ્ટેલની પાછળનો ભાગ અવાવરું અને જાડીથી ઘેરાયેલો હતો.
    મુખ્ય દરવાજો અંબાવાડી વિસ્તારના મુખ્ય રસ્તા પર પડતો હતો. અને એ રોડ અમારી હોસ્ટેલની થોડે આગળથી બે દિશાઓમાં ફંટાતો. એટલે એ જગ્યા આગળ ત્રિકોણ રચાતો હતો.અને એ ત્રિકોણાકાર ભાગમાં બે મોટા જાડ હતા.એના છાંયડે કેટલીક રિક્ષાઓ પડી રહેતી.એક પાનમાવાની દુકાન અને એક ચા બનાવવાવાળાની નાની કેન્ટીન હતી. જે આમ તો લાકડાની લારી પર જ બનાવેલી હતી, જેથી ગમે ત્યારે પોલીસખાતાનું દબાણ વધે ત્યારે ત્યાંથી ધકાવીને લઈ જઈ શકાય તેવી વ્યવસ્થા હતી. બન્ને જાડ ઘેઘુર અને ઘટાદાર હતા એટલે છાંયડો પણ સારો રહેતો. ઘણા હાથલારી વાળા, મજૂરો અને ક્યારેક ભિખારીઓ પણ આ  ત્રિકોણમાં આવીને  કેન્ટીનમાંથી ચા નાસ્તો મંગાવીને બેસતાં.
   કેન્ટીનના માલિક બે સગા ભાઈઓ હતા, જે બન્ને સાવ ટકલા હોવાથી અમે લોકોએ એ કેન્ટીનનું નામ ટૂંડિયા મૂંડિયા ટી સ્ટોલ પાડેલું.કારણ કે એ લોકોએ પોતાની કેન્ટીનનું નામકરણ કર્યું ન્હોતું.
  હું અને પરેશ ખાસ મિત્રો નહોતા એટલે ક્યારેય સાથે ચા પીવા જતા નહિ. પણ આજની વાત અને હવે પછી રોજે જ અમારે સાથે જ ચા પીવી પડે તેમ હતું.
  રૂમ નં 17માં બીટી ખૂબ જ હસમુખો અને મોજીલો જણ હતો. અમને બન્નેને સવાર સવારમાં સામસામે બેસીને ચા ની ચૂસકી મારતા જોઈને એ તરત જ બોલ્યો.
 " અમેરિકા અને રશિયાના સબંધો ગઈકાલે રાત્રે પડેલા મુશળધાર વરસાદને કારણે સુધર્યા હોય એમ લાગે છે. બન્ને દેશના વડાઓ વરસાદને કારણે થયેલી તારાજી ઉપર ચર્ચા કરવા ભેગા થયા છે એટલે આપણા જેવા નાના દેશોને મદદ મળશે. ચાલો ભાઈઓ ચા પીવા " એમ કહીને એ અમારી સાથે ગોઠવાયો. અમારા ચહેરા જોઈને એણે ઉમેર્યું., " શુ છે અલ્યા , કેમ  પલળેલા કાગડા જેવા ડાચાં લઈને બેઠા છો સવાર સવારમાં ?   ચા ન પાવી હોય તો હું પાઈ દઉં પણ આમ કોકની કાણે આવ્યા હોય એમ કેમ બેઠા છો  બેઉ ?"
 "મને તો માથું દુઃખે છે એટલે. આ સમીરીયાને ઝાડા થઈ ગયા લાગે છે, રાતે સંડાસમાં  જતાં બીતો હતો એટલે મને જગાડતો હતો. ડફોળે મને પણ સુવા ન દીધો. "  પરેશે આમ કહ્યું એટલે હું સમજી ગયો કે રાત્રીના બનાવ વિશે પરેશ કોઈને કશું જ કહેવા માંગતો નથી.
  થોડીવારે હોસ્ટેલના બીજા છોકરાઓ પણ આવ્યા. અમારી કોલેજનો સમય બપોરનો હતો એટલે અગિયાર વાગ્યે સુધી અમે નવરા જ રહેતાં. હું પરેશ સાથે વાત કરવા માંગતો હતો પણ પરેશ સાવ ચૂપ હતો. બીટી અને બીજા બધા ગયા પછી અમે એકલા પડ્યા.
 "પરેશ, રાત્રે ખરું બન્યું નહિ ?  આપણે કોઈને કહેવું નથી ? પોલીસ માં જાણ.. "
"મૂંગો મર. મારી પાછળ  પેલી હાથલારી ઉપર બેઠો બેઠો એક જણ બીડી પીવે છે. તું તરત એની સામે જોતો નહિ નકર એને વહેમ પડશે. થોડીવાર પછી જોજે. એ ક્યારનો હોસ્ટેલમાંથી આવતા છોકરાઓને જોઈ રહ્યો છે. કદાચ એ રાતવાળો હમીરસંગ કે એનો કોઈ માણસ હોય પણ ખરો."  પરેશે ખૂબ ધીમેથી મને કહ્યું.
  થોડીવારે મેં પરેશની પાછળ નજર ફેંકી. એ માણસની આંખો લાલઘુમ હતી. એણે પીળો શર્ટ પહેર્યો હતો પણ શર્ટના નીચેના ત્રણ બટન જ બંધ કર્યા હતા. એના ગળામાં ચાંદીનો જાડો સાંકળો અને  કાળા દોરામાં એક મોટું  વાઘના ન્હોર આકારનું પેન્ડલ લટકતું હતું. જિન્સનું મેલુંઘેલું પેન્ટ અને પગમાં સ્લીપર પહેરીને એ હાથલારી પર બેઠો હતો. મેં એની સામે જોયું ત્યારે એ અમને જ જોતો હતો. ક્ષણભર મારી નજર એની નજર સાથે ટકરાઈ. હું તરત જ આડું જોઈ ગયો. જાણે કે મેં એની નોંધ જ લીધી નથી. 
 " એની સામું જોતો નહિ." પરેશે કહ્યું.
"હં..., તારી વાત સાચી લાગે છે,એ સાલો આપણને જોતો હોય કદાચ." મેં કહ્યું.
 "જો સમીર, આ લોકો ખૂબ જ ખતરનાક હોય છે, આપણને બાપાએ ભણવા મોકલ્યા છે, એટલે તું લપમાં પડતો નહિ, આપણે કંઈ જ જોયું નથી એમ સમજીને ભૂલી જા, અને ન ભૂલી શકતો હોય તો હોસ્ટેલ ફેરવી નાખ. આપણું ગજું પણ નથી એ લોકોની સામે પડવાનું. ઘમુ સર પણ ગુંડો જ લાગે છે, તું બહુ સતવાદીનું પૂછડું થતો નહિ મહેરબાની કરીને "
 "તારી વાત સાચી છે, પણ આપણે આપણું નામ ન આવે એ રીતે પોલીસને જાણ કરીએ તો ? યાર કોઈ માણસને.."
"@#ના, %$* સળી કર્યા વગર રહેજે. હું તને કહી દઉં છું. છાનીમાનીની કરતો હોય એ કર, હવે પછી મને બોલાવતો નહિ."  પરેશ ગુસ્સે થઈને ઉભો થઇ ગયો. અને ટૂંડિયાને "પૈસા બાકી"નો ઈશારો કરીને ચાલવા લાગ્યો. 
 મેં બાજુના મુંડા પર ચોળાઈને વેરવિખેર થઈ ગયેલું છાપું લઈને વાંચવા માંડ્યું. તીરછી નજરે પેલા લાલઘૂમ આંખો વાળા તરફ જોયું તો એ હજુ પણ બીડીનું ઠૂંઠું ચૂસી રહ્યો હતો. હું છાપું વાંચવા લાગ્યો.
થોડીવારે છાપામાંથી મેં માથું ઊંચું કર્યું તો પેલો મારી સામે , પરેશ જ્યાંથી ઉઠીને ગયો હતો એ મુંડા પર જ આવીને બેઠો હતો. એના મોમાંથી બીડીની દુર્ગંધ આવતી હતી. હું તરત જ ઉભો થઇ ગયો એટલે એ બોલ્યો, " બેસોને બોસ, ચા પાણી કરીએ"
"આભાર, મારે કોલેજ જવાનું મોડું થાય છે, " મેં કહ્યું.
" આ સામેની બોર્ડિંગમાં રયો છો ?"
એણે ચહેરા પર નરમાશ લાવીને પૂછ્યું.
" કેમ ? " સામો પ્રશ્ન કરીને હું ચાલવા લાગ્યો.
" ઉભા તો રો, થોડું કામ હતું "
''જો ભાઈ તમારે કામ હોય તો અગિયાર વાગ્યે સાહેબ આવે છે, મળી લેજો" એમ કહીને હું ઉતાવળે ભાગ્યો. મારુ હૃદય જોર જોરથી ધડકતું હતું. કદાચ આ હમીરસંગ તો નહોતો જ. રાતના અંધારામાં મને કોઈનો ચહેરો બરાબર દેખાયો નહોતો.પણ કદ અને કાઠીથી આ માણસ હમીરસંગ કરતા નીચો હતો અને અવાજ પણ જુદો લાગતો હતો. હું રૂમમાં આવ્યો ત્યારે પરેશ કોલેજ ચાલ્યો ગયો હતો. એ આ ઘટનામાં બિલકુલ ઊંડો ઉતરવા નહોતો માંગતો.એકરીતે એ સાચો હતો. આવા ખતરનાક લોકો સાથે પંગો લેવાનું અમારું ગજું નહોતું જ. પણ મારો આત્મા હંમેશાથી સળવળીયા કીડા જેવો રહ્યો છે. કોઈ પણ જગ્યાએ થતો અન્યાય હું સહન કરી શકતો નહોતો. રૂમ નં 17માં મારા સ્વભાવનો મેં પરિચય આપ્યો જ હતો.અને એટલે જ પરેશે મને આ ઘટનામાં હાથ ન નાખવાનું કહ્યું હતું. કદાચ એને ખબર હતી કે હું એટલી સરળતાથી ભૂલી જાઉં એ લોકોમાંનો નહોતો.
 મેં મારા કોટ પર લંબાવ્યું. ઘડીક સુઈ જવાની  ઈચ્છા હોવાથી મેં આંખ બંધ કરી.
  સરકારી બસમાં નો સ્મોકિંગનું બોર્ડ હોવા છતાં ટેસથી ત્રીસ નંબરની બીડી સળગાવીને ધુમાડાના ગોટા છોડતા  દિલીપસિંહને નો સ્મોકિંગનું બોર્ડ બતાવીને ડર્યા વગર બીડી ન પીવાનું કહીને એની ગાળો ખાધી હતી. પેસેન્જરોએ છોકરું જાણીને માર ખાતો બચાવ્યો હતો અને મફતમાં સલાહ પણ આપેલી કે બહુ દોઢ ડાપણ સારું નહિ. કોઈકવાર કોક ભાંગી નાખશે !
  ગામમાં મોડે સુધી ચાલતા રામામંડળો બંધ કરાવવા 100 નમ્બર એસટીડીમાં જઈને  ડાયલ કરવા બદલ બાપાને પણ ઠબકો અપાવડાવેલો એ પણ યાદ આવ્યું. ધાર્મિક કામમાં કાયદાકીય દખલગીરી કરવા બદલ ગામમાં હું ખૂબ વગોવાયેલો. કાયદાના ઉલ્લંઘનને કુદરતી રીતે જ હું સહન કરી શકતો નહોતો. મારા દોસ્તો મને કહેતા કે તું અમેરિકા જેવા દેશોમાં જતો રહે.આપણા દેશમાં તો આવું ચાલ્યા જ કરવાનું છે. આભ ફાટ્યું હોય ત્યાં થિંગડું મારવા જવાની મૂર્ખાઈ ન કરવાની સલાહ હંમેશા મને મળતી રહી છે. અને આ કેસમાં પણ પરેશે મને એ જ સલાહ આપી હતી. પણ હું આખરે સળીબાજ હતો જ અને મારી રૂમથી સો સવાસો ફૂટ દૂર એક મડદું દાટેલું નજરો નજર જોયા પછી પણ હું કંઈ જ ન કરું એ શક્ય જ નહોતું. અને એટલે જ મેં આ બાબત પીલીસને જણાવવાનો નિર્ણય લીધો. 
***  **** *** **       ****    ***
   એ વખતે હમીરસંગ અને ઘમુસર વિશે હું કાંઈ જ જાણતો નહોતો. પણ એ લોકો ખૂબ જ ખતરનાક હતા એટલે મેં મારું નામ ન આવે એ રીતે જ કામ કરેલું. પણ હમીરસંગ પોતાને શકરોબાઝ કહેતો હતો. સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલા બેચાર ગામડાની રિસાયત એના વડવાઓ પાસે હતી.અને સમય જતાં રાજા રજવાડાઓનું આર્થિક રીતે પતન થઈ ગયા પછી ખાસ કોઈ આવક ન રહેતા હમીરસંગે પોતાનું "નાગાઈ" નામનું શસ્ત્ર વાપરવાનું ચાલુ કર્યું હતું. નાનપણમાં દાદાગીરીને કારણે ગામમાં કોઈ એની સાથે પંગો લેતું નહિ. ગમે તેની વસ્તુ પડાવી લેવામાં એકબે વખત સફળતા મળ્યા પછી એની હિંમત વધી હતી. વિરોધ કરનારને જાહેરમાં ગાળો દઈને ધોલ થપાટ કરતા કરતા એ દાદો બની ગયો હતો.અને એક બે વાર મોટા ઝઘડામાં મારપીટ કરીને જેલમાં પણ જઈ આવેલો. ત્યારબાદ એ વકરીને બે લગામ થઈ ગયો હતો.અને અત્યાર સુધીમાં આઠ દસ ખૂન પણ એણે કરી નાખ્યા હતા. અને અનેકવાર જેલમાં જઈ આવેલો ખૂંખાર અને ખતરનાક માણસ હતો. એટલે મેં પાણીનું ઊંડાણ જોયા વગર જ કૂદકો માર્યો હતો એટલે ડૂબ્યા વગર રહી શકવું મુશ્કેલ હતું. મેં સીધા જ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં નનામો પત્ર લખ્યો, જે આ પ્રમાણે હતો.
મહેરબાન કમિશનર સાહેબશ્રી,
હું આ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી કોઝી કોર્નર નામની હોસ્ટેલમાં 14મી જુલાઈ 1987 ના રોજ રાત્રીના આશરે 2 વાગ્યે વરસતા ધોધમાર વરસાદમાં  બનેલા બનાવ બાબત આપને માહિતગાર કરવા માગું છું. એ રાત્રે આ હોસ્ટેલના રેક્ટર ઘનશ્યામભાઈ ઉર્ફે ઘમુસરે હમીરસંગ નામના બદમાશ સાથે મળીને કોઈનું ખુન કરેલું છે, અને લાશ આ જ હોસ્ટેલની પાછળના ભાગમાં જ્યાં ઝાડી છે અને અવાવરું જગ્યા છે ત્યાં દાટેલ છે. તો આપ તત્કાલીક પગલાં લઈ આ નરાધમોને જેલ ભેગા કરશો એવી આશા સાથે.
  ઉપર મુજબ પત્ર લખીને હું બહાર નીકળ્યો ત્યારે ઘમુસરની ઓફીસમાં
પેલો પીળા શર્ટવાળો માણસ બેઠો હતો. મને જોઈને ઘમુસરે સાદ પાડ્યો, " અરે ઓ સમીર,અહીં આવ "
 મારા પેટમાં ન સમજાય તેવી ફડક બેસી ગઈ. હું ડરતા ડરતા ઓફિસમાં ગયો.
 "જરા બહાર જો ને, ગુરખો ક્યાંય દેખાય છે ?  એને કહે કે સાહેબ બોલાવે છે "
"જી સાહેબ, જોઉં છું "  કહીને હું બહાર નીકળ્યો.પેલો લાલ આંખોવાળો માણસ મને એકીટશે જોઈ રહ્યો હતો. કદાચ રૂમ નં 17 ના દરેક છોકરાઓ ઉપર નજર રાખવાનું કામ આને સોંપાયું હતું.
 મને ગુરખો ક્યાંય દેખાયો નહિ. એટલે હું મારી સાઇકલ લઈને કોલેજ જવા નીકળી ગયો. કોલેજના પ્રિન્સિપાલ સાહેબને વાત કરવાનું મન થયું પણ પાછા એ પણ  ચૂપ રહેવાની જ સલાહ આપશે એમ સમજીને મેં પેલો પત્ર પોસ્ટ કરી દીધો.
  ત્રણ દિવસ પછી મારા પત્રની અસર દેખાઈ. પોલીસનું ઘાડું અમારી હોસ્ટેલ પર ઉતરી આવ્યું હતું. ઘમુસરને હીરાસતમાં લેવામાં આવ્યા હતા. અને હોસ્ટેલની પાછળના ભાગમાં પોલીસે ખોદકામ શરૂ કરાવ્યું હતું.
    (ક્રમશ :)
દોસ્તો, જો આપને આ વાર્તામાં રસ પડતો હોય તો પ્રતિભાવ અવશ્ય લખશો.