cozi corner - 10 books and stories free download online pdf in Gujarati

કોઝી કોર્નર - 10

કોઝી કોર્નર 15.
 હમીરસંગે જુલાઈ માસની અંધારી રાત્રે કોઝી કોર્નર હોસ્ટેલમાં કોઈને મારીને દાટ્યો હતો ત્યારે એને અચાનક ખ્યાલ આવ્યો હતો કે હોસ્ટેલના કોઈ છોકરાઓ આ ઘટના જોઈ રહ્યા હોય તો ? એને મન માત્ર આ શંકા જ હતી, એટલે છત્રી લઈને ઉભેલા ઘમુસરને એણે આ બાબતમાં પૂછ્યું હતું. એ આપણે જાણીએ છીએ. ઘમુસરે ચોખ્ખી ના પાડવા છતાં એને વિશ્વાસ બેઠો નહોતો.અને હું તથા પરેશ રૂમ નં 17 પાસેના બાથરૂમ બાજુ આવેલા જુના અને ખખડી ગયેલા બારણાની તિરાડમાંથી એ ઘટના જોઈને છળી મર્યા હતા.
  હમીરસંગ જ્યારે એ બારણાં પાસે આવ્યો ત્યારે અમે જલ્દી જલ્દી ભાગીને અમારા રૂમમાં ભરાઈને સુઈ ગયા હતા. પરંતુ અમે એ પેસેજનો ખાંચો વળી ગયા એની બીજી જ સેકન્ડે હમીરસંગે ટોર્ચનું અજવાળું અમારી પાછળ ફેંક્યું હતું. અને ત્યારે એણે ભલે અમને જોયા નહોતા પણ એની છઠ્ઠી ઇન્દ્રિય દ્વારા એને વ્હેમ પડ્યો હતો અહીં કોઈ હતું એ ચોક્કસ છે !!
અને એટલે જ એણે ઘમુસરને ફરીવાર પૂછ્યું હતું અને એના એક સાગરીતને વાંકો વાળીને એની ઉપર ચડ્યો હતો અને વેન્ટીલેશનમાંથી ટોર્ચનું અજવાળું અમારા બધા ઉપર ફેંકીને જોયું હતું કે હું અને પરેશ જાગતા હોવાનો ડોળ કરીએ છીએ અને બાકીના બધા ઊંઘે છે, હવે આવી બાબત કોઈના ગળે કેમ ઉતરે ? છતાં એ બન્યું હતું. એટલે તરત જ એણે પેલી લાશને ત્યાંથી બીજી જગ્યાએ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. અને મેં જે પોલીસ કમિશ્નરને પત્ર લખીને તપાસ કરાવડાવી એમાં ઘમુસર બચી ગયા હતા. હમીરસંગની આ છઠ્ઠી ઇન્દ્રિયનો પરિચય એણે ઘણીવાર ઘમુસરને કરાવ્યો હતો અને મુશ્કેલીઓમાંથી ઉગારી લીધા હતા.એટલે જ એ પોતાની જાતને શકરોબાજ કહેતો હતો !!
 મેં કમિશનર ઓફિસમાં પત્ર લખ્યો પછી પોલીસ તપાસ થઈ હતી.એટલે  હમીરસંગે રૂમ નં 17ના બધા જ વિદ્યાર્થીઓ પાછળ નજર રાખવા માણસો લગાવી દીધા હતા. પણ ઘણા સમય સુધી કાંઈ ખ્યાલ નહોતો.પણ વાલમસિંહ ગુમ થયો હોઇ શાંતા ઘમુસર સાથે બાખડી પડી હતી.અને પરેશ શાંતાની દીકરી રમલી સાથે ફરતો હોવાની માહિતી ગટોરે હમીરસંગને આપી હતી.
  એટલે પરેશ અને રમલીને ઉઠાવી જવાનો પ્લાન એક કાંકરે બે પક્ષી મારવા જેવો સાબિત થાય તેમ હતો.આ બાબતમાં હમીરસંગે શાંતાને ધમકી પણ આપી હતી.
અને ગટોર અને ભીમાને આ કામ સોંપવામાં આવ્યું હતું.પરેશ અને રમલી અવારનવાર સાથે રખડવા નીકળી પડતા હોવાથી આ કામ એ લોકો માટે ડાબા હાથનો ખેલ લાગતો હતો.
  ગટોર અને ભીમાને ઝાડ સાથે બાંધીને શાંતાએ અને વાલમસિંહે બદલો લીધો હતો ત્યાર પછી એ પંથક છોડીને આ બન્ને હમીરસંગની ટોળીમાં સામેલ થયા હતા.અને ઘમુસરના માર્ગદર્શન નીચે એમણે ઘણા કામો પાર પાડ્યા હતા. પણ પરેશ અને રમલીને ઉઠાવવાનું કામ એમને ભારે પડવાનું હતું.
** ** ** **
 તે રવિવારની સાંજે પરેશ મને છોડીને રમલી સાથે રીલીફરોડ પરની રિલીફ ટોકીઝમાં ઈંગ્લીશ મુવી જોવા રમલીને લઈને ગયો હતો.બેમાંથી એકે'યને ઇંગ્લીશમાં ઘનાભાઈના 'ઘ'ની પણ સમજણ પડતી નહોતી. તો પણ એ બન્ને સાંજના શો માં ઘૂસતા. ટોકીઝમાં ખૂબ જ ઓછા લોકો હોય એવું ભંગાર પિક્ચર જ પસંદ કરીને બન્ને એકાદ ખૂણામાં ઘૂંટરઘુ કર્યા કરતા.
  એ દિવસે ગટોર અને ભીમો પરેશ અને રમલીની પાછળ જ રિલીફ ટોકીઝમાં ઘુસ્યા હતા. અને આ બન્નેની પાછળની રો માં બેસી ગયા હતા. પિક્ચર શરૂ થતાં જ ટોકીઝના અંધારામાં પરેશ અને રમલીએ રોમાન્સ શરૂ કર્યો એ જોઈને ગટોર અને ભીમો પણ ઉત્તેજિત થયા હતા. ઈંગ્લીશ પિક્ચરમાં આવા ઘણા કપલ અને મવ્વાલીઓ ખાસ કરીને સાંજે 6 થઈ 8ના શોમાં આવતા.
  ગટોરે થોડીવાર પરેશ અને રમલીના રોમાન્સનો ખેલ જોયો. ત્યારબાદ ઉભા થઈને એણે રમલીના હોઠ પર કિસ કરતા પરેશના વાળ પકડીને ખેંચ્યા અને ભીમાએ રમલીનો ચોટલો પકડીને પોતાની તરફ ખેંચી.
  પળવારમાં પોતાની ઉપર થયેલો હુમલો પારખીને રમલીએ જોરદાર મુક્કો ભીમાના ઝડબા પર માર્યો.અને પરેશે ઉભા થઈને ગટોરનો હાથ પકડીને જોરદાર આંચકો માર્યો. પરેશ પાંચ ફૂટ નવ ઈંચ ઉંચો અને બળુકો યુવાન હતો.એના ઘેર ત્રણ ત્રણ દુઝણી ભેંસો હતી.નાનપણથી જ એણે અસલ ઘી દૂધ અને માખણ ખાધા હતા. ગટોરે એને છોકરું  ધારવાની ભૂલ કરી હતી.
 પરેશના આંચકાથી ગટોર ખુરશીઓ પરથી ખેંચાઈને પરેશની ખુરશીમાં ઊંધા માથે પડ્યો.અને લસરીને આગળની ખુરશીની નીચેના ભાગમાં એનું માથું ભટકાયું.
પરેશે ગાળ દઈને એને જોરદાર પાટું મારીને ખુરશીમાંથી નીચે પાડી દીધો. અને ગુસ્સાથી બે ચાર પાટું પણ મારી દીધી. 
 ભીમાના મોઢા પર રમલીએ મુક્કો માર્યો એટલે એ પણ ખીજાયો હતો.
"તારી જાતની #$&&*ની...." ગાળ દઈને ભીમાએ રમલીને એક તમાચો માર્યો હતો.અને એ વખતે પરેશ ગટોરને મારતો હતો એ એણે જોયું હતું.એટલે તરત જ રમલીને પડતી મૂકીને એણે પરેશના માથામાં હાથની ઝાપટ મારીને કોલર પકડ્યો. 
ગટોરને ગાળો દઈને મારી રહેલા પરેશનો ગુસ્સો હવે કાબુ બહાર ગયો હતો. ગટોરને પડતો મૂકીને એણે ભીમનો હાથ પકડીને મરડ્યો. ભીમો વાંકો વળીને રાડ પાડી ગયો .
હજુ એની રાડ પુરી થાય એ પહેલાં જ પરેશે એના બરડામાં જોરદાર ગડદો ઠોકયો. આ દરમ્યાન રમલીએ 
ખુરસી નીચે પડેલા ગટોરના મોં ઉપર પાટું માર્યું. ગટોર ખૂબ જ ખરાબ રીતે પરેશના પગ પાસે ખુરશીઓની લાઈનમાં ફસાયો હોવા છતાં એણે રમલીનું સ્કર્ટ ખેંચ્યું હતું.
એ જોઈને પરેશે તેના ઝડબા ઉપર લાત મારીને ગાળ દીધી. રમલી એનું ઉતરી ગયેલું સ્કર્ટ છોડાવીને દૂર ખસી ગઈ હતી.
 આ ધમાલ થઈ એટલે ટોકીઝમાં હોહા મચી હતી.જેટલા પણ પ્રેક્ષકો હતા એ બધા પિક્ચર જોવાનું પડ્યું મૂકીને આ યુદ્ધ જોવા ટોળે વળી ગયા. તરત જ ટોકીઝમાં લાઇટ્સ શરૂ થઈ અને ટોકીઝના માણસો આવી પહોંચ્યા હતા. એ લોકો ગટોર અને ભીમાને પકડીને બહાર લઈ ગયા અને એ લોકોને ત્યાંથી ચાલ્યા જવાનું કહેવામાં આવ્યું.
 પરેશ અને રમલી  સમજ્યાં હતા કે કોઈ મવ્વાલીઓ ખાલી પરેશાન કરવા આવ્યા હતા. એટલે એ લોકો ફરીથી એકમેકના પડખામાં ભરાયા હતા.
    ગટોર અને ભીમો, પરેશ અને રમલીના હાથે બુરી રીતે ધોવાયા હતા. એટલે આ લોકોને ઉપાડી જવા સહેલા નથી એ વાત એમને સમજાઈ હતી.
  પણ સોંપવામાં આવેલું કામ ગમે તે હિસાબે પૂરું ન થાય તો હમીરસંગનો ખોફ ઉતરે એ નક્કી હતું. ટોકીઝના પાર્કિંગમાં પાર્ક કરેલી એમ્બેસેડર પાસે જઈને  બન્ને  વિચારતા હતા.
"હરામીનાએ મારુ ઝાડું ભાંગી નાખ્યું, હાળો જોરાવર સે હો, આપણા બેથી હાથમાં રે એવો નથી. બીજા બે ને બોલાવવા પડે, અને પાછી ઓલી વાલમસિંહની છોડી... ભારે લોંઠકી છે, ઇની માં જેવી જ હો.. હાળી મજાની છે હો ભીમલા.. ઇની માં એ તો આપડને નવરીના કરી મુક્યાં..નકર આનો'ય વારો પાડવાનો હતો.."
"હવે ઇ બધી વાત રે'વા દે.. હમીરબાપુનો ઓડર સે એટલે આ બેઉને ઉપાડવા જ પડહે..હું બીજા બે ચારને બોલાવી લાવું. ફિલમ છૂટે અટલે તું તિયાર રે'જે.અમે ચાર જણ એ બે'ય બહાર આવે બોકીમાંથી ઝાલીને ગાડીમાં ઘાલી દેશું. તું દરવાજો ખુલ્લો રાખીને ગાડી ચાલુ જ રાખજે." ભીમાએ યોજના સમજાવી.
"ડોબા, આટલા બધા માણસો વચ્ચે થી એમ નો કરાય.કોક ગાડીનો નંબર નોંધી લ્યે તો જધાઈ જવાય. ઇ બે'ય પંખીડાનો આપડે પીછો કરશું.લગભગ તો એ રીક્ષા પકડશે અને ક્યાંક અવાવરું જગ્યા ગોતશે. એટલે મોકો જોઈને ઘા કરવો પડશે. તું જા, અબ્દુલિયાને અને બીજા બે તણ ને સાકરી લાવ. પછી તું અંદર જઈને નજર રાખજે, એ લોકો જરૂર બા'ર નિકળીને રીક્ષા જ પકડશે. પછી કદાચ ક્યાંક ખાવા જાહે, પછી એકાદ બગીચામાં જ્યાં વગર નઈ જ રે..ઇ વખતે આપણે દબોચી લેહુ. નકર રસ્તામાં ક્યાંક મેળ પડે તો ન્યા.." ગટોર આવા કામનો માહિર હતો. અમસ્તો જ કંઈ એ હમીરસંગનો વિશ્વાસુ નહોતો.
"તો ઇમ કરું, અબ્દુલિયાને કહું કે એની રીક્ષા જ લેતો આવે. ગમે તેમ કરીને ઇ આ બે'ને ઇની રિક્ષામાં જ બેહાડી દેહે..." ભીમાએ કહ્યું.
"અરે હા, ઇમ જ કર. અહીં અબ્દુલની ફેં ફાટે સે. અબ્દુલ એની રીક્ષા ટોકીઝના દરવાજે ઉભી રાખશે એટલે બીજો કોઈ ન્યા ઉભો'ય નહિ રે.. જા તું ઉપડ જલ્દી.." ગટોરે ભીમાને બીડી આપી અને બીજી બીડી હોઠ વચ્ચે મૂકીને સળગાવતા કહ્યું.
 ભીમો પણ બીડી સળગાવીને ચાલતો થયો.
 અપહરણમાં વાપરવાની હતી એ એમ્બેસેડર કાળા કાચ વાળી હતી. અને હમીરસંગ આ ગાડીનો માલિક હતો. ઘમુસરના ઘણા દુષમનોને આ કારમાં ઉઠાવવામાં આવ્યા હતા.
  ભીમો બીજા ચાર જણને બોલાવી લાવ્યો. અને પાંચ જણા કારમાં ભરાઈને બેસી ગયા.ભીમો ટોકીઝમાં જઈને પરેશ અને રમલી ઉપર નજર રાખવા બેસી ગયો.
  પરેશ અને રમલી આટલો ઝગડો થયો તો પણ ટોકીઝમાં જ પડ્યા રહ્યાં હતાં. આખા શો માં ગણ્યા ગાંઠ્યા પ્રેક્ષકો જ હોવાથી એ બન્નેને ખૂબ જ મઝા આવતી હતી. બે યુવાન હૈયાઓ એકમેકના પ્રેમમાં જીવનનો પરમ આનંદ લૂંટી રહ્યા હતા.અને બહાર ગટોર અને ભીમો એ બન્નેને ઉઠાવી જવાની પૂરેપૂરી તૈયારીમાં હતા.
   આખરે એ શો પૂરો થયો. પરેશ અને રમલી બધા પ્રેક્ષકોની સાથે ટોળામાં બહારના દરવાજા તરફ ચાલવા લાગ્યા. બીજા પણ કેટલાક કપલ ટોકીઝના અંધારાનો ઉપયોગ કરીને તૃપ્ત થયા હોય એમ એકબીજાના હાથમાં હાથ નાખીને અને કમર ફરતે બીજો હાથ વીંટાળીને બહાર જઈ રહયા હતા.
"સાલ્લુ, અમારે તો કો'ય દી આવો મેળ જ નો પડ્યો.."ભીમો મનોમન બબડતો બબડતો આ ટોળા પાછળ દાદર ઉતરતો હતો. બહાર નીકળીને એણે એમ્બેસેડર તરફ હાથ ઊંચો કરીને સંકેત આપ્યો હતો.એટલે એક જણ કારમાંથી ઉતરીને એની પાસે આવ્યો. ભીમાએ પરેશ અને રમલી, એ નવા સાગરીતને બતાવ્યા. એ નવો સાગરીત અબ્દુલ હટ્ટો કટ્ટો અને કાળીયો હતો.ભીમો એને આ કામ માટે ખાસ બોલાવી લાવ્યો હતો. અબ્દુલ પણ હમીરસંગની ટોળીનો જ એક સભ્ય હતો. 
 હવે ભીમો કારમાં જઇને બેઠો. અબ્દુલ દોડીને એની રિક્ષામાં જઈ બેઠો. બીજા ઘણા પેસેન્જર રિક્ષામાં બેસવા માંગતા હતા. પણ અબ્દુલે કોઈને હા  ન પાડી.એણે આવીને બીજા રિક્ષાવાળાને ત્યાં ઉભા જ રહેવા નહોતા દીધા.
 પરેશ અને રમલી એમની આસપાસ રચાઈ ગયેલી આ જાળથી બિલકુલ બેખબર હતા. ટોકીઝમાં થયેલા ઝગડાને એ બન્નેએ હળવાશથી લીધો હતો. આવું તો ઘણીવાર બનતું.એટલે એ બન્ને જણ સાવ બેફિકર હતા.
 "આવો..સાહેબ આપણી રીક્ષા ખાલી સે..કી બાજુ જવું સ ?" અબ્દુલે પરેશને બોલાવ્યો.
 પરેશે રમલી સામું જોયું. "બોલ હવે ક્યાં જવું છે ? હોટલમાં જમવા કે ગાર્ડનમાં ?"
"હોટલમાં જમીને ગાર્ડનમાં..." રમલીએ આંખો નચાવતા કહ્યું.
"ભારે હોશિયાર હો..મારી છમ્મક છલ્લો...પેલાને સારો ઘોનાર્યો હો તેં.., તારું સ્કર્ટ પેલાએ ખેંચ્યું એટલે જ મેં એને વધુ માર્યો" પરેશે રમલીને પડખામાં દબાવીને કહ્યું.
"તું પણ કાંઈ ઓછો નથી. તારી રૂમમાં બધા તારાથી બીવે સે, અટલે હું તારી ઉપર ઓગળી ગઈ.નકર આખી હોસ્ટલ મારી વાંહે લાળું પાડે સ, પણ કોઈ તારી જેવું નહીં.."
"બસ, હવે વધુ માખણ ના લગાવ. ચાલ રિક્ષામાં લાલ દરવાજા જતા રહીએ.ત્યાં ઢોસા બોસા ખાઈને લો ગાર્ડન જતા રેશું."
"સારું ચાલ.." રમલીએ કહ્યું.
  બન્ને અબ્દુલની રિક્ષામાં ગોઠવાયા. રીક્ષા લાલ દરવાજા તરફ દોડવા લાગી.અને ગટોરે એની એમ્બેસેડર રીક્ષા પાછળ લીધી. એ વખતે એમ્બેસેડરમાં ગટોર, ભીમો અને અબ્દુલ સાથે આવેલા બીજા ત્રણ જણ હતા. 
  પરેશ અને રમલીએ રિક્ષામાંથી ઉતરીને ભાડું પૂછ્યું ત્યારે અબ્દુલે કહ્યું , "નાસ્તા પાણી કરીને આગળ જવાના સાહેબ ? કે પસી આયાં જ ઉતરી જાશો ? જો આગળ જવું હોય તો ર'વા દો, હું આયાં જ ઉભો સુ. તમેં લોકો નાસ્તો કરી લો"
"સારું તો ઉભો રે..અમારે ઢોસા ખાઈને લો-ગાર્ડન જવું છે " પરેશે અબ્દુલ સામે આંખ મારીને કહ્યું.
" હોવ હોવ... કરો જલસા..હે..હે."
અબ્દુલે હસીને સામી આંખ મારી.
એ જોઈને રમલી રિસાઈ ગઈ, "તારે એ બધી શેની પંચાત સે, જા તારી રિક્ષામાં નહીં બેહવું..પરેશે તું આને ભાડું આલી દે...કોઈ...સ.....ન..અ.., આયી રીતે મશ્કરી કરે ન, ઇ મન પસંદ નહીં.."
"ઓ..હો..હો..સોરી..સોરી...બુન.. હવે મારી રોજી રોટી પર પાટું ના મારો ભૈશાબ...લ્યો હવે હું નહી હસું બસ ?"અબ્દુલે બાજી બગડતી જોઈને વાત વાળી લીધી.
"તો ઠીક, નહિતર હાલતો થઈ જા" એમ કહીને એ પરેશના પડખામાં ભરાઈ.
  એ વખતે સાડા નવ થયા હતા. રમલી શાંતાને પોતાની બેનપણી સાથે પિક્ચર જોવા જવાનું કહીને નીકળી હતી એટલે એને બહુ ચિંતા નહોતી.ઘણીવાર એ શાંતાને આવી રીતે ગોળી પાઈ દેતી.જ્યારે પરેશને તો કોઈ પૂછવા વાળું હતું જ નહીં.
 દસેક વાગ્યે આ બન્ને મસ્તી કરતા કરતા રોડ પર આવ્યા. અબ્દુલ હજુ સાઈડ પર જ રીક્ષા લઈને બેઠો હતો. ગટોર અને ભીમાની કંપની પણ થોડે દુર બ્લેક એમ્બેસેડરમાં આ લોકોની રાહ જોઇને બેઠા હતા. આજ રાત્રે કોઈ પણ હિસાબે હમીરસંગ આગળ રમલીને પેશ કરવાની હતી.
 "આઈએ સાબ, બેઠીએ મેડમ. ચલો આપ લોગો કો લો ગાર્ડન લે ચાલતા હું..." અબ્દુલે પરેશ અને રમલીને પોતાની રીક્ષામાં બેસાડવા ખૂબ જ વિનયથી કહ્યું. હવે એ હિન્દી બોલવા લાગ્યો.એનો વિનય જોઈને એ બન્ને હસ્યાં.અને રિક્ષામાં બેઠા. અબ્દુલે રીક્ષા લો ગાર્ડન તરફ ચલાવી અને એની પાછળ ગટોરે એમ્બેસેડર પણ લીધી.
  યુવાન હૈયાઓ જ્યારે મોજ કરવા જ એકબીજાનો સહારો લેતા હોય છે ત્યારે એકબીજાથી ધરાતા નથી હોતા.પરેશ અને રમલી બન્ને જાણતા હતા કે બેઉ એકબીજાનો ઉપયોગ માત્ર ઐહીક આનંદ લેવા માટે જ કરી રહ્યા છે, આ સબંધમાં પ્રેમ કરતા વિજાતીય આકર્ષણ અને જાતીય આવેગ વધુ હતો. પણ સતત સહવાસમાંથી જ પ્રેમ જન્મતો હોય છે, રમલી હવે પરેશને દિલથી પ્રેમ કરવા લાગી હતી.અને પરેશને પણ રમલી હવે વધુ ગમવા માંડી હતી. એને મળ્યા વગર હવે ચાલતું નહીં. અમદાવાદ જેવા મોટા શહેરમાં આ લોકોને રોક ટોક કરવા વાળું કોઈ જ નહોતું.
   છેક સાડા અગિયાર વાગ્યા સુધી લો ગાર્ડનના અંધારા ખૂણામાં બન્ને એકબીજાને પીતાં રહ્યા. અબ્દુલ અને ભીમો ત્રણ ચાર વખત આંટો પણ મારી આવ્યા. હવે રસ્તા ઉપર અવર જવર ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. અને ચોમાસુ હોવા છતાં આજે વરસાદે રજા રાખી હોઈ ગાર્ડનનો એ બાંકડો પરેશ અને રમલીના પ્રેમરસનો સાક્ષી બનીને ઉપયોગી સાબિત થયો હતો. 
"સાડા અગિયાર થયા, ચાલ હવે જઈએ, તારી માં વાટ જોતી હશે. અને તારા બાપાઆ...."પરેશને પેલી રાત વળી ઘટના યાદ આવી. પણ એ રમલીને કંઈ જ કહેવા માંગતો નહોતો.
"મારા બાપુ બહારગામ ગયા છે, ઘણીવાર શેઠ એમને બહાર મોકલે છે, અને મારી માં ને ખબર છે કે હું મારી બેનપણી સાથે ગઈ છું...બેસને થોડીવાર..હું કહી દઈશ કે અમે રાતના શો માં ગયા હતા..નથી જાવું મારા વ્હાલા પરી..."રમલીએ પરેશની છાતીમાં માથું મૂકીને એને ભીંસ્યો. 
"ના, ચાલ હવે..સમીરિયો મારી વાટ જોતો હશે... જઈએ હવે.." પરેશે રમલીને ઉભી કરતા કહ્યું.
  પરાણે રમલી ઉઠી. બન્ને ગાર્ડનની બહાર આવ્યા. અબ્દુલ હજુ ત્યાં જ ઉભો હતો. પણ એની રીક્ષા નહોતી.
"આઇએ સાહબ, આઈએ મેડમ કહો તો મેં આપકો છોડ દું ? રાત કો મેં ટેક્ષી ચાલતા હું...આપ કો રીક્ષા કે ભાડે મેં ટેક્ષીમે લે જાઉંગા.. પ્રેમી લોગ કા અપૂન ઈજ્જત કરતા હે.."
"લે..એ..તુમ અભી તક ઇધર રુકે હો કયા ? હમેં તો કોઝી કોર્નર જાના હૈ.." પરેશે નવાઈ પામીને અબ્દુલને કહ્યું.
"નહિ, સાહબ મેં ઘર જા કે ટેક્ષી લે કે આયાં.. કોઝી કોર્નર કોનસા ?  વો આંબાવાડી વાલા ? વો શેઠજી કા ભૂત બંગલા હૈ વો..તુમ ઉધર રે'તે  હો ક્યા ?..
"વો ભૂતબંગલા નહિ હે, હમારા હોસ્ટેલ હે..ઉધર તક ચલના હે તો બોલ, હમ રીક્ષા કા હી ભાડા ડેંગે."
પરેશને અબ્દુલની વાતમાં કંઈ વાંધાજનક લાગતું નહોતું.રમલીને તો કંઇ બોલવાનું હતું જ નહીં.
"દેખો સા'બ ઉધર કા દો તીન સવારી હમારી ગાડીમે બેઠેલા હે..આપ કો વાંધા નહી હે તો બેઠ જાઓ..ભાડા દેના હો તો દેના..મુજે કોઈ ફર્ક પડનેવાલા નહીં, વૈસે હી મેં ઉધર હી જા રહા હું, આઉર અબ કોઈ સવારી ભી નહી મિલને વાલી.."
 અબ્દુલે આબાદ રીતે જાળ બિછાવી.અને આ બંન્ને માછલાં એમાં ફસાઈ ગયા.
  આખો આઈડિયા ગટોરના ગટર જેવા મગજની નીપજ હતો. જેમ જેમ મોડું થતું ગયું તેમ તેમ સંજોગો વધુ મજબૂત થતા ગયા. ગાર્ડનમાંથી આ બન્ને પંખીડા બહાર આવે એટલે અબ્દુલે ઉપર મુજબ વાત કરીને એ લોકોને એમ્બેસેડરમાં બેસવા રાજી કરી લેવા. જો એ લોકો ગાડીમાં ન બેસે તો આપણે બળજબરી કરીને બેસાડવા.અને એ માટે મારામારી કરવી પડે તો પણ હવે વાંધો નહોતો. કારણ કે ગટોર અને ભીમા સાથે હવે અબ્દુલ અને એના બીજા ત્રણ બાશીંદા પણ હતા. જે મારપીટ કરવામાં માર ખાય તેવા નહોતા. અને રસ્તા પર અવરજવર પણ ખૂબ ઓછી હતી.
 પણ પરેશ અને રમલી અબ્દુલની જ રિક્ષામાં અહીં સુધી આવ્યા હોઇને એની ઉપર થોડો વિશ્વાસ આવી ગયો હતો.અને બન્ને આરામથી એની સાથે ,રોડની સામેની સાઈડ પર પડેલી એમ્બેસેડર પાસે આવ્યા. ગટોરે જાણી જોઈને જે થાંભલાની લાઈટ ઉડી ગઈ હતી ત્યાં જ ગાડી ઉભી રાખી હતી.આગળની સીટમાં ભીમો અને અબ્દુલનો એક સાથીદાર બેઠા હતા.ગટોર પાછળની સીટમાં દરવાજા પાસે બેઠો હતો.
"પરેશ, આમાં તો ત્રણ આદમી બેઠા છે..ચાલ આપણે રીક્ષા કરી લઈએ, મને બરાબર લાગતું નથી."રમલીએ પરેશનો હાથ પકડ્યો. સ્ત્રીઓ પાસે કદાચ આવનારા અનિષ્ટને પારખવાની કોઈ અગમચેતી હશે. રમલીને સુમસામ સડક પર ઉભેલી એ એમ્બેસેડરમાં બેસવાની બીક લાગતી હતી.
"કોઈ બાત નહી...જાઓ..સા'બ..
અભી આપકો કોઈ રિક્ષાવાલા નહી મિલગા..ઔર જ્યાદા લેટ હોગા તો મેડમ કી માતાજી ચિંતા કરેગી.." અબ્દુલે જરાય ગરજ ન બતાવી.
"બરાબર હે.."પરેશે કહ્યું. અને રમલી સામે જોઇને ઉમેર્યું, "હાલને ભઈ.. આપડે ક્યાં દૂર જવું છે, આ ભાઈ સારો માણસ લાગે છે..હાલ બેહ.." એમ કહીને પરેશ ગટોરની બાજુમાં ગોઠવાયો. અને રમલી ડરતા ડરતા પરેશની બાજુમાં બેસી ગઈ.
 આ તકની જ રાહ જોતો હોય તેમ અબ્દુલ તરત જ ગાડીનો આગળનો દરવાજો ખોલીને ડ્રાઇવર સીટ પર ગોઠવાઈ ગયો. અને ઝાટકા સાથે એણે ગાડી ઉપાડી. એકદમ જ સ્પીડથી અબ્દુલે ગાડી ભગાવી.
"અરે.. ભાઈ ધીરે ચલાવ..કહી એક્સિડન્ટ ન કર દેના..."પરેશે અબ્દુલની કહ્યું
"અરે સાબ, મેં ઐસે હી ગાડી ભગાતા હું, આપ આરામ સે બેઠો"
 પરેશે ગાડીમાં બેઠેલા ત્રણે જણ સામે જોયું.એ ત્રણે જણ ખામોશ હતા. ગાડીની અંદરની લાઈટ ચાલુ કરવાની જ નહોતી. એટલે પરેશે રમલીના ખભા પર હાથ નાખ્યો. રમલીની છાતી જોર જોરથી ધડકી રહી હતી.એ ખરેખર ડરી ગઈ હતી અને ગાડીમાં બેસવા બદલ પછતાઈ રહી હતી.એણે જોરથી પરેશનો હાથ પકડી રાખ્યો હતો.
 અબ્દુલે એમ્બેસેડર પાલડી તરફ લીધી એટલે પરેશે કહ્યું, "ભૈયા ઉધર કહાં જા રહા હે.."
"આપ શાંતી સે બેઠો સાબ, યે ભાઈસાબ કો પાલડી જાના હૈ, મેં બાદમે આપકો ઔર મેડમજી કો આંબાવાડી લે ચાલતા હું.." અબ્દુલ ખૂબ જ વિનયપૂર્વક વાત કરતો હતો. ગટોર અને ભીમો આટલી સરળતાથી શિકાર જાળમાં ફસાઈ ગયો એ જોઈને મનોમન મુશ્કેરાઈ રહ્યાં હતાં.
 પાલડી બસ સ્ટોપ પાસેથી સર્કલ ફેરવીને અબ્દુલે ગાડી વાસણા તરફ વાળી. રસ્તા પર ખાસ વાહનો હતા નહીં એટલે એણે એક્સીલેટર પર પગ દબાવ્યો.અને એમ્બેસેડર ચિચિયારી બોલાવીને જાણે કે હવામાં ઉડવા લાગી.
"અરે....તુમ કહાં લે જા રહે હો..." આ વખતે રમલીએ રાડ પાડી. પરેશે પાછળથી અબ્દુલનો કોલર પકડ્યો, 
"ગાડી રોક બે..#%@$કે.."
"અરે સાબ બેઠો ના...આપ કો અભી છોડ દેતા હું..."અબ્દુલ, પરેશે ગાળ દીધી તો પણ વિવેકથી જ વાત કરતો હતો.
"મેને કહા ના, ગાડી રોક..મુજે નહીં બેઠના.."પરેશે ફરીવાર અબ્દુલનો કોલર ખેંચીને ગાળ દીધી.અને રમલીએ અબ્દુલના વાળ ખેંચ્યા.
"ઉભી રાખ, તારી માં ને.."
અત્યાર સુધી ખામોશ બેઠેલા ગટોર અને ભીમાએ મામલો હાથમાં લીધો. પરેશની બાજુમાં બેઠેલા ગટોરે ક્લોરોફોર્મમાં બોળેલો રૂમાલ એકદમ ઝડપથી પરેશના મોં પર દાબ્યો. પરેશ અબ્દુલનો કોલર ખેંચીને ગાડી ઉભી રખાવવા પ્રયત્ન કરતો હતો. એના મોં ઉપર ક્લોરોફોર્મવાળો નેપકીન દબાવવો ગટોર માટે ખૂબ જ સરળ હતો. એક હાથ ગટોરે પરેશના ગળા ફરતે વીંટાળીને બીજા હાથે એના મોં પર નેપકીન દાબ્યો. ક્લોરોફોર્મની તીવ્ર વાસ પરેશના મસ્તિષ્કમાં ફરી વળી.અને એ કંઈ સમજે એ પહેલાં જ એ બેહોશ થઈને ઢળી પડ્યો. ગાડીની અંદરના અંધારામાં રમલીને પણ કંઈ જ ખ્યાલ ન આવ્યો પણ પરેશ એની ઉપર ઢળી પડ્યો એટલે એ ગભરાઈ ગઈ.
"પરેશ.. પરેશ...શુ ..થયું ? અલ્યા એ..ઇ ગાડી ઉભી રાખ, તારી જાતના..સાલ્લા હરામી...કવ સુ..ગાડી ઉભી રાખ..."રમલી રાડો પાડવા લાગી.
"ગટોર..આને ગાંગરતી બંદ કર ભઈ.. ઇની બુનને... ટોકીઝમાં મારી હાળીએ મને લાફો  ઠોકી દીધો'તો..
હેહેહે...." ભીમાએ અટહાસ્ય કરીને કહ્યું.
"તારી માને...@#&..સાલી શાંતાની ઓલાદ..હરામજાદીએ સાધન ર'વા નો દીધું..નકર આજ આ સાલી.." ગંદી ગાળ દઈને ગટોરે રમલીને જોરદાર તમાચો માર્યો. અને પરેશ ને વાંકો વાળીને ગટોરે રમલીનું મોં તેની તરફ ખેંચ્યું.
 "હરામખોર.. છોડ મને..તારી.." રમલી વધુ બરાડા પાડે એ પહેલાં જ ગટોરે એના બન્ને હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. ખૂબ જ ખરાબ રીતે એ રમલીના હોઠ ચૂસવા લાગ્યો.
"હાળી, ભારે મીઠી હો..ભીમલા મજા આવે એવો માલ છે.." એમ કહીને એ રમલીને ચોળવા લાગ્યો.
"હમારા સાધન સલામત હે.. ક્યોં જેસા.. તુમ હાથ ઓર મુંહ સે મજા લેલો..બાકી કા કામ હમ પુરા કર ડેંગે...હી . હી..હી.."કહીને અબ્દુલે ગાડી ભગાવી.
"હાજી ..હાજી..હમ તો આપ કા જુઠા ખા ખા કર હી બડે હુએ હૈ અબ્દુલભાઇ..આપ હમારા અચ્છા ખ્યાલ રખતે હો.. હે હે હે ." અબ્દુલના સાગરીત જસાએ પણ ખુશીના માર્યા અટહાસ્ય કર્યું.
"અલ્યા, ગટલા તું અત્યારે ઇ વાછડીનું મોઢું બંધ કર.તારું ડોહુ આ અમદાવાદ છે, પે'લા બા'ર નીકળો પછી જે કરવું હોય ઇ કરજો."ભીમાએ પાછા ફરીને ગટોર ને હલાવીને કહ્યું. ગટોરે સીટમાં પડેલો ક્લોરોફોર્મ વાળો રૂમાલ રમલીના નાક પર દબાવ્યો. થોડીવારે છટપટતી રમલી પણ શાંત થઈ ગઈ.
 અને અબ્દુલે એમ્બેસેડર સરખેજ હાઇવે પર લઈને ફૂલ સ્પીડે મારી મૂકી.રાતના અંધારાને ચીરતી એમ્બેસેડર  અમદાવાદ- રાજકોટ  હાઇવે પર ચડી ત્યારે રાતના બે વાગી ગયા હતા.
  ગટોરે પરેશ અને રમલીને બેહોશ કરવાની સામગ્રી કારમાં સાથે જ રાખી હતી. આવા કામો કરવામાં ગટોર અને ભીમાનો જોટો જડવો મુશ્કેલ હતો.હમીરસંગ આ બન્નેને પોતાના ડાબા જમણા હાથ ગણતો.
હજુ પણ ગટોર રમલીના શરીર પર હાથ ફેરવી રહ્યો હતો. વર્ષો પહેલા શાંતા સાથે માણેલો સહવાસ એના જીવનનો છેલ્લો સહવાસ હતો. ડોકટરોએ સર્જરી કરીને ભીમા અને ગટરને જીવતા તો રાખ્યા હતા, પણ જિંદગીમાં ક્યારેય સ્ત્રી સંગ  થઈ શકે એવું રહ્યું નહોતું.
 વાલમસિંહ અને શાંતાના જીવનની બરબાદી  જ આ બન્ને નરાધમોના જીવનનું લક્ષ હતું.
"ભીમા, તારે લાભ લેવો છે ? સાલ્લી શાંતાને બતાવી દેવું છે. રાતા પાણીએ રોવડાવવી છે હરામજાદીને...."
"મને એવા ચામડા ચુંથવા નથી ગમતા..તું ચૂંથ્યા કર..અને તને હજાર વાર કીધું સે કે મારી આગળ ઇ હરામકી નું નામ નો લઈશ, મારું લોઈ ઉકળે છે..હમીરબાપુએ ના પાડી નકર ઇના બે'ય બચોળીયાને જ છુંદી નાખવાનો હતી હું....."
 "તુમારે બદલે કી આગ બુઝાનેમે હમ તુમારે સાથ હે દોસ્તો...
અભી શાન્ત હો જાઓ..મેં કબ કા દેખ રહા હું..યે રેડ ફિયાટ હમારે આગે પીછે ઘુમ રહી હે.." અબ્દુલે આગળ જતી લાલ ફિયાટ કારને એમબેસેડરના પ્રકાશમાં ભીમાને બતાવી.
"હાં.. હાં.. મેં કહનેવાલા હી થા, અભી તક ચાર બાર એ આગે હુઈ હે આઉર ચાર બાર પીછે હુઈ હે..સાલ્લા કોઈ હમારા પીછા કરતા હે શાયદ.."જસાએ કહ્યું.
 "દેખના પડેગા..."અબ્દુલે એક્સીલેટર દબાવ્યું.અને રેડ ફિયાટની સાઈડ કાપી.ફિયાટના કાચ પણ કાળા હોવાથી અંદર કશું દેખાયું નહીં.
 "અલ્યા ભઈ, એને કદાચ જૂનાગઢ જાવું હોય..."ગટોરે કહ્યું.
"તો પણ એ વયો કિમ જાતો નથી..ઘડીક આગળ અને ઘડીક પાછળ રે'ય સે..જો.. જો..આગળ થીયો.."ભીમાએ સાઈડ કાપી રહેલી ફિયાટ બતાવીને કહ્યું.
"એમ કર આપડે સાવ ધીમી પાડીને સાઈડમાં ઉભી રાખી દે..એકી પાણી કરી લઈએ..અને જોવી એ શું કરે છે ઇ..જો એને કાંઈ લેવા દેવા નઈ હોય તો  વયો જાશે " ગટોરે રસ્તો બતાવ્યો.
 "યે ઠીક બાત હે, યાર હમીરદાદા કો બોલો એક ઘોડા કા ઇન્તજામ કરે..અભી ઇસકી જરૂરત પડેગી..અગર યે ફિયાટવાલા હમારે પીછે લગા હોગા તો કૈસે ભગાયેંગે ઉનકો.." અબ્દુલે ગનની જરૂરિયાત વિશે કહ્યું. અને ગાડી સાઈડ પર લીધી.
  બધા નીચે ઉતર્યા.અને એકીપણી કરીને ગાડી પાસે આવ્યા. હાઇવે પર બે કિલોમીટર દૂર ઉભેલી ફિયાટની પાછળ પાર્કીંગ લાઈટ ડીમ ફૂલ થઈ રહી હતી એ જોઈને આ ટોળકીને ડર લાગ્યો હતો.
 છેક અમદાવાદથી જ પીછો કરી રહેલી એ ફિયાટમાં કોણ હતું ??
ક્રમશ:...)