cozi corner - 8 books and stories free download online pdf in Gujarati

કોઝી કોર્નર - 8

        
 બપોરે બે વાગ્યે અમારી બસ એક ધાબા જેવી હોટલ પર ચા નાસ્તા માટે રોકાઈ.હું અને બી.ટી નીચે ઉતર્યા.અમને ભૂખ પણ લાગી હતી.લગભગ આખી બસના પેસેન્જર નીચે ઉતર્યા હતા,મેં ઉતરતી વખતે જ પેલા પીળા શર્ટવાળા શખ્સને જોયો,એણે મારી સામે આંખ મારી. મને ગુસ્સો આવ્યો અને ડર પણ લાગ્યો.
  હોટલની બહાર પાછળના ભાગે મુતરડી હતી. પેશાબની બદબુ અને ગંદકી વચ્ચે જ તમામ પેસેન્જરો ત્યાં હળવા થતા હતા. હું અને બીટી પણ ત્યાં ગયા. અમારી પાછળ પેલો પીળો શર્ટ પણ આવ્યો. એ મારી બાજુમાં જ પેશાબ કરવા ઉભો રહ્યો. 
"કેમ, અલ્યા ચીકણા.. ગામ જાવ સો ?....ચિયું ગામ તારું..?" એણે એના પીળા દાંત દેખાડતા મને કહ્યું.
"તમારે શુ કામ છે ? હું તમને ઓળખતો નથી.." મેં કડવાશથી કહ્યું.
"પણ હું તને ઓળખું છું, તું કોઝી કોનર વાળો ને..?" એને કોર્નર બોલતા આવડતું નહોતું. બીટી પણ એને જોઈ રહ્યો હતો.
"હા, કેમ ?"  જવાબ આપીને હું મુતરડીમાંથી વોશબેઝીન તરફ હાથ અને મોં ધોવા ગયો.મારી સાથે બીટી પણ આવ્યો અને પાછળ પાછળ એ પણ આવ્યો.
"અરે, બોસ આપણે તો જાણીતા કે'વાય..આવો ચા પાણી કરીએ.."
એ પીછો છોડવા માંગતો નહોતો.
"તમે આ સમીરને ઓળખો છો ?" બીટીએ પેલાને કહ્યું.
"અરે હા, એને અને તને બે'યને ઓળખું સુ..ભઈ, તમે જી હોસ્ટેલમાં રીયો સો ને નયાં કણે આપડો આવરો જાવરો સે.આવો સા પાણી કરીએ..."અવાજમાં થોડી નરમાશ ભેળવીને એ બોલ્યો.
"તમે લોકો ચા પાણી કરો..અમારે તો નાસ્તો કરવો છે, ચાલ બીટી.." મેં બીટીને હોટલની અંદર તરફ ખેંચતા કહ્યું.
"તે હાલોને આપડે નાસ્તો'ય કરાવશું
આવો મારી હારે.." એમ કહીને એણે એના દાઢીવાળા સાથીદારને બુમ પાડી, "એ'ઇ ભીમા.. નાસ્તો મગાવ, આ સોકરા આપડા ભાઈબન સે.."
"યાર, તમે કેમ અમારી પાછળ પડ્યા છો ? અમે અમારી રીતે નાસ્તો કરી લેશું" મેં ગરમ થઈને કહ્યું. છતાં પણ એ ન માન્યો. એના વધુ પડતા આગ્રહને કારણે મને શંકા તો ગઈ જ, પણ બીટીએ એની સાથે ચા નાસ્તો કરવાની તૈયારી બતાવી.હું પણ મને કમને એની પાછળ દોરવાયો.
  એ બન્ને જણ ગટોર અને ભીમો હતાં, એ હું ત્યારે જાણતો નહોતો. ભીમાએ ચા નાસ્તો મંગાવી રાખ્યા હતા. અમારા માટે એણે બે કપ ચા અને ગાંઠિયા મંગાવ્યા હતા.
  ચા અને ગાંઠિયા ખાઈ રહ્યા પછી તરત જ મારી અને બિટીની આંખ ઘેરાવા લાગી. લગભગ પાંચ જ મિનિટમાં આ બધું બન્યું હતું. ગટોર અને ભીમાએ અમને ચા ની અંદર ઘેનની ટીકડી નાખીને પીવડાવી દીધી હતી.અમે બન્ને એ નાસ્તાના ટેબલ પર જ ઢળી પડ્યા.
  મારી આંખ ખુલી ત્યારે રાત પડી ગઈ હતી.આકાશમાં ચંદ્ર પૂરેપૂરી કળાએ ખીલ્યો હતો. હું કોઈ ખટારા જેવા વાહનમાં સૂતો હતો. મારી બાજુમાં બીટી પણ સૂતો હતો.ખટારાની ઉંચી વાડોને કારણે આજુબાજુમાં કંઈ દેખાતું નહોતું, પણ ખટારો ધીમે ધીમે ચાલ્યે જતો હતો.રસ્તો ખૂબ જ ખરાબ હોય તેમ લાગ્યું. મારા અને બિટીના હાથ પગ દોરડાથી બાંધેલા હતા. બીટી ખૂબ ડરેલો લાગતો હતો.અમને નાસ્તામાં કંઈક ખવડાવી દેવામાં આવ્યું હતું !
શા માટે આ લોકોએ અમારું અપહરણ કર્યું એ મને ખ્યાલ આવતો હતો. હોટેલ પર ચા નાસ્તો કર્યા પછી આ લોકોએ કઈ રીતે અમને ઉપડ્યા હશે એ સવાલ મને મુંજવતો હતો. અંદરથી ખૂબ જ ડર પણ લાગી રહ્યો હતો.પરેશ અને રમલીને ઉઠાવ્યા પછી પરેશના ઘેર જાણ કરવા જતાં અમારા બન્નેના જીવ પણ જોખમમાં આવી ગયા હોવાનું મને લાગી રહ્યું હતું. બીટી પણ ભાનમાં આવ્યો હતો, ટ્રક ઉબડખાબડ રસ્તે આગળ વધી રહ્યો હતો અને રસ્તાની બન્ને સાઈડની ગાઢ ઝાડી અને ઝાંખરા ચંદ્રના અજવાળામાં બિહામણા લાગી રહ્યા હતા.
"અલ્યા, સમીર આ લોકો કોણ છે ? અને આપડને કેમ પકડ્યા હશે ? આપણે તો પરિયાના ઘેર જતા'તા. હેં અલ્યા તું પૈસાદાર બાપનો દીકરો છો ? તો પૈસા માટે જ આપણને ઉઠાવ્યા હોય, હવે આપણા બાપા પાસે આ લોકો ખંડણી માગશે, મારા બાપા તો
 ફદીયું'ય આપી શકે એમ નથી."
બીટીએ એની સમજણ પ્રમાણે મને કહ્યું. મેં મારા હાથની ગાંઠ છોડવાનો પ્રયત્ન કરતા કહ્યું, "આપણને ઉઠાવવાનું કારણ બીજું જ છે બીટી.આ લોકોને ખબર જ હોય કે કોઝી કોર્નરમાં કોઈ લખપતીનો છોકરો રહેતો ના હોય.તારા બાપની જેમ મારા બાપા પણ મને છોડાવવાનું ફદીયું'ય કાઢી શકે એમ નથી, હવે એમ કર આપણે આ દોરડું છૂટે તો ટ્રાય કરીએ, ટ્રક તો ખૂબ ધીમે ચાલે છે એટલે ઉતરી જવાશે, ચાલ જલ્દી કર....''
 અમે બન્નેએ ખૂબ કોશિશ કરીને એકબીજાના બંધન છોડી નાખ્યા.
અમને પકડી જનાર પેલા પીળા શર્ટ વાળો ગટોર અને ભીમો ટ્રકમાં ડ્રાઇવરની કેબિનમાં બેઠા હતા.કદાચ તેઓ ટ્રકમાં ઊંઘી પણ ગયા હોય.અમે ચાલુ ટ્રકમાં પાછળથી ઉતરી ગયા ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. ગટોર અને ભીમો એમ સમજતા હશે કે અમે કદાચ ભાનમાં જ નહીં આવીએ, અને ભાનમાં આવીએ તો પણ અમને બાંધેલા હતા એટલે અમે ભાગી તો નહીં જ શકીએ, પણ સદનસીબે અમે છૂટી ગયા અને ટ્રકમાંથી નીચે પણ ઉતરી ગયા હતા. નીચે ઉતર્યા પછીની પરિસ્થિતિ અમારા માટે ખૂબ જ ભયંકર હતી.
 અજવાળી પણ ભેંકાર બિહામણી રાતે જંગલ જેવા અને સાવ અજાણ્યા વિસ્તારમાં હું અને મારો દોસ્ત એકલા ભટકવાના હતા.
"હવે શું કરશું ? આ કઈ જગ્યા હશે ? આપણે ક્યાં છીએ એ કેમ ખબર પડે ? અને આ જંગલ જેવા વિસ્તારમાં કોઈ જંગલી પ્રાણીઓ તો નહીં હોયને અલ્યા ?" બીટીએ  મારો હાથ જોરથી પકડીને કહ્યું.
"આપણે ટ્રકમાં સલામત હતા કે આ જંગલમાં, એ તો સવારે જ ખબર પડે. આ લોકો આપણને પકડીને ક્યાં લઈ જતા હોય એ વિચાર.." મેં કહ્યું.
"આપણે પરિયાના ગામ જતા હતા.." બીટીએ યાદ કર્યું.
"અને આપણે એના ગામ ન જઇ શકીએ એટલા માટે જ આપણને ઉપાડ્યા હોય..અને તો આ લોકોએ જ પરિયા અને રમલીને ઉપાડ્યા હશે અને આપણને પણ ત્યાં જ લઈ જતા હોવા જોઈએ, એમ કર આપણે આ ટ્રક ગઈ એ તરફ જઈએ, પરેશ અને રમલીનો પત્તો મળે પણ ખરો, કદાચ એ લોકોને ક્યાંક પુરી રાખ્યા હોય તો આપણે છુપાઈને જોઈ શકશું.." મેં બીટીને સમજાવ્યો.
"પણ એમ કરવામાં પકડાઈ જઈશું તો ? અને તું કહે છે એવું ન હોય અને બીજું કંઈ કારણ હોય તો મરી જ જઈએ હો..મેં સાંભળ્યું છે કે આવા લોકો હાથ પગ કાપીને બીજા રાજ્યમાં ભીખ માંગવા મોકલી આપે છે.. કદાચ એમ પણ હોય કે આપણી કિડની બીડની કાઢી લેતા હોય..આપણે ટ્રકની પાછળ નથી જવું..ના..ના.. ચાલ આપણે આ તરફ ભાગીએ.."બીટીએ જે દિશામાં ટ્રક ગયો હતો એની વિરુદ્ધ દિશા એટલે કે અમે જે તરફથી આવ્યા હતા એ રસ્તો બતાવતા કહ્યું.
  લગભગ અડધી કલાક મારે બીટી સાથે માથાકૂટ થઈ.એ પાછા જવાનું કહેતો હતો અને હું ટ્રકની પાછળ જવાનું કહેતો હતો.કદાચ આવા સમયે પરેશ મારી સાથે હોત તો એ ચોક્કસ મારી સાથે સંમત થઈ ગયો હોત. 
 આખરે મેં બીટીને પાછા જવું હોય તો જવાની છૂટ આપી. હું પેલા બદમાશોની પાછળ જ જવા માંગતો હતો. કારણ કે મને ઊંડે ઊંડે એમ લાગતું હતું કે પરેશ અને રમલીને આ લોકો જ પકડી ગયા હોવા જોઈએ. કદાચ મેં પેલી રાતે બનેલી ભયાનક ઘટના બીટીને જણાવી હોત તો કદાચ એ મારી સાથે આવવા તરત જ તૈયાર થઈ ગયો હોત. આખરે એ એકલો જવા માંગતો નહોતો અને મને છોડવા પણ માંગતો નહોતો, એટલે અમે બન્ને ટ્રક ગયો હતો એ દિશામાં ચાલવા લાગ્યા.
 "જો એ લોકોને ખબર પડશે કે આપણે ભાગી ગયા છીએ તો આ જ રસ્તે એ લોકો પાછા આવશે, આપણને ગોતવા...અને જો એમ થશે તો તો આપણે એ લોકોને સામા મળીશું અને ફરીવાર પકડાઈ જઈશું, અને પહેલી વાર તો આપણે ભાનમાં નહોતા એટલે કશી જ ખબર નહોતી, પણ આ વખતે તો કદાચ માર પણ પડે અને ગાળો પણ !" મેં બીટીને ચાલતા ચાલતા કહ્યું. 
"એટલે જ કહું છું અલ્યા..#@$ના
તું સમજતો નથી. હાળા એ તારા મામા નથી થતા, મારું માન, આપણે પાછા જતા રહીએ..ચાલ.."બીટીએ મારો હાથ પકડીને ખેંચ્યો.
"સાલ્લા બીકણીના.. જા તારે જવું હોય તો..@#$કીના.." મેં પણ બીટીને ગાળ દીધી.અને ઉમેર્યું, "હું કહું એમ જ કરવું પડશે..જોખમ બન્ને બાજુ છે, તને ખબર છે એ રસ્તો ક્યાં જાય છે ઇ.. ? આ તારું ડોહુ જંગલ છે, જનાવર પણ હોય..છાનીમાનીનો ચાલ હું કહું તેમ.."
"ભેન@#ના તું નહિ સમજે..ચાલ બીજું શું.."
"તો ચાલ, આ ભેખડ ચડીને આપણે સીધા જંગલમાં ટ્રક ગયો છે એ તરફ જઈએ. આપણે આ રસ્તે ચાલવું ન જોઈએ એમ મને લાગે છે.."
 મારી વાત સાંભળીને બીટી ફરીવાર બગડ્યો.કારણ કે એ રસ્તો છોડીને જંગલમાં ચાલવા રાજી નહોતો. કદાચ એ મારી જેટલો બહાદુર નહોતો. હું આવી રાતે ખેતરમાં એકલો પાણી વાળી ચુક્યો હતો.આ તો અજવાળી રાત હતી, હું તો ઘનઘોર અંધારી રાત્રે ટોર્ચ લઈને મારી વાડીએ જતો.રસ્તામાં ઘણીવાર સાપ અને બીજા જનાવરોનો ભેટો પણ થઈ જતો.એટલે હું થોડો ટેવાયેલો હતો. બીટી પણ ખેડૂતબાપનો જ દીકરો હતો પણ એ ક્યારેય રાત્રીના સમયે વાડીએ ગયો નહોતો એ એણે મને એ વખતે જણાવ્યું હતું. પણ મેં, હું અનુભવી હોવાનું કહ્યું એટલે એને થોડી ધરપત થઈ હતી.
 અમે એ રસ્તાની એક બાજૂની ભેખડ ચડી ગયા.અજવાળી રાત હતી એટલે બધું દેખાતું હતું. ચારે તરફ સાગના મોટા મોટા ઝાડ અને કેટલાક લીમડાના ઝાડ પણ હતા, અને થોડે દુર ખેતરો પણ હતા. ચોમાસુ હોવાથી ચારે બાજુ ઘાસ પણ ખૂબ ઊગી નીકળ્યું હતું. અમરેલી જિલ્લામાં પરેશનું ગામ હતું, અને અમને બે થી ત્રણના સમયગાળામાં આ લોકોએ ઉઠાવ્યા હોય પછી ક્યાં લઈ ગયા હોય અને ક્યાં રસ્તે આવ્યા હોય એનો કશો જ ખ્યાલ અમને નહોતો. એટલે આ કયો વિસ્તાર છે એ અમને ખ્યાલ આવી શકે એમ  નહોતું.
  અમે બેઉ મૂંગા મૂંગા ચાલ્યા જતા હતા.ઝાડી ઝંખરામાં ચાલવું સહેલું તો નહોતું, વળી અમને ડર પણ લાગતો હતો.ચોમાસુ હોવા છતાં આકાશ ચોખ્ખું હતું અને ચંદ્રનું અજવાળું અમને આગળનો રસ્તો જોવામાં મદદ કરતું હતું.રસ્તો પથરાળ હતો એટલે અમારા પગ બગડે એવું નહોતું.
  અચાનક બીટીએ મારો હાથ ખેંચ્યો. મેં એની સામે જોઇને કહ્યું, "શુ છે..."
" ત્યાં જો.. કોઈક જનાવર હોય એવું લાગે છે..કદાચ સિંહ..."
  અમારી પાછળ થોડે દુર એણે આંગળી ચીંધી. મેં જોયું તો મારા શરીરમાંથી ભયનું લખ લખું પસાર થઈ ગયું. બીટી પણ ધ્રૂજતો હોય એવું લાગ્યું. અમારી પાછળ પણ ઘણે દૂર એક ચોપગુ પ્રાણી આવતું હતું. એ એટલું દૂર હતું કે એને ચોખ્ખું જોઈ શકાતું નહોતું, પણ બીટી " સિંહ.." એમ બોલ્યો એટલે મારા મોતિયા મરી ગયા.
"ઠોકીના.. તારો બાપ સિંહ તો ગીરના જંગલમાં હોય..આ તો કોઈ ઢોર હોય.."
"તને ખબર છે ? આ કયો વિસ્તાર છે એ ? અમરેલી આસપાસનો વિસ્તાર હોય તો સાવઝ હોય પણ ખરો..આ ઝાડ ઉપર ચડી જવાય..ચાલ જલ્દી..."
 મને પણ બિટીની વાતમાં દમ લાગ્યો. "સાલ્લો સાવઝ હોય તો તો ..." મને ટ્રકમાંથી કુદી પડવા બદલ પારાવાર પસ્તાવો થતો હતો.
"પણ  જો આ ગીરનું જંગલ હોય તો તો દીપડા પણ હોય, અને દીપડા તો ઝાડ પર પણ ચડી જાય..." મેં કહ્યું. હવે મને બીટી કરતા પણ વધુ ડર લાગવા માંડ્યો હતો.
"અત્યારે ઇ ચીંતા કર્યા વગર આ ઝાડ ઉપર ચડી જઈએ. જો ઓલ્યું આ તરફ જ આવે છે, અને જો એ સાવઝ હશે તો તો એકલો ન પણ હોય..પણ ગીરના સાવઝ માણસને કંઈ ન કરે, બસ એનો ચાળો  ન કરાય.. ચાલ જલ્દી.."એમ કહીને બીટી ઝાડ પર ચડવા લાગ્યો. હું પણ એની પાછળ ચડયો. એ લીમડાનું ઝાડ હતું.અને ખૂબ ઊંચું પણ હતું. અમે બન્ને જેટલું ચડાય એટલું ઊંચે ચડીને બેઠા. અમને ઝાડ ચડેલા જોઈને કેટલા પક્ષીઓ જાગી ઉઠ્યા અને ચિંચિયારી કરીને આમતેમ ઉડવા લાગ્યા.
  થોડી જ વારમાં પેલું જનાવર અમે જે ઝાડ ઉપર ચડ્યા હતા એની નીચે આવીને ઉભું રહ્યું. એ સિંહ જ હતો. ઉપર જોઈએ એ ડણકયો. એની જોરદાર ગર્જનાથી  ફરીવાર પેલા પક્ષીઓ ઉડ્યા. મારી અને બિટીની બરાબરની ફાટી રહી હતી. અમે બન્ને ઝાડની ડાળીને બથ ભરીને ચોંટી ગયા. મેં મનોમન બિટીનો આભાર માન્યો. હું તો માત્ર આગળની તરફ જ જોઈને ચાલતો હતો. પણ બીટી મારી પાછળ હતો અને બધી ચોતરફ જોઈને ચાલતો હતો.
 "સારું થયું બિટીયા, તે જોયું યાર..આ નક્કી આપણને ફાડી ખાત. તો તો આ ગીરનું જંગલ છે એ નકકીને ?" મેં કહ્યું.
"તું હમણાં ચૂપ મર. આ તારો ડોહો હેઠે ઉભો ઉભો આપણને જોઈને હાવળ્યું નાખે છે, ભૂખ્યો હશે તો..."
 હું સાવ ચૂપ થઈને બેસી ગયો. સિંહની આંખો લાલ ઘુમ હતી. પ્રમાણમાં એ ઘણો મોટો સિંહ હતો એની કેશવાળી એના પગના ગોઠણ સુધી લાંબી હતી. અને લંબાઈ પણ ખાસ્સી વધારે હતી.
  થોડીવારે ચંદ્ર પણ સિંહથી ડરી ગયો હોય એમ વાદળમાં સંતાઈ ગયો. અચાનક એક કાળું ડિબાંગ અને ખૂબ મોટું વાદળ ચડી આવ્યું અને ચોમેર અંધકાર છવાઈ ગયો. અને ઠંડા પવન સાથે વીજળીની જોરદાર ચમકારો થયો.એ ચમકારાના પ્રકાશમાં એ નરકેસરીનુ
સંપૂર્ણ દર્શન થયું.પણ ચમકારાના અંતે થયેલા જોરદાર કડાકાના અવાજથી ડરીને પળવારમાં સિંહ ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયો.
  અને એ સાથે જ ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. પવનના હળવા ધક્કાથી એ ઘેઘુર લીમડાની ડાળ ઝૂલતી હતી અને અમે બન્ને પલળી રહ્યા હતા.ઠંડી અને સિંહના ડરથી અમારા શરીર ધ્રુજી રહ્યા હતા.
"સમીર, તારી ચડ્ડી બગડી તો નથી ગઈને ? મને ગંધ  આવે છે..." બિટીયાને હવે મશ્કરી સૂઝી રહી હતી.
"ચો#$%...તારા પછવાડામાં હાથ નાખીને જોઈ જો...ભે@#%$.."
મેં એને ગાળ દીધી એટલે એ હસી પડ્યો. અને હું પણ આવી ભયાનક પરિસ્થિતિમાં હસી પડ્યો.
"બીજું બધું તો ઠીક, પણ આ લોકો આપણને આ જંગલમાં ક્યાં લઈ જતા હશે..આપણે યાર ટ્રકમાં જ રેવાની જરૂર હતી..હવે કેમ જઈશું આપણે...'' બીટીએ કહ્યું.
"કેટલીક વખત બીટી એવું બનતું હોય છે આપણા જીવનમાં, કે આપણે શું કરવું એ વિચારવાનું છોડી દેવું જોઈએ.. હવે આપણે કંઈ જ કરવાનું નથી. જે થાય તે માત્ર જોયા કરવાનું છે... સમજ્યો ? ભગવાન આપણી સાથે જ છે, જો એમ ન હોત તો તું આ સિંહને જોવેત એ પહેલાં જ સિંહ આપણને જોઈ લેત અને પાછળથી એક જ પંજાભેગા આપણે એનો શિકાર બન્યા હોત. પણ જોને આપણે આ ઝાડ પાસે પહોંચીને ઉપર ચડી ગયા અને ભગવાને જોરદાર વીજળીનો કડાકો કરીને એને ભગાડી મુક્યો !! નકર તારી ચડ્ડી તો શું પેન્ટ પણ બગડી ગયુ હોત દીકરા.." મેં થોડી ફિલસૂફી વાપરીને ડર દૂર કરવા કહ્યું.
"હા હો.. તારી વાત સાચી છે, ભગવાને જ આપણને બચાવ્યા. જો આપણે નીચે રસ્તા ઉપર ચાલ્યા હોત તો મરી જ ગયા હોત.. હવે નીચે તો ઉતરવું જ નથી. સવાર સુધી આપણે આ ઝાડ ઉપર જ બેઠા રે'વુ છે, મને યાર ભૂખ બહુ લાગી છે.."બીટીએ કહ્યું.
"હા, મને પણ. અહીં તારી માસીનું ઘર નથી કે તને કે'શે કે હં.. કં. અં બટા ભાણા.. તને ભૂખ લાગી છે ? હાલ્ય શિરો કરી દવ..!!" કહીને હું ફરી હસ્યો.
"તારી જાતના..સમીરિયા...બેન@#
..."કહીને એણે મારો પગ ખેંચીને ગાળ દઈને ચીમટો ભર્યો.
 અમે બેઉ ઘડીક ડરતાં, ઘડીક વાતો કરતાં.. મશ્કરી કરતાં અને ઘડી બે ઘડી ઝોકા ખાતા સવાર સુધી એ લીમડાના ઝાડની ડાળીને વળગીને બેસી રહ્યા. અડધી કલાક પછી વરસાદ પણ બંધ થઈ ગયો. ફરી વાર આકાશમાં ચંદ્ર નીકળી આવ્યો. થોડીવારે બીજું એક વાદળું ઉતાવળે પોતાની પ્રિયાને મળવા જતા કોઈ પ્રેમી જેવા ચંદ્રને ગળી ગયું.વળી અંધકાર છવાઈ ગયો. 
  લીમડાનું એ ઝાડ જંગલમાં આડબીડ ઊગી નીકળેલું અને સેંકડો વર્ષો જૂનું હશે એટલે ખૂબ મોટું હતું. એની ડાળીઓની ફેલાવો જોઈને પહેલા તો અમને એ વડનું ઝાડ લાગેલું, જો કે સિંહના ડરને કારણે અમારે ઝાડની જાત સાથે કોઈ લેવા દેવા નહોતી.તેની વિશાળ ડાળો પર અમને આશરો મળ્યો હતો. જોકા ખાતા ખાતા અમે માંડ સવાર પાડી હતી.અમે વરસાદથી ભીંજાઈ ગયા હોવાથી ઠંડી પણ લાગતી હતી.
** ** ** ** ** ** ** **
  અમે નાસ્તો કરીને ઢળી પડ્યા ત્યારે ગટોર અને ભીમાએ અમને ઉંચકીને એમ્બેસેડરમાં નાખ્યા હતા. હોટલમાં હાજર મુસાફરોએ અમને આ રીતે ઢળી પડેલા જોઈને આ બન્નેને પૂછ પરછ પણ કરી હતી. પરંતુ "આ બેય સોકરા અમારા ગામના સે અને બીમાર હોવાથી અમે એને દવાખાને લઈ જવી સીવી.તમે તમારું કામ કરો..." એવું સમજાવીને એમ્બેસેડર મારી મૂકી હતી. એ વખતે અમે અમરેલીથી દસ કિલોમીટર દૂર હતા અને સમય હતો અઢી વાગ્યા આસ પાસનો !
સાસણ ગીરનું જંગલ એ જગ્યાએથી ખાસ્સું દૂર હતું.પણ જૂનાગઢ વટીને આ લોકોએ અમને ટ્રકમાં ચડાવ્યા હતા. અમને બેહોશ કરવા માટે ખૂબ જ ભારે માત્રામાં ઘેનની ટીકડીઓ આ અડબુથ અને જડ જેવા ભીમલાએ ચાની અંદર નાખી હતી.એ ટીકડીઓ અસરથી કદાચ અમે કાયમ માટે સુઈ જઈએ તેમ હતા.અને એમ થયું હોત તો પણ આ લોકોને કોઈ ફરક પડતો નહોતો. સાસણ ગીરના જંગલમાં ચેક પોસ્ટ પર આ ટોળીના સરદાર હમીરસંગની સારી ઓળખાણ હતી એટલે ગમે ત્યારે જંગલમાં આવ જા કરી શકતા હતા.તુલસીશ્યામથી સાત આઠ કિલોમીટર દૂર રાત્રે અગિયાર વાગ્યે હું અને બીટી લગભગ સાથે જ ભાનમાં આવ્યા હતા. અમારા હાથ અને પગ બાંધીને અમને પોટકાની જેમ ટ્રકમાં ફેંક્યા હતા. 
** ** ** ** **
  શિયાળીયાઓની લાળી સાંભળીને હું જાગી ગયો ત્યારે આછું પાતળું અજવાળું થઈ ગયું હતું. લીમડાની બે ડાળ વચ્ચે અમારે શરીરને ફસાવીને અમે બન્ને ઝોકે ચડી ગયા હતા. બીકને કારણે ઊંઘ તો ખાસ આવી નહોતી છતાં શરીર, શરીરનું કામ કરતું હતું.અમે જે ઝાડ ઉપર ચડીને બેઠા બેઠા ઝોકા ખાતા હતા એ ઝાડની નીચે શિયાળનું એક ફેમિલી આવીને ઉંકારા કરતું હતું. એ એક નાનું કુટુંબ- અમે બે અમારા બે જેવું સુખી કુટુંબ હોય તેમ લાગ્યું.કારણ ને શિયાળ તેના બે નાના બચ્ચા અને તેની ધર્મ પત્ની સાથે રાત્રે શોધી લાવેલા શિકારનું બ્રેકફાસ્ટ કરતું હતું. તેના બચ્ચા પપ્પાને ઘેર આવેલા જોઈ ખુશીથી આમતેમ કુદકા મારીને નાચી રહ્યા હતા. વળી એના પપ્પાનું મોઢું ચાટીને એના પગમાં આળોટતા હતા. મને એ બચ્ચાઓની મસ્તી જોવાની મઝા પડતી હતી.ત્યાં જ એ કુટુંબ પર પાણીની ધાર થઈ અને શિયાળ કૂદકો મારીને ભાગ્યું હતું.અને બચ્ચાઓ થોડે દુર એની એની માં ગુફા તરફ ભાગ્યા હતા. મેં એ પાણીની ધાર ક્યાંથી થઈ તે જોવા નજર ફેરવી તો બિટિયો ખડ ખડ હસી રહ્યો હતો.
"સવાર સવારમાં આ પ્રાણીઓને મહારાજના મૂત્રનો અભિષેક કરાવી રહ્યો છું...." એ બોલ્યો અને હું પણ હસી પડ્યો. 
"રાત્રે જે મહારાજ નીચે ઉભા હતા એમને જોઈને તો પેન્ટ પલળી ગયું હશે..અને કદાચ બગડી ગયું હોય તોય નવાઈ નહીં.. બિચારા શિયાળીયાઓને શુ કામ હેરાન કરેશ, એ એના મહારાજને ફરિયાદ કરશે કે એક માનવીએ એની ઉપર પેશાબ કર્યો છે તો આપ એનો પેશાબ છોડવી નાખો...." મેં કહ્યું અને ઉમેર્યું, "ચાલ હવે નીચે ઉતરીએ, કંઈક ખાવાનું આ જંગલમાં મળે તો પેટ પૂજા કરીએ અને પેલા ટ્રકની તપાસ કરીએ. દિવસે જંગલમાં સિંહ ભટકાશે તો તો વાંધો નહિ પણ દીપડાની બીક બહુ મોટો છે, મેં સાંભળ્યું છે કે સિંહને વતાવો નહી તો એ માણસને કાંઈ કરતા નથી, પણ દીપડાનો ભરોસો નહીં.." એમ કહી હું નીચે ઉતરવા લાગ્યો.
"હા, ચાલ કોઈ રસ્તો તો ગોતવો જ પડશે ને ! ચોમાસુ છે, એટલે વીંછી અને સાપ પણ હોય, ધ્યાન રાખજે અને ખાવામાં તો કંઈ જ નહીં મળે,
ચાલ કોઈ માલધારીના નેસડાની તપાસ કરીએ, તો રોટલા અને દૂધ મળી જશે..ગીરના માણસો ખૂબ માયાળુ હોય છે, આપણને મદદ કરશે.." બીટીને પણ ગીરના જંગલનું ખાસ્સું નોલેજ હતું. કદાચ એને અમે ભાનમાં આવ્યા ત્યારે જ ખબર પડી ગઈ હતી કે આ ગીરના જંગલનો જ વિસ્તાર છે,કોઝી કોર્નરમાં ગીરના બે ચાર છોકરાઓ રહેતા હતા, એ લોકો સાથે એકાદ વાર એના ગામ પણ આવ્યો હતો એની વાત પણ બીટીએ મને કરી.અમે આડબીડ જંગલમાં પેલા રસ્તાની સમાંતર ચાલ્યા જતા હતા. વહેલી સવારનો સમય હોઈ પક્ષીઓ પુષ્કળ કલબલાટ કરી રહ્યા હતા. જંગલ જાણે કે જાગી ગયું હતું.
 અમે બન્નેએ એક એક જાડું લાકડું ઉપાડી લીધું હતું. કોઈપણ જનાવરનો સામનો કરવા માટે એ જરૂરી હતું. જોકે અંદરથી તો અમને ખૂબ ડર લાગી રહ્યો હતો. થોડે દુર ચાલ્યા પછી એક કોતર જેવો ભાગ આવ્યો.રસ્તાની એક તરફની જે ભેખડ ઉપર અમે બેઉ ચાલ્યા જતા હતા એ ભેખડ એક કોટરમાં ઉતરી જતી હતી. અને ત્યાં ખૂબ જ ગીચ ઝાડી અને ઝાંખરા હતા. હવે અમારે ફરજીયાત રસ્તા તરફ નીચે ઉતરવું જ પડે તેમ હતું, અથવા બીજી તરફ જંગલમાં જવું પડે તેમ હતું. બીટી જંગલમાં જવા બિલકુલ ઇચ્છતો નહોતો,એ મને પૂછ્યા વગર જ રસ્તા તરફ ઉતરવા ગયો અને ગબડી પડ્યો.ગબડતાં ગબળતાં એણે રાડ પાડી, "એ..સમીરિયા..મરી ગયો...મને પકડ...."
 હું એને પકડું એ પહેલાં તો એ એક ને પથ્થર સાથે અથડાઈને નીચે રસ્તા પર પડ્યો. હું પણ એની પાછળ હળવે હળવે ઉતર્યો અને એને પકડીને ઉભો કર્યો.એની પીઠ અને પગ છોલાયા હતા, એ બરાબર ઉભો પણ રહી શકતો નહોતો.હજુ અમે કઈક સ્વસ્થ થઈએ એ પહેલાં અમને પક્ષીઓનો જોરદાર અવાજ સંભળાયો.
  કેટલાય  પક્ષીઓ એકસામટા આકાશમાં ઉડ્યા.અને આ રસ્તો આગળ તરફ વળાંક લેતો હોવાથી એ તરફથી ભયાનક ઝડપે આવી રહેલી ખતરનાક ઉપાધી દેખાતી નહોતી. જો બીટી નીચે ગબડી પડ્યો ન હોત તો જિંદગીનો અદભુત સીન અમને જોવા મળેત, પણ હવે તો ખુદ અમે બન્ને જ એ સીનમાં સામેલ થઈ ચૂક્યા હતા.
                                (ક્રમશ :)
નોંધ :- સ્ટોરી વિશે આપનો અભિપ્રાય ચોક્કસ આપશો.