Badlaav - 14 books and stories free download online pdf in Gujarati

બદલાવ - 14


              ((ગુફામાં અંદર કોઇ પ્રવેશયું એવા સંકેત અજયનાં કાન દ્વારા સોમુને મળ્યાં.સોમુએ પુરી તાકાત એકઠી કરી, એમાં મનની હિંમત ઉમેરી એ બુમ પાડી બોલ્યોં “કોણ છે?...કોણ છે ત્યાં?” સામેથી કંઇ જવાબ ન આવ્યોં.પણ સામેની દિવાલે કંઇક ખખડાટ થયો.કોઇ કંઇક વસ્તુઓ એકઠી કરી રહ્યું હોય એવો એ અવાજ હતો.એ પછી માત્ર પાંચેક સેકન્ડ સોમુને બે અવાજ સંભળાતા હતા, એક બાજુમાં ઉભેલા એ અજાણ માનવનાં શ્વાસોશ્વાસ અને બીજો પોતાના જ હૃદયનાં ધબકાર.ત્યાં તો એનો જમણો હાથ ખભાની નીચેથી પકડી કોઇ એને ઢસડવા લાગ્યું.ભયથી કંપી ઉઠેલો સોમુ ચીસ પાડવા લાગ્યોં.))

             બદલાવ--14

                અજયનાં શરીરમાં સોમુ “નહિં...મને માફ કરો” ની બુમો પાડતો, કયાંરેક પોતાના પગે ઉભો થતો વળી કયાંરેક એ અજાણ હાથની તાકાતથી પડી જતો.આમ કરતા કરતા એ ગુફાની બહાર સુધી પહોચ્યોં.બહાર નીકળી સોમુએ એ માનવ આકૃતિને ઓળખવા એની તરફ નજર કરી.એની ધારણા સાચી ઠરી, એ અલગારીનાથ જ હતા. ખુલ્લી જટા, અર્ધનગ્ન શરીર, એક હાથમાં ફરસી અને બીજા હાથમાં માનવકપાલ, અને ગુસ્સામાં વધી ગયેલી એમની શ્વાસોશ્વાસની ગતિ....આ બધું જોઇ સોમુ ધ્રુજી ઉઠયોં.બે હાથ જોડી કરગરવા લાગ્યોં.
“આપ તો સાધુ છો.આપને કોઇની હત્યા કરવાનું કેમ સારું લાગે? અમને માફ કરો, મહારાજ.”
“ચાલ મુરખ, મારી પાછળ ઝડપથી ચાલ.આ રડવાનો સમય નથી.હવે સમય આવી ગયો છે નરોતમનો હિસાબ ચુકતે કરવાનો.” અલગારીનાથે કહ્યું.સોમુને સમજાયું નહિં પણ એ એમની પાછળ ચાલતો થયો.બહું મોટા ડગલે પહાડી એવા અલગારીનાથ ચાલતા હતા, એની પાછળ અજયનાં મધ્યમ શરીરમાં સોમુ લગભગ દોડતો આવતો હતો.વચ્ચે વચ્ચે વિચાર પણ કરી લેતો કે આ અઘોરીને ઓળખવા ખરેખર મુશ્કેલ છે.આ દેખાય છે એટલા ભયાનક નથી.કંઇક તો આમના હૃદયમાં અણમોલ છુપાયેલું છે જે આકર્ષીત કરે છે.હવે ચોકકસ ખાત્રી થઇ કે આ અલગારીનાથ દેખાય છે, એવા છે નહિં અને જેવા એ સાચે જ છે, એવા દેખાતા નથી.....સોમુ આવા વિચારોમાં ચાલતો હતો ત્યાંજ અલગારીનાથે ઉભા રહી પાછળ વળીને સોમુ તરફ જોયું.સોમુને નવાઇ લાગી.આજે આટલા સમયમાં સોમુને પહેલી વાર એમનાં ચહેરે થોડી ચીંતા દેખાઇ.સોમુ બંધ હોઠે મનમાં બબડયોં  ‘આ અલગારીનાથ તો મોટા અભિનેતા છે.’

“અહિં ધરતી પર આપણે બધા જ અભિનેતા છીએ.કોઇને એની જાણ થઇ જાય છે તો કોઇ અજાણ જીવી જાય છે.” અલગારીનાથે જયાંરે આવું કહ્યું તો સોમુ અવાક થઇ ઉભો રહી ગયો.મનોમન નકકી કર્યું કે હવે તો વિચાર પણ નથી કરવો.
“હવે કોઇ પણ સવાલ કર્યા વિના....કોઇ પણ વિચાર કર્યાં વિના.... કોઇ પણ વાત કર્યા વિના ઝડપથી ચાલ.કામ પુરુ થયે બધા જવાબો આપીશ.” આટલું કહી અલગારીનાથ લાંબા પગલે ચાલવા લાગ્યાં.સોમુ પણ ચુપચાપ એમના ભરોસે ચાલવા લાગ્યોં.
             આ તરફ સોમુનાં મજબુત હાથો દ્વારા તલવાર લઇને અજય ઉભો હતો.
“નરોતમ આવે એટલે એના શરીરનાં ટુકડે ટુકડા કરી નાંખવા છે.પછી મારું જે થાય તે....હું જેવો નરોતમ પર વાર કરું તો તું બહાર તરફ ભાગી નીકળજે.તું મારી ચીંતા ન કરતી.” અજયે કહ્યું.
“નહિં બલમજી, જો એ મારો ક્રુર ભાઇ એકલો આવશે તો તમે કદાચ એને મારી શકશો.તો આપણે બંને સાથે નીકળી પણ શકીશું.પણ જો એમના ગુરુ વિભુતિનાથ સાથે આવશે તો તમે વાર નહિં કરી શકો.એમના રક્ષક પ્રેત એમની સાથે જ હોય છે.આ લોકો હવે જે સાધના કરશે એમાં એક આકાશી દેવી આવશે.એ પહેલા થોડીવાર કોઇ વૃક્ષ પર બેસીને બધુ જોઇ લેશે.પછી નીચે આવશે.એ નીચે આવે પછી તરત જ એને બલી આપવી પડે.એ હંમેસા માનવભુખી રહે છે.આવું મે એમની વાતચીત પરથી જાણ્યું હતું.હવે આપણાં નસીબ સારા હશે તો નરોતમ એકલો આવશે.નહિંતર....” રૂપાએ વાત અધુરી મુકી.કારણકે એનું ધ્યાન અચાનક હવનકુંડ તરફ ગયું.પોતાની સખી રૂપાનું માથુ લગભગ પુરું બળી ગયું હતું. અગ્નિજવાળાઓ ખોપડીની અંદરથી, આંખનાં ગોળ કાણાઓમાંથી બહાર નીકળતી દેખાતી હતી.રૂપાએ તરત જ પોતાનું મુખ ફેરવી લીધુ.અને દુખી સ્વરે બોલી 
“અજય, મારી સખી રૂપાનું મૃત્યુ થઇ ગયું છે.મારો ભાઇ હત્યારો છે.” એની આંખોમાંથી આંસુઓ ટપકવા લાગ્યાં.એને ચહેરા પરથી આંસુ લુંછ્યાં અને ફરી બોલી 
“બલમજી, તમને જો મોકો મળે તો એ હત્યારા, ક્રુર, પાપી અને લાલચુ નરોતમનાં એટલા ટુકડા કરી નાંખજો કે એને નરકમાં પણ કોઇ ઓળખી ન શકે.” રૂપાનો રોષ ભભુકી ઉઠયોં.આ સાંભળી અજયને પણ જુસ્સો આવ્યોં હોય એમ એણે તલવારથી વિધી માટે ગોઠવેલી તમામ સામગ્રી અને બંને ગુરુચેલાનાં આસનો વેરવિખેર કર્યાં.ફરી કંઇક યાદ આવતા રૂપાએ કહ્યું
“અજય, ફરી આપણને સંમોહિત પણ કરવામાં આવશે.તમે આંખ બંધ રાખજો અને કોઇ બીજી વસ્તુ પર ધ્યાન કેંદ્રીત રાખજો.કદાચ તમે સંમોહનથી બચી શકો.” અજયે હા કહી.પોતાનાં ખીસ્સામાંથી એક સીગારેટ કાઢીને પીધી.ડાબા હાથે બંને તલવાર પકડી.
           ત્યાં તો એના બંને હાથમાં ભયંકર દુખાવો ચાલુ થયો.થોડી ક્ષણે એ દુખાવો એટલો તીવ્ર બન્યોં કે બંને તલવાર એના હાથમાંથી નીચે પડી ગઇ.રૂપાએ તરત જ ગુફાનાં અંદર આવવાનાં રસ્તા પર નજર માંડી.એની ધારણા મુજબ જ નરોતમ અને વિભુતિનાથ બંને એકસાથે આવતા દેખાયા.નરોતમનાં હાથમાં જયાં તલવારનો ઘા લાગેલો ત્યાં કંઇક વનસ્પતિનાં પાંદડાને છુંદીને લેપ લગાડેલો હતો.વિભુતિનાથે અજય અને રૂપા તરફ નજર કરી.નરોતમને બધુ અસ્તવ્યસ્ત હોવાનો ખ્યાલ આવ્યોં એટલે એણે સોમુ તરફ જોયું.પછી બધુ ફરી ગોઠવવા લાગ્યોં.એક હાથમાં આસન અને બીજી સામગ્રીઓ ઉપાડી બીજા હાથમાં એક તલવાર લઇ પોતાના સ્થાને ગોઠવાયો.એક તલવાર નીચે જ પડી રહી.વિભુતિનાથે કહ્યું “નરોતમ, સમય ખુબ ઓછો છે.ઝડપથી વિધીમાં લાગી જઇએ.નહિંતર તારું કામ અધુરુ રહેશે.આ રૂપાનાં મૃતદેહને દુર કરી દે.” નરોતમે એ પ્રમાણે કર્યું.વિભુતિનાથ પોતાના સ્થાને ઉભા રહ્યાં.
              સૌથી પહેલા વિભુતિનાથે મુઠ્ઠીમાં કંઇક સામગ્રી લઇ હવનકુંડમાં નાંખી.એનો ધુમાડો  રૂપાની આંખોમાં ગયો.અજયે આંખો બંધ કરી દીધી.એ ધુમાડો રૂપાનાં શ્વાસમાં ગયો.અજયે આ જોઇ શ્વાસ થોડીવાર રોકી રાખ્યોં.જાણે કોઇ ઉંડા નશામાં હોય એવી શારીરીક અને માનસીક હાલતમાં રૂપા નીચે બેસી ગઇ.આ એવો નશો હતો કે જેનાથી માણસની તમામ વિવેક બુદ્ધી, સુદ્ધિ કે હોશ સૃષુપ્ત થઇ જાય.પછી માનવ માત્ર એક જીવંત યંત્ર જેવું કામ કરે.અજયે પણ રૂપા જેવો જ અભિનય કર્યોં.હવે નરોતમ અને વિભુતિનાથ બંને મંત્રો બોલવા લાગ્યાં.થોડી થોડી વારે હવનકુંડમાં આહુતિ આપતા હતા.
              વાતવરણ પણ ધીમેધીમે ભયભીત થઇ રહ્યું હતુ.બંને માનવ ખોપડી હવામાં ઉડવા લાગી હતી.એમની આંખોમાંથી લાલ પ્રકાશ ફેલાતો હતો.એ ખોપડીઓ હવે અજય અને રૂપાની ફરતે ગોળ ઘુમરાવા લાગી,જાણે પોતાના શિકારનું અવલોકન કરતી હોય.અજયે પોતાની નજર નીચી જ રાખી જેથી એ માનવખોપડીમાં આવેલા ભૈરવની આંખોથી બચી શકાય.બંને ખોપડીઓમાંથી એક જોરદાર અટ્ટાહાસ્યનો અવાજ આવ્યોં.તરત જ વિભુતિનાથે નરોતમને કંઇક હાથ વડે ઇશારો કર્યોં.નરોતમ કોઇક પ્રાણીઓનાં  બે ખાલી ખોપડામાં દારૂની બોટલોમાંથી દારૂ ભરી લાવ્યોં.બંને હાથમાં એક એક દારૂ ભરેલા ખોપડા રાખ્યાં.બંને ખોપડીઓ ઉડીને નરોતમની સામે આવી.એ દારૂ આપમેળે ખાલી થયો.ફરી એ ખોપડીઓ ગોળ ફરવા લાગી.છેલ્લા વધેલા બે જીવંત પ્રાણીઓનાં માથા પણ તલવાર વડે નરોતમે વાઢી નાંખ્યા.અજયને પણ ખ્યાલ આવી ગયો કે આના પછી હવે અમારો વારો આવશે.પણ નરોતમ સામે જ બેઠો હતો.વિભુતાનાથ પણ એની અદ્રશ્ય શકિતઓ સાથે હાજર હતા.આ બે ભૈરવ પણ કાળ બની માથા પર મંડરાતા હતા.કુદરતને મંજુર હશે તો એક મોકો જરૂર મળશે.રાહ જોવામાં જ શાળપણ છે.અજય એની બધી ઇન્દ્રીઓ જાગૃત રાખી ફકત રાહ જોઇ રહ્યોં.
            હવે વિભુતિનાથે પોતાની બાંધેલી જટા ખોલી નાંખી.પોતાના શરીર પરનાં આભુષણો અને વસ્ત્રો દુર કર્યાં.સંપુર્ણ નગ્ન થઇ એમણે પોતાના શરીરે સફેદ રંગની કંઇક સામગ્રીનો લેપ કર્યોં.જેનાથી આછા પ્રકાશમાં પણ ચમકીલું બનેલુ એમનું નગ્ન શરીર વિકરાળ લાગતું હતુ.અજયે એમનું નગ્ન શરીર જોઇ પોતાના સહજ સ્વભાવ મુજબ રૂપા તરફ જોયું.રૂપા તો સંપુર્ણ સંમોહિત હતી અને એક ગુલામની જેમ ફકત નીચી નજર કરી બેસેલી હતી.અજયને થોડી નિરાંત થઇ કે રૂપાને આવું શરમજનક દ્રશ્ય જોવું ન પડયું.લેપ લાગી ગયા પછી વિભુતિનાથે પોતાની કાળા કપડાની લંગોટ ફરી કમર પર વીંટી દીધી.અને નરોતમ તરફ એક હુંકાર કર્યોં.નરોતમ ઇશારો સમજી ગયો.એણે પણ એ પ્રમાણે જ કર્યું.એક લંગોટ વીંટીને નરોતમ પણ સફેદ લેપમાં અઘોરી જ દેખાવા લાગ્યોં.અલગ અલગ મંત્રનું રટણ, હવનકુંડમાં અલગ અલગ દ્રવ્યોની આહુતિ, અમુક રહસ્યમય નૃત્ય જેવી શરીરની મુદ્રાઓ સાથે નરોતમ અને એના અઘોરી ગુરુ હવે આકાશીદેવીને બોલાવવા લાગ્યાં.આકાશી દેવીનાં આગમન સુધી ભૈરવને પણ જાગૃત રાખવા પડે.એટલે જ એમને મદિરા અને માંસનાં ભોગ ધરાવ્યાં હતા.જયાંરે આકાશી દેવીનું આગમન થાય ત્યાંરે એ બહું ગુસ્સામાં આવે છે.એનું વિધીઓ દ્વારા થતું આહવાહન એને ફરજીયાત ખેંચી લાવે છે.એટલે એ ભયંકર ગુસ્સામાં હાજર થાય છે.ત્યાંરે તરત જ માનવબલી, નર અથવા નારી બલી ચડાવી શાંત કરવામાં આવે છે.માનવનાં રકતથી અને માંસથી જ એ શાંત થાય છે. પછી જ એ ઇચ્છીત ફળ આપવા તૈયાર થાય છે.એ દરમ્યાન કંઇ ગરબડ ન થાય એનું ધ્યાન રાખવા અને એ માનવબલીને નિયંત્રણમાં રાખવા બે ભૈરવોને કામે લગાડાય છે.અત્યાંરે બંને ભૈરવ તો જાગૃત જ થયેલા હતા.હવે માત્ર આકાશી દેવીનાં આગમન માટે રાહ જોવાતી હતી.
 
“જો રૂપા, તારી બાજુમાં તારો પતિ બેઠો છે.એને ખુશ કરવા માટે તારે એનાં શરીર પર આ લાલ લેપ કરવો પડશે.” નરોતમ આ પ્રમાણે હુકમ કરી એક માટીનું પાત્ર રૂપાની સામે ધરે છે.રૂપા તરત જ એ લઇ સોમુનાં શરીરે લેપ કરવા લાગી.સોમુનાં શરીરને કપડા સહિત લાલ કર્યું.અજય આ બધુ ફકત શાંત ભાવે જોતો રહ્યોં.લેપ થઇ ગયા પછી પણ રૂપા સોમુનાં શરીર પર હાથ ઘસતી જ રહી.એટલે નરોતમે ફરી હુકમ કર્યોં “હવે તું બેસી જા.” રૂપા તરત જ નિષ્પ્રાણ ઢીંગલીની જેમ નીચે બેઠી.નરોતમ હવે અજય તરફ જોઇ બોલ્યોં “સોમુ, તારા હમણાં જ થયેલા  લગ્નને માટે, તારી સુંદર પત્નિની સુંદરતા માટે એના શરીર પર આ લેપ કરી આપ.” અજયને તો આ નાટક કરવું પડે એમ હતું.એણે રૂપાનાં શરીર પર લેપ લગડ્યોં.બંનેનાં શરીર લાલ રકતથી રંજીત હોય એવા દેખાતા હતા.અજયે જયાંરે રૂપા તરફ જોયું તો એ કંપી ઉઠયોં.જાણે રૂપા અગ્નિમાં તપીને લાલ થઇ હોય એવું લાગ્યું.અજયે પોતાના ભય પર કાબુ રાખ્યોં.જીવનની ઝંખના માટે અજય બધુ કરવા તત્પર હતો.એણે રૂપા સામેથી નજર ફેરવી લીધી.નહિંતર આ ભય કશું પણ કરવામાં બાધા બનશે.અજયે હળવેથી વિભુતિનાથ તરફ નજર કરી તો એ પોતાના આસન પર બેસી ગયા હતા.એમની આંખો બંધ હતી પણ હોઠ ફફડતા હતા.એમના શ્વાસ તીવ્ર ગતિથી ચાલુ હતા.નરોતમે રૂપા અને સોમુને સામસામે અને એકબીજાની એકદમ નજીક બેસવાનો હુકમ કર્યોં.રૂપા ઉભી થઇ અજયની સામે બેઠી.નરોતમ હવે રૂપાની પીઠ તરફ હતો અને સોમુ નરોતમની નજર સામે બેઠો હતો.એક તલવાર નરોતમનાં હાથમાં હતી.જો એ હવે વાર કરે તો સીધુ જ રૂપાનું માથુ ધડથી અલગ થઇ જાય એવી સ્થીતી ઉભી થઇ હતી.
            અચાનક વિભુતિનાથ આંખ ખોલીને નરોતમને કહેવા લાગ્યાં “નરોતમ, તારાથી તારી બહેન પર વાર તો થશે ને? છેલ્લી ક્ષણે હાથ કંપી નહિં જાયને? નહિંતર આખો ખેલ બગડી જશે.તારા મનમાં જરા પણ ખચકાટ હોય તો થોડી ક્ષણ હિંમત કેળવી લે.આ વિધીમાં છેલ્લે એક ક્ષણની વાર પણ તારા જ મૃત્યુનું કારણ બની જશે.આકાશીદેવીનો ગુસ્સો તે જોયો નથી.એ ક્રુર છે, એ આવ્યાં પછી કોઇનું તો મૃત્યુ નિશ્ચીત લઇને જ જાય છે.એ જીવતદાન આપતી મૃત્યુની દેવી છે.અને જો હું તલવાર ચલાવું તો મને આ બંનેની ઉંમર મળી જશે.તો પછી તારું મૃત્યુ હું પણ નહિં રોકી શકું.આકાશીદેવીને તરત જ લોહી પીવા માટે આપવું પડશે.એનાથી જ એ શાંત થશે.” અજય પણ પુરો જાગૃત થઇ આ સાંભળી રહ્યોં હતો.નરોતમ શું બોલે છે એમાં એની ઉત્સુકતા હતી.થોડો વિચાર કરી નરોતમ બોલ્યોં “પ્રભુ, આપ ચીંતા ન કરો. અહિં, આ રાત અને આ વાત સુધી પહોંચવા મે ખુબ મનોમંથન કર્યું છે.ખુબ કઠોર થયો છું.જીવનની સામે બધુ ન્યોછાવર  છે.મારી સિદ્ધીઓ દ્વારા લોકોનાં દુખ દુર કરવા માટે એક બહેન તો શું અનેક બહેનની બલી આપવા તૈયાર છું.આકાશીદેવી પધારે ત્યાંરે એક જ વાર કરી બંનેને જીવનમુકત કરી દઇશ.” નરોતમની વાત અજયે સાંભળી અને મનમાં ઉતારી પણ.જયાંરે રૂપાનાં કાને ફકત શબ્દો અથડાયાં.વિભુતિનાથ નરોતમની વાતથી સંતુષ્ઠ થયા એટલે આંખો બંધ કરી ફરી વિધીમાં જોડાયા.
             અજય પણ નીચું માથુ કરી બેઠો હતો.એવામાં એને ઉપર તરફ કંઇક ચીચયારી સંભળાઇ.એણે જયાંરે નરોતમ તરફ જોયું તો એ ઉપર તરફ જોઇ રહ્યોં હતો અને એના ચહેરે ખુશીનાં હાવભાવ હતા.અજયે પણ ધીમેથી ઉપર જોયું તો એક મોટું ઘુવડ સફેદ રંગનું, હવામાં ઉડી રહ્યું હતુ.થોડીવાર ગોળ ચકકર લગાવ્યાં પછી એ એક ઝાડ પર બેઠું.એ ઝાડ નરોતમની ઉપર એના પાછળનાં ભાગે હતુ.નરોતમ ફરી મંત્રોચારમાં વ્યસ્ત થયો.આવું ભયાનક અને મોટું ઘુવડ અજયે કયાંરેય પણ જોયેલું નહિં.એ થોડું દુર હતું તો પણ અજયને એની અવલોકન કરતી લાલ રંગની આંખો ચોખ્ખી દેખાતી હતી.આ સફેદ ઘુવડ આકાશીદેવીનું વાહન હતું જે દેવીનાં આગમન પહેલા અવલોકન કરવા આવ્યું હતું.અજયની નજર સામે એ ઘુવડ ઝાડ પરથી જ અદ્રશ્ય થયું.એની પાછળ એક તેજલિસોટો પણ અજયે જોયો.અજયનાં મનમાં પણ ઝબકાર થયો કે હવે થોડી ક્ષણનું જીવન છે.ફકત એક જ મોકો મને અમારા બંનેનાં જીવન બચાવવા માટે મળશે એ પણ કદાચ.હવે ઘુવડનાં ગાયબ થયા પછી વિભુતિનાથે એક નૃત્ય ચાલુ કર્યું.બંને હાથ ઉંચા કરી પગને જમીનમાં જોરથી પછાડવા લાગ્યાં.એનો ધબ....ધબ અવાજ અજયને સંભળાયો.એણે એ તરફ જોયું ખુલ્લી જટા, ફકત એક લંગોટ અને આખા શરીરે સફેદ રંગ ધારણ કરી વિભુતિનાથ નાચતા હતા.એનો એ નાચ મૃત્યુનો નાચ હોય એવું લાગતુ હતું.
                 એવામાં વિજળીનો એક કડાકો થયો હોય એવો અવાજ અને એવો જ પ્રકાશનો ઝબકારો થયો.એક જોરદાર ભેદી અવાજ સંભળાયો.સિંહ ગુસ્સામાં કરે એવી ઘુરરાટી થઇ.એક રાક્ષસી હુંકાર સંભળાયો.હુંમ...હુંમ એવો સતત તરંગીત અવાજ આકાશમાંથી આવ્યોં.વિભુતિનાથ, નરોતમ અને સોમુનાં શરીરમાં રહેલા અજયે એક સાથે આકાશ તરફ જોયું.એક વિશાળકાય લાંબી અને પાતળા દેહની આકૃતિ હવામાં ઉડતી દેખાઇ.એ આકાશીદેવી હતી.સફેદ અને પગની પાની સુધી લાંબા વશ્ત્રો ધારણ કરેલા હતા.લાંબા છુટા સોનેરી વાળ, એકદમ સફેદ ચહેરો, લાલઘુમ આંખો, હાથમાં લાંબા નખ અને મોઢામાંથી બહાર નીકળેલા ઉપરનાં બે દાંત ધારણ કરેલી એ આકાશીદેવી સાક્ષાત કાળસ્વરૂપ દેખાતી હતી.હવામાં પાંચ છ ગૉળ ચકકર લગાવ્યાં પછી જયાં પેલુ ઘુવડ બેઠું હતુ એ ઝાડ પર, એ જ જગ્યા પર બેઠી.એનો હુંમ હુંમ અવાજ, એનાં શરીરમાંથી નીકળતો સફેદ રંગનો પ્રકાશ બધાનાં કાન અને આંખને પીડાકર હતો.અજયને એવું લાગ્યું કે આ અહિં થોડીવાર રહેશે તો એના પ્રકાશ અને અવાજથી જ બધા મૃત્યુ પામશે.અજય હવે ભયથી કંપવા લાગ્યોં હતો.વિભુતિનાથ એ દેવી તરફ બે હાથ જોડી નતમસ્તક ઉભા હતા.નરોતમે હવે છેલ્લો મંત્ર બોલી, હવનકુંડમાં છેલ્લી આહુતિ હોમી પોતાના હાથની તલવાર રૂપાનાં માથા તરફ ઉગામી.એટલામાં તરત જ અવાજ આવ્યોં “ઉભો રહે.....ઉભો રહે નરોતમ, ઉભો રહે મારા ક્રુર સાળા ઉભો રહે”......
                          ક્રમશઃ
                            --ભરત મારૂ