Jokar - 1 books and stories free download online pdf in Gujarati

જૉકર - 1

                    જૉકર-1
“ગૂડ મોર્નિંગ અંકલ”ક્રિશાએ આળસ મરડી આંખો ખોલી.
“વેરી ગૂડ મોર્નિંગ ક્રિશુ,ચલ જલ્દી ઉઠી જા હું વેઇટ કરું છું”હસમુખભાઈએ ક્રિશાના માથે વહાલથી હાથ ફેરવી કહ્યું.
“ઑકે અંકલ પાંચ મિનિટમાં આવી”કહેતાં ક્રિશાના કોમળ ગાલો ખેંચાયા.હસમુખભાઈએ કાનમાં હેડફોન લગાવ્યા અને ડોલતા ડોલતા બહાર નીકળી ગયા.ક્રિશા બેડ પર બેઠી થઈ.નીચે ઝૂકી તેણે ધરતીને નમન કર્યું પછી વોશ રૂમમાં ચાલી ગઈ.
       ક્રિશા નવનિતભાઈ પટેલની એકની એક દીકરી હતી.ક્રિશા દસ વર્ષની હતી ત્યારે નવનિતભાઈ અને તેના પત્ની મિતલબેન સાથે હસમુખભાઈના પત્ની સોનલબેનનું કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.ભાઈ-ભાભી અને પત્નીના અવસાન પછી ક્રિશાની બધી જ જવાબદારી હસમુખભાઈએ ઉઠાવી લીધી હતી.કમનસીબે હસમુખભાઇ નિઃસંતાન હતા એટલે ભગવાને લક્ષ્મી રૂપ ક્રિશાને આપી એમ વિચારી તેઓએ ક્રિશાની પરવરીશ કરી હતી.ક્રિશાની નાની જરૂરિયાતથી લઈ ઊંડા સંસ્કારોનું સિંચન કરવામાં હસમુખભાઈએ કોઈ કસર બાકી નહોતી રાખી.
      મોટાભાઈના કાર એક્સિડેન્ટ સમયે હસમુખભાઈ પોતાની કંપની ‘પટેલ ઍન્ડ સન્સ’ની ડિલ માટે અમેરિકા ગયાં હતા.થોડાં વર્ષો પછી પરિવાર સાથે ત્યાં જ સેટલ થઈ પોતાનો બિઝનેસ સેટ કરવાનું તેણે વિચારેલું.જ્યારે ભાઈ-ભાભી સાથે પોતાની પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓએ પોતાનો વિચાર બદલી ભારતમાં જ રહી ક્રિશાને ઉછેરી ભારતીય સંસ્કૃતિ અને વારસો આપવાનું નક્કી કરી લીધું.
     સમય સાથે ક્રિશા પણ સમજદાર બનતી ગઈ.આજે ક્રિશા ચોવીસ વર્ષની થઈ ત્યારે પણ હસમુખભાઈ માટે ક્રિશા એ જ દસ વર્ષની નાની ખોળામાં હસતી બાળકી હતી.
     આમ તો હસમુખભાઈ સ્વભાવે પણ હસમુખ જ હતા પણ એક જ ઘટનામાં પોતાના પરિવારને ગુમાવ્યા બાદ તેઓ ક્યારેક એકલતાંમાં રડી લેતાં.પોતાનાં પરિવાનો ખાલીપો તેને રડાવી જતો તો ક્યારેક ક્રિશાના લગ્ન પછી તેઓ શું કરશે એ વિચારોમાં પુરી રાત ભીંની આંખોએ પસાર કરી લેતા.છતાં આજ સુધી તેઓ ક્રિશા સામે કોઈ દિવસ નહોતાં રડ્યા. તેઓ ક્રિશાને સમજાવતાં. જિંદગીના જુદાં જુદાં તબક્કામાંથી પસાર થતી ક્રિશાને તેઓ સંભાળતા. ક્રિશા સાથે તેઓ અંકલ કમ દોસ્ત તરીકે રહેવાનું વધુ પસંદ કરતાં.
    હસમુખભાઈનું માનવું હતું કે કોઈ પણ વ્યક્તિ સાથે ભળવું હોય તો તેઓની જેવું વિચારવું જોઈએ.તેઓના વિચારો પર વિચારવું જોઈએ.ક્રિશા અને હસમુખભાઈ વચ્ચે પચીસ વર્ષનો તફાવત હતો છતાં હસમુખભાઈ કોઈ નૌયુવાનની માફક ક્રિશા સાથે હસી મજાક કરી જાણતાં. ક્રિશા માટે પણ મમ્મી-પપ્પા કહો કે દોસ્ત કહો.બધું જ હસમુખભાઈથી શરૂ થતું અને ત્યાં આવીને જ અટકતું.
     હસમુખભાઈ રોજ સવારે જોગિંગ માટે ક્રિશાને ઉઠાવતાં.બંને વહેલી સવારનો લુફ્ત ઉઠાવીને જ પોતાની દિનચર્યા શરૂ કરતાં.
     વોશરૂમમાંથી બહાર નીકળી ક્રિશાએ વાળ વ્યવસ્થિત કરી રિબનમાં બાંધી દીધા.હેડફોન,મોબાઈલ અને નેપકીન જેવી ઇત્યાદિ જરૂરી વસ્તુ હાથમાં લઈ ક્રિશાએ શૂઝ પહેરી તેની લેસ વ્યવસ્થિત બાંધી અને બહાર આવી.
    બહાર હસમુખભાઈ પોતાની આદત મુજબ વોર્મઅપ કરતાં હતાં.
“ચાલો અંકલ”ક્રિશાએ હસમુખભાઈને સંબંધીને કહ્યું.બંનેએ આદત મુજબ મોબાઈલમાં પોતાની ફેવરિટ પ્લે લિસ્ટ શરૂ કરી અને હેડફોન કાને લગાવ્યા.ક્રિશાને સવારમાં 70sના જુના ગીતો સાંભળવા વધુ પસંદ હતા એટલે તેણે ગાના એપમાં મોહમ્મદ રફીના એવરગ્રીન સોંગની પ્લેલિસ્ટ સર્ચ કરી.
‘લીખે જો ખત તુજે વો તેરી યાદ મેં,
હજારો રંગ કે નજારે બન ગયે,
સવેરા જબ હુઆ તો ફૂલ બન ગયે,
જો રાત આયી તો સિતારે બન ગયે.’
      રફી સાહેબનું ઓલ ટાઈમ મેલોડી હિટ સોંગ શરૂ થયું એટલે ક્રિશાના પગના પગ આપોઆપ ગતિવિધિમાં આવી ગયા.આમ તો ક્રિશાને કોઈ બોયફ્રેન્ડ નહતો છતાં એ રોમેન્ટિક સોંગ સાંભળવાનું પસંદ કરતી.
     તેનાથી વિપરીત હસમુકભાઈએ આજની જનરેશનને પસંદ છે એવા રેપ સોંગ સાંભળવાનું પસંદ કરતાં.તેઓનું માનવું હતું કે રેપ સોંગમાં એક જુનુન હોય છે. વ્યક્તિની અંદર રહેલી આ જૂનુંનની લાગણી રેપ સોંગથી બહાર આવે છે. તેઓએ ‘ગલ્લી બોય’નું ‘આઝાદી’ સોંગ સર્ચ કર્યું અને હેડફોન લગાવી ક્રિશા સાથે ચાલવા લાગ્યા.
     થોડી ક્ષણોમાં બંને જોગર્સ પાર્ક પાર્ક પહોંચી ગયા.અડધી પંદર મિનિટ રનિંગ કર્યા બાદ બંને રિલેક્સ થવા પાર્કની લોનમાં બેઠાં.અહીં બેસી બંને રોજ એક ટોપિક પર ચર્ચા કરતાં. પહેલાં હસમુકભાઈ એ ટોપિક પર ક્રિશાના અભિપ્રાયો જાણતાં ત્યારબાદ જરૂરી જણાય ત્યાં પોતાનાં અનુભવો શૅર કરતાં.પોતાની વાત કહેવામાં ક્રિશાની વાત દબાઈ ના જાય એનું પણ ચીવટપૂર્વક હસમુકભાઈ ધ્યાન રાખતા.
“ચાલ કિશુ આજે તું એક ટોપિક પર વાત શરૂ કર”હસમુકભાઈએ કહ્યું.ક્રિશાએ બે મિનિટ ગથન કર્યું પછી કોઈ ટોપિક યાદ આવતાં વાત શરૂ કરી.
“આજનો ટોપિક છે આવડત.વ્યક્તિમાં જુદી જુદી આવડત છુપાયેલી હોય છે.એ આવડત કેવી રીતે પારખવી અને સફળ થવા ક્યાં પ્રકારના પ્રયાસો કરવાં તેના વિશે તમે કહો અંકલ”
    હસમુખભાઈએ હંમેશાની જેમ પ્રસ્તાવના માફક પોતાની વાત શરૂ કરતાં કહ્યું, “વ્યક્તિને કોઈ ઉદાહરણ આપવું હોય તો પોતાનાં ભૂતકાળમાં ડોકિયું કરવું પડે છે.જો પોતે ભૂતકાળમાં કોઈ એવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય તો વાત કહેવામાં સરળતા રહે છે.મારી સાથે પણ આવી ઘટના બનેલી”
“ત્યારે હું અઢાર વર્ષનો હતો.તારાં પપ્પા અને મારા મોટા ભાઈએ પોતાનો બીઝનેસ વ્યવસ્થિત સેટ કરી દીધો હતો.મારે પણ મોટાભાઈની જેમ જ એક મોટા બિઝનેસમેનની હરોળમાં ઉભું રહેવું હતું પણ ત્યારે મારી પાસે લાઈન-દોરી નહોતી એટલે કેવી રીતે બિઝનેસ ડેવલોપ કરવો તેનું ધંધાકીય જ્ઞાન મને નહોતું.મારી પાસે એક જ જમા પાસું હતું.એ હતી એનર્જી.કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી આગળના દસ વર્ષમાં પોતાનો બિઝનેસ સેટ કરવો એવું મન બનાવી હું સાડીના ધંધામાં જંપલાવ્યો હતો.બહારથી રો-મટીરીયલ લાવી સુરતમાં તેનાં પર જરૂરી પ્રોસેસ કરી શરૂઆતમાં હું થોડું એવું કમાઈ લેતો.”
“ધંધામાં હરીફાઈનો તબક્કો મુખ્ય હોવાથી ત્યારે મારી સરખામણીમાં બીજા વેપારીઓ ઓછી કિંમતે સારી ક્વોલિટીમાં માલ સપ્લાય કરતાં.થોડાં મહિના ઓછી કિંમતે સાડી વહેંચી મેં થોડો ઘણો અનુભવ મેળવી લીધો હતો.પાઘડીના અભાવના લીધે ત્યારે મને એટલી સફળતા નહોતી મળી એટલે હું ફંગોળાઈ ગયો અને તણાવમાં આવી ગયો.
   કદાચ હું હિંમત હારી ગયો હતો પણ સફળ થવાનું એ જૂનુંન હજી મારામાં જીવતું હતું.ત્યારબાદ મોટા જથ્થામાં પ્લૅન સાડીઓનું મેન્યુફેક્ચર કંપની સાથે મેં ટાઈપ-અપ કર્યું.એક સાથે વધુ ક્વોન્ટિટીમાં માલ આવતો હતો એટલે મારો એક્સપેન્સ એ રીતે વહેંચાઈ જતો.ધીમે ધીમે મેં જ સાડીઓનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દીધું અને આજે અહીં સુધી પહોંચી ગયો.
    જો ત્યારે મારામાં એ એનર્જી ના હોત તો કદાચ અત્યારે હું એટલો આગળ ના આવ્યો હોત”
“અંકલ”ક્રિશાએ કહ્યું, “હું પણ તમારાં નક્ષી કદમો પર ચાલવાની કોશિશ કરીશ.”
“બેટા તું અત્યારે તારું સપનું પૂરું કરવામાં ધ્યાન આપ.મારાં નક્ષિ કદમ પર ચાલવાની કોઈ જરૂર નથી”હસમુખભાઈએ વહાલથી ક્રિશાના માથે હાથ ફેરવતાં કહ્યું,“બસ તારાં વિચારોને વળગીને રહેજે”
“અંકલ તમે ચિંતા ના કરો,હસમુખ પટેલની દીકરી છું બધું વીંધી સોંસરવી નીકળી જઈશ”ક્રિશાએ હસીને કહ્યું.
“ચાલો તો હવે સોંસરવી નીકળવા માટે ઘરે જવું પડશે.તારી આંટી રાહ જોઈ રહી હશે”મજાક કરતાં હસમુખભાઈએ કહ્યું.
“તમારું રોજનું થયું અંકલ.કેટલી આંટી હશે એ તો તમને જ ખબર”ક્રિશાએ મજાકના સુરમાં સુર પરોવ્યો.
“લાબું લિસ્ટ છે.ફુરસતના સમયે સંભળાવીશ”કહેતા હસમુખ પટેલ હસી પડ્યા.
“મજાક નહિ અંકલ,તમે લગ્ન કેમ ના કર્યા?”
“તારી આંટી હતીને એ ખૂબ જ જાલીમ હતી.મારા પર એટલા સિતમ ગુજાર્યા છે ને કે હવે લગ્ન ના નામથી જ ચીડ ચડે”હસમુખભાઇ પુરા મજાકના મૂડમાં હતા.
“તમારી વાતો સાંભળીને હું પણ લગ્નની વાતથી દૂર રહું છું હાહાહા”
“તારી તો ઉંમર છે બેટા,આ ઉંમર એવી હોય છે કે કોઈ સાથીદારની જરૂર પડે જ.તારે તો જલ્દી લગ્ન કરી લેવા જોઈએ”
“મારા લગ્ન પછી તમે શું કરશો?એમ વિચારીને જ હું લગ્ન નથી કરતી”.
“અરે તું એકવાર લગ્ન કરી લે પછી હું પણ તારા માટે આંટી શોધી લઈશ”
“હાહાહા, ચાલો હવે લેટ થાય છે”ક્રિશાએ વાત પૂરી કરી. બંનેએ ઘર તરફ પ્રયાણ કર્યું.
***
“મને નફરત છે એ બધા વ્યક્તિથી જે મને ચાહે છે.દુનિયામાં પ્રેમ જેવું કંઈ છે જ નહિ,બધા પોતાનાં મતલબ માટે નજીક આવે છે અને મતલબ પૂરો થતાં દૂર થઈ જાય છે”ડુમ્મસના દરિયા કિનારે બેસેલો બકુલ નશાની હાલતમાં બોલતો હતો.તેની બાજુમાં બેસેલો જૈનીત તેની વાતો શાંતચિત્તે સાંભળતો હતો.
     થોડી કલાક પહેલાં બકુલ આરધાન દ્વારા ડમ્પ કરવામાં આવ્યો હતો.બંને વચ્ચે બે વર્ષ રહેલાં રિલેશનનો આજે કરુણ અંત આવ્યો હતો.ગમમાં ડૂબેલા બકુલે તેના દોસ્ત જૈનીતને ડુમ્મસ મળવા બોલાવ્યો હતો.સાંજનો સૂરજ આથમતો હતો.બંને અત્યાર સુધીમાં એક બોટલ દારૂ પેટમાં ઉતારી ગયા હતા.જૈનીતને આદત હોવાથી તેને તકલીફ ના પડી પણ બકુલને દારૂની અસર થતાં એ વધુ પડતું બોલવા લાગ્યો હતો.
“મેં શું ભૂલ કરી હતી?તેની નાની-નાની જરૂરિયાતનું ધ્યાન રાખતો.અઠવાડિયામાં બે વખત શોપિંગ કરવા લઈ જતો.પૂરો ટાઈમ તેની સાથે સ્પેન્ડ કરતો.થોડાં દિવસ રૂપિયાની તંગીને કારણે તેને ના મળ્યો તો આજે બ્રેકઅપ કરી લીધું”રડતાં રડતાં બકુલ બોલતો હતો.
      જૈનીત સહેજ હસ્યો.સિગરેટનો એક કશ ખેંચ્યો અને કહ્યું, “લોન્ડિયા એવી જ હોય બકા,જ્યાં સુધી ATM માંથી રૂપિયા નીકળશે ત્યાં સુધી સાથે રહેશે.જ્યારે રૂપિયા ખૂટી જશે એટલે નીકળી પડશે બીજા ATM ની શોધમાં.છોકરા પણ ચુતિયા રહ્યાને,છોકરી બે મીઠી વાતો બોલે એટલે લાળ પાડવા મંડે.ભાઈ પહેલાં જોવાઇ-પરખાય.બધી પીળી વસ્તુ સોનું ના હોય”
“ચુતિયા છોકરાં નહિ છોકરી હોય છે,જે તમારી મીઠી મીઠી વાતોને પ્રેમ સમજી બેસે છે પણ અમને ક્યાં ખબર હોય છે તમે સાલાઓ હવસના જ ભૂખ્યા હોવ છો”જૈનીત અને બકુલની પાછળ ઉભેલી આરાધના ગુસ્સામાં બોલી.
(ક્રમશઃ)