Jokar - 6 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર - સ્ટૉરી એક લુઝરની - 6

જોકર - સ્ટૉરી એક લુઝરની - 6

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ-6
લેખક- મેર મેહુલ
લાંબા અરસા બાદ જ્યારે આ સ્ટૉરી આગળ વધે છે ત્યારે પહેલાં તો વાંચક મિત્રો પાસે માફી માંગુ છું.આ સ્ટૉરી આગળ ધપાવવા સૌના મૅસેજ આવતાં પણ સમયના અભાવે થોડાં સમયથી લખવાનું અટકાવી દીધું હતું.હવે જ્યારે સમય મળ્યો છે ત્યારે એ સમય તમારી સાથે વહેંચાવનું વિચારી નવી શરૂઆત કરું છું.સહકાર આપવા વિનંતી.
*
જોકર કોણ છે એ ક્રિશાને ખબર પડી ગઈ એવું તેણે મેસેજમાં જણાવ્યું એટલે જૈનીતની હાલત ખરાબ થઈ ગઈ હતી.છેલ્લાં કેટલાક વર્ષોથી છુપાવેલો ચહેરો અચાનક સામે આવી જશે એ ડરથી જૈનીતે ક્રિશાને બ્લૉક કરવાનું વિચારી લીધું.જૈનીત હજી ક્રિશાને બ્લૉક કરવા જતો હતો એટલામાં ક્રિશાનો બીજો મૅસેજ આવ્યો.
“તારે જાણવું જ છે મને કેમ ખબર પડી તો સાંભળ એ મારા સપનાનો રાજકુમાર છે.એની પર્સનાલીટીની હું દિવાની થઈ ગઈ છું.અને એ જોકર બીજું કોઈ નહિ પણ તું જ છે,કેમ મારાથી આ વાત છુપાવી?"એક આંખ ઊંચી કરતા ઇમોજી સાથે ક્રિશાએ મૅસેજ કર્યો.
"હાહાહા, હું અને જોકર?,ભાનમાં તો છે ને? ક્યાં એંગલથી હું તને જોકર જેવો લાગ્યો?” જૈનિતે સિફતથી વાત બદલવાની કોશીશ કરી.
"તું જોકર જેવો જ દેખાય છે...તારું ડીપી જોને....બિલકુલ જોકર જેવું...હાહાહા"ક્રિશાએ પણ સામે એટલી જ સલુકાઇથી વાત હસીમાં ઉડાવી દીધી.
"ઓ હેલ્લો,મારું ફેવરિટ ડીપી છે.બીજું કંઈ પણ બોલ પણ એના વિશે કંઈ ના બોલ"મોં બગાડતાં ઇમોજી સાથે જૈનીતનો મૅસેજ આવ્યો.
"ઓહ...સૉરી બાબા સૉરી...મને નહોતી ખબર...."ક્રિશાએ મૅસેજ ટાઈપ કર્યો.સેન્ડ કરે એ પહેલાં જ તેના મગજમાંથી એક કાતિલ વિચારની સેર પસાર થઇ.ક્રિશા સહેજ હસી.એ જાણતી હતી કે તેનો આઇડીયા ૧૦૦% કામ આપવાનો જ છે.તેણે પહેલો મૅસેજ ડીલીટ કરીને લખ્યું,"કોલમાં વાત કરીએ,ઇમોજીમાં એક્સપ્રેશન ના સમજાય મને"
મૅસેજ વાંચ્યો એટલે જૈનીતને ભૂતકાળ યાદ આવી ગયો.આ શબ્દો તેના મગજમાં ઘુમવા લાગ્યા.ભૂતકાળમાં પણ આ જ શબ્દો તેણે વાંચેલા.
"ઑ મિસ્ટર...ક્યાં ખોવાઈ ગયા..કૉલ કરું?"ક્રિશાનો બીજો મૅસેજ આવ્યો.જૈનિતે ક્રિશાને કૉલ કર્યો.
"તારે કોઈ બોયફ્રેન્ડ નથી?"ક્રિશાએ કૉલ રિસીવ કર્યો એટલે જૈનિતે પુછ્યું.
"ના,તને કેવી રીતે ખબર પડી?"ક્રિશાએ સામે પૂછ્યું.
"સિમ્પલ વાત છે,જો બોયફ્રેન્ડ હોત તો તું અત્યારે તેની જોડે બાબુ-શોના કરતી હોત અને એક મુલાકાતવાળા વ્યક્તિ સાથે આમ કૉલમાં વાત ના કરતી હોત"જૈનિતે હસીને કહ્યું.
"એક્ચ્યુઅલી તું પહેલો છોકરો છે જેની સાથે હું વાત કરવા ઈચ્છું છું"ક્રિશાએ જીભ કચરીને કહ્યું.
"વૉટ!!!, મતલબ પહેલાં કોઈ દિવસ તે છોકરાં સાથે વાત નથી કરી?"
"કરી જ હોયને.જૈનિત, આપણે એકવીસમી સદીમાં છીએ."ક્રિશાએ હસીને કહ્યું,"પણ કોઈ સાથે આવી રીતે વાત કરવાની ઈચ્છા પહેલીવાર વ્યક્ત કરી"
"તો મહેરબાનીનું કારણ પણ જણાવી દે હવે"
"જૈનીત,એક વાત કહું ખોટું ના લગાવતો"ઊંડો શ્વાસ ભરીને ક્રિશાએ કહ્યું,"છેલ્લા દસ મહિનાથી હું એક સ્ટૉરીની શોધમાં છું,મારે જે સ્ટૉરી જોઈએ છે એ હજી નથી મળી.કદાચ તારા દોસ્ત પાસેથી મળી જાય અને હું એટલા માટે જ તારી સાથે વાત કરું છું"
"અને હું કહું કે એવી કોઈ સ્ટૉરી છે જ નહીં તો?"જૈનિતે પૂછ્યું.
"છે યાર...સ્ટૉરી છે"ક્રિશાએ કહ્યું,"અને મારા માટે એ સ્ટૉરી જાણવી ખૂબ જ મહત્વની છે"
"તારા મમ્મી શું ખવરાવે છે યાર તને?"જૈનિતે હસીને કહ્યું, "તું તો હઠ પકડીને બેસી ગઈ છે"
"મારા મમ્મી-પપ્પા નથી"ક્રિશાએ કહ્યું, "અને તું હવે સૉરી કહીને કંઈ જતાવતો નહિ,મને એ બધું નથી પસંદ"
"હું પણ તારી જેવો જ છું,મને પણ કોઈ આવી રીતે કહે ત્યારે હું પણ આ જ જવાબ આપું છું"જૈનિતે કહ્યું.
"મતલબ?,તારે પણ...."
"હા,મારા મમ્મી-પપ્પા પણ..."
"ઓહ...આઈ એમ સૉરી..."ક્રિશાએ કહ્યું.
"હાહાહા...સૉરી...?"
"ઉપ્સ.. સૉરી...મતલબ સૉરી કહ્યું એના માટે સૉરી..ઓ શીટ"
"હાહાહા... બસ કર કેટલીવાર સૉરી કહીશ?"
"એક મિનિટ કોઈનો કૉલ આવે છે"કહી ક્રિશાએ મિતલનો કૉલ રિસીવ કર્યો.
"કોની સાથે વાત કરતી હતી બકુ?"મિતલે પૂછ્યું.
"અરે આજે સ્ટૉરી માટે જે છોકરાને મળવા ગઈ હતીને,એને ફોસલાવું છું"ક્રિશાએ કહ્યું.
"મતલબ આજે મળી અને આજે જ વાતો?"
"તને તો મારી ખબર જ છે,મારી કાલ્પનિક વાતોને હું એટલી સચોટતાથી રજૂ કરું છું કે કોઈ બુદ્ધિજીવીને પણ મારી વાતો ગળા નીચે ઉતરી જ જાય."ક્રિશાએ હસીને કહ્યું.
"તારા રામબાણથી કોઈ ના બચી શકે મારી માં!!"મિતાલીએ પણ ક્રિશાની આવડતની અક્ષરશઃ પ્રશંસા કરી.
"કામ શું હતું એ બોલ,પેલા ચંપુને હોલ્ટ પર રાખ્યો છે."
"અરે હા,પેલી અનુરાધાએ બકુલના દોસ્તનો ફોટો મોકલ્યો હતો.મેં તને મોકલ્યો છે જોઈ લે કેવી રીતે બકરો હલાલ કરવાનો છે"મિતાલીએ કહ્યું.
"હું જોઈ લઉં છું પણ શું કરવું એ કાલે સવારે તને કહીશ, અત્યારે એક લાઈનમાં છે તેને હલાલ કરી લઉં"ક્રિશાએ ફરી હસીને કહ્યું.
"તું તારું શરૂ રાખ હું કૉલ કટ કરું છું"મિતાલીનો કૉલ કટ થઈ ગયો.
"સૉરી યાર,એક ફ્રેન્ડ હતી"ક્રિશાએ કહ્યું.
"તને સૉરી સિવાય બીજું કંઈ આવડે છે?"જૈનિતે હસીને કહ્યું, "અને તારે કોઈ કારણ આપવાની જરૂર નથી"
"ઓહ,સૉરી...મતલબ સૉરી..સૉરી..સૉરી..નોટ અગેન યાર.."ક્રિશાએ માથું પછાડયું.
"ઑકે... સ્ટોપ...તને આટલી બધી વાર સૉરી કહ્યું એ માટે સૉરી બસ"ક્રિશા હસવા લાગી.સાથે જૈનીત પણ.
"તારે પણ કોઈ ગર્લફ્રેન્ડ નથીને?"થોડીવાર પછી ક્રિશાએ પૂછ્યું.
"ના,હાલમાં તો હું સિંગલ છું અને મિંગલ થવાનો કોઈ ઈરાદો પણ નથી"
"એનો મતલબ તારો ભૂતકાળ પણ દર્દ ભર્યો છે"જૈનીતની ખેંચવાના ઈરાદાથી નટખટ અવાજમાં ક્રિશાએ નીચા ટોને કહ્યું.
"હાહાહા,વાત ના પૂછ ભૂતકાળની...હવે તો એ ભૂતકાળને પણ ભૂતકાળ બનાવી ભૂલવાની કોશિશ કરું છું"જૈનિતે પણ એ જ અંદાજમાં જવાબ આપ્યો.
"અમમ...મને વિચારવા દે...એણે બેવફાઈ કરી કે ભુલ તારી જ હતી?"
"તું વધારે પડતી જ રસ લે છે એવું નથી લાગતું?,આપણે મળ્યા એને પુરી દસ કલાક પણ નથી થઈ"જૈનિતે કહ્યું.
"હશે હવે ના કહેવું હોય તો હું ફોર્સ નહિ કરું... ચલ જવા દે એ વાત...કાલે શું કરે છે?"ક્રિશાએ પૂછ્યું.
"એ તો કાલ ઉપર આધાર રાખે"જૈનિતે કહ્યું,"કાલનું પ્લાનિંગ હું આજે નથી કરતો"
"નાઇસ,તો કાલે મારી સાથે આવજે.મને કંપની પણ મળી જશે અને આપણી મિત્રતાને આગળ ધપાવવાનો સમય પણ"ક્રિશાએ કહ્યું.
“મને કોઈ પ્રોબ્લેમ નથી પણ જવાનું ક્યાં છે અને કામ શું છે?”
“છે એક છોકરો જેને પાઠ ભણાવવાનો છે.સેવાનું કામ છે પણ મજા આવશે”
“ઓહ તો તું લેડી ડોન પણ છે એમને!!!”
“બેશક…કોઈ સવાલ જ નથીને.તે મને જોઈ ત્યારે એવું જ લાગ્યું હશેને કે ઓગણીસમી સદીની પેલી બેબસ અને લાચાર હિરોઇન જેવી હશે”
“મેં તને ઓગણીસમી સદીની હિરોઇન પણ નહોતી સમજી અને લાચાર કે બેબસ પણ નહોતી સમજી.હું કોણ તને જજ કરવાવાળો?”
“વાતો તો ખૂબ જ સારી કરી લે છે.બીજી કોઈ હોત તો અત્યારે ફિદા થઈ ગઈ હોત”
“ઓહહ રિયલી,માની લીધું કે તું પણ ખૂબ સારી વાતો કરે છે પણ હાલ મારા હાલ બેહાલ છે અને મને ઊંઘ પણ જબરી આવે છે”જૈનિતે આખરે કંટાળીને કહ્યું.
“ઓહ..તો ચલ ગુડ નાઈટ..કાલે સવારે દસ વાગ્યે હું પિક કરવા આવીશ.તૈયાર રહેજે.”
“એ કાલ પર છોડીએ.હાલ પૂરતું ગુડ નાઈટ”
“હા,ગુડ નાઈટ..જય શ્રી કૃષ્ણ”
જૈનિતે કૉલ કટ કરી દીધો.પોતે જે રસ્તા તરફ નજર પણ કરવા નહોતો માંગતો,જે રસ્તાથી એ કૉસો દૂર ભાગતો હતો,આજે ક્રિશાએ અજાણતા જ તેને એ રસ્તા પર લાવીને ઉભો કરી દીધો હતો.ભૂતકાળ..જૈનિતના ભૂતકાળનો પણ ભૂતકાળ..
*
“એના શરીરમાં મેં જ બધી બુલેટ ઠાલવી હતી.એ મરી જ ગયો છે,મેં ખુદ તેની નાડી તપાસી હતી અને તેના જીવવાના ચાન્સ ૧% પણ નહોતા બોસ.તો પણ એ હરમજાદો કેવી રીતે બચી ગયો એ મને નથી સમજાતું” રેંગા નામનો વ્યક્તિ ફોનમાં તેના બોસને સમજાવવાની કોશીશ કરતો કે તેના બોસે જે વ્યક્તિને ખતમ કરવા હુકમ કર્યો હતો એ વ્યક્તિને તેણે ખતમ કરી દિધો છે.
“એ તો મને પણ ખબર છે મુઆ,હું ત્યા જ હતો ત્યારે”રેંગાના બોસ વિક્રમ દેસાઈએ ગુસ્સામાં કહ્યું, “તે એની બોડી વ્યવસ્થિત ઠેકાણે પાડી હતીને?”
‘વિક્રમ દેસાઈ’ ઉર્ફે ‘વિક્કી’ નામ સુરતના બદમાશોમાં ખૂબ ચર્ચિત હતું.સુરતનો એકપણ રેડ એરિયો એવો નહિ હોય જ્યાં તેણે પગ નહિ જમાવ્યો હોય.30 વર્ષના વિક્કીના શહેરના કોન્સ્ટેબલથી માંડીને IPS અધિકારી સુધી છેડા અડેલા હતા.તે ખુલ્લે આમ પોતાનાં ગેરકાનૂની ધંધા ચલાવતો.
આજ સુધી તેના રસ્તામાં કાંટો બનેલાં વ્યક્તિઓને તેણે સીધી કે આડકતરી રીતે દૂર કરી દીધાં હતાં. હવે કોઈ તેનાં રસ્તામાં આવવાની કોશિશ નહોતું કરતું પણ છેલ્લાં બે મહિનાથી એક વ્યક્તિએ તેની ઊંઘ હરામ કરી દીધી હતી.લાખ કોશિશ કરવા છતાં એ વ્યક્તિ કોણ છે એ તે જાણી શક્યો નહોતો.આખરે એક દિવસ એ વ્યક્તિ સામેથી ચાલીને જ તેનાં શિકન્જામાં ફસાઈ ગયો હતો અને પોતાનાં ખાસ માણસ રેંગા મારફતે તેનો ખાત્મો કરાવી દીધો હતો.
જ્યારે એ વ્યક્તિને તેણે નજર સામે જોયો ત્યારે એ વ્યક્તિ કેવી રીતે બચ્યો એ વિક્રમ દેસાઈ સમજી શક્યો નહોતા.કારણ જ એવું હતું.જ્યારે તે વ્યક્તિને ગોળી મારવામાં આવી ત્યારે તે ત્યાં હાજર હતો.પોતાની નજર સામે એ વ્યક્તિને ઠાર કરવામાં આવ્યો હતો તો એ હજી જીવતો કેમ હતો.વિચારવા જેવી વાત તો એ હતી કે આટલા ઓછા સમયમાં તેને રિકવરી કેવી રીતે આવી.
“એ કામ તમે કાળુને સોંપ્યુ હતું”અણઘડ રેંગાએ મુર્ખામીનું ઉદાહરણ આપી ડરતા ડરતા કહ્યું.એ જાણતો કે તેની ભૂલ નથી તો પણ બોસ તેને જ દોષી ગણશે છતાં તેની પાસે હકિકત જણાવ્યા સિવાય કોઇ રસ્તો નહોતો.
“મૂઆ તું ડફોળ જ છે.હું તને એ જ પુછું છું કે તે કાળુને પુછ્યું? કે પછી એ પણ હું જ પુછું?”બોસ રીતસરનો રેંગા પર ત્રાટુક્યો.
“બોસ એ દિવસથી કાળુ ગાયબ છે.હજી એની ભાળ નથી મળી” રેંગાના પણ છક્કા છુટવા લાગ્યા.એ પણ જાણતો હતો કે જો એ વ્યક્તિ હજી જીવતો હશે તો તેના બોસ સાથે તેના પર પણ તલવાર લટકશે કારણે તેણે જ એ વ્યક્તિ પર ગોળીઓનો વરસાદ કર્યો હતો.
“તું આ વાત મને છેક અત્યારે કહે છે? તારે મગજ છે કે પછી ભગવાને ત્યાં મુત્રપિંડ ગોઠવેલું છે?,જો તું અત્યારે મારી નજર સામે હોત તો ક્યારનોય ગોળીએ ઉડાવી દીધો હોત” રેંગાને ખખડાવતા બોસ બોલે જતો હતો, “તને વાતની ગંભીરતા સમજાય છે કે નહિ? ઓલો સાલો હજી જીવે છે.કોણ છે,ક્યાંથી આવ્યો છે?, શા માટે આવ્યો છે એ હજી ખબર નથી પડતી ને તું આ નવું ગતકડું કાઢે છે”
“બોસ તમે ચિંતા ના કરો એ માટે જ તમને નહોતું કહ્યું અને તમે ચિંતા પણ ના કરતા,આપણા બધા જ મણસોને મેં કામમાં લગાવી દીધા છે.થોડાં દિવસમાં કાળુ પણ મળી જશે અને આ વ્યક્તિ કોણ છે એ પણ ખબર પડી જશે.”બોસને ધરપત આપી રહ્યો હોય તેવા ભારે શબ્દોમાં રેંગાએ કહ્યું.
વિક્રમ દેસાઈ વધુ ઉકળ્યો, “મને આશ્વાસન આપવા કરતાં કામ કેવી રીતે થાય એ વિચાર અને બે દિવસમાં એનો પત્તો ના મળ્યો તો તું લાપતાં થઇ જઇશ એટલું યાદ રાખજે”કહી તેણે ફોન કાપી નાખ્યો.
રેંગો થડકી ઉઠ્યો.તેના કપાળેથી પરસેવાના રીતસરના રગડા ઉતરી આવ્યા.તેના બોસને એ ભલીભાતી જાણતો હતો.છેલ્લાંપાંચ વર્ષથી એ તેનો જમણો હાથ હતો.તેનો બોસ કોઇનો નથી એની તેને ખબર જ હતી.કામ ના થાય ત્યારે તેના આદમીઓને કેવી સજા આપતો એની પણ તેને ખબર હતી.રેંગા માટે કોઇ પણ હાલતમાં એ વ્યક્તિને પકડવો જરુરી બની ગયું હતું.જો એ તેને નહિ પકડી શકે તો તેનું કાટલું કપાઇ જવાનું હતું.કાં’તો પેલો વ્યક્તિ તેને મારી નાખશે અને જો એ વ્યક્તિ નહિ મારે તો તેનો બોસ નહિ છોડે.રેંગા માટે આગળ કુવો અને પાછળ ખાઇ હતી.
રેંગો એ વ્યક્તિથી ડરતો નહોતો.એ વ્યક્તિને મારવો તેના ડાબા હાથનો ખેલ હતો.એ વ્યક્તિ કોઇ માથું કાઢી ગયેલા ગુંડા જેવો નહોતો.બેકગ્રાઉન્ડ જાણવાની વાત તો દુર રહી કોઇને તેનું નામ સુધ્ધાંની પણ ખબર નહોતી.કોણ છે,ક્યાંથી આવ્યો છે?, શા માટે આવ્યો છે એ સૌની માટે ગુથ્થી બની ગઈ હતી.જેનો નિવાડો લાવવા રેંગો અને તેનો બોસ મથી રહ્યાં હતા.તેને મારવાના ભરપુર પ્રયાસ થયાં હતા પણ દર વખતે કોઇ કારણોસર એ બચી જતો.એટલે જ આ વખતે તેના બોસે પોતાની નજર સામે જ એ વ્યક્તિને મારવાનો હુકમ કર્યો હતો.રેંગાએ તેના બોસની નજર સામે જ તેના જિસમમાં બધી ગોળીઓ ઠાલવી દિધી હતી અને પછી બોસના કહેવાથી કાળુને તેની બૉડી સુનસાન જગ્યા પર ફેકીં આવવા કહ્યું હતું.
કોણ હતું આખરે એ વ્યક્તિ જેણે આ લોકોના નાકમાં દમ કરી દીધો હતો.રેંગાના બોસ કોણ હતા?,એ વ્યક્તિ શા માટે તેઓની પાછળ પડ્યો હતો? જાણવા વાંચતા રહો જોકર.
-મેર મેહુલ
મારી અન્ય નૉવેલ વાંચવા પ્રોફાઈલ ચૅક કરો.સાથી મિત્રો અને પરિવાર સાથે સ્ટૉરી શેર કરો અને ખાસ સ્ટોરીના રિવ્યુ આપો.
Contact - 9624755226

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Hemangi

Hemangi Matrubharti Verified 2 years ago

Nikita panchal

Nikita panchal 2 years ago

superb 😍

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Khyati Soni ladu

Khyati Soni ladu 2 years ago