Manchuriyan - Ek rahasyamay kahani books and stories free download online pdf in Gujarati

મન્ચુરિયન - એક રહસ્યમય કહાની

" મન્ચુરિયન - એક રહસ્યમય કહાની "

"રાત નો દોઢ વાગ્યા હશે , ચારેતરફ સન્નાટો છવાયેલ હતો પણ એ સન્નટાને છિન્નભિન્ન કરતા દૂર દૂર ક્યાંક કૂતરાઓ નો ભસવાનો અવાજ આવી રહ્યો હતો. સીમ તરફ જતા અંધારિયા રસ્તા પર ઘસાય ગયેલ સપોર્ટ શૂઝ પહેરી "ટપ ટપ " અવાજ કરતો ચાલતો હતો.આકાશ માં ચમકતો અડધો ચંદ્ર , ધુમમ્સિયું વાતાવરણ સુમસાન રસ્તા પર બસ સ્ટ્રીટ લાઈટના પીળા પ્રકાશ સિવાય બીજો કોઈ પ્રકાશ નહીં અને એના પગલાં ના અવાજ સિવાય બીજો કોઈ અવાજ નહીં. 

એ બસ કાંઈ સમજ્યા વિચાર્યા વિના એ રસ્તા પર જાણ્યે અજાણ્યે આગળ ચાલતો હતો. બસ ચાલતો હતો .એના ચેહરા પર કોઈ ભાવ સ્પષ્ટ નહતા , આંખો માં ચમક હતી પણ ચેહરા પર પસીનો હતો. હાથ ધ્રુજતા હતા પણ પગ મક્કમપણે આગળ વધતા હતા. સામાન નહતો કોઈ સાથે પણ જતો સીમ તરફ હતો.

પણ એને એ નહતી ખબર કે જે રસ્તા પર એ આગળ વધે છે ત્યાં એને મળવાનું છે એને જોઈ એના હોશ ઉડી જવાના છે. 
થોડા મીટર ના અંતરે એ જ રસ્તા પર એક ખૂનથી લથપથ એક છોકરીની લાશ પડી હતી. હકીકત માં એ લાશ ....
એ લાશ હતી જ નહીં. એ બસ મરિચીકા હતું ,મૃજગળ હતું. 
સચ્ચાઈ તો એ હતી કે એ કાળી રાત ના અંધારા માં , કાળા જાદુ ની મદદ થી એ કાળા માથા વાળા વ્યક્તિ ને પેલા કાળા કપડાં વાળી ચુડેલ ફસાવવા માંગતી હતી. વર્ષોની પ્યાસ એના લાલ લોહી થી સંતોષવા માંગતી હતી. એના લાંબા અને તીક્ષ્ણ નહરોથી એના શરીરને ચીરવા માંગતી હતી. અને ત્યાર બાદ એના શરીર માંથી નીકળતા લોહીને તેની જીભ દ્વારા ચાંટી મોક્ષ મેળવવા માંગતી હતી....."

"બસ કર ને તું યાર......"  અમર  અર્ચનાના હાથ માંથી પોતાનો હાથ છોડવતા ઉભો થતા બોલ્યો .

"અરે પણ હજુ છે આગળ.  પેલી શા માટે આવું કરવા ઇચ્છતી હતી એ તો સાંભળી લે." અર્ચના પણ ઉભી થતા બોલી.

"મારે નહીં સાંભળવું અને તું પણ આવી નોવેલ વાંચવાનું બંધ કરી દે , અને હોરર મૂવીઝ જોવા નું પણ. કાલે નોવેલ વાંચી એ વર્ડ ટુ વર્ડ યાદ છે પણ એક અઠવાડિયા પછી એક્ઝામ આવશે ત્યારે એનું કાંઈ યાદ નહીં રહે.  " અમર નારાઝ થતો હોય એમ બોલ્યો.

"તને ખબર છે ને મને ભણવાનું નથી ઉકલતું , પણ આવી નોવેલ વાંચવી બૌ ગમે છે. તારે પણ વાંચવી જોઈએ. તને ખબર છે કહાની ની પોતાની એક અલગ દુનિયા હોય છે , જ્યાં રીઅલ દુનિયા કરતા બધું અલગ હોય છે એક લેવલ ઊંચું હોય છે , જેમકે પ્રેમ છે તો બેસુમાર પ્રેમ હોય , નફરત છે તો હદ ની બાર ની , જુનૂન છે તો દુનિયા ને ઝુકાવી દે એવું ,  ડર છે તો જીવતા ભુલાવી દે ...." બોલતા અર્ચનાની આંખો માં પણ એક ચમક દેખાઈ આવી. મહિના પહેલા થયેલ એક્સિડન્ટ ને કારણે પગ માં આવેલ પ્લેટ નો દુખાવો ભૂલી હસતા ચહેરે વાત કરવા લાગી. 

"હમણાં દશ મિનિટ પહેલા તું પગ ના દુખાવા ને કારણે રોતી હતી અને આ હોરર સ્ટોરી ની વાત આવી તો ઉછળવા લાગી. પાગલ છે તું યાર , છેલ્લા એક મહિના માં તે કંઈક 15 - 18 નોવેલ વાંચી લીધી. એ પણ બધી હોરર અને સસ્પેન્સ. 
જેમ્સ બોન્ડ બનવા નો વિચાર છે કે વિક્રમ ભટ્ટ ?" અમર ટોપિક ચેન્જ કરવા બોલ્યો.

"જરા પણ સેન્સ ઓફ હ્યુમર નથી તારા માં સાચે હો."અર્ચના થોડું હસી અને બોલી , "ચાલ હવે મને ભૂખ લાગી છે જા રાજુ ભાઈને ત્યાં થી મારી માટે મન્ચુરિયન લઈ આવે "

"અરે યાર એ હાઇવે પર આવ્યું છે , સિટીનું ટ્રાફિક ક્રોસ કરી ને જવું પડશે." અમર મોઢું બગાડતા બોલ્યો.
"અને રાત પણ પડી ગઈ છે , હું ત્યાં જઈ ને પાછો આવીશ તો કેલેન્ડર પ્રમાણે બીજો દિવસ થઈ જશે ."

અર્ચના કશું બોલી નહીં બસ એને પોતાનું મોઢું મચકોડયું. અને અમર પીગળી ગયો , અર્ચના પાસે આવ્યો એના ગાલ પર કિસ કરી,"આવું હમણાં." કહેતા ત્યાંથી નીકળી પડ્યો.

શહેરથી થોડે દૂર હાઇવે પર આવેલ રાજુભાઇ ની ચાઈનીઝના ઠેલા પર અમર અર્ચના માટે મન્ચુરિયન લેવા રીક્ષા પકડી અને નીકળી પડ્યો. શહેરના ટ્રાફિકને પાછળ છોડતા છોડતા અને હાઇવે પર પહોંચતા રાત ના કંઈક દોઢ વાગી ગયા હતા. સામે જ રાજુ ભાઈ નુડલ્સ બનાવતા દેખાયા. અમર રિક્ષા માંથી ત્યાં ઉતર્યો. રાજુભાઇ તેને જોઈ ને બોલ્યા , "એક પ્લેટ મન્ચુરિયન અને એક વેજ હક્કા નુડલ્સ પાર્સલ બરાબર ને ?"

"હા ,બરાબર." અમર હસ્યો અને થોડો દૂર દીવાલ નો ટેકો લઈ ઉભી ગયો.

"અહિયાંના રેગ્યુલર કસ્ટમર લાગે ?" પ્લેટ સાફ કરતો એક છોકરો બોલ્યો.

"હા છેલ્લા 8-9 મહિનાથી દર રવિવારે બંને આ સમયે અહીંયા આવે છે." રાજુભાઇ શાકભાજી કટ કરતા બોલ્યા. "અને સેમ જ ઓર્ડર , હવે  ફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ એ તો નહીં ખબર પણ એને અહીંયાના  મન્ચુરિયન ખૂબ પસંદ."

" લાગે છે આજે પેલી નારાઝ હશે કા તો ઝઘડો થયો હશે એટલે પાર્સલ કરાવીને લઈ જતો લાગે છે." અને એ છોકરો હસવા લાગ્યો.

"ના ,છેલ્લા એક મહિનાથી એ પાર્સલ લઈ જઈ છે ?" કઢાઈમાં તેલ ગરમ કરતા રાજુભાઇ બોલ્યા.

"કેમ ?" 

"ગયા મહિને અહીંયા આગળ જ તેમનું એક્સિડન્ટ થયું હતું. બાઇક પર મસ્તી કરતા બંને આવતા હતા , જોયા વિના બાઇકનો જમણી સાઈડ ટર્ન માર્યો અને સામે થી ખટારો આવતો હતો. બૌ ખતરનાખ એક્સિડન્ટ હતું એ." રાજુભાઈએ કાપેલ શાકભાજી કઢાઈ માં નાખ્યા.

"તો આમને કાંઈ થયું નહીં ?" પેલો છોકરો ઉભો થતા બોલ્યો.

" આ છોકરાનો જમણો પગ તૂટી ગયો હતો , એને પગમાં પ્લેટ આવી છે. હેલમેટ પહેર્યું હતું એટલે એને માથાના ભાગ માં ઇજા ન પહોંચી ,પણ પેલી છોકરીને માથા પર ઘા લાગ્યો અને એમયુલન્સ આવે એ પહેલાં જ તેણી મૃત્યુ પામી......
એ દિવસ છે ને આજ નો દિવસ , દર રવિવારે અહીંયા આવે અને સેમ ઓર્ડર પાર્સલ કરાવીને લઈ જાય. શાયદ આને જ સાચો પ્રેમ કહેવાતો હશે. " રાજુભાઇ પાર્સલ તૈયાર કરતા બોલ્યા.

ઈશારા દ્વારા તેમને અમરને પાર્સલ તૈયાર છે એમ કહ્યું. અમર કાંઈ બોલ્યા વિના પૈસા આપી પાર્સલ લઈ રિક્ષામાં બેસી ગયો. 

અમર તેના ફ્લેટ પર પંહોચ્યો .  મન્ચુરિયન અને હકા નુડલ્સ બંને એક જ પ્લેટમાં સાથે કાઢ્યા . ટીવી ઓન કર્યું અને હોરર મુવી સ્ટાર્ટ જોવા લાગ્યો , સાથે જ પ્લેટ માં કાઢેલ મન્ચુરિયન અને હકા નુડલ્સ એકલો જ ખાઈ ગયો.

-  Megha Gokani ✍️