Premchandjini Shreshth Vartao - 23 books and stories free download online pdf in Gujarati

પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 23

પ્રેમચંદજીની

શ્રેષ્ઠ વાર્તાઓ

(23)

ભોગ !

રામધન આહીરના ખોરડે એક સાધુએ આવી ને ટહેલ નાખી -

‘‘બચ્ચા, તેરા કલ્યાણ હો. સાધુ પર કુછ દયા કર.’’

રામધને એની પત્નીને કહ્યું - ‘‘બારણે સાધુ પધાર્યા છે. એમને

ભિક્ષા આપ.’’

એની પત્ની વાસણ માંજતી માંજતી આજે શું રાંધવું એની ચિંતા કરી

રહી હતી. ઘરમાં અનાજનો એક દાણોય ન હતો. ચૈત્ર મહિનો હોવા છતાં

અહીં ભરબપોરે અંધકાર છવાઇ ગયો હતો. અનાજ ખળામાંથી પરબારું જ

ઠેકાણે પડી ગયું હતું. અડધું મહાજને લઇ લીધું હતું. અને અડધું જમીનદારે

વસુલાતના બદલામાં ઝૂંટવી લીધું હતું. ઘાસવેચીને બળદોના વેપારીઓને પૈસા

ચૂકવ્યા હતા. ભૂસું ઝૂડીઝૂડીને પરાણે મણેક દાણા એકઠા કર્યા હતા. ચૈત્ર

મહિનમો તો ગમે તેમ કરી વીતાવ્યો. આગળ શું થશે એ તો એક માત્ર ભગવાન

જ જાણતો હતો. પણ ઘરને આંગણે આવેલા સાધુને નિરાશ શી રીતે કરાય?

એનું કાળજું કકળે તો ધનોતપનોત નીકળી જાય.’’

પત્ની બોલી - ‘‘સાધુને શું આપું? આપવા જેવું ઘરમાં કશુંય નથી.’’

‘‘જા જઇને જો. થોડો લોટબોટ મળી આવે તો લાવીને આપ.’’

‘‘ઘરમાં ચપટીએ લોટ નથી. કાલે જ પરાણે પરાણે બે રોટલા ઘડ્યા’તા.’’

‘‘મારાથી સાધુને એમ તો નહીં કહેવાય કે બાબા ઘરમાં કશુંય નથી આપવા જેવું. કોઇકને ઘેરથી વાટકી લોટ ઉછીનો ભરી લાવ્ય.’’ - રામધને પત્નીને કહ્યું.

‘‘શું કહું તમને! જેમને ઘેરથી ઉછીનો લઇ આવી છું એમને આજ સુધી પાછો નથી દઇ શકી હવે ફરીવાર શું મોંટું લઇને માગવા જાઉં?’’

‘‘દેવોના ભોગ માટે પેલો ઘઉંનો લોટ રાખ્યો છે ને તે લાવ અને આપી દે.’’

‘‘પછી દેવોની પૂજા શી રીતે થશે?’’

‘‘અરેરેરે! સમજતી કેમ નથી! દેવો કઇ માગવા થોડા આવે છે? સંપત હશે ત્યાં સુધી કરીશું. પછી હરે હરે!’’

‘‘તે ઘઉંનો લોટ છે પાંચ દસ શેર? હશે માંડ માંડ અરધો શેર! અને એ આપી દીધા પછીય શું કોઇ સાધુ સન્યાસી ફરી નહીં આવે? એને શો જવાબ દઇશું?’’

‘‘પણ બારણેથી આ બલા તો ટળશેને? પછીની વાત પછી જોઇ લેવાશે.’’

રામધનની પત્ની અકળાઇને ઊઠી. અને એક નાની હાંડલી લઇ આવી. એમાં માંડ માંડ અડધો શેર લોટ હશે! ઘઉંનો લોટ મહામહેનતે દેવોના ભોગ માટે એણે સાચવી રાખ્યો હતો. ઘણો વિચાર કર્યા બાદ રામધન એક વાડકામાં લોટ લઇને બહાર આવ્યો ને એણે એ સાધુની ઝોળીમાં ઠાલવી દીધો.

મહાત્માએ લોટ લઇ કહ્યું - ‘‘બચ્ચા, અબ તો સાધુ આજ યહીં રહેંગે. થોડી સી દાલ દેદે. બસ, સાધુકા ભોગ લગ જાય.’’

રામધને ઘરમાં આવી પત્નીને કહ્યું - ‘‘સંજોગવશાત્‌ થોડીક દાળ ઘરમાં બચી હતી. રામધને દાળ, મીઠું, અને થોડાં જેરણાં સાધુને આપ્યાં. કૂવેથી પાણી લાવી આપ્યું. સાધુએ દાળ બાટી રાંધ્યાં. બટાંકાનું ભરતું બનાવ્યું. બધું તૈયાર થઇ ગયા પછીથી સાધુએ રામધનને કહ્યું - ‘‘બચ્ચા, ભગવાનકે ભોગ કે લિયે કૌડી ભર ઘી ચાહિએ. રસોઇ પવિત્ર ન હોગી તો ભોગ કૈસે લગેગા?’’

રામધમે કહ્યું - ‘‘બાબજી! ઘી તો ઘરમાં નથી.’’

‘‘અરે, બચ્ચા! ભગવાન કા દિયા બહોત હૈ તેરે પાસ. ઐસી બાતેં મત બોલ.’’

‘‘મહારાજ! મારે ઘેર નથી તો ગાય કે નથી તો ભેંશ, પછી ઘી ક્યાંથી હોય?’’

‘‘બચ્ચા, ભગવાન કે ભંડારમેં સબ કુછ હૈ. જા, ઔર અપની સ્ત્રીસે બોલ.’’

રામધને ઘરમાં જઇને પત્નીને કહ્યું - ‘‘સાધુ ઘી માગે છે. એક તો ભીખ માગીને પેટ ભરવું છે, ને પાછો ઘી વગર કોળિયો ઉતરતો નથી.’’

‘‘તો આ દાળ લઇને જાવ વાણિયાને ઘેર અને લઇ આવો થોડુંક ઘી. જ્યારે આટલાં વાનાં કર્યાં છે તો બે ચમચી ઘી માટે શું કરવા સાધુને નિરાશ કરવા?’’

ઘી આવ્યું. સાધુએ ઠાકુરજીને ભોગ ધરાવ્યો. ઘંટડી રણકી ઊઠી. પછી ધરાઇને ખાધું. ખાઇને પેટ ઉપર હાથ ફેરવી સાધુ રામધનના આંગણામાં જ સૂઇ ગયો. સાધુનાં એંઠાં વાસણો રામધન સાફ કરવા ઘરમાં લઇ ગયો.

એ રાત્રે રામધનને ઘેર ચૂલો સળગ્યો નહીં. બંન્ને એ એકલી દાળ રાંધીને પી લીધી.

રામધન સૂતો સૂતો વિચારતો હતો - ‘‘મારાથી તો આ સાધું સુખી છે.’’

***