adarsh jeevansathi part -12 books and stories free download online pdf in Gujarati

આદર્શ જીવનસાથી ભાગ - 12

આદર્શ જીવનસાથી ભાગ - 12


જે મજા છે કહેવામાં એ ચૂપ રહ્યામાં નથી,
આઝાદી છે જે બેશર્મીમા તે હયા માં નથી ,
માફ કરજો જો થઇ જાય ભૂલ કોઈ,
કે દિલ મારુ હવે કહ્યામાં નથી
( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah )


વાતો કરતા કરતા જ સવાર પડી જાય છે અને અનામિકા નિશા ને એના ઘરે મુકવા જાય છે. અને ઘરના દરવાજા આગળ જઈને ,
" નિશા, એક વાત હંમેશા યાદ રાખજે. હું હંમેશા તારી સાથે છું. કોઈ પણ ક્ષણે તને લાગે કે નથી રેહવું આ ઘરમાં તો મને બસ એક ફોન કરી દેજે. હું પેહલા તારી મિત્ર છું પછી રાહુલ ની. મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે. "


નિશા :" આ બધી બાજુના અંધકારમાં પણ ભગવાને મને તારા જેવી મિત્ર આપી દીધી. ચોક્કસ કહીશ. અત્યારે તો હું રાહુલ નો સામનો કેવી રીતે કરીશ એ નથી સમજાતું. કંઈ નહિ , પડ્યું પાનું તો નિભાવવું જ રહ્યું "


અને નિશા ઘરમાં પ્રવેશે છે અને ત્યાં જ એને ઘરમાં પેહલા રાહુલ જ મળે છે ,


રાહુલ :" નિશા , કેવું હતું મુવી ?"


નિશા રડમસ અવાજ માં રાહુલ થી નજારો ફેરવીને :" સારું "


રાહુલ :" જો નિશા , ફટાફટ ફ્રેશ થઇ જા. આપણે થોડી વાર માં જ ઓફિસ જવાનું છે. મારા એક મિત્ર નો આપણી ઓફિસમાં એક નાનો સેમિનાર છે. ચાલ ફટાફટ "


નિશા :" ઓકે "


નિશા મનમાં વિચારે છે , આ રાહુલ ને કોઈ ફરક જ પડતો નથી ? એને કોઈની જોડે પ્રેમ થઇ ગયો છે અને જો શું એકટિંગ કરે છે ? મારી સામે તો જાણે કશું બન્યું જ ના હોય એમ વાત કરે છે. હું કેમ આટલું વિચારું છું એના માટે ? શું કીધું હતું અનામિકા એ। .જેને તમારું મૂલ્ય ના હોય ને એના માટે આંસુ શું કરવા સારવા ?"


નિશા તો ફટાફટ તૈયાર થઈને ઓફિસે પહોંચે છે. ત્યાં જઈને જોવે છે તો એમની ઓફિસનો કૉનફરન્સ રૂમ ખુબ જ સુંદર રીતે સજાવેલો હોય છે પણ એને લોક કરી દીધેલો હોય છે એટલે એ જોઈ શકતી નથી કે અંદર શું ચાલી રહ્યું છે અને એટલામાં તો સેમિનાર કરવા માટે નિર્ભયભાઈ પણ ત્યાં આવી જાય છે.


નિર્ભય ભાઈ :" તમે નિશા છો ?"


નિશા :" હા , પણ હું તમને ઓળખતી નથી "


નિર્ભયભાઈ :" હમણાં ઓળખી એ જશો. રાહુલ પાસેથી તમારી વાત સાંભળેલી "


નિશા મન માં વિચારે છે. લાગે છે આ કોઈ વકીલ હશે એટલે રાહુલ એ એમને છૂટાછેડા માટે વાત કરી હશે"
એટલામાં તો રાહુલ આવે છે અને બધાને કોન્ફરન્સ માં ગોઠવેલી ખુરશી માં બેસવાનું કહે છે.


રાહુલ :" નિશા , તું વચ્ચેની લાઈન માં પેહલી રો માં બેસજે ને ?"


નિશા :" હા ભલે "


નિશા :" અનામિકા , આ આજે નમ્રતા ને મેળવવાનો લાગે છે એટલે મને પેહલા બેસવાનું કહે છે "


અનામિકા :" યાર , કંઈ જ ખબર નથી પડી રહી કે આ બધું શું થઇ રહ્યું છે ?"


અને એટલામાં તો રાહુલ ના મમ્મી પપ્પા અને નિશા ના પણ અંગત સગાઓને અહિંયા આવતા જોઈને નિશા અનામિકા ને કહે છે ,


" પાક્કું કશુંક મોટું થવાનું છે ?"


અનામિકા :" જો , હવે રાહુલ ના પ્લાન એને જ ખબર "


અને બધા જ એમની જગ્યા એ ગોઠવાઈ જાય છે.


નિર્ભયભાઈ સ્ટેજ પર આવે છે અને બધા નું અભિવાદન કરે છે ,


મંદિરોમાં પરિચય છે દેવોને મારો,
ને મસ્જિદ માં ખુદા ઓળખે છે ,
નથી મારું વ્યક્તિત્વ કોઈનાથી છાનું ,
તમારા પ્રતાપે બધા ઓળખે છે

અને ત્યાં આવેલા એમના બધા મિત્રો જોરદાર તાળીયો થી એમને વધાવી લે છે.

ના ના .મિત્રો .આજે હું એમ વક્તા નહિ પણ એક મિત્ર બની ને આવ્યો છું.
આજના વક્તા છે મારા મિત્ર રાહુલ,
આવો આપણે બધા તાળીઓથી એમનું સ્વાગત કરીયે.


રાહુલ સ્ટેજ પર આવે છે ,

" તમે બધા તો મને ઓળખો જ છો એટલે મારે પરિચય ની તો જરૂરત જ નથી. જુઓ, હું રોજ રોજ આમ સ્ટેજ પર બોલતો નથી એટલે હસું આવે તો હસી લેજો મને માઠું નહિ લાગે.


આજે તમારી સમક્ષ મારા જીવન અને તમારા બધા ના જીવન થી જોડાયેલી એક જરૂરી વાત કરવા આવ્યો છું. 2 દિવસ પેહલા મેં નિર્ભયભાઈ નો એક સેમિનાર ભર્યો અને મને એહસાસ થયો કે મારી તો જીવન જીવવાની રીત જ સાવ ખોટી હતી. કેટકેટલા ખોટા ખ્યાલો અને અભિપ્રાયોની વચ્ચે ફસાઈ ગયો હતો અને જિંદગી માં મળેલ આનંદ ને માણતો જ નતો. આજે સત્ય સમજાયું છે તો હું સુધારવા માંગીશ અને મારી જિંદગી ને બદલવા માંગીશ.

હું નાનપણ થી જિદ્દી. મમ્મી પપ્પા ની આગળ એટલી બઘી જીદ કરું ને કે એમને મારી વાત માનવી જ રહી. મારી એ ટેવ નાનપણ થી હજી સુધી અકબંધ જ રહી પણ મારા મમ્મી પપ્પા ને સલામ કરું છું. એમણે મને ક્યારેય એવું ના કહ્યું કે મારે તો અમારો છોકરો બદલાવો છે , આ તો બરોબર નથી હું જેવો હતો, જેવો છું મને રાખ્યો અને એ પણ પ્રેમ થી. માવતર થી વધારે મહાન આ દુનિયામાં કોઈ જ નથી. આપણે બધા આ વાત સારી રીતે જાણીએ જ છીએ અને અને પર તો કેટલીયે ચોપડીયો અને કવિતાઓ રચાઈ ગઈ.

હવે વાત કરું છું સાઈડ હીરોઈન ની ..તમને થશે વળી રાહુલ આ તું શું લઇ આવ્યો ? હા , સાઈડ હિરોઈન. આપણે બધા કોઈ મુવી જોવા જઈએ તો આપણે ,મેઈન હીરોઈન ને ધ્યાન થી જોઈએ પણ સાઈડ હિરોઈન પર આપણું ધ્યાન બહુ ઓછું જતું હોય છે. આપણે પણ એવું જ કરીએ છીએ , જુઓ ને માં પર કેટલા સરસ લેખો આવે છે અને પત્ની પર જોક બનાવીયે છીએ.


આપણી માં એ આપણને નવ મહિના એના પેટ માં રાખ્યો છે અને જ્યાં સુધી એનું જીવન છે એ એના હેત નો વ્હાલ આપણા ઉપર વરસાવે છે પણ પત્ની ? પત્ની એ સાઈડ હિરોઈન છે જે આપણી જેટલા જ લાડકોડ થી એના માં બાપ ના ઘરે ઉછરી હોય છે , એ પણ આપણી જેમ ભણેલી ગણેલી હોય છે એને પણ એના જીવન ના ઘણા બધા સપના હોય છે , જેમ આપણે જીવન માં જવાબદારી નથી ઉપાડેલી એમ એને પણ ક્યાં ઉપાડેલી છે ? એમ છતાં પોતાના માવતર ને છોડીને એ તમારા ઘરે આવે છે અને તમારા ઘર અને તમને પોતાના બનાવે છે , એ બધા કામ કરે છે જે એને પેહલા નથી કર્યા . શું એને કંટાળો નહિ આવતો હોય ? એને પણ પેહલા ના જેવી જિંદગી જીવવાની ઈચ્છા નહિ થતી હોય ? ચોક્કસ થતી હોય , એ બધી ઈચ્છાઓ થવા છતાં અગર કોઈ યુવતી તમારા માટે અને તમારા ઘર માટે એનો સમય ફાળવે છે ને તો એનાથી મોટું સુખ કોઈ બીજું નથી.

આજે હું તમને એક એવી જ છોકરી ની વાત કરવાનો છું. એ છોકરી પણ સ્વભાવ ની જિદ્દી, મમ્મી પપ્પા નું એકમાત્ર સંતાન એટલે લાડકોડમાં ઉછરેલી અને સરસ જિંદગી જીવેલી પણ લગ્ન શું થયા એ આખી બદલાઈ ગઈ , એને સંજોગો સામે હાર માની લીધી. હું બે દિવસ પેહલા જ એના પ્રેમ માં પડ્યો અને તમને બધા ને તો ખબર જ છે કે પ્રેમ કોઈને થોડો ક્યાં થાય છે ?પ્રેમ માં છબછબિયાં ના થાય , એમાં તો ડૂબવું જ પડે. જયારે મેં એના અને મારા ગુણોનું સરવૈયું કાઢ્યું ને તો મેં મારી જાત ને એના કરતા બહુ જ નીચે જોઈ અને ત્યારે મને એહસાસ થયો કે મારી પાસે તો પારસમણિ હતો અને હું એને બહાર શોધી રહ્યો હતો.

એ નામ છે નમ્રતા


નિશા મન માં વિચારે છે ,
" બધા જ શબ્દો નમ્રતા માટે ? મારા કોઈ જ પ્રયત્નો દેખાયા જ નહિ "
અનામિકા નિશાનો હાથ પકડીને ,
" તું ચિંતા નહિ કર , હું છું તારી સાથે "

હું નમ્રતા ના પ્રેમ માં પડ્યો..તમને ખબર છે ગળાડૂબ પ્રેમ માં ક્યારે પડ્યો ? પુકાર મુવી આવ્યું ને ત્યારે અને એ દિવસે નકી કર્યું કે લગ્ન કરીશ તો એના જેવી જ છોકરી અને પછી મારા લગ્ન થયા નિશા જોડે અને મેં મારી જાતે એવું માની લીધું કે બસ. .હવે થઇ રહ્યો પ્રેમ

નિર્ભયભાઈ ના સેમિનાર પછી મને સમજાયું કે જીવનસાથી તો ભગવાને આપેલી ભેટ છે. આપણે બધા આદર્શ જીવનસાથી શોધીએ છીએ પણ આપણે કોઈ એ બનવા માટે ક્યારેય વિચાર સુદ્ધા નથી કરતા ? કેમ ? કેમ કે આપણને લાગે છે કે આપણે બધા સર્વ ગુણ સંપન્ન છીએ. આપણે આપણી જાત ને મૂલવતાં જ નથી. એ દિવસે જયારે મેં નિશા ના ગુણો વિશૅ વિચાર કર્યો ને ત્યારે મને સમજાયું કે એ તો આદર્શ જીવનસાથી જ છે .હું નથી અને હું ખરેખર નસીબદાર છું કે એ મને મળી બાકી કોઈ ચાન્સ નતો મને ત્યારે સમજાયું કે નમ્રતા ના મળે ને તો જે મળે એને નમ્રતા જ માનો.
હા , નિશા .હું ક્યારે તને પસંદ કરવા લાગ્યો અને ક્યારે તારા પ્રેમ માં પડી ગયો મને સમજાયું જ નહિ. બધું એટલું જલ્દી જલ્દી બની ગયું કે શું કહું તને ?

નિશા તો બસ રાહુલ ને જોતી જ રહી. એને એના કાનો પાર વિશ્વાસ નતો આવી રહ્યો અને એને એવું લાગી રહ્યું હતું કે જાણે કે એ કોઈ સપનું જોઈ રહી ના હોય. એના ચેહરા ની ખુશી એના આંખોમાંથી છલકાયેલા અશ્રુ બતાવી રહ્યા હતા. નિશા ના ચેહરા પર પારાવાર ખુશી અને ઘણા જ પ્રશ્નો હતા પણ એ કંઈ કહી જ ના શકી .એ બસ રાહુલ ને જોતી રહી અને મનોમન ભગવાન નો આભાર માનવા લાગી.

અનામિકા અને નિશા , તમને બંને ને ઘણા સવાલો હશે કે જયારે પ્રેમ કરવા જ લાગ્યો હતો તો આમ કેમ કીધું ?
મેં નિશા ને એ જ દિવસ રાતે એના સુઈ ગયા પછી મારા મન ની વાત જણાવવા એક ઓડિયો મોકલ્યો પણ પછી મને થયું કે નિશા ના મન માં શું છે એતો મને ખબર જ નથી તો મારે એ તો જાણવું જ રહ્યું એટલે નિશા ના મોબાઇલમાંથી મેં એ ઓડિયો ડીલીટ કર્યો પણ એ ડીલીટ કરતા મારી નજર અનામિકા ના આવેલામેસેજ પર પડી જેમાં એને નિશા ને હેમંત ના થાકી મારા મનની વાત જાણવા માટે બનાવેલા પ્લાન ની ખબર પડી.

સાચું કહું ને તો એ ઘડી એ હું બહુ જ ખુશ હતો અને નક્કી કર્યું કે જયારે હવે નિશા પણ મને પ્રેમ કરે છે એ ખબર પડી જ ગઈ છે તો હાલ જ નિશા ને ઉઠાડીને મારા દિલ ની વાત કરું પણ પછી થયું ના ? જે મજા રાહ જોઈને પામવામાં છે આમ અચાનક કહેવામાં નથી. હું નતો ઈચ્છતો કે મારી સાઈડ હિરોઈન ને આમ ચોરી ચુપકે મારા દિલ ની વાત કરું. પછી હું હેમંત ને મળ્યો અને તારા વિશે જાણ્યું તો ખબર પડી કે કેવી રીતે તું મારા માટે કેટલી બધી બદલાઈ ગઈ? અરે આ બધું તો મેં કાલે રાતે જ નક્કી કર્યું. કાલે રાતે તારો અવાજ સાંભળીને મને સમજાઈ ગયું કે તું મેં અનામિકા ને કીધેલા મારા પ્રેમ ની વાત થી બહુ જ દુઃખી છે એટલે મેં કાલે રાતે જ આ બધું પ્લાન કર્યું.

જો નિશા , ના હોય તો જાહેર માં ઈજ્જત ના ઉડાડતી. આ બધા હસસે મારા ઉપર. તારો અવાજ આમ પણ ધીમો છે , હું જ માઈક તારા સુધી મોકલાવું છું ?

નિશા :" રાહુલ , એમાં પૂછવાનું શું હોય ? હવે તને બધી ખબર જ છે તો પછી હું શું કહું ? હા , મેં તમને પ્રેમ તો કર્યો હતો પણ બસ કહી ના શકી. કેહતા ના આવડ્યું "

રાહુલ :" મારો હજી પણ એક પ્રશ્ન છે. મારી પાસે તને પસંદ કરવા માટે ઘણા કારણો હતા પણ તને મારામાં એવું શું દેખાયું ?"
નિશા :" કોઈ પણ છોકરો જયારે લગ્ન માટે છોકરી પસંદ કરે ને તો હજાર જગ્યા એ એની તપાસ કરાવે છે , એનું ચારિત્ર્ય, સ્વભાવ , એના મિત્રો , એની આદતો અને બીજું ઘણું. તમે મારા વિશે કશું જ જાણ્યા વિના મારા પર ભરોસો રાખ્યો ..આનાથી મોટું શું કારણ હોય તમને પ્રેમ કરવાનું ?

રાહુલ :" ઓકે .હવે મને બધા જ પ્રશ્નો ના જવાબ મળી ગયા છે અને અનામિકા , પ્લાન ફોન પર કેહવાના!!! મેસેજ માં નહિ .અમારા જેવા હોશિયાર માણસો વાંચી લે "
નિર્ભય ભાઈ તમારો આભાર માનુ એટલુ ઓછું છે.
થૅન્ક યુ .મને મારા આદર્શ જીવનસાથી સાથે મુલાકાત કરાવવા બદલ

અને નિશા અને રાહુલ બની જાય છે એકમેક ના આદર્શ જીવનસાથી

સમાપ્ત

આશા રાખું કે તમને વાર્તા ગમી હોય. તમારા મંતવ્યો ચોક્કસ આપજો.
ભૂલચૂક હોય તો નિઃસંકોચ કેહજો...આશ્કા