Premni pele paar - 22 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પેલે પાર... - ભાગ ૨૨

આગળના ભાગમાં આપણે જોયુ કે આકાંક્ષા બધા મિત્રો સાથે મુંબઈ દર્શન કરવા નીકળે છે. અભી ને રિપોર્ટ્સ જોઈ ડોકટર જણાવે છે કે આકાંક્ષાને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. જેની સારવાર શક્ય નથી. હવે આગળ...

*****

જિંદગી આટલી કઠોર કેમ થતી હશે ?
સમય સાથે મળી નિત નવા ખેલ કેમ કરતી હશે ?
નથી તું સમજાઈ કોઈને કે ન ક્યારેય સમજાઈશ,
આમ રહસ્યમયી કેવી તારી ગતિ હશે ?

અભી, સૌમ્યા અને આકાંક્ષા ઘરે પહોંચીને જુવે છે તો અભી અને આકાંક્ષાના માતા પિતા એમની રાહ જોઈને બેઠા હોય છે. વાતાવરણ એકદમ ધિર ગંભીર હોય છે. કોઈ એકમેક સાથે વાત કરી રહ્યું ન હતું. આકાંક્ષા જેવી હોલમાં એન્ટર થઈ તરત જ આકાંક્ષાની મમ્મી એને ભેટી પડી. દીકરીની માંદગીની વાત સાંભળ્યા પછી કઈ મા ધીરજ ધરી બેસી શકે. આકાંક્ષા પણ મમ્મીને ભેટી રડી રહી હતી.

આકાંક્ષાના પિતા ઘણી હિંમત રાખી બેઠા હતા. પણ આતો એમની એકની એક દીકરી હતી. એમને વિચાર્યું પણ ન હતું કે એમની વ્હાલી દીકરી જોડે આવું કઈ થશે! એમને તો અભી જેવો સારો જમાઈ મળ્યો એ વાતનો હરખ નહતો સમાતો એમાં આ બીમારીની વાત સાંભળી એ હેતબાઈ ગયા હતા. તેમ છતાં એ ચેહરા પર કઈ જ બતાવ્યા વગર આકાંક્ષાની મમ્મી અને આકાંક્ષાને હિંમત આપી રહ્યા હતા.

અભીના પિતા એ અભીને રિપોર્ટ્સ ને ડોકટર એ શું કહ્યું એ વિશે પૂછવા લાગ્યા. અભી ડોકટરે જે જણાવ્યું એ બધુ કહી દીધું. આજે અભીના અવાજ માં એક અલગ જ લાચારી દેખાતી હતી. દરેક પરિસ્થિતિને પોઝિટિવ જોનાર અભી આજે એ અભી નહતો રહ્યોં. આજે એ જાણે બધુ જ હારીને બેસેલો વ્યક્તિ હતો. જેના માટે જાણે આશાનો સૂરજ હંમેશ માટે અસ્ત થઈ ગયો હતો. એની પાસે સાંત્વના ને ધીરજ સિવાય બીજું કંઈ બચ્યું ન હતું.

"આકાંક્ષા, બેટા રડીશ નહિ. જો તારા પપ્પાએ લંડનના સ્પેશિયાલિસ્ટ ડોકટર સાથે વાત કરી લીધી છે. આપણે વહેલી તકે ત્યાં જવા નીકળી જશું.", અભીના મમ્મી હિંમત રાખીને બોલ્યા.

"મમ્મી, હું તમારા બધાની લાગણીઓને સમજુ છુ, માન આપું છું. પણ આ બધી ટ્રીટમેન્ટ હવે વ્યર્થ છે. આજે ડૉક્ટરે પણ અમને આજ કહ્યું. હું મારા જીવનના બચેલા દિવસ એવી ભયાનક સારવાર સાથે હોસ્પિટલમાં કાઢવા કરતા તમારા બધા જોડે આનંદથી ઘરે રહી વિતાવા માંગુ છું.", આકાંક્ષાએ પોતાની સાસુનો હાથ પકડીને કહ્યું.

બધાએ આકાંક્ષાને ઘણું સમજાવ્યું પણ આકાંક્ષા ટસની મસ થઈ નહિ. અંતે બધાએ એના વિચારોને ભારે હૃદય સાથે માન આપવુ જ યોગ્ય લાગ્યું.

"તમે બધા અહીં હાજર છો તો મારે એકવાત કહેવી છે. મારા ગયા પછી અભી બહુ એકલો પડી જશે. હું જ્યાં સુધી અભીને ઓળખું છું ત્યાં સુધી અભીને એકલતા કાયમ કોરી ખાય છે. એ બધું સહન કરી શકે પણ એકલું રહેવું એના માટે અશક્ય છે. એટલે મારી એક છેલ્લી ઈચ્છા છે કે મારા ગયા પછી અભી લગ્ન કરી લે.", આકાંક્ષાએ મક્કમ થઈ પોતાનો વિચાર મુક્યો.

બધા આકાંક્ષાની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. અભી બે પળ માટે આકાંક્ષાની સામે જ જોઇ રહ્યો.

"મને ખબર છે તમે બધા શું વિચારી રહ્યા છો? પણ મારી માંદગીને હવે તમારે બધા એ સ્વીકારવી જ પડશે ને સાથે સાથે એ સત્યને પણ કે હવે હું થોડા દિવસની જ મહેમાન છું.", આકાંક્ષા બોલી.

આજે આકાંક્ષાના અવાજમાં ગજબની તાકાત દેખાતી હતી. એણે પરિસ્થિતિને બહુ સહજતાથી સ્વીકારી લીધી હતી. આમ જોવા જઈએ તો જે જન્મ્યા છે એમનું મૃત્યુ નિશ્ચિત છે. પણ તકલીફ ત્યાં પડે છે કે આપણે એ વાતને સ્વીકારી શકતા નથી.

"અક્ષી.. મેં જીવનમાં એક જ વ્યક્તિને મારુ હૃદય સોંપ્યું છે અને એ છે તું. તારા વગરના જીવનની કલ્પના પણ મારા માટે શક્ય નથી. આવી પરિસ્થિતિમાં હું કોઈ બીજી વ્યક્તિ જોડે જોડાઈ એનું જીવન ખરાબ ન કરી શકું. તું બીજી કોઈ પણ ઈચ્છા મુક હું પુરી કરવા તૈયાર.. પણ પ્લીઝ આવી વાત ફરી કદી ન કરતી.",અભી આટલું જ બોલી ત્યાંથી જતો રહ્યો.

ઘણા ટાઇમથી અભીએ ઓફિસમાં રજા રાખી હતી તો ઘણું કામ પેન્ડિંગ પડ્યું હતું. એણે પહેલા તો એ કામ પૂરું કરવાનું વિચાર્યું. ને અક્ષીની ફાઇલ એ સાથે લઈ ગયો. અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં બતાવવા. કેવું નહિ જ્યાં સુધી આશા છે ત્યાં સુધી માણસ થાકતો નથી. ને આમ પણ આકાંક્ષાને આમ તો ન જ મરવા દેવાય ને કઈક ટ્રીટમેન્ટ ને મેડિસિન વગેરે તો ચાલુ રાખવી જ પડશે.

ઓફિસનું કામ પતાવી અભી હોસ્પિટલ ગયો. કેન્સર સ્પેશિયાલીસ્ટ ડોક્ટર ખુરાના પાસે. આકાંક્ષાની ફાઇલ જોઈ એમણે પણ એજ જવાબ આપ્યો જે મુંબઈના ડોકટરે આપ્યો હતો. બીજી કોઈ આશા હવે હતી નહિ. અભી ફરી નિરાશ થયો.

આ તરફ સૌમ્યા આખો દિવસ એની સાથે જ રહેતી એની દવા, ખાવું, પીવું બધાની દેખરેખ એ જ રાખતી હતી. આકાંક્ષાની તબિયત જોતા સૌમ્યાએ પોતાની રજા લંબાવી હતી, ને આ બધી વ્યવસ્થા પ્રથમે જ કરી આપી હતી.

એક દિવસ સાંજે બંને સખીઓ બેઠી હતી ત્યાં અચાનક સૌમ્યાના ફોનની રિંગ વાગી. આકાંક્ષાએ સ્ક્રીન પર જોયું તો પ્રથમ એવું નામ હતું. સૌમ્યા ફોન પતાવી પાછી આવી એટલે આકાંક્ષાએ પૂછ્યું,

"કોઈ રિલેટિવ્ઝ હતા સોમી?"

સોમી કહે, "ના, પ્રથમ મારો લંડનનો મિત્ર હતો. આ બધી ભાગદોડમાં હું એના વિશે તને કહેતા જ ભૂલી ગઈ. લંડનમાં એણે મને ખુબ મદદ કરી છે. મારી ખૂબ કાળજી રાખે છે, પપ્પા ને તમારા પછી મારું કોઈ હોય તો એ પ્રથમ જ છે. ને અક્ષી એક વાત કહું એ મને દોસ્તથી વિશેષ માને છે."

ઘડીભર શાંતિ છવાઈ ગઈ પછી આકાંક્ષા બોલી, " અને તું સોમી ?? "

ત્યાં અભી આવ્યો એટલે વાત અધૂરી રહી ગઈ. ફરી પ્રથમનો ફોન આવ્યો એટલે સૌમ્યા બહાર ગઈ. આકાંક્ષાએ અભીને પ્રથમ વિશે વાત કરી. અભી પણ ખુશ થયો કે સૌમ્યાનું ધ્યાન રાખનાર કોઈ તો છે. સૌમ્યા આવી એટલે અભીએ પ્રથમ વિશે પૂછ્યું, શુ કરે છે, ને ક્યાંનો છે એવું બધું. સૌમ્યાએ કહ્યું કે,

" એ પણ રોજ મને આકાંક્ષાની તબિયત વિશે પૂછે છે. ને મને આટલી હિંમતવાન બનાવનાર જ પ્રથમ છે. બાકી પપ્પાના ગયા પછી હું બિલકુલ ભાંગી પડી હતી. મને ફરી સ્મિત આપનાર પ્રથમ જ છે. "

અભીએ કહ્યું, " ફરી ફોન આવે તો વાત કરાવજે મારી સાથે અમારી સોમીને ડરપોકમાંથી આટલી હિંમતવાન બનાવનારનો આભાર તો માનવો જોઈએ ને.."

એ રાતે આકાંક્ષાને કેમેય કરીને ઊંઘ નહતી આવતી. રહીરહીને એક જ વિચાર આવતો હતો કે એ પોતાના સ્વાર્થ માટે સૌમ્યાને અન્યાય તો નથી કરી રહીને. એના પણ લગનને લઈને કેટલીયે ઈચ્છા હશે, કેટલાય અરમાન હશે.. અને  હું મારા સ્વાર્થ ખાતર એક કુંવારી છોકરીને એક પરણિત પુરુષ જોડે પરણવા કહી રહી છું..!! અને આ પ્રથમ...  શું સંબંધ હશે એ બંનેનો !? ખાલી મિત્રો કે એનાથી વિશેષ !? ઘણીવાર સુધી આ મનોમંથન કર્યા પછી એને થયું કે એક વાર શાંતિથી સૌમ્યા જોડે વાત કરી લેવી જોઈએ. એની ઈચ્છા એના વિચારો જાણી લેવા જોઈએ. અને એ સૌમ્યાની રૂમ તરફ જાય છે અને દરવાજો ખખડાવે છે.

સૌમ્યા મોબાઈલમાં સમય જોવે છે. "હજી તો રાતના બે જ વાગ્યા છે.. કોણ દરવાજો ખખડાવતું હશે? આકાંક્ષાની તબિયત તો સારી હશે ને ?", એ દરવાજો ખોલે છે તો સામે આકાંક્ષા...

"શું થયું આકાંક્ષા!? તારી તબિયત તો સારી છે ને !? તું અંદર આવ અને બેસ પહેલા. " સૌમ્યા એ અચાનક આકાંક્ષાને આવેલી જોઈને થોડા આશ્ચર્ય સાથે કહ્યું..

આકાંક્ષા અને સૌમ્યા સામસામે બેસે છે.  સૌમ્યા ધ્યાનથી એની સામુ જોવે છે. ઉંડી ઉતરી ગયેલી આંખો, ચહેરા ઉપર દેખાતા થાક અને પીડાના મિશ્રિત ભાવ તો પણ અકબંધ રહેલું એનું સ્મિત...

"મને ઊંઘ નહતી આવતી તો થયું કે તારી જોડે થોડી વાત કરી લઉં." આકાંક્ષા બોલી..

"હા... સારું કર્યું. તને કોઈ તકલીફ તો નથી થતી ને અત્યારે? એના લીધે ઊંઘ ના આવતી હોય એવું તો નથી ને?" સૌમ્યા એ પૂછ્યું...

"ના... ના... એવું કઈ જ નથી. આતો એમ જ...", આકાંક્ષા એ કહ્યું અને પછી તરત જ ઉમેર્યું, "એ બધી વાત છોડ... કંઈ સારી વાત કરીએ. આ બધી દોડાદોડ માં તને તો કઈ પૂછવાનો સમય જ ન મળ્યો. લંડનમાં તારી જોબ, તારા દોસ્ત અને આ પ્રથમ... તું કહેતી હતી ને કે એ તને દોસ્ત થી વિશેષ માને છે... શું એ તને પ્રેમ કરે છે?"

"હા... એણે મને પ્રપોઝ કર્યું હતું. ખૂબ જ સરળ અને સાલસ વ્યક્તિત્વ... બધાને મદદ કરવા તત્પર અને લંડનમાં મારો સૌથી સારો મિત્ર કહો કે સહારો એ જ હતો." આ બોલતી વખતે સૌમ્યાના ફેસ ઉપર પ્રથમનો એની લાઇફમાં હોવાનો ગર્વ ઝળકતો હતો.

"પછી તેં શું જવાબ આપ્યો એને? શું તું પણ એને પ્રેમ કરે છે? આકાંક્ષા એ પૂછ્યું...

"મેં મારા લગન વિશે કંઈ વિચાર્યું જ નથી. એમ કહો ને કે સમય જ નથી મળ્યો. પહેલા પપ્પાની માંદગી અને પછી મારું કેરિયર..." સૌમ્યા એ કહ્યું...

"સૌમ્યા તું તો ઘણી બદલાઈ ગઈ છે યાર. ક્યાં કોલેજની સીધી સાદી છોકરી અને ક્યાં આજની કેરિયર ઓરિએન્ટ સૌમ્યા... અમને હંમેશા લાગતું કે ગ્રુપમાં તું સૌથી પહેલા લગન કરીશ. અને તું કેરિયર માટે થઈને હજી સુધી લગનનો વિચાર સુદ્ધાં નથી કરતી? આકાંક્ષા એ આશ્ચર્યથી કહ્યું...

"શું કરું યાર, પપ્પાની બીમારીમાં બધી બચત વપરાઈ ગઈ. ત્યાં ફોઈ ફુવા એ ઘણી મદદ કરી પણ એમના આશરે ક્યાં સુધી રહું... બસ એક જ ધૂન હતી કે પહેલા થોડા પૈસા ભેગા કરું અને પગભર થાઉં. મારું પોતાનું એક ઘર લઉં, ભલે નાનું તો નાનું...

"તો કેટલા પૈસા ભેગા થયા ઘર માટે?" આકાંક્ષા એ પૂછ્યું

"બસ હવે બધા ભેગા થઈ ગયા. એક ઘર જોઈ રાખ્યું છે. પ્રથમના કોઈ સગા નું જ છે. નાનું પણ સુંદર ... એની કાર્યવાહી કરવાનું વિચારતી જ હતી અને મારે અહીંયા આવવાનું થયું. સૌમ્યાએ કહ્યું...

"અને પછી તેં શું વિચાર્યું છે? તારા વિશે,  પ્રથમ વિશે ? " આકાંક્ષાએ પૂછ્યું..

આકાંક્ષાની વ્યાકુળતાનું કારણ સૌમ્યા સમજી ગઈ. એણે એની અને પ્રથમ વચ્ચે થયેલી બધી વાત કરી.

આકાંક્ષાતો બધી જાણીને સડક જ થઈ ગઈ. એ તરત જ બોલી, "સૌમ્યા મેં તારા અને અભીના લગનની વાત કરીને તને અન્યાય કર્યો છે. સોરી યાર... જ્યારે મને કેન્સર છે એ જાણ્યું ત્યારે મને સૌથી પહેલો અભીની જ ચિંતા થઈ હતી. અને એનો મને એક જ ઉકેલ દેખાયો અને એ હતો એના લગનનો. તું તો જાણે છે ને એનો સ્વભાવ... હું એને કોઈના ભરોસે ના મૂકી શકું. મારા મગજમાં એક જ નામ આવ્યું અને એ તારું હતું સૌમ્યા..."

આકાંક્ષાને દિલથી સૌમ્યા જોડે અન્યાય કર્યો હોય એમ લાગતું હતું. એને આગળ શું બોલવું શુ કરવું કઈ જ સમજાઈ રહ્યું ન હતું. એ મૌન થઈ અપરાધી ભાવ સાથે સૌમ્યાને જોતી રહી.

દિલમાં અરાજકતા ફેલાઈ રહી છે,
નિર્ણયની વેદી પર જિંદગી અટવાઈ રહી છે,
અસમંજસની ઘડીઓ છે આ એવી,
શું કરવું એ જ વાત ના સમજાઈ રહી છે...

© હિના દાસા, શેફાલી શાહ, રવિના વાઘેલા