Ran Ma khilyu Gulab - 14 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 14

રણમાં ખીલ્યું ગુલાબ - 14

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(14)

વીતકનો નથી આપવો અહેવાલ, જવા દે!

આ ક્ષણને ઊજવ દોસ્ત, ગઇકાલ જવા દે!

“બેટા, વિશાલ! તેરે લિયે એક લડકી ઢૂંઢી હૈ. બહોત હી સુંદર હૈ. હમેં તો પસંદ આ ગઇ હૈ. અબ તુજે ભી પસંદ આ જાયે તો રિશ્તા તય હો જાયે. તૂ એક હફ્તે કી છુટ્ટી લેકર આ જા ઇધર.”

“હાં જી! બાબુજી, મૈં અગલે ઇતવાર કો હી આ જાતા હૂં. માતાજી કૈસી હૈ? ઔર તાઉજી? સબકો મેરા પ્રણામ કહિયેગા. જય રામજીકી!”

પચીસ વર્ષના વિશાલ નામના યુવાને આટલું કહીને ફોન પૂરો કર્યો. વિશાલ પરપ્રાંતીય યુવાન. વર્ષોથી નોકરી અર્થે ગુજરાતમાં આવીને વસી ગયો છે. જી.આઇ.ડી,સી.ની એક મોટી ફેક્ટરીમાં નોકરી કરે છે. એક ખોલીમાં પડી રહે છે. કરકસરથી જીવે છે. બચેલા રૂપીયા ઘરે મોકલાવી દે છે.

એનું મૂળ વતન ભારતની પશ્ચિમોતર સીમા પર છેક ભુટાંગને અડીને આવેલું એક અવિકસિત ગામડું છે. ત્યાંથી નોકરી માટે રખડતો-ભટકતો એ પ.બંગાળ, બિહાર, દિલ્હી થઇને અંતે અમદાવાદમાં આવીને અહીં સ્થાઇ થયો. પણ અહીં નોકરી તો મળી જાય, પરતું છોકરી કોણ આપે? એના માટે તો ઊંટે મારવાડ ભણી જ મોં ફેરવવું પડે.

વિશાલ નોકરીમાંથી રજા લઇને ટ્રેનમાં બેસી ગયો. બે- અઢી દિવસની મુસાફરી કરીને ગામડે પહોંચ્યો, ત્યારે શનિવારની સાંજ પડી ગઇ હતી. માનાં હાથના રોટલા અને શાક જમીને અ ઊંઘી ગયો. બીજા દિવસે બાજુના ગામમાં છોકરીને જોવા માટે જવાનું હતું.

વિશાલ એના મા-બાપને લઇને છોકરીનાં ઘરે પહોંચી ગયો. કન્યા રત્ન અતિ સ્વરૂપવાન નીકળ્યું. શાલિની નામ હતું. પહાડી સૌંદર્ય પૂરબહારમાં ખીલ્યું હતું. ગોરો દૂધ જેવો વાન. ગોળમટોળ ચહેરો. ભર્યું ભર્યું બદન. પણ વિશાલે નોંધ્યું કે અની આંખોમાં ન સમજાય તેવી ઉદાસી અંજાયેલી હતી.

શાલિનીનાં પરિવારે ઉષ્માભેર મહેમાનને આવકાર આપ્યો. જમાડ્યા. પછી બધા વાતો કરવા બેઠા. ત્યાં મોટા શહેરો જેવું ન જોવા મળે. છોકરો-છોકરી બધાંની સાથે જ બેઠા હોય. અંગત રીતે વાતચીત કરવાનો તો સવાલ જ ઊભો ન થાય. મુરતીયો ટીકી-ટીકીને કન્યાનું રૂપ જોય કરે. કન્યા શરમાઇને માથું ઢાળીને બેસી રહે. વચમાં વચમાં આંખના ખૂણેથી એકાદ નજર મુરતીયા સામે ફેંકી લે. આટલામાં બધું આવી ગયું.

શાલિનીનાં ઘરમાં એનાં મા-બાપ ઉપરાંત એની બે મોટી બહેનો પણ હાજર હતી. બંને સાસરવાસી હતી, પણ ખાસ મુરતિયાને જોવા માટે પિયરમાં પધારી હતી. સાથે પોતાના પતિ દેવોને પણ લાવી હતી. બચ્ચાંઓ પણ ખરા. આટલા બધા માણસો હાજર હોવાના કારણે કન્યા કરતા તો મુરતીયો વધારે શરમાતો હતો.

બંને એકબીજાને ગમી ગયા. ત્યાં ને ત્યાં સગાઇ નક્કી થઇ ગઇ. ગોળધાણા ખવાઇ ગયા. પછી બધા છૂટા પડ્યા. વિશાલે જતાં જતાં એની પાટલાસાસુના હાથમાં પોતાનો મોબાઇલ નંબર લખેલી ચબરખી થમાવી દીધી, “એને કહેજો કે ઇચ્છા થાય તો વાત કરે.”

મોટી સાળીએ આંખ મારીને મજાક કરી લીધી, “ના રે! હમરી દેહાતી છોરીયાં શાદીસે પહલે મરદકે સાથ બાત નહીં કરતી! ફિર ભી તુમ કહતે હો તો હમ ગુડીયાકો બોલ દેંગે. વાહ રે શહેરી બાબુ! હમ કો બુધ્ધુ સમઝ રક્ખા હૈ ક્યા? યે ક્યું નહીં કહતે હો કિ હમરી ગુડીયા કા રૂપ દેખકે તુમ્હારી લાલટેન જલ ઊઠી હૈ?”

હકીકત ખરેખર એવી જ હતી. સગાઇ કરીને અમદાવાદ પહોંચી ગયેલા વિશાલના મનમાંથી શાલિનીનો ખૂબસુરત ચહેરો હટતો જ ન હતો. જો કે એ ચહેરાને યાદ કરતાની સાથે જ એની સાગર જેવી ઊંડી આંખોમાં તરવરતી ઉદાસીનતા પણ યાદ આવી જતી હતી. શું કારણ હશે આ ગમગીનીનું? શું પોતે એને નહીં ગમ્યો હોય? જો શાલિનીની સાથે બે-પાંચ મિનિટ પૂરતીયે અંગત વાત કરવાની તક મળી હોત તો એનું સાચું કારણ જાણી શકાયું હોત! પણ એવી તક તો હવે મધુરજનીએ જ મળવાની હતી.

દસેક દિવસ પસાર થયા હશે ત્યાં અચાનક એક સાંજે વિશાલનો ફોન રણકી ઉઠ્યો. અજાણ્યો નંબર હતો. વિશાલે વાતની શરૂઆત આ સવાલ સાથે કરી, “કોણ બોલે છે?”

સામેથી શરમાતા દબાયેલા અવાજમાં જવાબ મળ્યો, “અજી હમ હૈ. રીંપોલી ગાંવસે. નહીં પહચાના?”

વિશાલનુ હૃદય જાણે છાતી ફાડીને બહાર આવી ગયું! રીંપોલી ગામમાં તો એની શાલિનીનું ઘર આવેલું હતું.

“અરે, શાલિની! તુમ? ક્યા બાત હૈ? કિતને દિનોસેં મૈં ઇંતેઝાર કર રહા થા? આજ તુમ્હેં સમય મિલા ફોન કરનેકા?” ઉત્સાહમાં હરખઘેલા બની ગયેલા વિશાલે ઠપકો આપી દીધો.

શાલિની એ સ્ત્રી સહજ અંદાઝમાં કહ્યું, “આપ નારાઝ હૈ હમસે? ફોન રખ દેવે ક્યા?”

“અરે, નહીં, નહીં, ઐસા મત કરના. બાતેં કરો, શાલૂ! હમ તો તુમ્હારી આવાઝ સૂનનેકે લિયે તડપ રહે હૈ!”

અને પછી શાલિનીએ વાત શરૂ કરી. એણે જે વાત કહી એમાં શબ્દે શબ્દે આંચકાઓ હતા; વાક્યે વાક્યે વેદના હતી. છેલ્લાં પાંચ વર્ષથી એની જિંદગીમાં આવી ગયેલા તોફાનની પીડા હતી, શરમ હતી. વાત કંઇક આવી હતી.

શાલિનીની સૌથી મોટી બહેન માલિની બિહારમાં પરણાવેલી હતી. એક વાર એણે શાલિનીને કહ્યું, “ શાલૂ! તારા જીજુ તને યાદ કરે છે. કહે છે કે તું અમારા ઘરે રહેવા માટે આવ.”

શાલિનીની ઉંમર ત્યારે પંદર જ વર્ષની હતી. અત્યાર સુધી સાવ નાનાં ગામડાંમાં રહેવા ટેવાયેલી એ ભોળી કિશોરી બિહારના એક મોટા શહેરમાં જવાના વિચાર માત્રથી ખુશ થઇ ઉઠી.

“પણ દીદી! હું ત્યાં કેવી રીતે આવું?”

“તું ચિંતા ન કર; તારા જીજુ તને લેવા માટે આવશે.”

જીજો કિચક જેવો કામી પુરુષ નીકળ્યો. એ શાલિનીને લેવા માટે આવ્યો તો ખરો; પણ રસ્તામાં ટ્રેન બદલવાના બહાના સર ઊતરી ગયો. શાલિનીને રાતવાસા માટે એક હોટલમાં લઇ ગયો. પછી એની ઇજ્જત લૂંટી લીધી.

શાલિની એક તો સાવ ગામરુ અને ભોળી છોકરી હતી. પહેલી વાર ઘરમાંથી બહાર નીકળી હતી. છતાં પણ એ વિરોધ કરવા ગઇ તો ખરી; પણ જીજાએ એને પટાવી લીધી, “ તૂ જાનતી નહીં ક્યા? સાલી તો આધી ઘરવાલી હોતી હૈ. પૂરી દુનિયામેં ઐસા ચલતા હૈ. અગર તૂ નહીં માનેગી તો તેરી દીદીકો મૈં ધરમેંસે બાહર નિકાલ દૂંગા.”

એ રાતે જીજાએ કાચી કળીને કચડી નાખી. દીદીનાં ઘરે પહોંચ્યા પછી પણ બળાત્કારનો આ સિલસિલો ચાલુ રહ્યો.

શાલિની દસ દિવસ મોટી બહેનનાં ઘરે રોકાઇ. રોજ બે થી ત્રણ વાર એનાં જીજાજી કોઇને કોઇ બહાનેં એકાંત ઊભુ કરી લેતા હતા. શાલિની ને તાવ આવી ગયો, પણ જાલીમ જીજાએ એનાં પ્રત્યે કશી જ રહેમ દાખવી નહીં.

દસમા દિવસે એની વચેટ બહેન કામિનીનો ફોન આવ્યો, “શાલૂ! તુમ મેરે ઘર આ રહી હો! ના મત કહેના. તુમ્હારે જીજુ તુમ્હેં યાદ કરતે હૈ. પાપાસે મૈં બાત કર લેતી હૂં.”

કામિની ઝારખંડના એક શહેરમાં પરણાવેલી હતી. શાલિનીને થયું કે, “હાશ, છૂટી અહીંથી!” પણ ત્યાં ગયા પછી બીજા જીજાએ પણ એને સકંજામાં લઇ લીધી. શાલિનીએ છૂટવા માટે ઘણાં તરફડીયા માર્યા, પણ નિષ્ફળ ગયા.

જીજાએ એને ધમકાવી નાખી, “વો બડાવાલા જીજા ક્યા સિનેમાકા હીરો જૈસા દીખતા હૈ? ચૂપ કર ઓર કપડે.... ....”

બીજા દસ દિવસ બીજા બળાત્કારની બીજી ધારાવાહિક સિરિયલ ચાલતી રહી. પૂરાં પાંચ વર્ષ સુધી આવું ચાલતું રહ્યું. શાલિનીનાં મનમાં ઘણીવાર થઇ આવતું કે એ પોલીસમાં ફરિયાદ કરે; પણ એણે જ્યારે એની માને વાત કરી ત્યારે માએ જ એને ધમકાવી નાખી, “ચૂપ કર કલમૂઇ! ઐરતોંકે સાથ તો યે સબ હોતા રહતા હૈ. તૂ અગર અપના મુંહ ખોલેગી તો તેરી દોનોં બહનેં વાપસ આયેગી.”

અને પાંચ વર્ષના અંધકારભર્યા સમય પછી આખરે ઉજાસનું કીરણ દેખાયું. વિશાલ સાથે એની સગાઇ નક્કી કરવામાં આવી.

ફોન પર આખી દાસ્તાન જણાવી દીધા પછી શાલિની રડી પડી, “મૈં આપકો ધોખા દેના નહીં ચાહતી થી. સો સબ કુછ કહે દીયા. અબ આપ તય કરેં કિ ક્યા કરના હૈ!”

આ વાત આ તબક્કે આવી ત્યારે બે દિવસ પહેલાં વિશાલનો મારા પર ફોન આવ્યો. હું અત્યંત વ્યસ્ત હતો. મેં તાકીદના સૂરમાં પૂછ્યું, “ભાઇ, તમે કોણ છો? શું કામ છે? બને એટલા ઓછા વાક્યોમાં તમારી વાત પૂરી કરો.”

વિશાલે મુદ્દાસર વાત પૂરી કરી દીધી. પછી મને પૂછ્યું, “હવે કહો કે મારે શું કરવું જોઇએ?”

મેં પૂછ્યું, “માત્ર પુરુષ છો કે મર્દ? જો સાચો મર્દ હોય તો શાલૂની સાથે પરણી જજે. જો ના પરણે તો ફરી ક્યારેય મારી સાથે વાત ન કરતો. આપણે કતલખાનેથી અબોલ પશુને તો છોડાવીએ છીએ, પણ તારા ભાગ્યમાં બબ્બે કસાઇવાડેથી એક જીવતી કન્યાને મુક્ત કરાવવાનું પુણ્ય લખાયેલું છે. પુણ્ય ઝડપી લે!”

“જેવો તમારો આદેશ, સર. હું વર્ષોથી તમને વાંચતો આવ્યો છું. તમારો શબ્દ મારે મન જિંદગીનું બંધારણ છે. હું આવતા મહિને જ મારી શાલુને લેવા માટે જઇશ. મને ક્યારેય કલ્પના ન હતી કે મારે આવી સમસ્યા માટે તમને ફોન કરવાનું થશે!”

હું હસ્યો, “ભાઇ, હું જ્યારે લખતો હોઉં છું ત્યારે મને પણ ક્યાં ખબર હોય છે કોણ ક્યારે કેવા કામ માટે મને ફોન કરશે?”

(શીર્ષક પંક્તિ: વિવેક કાણે ‘સહજ’)

---------

Rate & Review

Nx movie Officials
Dyu

Dyu 2 months ago

Neha Thakor

Neha Thakor 3 months ago

Dolar Patel

Dolar Patel 5 months ago

Priya

Priya 9 months ago