Ran Ma khilyu Gulab - 17 books and stories free download online pdf in Gujarati

રણમાં ખીલ્યું ગુલાબ - 17

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(17)

બંઘ મુઠ્ઠીને ભલા થઇ ખોલ મા,

ભેદ સઘળો હાથમાંથી ઢોળ મા

તાજી જ નાહીને બાથરૂમમાંથી બહાર નીકળેલી મહેંક કિંમતી સાબુની સુગંધથી સાચ્ચે જ મહેંક મહેંક થઇ રહી હતી. બેડરૂમમાં એ એકલી જ હતી. બારણું બંધ હતું. આયનાની સામે ઊભી રહીને એ પોતાનાં પ્રતિબિંબને નિરખી રહી. પછી ફિલ્મી અંદાઝમાં ડાયલોગ બોલી રહી: “ઓહ્! ઇતની ખૂબસુરત હોને કા તુમ્હેં કોઇ હક નહીં હૈ... ...!” પછી પોતાના સ્નિગ્ધ ગૌર માખણીયા દેહને એ બ્રાન્ડેડ વસ્ત્રોમાં ઢાંકવા લાગી. પછી કાન, નાક, ગળામાં લેટેસ્ટ ફેશનની આર્ટીફિશિયલ જવેલરી ધારણ કરી. બ્રાન્ડેડ ચંપલ ચડાવ્યા. વિદેશી પર્ફ્યુમનો ફુવારો ઉડાવ્યો. પછી હાથમાં ગુલાબી રંગનું ‘ક્લચ’ પકડીને એ બહાર નીકળી.

પ્પા-મમ્મી પણ નોકરીએ જવા માટે તૈયારી કરતા હતા. પપ્પાએ નારાજગી સૂચક ખોંખારો ખાઇને ઇશારામાં જ ઘણું બધું કહી દીધું. પણ મમ્મી તો સ્ત્રી ખરી ને! વાણીનો સહારો લીધા વગર એ કેમ રહી શકે?

“મહેંક! કોલેજમાં જાય છે કે ફિલ્મના શૂટીંગ માટે જઇ રહી છે?”

“મમ્મા! યુ આર એબ્સોલ્યુટલી એન ઓર્થોડોક્સ મધર! આજકાલ જમાનો બદલાઇ ગયો છે. તમારા જમાનામાં તમે મણીબે’ન થઇને ભણવા જતાં હતાં. હવે.... ...”

“હવે તમે મુન્ની, ચીકની ચમેલી અને જલેબીબાઇ થઇને જવા માંડી છો. પણ તમને ભાન છે કે તમે કેવી દેખાવ છો?”

“કેવી?”

“સ્ટુડન્ટને બદલે આઇટેમ ગર્લ જેવી લાગો છો!!!”

મમ્મીનાં અભિપ્રાયને ગળી જઇને મહેંક મેદાને પડી. પપ્પાએ કાર લઇ જવાની હજુ સુધી છૂટ આપી ન હતી; એટલે એણે ‘ટુ વ્હીલર’ સ્ટાર્ટ કર્યું.

અત્યારની કોલેજ એટલે જાણે ફેશન મેળો! બધી જ ગર્લ્સ સજી-ધજીને ‘ભણવા’ માટે પધારી હતી. એ બધી જો રાણીઓ હતી તો મહેંક એમાં મહારાણી હતી.

આટલું સુદંર પુષ્પ હોય તો એની આસપાસ ભમરાઓ તો મંડરાવાના જ! મહેંક નામનાં મોગરાની આસપાસ એકથી એક ચડીયાતા ભ્રમરો ગૂજંરવ કરવા લાગ્યા. આ બધા ટોળામાંથી એક યુવાન મહેંકને ગમી ગમ્યો. એનુ નામ પ્રથમેશ પ્રધાન હતું.

પ્રથમેશની અટક ભલે પ્રધાન હતી, પણ દેખાવમાં એ રાજકુમાર હતો.

“હાય! બ્યુટી! ક્યા ઇરાદા હૈ? ઇતની ખૂબસુરત ક્યું હો તુમ? બચ્ચેકી જાન લેકર છોડોગી ક્યા?” એક દિવસ કોલેજના ઝાંપા આગળ જ એણે મહેંકને આંતરી અને પૂછી લીધું.

પ્રશંસા સાંભળીને કઇ સ્ત્રીને ન ગમે!? મહેંક શરમાઇ ગઇ, “આપ ભી કુછ કમ નહીં હો.”

“અજી હમારા ક્યા હૈ? પત્થરકા જીસ્મ હૈ. બંજર સી ઝિંદગી હૈ. સૂખા સૂખા દિમાગ હૈ. ઔર ખાલી કમરે જૈસા દિલ હૈ. તુમ્હારે પ્યારકી શબનમ અગર હમ પર પડ જાયે તો કુછ બાત બન જાયે!” પ્રથમેશ ફિલ્મી અંદાઝમાં બોલી ગયો.

મહેંકને એ યુવાન ગમી ગયો, એનો અંદાઝ ગમી ગયો. બંને જણાં પ્રેમની કેદમાં ગિરફ્તાર થઇ ગયા. બીજા દિવસે ચાલુ કોલેજમાંથી ગાયબ થઇને બંને જણાં એક બદનામ હોટલના બંધ કમરામાં પૂરાઇ ગયા. (મારી પેઢીના વાંચકોને આ વાત માનવા જેવી નહીં લાગે; પણ આજની પેઢીના યુવાનો-યુવતીઓ માટે આ બાબત સામાન્ય બની ગઇ છે. બધા જ આવા ન હોય તે સમજી શકાય છે.)

મહેંકે એકાદ વાર પૂછી લીધું: “પ્રથમેશ તુ મારી સાથે મેરેજ તો કરીશ ને?”

“કોઇ સવાલ જ નથી. હું ધામ ધૂમથી બારાત લઇને આવીશ ને તને મારી રાણી બનાવીને લઇ જઇશ.”

“રાણી?”

“હા, હું ગુજરાતી બોલી શકું છું. એટલે એવું ન માની લઇશ કે હું ગુજરાતનો છું. મારા રાજ્યમાં મારા પપ્પાની ખૂબ મોટી જમીન-જાયદાદ છે. તમારે ત્યાં ખેતરો વીઘામાં માપવામાં આવે છે ને? અમારા ખેતરો એકરોમાં પથરાયેલા છે. તમારુ આખુ અમદાવાદ સમાઇ જાય એટલી વિશાળ જમીનનો હું એક માત્ર વારસદાર છું. માટે તને રાણી બનાવીને લઇ જવાની વાત કરું છું.”

મહેંક ખૂશ થઇ ગઇ. મનમાં ને મનમાં રાણીનાં સ્વાંગમાં પોતાને જોવા લાગી.

બે-ત્રણ વાર હોટલના કમરામાં વસંતોત્સવ ઉજવી લીધા પછી એક દિવસ પ્રથમેશે પૂછ્યું, “મહેંક! તારા પપ્પા-મમ્મી બંને જોબ કરે છે ને!”

“હા, કેમ પૂછ્યું?”

“એ બંને દિવસ દરમ્યાન બહાર જ હોય ને?”

“હા, પણ તારે.... ....?”

“એનો અર્થ એ કે ઘરમાં કોઇ હાજર ના હોય ને?”

“ના, મારો નાનો ભાઇ પણ સ્કૂલમાં ગયો હોય છે.”

“બસ ત્યારે! આપણે હોટલમાં મળવાનુ જોખમ શા માટે લેવુ જોઇએ? ક્યારેક પોલીસની ‘રેડ’ પડે તો ફસાઇ જવાય. એને બદલે હું તારા ઘરે જ.....”

અને બીજા દિવસથી જ મહારાજ શ્રી પ્રથમેશ પ્રતાપસિંહ પ્રધાનની અવર-જવર ચાલુ થઇ ગઇ. મમ્મી-પપ્પાની ગેરહાજરીમાં પ્રથમેશ મહેંકને મળવા માટે રોજ-રોજ ઘરે આવવાં માંડ્યો. સોસાયટીનાં ઘર હોવાથી અડોશી-પડોશીની નજર તો પડવાની જ!

ધીમે ધીમે પડોશીઓએ મહેંકનાં મમ્મી-પપ્પાને કાને વાત પહોંચાડી દીધી.

પપ્પાએ એક દિવસ મહેંકને સામે બેસાડીને પૂછ્યું, “બેટા, આ વાત સાચી છે?”

મહેંક પહેલાં તો ગભરાઇ ગઇ; પછી સમજી ગઇ કે જૂઠું બોલવાનો કશો અર્થ નથી. એણે કહ્યું, “હા, પપ્પા! પ્રથમેશ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. ક્યારેક કોલેજમાં લેક્ચરર ન આવ્યા હોય ત્યારે બહાર રખડવાને બદલે અમે અહીં મળીને ભણવાની વાતો કરીએ છીએ.”

“એકવાર મારી હાજરીમાં એને મળવા માટે બોલાવી લે.” પપ્પાએ સૂચના આપી.

મહેંક પ્રથમેશને બોલાવીને પપ્પાની સાથે ઓળખાણ કરાવી દીધી. પ્રથમેશની રીતભાતમાં બિનગુજરાતી લોકોમાં જોવા મળતો ભારોભાર ‘વિનય’ અને રાષ્ટ્રભાષાની મીઠાશ હતી. પપ્પા ખૂશ થઇ ઉઠ્યા. એમણે મહેંકની મમ્મી ખાનગીમાં કહી દીધું, “પ્રથમેશ સારો છોકરો છે. મહેંક ભલે કહેતી હોય કે એ એનો બેસ્ટ ફ્રેન્ડ છે; પણ ભવિષ્યમાં કદાચ આપણી દીકરી એની સાથે લગ્ન કરવાનું વિચારે તો પણ વાંધા જેવું નથી.”

હવે પ્રથમેશની બપોરીયા મુલાકાતો અધિકૃત બની ગઇ. આખી સોસાયટી એને મહેંકનાં ભાવી જીવનસાથી તરીકે જોવા લાગી હતી.

પછી અચાનક એક દિવસ પ્રથમેશ ગાયબ થઇ ગયો. કોલેજ પૂરી થઇ ગઇ હતી. આશ્ચર્યની વાત એ હતી કે મહેંકની પાસે એના વિષેની કશી જ માહિતી ન હતી. જે યુવાનને એણે સેંક્ડો વાર પોતાનું શરીર સોંપી દીધું હતું એ હોસ્ટેલમાં રહેતો હતો? કે ભાડાના ઘરમાં? એ ક્યા પ્રાંતમાંથી આવ્યો હતો? એનુ ગામ, શહેર, રાજ્ય ક્યું હતું? એના મમ્મી-પપ્પા નામ શું હતા? એની હજારો એકર્સ જમીન ભારતના ક્યા ખૂણે આવેલી હતી? એક પણ સવાલનો જવાબ મહેંકની પાસે ન હતો. પ્રથમેશ પ્રધાનનો મોબાઇલ નંબર પણ બંધ બતાવતો હતો.

મહેંક ભયાનક આઘાતમાં સરી પડી. એનાં મમ્મી-પપ્પા સમજદાર હતા. એમણે દીકરીને સાચવી લીધી. બીજી બધી વાતની તો એમને પણ ક્યાં જાણ હતી? એમનાં મનમાં તો ફક્ત એવું જ હતું કે પ્રથમેશ જેવો બેસ્ટ ફ્રેન્ડ ગાયબ થઇ ગયો એ કારણથી દીકરી દુ:ખી છે. મહેંક કુંવરીનો રસક્સ ચૂસીને ભમરો ઉડી ગયો છે એવી તો એમને કલ્પના પણ ન હતી.

આઘાતમાંથી કળ વળતાં એક વરસ લાગી ગયું. એક દિવસ પપ્પાએ પૂંછ્યું, “દીકરી, તારા માટે સારા સારા માગાં આવે છે; તું જો હા પાડે તો છોકરાઓ જોવાનું શરૂ કરીએ?”

મહેંકે હવે સમાધાન સ્વીકારવાનું નક્કી કરી લીધું હતું. એણે સંમતી આપી. પપ્પાએ એક તેજસ્વી યુવાન શોધીને એની સગાઇ જાહેર કરી નાખી. મહેંક એનાં ભાવી પતિ માલવની સાથે બે વાર રીવર ફ્રંટ ઉપર ફરી આવી. એ ખૂશ હતી. એની સાથે થયેલા દગાના ઊંડા આઘાતમાંથી એ હવે બહાર નીકળી ચૂકી હતી. માલવ ઇન્ડિયન આર્મીમાં જોડાયો હતો. લગ્ન પછી મહેંકને એ એના પોસ્ટીંગના સ્થળે લઇ જવાનો હતો.

“મહેંક! આર્મીના જવાનોની પત્નીઓની લાઇફ સાવ અલગ જ હોય છે. દર બે-ત્રણ વરસે ટ્રાન્સફર થતી રહેય રમણીય જગ્યાઓ જોવા મળે. કેન્ટોન્મેન્ટ એરીયામાં રહેવા મળે. ખાવું-પીવું, શોપિંગ કરવું, સમાજમાં આદર-માન મળે, પાર્ટીઓમાં મહાલવા મળે! તારી જિંદગી ધન્ય થઇ જશે.”

અને ત્રીજી મુલાકાત વખતે માલવે મહેંકને આવું પૂછીને ચોકાંવી દીધી, “ આ પ્રથમેશ પ્રધાન કોણ છે?”

મહેંકના હોશ-કોશ ઉડી ગયા. માલવ બોલતો ગયો, “મારી ઉપર પ્રથમેશનો ફોન હતો. પૂછતો હતો કે હું તારી સાથે લગ્ન કરવાનો છું? એણે તારી સાથેના સેક્સ સંબંધો વિષે મને બધું જ કહી દીધું છે. મહેંક, મારે તારા જેવી બદચલન સ્ત્રી સાથે લગ્ન કરવા નથી. હું સગાઇ તોડી નાખું છું.”

મહેંક ફરી પાછી ડિપ્રેસનમાં સરી પડી છે. ( એ મારી વાંચક છે. મારા વોટ્સગ્રુપમાં મેમ્બર પણ છે. એક લાંબો પત્ર લખીને એણે પોતાની વિતક-વ્યથાની મને જાણ કરી છે. એનો હેતુ માત્ર એટલો જ છે કે બીજી ભોળી યુવતીઓ એની જેમ તબાહ ન થઇ જાય.)

(શીર્ષક પંક્તિ: પાર્ષદ પઢીયાર)

-------