રણમાં ખીલ્યું ગુલાબ - 24 (141) 1.1k 1.2k 5 રણમાં ખીલ્યું ગુલાબ ડો. શરદ ઠાકર (24) મન સાથે મનમેળ કરું છું, ખૂબ જ અઘરાં ખેલ કરું છું. અર્ણવનું મન ખાટુ થઇ ગયું. આજે એના દિલમાં કેવા કેવા ઉમંગનો મહાસાગર ઊછાળા મારતો હતો! પણ એના બૈરી-છોકરાંવે એનો મૂડ ખરાબ કરી નાખ્યો. સવારે નવ વાગ્યે રોજની જેમ ‘ઓફિસે જવા માટે નીકળુ છું’ એવું કહીને એ ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યાં જ પત્ની આહના આવી પહોંચી. કિચનમાંથી ધસી આવી અને કામની યાદી લેતી આવી, “ કહું છું સાંજે ઘરે પાછા આવો ત્યારે કાળુપુર માર્કેટ માંથી અઠવાડિયાના શાકભાજી લેતા આવશો? ત્યાં ખૂબ જ સસ્તા મળે છે. ફ્રીજમાં મૂકી રાખીશું. આખા અઠવાડિયાની શાંતિ.” ત્યાં સાત વર્ષની અર્ણીમા આવીને પપ્પાનો હાથ પકડીને લટકી પડી: “મારા માટે પિચકારી! આટલી મોટી! અને લાલ રંગની જ લાવજો. સામેવાળી રિન્કીની પીળા રંગની છે. એ જરાયે સારી નથી લાગતી.” હજુ કંઇ બાકી રહી ગયું હોય એમ બે વર્ષનો શતાયુ જીદ કરવા માંડ્યો, “ મારા માટે ચોકલેટ લાવજો, હોં! એક-બે નહીં, આખો ડબ્બો! આવડો મોટો!” અર્ણવની ખોપરી ‘ફાટું-ફાટું’ થઇ ગઇ, “આ શું માંડ્યું છે! તમે લોકોએ મને ઘરઘાટી સમજી લીધો છે કે શું? મારે ત્યાં ઓફિસમાં કેટલું કામ કરવું પડે છે એનું તમને ભાન છે? એમાં પણ આજે તો મોડે સુધી ‘ઓવર ટાઇમ’ કરવો પડે તેમ છે. ઘરે આવતાં મોડું થઇ જશે. ડિનર પણ બહાર જ પતાવીને આવીશ. તારે જે કંઇ લાવવું હોય તે જાતે જઇને ખરીદી લાવજે. મને ઘરના મામલામાં નાખીને પરેશાન ન કરીશ, પ્લીઝ!” સૌથી પહેલો ચુકાદો શતાયુએ જાહેર કરી દીધો: “તમે સારા પપ્પા નથી. તમારી સાથે કિટ્ટા. એં..... એં... એં.....!” પછી હાઇકોર્ટનો ફેંસલો આવ્યો; દીકરી અર્ણીમાએ હોઠ વંકાવી ને કહી દીધું, “ યુ આર નોટ માય પાપા! આઇ એમ નોટ યોર ડોટર! આજથી તમારી સાથે બોલવાનું બંધ!” છેલ્લે સુપ્રીમ કોર્ટનો વારો આવ્યો. પત્ની આહના કૈકેઇની જેમ રીસાયેલું મોં કરીને બોલી ગઇ, “ તમારા જેવા પુરુષે તો વાંઢા જ રહેવું જોઇએ. મારું કોઇ જ કામ નહોતું કરવું તો મારી સાથે પરણ્યા શા માટે? હવે હું પણ શાક લેવા નથી જવાની. દૂધ ને રોટલો ખાઇને સૂઇ જઇશું અમે! તમે ભટક્યા કરો જ્યાં-ત્યાં!” અર્ણવ છેલ્લું વાક્ય સાંભળીને ભડકી ઉઠ્યો. ગુનો રાંક છે. એના મનમાં પાપ હતું એટલે એને ભટકવાનું ક્રિયાપદ ભારે દઝાડી ગયું. એણે બરાડો પાડીને પત્નીને કહી દીધું, “બસ હો! બસ હવે! જો એક પણ શબ્દ વધુ બોલી છે તો અવળા હાથની એક થપ્પડ ઠોકી દઇશ. સાલ્લી આ તો કંઇ જિંદગી છે મારી? નોકરી પણ મારે કરવાની, રૂપીયા રળવાની જવાબદારી યે મારી અને ઉપરથી પાછા બૈરી-છોકરાંના કામ પણ મારે કરવાના? જો ના પાડું તો કે’શે કે હું જ્યાં ત્યાં ભટક્યા કરું છું. તું ક્યાં જોવા ગઇ મને ભટકતા?” આહના ચૂપ થઇ ગઇ. બાળકો પણ ડરીને શાંત થઇ ગયા. તકનો લાભ લઇને અર્ણવ બહાર નીકળી ગયો. કારમાં બેસીને ઓફિસની દિશા પકડી લીધી. પણ પછી સહેજ આગળ જઇને એણે ગાડીને ઘૂમાવી લીધી. એના મનમાં આહનાનું મહેણું ગૂંજી રહ્યું હતું: “તમે ભટક્યા કરો જ્યાં-ત્યાં!” અર્ણવ હસી પડ્યો: “ભટકીશ! સાડી સતર વાર ભટકીશ! પણ જ્યાં ને ત્યાં નહીં ભટકું. હું તો મારી જાનૂની સાથે જ ભટક્યા કરીશ. જાહનવી! માય જાનૂ.....!” જાહનવીનાં નામનો ઉચ્ચાર કરતાંની સાથે જ અર્ણવની તપ્ત ખોપરી શાંત થવા લાગી. સળગતો તવેથો અડી ગયા પછી ચામડી પર થયેલો ફરફોલા ઉપર જાણે કોઇએ ‘બર્નોલ’ નો લેપ લગાડ્યો હોય એવી ઠંડક થવા માંડી! જાહનવી હતી પણ એવી જ. માખણના પીંડા જેવી. ખજૂરાહોના નારી શિલ્પ જેવી. યુવાન પુરુષના મનમાં ઉઠતા મોજાં જેવી. ભાંગતી રાતે આવતા સપના જેવી. અને કોઇ રસિક કવિરાજના દિમાગમાં ઊઠતી કલ્પના જેવી. પાછી હતી યે કુંવારી, યુવાન અને મુગ્ધા. જાહનવીનાં પપ્પા થોડાંક મહિના પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. ઘરમાં કમાણીની તાતી જરૂર હતી. ભાઇ હજુ નાનો હતો. જાહનવી નોકરીની તલાશમાં આ કંપનીમાં જઇ ચડી. બોસને મળવાનું તો અશક્ય હતું, પણ બોસના જમણા હાથ જેવા અર્ણવને એ મળી શકી. “બોલો, હું તમારી શી સેવા કરી શકું?” અર્ણવનો હોદો મોટો હતો. એની અલાયદી કેબિન હતી. એટલે એ બંધ બારણાની અંદર ઊઘડી રહ્યો હતો. આટલું પૂછતાં પૂછતાં એની નજર જાહનવીનાં રૂપાળા ચહેરા પર લપસતી લપસતી નીચેની તરફ સરકી રહી. જાહનવી પણ સમજદાર સ્ત્રી હતી. ભલે એ અનુભવી ન હતી, પણ માહિતગાર તો હતી જ. એની બહેનપણી ઓ પાસેથી એણે સાંભળ્યું હતું કે જગતમાં સૌથી પાવરફુલ કરન્સી ડોલર, પાઉન્ડ કે યુરો નથી, પણ લેધર કરન્સી છે. લેધર એટલે ખૂબસુરત સ્ત્રીની સ્નિગ્ધ ત્વચા. આવડતની જરૂર તો પુરુષોને પડે, સંસ્કારી સ્ત્રીઓને પડે; બાકી ગરીબ ઘરની ગરજવાન રૂપાળી યુવતીને તો એક માત્ર જરૂર તન-મનનાં સમર્પણની જ હોય છે. “જી! સેવા તો હું તમારી કરવા માટે આવી છું, સર. મને નોકરીની સખત જરૂર છે.” “એમ? હશે, પણ અત્યારે કંપનીને તમારી જરૂર નથી. બધું હાઉસફુલ છે. એક પણ જગ્યા ખાલી નથી.” અર્ણવે નજરનો પ્રવાસ ઉપર-નીચે, આડો-અવળો ચાલુ જ રાખ્યો. “પ્લીઝ....!!!” “ઓ.કે.! તમે જ્યારે આટલું કહો છો ત્યારે મારે કંઇક વિચારવું પડશે. મને એ કહો કે મિસ જાહનવી, તમને શું કામ કરવું ફાવશે?” જાહનવીની આંખોમાં ચમક આવી: “ સર, તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું.” “હું જે કહું તે.....???” મોંઢામાંથી તો લાળ સહુ કોઇ ટપકાવી શકે, પણ અર્ણવ તો અત્યારે નજરમાંથી લાળ ટપકાવી રહ્યો હતો. જાહનવી પણ અવાજમાં શરારત ભેળવીને બોલી ગઇ, “હા, તમે જે કહેશો તે અને જ્યારે કહેશો તે કરવા હું તૈયાર છું.” “ઓ.કે.! ડન! યુ આર સિલેક્ટેડ ફોર ન્યૂલી ક્રિએટેડ જોબ ઇન ધીસ કંપની. મિસ જાહનવી, આવતી કાલે તમને એપોઇન્ટમેન્ટ લેટર મળી જશે. હું કલાર્કને સૂચના આપી દઇશ.” “મારે લેટર લેવા માટે કાલે આવવું પડશે?” “હા, પણ અહીં ઓફિસમાં નહીં. ઓર્ડર હું જ હાથોહાથ આપી દઇશ. શહેરથી વીસ કિ.મી. દૂર મારા એક મિત્રોને વીક એન્ડ બંગલો છે. આપણે ત્યાં મળીશું. આખો દિવસ સાથે ગૂજારીશું. હું તમને નહેરૂનગર સર્કલ પાસેથી ‘પિક અપ’ કરી લઇશ. ઇઝ ઇટ ઓ.કે.?” “યસ, સર. હું કાલે સાડા નવ વાગ્યે ત્યાં રાહ જોતી ઊભી હોઇશ.” આટલું કહીને જાહનવી ચાલી ગઇ. એ આખો દિવસ અર્ણવ ફાઇલોમાં મન પરોવી ન શક્યો. એ રાત્રે ઊંઘી પણ ન શક્યો. નવો દેહ, નવું રૂપ માણવાના વિચારોની ઉતેજનાએ એને પડખાં ફેરવવા માટે મજબૂર કરી મૂક્યો. અને સવારે નવ વાગતામાં તો એ નીકળી પડ્યો. પણ બાયડી-છોકરાંવે એનો મૂડ ખરાબ કરી નાખ્યો. અને જાહનવી નામ યાદ આવતાંની સાથે જ મૂડ પાછો સૂધરી પણ ગયો. નહેરુનગર સર્કલ પાસે જાહનવી ઊભી જ હતી. એને જોઇને અર્ણવનુ દિલ એક ધબકારો ચૂકી ગયું. આવું અબોટ યૌવન થોડી વાર પછી એના દ્વારા.....??? એ આખો દિવસ અર્ણવે જાહનવીનાં કાળા રેશમી ઝુલ્ફોની કેદમાં વીતાવી દીધી. જાહનવીએ પણ પ્રતિસાદ આપવામાં કોઇ કસર બાકી રાખી નહીં. લંચ અને ડિનર માટે ત્યાંનુ કલબ હાઉસ તૈયાર જ હતું. રાતે દસ વાગ્યે બંને જણાં ‘ગીવ એન્ડ ટેક’ નો સોદો પાર પાડીને શહેરની દિશામાં પાછા ફર્યા. જાહનવીને એનાં ઘરથી થોડેક દૂર ઉતારી દઇને અર્ણવે ગાડી પોતાના ઘર તરફ મારી મૂકી. રસ્તામાં એક શાકવાળો એની લારી લઇને જતો દેખાયો. કદાચ આજે એને પણ મોડું થયું હશે. અર્ણવને ચચરાટ થઇ આવ્યો, “લાવ ને ઘર માટે શાક લેતો જાઉં! બિચારી આહના આટલા વર્ષોથી મારું પડખું સેવતી આવી છે, મારા બાળકોને સાચવે છે, આજે એણે મને એક કામ સોપ્યું અને મેં એને......!” જાહનવી સાથે માણેલો ગુપ્ત સહવાસ એને અપરાધ ભાવની પીડા આપી રહ્યો. એણે લગભગ અડધી લારી જેટલું શાક ખરીદી લીધું. બાજુમાં એક શોપ હતી તેમાંથી મોંધી લાલ રંગની બે પિચકારીઓ ખરીદી. બે બોક્સ ભરીને ચોકલેટ્સ ખરીદી. મારતી ગાડીએ ઘરે આવ્યો. બાળકો રમતા હતા. પત્ની ટી.વી. જોતી હતી. કોઇએ અર્ણવના આગમનની નોંધ સુધ્ધાં લીધી નહીં. અર્ણવે કહ્યું, “ ગાડીમાં એક અઠવાડિયા સુધી ચાલે એટલું શાક છે. વોચમેન હમણાં લઇ આવે છે. અને આ ચોકલેટ્સ! અને પિચકારીઓ!” એ સાથે જ દિવાનખંડ નાચી ઉઠ્યો. આહના પ્રેમભર્યું મલકી ઊઠી: “મને ખબર જ હતી કે તમે......!” પછી એ નજીક આવીને બબડી રહી, “આઇ લવ યુ. તમે હસબન્ડ તરીકે કેટલાં બધા સારા છો!!” અર્ણીમા અને શતાયુ પણ કૂદતાં કૂદતાં ગાઇ રહ્યા હતા: “માય પાપા ઇઝ ધ બેસ્ટ....!” મોડી રાત્રે પથારીમાં પડ્યો પડ્યો અર્ણવ વિચારતો હતો: “ હું ખરેખર એક સારો પતિ કે પ્રેમાળ પિતા છું ખરો? ના, નથી જ; આ તો જાહનવીની સાથે આખો દિવસ પસાર કર્યો એ પાપનો ડંખ મને મારી ન નાખે એ માટે મેં આ બધું કર્યું છે. બાકી હું ઊઠીને શાકભાજી લાવું ખરો???” (શીર્ષક પંક્તિ: વારિજ લુહાર.) --------- *** ‹ Previous Chapter રણમાં ખીલ્યું ગુલાબ - 23 › Next Chapter રણમાં ખીલ્યું ગુલાબ - 25 Download Our App Rate & Review Send Review Riddhi 2 weeks ago Ghsnashyam 3 weeks ago Shachi 3 weeks ago ditya 4 weeks ago jagrutimistry2308@gmail.com 1 month ago More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Dr Sharad Thaker Follow Shared You May Also Like રણમાં ખીલ્યું ગુલાબ - 1 by Dr Sharad Thaker રણમાં ખીલ્યું ગુલાબ - 2 by Dr Sharad Thaker રણમાં ખીલ્યું ગુલાબ - 3 by Dr Sharad Thaker રણમાં ખીલ્યું ગુલાબ - 4 by Dr Sharad Thaker રણમાં ખીલ્યું ગુલાબ - 5 by Dr Sharad Thaker રણમાં ખીલ્યું ગુલાબ - 6 by Dr Sharad Thaker રણમાં ખીલ્યું ગુલાબ - 7 by Dr Sharad Thaker રણમાં ખીલ્યું ગુલાબ - 8 by Dr Sharad Thaker રણમાં ખીલ્યું ગુલાબ - 9 by Dr Sharad Thaker રણમાં ખીલ્યું ગુલાબ - 10 by Dr Sharad Thaker