Premni pele paar - 25 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૫

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાની તબિયત વધારે બગડી રહી છે. અભી અને સૌમ્યા બંને લગન માટે હા પાડી દે છે. આકાંક્ષા એના અને અભીના મમ્મી પપ્પાને આ લગન માટે તૈયાર કરી દે છે. રાતે સૌમ્યા, આકાંક્ષા ને અભીના રૂમમાં જઈને અભીને એકલા મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે જે અભી સ્વીકારે છે અને બંને બાલ્કની તરફ જાય છે હવે આગળ...

*****

ભવિષ્યના ગર્ભમાં શું હોય કોને ખબર ?
સમયની કમાન વળે કેમ કોને ખબર ?
કેટલું વસમું હશે વિધાતા બનવું એના માટે પણ,
કેવી હશે એની કલમ કોને ખબર ?

અભી અને સૌમ્યા ગેસ્ટરૂમની બાલ્કનીમાં પહોંચે છે. એક નાના રૂમ જેવી મોટી બાલ્કનીમાં એક સાઇડ પર ફૂલ - છોડના કુંડા હોય છે તો બીજી સાઇડ પર એક રાઉન્ડ ટેબલ અને બે ચેર હોય છે. અભી અને સૌમ્યા ચેર પર ગોઠવાય છે.

એક તરફ સૌમ્યાને ખબર નથી પડતી વાત ક્યાંથી ચાલુ કરવી અને બીજી તરફ અભી પણ મૂંઝવણમાં હોય છે. એકબીજાની હાજરીમાં ખીલી જતા મિત્રોને આજે બોલવા માટે શબ્દો ખૂટી રહ્યા હોય છે. એટલામાં સર્વન્ટ આવીને બે કોફીના મગ મૂકી જાય છે. અભી એક કોફીનો મગ ઉઠાવીને સૌમ્યાના હાથમાં આપે છે અને બીજો પોતે લે છે.

" કોલેજમાં હતા ત્યારે તું કેટલી ખરાબ કોફી બનાવતી ને સોમી!?", કોફી જોઈને અચાનક અભીને કોલેજ કાળના દિવસોમાં કરેલી મસ્તી યાદ આવે છે અને એ બોલી ઊઠે છે.

"હા... અને તું કાયમ મને ચિડવતો કે જેના મારી જોડે લગ્ન થશે એને તો કાયમ માટે કોફીને તિલાંજલિ આપી દેવી પડશે અથવા જાતે કોફી બનાવતા શીખી જવું પડશે.", આ બોલીને સૌમ્યા એકાદ પળ રોકાઈ અને એણે અભીની સામે જોયું.

અભી પણ જાણે વાત સમજી ગયો હોય એમ તરત એની નજર નીચે ઢળી ગઈ.

"હા અને જોને અભી આજે... મારા લગ્ન... આપણા લગન...", સૌમ્યા થોથવાતી જીભે નજર ઢાળીને બોલી.

"હમમ... કેવા મોડ ઉપર લાવીને મૂકી દીધા છે નિયતિએ આપણને. જ્યાં ક્યારેય બોલવા માટે શબ્દો ગોઠવવા નથી પડ્યા ત્યાં આજે શું બોલવું એ ખબર નથી પડતી. એક સમયના બે બેસ્ટ ફ્રેન્ડ આજે એકબીજાથી આંખ ચોરાવે છે." અભી એ કીધું.

સૌમ્યા હજી એમજ નીચી નજર રાખીને બેઠી હતી એટલે અભી એ ફરી વાતનો દોર પોતાના હાથમાં લીધો., " હું જાણું છું સોમી કે આ લગ્નના બંધનમાં બંધાવું જેટલું મારા માટે અઘરું છે એનાથી વધુ તારા માટે. તારા આ પહેલા લગ્ન છે. લગ્નને લઈને એક છોકરીના કેટલાય અરમાન હોય, કંઈ કેટલાય સપના એણે જોઈને રાખ્યા હોય. કેટલાય દિવસની તૈયારી, શું પહેરવું, કેવો મેકઅપ અને બીજું ઘણું... જ્યારે અહીંયા તો... તું સમજે છે ને સોમી!? હું શું કહેવા માંગુ છું.", સૌમ્યાનો હાથ પકડતા અભી બોલ્યો.

"હમમ.. " સૌમ્યા ખાલી એટલું જ બોલીને અટકી ગઈ. એની આંખોમાં રહેલી ભીનાશ અભીને સાફ દેખાઈ રહી હતી.

"સૌમ્યા... તેં બધું સમજી વિચારીને હા પાડી છે ને!? લાગણીના પ્રવાહમાં આવીને આટલો મોટો નિર્ણય ના લેવાય. હજી સમય છે તું વિચારી જો. હું આજે જ અક્ષીને વાત કરું છું."

" ના... આકાંક્ષાને કંઇ જ વાત કરવાની જરૂર નથી. મેં મારી મરજી થી હા પાડી છે. એણે કોઈ પણ જાતનું કોઈજ દબાણ નહતું કર્યું મારી ઉપર.", અભીને વચ્ચેથી જ બોલતો અટકાવીને સૌમ્યા બોલે છે.

"સોમી મને નથી ખબર આપણા લગ્નજીવનનું શું ભવિષ્ય હશે !? પણ મેં અક્ષીને વચન આપ્યું છે હું તને એક પત્ની તરીકેનું સ્થાન આપીશ. તને એક પત્નીના બધા હક આપીશ. હા, ક્યારે.. એ પ્રશ્નનો મારી જોડે કોઈ જવાબ નથી પણ હું પૂરતા પ્રયત્ન કરીશ આપણા લગ્નને નિભાવવા અને આમાં મારે તારો સાથ જોઈશે.", અભી બોલ્યો.

"હું પણ અભી પૂરતા પ્રયત્ન કરીશ તને સાથ આપવાના. ઘણું અઘરું છે એક મિત્ર જેને ક્યારેય એ નજરે ના જોયો હોય એને આવા સંજોગોમાં પતિ તરીકે અપનાવવો. મને પણ સમય લાગશે અભી.", સૌમ્યા બોલી.

"તો આજે એકબીજાને એક પ્રોમિસ કરીએ કે જ્યાં સુધી આપણે બંને એકબીજાને જીવનસાથી તરીકે ના અપનાવી શકીએ ત્યાં સુધી બસ આ રીતે જ મિત્ર બનીને રહીશું. અને એ દરમિયાન કોઈને આ બંધનમાંથી અલગ થવું હોય તો એ કોઈ પણ સંકોચ રાખ્યા વિના આ વાત કરશે." અભી પ્રોમિસ માટે હાથ લંબાવતા બોલ્યો.

અભી જોડે વાત કર્યા પછી સૌમ્યા પણ રાહત અનુભવે છે અને તરત જ અભીના પ્રોમિસ માટે લંબાયેલા હાથમાં પોતાનો હાથ મૂકી દે છે.

આ તરફ આકાંક્ષાને ચેન પડતો ન હતો. એ અસમંજસ માં રૂમમાં આમથી તેમ આંટા મારતી હતી. ત્યાં અભી રૂમમાં આવે છે. સૌમ્યા બહારથી જ સ્મિત આપી આકાંક્ષાને ગુડ નાઈટ કહે છે. આકાંક્ષા પણ જવાબ આપી રૂમનો દરવાજો બંધ કરે છે.

"થઈ ગઈ વાતચીત?", આકાંક્ષાને કઈ ન સમજાતા એને અહીંથી જ વાત શરૂ કરવી યોગ્ય લાગી.

"હા, તે જે પ્રોમીસ માંગ્યું હતું એ જ મેં સોમીને આપ્યું. બસ એને પત્ની તરીકે ક્યારે સ્વીકારી શકીશ.. એ સમય નક્કી ન કરી શકું.",અભીએ જણાવ્યું.

આ વાત સાંભળી આકાંક્ષા મનોમન ખુશ થઈ કે બન્ને લગ્નના વિચાર જોડે સહમત જ છે. ને અભી સૌમ્યાને પત્ની તરીકેના હક આપવા પણ તૈયાર છે. એના મનમાં ફરતા બધા જ વિચારો શાંત થયા. એને રાતે લેવાની દવા લીધી ને સુઈ ગઈ.

આ તરફ સૌમ્યા રૂમમાં ગઈ ત્યાં જઈ જોયું તો એના મોબાઈલમાં ફોઈના બે મિસ્ડ કોલ હતા. એને તરત ફોન જોડ્યો.

"બેટા, સુઈ ગઈ હતી કે શું!", ફોઈએ સૌમ્યાને પૂછ્યું.

"ના ના ફોઈ, હું જરા બહાર હતી ને ફોન રૂમમાં હતો.",સૌમ્યા એ ચોખવટ કરતા કહ્યું.

"ઓકે.. સૌમ્યા આજે અભીના મમ્મી પપ્પાનો ફોન હતો. એ તારા ને અભીના લગ્ન વિશે કહેતા હતા. જોકે આકાંક્ષાની બીમારી વિશે તો મને તારા ફુવા એ ક્યારની જાણ કરી હતી. પણ આ લગ્ન! મને કઇ સમજાયું નહીં.", ફોઈ એ વાત કરી.

સૌમ્યા એ બધી જ વાત વિસ્તારથી કહી.

"હમ્મ.. જો સૌમ્યા તારા પિતાના ગયા પછી હું જાણું છું કે તું કેટલી એકલી પડી ગઈ છે. આ સમયે તું તારા ભવિષ્ય માટે તને યોગ્ય લાગે એ નિર્ણય લઈ શકે. હું ને તારા ફુવા તારા દરેક નિર્ણયમાં તારી સાથે છીએ.", ફોઈએ કહ્યું.

આ વાત સાંભળી સૌમ્યાને ઘણી રાહત થઈ. એને પોતાનો નિર્ણય ફોઈને જણાવ્યો. ફોઈ પણ સહમત થયા. બાકીની ઔપચારિક વાતો કરી સૌમ્યા એ વાતચીત પુરી કરી ને સુવાની તૈયારી કરતી હતી ત્યાં અચાનક એને પ્રથમ યાદ આવ્યો. એને લાગ્યું એને પ્રથમને પણ લગ્નની વાત જણાવી જોઈએ. એને તરત પ્રથમને ફોન જોડ્યો.

"હા સૌમ્યા.. ઇન્ડિયામાં હજુ રાત નથી પડી કે કોઈને ઊંઘ નથી આવતી.", પ્રથમ એના જ અંદાજ માં બોલ્યો.

"રાત પણ પડી ગઈ ને ઊંઘ પણ આવતી હતી. પણ એક અગત્યની વાત કરવા ફોન કર્યો હતો. જો તું ફ્રી હોય તો..", સૌમ્યા બોલી.

"ફ્રી જ છું બોલ.", પ્રથમ એ કહ્યું.

"મેં અભી સાથે લગ્ન કરવાની સહમતી આપી દીધી છે.", સૌમ્યા એ કહ્યું.

બે ઘડી મૌન પ્રસર્યું. પણ પ્રથમ એ તરત વાત સાંભળતા કહ્યું, "તે સહમતી આપી તો યોગ્ય જ હશે. મને કહેજે લગ્ન ક્યારે છું હું આવી જઈશ ઇન્ડિયા. આખરે મારી ખાસ દોસ્તના લગ્ન છે."

સૌમ્યાની આંખોમાં સહેજ પાણી આવી ગયું. કદાચ એ પણ જાણતી ન હતી કે આવું કેમ થયું! એને માત્ર હા કહી ફોન કાપી નાખ્યો.

બન્ને તરફ આંખો ભીની હતી. કેટલાય શબ્દો મનમાં જ રહી ગયા હતા તો કેટલીય લાગણીઓ દિલમાં દબાઈ ગઈ હતી. પ્રેમ કરવો તો બહુ સહેલો છે કદાચ અઘરો છે નિભાવવો. પણ અહીં તો પ્રેમ કરી પણ જાણ્યો ને એકમેકની ખુશીને માન આપી પ્રેમ નિભાવી પણ જાણ્યો.

આકાંક્ષા બે ભાવો વચ્ચે ઝૂલતી હતી. મૃત્યુ એની તરફ ઝડપથી ધસી રહ્યું હતું, ને પ્રેમની પૂર્ણતાને એ અનુભવી રહી હતી. આજે અભી એની ખુશી માટે જ આ બધું કરવા તૈયાર થયો હતો, ને સૌમ્યા તો મિત્રતાનું માનુષી સ્વરૂપ જ ધરીને આવી હતી. પ્રેમ, મિત્રતા, ત્યાગ બધાને પાર કરી જનાર આ ત્રણ ક્યારેક ખરેખર લાગણીઓનો અર્થ જીવનમાં ઉતારી ગયા હતા.

ડિવોર્સની પ્રોસેસ માટે વકીલને આકાંક્ષાએ ઘરે બોલાવ્યા હતા. આટલી ઝડપથી તો શક્ય જ ન હતું. કારણ કે આકાંક્ષા પાસે હવે સમય બહુ ઓછો હતો. ડિવોર્સ પેપર વકીલને તૈયાર કરવા કહ્યું, ને પ્રોસેસ ચાલુ કરવા જણાવી દીધું, ને આપણી ન્યાય પ્રણાલીમાં કોઈ રસ્તો ન મળે એવું તો ન જ બને. વકીલે સલાહ આપી એ બધું જોઈ લેશે તમારે જે કરવું હોય તે ચાલુ કરી દો.

ને હવે આગળ તો લગ્નની તૈયારી કરવાની હતી. પોતાના જ પતિને બીજાને સોંપવાની તૈયારી. આકાંક્ષા ભલે ગમે એટલી હિંમત રાખતી હોય પણ એને રોજ થતું કે કાશ આ બધું એક સ્વપ્ન હોય, ભયાનક સ્વપ્ન ને પોતે જાગી જાય ત્યારે બધું એમનેમ હોય, પણ આ તો હકીકત હતી. હવે આકાંક્ષાએ બધાને થોડી ઉતાવળ કરવા કહી. ને એની ખુશી માટે જ બધા તૈયારીઓ કરતા હતા. સૌમ્યાએ ઘરની બધી જવાબદારી લઈ લીધી હતી. જાણે કે આકાંક્ષાની જગ્યા જ લઈ લીધી હતી. બધાનો બરાબર ખ્યાલ રાખતી હતી. આકાંક્ષાની મમ્મીને બી.પી. ની તકલીફ હતી તો એમને દવા વગેરે સૌમ્યા જ આપતી. સાથે આકાંક્ષાની પણ કાળજી, હા પણ અભીનું કામ આકાંક્ષા જ કરે એવો એ આગ્રહ રાખતી પણ આકાંક્ષાએ એને સમજાવી,

" જો સોમી હું આ તમારા લગ્ન મારી હયાતીમાં કઈ એમ જ નથી કરાવતી, તમે બંને મિત્રો મટી પતિ પત્ની બનો માટે આ બધું કરું છું. હું એવી તસલ્લી સાથે જવા માગું છું કે મેં આ પગલું ભરીને કઈ ખોટું નથી કર્યું, માટે અભીની કાળજી તું જ રાખ, તું જે ભાવ સાથે રાખ મિત્ર બનીને કે પત્ની બનીને મને કોઈ તકલીફ નથી, પણ આ જવાબદારી હવે તું જ ઉઠાવ."

કોઈની પણ હિંમત ન હતી આકાંક્ષાની વાત સાથે અસહમત થવાની. સૌમ્યાને જોઈ આકાંક્ષાના મમ્મી બહુ ભાવુક થઈ જતા, એ કહેતા,

"સૌમ્યા ભગવાને અમારી એક દીકરીને અમારી પાસે રાખવા કરતા પોતાની પાસે લઈ જવાની જીદ કરી તો બદલામાં તારા જેવી બીજી દીકરી પણ આપી દીધી. થોડીક ફરિયાદો ઈશ્વર પાસે છે પણ તને આપીને અમને રાહત પણ આપી છે ભગવાને."

આજીવન મા ના પ્રેમ માટે તરસતી સૌમ્યાને જાણે પોતાની મમ્મી મળી ગઈ હોય એમ એમને ગળે મળી રડવા લાગી. આ બધું જોતી આકાંક્ષાની આંખમાં પણ ખુશીના આંસુ આવી ગયા ને ત્રણેય ગળે મળી થોડી વાર એમનેમ બેસી રહ્યા.

પછી અચાનક આકાંક્ષા બોલી, " મમ્મી તું ને પપ્પા સૌમ્યાનું કન્યાદાન કરો તો કેવું રહે?"

ખુશીની પળો પણ જીવી લેવાય છે,
દુઃખ સતત ક્યાં ઉપાડી શકાય છે ?
હો દિલમાં હજારો તકલીફ તો પણ,
કોઈ સાથે મૃત્યુ ક્યાં પહેરી શકાય છે ?

© હિના દાસા, શેફાલી શાહ, રવિના વાઘેલા