Lime light - 25 books and stories free download online pdf in Gujarati

લાઇમ લાઇટ ૨૫

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૨૫

ઇન્સ્પેક્ટરે પ્રકાશચંદ્રના મોબાઇલમાં રસીલીનો નંબર જોઇ કામિનીને તેના વિશે પૂછ્યું ત્યારે તે ચોંકી ગઇ હતી. કામિનીએ ઇન્સ્પેક્ટરના એ સવાલની પુષ્ટિ કરી કે રસીલી "લાઇમ લાઇટ" ની હીરોઇન જ છે. એ પછી ઇન્સ્પેક્ટર રાણાવતે ધારદાર નજરે કામિની તરફ જોઇને અણિયાળો સવાલ ફેંક્યો:"ક્યાંક પ્રણયત્રિકોણ તો નથી ને? આપણી ફિલ્મોમાં આવે છે એવો!"

કામિનીને ઇન્સ્પેક્ટરનો આ સવાલ ગિલોલમાંથી છૂટેલા પત્થર જેવો સખત લાગ્યો. તે સમસમીને બેસી રહી. તેની આંખમાં અત્યાર સુધી આંસુ તગતગતા હતા. હવે તણખા ઝરશે એવું ઇન્સ્પેક્ટરને લાગ્યું. તેણે વાતને સ્પષ્ટ કરી:"તમને ખરાબ લાગ્યું હોય તો માફી ચાહું છું. પણ મારે તપાસ તો બધા જ એંગલથી કરવી પડે. મારો મતલબ છે કે પ્રકાશચંદ્રને રસીલી સાથે કંઇ હતું તો નહીં ને? એવું હોય અને બંને વચ્ચે ઝઘડો થયો હોય તો આ ઘટના બની શકે ને? અને ફિલ્મ ફ્લોપ થયા પછી બધા એકબીજા પર બ્લેમ કરતા હોય છે..."

"જુઓ, મને જાણ છે ત્યાં સુધી એમના રસીલી સાથે એક નિર્દેશક અને હીરોઇન વચ્ચે હોય એવા પ્રોફેશનલ સંબંધ જ હતા. હું માનતી નથી કે એમની આત્મહત્યાનું બીજું કોઇ કારણ હોય શકે. ફિલ્મની નિષ્ફળતાને કારણે જ તેમણે આત્મઘાતી પગલું ભર્યું હશે...." કામિની પોતાના અભિપ્રાયમાં મક્કમ હતી.

ઇન્સ્પેક્ટર વિચારમાં પડી ગયો. પછી બોલ્યો:"પુરાવા તો તમારી વાતને સાચી ઠેરવે છે. પણ હું તસલ્લી માટે રસીલીનું બયાન લેવા માગું છું. એનો નંબર હું લઉં છું..." કહી ઇન્સ્પેક્ટરે રસીલીનો નંબર પોતાના મોબાઇલમાં સેવ કર્યો. પછી પ્રકાશચંદ્રનો મોબાઇલ પરત આપતાં બોલ્યો:"મેડમ, તમારા સહકાર બદલ આભાર. હું રસીલીને રૂબરૂ મળીને થોડી વાત કરીશ એ પછી મારો રીપોર્ટ રજૂ કરીશ. તમે વિધિ શરૂ કરાવી શકો છો..."

ઇન્સ્પેક્ટરે બે કોંસ્ટેબલને કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રકાશચંદ્રના બંગલા પર ફરજ બજાવવાની સૂચના આપી અને નીકળી ગયો. કામિની રાહત અનુભવતી બબડી:"સારું છે કે ઇન્સ્પેક્ટરે મારા મોબાઇલમાં છેલ્લે ડાયલ થયેલો નંબર ચેક ના કર્યો."

કામિનીએ નજીકના કેટલાક લોકોને ફોન કરીને જાણ કરી દીધી અને સાગરને ફોન કર્યો:"સાગર, તારો પ્રચાર કામ આવ્યો નથી. પ્રકાશચંદ્ર આ લોક છોડી ગયા છે...."

સાગરને કામિનીની વાત પર વિશ્વાસ આવતો ન હતો. તેણે કામિનીની સૂચનાઓ સાંભળી લીધી અને ફોન મૂકી દીધો. સાગરે બે દિવસ પહેલાં જ પ્રકાશચંદ્ર સાથે વાત કરી હતી. અને એમને કહ્યું હતું કે રસીલી તમને તારી લેશે. પણ ફિલ્મ તેમને મારી નાખશે એની કલ્પના ન હતી. સાગરને એમ હતું કે રસીલીના નામ પર ફિલ્મને વીકએન્ડમાં સારી કમાણી થશે. પણ શુક્રવાર પછી શનિવારે અને રવિવારે તો કમાણી વધવાને બદલે ઘટતી રહી. પ્રકાશચંદ્રએ જેટલું રોકાણ કર્યું હતું એમાંથી પચીસ ટકા પણ પરત આવ્યું ન હતું. સાગરની ગણતરી ખોટી પડી હતી. તેણે પોતાના તરફથી બધા જ પ્રયત્ન કર્યા હતા. પરંતુ દર્શકોએ હોલીવુડની ફિલ્મ "મેસેન્જર્સ : ફર્સ્ટ ગેમ" ને વધારે પસંદ કરી હતી. સાગરને ખ્યાલ આવી ગયો હતો કે પ્રકાશચંદ્રએ સ્ક્રીપ્ટ કરતાં રસીલીની ભૂમિકા પર વધારે ધ્યાન આપ્યું હતું. નબળી સ્ક્રીપ્ટને કારણે દર્શકોને "લાઇમ લાઇટ" માં રસ પડ્યો ન હતો. સાગરે વધારે વિચાર કર્યા વગર કામિનીએ સોંપેલું કામ કરવા તૈયારી કરી.

*

ઇન્સ્પેક્ટરે જીપમાં બેસીને રસીલીને ફોન કર્યો:"મેડમ, ઇન્સ્પેક્ટર રાણાવત બોલું છું..."

"જી, બોલો..." રસીલીને ઇન્સ્પેક્ટરના ફોનથી નવાઇ લાગી.

"મારે તમને એક કેસના સંબંધમાં અત્યારે જ મળવું છે. આ નંબર પર તમારું લોકેશન મોકલો..." ઇન્સ્પેક્ટરે સૂચના આપી.

રસીલીએ તેના નિવાસનું લોકેશન મોકલી આપ્યું. પંદર મિનિટ પછી ઇન્સ્પેક્ટર રાણાવત રસીલીની સામે બેઠો હતો.

"મેડમ, પહેલાં તો એક દુ:ખદ સમાચાર આપી દઉં.... પ્રકાશચંદ્ર હવે આ દુનિયામાં રહ્યા નથી..." ઇન્સ્પેક્ટર ધીમા અવાજે બોલ્યો.

"ઓહ.... ન હોય. એ તો સાજાસમા હતા. આજે જ તો મારી સાથે વાત કરી હતી. કેવી રીતે બની શકે?" રસીલી આશ્ચર્યથી બોલી ઊઠી."કેવી રીતે એમનું મોત થયું?"

"પહેલી નજરે તો આત્મહત્યાનો કેસ છે. તેમણે ચપ્પુથી હાથની નસ કાપી નાખી. એમના મોબાઇલમાં છેલ્લે ડાયલ થયેલો નંબર તમારો હતો... એટલે તમારી પૂછપરછ જરૂરી બની છે..." ઇન્સ્પેક્ટરે પોતાના આગમનનું કારણ આપ્યું.

રસીલી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. ઇન્સ્પેક્ટર શાંત બેસી રહ્યો.

રસીલી થોડીવાર પછી સ્વસ્થ બની. અને હીબકાં લેતી બોલી:"સર... મારી એમની સાથે સવારે લાંબી વાત થઇ હતી...."

"મારે એ જ જાણવું છે કે શું વાત થઇ હતી....?" ઇન્સ્પેક્ટર રસીલીના ગૌરવર્ણ ચહેરા તરફ તાકી રહ્યો. ઇન્સ્પેક્ટરને થયું કે આ નશો ચઢે એવું રૂપ ધરાવતી બાઇના પ્રેમમાં પ્રકાશચંદ્ર પાગલ થયા હોવા જોઇએ. પડદા પર તો આગ લગાવે એવું ફિગર છે. ફિલ્મ કેમ ના ચાલી એ સમજાતું નથી.

"જી, એમણે "લાઇમ લાઇટ" ની નિષ્ફળતાની જ વાત કરી હતી...." રસીલી સહેજ અટકીને આગળ બોલી:"તે ડિપ્રેશનમાં હોય એવું લાગ્યું. તેમણે આ ફિલ્મ માટે ઘણો ખર્ચ કર્યો હતો. ગજા બહાર ખર્ચ કર્યો હતો. દેવું પણ કર્યું હોવાનું કહેતા હતા. એક વખત તો કહેતા હતા કે જો ફિલ્મ ના ચાલી તો ઘર વેચવું પડશે. મને એમણે આટલી મોટી તક આપી હતી એટલે મેં કહ્યું હતું કે મારી ફીની ચિંતા ના કરશો. હું એક રુપિયો લેવાની નથી. પણ ફિલ્મ પહેલા જ દિવસે ફ્લોપ થઇ ગઇ એટલે બહુ પરેશાન હતા. આજે એમણે મને એ કહેવા જ ફોન કર્યો હતો કે તે બીજી ફિલ્મ બનાવી શકશે નહીં. મને ત્રણ ફિલ્મોના કરારમાંથી છૂટી કરી રહ્યા છે. મેં એમને કહ્યું કે તમે ચિંતા ના કરશો. મને બીજા એસાઇન્મેંટ મળ્યા છે. આ ફિલ્મ પછી મારી પાસે બીજું કામ છે. અને મારી પાસે થોડી આવક છે. તમારું મારા પર મોટું અહેસાન છે. મારી ફરજ બને છે કે તમને મદદ કરું. પણ તેમને મારી વાતથી સંતોષ ન હતો. તે કોઇનું અહેસાન લેવા માગતા ન હોવાનું કહી રહ્યા હતા. મેં છેલ્લે એમ કહ્યું કે આજે તમારો જન્મ દિવસ છે.... આનંદમાં રહો. આપણે એક-બે દિવસમાં મળીને ફિલ્મને અન્ય ભાષાઓમાં ડબ કરીને કમાણી કરવાનો પ્રયત્ન કરીશું. મારા તમામ આશ્વાસન પછી પણ તેમણે જીવનનો અંત લાવી દીધો? લાગે છે કે ફિલ્મ ફ્લોપ થવાનો ભારે આઘાત લાગ્યો હતો....."

ઇન્સ્પેક્ટરે રસીલીની વાતો શાંતિથી સાંભળી. રસીલીએ બધી જ વાત વિગતવાર કહી હતી. ઇન્સ્પેક્ટરને થયું કે હવે કંઇ પૂછવા જેવું રહ્યું નથી. તેણે કાગળ પર કેટલાક મુદ્દા ટપકાવી લીધા હતા.

ઇન્સ્પેક્ટર રાણાવત રસીલીની રજા લેતાં બોલ્યો:"મેડમ, આપનો આભાર! જો જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવા આવીશ. બાકી તમને પડદા પર જોઇશ...!"

"સર, ચોક્કસ..." કહી રસીલીએ દરવાજો બંધ કર્યો. અને ખુરશી પર શરીર લંબાવીને બેઠી. પ્રકાશચંદ્રનો ચહેરો તેની આંખ સામે તરવરી રહ્યો. ક્ષણો ભારવાહક જહાજની જેમ પસાર થવા લાગી. રસીલીએ મોબાઇલ હાથમાં લીધો અને એક નંબર ડાયલ કર્યો.

*

જૈનીને એ સમજાતું ન હતું કે ધારા તેને સાકીર સાથે ફિલ્મ કરવા કેમ રોકી રહી છે? જ્યારે ધારાએ સાકીર સાથે ફિલ્મ કરવાની ચોખ્ખી ના પાડી ત્યારે જૈનીને શંકા ઉદભવી. ધારા તેને સાકીરને બદલે કોઇ નવોદિત સાથે ફિલ્મ કરવા ભલામણ કરી રહી હતી. જૈનીથી રહેવાયું નહીં. તે બોલી:"ધારા, તું સાકીર સાથે ફિલ્મ કરી શકે તો હું કેમ નહીં? તને જલન થાય છે? સાકીર ભલે આજે બહુ ચાલતો નથી. પણ એની સાથે એક ફિલ્મ કરવાથી મારી કારકિર્દીને તો વેગ મળશે ને? અને ફિલ્મ હિટ થઇ ગઇ તો મારે જોવાનું જ નહીં રહે..."

"જૈની, તું સાકીર સાથે ફિલ્મ કરવા બહુ એક્સાઇટેડ છે. એ પણ તારી સાથે કામ કરવા એક્સાઇટેડ જ થશે! પણ એટલું યાદ રાખજે કે તારે એની મોટી કિંમત ચૂકવવી પડશે...." ધારા તેને ચેતવી રહી.

"અરે! મને તો કામ કરવાની કિંમત મળશે. મારે ગુમાવવાનું કંઇ નથી...." જૈની ઉત્સાહથી બોલી રહી હતી.

"તને કેવી રીતે સમજાવું કે સાકીર સાથે કામ કરીને શું ગુમાવવું પડે છે..." ધારાના સ્વરમાં ડર હતો.

"તું કંઇ વધારે પડતી ગંભીર લાગે છે. તારે કોઇ અનુભવ થયો છે?" જૈનીએ વાત કઢાવવાનો પ્રયત્ન કર્યો.

ધારા ઇમોશનલ બની ગઇ. તેને જૈની પ્રત્યે દયા આવી રહી હતી. પોતાનો અનુભવ કહેવો કે ના કહેવો તેની દ્વિધામાં પડી ગઇ. લાંબો વિચાર કરીને તેણે નિર્ણય લઇ લીધો કે તે જૈનીને સાવચેત કરશે. ભલે તે પોતાની હરીફ છે, પણ એક સ્ત્રી તો છે. પોતાના જેવી સ્થિતિ એની તો ના થાય ને. સાકીરને તો પાઠ ભણાવવાની જ છે. ધારાએ ધીમા અવાજે કહ્યું:"આ એકદમ ખાનગી વાત છે. તું કોઇને કહીશ તો નહીં ને?"

"ના, મારા પર વિશ્વાસ રાખ..." જૈનીના સ્વરમાં ઉત્સુક્તા હતી.

"સાંભળ, સાકીરે મારી સાથે ફિલ્મ કરવા મારું જાતીય શોષણ કર્યું છે. અને હું તેના બાળકની મા બનવાની છું. તું ભૂલેચૂકે પણ એની સાથે ફિલ્મ કરવાનો વિચાર ના કરીશ. મેં બહુ મોટી ભૂલ કરી છે. એ સારો માણસ નથી....અને આ વાત તું કોઇને કરતી નહીં. આપણા બે વચ્ચે જ રહેવી જોઇએ..."

"ધારા, તેં ચેતવી દીધી એ સારું કર્યું. સાકીર આવો લંપટ માણસ હશે એવી કલ્પના જ ન હતી. તારો આભાર!" કહી જૈનીએ ફોન કટ કર્યો અને તેની સાથે જ તેના મોબાઇલમાં તેણે ધારાએ "ખાનગી વાત" કહેવાનું શરૂ કર્યું ત્યારે ચાલુ કરેલું રેકોર્ડિંગ સેવ થઇ ગયું.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૨૨૫૦૦ થી વધુ ડાઉનલોડ તથા આપના ૪૧૦૦ થી વધુ રેટિંગ્સ મેળવી ચૂકેલી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં કામિનીએ છેલ્લે કોને ફોન કર્યો હશે? કામિનીએ સાગરને શું કામ સોંપ્યું હશે? ઇન્સ્પેક્ટરના ગયા પછી રસીલીએ કોને ફોન કર્યો હશે? આ ઉપરાંત ફાઇનાન્સર રાજીવે કયા સારા સમાચાર આપવા કામિનીને ફોન કર્યો હતો? જૈનીને ધારા સાથેની વાતચીતનું રેકોર્ડિંગ કેમ કર્યું હશે? ધારાએ સાકીર સાથે કેવો સોદો કરવાનું વિચાર્યું હતું? પહેલી વખત પ્રકાશચંદ્ર પોતાનો સુંવાળો સાથ માણીને ગયા પછી રસીલીએ તરત કોને અને શું મેસેજ કર્યો હતો? જેવા ઘણા બધાં પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક જ બેઠકે વાંચવા મજબૂર કરશે. માતૃભારતી પરની "ટોપ ૧૦૦ નવલકથાઓ" કેટેગરીમાં તેનો સમાવેશ થયો છે.

વાચકોના ૧,૨૬,૩૦૦ વધુ ડાઉનલોડ અને આપના અમૂલ્ય ૨૦૬૦૦ રેટીંગ્સ "રેડલાઇટ બંગલો"ની લોકપ્રિયતાના પુરાવા છે. કોલેજમાં ભણવા ગયેલી એક અતિ સ્વરૂપવાન અને યુવાનીથી છલકતી માદક છોકરી અર્પિતા કેવી રીતે કોલેજમાં ગયા પછી તેના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની સાથે આ વ્યવસાયમાં સપડાયેલી કોલેજની બીજી વિદ્યાર્થીની રચના અને બીજા અનેક પાત્રો સાથેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તા તેના હેરતઅંગેજ ક્લાઇમેક્સના ૪૮ મા પ્રકરણ સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે. તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે. તેને ૫૦૦ થી વધુ સરેરાશ ૫ રેટીંગ્સ મળ્યા છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણીઓ પણ આપને વાંચવી ગમશે.

લોકપ્રિય લઘુનવલ "આંધળો પ્રેમ" (૬૨૦૦ ડાઉનલોડ) જકડી રાખશે.

મિત્રો, મારી કુલ ૧૨૮ ઇબુકસનો વ્યુઝનો આંકડો ૪.૬૩ લાખ અને ડાઉનલોડનો આંકડો ૧.૭૩ લાખને પાર કરી ગયો છે એ માટે આપ સૌનો ખાસ આભાર!