Prem Vedna - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વેદના - ૧

અંતરની મારી ખેવના પુરી થઈ હતી,
પારણે જયારે રોશની ઝૂલી રહી હતી!!

ચાર દાયકા પેલાની આ વાત છે. એક સામાન્ય પરિવારમાં એક લક્ષ્મીની ખેવના ધરાવતા દંપતીના આંગણે લક્ષ્મીએ પગલાં પાડ્યા હતા. હા, જયેશભાઇ ને ત્યાં એક પુત્રના જન્મ બાદ ૩ વર્ષે પુત્રીનો આજ જન્મ થયો હતો. પુત્રીના જન્મથી આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હતો. ઘર જાણે તેના અવતારથી પ્રકાશિત થઈ ગયું હતું. આજ જયેશભાઈની ઈચ્છા પુરી થઈ હતી. એમને પોતાના પુત્ર પ્રત્યે પણ એટલી જ લાગણી પણ એમને દીકરીની ખેવના હતી જે પુરી થવાથી એ ખુબ જ ખુશ થયા હતા. દીકરી પણ આ આંગણે આવી એટલી જ ખુશ હોય એમ એના ચહેરા પર ગાલમાં સુંદર ખંજન પડતું હતું, આથી તેનો ચહેરો સામાન્ય સ્થિતિમાં પણ હસમુખો જ દેખાતો હતો. જાણે એ પહેલેથી જ પિતાની લાડકી જ રહીશ એવું નક્કી કરીને ન આવી હોય બસ એવું જ કંઈક એ ખંજન દ્વારા જણાવતી હતી. એક તેજ એના ચહેરા પર નજર આવતું હતું, આથી એનું નામ "રોશની" પાડવામાં આવ્યું હતું.

રોશની સમય પસાર થતા ખુબ લાડકોડથી મોટી થઈ રહી હતી. આમ પણ કહે જ છેને કે, "દીકરીને મોટી થતા ક્યાં વાર લાગે છે?" રોશનીની પરવરીશ જયેશભાઈએ પોતાના પુત્રની જેમ જ કરી હતી. બધી જ આઝાદી એમને રોશનીને આપી હતી. અને રોશનીમાં પણ સંસ્કાર એને જોતા જ છલકતા હતા. ખુબ જ સાદગી અને મર્યાદામાં રહેતી રોશનીએ ક્યારેય એના પિતા દ્વારા મળેલ આઝાદીનો ગેરલાભ ઉઠાવ્યો ન હતો. એ ભણવામાં હોશિયાર હતી જેથી જેટલું ભણવા ઇચ્છે એટલું એને ભણવાની છૂટ હતી. માસ્ટરડીગ્રી પછી એક્સટ્રા પરીક્ષા આપ્યા બાદ રોશનીને એક સરકારી કાયમી નોકરી મળી ગઈ હતી. હવે રોશનીનું ભણતર તો પૂરું થઈ ગયું હતું, આથી ઘરમાં એના લગ્નની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી.

રોશની દેખાવે સામાન્ય પણ આકર્ષક હતી, વળી સંસ્કારી ઘરની દીકરી હોવાથી લગ્નમાટે પ્રસ્તાવ તો ઘણાના આવતા હતા. પણ રોશની ની હરોળમાં આવે એવા હજુ કોઈ જ પ્રસ્તાવ આવ્યા ન હતા. છોકરો ભણેલો અને સારી નોકરી કરતો હોય તો કુંડળી મળતી નહોતી, અને બધું બરાબર હોય તો રોશની ની બરોબરીમાં લાવી શકાય એવો ન હોય.. જયેશભાઈને રોશનીના લગ્ન માટે ખુબ ચિંતા થતી હતી. આજકાલ કરતા રોશની નોકરી કરતી હતી એને પણ ૪ વર્ષ થઈ ચુક્યા હતા. પણ હજુ રોશનીનું ક્યાંય સગપણ થયું ન હતું.

જયેશભાઈની રોશની લાડકી હતી, આથી એમને હંમેશા એવો ડર રહેતો કે મેં મારી રોશનીને ફૂલની જેમ માવજતથી ઉછેરી છે, ક્યારેય એને ઓછું આવવા દીધું નથી, એના લગ્ન બાદ પણ એ આવી જ રીતે ખુશખુશાલ જીવી શકશે કે નહીં? આ ડરના લીધે જયેશભાઇ આવનાર પ્રસ્તાવની ખુબ તપાસ કરતા એ બાદ જ એ આગળ વધતા હતા. પણ રોશનીનું ભાગ્ય તો અલગ જ લખાયેલું હતું, એની ઝીંદગીમાં કેવા કેવા વણાંક આવવાના એ ક્યાં કોઈ હજુ જાણતું હતું? એક વાક્ય મને યાદ આવે છે, જે રોશની માટે યથાર્થ સાબિત થાય છે," આ જિંદગી છે સાહેબ, પિતાજીનું ઘર નહીં!"

રોશનીની લગભગ દરેક સખીના સગપણ ગોઠવાય ગયા હતા. આથી હવે રોશનીને પણ લગ્નની ઝંખના થતી હતી. એ પણ પોતાનો એક સરસ પરિવાર હોય, જીવનસાથી એની ખુબ દેખભાળ રાખતો હોય એવા સપના જોવા લાગી હતી. સામાન્ય રીતે દરેક છોકરી નું આવું સપનું હોતું જ હોય છે, આથી જ દીકરીઓ પારકા ઘરને અપનાવતા બહુ સમય લગાડતી નથી. બહુ જ થોડા સમયમાં દીકરીઓ વહુ ના હોદ્દાને ખુબ સારી રીતે નિભાવતી થઈ જતી હોય છે. જે આપણા ભારતીય સંસ્કૃતિ માટે ગર્વની વાત છે. પણ, રોશની ના સપનાનો રાજકુમાર હજુ એને મળ્યો નહોતો. રોશનીની લગ્નની જાહેરાત હવે એની નાતના પુસ્તકમાં કે જેમાં લગ્ન ઇચ્છુક લોકો પોતાના નામ નોંધાવી શકે એમાં નામ જયેશભાઈએ નોંધાવ્યું હતું. એક પિતા શક્ય એટલા પ્રયાસ કરશે કે એની કાળજાના કટકા સમાન વહાલસોય દીકરીને માટે એને યોગ્ય જીવનસાથી શોધી આપે. રોશનીના માતા અત્યાર સુધી તો ચિંતા કરતા નહોતા પણ હવે એમને પણ રોશનીના લગ્ન માટે ચિંતા થતી હતી. ચિંતાને લીધે એ ઘણી વાર જયેશભાઈને ટોકતા પણ ખરા કે લગ્ન પ્રસ્તાવને બહુ ઊંડાણમાં તપાસમાં જવાનો સો મતલબ? છોકરા અને છોકરીને એકબીજાને પસંદ એટલે વાત નક્કી જ કરી નખાય! પણ જયેશભાઇ એમને જ્યાં સુધી ઠીક લાગે ત્યાં સુધી માહિતી મેળવતા હતા.

રોશની જ્યાં નોકરી કરતી હતી ત્યાં એક એની ઉંમરનો જ છોકરો પણ નોકરી કરતો હતો. એનું નામ રાજ હતું. રાજ રોશનીને ખુબ પસંદ કરતો હતો પણ ક્યારેય પોતાની વાત એને રોશની ને જણાવી નહતી. પણ રોશનીને રાજના વર્તન પરથી અંદાજ આવી ગયો હતો કે રાજ રોશનીથી પ્રભાવિત છે. રોશની રાજની હાજરીને અવગણતી હતી. એને રાજ પસંદ નહોતો. રાજ જ્યાં હોય ત્યાં રોશની નજર પણ કરતી નહોંતી.

રાજ પણ રોશનીના મનને વાંચી જ લેતો હતો.

આજ નહીં તો કાલે તમને સમજાય જશે,
મારી નિર્દોષ પ્રીત ની જાણ થઇ જશે,
દોસ્ત! ભલે આજ તમે આવું વિચારો..
પણ લાગણી મારી તમનેય પીગળાવી જશે.

શું રાજ રોશનીનું મન જીતવામાં સફળ થશે?
શું રોશની રાજ માટે પોતાના વિચાર બદલશે?
જયેશભાઇ પર નાતના પુત્રને પોતાની વહાલસોય દીકરીને સોંપશે?
રોશનીના ભાગ્યમાં શું હશે એ જાણવા જરૂર વાંચજો આવતું પ્રકરણ : ૨.