Prem Vedna - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વેદના - ૫

આપણે જોયું કે રોશનીએ રાજના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. પણ રોશની એના પપ્પાને આ વાત કેવી રીતે જણાવે એ ઉપાધિમાં હતી. હવે આગળ...

બોલવા જતા મન ખચકાય છે,
કહેવા જતા જીભ અચકાય છે,
મનમાં ખુબ વલોપાત થાય છે,
દોસ્ત! કેમ રજુ કરું મનની વાત?
શબ્દ મન અને મગજ વચ્ચે અથડાય છે!!!

હંમેશા આજ્ઞાકિંત રહેનાર રોશની આજ કોઈ જ વિચાર કર્યા વગર ફક્ત લાગણીવશ થઈને રાજના લગ્ન પ્રસ્તાવનો સ્વીકાર કરીને આવી હતી. રોશની હજુ અમુક જ કલાકોની વાતચીતમાં આ મોટું ડગલું ભરીને આવી હતી. રોશની રાજની સામે રાજમય બની ગઈ હતી, પણ ઘરે પહોંચતા જ અનેક વિચારોમાં સપડાય ગઈ હતી. તેણે પોતે લીધેલ નિર્ણય પર રોશનીને શંકા જતી હતી, એને કઈ જ સમજાતું નહોતું કે એને આટલી મોટી વાત કેવી રીતે સ્વીકારી લીધી... રોશનીને આ બધું એક સ્વપ્ન સમાન લાગતું હતું. પણ ઘરે પહોંચતા જ એ વાસ્તવિકતામાં પ્રવેશી હતી. રોશનીની વ્યથા યથાયોગ્ય જ હતી. એની સાથે એનું ભવિષ્ય એટલું ઝડપી એની ઝીંદગીમાં આવી ગયું કે હજુ પૂર્ણ પણે રોશનીએ સ્વિકારીયું નહોતું, વળી રોશની પોતાના પપ્પાને શું કહેશે કે હું રાજને એકવાર મળી અને હવે મારે એની જોડે લગ્ન કરવા છે!! કેટકેટલી વ્યથા રોશનીને જકડી રહી હતી!! આજ ખરા અર્થમાં એ સમજી હતી કે વ્યથા, ચિંતા એટલે શું?

રોશનીને વિચારોમાં ખોવાયેલ જોઈને જયેશભાઈએ સામેથી રોશનીને પૂછ્યું કે," જોબ પર કોઈ તકલીફ નહીં ને? કે તબિયત ઠીક નથી?

રોશનીને થયું કે પપ્પા મને જોઈને એટલું સમજી જાય છે કે હું કંઈક ચિંતામાં છું તો હું વાત જણાવીશ તો અવશ્ય એ મને સમજી શકશે. રોશનીએ પપ્પાને કહ્યું કે, "મારે જોબની કોઈ ચિંતા નથી. મારે તમને એક વાત કહેવી છે પણ એ કેમ જણાવું એ સમજાતું નથી."

જયેશભાઈએ તરત જ કીધું, " કોઈ જ મન પર ભાર રાખ્યા વગર તું મને કહે તારે જે કહેવું હોય."

રોશનીના પપ્પાના શબ્દો સાંભળી રોશનીને રડું આવી ગયું. એ રુદન પોતે વિચાર્યા વગર લાગણીવશ લીધેલ નિર્ણયનું હતું કે પપ્પા માટે લાગણી હતી એનું એ ખુદ રોશની પણ સમજી શકતી નહોતી. બસ આંખ માંથી આંસુ વહી રહ્યા હતા, અને એ ચુપચાપ બેઠી હતી. જયેશભાઈએ એના માથા પર હાથ મૂકી ફરી પૂછ્યું, "શું વાત છે બેટા કેમ ચિંતામાં છે?"

રોશનીએ ભારી હૃદયે વાત કહેવાની શરૂ કરી હતી. રાજ ની જેટલી માહિતી એની પાસે હતી એ રોશનીએ કહી હતી. રાજે રીટાબેન દ્વારા જે પણ વાત રોશની સુધી પહોંચાડી એ બધી જ વાત પણ કહી હતી. એ અત્યારે રાજને મળીને આવી અને જે પણ ત્યાં વાત થઈ એ બધી જ સત્ય હકીકત પણ એકી શ્વાસે બોલી ગઈ હતી. એ બધી જ વાત પૂર્ણ કરીને રોશની એના પપ્પાને ભેટીને રડવા લાગી હતી.

જયેશભાઈએ રોશનીને કહ્યું કે, "તું કેમ રડે છે? છોકરો સારો હોય, તને પસંદ હોય તો આ ખુશી સમાચાર કહેવાય મારી દીકરી! રાજને ઘરે બોલાવ મારે એને મળવું છે." પછી જયેશભાઈએ એના પત્ની અને પરિવારના બધાને ભેગા કરીને રાજની વાત જણાવી હતી. રાજ વિશે જાણી બધા ખુશ થયા હતા અને બધાને રાજને મળવાની હવે તાલાવેલી લાગી હતી. ઘરનું વાતાવરણ ખુશખુશાલ થઈ ગયું હતું.

એક રોશની જ ખુદ અચાનક પોતાની જિંદગીમાં આવેલ વણાંકમાં ગુચવાયેલ તથા પોતાના જ મનમાં થતા અનેક પ્રશ્નમાં ડૂબેલી હતી. પોતે બધું જ પોતાની મરજી થતું હતું છતાં સ્વીકારી શકતી નહોતી.

મારી જિંદગી અજબનો બદલાવ આપી ગઈ,
ખુશ થાવ કે વ્યથિત થાવ? પ્રશ્નાર્થ આપી ગઈ;

ન ધાર્યું હતું સ્વપ્નમાં એવું ભાગ્ય આપી ગઈ,
સમયને પળમાં પલટાવીને પણ દોસ્ત, વ્યથા આપી ગઈ!

રોશની જ શું પણ કોઈ પણ છોકરી હોય એની સાથે આમ એકાએક કઈ બદલાવ આવે તો એ અચૂક મુંજવણ અનુભવે.. આમા કેટલોક ફાળો રોશનીના મગજમાં ઘરના વાતાવરણને લીધે પોતે પારકી છે એ હતું, તો વળી ક્યારેય એના જીવનમાં કોઈ પુરુષ આવી રીતે વાત કરી શક્યું નહોતું આથી આકર્ષણ પણ હતું કે જેના કારણે લાગણીવશ બની હતી, અને મુખ્ય અંતિમ કારણ રોશનીના જીવનમાં રાજનો પ્રવેશ એ વિધાતાના લેખ હતા. પણ રોશની હવે ઘરથી કોઈ વાત છુપી નહતી આથી હવે થોડી ભારમુક્ત હતી, પણ ગડમથલમાં તો અવશ્ય હતી જ...

રોશની માટેના જે સપના જયેશભાઈએ જોયા હતા એ હવે પુરા થવાના હતા. રોશનીએ રાજને પસંદ કર્યો છે એ એક જ વાત એમને ખુશી આપી રહી હતી. આથી જયેશભાઈએ ન રાજ વિશે કોઈ તપાસ કરાવી કે ન રાજની કુંડળી રોશની સાથે મેળવી.. બસ અપાર ખુશી હતી એમને કે મારી રોશનીના જીવનમાં થોડું મોડા છતાં રોશનીના પસંદનું પાત્ર આવ્યું હતું.

રોશની ને રાજના પરિવાર એકબીજાને મળી શકે આથી રાજ પોતાના પરિવાર સાથે રોશનીના ઘરે જમવા આવ્યો હતો. બંને પરિવાર ભેગા થયા હતા. રાજના મમ્મીને પણ રોશની ખુબ પસંદ આવી ગઈ હતી. બધાની અનુમતિ મેળવીને જયેશભાઈએ લગ્ન મુહર્ત પણ કઢાવી લીધું હતું. ૨ મહિના પછી રાજ અને રોશનીના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા.

જો હોય કુદરતની અનુમતિ તો બધું અનુકૂળ જ હોય,
લખેલો હોય વિધાતાએ લેખ તો એ સૌએ અપનાવેલ જ હોય...

ઘરમાં સૌ ખુબ ખુશ હતા. લગ્નની તારીખ ૨ મહિના પછીની હોવાથી હવે લગ્નની તૈયારીમાં બધા મશગુલ થઈ ગયા હતા. જે સમયની જયેશભાઇ રાહ જોઈ રહ્યા હતા એ સમય હવે બહુ નજીક હતો. જયેશભાઈએ આમંત્રણ આપવા માટેનું લિસ્ટ, લગ્ન માટે હોલ, કરિયાવરમાં આપવાની વસ્તુઓનું લિસ્ટ, સોના-ચાંદીના દાગીનાનું લિસ્ટ,દરેક પ્રસંગની વિધિની વસ્તુઓનું લિસ્ટ, પહેરામણીનું લિસ્ટ, મંડપ, ઢોલી, મહેંદી, અરે બ્યુટીપાર્લર માટેની એપોઇમેન્ટ વગેરે જીણી જીણી બાબતો યાદ કરીને બધું જ ગોઠવણ એમને શરૂ કરી દીધી હતી. કંકોત્રીની પસંદગી માટે એમને રોશની ને બૂમ પાડી અને કીધું કે રોશનીને જે પસંદ હોય એ કંકોત્રી એ પસંદ કરે. અને કંકોત્રીમાં લખવાનું લખાણ પણ એમણે રોશનીને વાંચવા આપ્યું હતું. રોશની એ ૨/૩ કંકોત્રી પસંદ કરી અને એમના ઘરના દરેક સદ્દશ્યને પણ રોશનીએ કહ્યું કે બધાને જે પસંદ હોય એ નક્કી કરીયે. પરિવારના બધાને લગ્ન માટે ઉત્સાહિત જોઈને રોશની ખુશ થતી હતી કે ચાલો રાજ ના આગમનથી પપ્પાને ખુબ ખુશી છે. વળી એ મનોમન પોતાને પ્રશ્ન કરવા લાગી કે હું ખુશ છું કે ખુશ હોવાનું નાટક કરું છું? રોશની પાસે પોતાના જ પ્રશ્ન ના જવાબ હતા નહીં. બસ એ જેમ થતું હતું એ હસતા મોઢે જિંદગી પાસેથી સ્વીકારી રહી હતી.

રોશની જોબ પર હતી ત્યારે રીટાબેન એની જોડે વાત કરવા માટે આવ્યા હતા. એ એક જ એવી વ્યક્તિ હતી જે રોશની ની મનઃસ્થિતિ જાણતી હતી. એમણે રોશની ને કહ્યું," જો રોશની હવે આંગણીના ટેરવે ગણાય એટલા દિવસો તારા અને રાજના લગ્નને છે. તે રાજને જીવનમાં પ્રવેશ આપ્યો છે તો તું એને થોડો વધુ સમય આપ કે જેથી તું એને જાણી શકે સમજી શકે.. લગ્ન બાદ તું ઘરની અને ઑફિસની જવાબદારીમાં એટલો સમય નહીં આપી શકે જેટલો અત્યારે એને આપી શકીશ. જેટલું એની જોડે રહીશ એટલું તને એને જાણવામાં સરળતા રહેશે. જે ડર, કે સંકોચ, કે શંકા તારા મનમાં ઉદભવે છે એ આપોઆપ દૂર થઈ જશે. એ બધા જ તારા પ્રશ્ન પ્રેમમાં રૂપાંતરિત થઈ જશે." રોશનીએ રીટાબેનને ફક્ત સહસ્મિત હા જ કહી હતી.

રોશનીએ રીટાબેનની વાતને માનીને રાજ જોડે શોપિંગ કરવા માટે જવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ ક્યારેક મુવી, તો ક્યારેક ગાર્ડન, મંદિર એમ જુદાજુદા કારણો સર એ રાજ સાથે વધુમાં વધુ સમય પસાર કરતી હતી. જેમજેમ દિવસો પસાર થતા હતા એમ એમ રાજ રોશનીનો વિશ્વાસ જીતવામાં સફળ થતો જતો હતો.

ખુશીનો સમય બહુ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. બધી જ લગ્નની શોપીંગ અને બધા જ કામકાજ પુરા થયા હતા. રાજના ઘરે પણ છાબની તૈયારી, ઘરચોળાની પસંદગી અને દાગીના ખરીદવા જેવા વગેરે કાર્ય પુરા થઈ ગયા હતા.

જયેશભાઈએ જેમ દીકરાના લગ્ન ધામધૂમથી કર્યા હતા એમ જ રોશનીના લગ્ન પણ પુરા કર્યા હતા. વિદાય ની વેળા બધા માટે વસમી બની ગઈ હતી. બધાના ચહેરા પર જે ખુશી હતી એ અચાનક આંસુ બની આંખમાંથી સરકવા લાગી હતી. રોશની બધાને મળી છેલ્લે એના પપ્પાને મળી હતી, એમને ભેટીને એ ખુબ રડી રહી હતી. અત્યાર સુધી કઠણ બનેલ જયેશભાઇ સાવ ઢીલા પડી ગયા હતા. એમની આંખમાંથી પણ ચોધાર આંસુ વહી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને જાનમાં આવેલ લોકોની આંખ પણ ભીની થઈ ગઈ હતી. રોશની કારમાં બેસી ગયા બાદ પણ બાપ દીકરી એકબીજાને જ્યાં સુધી જોઈ સકતા હતા ત્યાં સુધી જોતા રહ્યા હતા. રોશનીને સાંત્વના આપતા રાજે કીધું કે આજ પછી હવે તારી આંખમાં ક્યારેય આંસુ નહીં આવે એનું હું વચન આપું છું. અને બીજું એ કે ક્યારેય એકબીજાને દુઃખ પહોંચાડાય જાય તો તરત એ દુઃખ ના નિવારણ નો રસ્તો કરી આપવાનું પણ હું તને વચન આપું છું. આટલું કહી એ રોશનીને પાણી આપે છે. રોશની પોતાના આંસુ લૂછ્યાં બાદ પાણી પીવે છે.

ન કરવી હોય પારકી છતાં કરવી પડે છે,
સંસારની પ્રથા દરેકને નિભાવવી પડે છે!

રોશની હવે સાસરે જશે ત્યારે ત્યાંની રીતભાતને તુરંત સ્વીકારી શકશે?
જોબ અને ઘરની જવાબદારીમાં એ દરેકને ખુશ રાખી શકશે?
રોશનીની વિદાય બાદ જયેશભાઇ ની શું હશે મનઃસ્થિતિ?
રોશનીએ જોયેલ સ્વપ્ન જેવું જ હશે એનું લગ્નજીવન?
આ દરેક પ્રશ્નના જવાબ તમને મળશે પ્રકરણ - ૬ માં..