Prem Vedna - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વેદના - ૪

આપણે જોયું કે રોશનીની વિચારધારા રાજ માટે થોડી બદલાઈ હતી. હવે આગળ...

મનને જવાબ આપી ગયા એક પ્રેમભરી નજરથી,
મગજને અનેક પ્રશ્નો કરી ગયા એક પ્રેમભરી નજરથી.

રાજના મનમાં અનેક ઉથલપાથલ રોશનીએ રાજ સાથે વાત કરી તેથી થવા લાગી હતી. રાજનું મન હિલોળા ખાતું હતું. એ વિચારતો હતો કે રોશની પણ મને પસંદ જ કરે છે.. વળી રાજે લગ્નનો પ્રસ્તાવ રોશની સમક્ષ મુક્યો એને ઘણા મહિનાઓ થઈ ગયા હતા, છતાં રોશનીએ કોઈ પ્રતિભાવ તો નહોતો આપ્યો, તો શું હું કંઈક ખોટી ગાંઠ બાંધી રહ્યો છું? એવા વિચાર પણ રાજને વિવશ કરી રહ્યા હતા. રોશનીથી અજાણતા જ રાજને મૂક અનુમતિ અપાઈ ચુકી હતી આથી જ રાજ ગડમથલમાં સપડાઈ ગયો હતો. રાજે પોતાના વિચારની હકીકત જાણવા માટે એક ઉપાય શોધી લીધો હતો. રાજે નક્કી કર્યું કે, ફરી રીટાબેનની મદદથી રોશની સાથે એકવાર મળી ને સત્ય જાણવું. બસ આજ આખરી વિચારને એણે ઓપ આપ્યો હતો.

બીજે દિવસે જોબ પર પહોંચ્યા બાદ રાજે રીટાબેનને બધી પોતાના મનની વાત રજુ કરી, અને એકવાર રોશની જોડે મળવા માટેની ઈચ્છા રાજે રીટાબેનને જણાવી હતી. અને આ મુલાકાત માટે રોશનીને મનાવવાની વિનંતી પણ રાજે કરી હતી. રાજની આંખમાં રીટાબેનને સચ્ચાઈ નજર આવતી હતી, વળી રાજ રોશનીને ખુબ પસંદ કરે છે એ રીટાબેન જાણતા જ હતા. આથી રીટાબેને રાજને કહ્યું કે," હું શક્ય એટલો પ્રયાશ કરીશ કે જેથી રોશની તને મળવા માટે હા પાડે, બાકી એ રોશની પર નક્કી રહેશે કે એ આવે કે ન આવે. એ ખુબ સંસ્કારી છોકરી છે આથી એ તને બહાર ક્યાંય મળે એ મને લાગતું નથી, આથી તું કહે તો મારા ઘરે તમે મળીને વાત કરી શકો છો."

રાજે રીટાબેનની વાત મંજુર રાખી અને રીટાબેનનો આભાર અગાવથી જ માની એ પોતાનું જોબનું કામ પતાવવામાં લાગી ગયો હતો.

લંચ બ્રેકમાં રીટાબેનએ રોશનીને રાજે કરી એ બધી વાત જણાવી હતી. રોશની રીટાબેનની વાતનો કઈ જવાબ આપે એ પહેલાજ રીટાબેનએ રોશનીને કીધું કે, " જો રોશની કોઈ જ ઉતાવળમાં જવાબ ન આપતી શાંતિથી વિચાર અને પછી તારો જવાબ જણાવજે. સાથોસાથ એક બીજી વાત પણ કરી કે, "બહુ નસીબદાર વ્યક્તિને રાજ જેટલો પ્રેમ કરનાર મળે છે. એને તારી મર્યાદા જાળવવા જ મારા દ્વારા તારા સુધી વાત પહોંચાડી, બાકી એ કાયર નહીં કે તને સીધી વાત ન જણાવી શકે. મને એવું લાગે છે કે તારે એકવાર રાજને મળવું ત્યારબાદ તું જે નિણઁય લે તે બરાબર જ હશે. તું પણ ખુબ સારું વ્યક્તિત્વ ધરાવે છે જે રાજ માટે યોગ્ય જ છે. શાંતિથી વિચારીને જવાબ આપજે." આટલું કહી રીટાબેન અને રોશની જુદા પડ્યા હતા.

રોશની રાજના વિચારમાં જ ખોવાયેલ હતી. એનું મન કામમાં ચોંટતું નહોતું. રોશનીને શું કરવું એ સમજાતું નહતું. રોશનીએ રીટાબેનની વાત માન્ય રાખી કે એકવાર રાજને મળવું પછી જ આગળ વધવું. રોશનીએ રીટાબેનને રાજને એમના ઘરે મળવાની હા પાડી અને જોબ પરથી છૂટીને મળવાનો સમય નક્કી કર્યો હતો.

આ તરફ રાજ રોશની શું કહેશે? એ વિચારમાં જ બેચેન હતો. રાજ કામ કરવાનું તો નાટક જ કરતો હતો બાકી એનું મન પૂર્ણ પણે રોશનીમાં જ ખોવાયેલું હતું. એના વિચારોને રીટાબેનએ અટકાવ્યા અને રોશનીએ જણાવેલ જવાબ આપ્યો. જવાબ સાંભળી રાજ પોતાની ખુશી જતાવી પણ શકતો નહોતો અને છુપાવી પણ શકતો નહોતો. રીટાબેન રાજની મનઃસ્થિતિ ખુબ સારી રીતે જાણી ગયા હતા. એમણે રાજને મજાકમાં જ કીંધુ કે, "રોશનીએ મળવાની હા પાડી છે લગ્ન પ્રસ્તાવની નહીં." આટલું સાંભળી રાજ પણ હસવા લાગ્યો અને રીટાબેન પણ હસ્યા હતા.

રાજ નો સમય જાણે થંભી ગયો હતો. એ થોડી થોડી વારે ઘડિયાળમાં સમય જોયા કરતો હતો. એને તો આજ રોશનીને બધી જ વાત જણાવી જ દેવી હતી. એનો હરખ સમાતો નહોતો.

રોશનીએ રીટાબેનને હા તો પાડી પણ એ ચિંતામાં હતી કે પોતે જે કરે છે એ યથાયોગ્ય જ છે કે નહીં? શું મારાથી કઈ ખોટું તો નથી થઈ રહ્યું ને? આપણે રોશનીના પાત્રને જોઈએ તો ખરેખર એમ થાય કે જયેશભાઇ ખરેખર ખુબ નસીબદાર છે, બાકી અમુક દીકરીઓ તો માઁ-બાપને અંધારામાં રાખીને પોતાની જિંદગીને જ માણવામાં સમજતી હોય છે. વળી દીકરાઓ તો એમ વર્તે કે જાણે એમને જન્મથી જ મન ફાવે તેમ જીવવાનું લાયસન્સ મળી જ ગયું છે. રોશનીને જેમ જેમ સમય પસાર થાય એમ થતું હતું કે કાશ સમય આજ થંભી જાય! કેટલો વિરોધાભાષ જણાય છે રોશની અને રાજના વિચારમાં. રાજનો સમય જઈ નથી રહ્યો અને રોશનીનો સમય જાણે ઝડપથી વહી રહ્યો હતો..

અંતે એ સમય આવી જ ગયો જે સમયની રાજ રાહ જોઈ રહ્યો હતો. રોશની અને રાજને એકાંત મળે અને શાંતિથી એ લોકો વાત કરી શકે એ માટે રીટાબેન ચા નાસ્તો બનાવવાના બહાને રસોડામાં જતા રહ્યા હતા.

રોશની પોતાની નજર નીચી રાખીને જ બેઠી હતી. રાજ વાત કેમ શરૂ કરવી એ વિચારમાં હતો. રાજે વાતની શરૂઆત રોશની તબિયત હવે કેમ છે એ પ્રશ્નથી કરી હતી. અમુક ઔપચારિક વાત પછી રાજ સીધી મુદ્દાની વાત પર આવ્યો હતો.

રાજે રોશનીને કહ્યું કે," તમને મળવાની કેટલા સમયથી રાહ જોઈ રહ્યો હતો, આજ સામે છો તો વાત કરવા માટે મુદ્દાઓનો સથવારો લેવો પડે છે. હું હવે મારા મનની ચોખ્ખી વાત તમને કહું છું. મારા પરિવારમાં મારા મમ્મી મારો નાનો ભાઈ અને હું અમે ત્રણ જ જણા છીએ. મારા પિતાજી ૭ વર્ષ પહેલા પ્રભુ ચરણ પામ્યા છે. મારો બહુ નાનો પરિવાર છે. હું તમને કોઈ જ વાતની ઓછપ આવવા નહીં દવ. સરકારી સારા પગારની નોકરી છે. ઉચ્ચકુળનો પુત્ર છું. પાણી માંગશો તો દૂધ હાજર કરીશ, એક પણ આંસુ જમીનપર તમારું નહીં પડે એનું વચન આપું છું. મારા રાજમાં તમને રાણીની જેમ રાખીશ. તમારો જે પણ જવાબ હશે એ મને કબુલ છે." આટલું એ એકી શ્વાસે રોશનીને બોલી ગયો.

રોશની હજુ પણ આંખ નીચી રાખીને જ સાંભળી રહી હતી. રાજે પોતાના વોલેટમાંથી એક રિંગ કાઢી અને રોશની તરફ હાથ લંબાવતા બોલ્યો, શું તમે મારી સાથે લગ્ન કરશો?

શું થયું કે અચાનક રોશની પીગળી ગઈ, અત્યાર સુધી મૂક બનેલી રોશનીની આંખમાં આંસુ આવી ગયા. એ મનોમન બોલી કે શું વિધાતાએ ખરેખર આજ મારા લેખ લખ્યા હશે? આથી જ મારા જીવનમાં કોઈ હજુ પ્રવેશ્યું નહીં? રાજ મારે માટે યોગ્ય છે? એની વિચારધારા રાજે તોડી, એ બોલ્યો કે, "રોશની હજુ તારી નજરમાં મારી કોઈ જ કિંમત નહીં? તને ખુબ પ્રેમ કરું છું, તું મારા જીવનમાં હશે તો હું મારી જિંદગી ખુબ ખુશીથી જીવી શકીશ. અન્યથા આ જીવનનું મારે મન કોઈ મોલ નથી."

રાજની વાત રોશનીને હચમચાવી ગઈ હતી. શું થયું કે રોશનીથી અચાનક રાજને હા પડાઈ ગઈ હતી. અને રોશની રાજને હા પાડે એ તો વિધાતાના લેખ જ હતા, આથી એ થવાનું જ હતું.

રાજ ખુબ ખુશ થઈ ગયો અને એને રોશનીને પેલી રિંગ પહેરાવી દીધી હતી. રોશનીએ રાજને કીધું કે, "હું અત્યારે આ રિંગનો સ્વીકાર ન કરી શકું, પેલા ઘરે વાત કરું પછી હું એ સ્વીકારીશ." બંને ના મનનો ભાર જાણે હળવો થઈ ગયો હતો. બંને ખુબ ખુશ હતા. બંનેને ખુશી હતી કે પોતાને યોગ્ય પાત્ર એ પામ્યા છે.

રીટાબેન ચા નાસ્તો બનાવીને આવી ગયા હતા. એમને સમજતા વાર ન લાગી કે, બંને હવે એકમત ધરાવે છે. એમને હસતા મુખે બંનેને કીધું કે મને તમારા લગ્નની સ્પેશ્યલ પાર્ટી જોશે. રાજ તરત જ બોલ્યો એ તમને અવશ્ય મળશે જ, આજ તમારા લીધે જ રોશની મારા જીવનમાં પ્રવેશી છે.

રોશની પોતાના ઘરે જતી વખતે વિચારી રહી હતી કે, હું પપ્પાને કેમ રાજ વિશે જણાવું? આજ સુધી પપ્પાને મારે કોઈ જ વસ્તુ પણ માંગવી પડી નહીં, અને મારા જીવનનો આટલો મોટો ફેંશલો હું કેમ પપ્પાને જણાવીશ? મારી જીભ કેમ ઉપડશે? આવા વિચારમાં એ ઘરે પહોંચી ગઈ હતી.

કહીને જણાવવામાટે તો ઘણા પુસ્તકો મળી જશે,
પણ દોસ્ત! કાશ કે કહ્યા વગર જણાવી શકાય એવો દુનિયામાં ક્યાંક ચહેરાનો હાવભાવ મળી જાય!...

શું રોશની ની વાતનો સ્વીકાર જયેશભાઇ કરશે?
બંનેના પરિવાર આ લગ્ન માટે રાજી હશે?
શું લખ્યું હશે વિધાતાએ રોશનીનું દાંપત્ય જીવન?
આ દરેક પ્રશ્નના જવાબ તમને મળશે પ્રકરણ : ૫ માં...