Prem Vedna - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વેદના - ૨

અત્યાર સુધી આપણે જોયું કે રોશનીના લગ્નની ચર્ચા થઈ રહી હતી, પણ રોશનીને યોગ્ય કોઈ પ્રસ્તાવ આવ્યો નહોતો, રોશની જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેનો સહકર્મી રાજ રોશનીથી પ્રભાવિત હતો. હવે આગળ...

આંખ બંધ કરું તો તું નઝર આવે,
ખુલી આંખે બધામાં તું નઝર આવે,
ઘડીક વિચારું કે ખરી કોણ તું?
પણ જે ચહેરે હૃદય પણ ધબકાર ચુકે એ સમયે નઝર સામે તું આવે.

રાજના મનમાં રોશની નામ જ ગુંજતું હતું. રોશની રાજની અવગણના કરતી હતી, આથી રાજ માટે રોશની એક જીદ બની ગઈ હતી. એ જીદ રાજને પુરી જ કરવી હતી. રાજનો પ્રેમ ક્યારે જીદમાં રૂપાંતર થઈ ગયો એનો એને પણ ખ્યાલ ન હતો. પણ એટલું ખરું કે રોશની માટે કોઈ નુકશાન પહોંચાડતો નહતો, બસ એટલું જ ઈચ્છતો હતો કે રોશનીની સાથે એ પોતાની આખી જિંદગી ખુશીથી પુરી કરે. રાજ પોતાના સપનાને પૂરું કરવા શું કરવું એ વિચારી રહ્યો હતો.

રોશની રોજની માફક પોતાનું કામ પતાવી ઘરે જવા નીકળી રહી હતી. રાજને થયું કે હવે એને બહુ સમય રોશની સાથે વાત કરવામાં લગાડી દીધો છે, ક્યાંક બહુ મોડું થઈ જશે તો રોશની કોઈક બીજા જોડે પરણી જશે... આવો વિચાર આવતા જ એ ગભરાય ગયો. ભાનમાં આવ્યો પણ ત્યાં સુધીમાં રોશની નીકળી ગઈ હતી. અને રાજને થયું કે આજનો દિવસ પણ રોજની જેમ જ જતો રહ્યો! એ મનોમન બબડ્યો કે, "કાલ હું ચોક્કસ રોશનીને મારા મનની વાત જણાવીશ."

રોશની આજ ઘરે જવાને બદલે એ એની સખીને મળવા એના ઘરે ગઈ હતી. ત્યાં બંને સખીઓ ચા નાસ્તો કરતા વાતો કરી રહી હતી. વાતોમાં ને વાતોમાં બીજી બધી સખીઓની પણ વાત થઈ હતી. આ બધી ચર્ચામાં રોશનીને થયું કે લગ્નજીવનનો લાડુ ખાવો તો પણ પચાવવો અઘરો છે. એ પોતાના ઘરે જતા રસ્તામાં વિચારતી હતી કે આમ તો સારું જ છે કે હું હજુ કોઈ જોડે જોડાણી નહીં, એ આજ પોતાના એકલપણાને લીધે જાતને નસીબદાર માની રહી હતી. ક્યારેક એને દુઃખ થતું તો ક્યારેક ગુસ્સો પણ આવતો કે હું જ કેમ હજુ અવિવાહિત છું? પણ આજ જાણે ભગવાને એને જવાબ આપ્યો હોય એવું રોશનીને લાગ્યું હતું.

દૂર સુધી આજ નજર ફરી-વળી;
મુંજને જ હું જ્યાં હતી ત્યાં જ મળી,

હતું તે થયું ન્હતું પલમાં વળી;
એકલતામાં સંપુણઁ, મારી જાતને મળી,

ક્રોધ-ડર-ચીંતા-દ્રીધા પલમાં ટળી;
વીશાળ રણમાં પણ સંતુષ્ટ એવી મુજને મળી,

કહું છું દોસ્ત! હળવેકથી તને વળી;
અસફળતામાં જ હું મુંજને સફળ મળી!

રોશનીનું મન હવે લગ્નજીવન માટે કોઈ ખાસ રસ ધરાવતું નહતું. એને થયું કે જે ભાગ્યમાં હશે એ થશે હું અત્યારે પણ ખુશ જ છું ને! આવા વિચારોમાં ક્યારે એને ઊંઘ આવી ગઈ એની રોશનીને ખબર પણ ન રહી.

રોશનીની આજની સવાર કંઈક અલગ જ હતી. એનું મન એક સંતોષ સાથે સવારની ચહલપહલને માણવા લાગ્યું હતું. આજ એ ખુબ ખુશ હતી, એનું સૌંદર્ય એ ખુશ હોવાથી વધુ નીખરી રહ્યું હતું. એના ચહેરાની ચમક જયેશભાઇ નીરખી ગયા હતા. એ બોલ્યા,"બેટા આજ બહુ ખુશ છે? કંઈ ખાસ વાત તો નથીને?"

રોશની બોલી, "ના પપ્પા એવું કંઈ જ ખાસ નહીં, બસ એમ જ આજ આરામ સરખો થયો તેથી મન પ્રફુલ્લિત છે."

રોશની એની જોબ પર પહોંચીને એનું આજના દિવસનું કામ કેટલું કરવાનું છે અને કેમ કરવું એ પ્લાન કરી રહી હતી. રોજ એ આમ જ પ્લાનિંગથી જ કામ પતાવતી, આથી જ તો એનું કામ બધું જ પ્રોપર રહેતું હતું. સ્ટાફમાં એની પ્રસંશા બધા જ કરતા હતા. રોશની એના કામમાં મશગુલ હતી અને રાજ એ વાતમાં મશગુલ હતો કે રોશની સાથે કેમ વાત કરવી? રોશની રાજને એક પણ મોકો આપતી નહોતી કે રાજ એની નજીક આવી શકે. રાજે નક્કી કર્યું કે હું મારી મનની વાત ઓફિસમાં બીજા સહકર્મી બેન છે એમના થકી રોશની સુધી વાત પહોચાડું, જેથી સ્ટાફમાં બીજા લોકોને પણ કંઈજ જાણ ન થાય અને રોશનીને મારા મનની વાત પણ પહોંચી જાય. આમ વિચારી એ રીટાબેનને બધી વાત કરે છે અને પોતાની લાગણી રોશની સુધી પહોંચાડવા માટે વિનંતી કરે છે.

રોશની આ બધી જ ચર્ચા થી અજાણ પોતાના કામના લક્ષને પૂરું કરવા મથતી હતી, ત્યાં રીટાબેન એની પાસે ગયા અને એમને રાજે કીધેલી બધી વાત રોશનીને કરી. રોશનીએ વાત સાંભળી કોઈ જ પ્રતિભાવ આપ્યો નહીં. એ ફરી એના કામમાં લાગી ગઈ હતી. આ તરફ રાજને રોશનીએ કોઈ જ પ્રતિભાવ ન આપતા એ અવાચક બની ગયો હતો. એને એવું થયું કે રોશનીને પૂછું કે તું આટલું કઇ વાતનું ગુમાન રાખે છે? રાજ માંડ પોતાના વિચારને કન્ટ્રોલમાં રાખે છે. એ આવેશમાં આવી ગયો હતો.

રોશની જોબ પર તો નોર્મલ રહી હતી પણ રાત્રે પથારીમાં ઊંઘતા સમયે એ વિચારમાં પડી, રાજ લગ્ન પ્રસ્તાવ સુધી આગળ વધી જશે એ વાતનો રોશનીને અંદાજ નહતો. એ રાજને છેલબટાવ છોકરો ગણતી હતી કે જે દરેક છોકરીને આજ રીતે જોતો હોય. રોશનીને મનોમન થયું કે હજુ કાલ સુધી હું ઈચ્છતી હતી કે મારા જીવનમાં મને જીવનસાથી મળે, આજ મેં મારા વિચાર બદલ્યા અને આ રાજ આમ અચાનક પોતાની લાગણી જતાવી ગયો! હે ભગવાન! તમે શું ઈચ્છો છો એ હું સમજી શક્તિ નથી. રોશનીને એના ગઈ કાલ રાતનાં શબ્દ યાદ આવ્યા,"જે ભાગ્યમાં હશે એ થશે." એના આ શબ્દોના લીધે એ ફરી રાજના વિચારમાં પડી ગઈ. પછી પોતે જ વિચારવા લાગી, પપ્પા જે કરશે એ જ યોગ્ય હશે.

રાજ પોતાની લાગણી રોશની સમક્ષ દર્શાવી શકશે? કે રોશની માટેના વિચારને ભૂલી જશે..
શું રોશની લગ્નજીવન એ જિંદગીનો એક ભાગ છે એ વાસ્તવિકતા સ્વીકારશે?
રોશનીના જીવનમાં રાજ પ્રવેશી શકશે? એના જવાબ મળશે તમને પ્રકરણ : ૩ માં...