Prem vedna - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વેદના - ૬

આપણે આગળ જોયું કે, રોશની પોતાની મરજીથી જ રાજ જોડે પરણી રહી હતી છતાં એ હજુ હકીકતને દિલથી સ્વીકારી શકી નહોતી. હવે આગળ...

રોશનીનું સાસરામાં ખુબ સુંદર રીતે સ્વાગત થયું હતું. રોશનીના સાસુએ અને દેવર એ રોશનીને ખરા મનથી સ્વીકારી હતી, આથી રોશનીને પણ સાસરામાં સેટ થવું સરળ બની ગયું હતું. જોબ અને ઘરની જવાબદારી રોશની સારી રીતે નિભાવી રહી હતી, એ એટલા માટે શક્ય બન્યું હતું કારણ કે એના સાસુ પણ થોડું કોમ્પ્રોમાઈઝ કરતા હતા. જીવન તો જ સરળ બને જો ઘરના દરેક લોકો થોડું બીજાને સમજી શકે, એકબીજાને અનુકૂળ હોય એમ રહી શકે.. રોશની તો બહુ જ ખુશ રહેવા લાગી હતી. રાજ ના શબ્દ એને વારે ઘડીયે યાદ આવી જતા હતા કે, "મારા રાજમાં તને રાણીની જેમ રાખીશ." ખરેખર રોશની એવું જ વૈભવ ભોગવી રહી હતી. રોશનીના કાલ્પનિક લગ્નજીવન કરતા પણ વધુ ખુશી એ મેળવી રહી હતી.

આ તરફ જયેશભાઈને પોતાની લાડલી રોશની વગર ઘર સૂનું લાગતું હતું. ક્યારેય એના મામાના ઘરે પણ રોકવા ન ગયેલ રોશની સાસરે ખુશ તો હશે ને? એવા વિચાર જયેશભાઈને રોશની જોડે વાત કરવા માટે વિવશ કરી રહ્યા હતા. જયેશભાઇ દિવસમાં ૩/૪ વાર રોશનીને ફોન કરી વાત કરવાનું ચુકતા નહોતા. હંમેશા રોશનીનું મોઢું જોઈને જ બહાર જવાની ટેવ વાળા જયેશભાઇ હવે રોશનીનો ફોટો જોઈને ઘરની બહાર નીકળતા હતા. દીકરી ગામમાં જ સાસરે હતી આથી જો મળવાનું મન થાય તો એ તરત મળી શકે એવો વિચાર જયેશભાઈને ખુબ ખુશ કરી દેતો હતો. પણ હજુ બધું નવુંનવું હોવાથી એ રોશનીના ઘરે જવાનું માંડી વારતા હતા.

રીતરિવાજ મુજબ રોશનીને પગફેરા માટે હવે એના પિયર જવાનું હતું. રાજ સાથે વિતાવેલ થોડા દિવસો એની જિંદગીના બધા દિવસોને હરાવી ગયા. કારણ કે રોશનીને ઘરે જવાનું મન તો ખુબ થતું હતું પણ રાજ વગર કદાચ એને હવે નહીં ગમે એવું એ અનુભવી રહી હતી. ઘરે જતા પહેલા એ રાજને વળગી પડી હતી. અને એને રાજને કહ્યું," જો મેં તમારા પ્રસ્તાવનો સ્વીકાર ન કર્યો હોત તો હું ખરેખર બહુ મોટી ભૂલ કરત."

રાજે તરત એની વાત ઝડપીને પ્રતિઉત્તર આપ્યો," એમ તને મનાવ્યા વગર હું થોડી રહું. " અને પછી બંને ખડખડાટ હસી પડ્યા હતા.

રોશની એના ઘરે પહોંચી ત્યારે બધા તેની રાહ જોઈ રહ્યા હતા. થોડા દિવસો જાણે વર્ષો વિતાવી ગયા હોય એમ એ એના પપ્પાનો ચહેરો શોધી રહી હતી. જયેશભાઇ સૌથી છેલ્લે ઉભા હતા. એ પપ્પાને જઈને ભેટી પડી. અને મનોમન વિચારી રહી કે,"લગ્ન બાદ એક સ્ત્રીનું જીવન કેવું બની જાય! પોતાના પિયરને પણ છોડી ન શકે છતાં છોડવું પડે અને પિયર હોય તો પતિદેવની યાદ આવે.. બંનેના મોહમાં ઈચ્છાઓ અપૂર્ણ જ રહે."

રાતનાં જમીને રોશની ઊંઘવા જતી હતી ત્યારે એને રાજ નામનો ભણકારો સંભળાયો હતો. દિવસ રાત સતત રાજના નામને સાંભળનારી રોશનીને હવે રાજની ટેવ પડી ગઈ હતી. છેલ્લા ૩ કલાકથી અલકમલકની વાતોમાં રાજના નામનો ઉલ્લેખ થયો નહોતો. રાજના વિચારમાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એની પણ એને જાણ ન રહી.

આંખોથી પણ ગુસ્તાખી થવા લાગી જે તમારું નામ સાંભળી ચોકી ઉઠતી હતી એ તમારું નામ સાંભળે પછી જ બંધ થાય છે!

રોશનીનો સમય જાણે ધીમો જઈ રહ્યો હતો. બપોરે તો રાજ એને તેડવા પણ આવવાનો હતો છતાં આજ બપોર થવાનું નામ લેતી નહોતી.

તમારી આ તે કેવી ટેવ પડી છે,
ન લાગે ક્યાંય જીવ કે ન લાગે ક્યાંય ચેન;
વિચારું જયારે ત્યારે મનમાં થાય કે, ભાગ્યવાન ને જ હોય આવી દેન.

રોશનીના ૨ મહિના ખુબ સરસ રીતે વીતી ગયા હતા. હવે એ બધું જ આપણું એવું અનુભવી રહી હતી. રોશની આ બધું આવું જ કાયમ રહેશે એવું માની રહી હતી પણ એ એના ભાગ્યમાં નહતું.

સમય જેમ વહી રહ્યો હતો એમ બધા ના મનમાં પણ દ્રેષ વહી રહ્યો હતો. એક માઁ થી પોતાનાથી વિશેષ કાળજી પત્નીની રાખતા પુત્રને એ જોઈ શકતા નહોતા, ભાઈ પૂર્ણ પણે રાજ પર જ નિર્ભર હતો આથી એને પણ હવે થોડો ભેદ લાગતો હતો. સ્વાર્થ દરેક સંબંધને તોડવી શકે એવી ક્ષમતા ધરાવી શકે છે એ રોશનીને હવે અનુભવવાનું હતું. બધું પાણીના રેલા જેમ જતું અચાનક અટકવા લાગ્યું હતું. હવે રીતસર જોબ અને ઘરની જવાબદારીને નિભાવવામાં રોશનીને દોડાદોડી કરવી પડતી હતી. પણ ભોળી રોશનીને હજુ બધાનું કપટ નજરમાં આવતું નહતું. એ પોતાની ફરજ સમજીને એ બધું જ ખુશીથી અને હસતા મોઢે કરી રહી હતી. રોશનીનું હાસ્ય હવે એના સાસરીવાળાને સહન થતું નહતું. વગર કારણે ઘરમાં ઝગડા થવા લાગ્યા હતા. બસ ગમેતેમ હોય છતાં રોશની રાજને કોઈ જ વાત જણાવતી નહતી, એ રાજને આવી બાબતોની ચિંતા આપવા ઈચ્છતી નહતી.

રાજ જો રોશની એને કઈ કહે તો જ એ સમજી શકે એવું નહતું, પણ એ બધા સંબંધમાં કોને સમજાવવું એ બાબતે વિવશ હતો.

રાજ રોશનીને ખુશ રાખવાની પૂરતી કોશિષ કરતો હતો. એને ઘર વચ્ચેનો સુમેળ કાયમ યથાવત રહે એ માટે એક વચલો રસ્તો શોધી લીધો હતો. રાજે પોતાની જોબની બદલી કરાવવાની પહેલ જોબ પર મૂકી હતી.

સ્ત્રીના જીવનનું સૌથી મોટું સુખ કે એ ગર્ભવતી બની છે એ કર્ણપ્રિય શબ્દ પ્રથમ વાર એને સાંભળવા મળે એ છે. એ શબ્દોની જે ખુશી હોય એ જણાવવી કે વર્ણવી અશક્ય છે, એ બસ અનુભવી શકાય છે. આવી જ કંઈક સુંદર અનુભૂતિ રોશની અનુભવી રહી હતી. એક નાનકડા સભ્યનું આગમન ફરી દરેકના મનમાં લાગણી અને હૂંફ જગાવી ચૂક્યું હતું. રોશનીના સાસુજી પુત્ર મોહની આશામાં માખણ જેવા કુણા બની ગયા હતા. એ રોશનીનું ખુબ જ ધ્યાન રાખતા હતા. રોશની માટે બધી જ ફરજ નિભાવી રહ્યા હતા. આ દરમ્યાન રોશનીના દેવરના લગ્ન પણ થઈ ચુક્યા હતા. હવે રોશની જેઠાણી બની ગઈ હતી. રોશનીની પ્રથમ પ્રસુતિ પિયરમાં જ હોય એવી પ્રથા હોવાથી એ પોતાના સીમન્તોસ્તવ પછી પિયર જતી રહી હતી. અને સાથોસાથ રાજની જોબ પણ ઉના ટ્રાન્સફર થઈ ચુકી હતી. બધું જ વ્યવસ્થિત ગોઠવાતું હોય એવું લાગી રહ્યું હતું.

આજ દિનાંક ૧૦/૭/૨૦૦૬ના રોશનીએ પુરા મહિને એક સુંદર પુત્રીનો જન્મ આપ્યો હતો. પુત્રીનો જન્મ ઓપરેશનથી કરવામાં આવેલ હતો. પણ બંનેની તબિયત સારી હતી એ વાત વધુ ખુશીની હતી. દેખાવે રૂપાળી, કોમળ લાગતી બાળકીનું નામ 'પરી' રાખવામાં આવ્યું હતું. રાજ ખુબ ખુશ હતો. રોશનીનો આખો પરિવાર પણ ખુબ ખુશ હતો. એક રોશનીના સાસુજીના મનમાં ખટક હતી, કે પુત્ર ના સ્થાને પુત્રી જન્મી હતી. સાસુજીની આ વિચારધારા ફરી એને એના મૂળભૂત સ્વભાવ તરફ ઢાળી ચુકી હતી. દાદી બનવાની ખુશી એ માણી જ ન શક્યા. જાણે એ એમના ભાગ્યમાં જ ન હતું....

રોશની પોતાના જીવનના અમૂલ્ય દિવસો માણી રહી હતી. રોશનીને એના અને રાજના ગાઢ પ્રેમની નિશાની રૂપ પરીનું આગમન ખુબ આનંદિત કરી રહ્યું હતું. રોશનીને જોઈને જયેશભાઇ પણ ખુબ ખુશ રહેતા હતા. રોશની એના જીવનના આ સુંદર બદલાવને મન ભરીને માણી રહી હતી.

આ તરફ રાજનું ઉનામાં થેયલ ટ્રાન્સફર પણ ઉચિત સાબિત થયું હતું. આથી રાજે ઉનામાં ભાડે મકાન રાખ્યું હતું. ઉનામાં રાજના જીવનમાં ત્યાંના સ્ટાફમાં એક સંજના નામની છોકરી હતી એનો પ્રવેશ થયો હતો. એના પ્રવેશથી રોશનીના જીવનમાં અનેક ઉતારચડાવ થવાના જણાય રહ્યા હતા. આ બધી જ વાત થી અજાણ રોશની એની પરીની માવજતમાં, એને રમાડવામાં મશગુલ રહેતી હતી, છતાં થોડો સમય મળે કે તરત રાજનો સંપર્ક કરવાનું ચૂકતી નહોતી પણ રાજ રોશની અને એની વચ્ચે રહેલા આ અંતરનો દુરપયોગ સંજના સાથે સમય વીતાવવામાં કરી રહ્યો હતો. રાજમાં આવેલ પરિવર્તનને રોશની હજુ સમજી શકી નહોતી.

પ્રેમ ને હજુ તો ક્યાં હું સંપૂર્ણ પણે જાણું છું?
અધુરી જાણકારીને દોસ્ત! હું ભોળી બની માણુ છું.

રોશની ના જીવનમાં શું થશે ઉતારચઢાવ?
રાજ દ્વારા શું થશે રોશની સાથે વિશ્વાસઘાત?
સંજનાનું આગમન શું બનશે બે પ્રેમીના જીવનનું ભંગાણનું કારણ?
થશે શું પરિવારની સ્થિતિ ? એ દરેકના પ્રશ્નનો જવાબ તમને મળશે પ્રકરણ : ૭ માં...