Prem vedna - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ વેદના - ૭

આપણે જોયું કે રોશની પોતાની વહાલસોય દીકરીની સંભાળમાં વ્યસ્ત હોય છે છતાં એ રાજનો જયારે સમય મળે કે તરત સંપર્ક કરતી રહેતી હોય છે, પણ રાજ રોશની અને પોતાની વચ્ચે રહેલા અંતરનો દૂરપયોગ સંજના સાથે સમય વીતાવવામાં કરી રહ્યો હતો. હવે આગળ..

ખરાબ તમે નહીં પણ ખરાબ સમય આવી જાય છે,
ખુબ હોય છે પ્રેમ છતાં ઓછપ વર્તાય જાય છે,
થાય એવા સંજોગ કે નિખાલસ્તામાં પણ ખોટ આવી જાય છે,
છતાં કહું દોસ્ત એટલું જ કે ફક્ત વિશ્વાસ પર જ આખું આવરદા જીવાય જાય છે...

રોશનીને થોડો ફેરફાર રાજના વર્તનમાં હવે જણાય રહ્યો હતો, કારણ કે રોજ રોશની જ રાજનો સંપર્ક કરતી હતી. છતાં પણ એ એવું વિચારીને પોતાના પ્રેમ પર વિશ્વાસ રાખતી હતી કે નવી જગ્યા છે એટલે કામ માં થોડી ગુંચવણ રહેતી હશે, નહીતો રાજ મારે માટે ફ્રી ન થઈ શકે એ શક્ય જ નહીં? આમને આમ પરી ના જન્મને ૩ મહિના વીતી ચુક્યા હતા. હવે રોશની પરીને લઈને સાસરે પ્રયાણ કરવાની હતી. રોશનીને સાસુજીના બદલાયેલા રંગરૂપ સમજમાં આવી ગયા હતા, આથી એ રાજ જોડે સીધી ઉના જ ગઈ હતી. હવે રોશનીને એના જીવનના બધા જ ઉતારચઢાવ એકલા હાથે સહેવાના હતા.

રોશનીના સાસુએ પોતાના પૌત્ર ઈચ્છાના રંગની અસર રાજ પર પણ ચડાવી દીધી હતી. રાજ ખુલ્લામને પરીનો સ્વીકાર કરતો નહોતો. આ પ્રથમ ધ્રાસ્કો રોશનીને હચમચાવી ગયો હતો. છતાં એ ખુબ ઠંડા કલેજે એ વર્તનને પચાવતી હતી. રોશનીને ઘણી વાર થતું હતું કે એ રાજને કહે કે, જેના પારણે પ્રથમ દીકરી અવતરે એ ખરેખર ખુબ પુણ્યશાળી હોય તો જ ભગવાન આવા ભાગ્ય આપે છે. પણ એના શબ્દ ગળામાં જ ધરબાયેલા રહ્યા બહાર આવી શક્યા નહીં. પણ સમય જતા આપમેળે જ પરી માટે રાજને લાગણી ઉદ્દભવવા લાગી હતી. એ પરીને ખુબ ચાહવા લાગ્યો હતો. જેવી લાગણી જયેશભાઈને રોશની માટે હતી એવી જ લાગણી એ રાજ ને પરી માટે છે એવું રોશની અનુભવી રહી હતી. રોશની મેટરનિટી રજા ઉપરાંતની રજા રાખીને પોતાની દીકરીની સંભાળ રાખી રહી હતી.

રાજના સંજના સાથેના સબંધ ગાઢ થઈ રહ્યા હતા. રાજને રોશની અને સંજના બંને માટે સરખી લાગણી ઉદભવી ચુકી હતી. સંજના રાજ પરણિત છે એવું જાણવા છતાં રાજના જીવનમાં વધુ પ્રવેશતી જતી હતી.

રોશની હજુ અંધારામાં જ ખુશખુશાલ જિંદગી જીવી રહી હતી. એ એવા વહેમ માં જ હતી કે રાજ મારા સિવાય કોઈ માટે પોતાની નજર પણ ઉંચી ન કરે!

રાજ હવે બિન્દાસ રોશનીના વિશ્વાસનો ફાયદો ઉઠાવવા લાગ્યો હતો. સંજનાને પોતે સ્ત્રી હોવા છતાં એક સ્ત્રીના જીવનને ગુચવાડતાં જરા પણ શરમ અનુભવાતી નહોતી. કહેવાય છે ને કે એક સ્ત્રી જ સ્ત્રીની દુશમન હોય છે.. રાજ પણ પોતે કરેલ દરેક સાતફેરાનાં વચનને તોડી રહ્યો હતો. રાજ લગ્નના ટૂંક સમયમાં જ આવું બીજું સ્વરૂપ મુખ પર ચડાવીને રોશની જોડે વિશ્વાસઘાત કરી રહ્યો હતો.

રોશની હવે પોતાની જોબ પર હાજર થઈ ગઈ હતી. બંને એક જ ઓફિસમાં હોવાથી રોશનીની ટ્રાન્સફર પણ ઉના થઈ ગઈ હતી. રોશની ઓફિસમાં સંજનાને મળી હતી. રોશની એટલી નિખાલશ હતી કે સંજનાના મનના કપટને ઓળખી શકી નહીં. ધીરે ધીરે સંજનાએ રોશની સાથે મિત્રતા કરી લીધી અને રાજના સંપર્કમાં વધુ રહી શકવાનો રસ્તો બનાવી લીધો. સમય જતો ગયો પણ રોશનીને હજુ રાજ અને સંજનાની રમત સમજાણી નહોતી.

એક દિવસ રાજ એનો મોબાઈલ ઘરે ભૂલી ને બજારમાં અમુક વસ્તુ લેવા માટે ગયો. એજ દરમિયાન સંજનાનો કોલ આવ્યો. સંજના નો કોલ જોઈને રોશની ઘડીક વિચારમાં પડી કે સંજના કેમ રાજને કોલ કરે? એ કોલ ઉપાડે એ પહેલાજ રિંગ પુરી થઈ ગઈ. અને સંજનાએ ફરી રિંગ ન કરી. રોશની સંજનાનો કોન્ટેક કરવા જ જતી હતી ત્યાં પરી ઉઠી, ઊંઘમાંથી ઉઠી એટલે એ રડી રહી હતી. રોશની પરીમાં ગુંચવાઈ ગઈ અને સંજના ને ભૂલી ગઈ.

રોશનીને અંધારામાં રાખી રાજ સંજનાના સંપર્કમાં રહેતો હતો એ વાત હવે રોશની સમક્ષ કુદરત રજુ કરવાની હતી. ઓફિસમાં પણ ઘણાને આ પ્રકરણની ગંધ આવી ગઈ હતી. એમાંથી એક સહકર્મી ભાઈએ રોશનીને રાજ અને સંજના વિશે ચોખ્ખુ તો નહીં પણ આડકતરી માહિતી જણાવી હતી. રોશની તો સાવ અવાચક બની ગઈ, એને શું પૂછવું? શું કહેવું? કઈ સમજાણું નહીં. બસ એની આંખના આંસુ રોશનીનો સાથ છોડી વર્ષી રહ્યા હતા.

રોશની ઘરે આવી એ પોતાના ઘરના મંદિરમાં રહેલ કૃષ્ણની મૂર્તિ સામે બેસી મનોમંથન કરી રહી હતી. ખુબ આઘાત પામી હતી, ક્યારેય કોઈ પર પુરુષ માટે ખરાબ દ્રષ્ટિ ન ધરાવતી રોશની આજ એના પતિ માટેની ચરિત્રની વાત સાંભળી એ પચાવવા અસમર્થ હતી. એને જયેશભાઇને આ વાત જણાવી પોતાની મનની વ્યથા કહી હતી. રોશનીના પિતાએ રોશનીને કહ્યું કે," જો બેટા હું એવું નહીં કહેતો કે આ બધું ખોટું હોય પણ તું પેલા તપાસ તો કરી જો. પછી આગળ શું કરવું એ વિચારશું."

રોશનીએ પિતાની વાત માની રાજ નાહવા ગયો ત્યારે એનો મોબાઈલ ચેક કર્યો હતો. મોબાઈલ ચેક કરી રોશની દંગ રહી ગઈ, એની આખો બધા msgs વાંચી પહોળી થઈ ગઈ. રોશની મહામહેનતે પોતાની જાતને સાચવી શકી. રાજ નાહીને બહાર આવ્યો એટલે રોશનીએ સીધો જ પ્રશ્ન કરી દીધો કે, મારી સાથે વિશ્વાસઘાત તમે કેમ કર્યો? મારામાં શું કમી તમને લાગી કે આમ સંજના જોડે વાતો કરો છો? રાજ રોશનીની આમ સીધી વાત સાંભળી એને શું જવાબ આપવો એ બાબતે વિવશ બની ગયો. કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ રાજની બની હતી. રોશની હજી પૂછી જ રહી હતી કે એકવાર પણ તમને આપણી પરી યાદ ન આવી? ક્યાં મોહમાં તમે આમ મારી સાથે કપટ કરવા લાગ્યા? રોશની ચોધાર આંસુએ રડી રહી હતી અને પોતાના મનની બળતરા રાજ પર ઠાલવી રહી હતી. રાજ મીંઢો બની ચુપચાપ બધું સાંભળી રહ્યો હતો. એની પાસે કોઈ જ બહાનું પણ ન હતું કે એ કઈ સફાઈ આપી શકે. રોશની સત્ય હતી આથી એના આંસુ લુછવા પણ એ હાથ ઉંચો કરી શક્યો નહીં. રોશની રાજને બોલી કે, "તમે કહેતા હતાને કે મારા આંસુ ક્યારેય જમીન પર નહીં પાડવા દયો, તમે તો મારી જિંદગી જ આંસુ બનાવી દીધી." આટલું બોલી એ પોતાના રૂમમાં જતી રહી હતી.

રોશની એટલી રાજમય બની ગઈ હતી કે એને એની જિંદગીમાં રાજથી વિશેષ કોઈ જ નહોતું, કદાચ પરી પણ નહીં. રોશની એટલી હદે નાસીપાસ થઈ ગઈ કે એને મૃત્યુ સિવાય કોઈ રસ્તો જ દેખાતો નહોતો. ઘરમાં જેટલી પણ દવા હતી એ બધી જ એ ગડગટાવી ગઈ. રોશનીનું શરીર સામાન્ય અવસ્થા ચૂકીને ગંભીર હાલતમાં ગરકાવ થઈ ચૂક્યું હતું.

શું રોશની મૃત્યુ દ્વાર પરથી ફરી આવશે?
નાનકડો જીવ પરી .. હા પરી ની શું સ્થિતિ થશે?
રાજ અચાનક એનો ભાંડો ફૂટવાથી કેમ પોતાની જાતને બચાવશે?
સંજનાનો રસ્તો રોશનીએ સાફ કરી દીધો કે એને મુશ્કેલીમાં મૂકી?
આ દરેક પ્રશ્નનો જવાબ તમને મળશે પ્રકરણ : ૮ માં..