Sumudrantike - 15 books and stories free download online pdf in Gujarati

સમુદ્રાન્તિકે - 15

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(15)

મારા ચિત્તજગત પર પોતાની અમીટ છાપ છોડી જનારા સૌંદર્યોમાં આ શ્યાલબેટનું પ્રાકૃતિકરૂપ આગવું સ્થાન પામવાનું છે. દીવાદાંડીના ઝરુખેથી આખો બેટ નીરખ્યો ન હોત તો ઉજ્જડ ખારાપાટ પાસે, સમુદ્રજળથી ઘેરાયેલા આ નાનકડા ટાપુને હું પૂરેપૂરો ઓળખી ન શકત.

સામેની દિશાએ, ચળકતા સાગરપટ પાછળ વરાહસ્વરૂપની વનરાજિ, ત્યાંથી ઉત્તર તરફ ચાલી જતી ખડકોની હાર આગળ જતાં પૂર્વ તરફ વળાંક લઈ બેટની અર્ધવર્તુળમાં ઘેરે છે. ખડકો પૂરા થાય એટલે લીલા બાવળોની હાર આવે. જોકે અહીંથી તે સ્પષ્ટ દેખાતી નથી. તેના પછી તરંગોને પેલે પાર એસ્ટેટ બંગલાની ઝાંખી-પાંખી ક્ષિતિજરેખા. વચ્ચે ઊભેલો ભેંસલાનો વિશાળ ખડક. બાકી બધે જ અફાટ લહેરાતો ઉદધિ.

દયારામ દીવાદાંડી સાફ કરે છે. હું તેની સાથે દીવાદાંડીની રચના જોવા ન આવ્યો હોય તો મને ક્યારેય ખબર ન પડત કે અઢાર માઈલ સુધી દેખાતો આ દીવાદાંડીનો ઝબકારો તેના વિશિષ્ટ પ્રકારના કાચને આભારી છે. કાચની પછવાડે પ્રકાશ મૂકવામાં આવ્યો છે તે તો કેરોસીનથી ચાલતી પેટ્રોમેક્સનું મેન્ટલ માત્ર છે. માત્ર થોડાક ફૂટના વિસ્તારમાં પથરાઈ રહે એટલા પ્રકાશના કાચને આભારી છે. કાચની મેન્ટલ માત્ર છે. માત્ર થોડાક ફૂટના વિસ્તારમાં પથરાઈ રહે એટલા પ્રકાશને કેન્દ્રિત કરીને ચળકતા પટ્ટારૂપે દૂર સુધી લઈ જનાર વિશાળ કાચ દર મિનિટે ત્રણ પ્રદક્ષિણા કરે તેવી યંત્રરચના ચાવીવાળી ઘડિયાળમાં હોય તેવાં, દાંતાવાળાં ચક્રો પર વજન લટકાવીને કરાઈ છે. અને આમ એક મિનિટમાં, કોઈ પણ એક દિશામાં, અઢાર માઈલ દૂરથી પણ આ દીવાદાંડીનો ઝબકારો ત્રણ વખત જોઈ શકાય.

દરરોજ વજન પાછું ઉપર લાવવું પડે. કેરોસીન, હવા, ટાંકીમાં ભરવા પડે. કાચને સાફ ચળકતો રાખવો પડે. આ બધું દયારામ સમયસર કર્યા જ કરે છે. હું ઊભો છું. બહાર ઝરૂખામાં. આવતી કાલે આ બેટ છોડી જવાના વિચારમાં.

આથમતા સૂર્યનો પ્રકાશ દરિયાને ચમકાવે છે. કિનારે આવીને ભાગતાં મોજાં આ નાનકડા ટાપુને સફેદ ફૂલોની માળા વચ્ચે ઘેરતા હોયતેવો આભાસ આપે છે. કાળા ખડકો, પીળો પણો, ટાપુ પરની ઝાંખી માટી, વાડીઓમાં બાવટા-બંટીની લીલી ચાદર, વચ્ચે વચ્ચે રાતાં-કાળાં છપરાંઓ, વચ્ચે ચાલ્યો જતો ગાડા ચીલો. આ એક જ સ્થળે પ્રકૃતિએ રંગોની સજાવટ કેટલી વિવિધતાસભર કરી છે! બેલીનું ઘર અહીંથી દેખાય છે. ઢાળિયાના છાપરા તળે પાળી પર બેઠી બેઠી કદાચ તે ક્રિષ્નાની રાહ જોતી હશે, કાં ‘મનરભાઈ’ પાસે સમાચાર મેળવવા ગઈ હશે.

ક્રિષ્નાની રાહ જોઉં? મને બેટ પર રોકાઈ જવાનું મન થયું.

‘લ્યો, હાલો, હવે વખત થયો,’ દયારામ કામ પૂરું કરીને કાચની કૅબિનમાંથી બહાર આવ્યો.

‘મજા આવે છે અહીં.’

‘તે મજા તો આવે જ ને? દરિયા સાથે નેવું ફૂટ ઊભા રઈને આ પટ જોવાનું કોને નો ગમે?’

‘તને ગમે છે? રોજ રોજ એકનું એક કામ એકની એક જગ્યા. કંટાળો નથી આવતો?’

‘દરિયાથી કંટાળે એવું માણસ મેં ભાળ્યું નથી,’ દયારામે મારા આશ્ચર્ય વચ્ચે જવાબ આપ્યો.

‘તારું ઘર દેખાય અહીંથી?’

‘એ દેખાય,’ તેણે ગામ તરફ હાથ લાંબો કરતાં કહ્યું, ‘આ કોરના છેડે. ઓલા ખાંડણિયા પાંહે.’

‘ખાંડણિયો?’

‘જુવોને આ સા... મે...’ તેણે આંગળી ચીંધી. ‘ઓલું પાકું મકાન દેખાય એની બાજુમાં. ઈ શગાળશા શેઠની હવેલી. ખાંડણિયો ન્યાં જ છે. તમે હજી જોયો નથી?’

‘ના.’

‘તંયે બેટ માથે સું આવ્યા?’ આંય બધા જાત્રાળુ પેલાવેલા ન્યાં ખાંડણિયો જોવા જ જાય.’

‘ત્યાં યાત્રાધામ છે.’

‘નહીં ત્યારે?’ તેણે રેલિંગનો ટેકો લેતા કહ્યું. ‘ચેલૈયા’ની વાત તો તમને ખબર છે ને?’

‘હા, બહુ યાદ નથી. નાનપણમાં વાર્તા સાંભળેલી.’

‘બસ તો, ઈ ચેલૈયાનું માથું એની માયે જેમાં ખાંડ્યું’તું ઈ ખાંડણિયો ન્યાં છે. શગાળશા શેઠની હવેલીમાં. હવે તો ન્યાં ધરમશાળા છે.’

થોડી વાર હું તે મકાનને જોઈ રહ્યો. ‘ચાલો ઊતરીએ,’ કરીને કૅબિનમાં પ્રવેશ્યો. હજી સૂર્યાસ્ત નથી થયો; પરંતુ નિયમ પ્રમાણે દીવો સાંજના સાડા છથી સળગવો ચાલુ થઈ જવો જોઈએ. દયારામે મેન્ટલ સળગાવ્યો પછી અમે દાદર ઊતરી ગયા.

‘ચાલ, ખાંડણિયો જોઈ આવીએ.’

‘અટાણે? મોડું નંઈ થાય?’

‘થશે. તું તારે ઘેર રોકાઈ જજે. હું પાછો આવી જઈશ,’ મેં કહ્યું.

‘બાર વાગતા સુધી ખાડી તો ખાલી જ રહેવાની છે.’

અમે ચાલ્યા.

‘દયારામ, તારે ઘરે કોણ કોણ છે?’ મેં ખાડીના ખડકો ચડીને કેડી પર આવતાં પૂછ્યું.

‘માં જીવે છે. સોમાં ચાર બાકી ર્યાં છ. બાકી અમે બે જણ. છોકરો છે. દુકાન કરી છે. છોડી બે છે. બેયને પરણાવી દીધી.’

‘શાની દૂકાન છે?’

‘આંય દુકાન એટલે ન્યાં બધું મળે. શાક-બકાલું, સોડા, દાણા-પાણી કાપડ, જે ચીજ જોવે ઈ બધી મળે. ઘરમાં જ દુકાન રાખી છ. કોદાળી-પાવડાના હાથાય મળે.’

વાતો કરતાં કરતાં અમે ચાલ્યા.

શગાળશા શેઠની હવેલી, ધર્મશાળા, દયારામે સાથે ફરીને મને બતાવી. સંધ્યાના ઉજાસમાં મેં ઉત્સુકતાથી બધું જોયું. ચોકમાં વચ્ચે જ પથ્થરનો કોરેલો મોટો ખાંડણિયો હતો. બેટ પર આવડું મોટું પાકું બાંધકામ કદાચ આ એક જ હશે.

દયારામ મને તેના ઘેર પણ લઈ ગયો. તેના પુત્રની દુકાન એટલે ઘરની દીવાલમાં નાનકડી બારી જેવું દ્વાર. બે-ત્રણ ઘોડા પર દાળ, ચોખા, તેલના ડબા, જૂની પતરાંની ડાબલીઓ, થોડા કાપડના તાકા અને બે-ચાર ઓઢણીઓ. આ દુકાનમાં બધું મળે પણ શેરબશેરથી વધારે ન મળે. થોડું વધારે ખરીદીએ કે દુકાન ખાલી થઈ જાય. દયારામે ખાટલો ઢાળીને ચા મગાવી. ચા પીધા પછી હું પાછો ફર્યો.

‘મૂકી જાઉં?’

‘ના, હું ચાલ્યો જઈશ.’

‘સંભાળીને જાજો.’ દયારામે મને ટૉર્ચ આપી, ‘આ ભેગી રાખો. ખાડીએ બરાબર દેખાય નો દેખાય.’

ગામની નાનકડી ગલીઓ પૂરી થઈ કે તરત ખુલ્લાં ખેતરો વચ્ચેનો ચીલો આવ્યો. હું ગામ બહાર નીકળ્યો કે ડક્કા તરફના માર્ગેથી આવતી બેલી સામે મળી.

‘ક્યાં ગઈ હતી?’

‘લે, હજી તું આંય છે?’ તે ઊભી રહી. ‘હું તો ગઈ’તી મનરભાય પાંહે, ખબર જાણવા.’

‘હું દયારામ સાથે ધરમશાળાએ ગયો. કંઈ ખબર આવ્યા?’

‘ના,’ બેલીએ ચિંતાભર્યા સ્વરે કહ્યું. ‘થાપડા માથે પાણીય નો હોય. માલ ભર્યો હોય ઈમાં કાં’ક ખવાય એવું હોય તો ઠીક. નીકર ખાવાનું ય નો જડે.’ બેલીએ ક્રિષ્નાની ચિંતા કરવાને બદલે થાપડાના ખલાસીની ચિંતા કરી.

મને પણ થાપડા પરના ખલાસીઓ સાંભર્યા. મેં તેમને જોયા નથી, ઓળખતો નથી. છતાં બે માનવીઓ અત્યારે વીસ-પચીસ ક્લાકથી, અફાટ સમુદ્ર વચ્ચે, આશા-નિરાશામાં કેવી હાલતમાં હશે તે કલ્પનાથી હું ધ્રૂજી ઊઠ્યો.

મેં બેલી સામે જોયું. તારોડિયાના ઝાંખા પ્રકાશમાં પણ તેના નમણાં ચહેરા પર ચિંતાની રેખાઓ ઓળખી શકાઈ. તે ધીમેથી બોલી ‘દરિયો રાખશે તો નંઈ. ભરતીમાં કાંઠે લગાડી દેસે. પણ ન્યાં લગી ખાધા-પીધા વગર!’

‘બેલી, થાપડો બૂડે તો નહીં ને?’

‘તોફાન હોય તો બૂડે. નીકર નો બૂડે. પણ ભેખડે ભટકાય તો તૂટી જાય. ઈને હંકારવાનું કોઈ સાધન નંઈ ને!’

‘તો પછી પેલા ખલાસીઓ? તેમને કંઈ થયું તો નહીં હોય ને?’

‘ઈ તો જમીન દેખે કે તરીને નીકળી જાય. પણ કાંઠો ઢૂંકડો હોય તો.’ બેલીનો સ્વર બદલાયો. ‘દરિયે ગયેલું માણાં પાછું નો આવે ન્યાં લગણ વાટ જોવાય. ઈ બૂડી ગ્યું ઈનો સબૂત નો મળે ન્યાં લગણ વાટ જોવી પડે. પછી ભલે જલમારો વીતી જાય.’

વાતાવરણમાં ઉદાસી છવાઈ ગઈ. સમુદ્ર પર શુક્રની ટીલડી ઝગમગી ઊઠી. મેં બેલીને બીજી વાતમાં ખેંચવા કહ્યું, ‘જો, બેલી, પેલો શુક્રનો ગ્રહ. કેવો સરસ ચમકે છે?’

‘ક્યો? આ ફાનુસ?’

શુક્રના મેં એકથી વધુ નામો સાંભળ્યાં છે. પણ આ ‘ફાનુસ’ શબ્દ આજે બેલીના મુખે જ સાંભળ્યો.

‘એને ફાનુસ કહો છો?’ મેં ખાતરી કરવા પૂછ્યું.

‘તે નથ દેખાતો ફાનુસ જેવો?’ બેલીએ કહ્યું અને બીજી દિશામાં હાથ કરીને કહે ‘જો, ઓલા મછવાના ફાનુસ.’

દરિયા પર થોડી ઊંચાઈએ દીવા દેખાયા. બેલીએ આગળ કહ્યું. ‘આ લગીર ઊંચો છે. પણ હમણે હેઠો આવસે તંયે ઈ ફાનુસ જેવો જ લાગે. વાટ જોતું હોય ઈ છેતરાઈ જાય.’ બેલીએ મારી સામે જોયું. ‘બીજું નામ ઈનું છોકરાં ઢીબણિયો. મા આખો દિ’ કામ વેંઢારીને થાકી હોય. ઘરમાં ખાવાનું ઠેકાણું નો હોય. ઘરવાળો ગ્યો હોય હોડામાં. ઈમા આ તારોડિયું ઊગે ને છોકરાં આવે ઘેર. ઈયે થાક્યાં હોય. ઊભાને ઊભા ખાવા માગે. પછી મા સું કરે? રોતી જાય ને ઢીબે છોકરાંવને.’

પ્રકૃતિના સૌંદર્યની કલગી સમી આ શુક્રકણિકાએ મને હંમેશા મોહ પમાડ્યો છે. તેનું પ્રકાશિત દર્શન મને કેટકેટલી કલ્પનાઓ વચ્ચે દોરી ગયું છે. આજે બેલીની આ વાત સાંભળ્યા પછી શુક્રનું દર્શન સૌંદર્યમંડિત ઉદાસીનતાભર્યું બની ગયું. હવેથી જ્યારે પણ આ સુંદર ગ્રહને હું જોઈશ ત્યારે સમુદ્રમાં ગયેલા મછવાના પાછા ફરવાની રાહ જોતી, ફાનુસ જોવા તલસતી અને પછી હારીથાકીને પોતાનાં જ સંતાનોને અ-માનુષી વ્યથા આપતી સ્ત્રીની અપાર મનોવેદનાનું દર્શન પણ મને થવાનું.

બેલીનું ખેતર આવ્યું. ‘બેલી, કાલ હું જતો રહીશ.’ મેં જુદા પડતાં પહેલાં જરા રોકાઈને કહ્યું

‘રોકાવું નથ? ટંડેલને આવવા દે. ઈ પાછો મૂકી જાસે.’

‘હવે મોડું થશે. ક્રિષ્ના આવે તો ભરવાડ સાથે સંદેશો મોકલે. હું ફરી ક્યારેક આવીશ.’

‘અંધારે ખાડી ઊતરાસે?’ બેલી ઝાંપે અટકી ‘કે ભેગી આવું?’

‘ના, સાથે ટૉર્ચ છે.’ મેં હાથબત્તી બતાવતા કહ્યું, ‘અને હવે તો રસ્તો જાણીતો થઈ ગયો છે,’ કહી હું આગળ વધ્યો. અંધકારે પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે; છતાં તારાઓના અજવાળે થોડે સુધી તો સ્પષ્ટ જોઈ શકાય છે. થોડી થોડી વારે આકાશ ચીરીને પસાર થતો દીવાદાંડીનો તેજસ્વી પ્રકાશપટ રાતના સૌંદર્યને મુખરિત કરે છે. સમુદ્ર પરથી વહી આવતો મંદ મંદ પવન. દૂરથી સંભળાતો, ઓટના મોજાંનો મધુર હાલરડો જેવો મંદ સ્વર. અને પગને સ્પર્શતી આ બેટની કાંકરાવાળી સૂમસામ ભૂમિ. સૌંદર્ય માત્ર જોઈને જ માણી શકાય છે તેવી મારી માન્યતા ઓગળી ગઈ છે. આ રમ્ય રાત્રીએ મારી સમગ્ર ચેતનાને પોતાના સોંદર્યનો અનુભવ કરાવ્યો છે. આ અદ્ભૂત જગત વચ્ચેથી પસાર થતો હું ક્યારે ખાડી પાસે આવ્યો, ક્યારે ખાડીમાં ઊતર્યો અને ક્યારે મારા કવાર્ટર પર પહોંચી ગયો તેનો ખ્યાલ પણ ન રહ્યો. મેં આખા માર્ગે એક વખત પણ ટોર્ચ સળગાવી ન હતી.

***

Share

NEW REALESED