Yuyutsu Duryodhan same kem ladyo books and stories free download online pdf in Gujarati

યુયુત્સુ દુર્યોધન સામે કેમ લડ્યો?

કૌરવ હોવા છતાં મહાભારતના યુદ્ધમાં યુયુત્સુ દુર્યોધન સામે કેમ લડ્યો?

એવું કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી! એટલેકે મહાભારતમાં જે વાતો કહેવામાં આવી છે તે જ વાતો આપણે આપણા જીવનમાં આપણી આસપાસ અનુભવતા હોઈએ છીએ. જેમકે બે ભાઈઓ વચ્ચેનો ઝઘડો, સ્ત્રીનું અપમાન, જુગાર રમવો અને બધું જ હારી જવું કે પછી ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ. આપણે ઘણીવાર એવું પણ જોઈએ છીએ કે એક જ કુટુંબમાં એક જ માતા પિતાના બે સંતાનોમાંથી એક એકદમ દૃષ્ટ હોય છે અને બીજો એકદમ નીતિવાન!

મહાભારતમાં આ પ્રકારનું ઉદાહરણ પણ જોવા મળે છે અને આ ઉદાહરણ છે યુયુત્સુનું. પાંચ પાંડવો અને સો કૌરવો વિષે આપણે ઘણું વાંચ્યું છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે યુયુત્સુએ ધ્રુતરાષ્ટ્રનું ૧૦૧મું સંતાન હતો. આટલું જ નહીં પરંતુ યુયુત્સુ ઉપરાંત કૌરવોને એક બહેન પણ હતી. યુયુત્સુના જન્મ અંગેની કથા અત્યંત રોચક છે એટલુંજ નહીં યુયુત્સુ કૌરવ હોવા છતાં પોતાના જ ભાઈ દુર્યોધન સામે મહાભારતના યુદ્ધમાં સામેલ થયો હતો એ વાત પણ એટલીજ રસપ્રદ છે. તો ચાલો આપણે જાણીએ ૧૦૧માં કૌરવ યુયુત્સુ વિષે કેટલીક સાવ અજાણી વાતો!

એક કથા અનુસાર ધૃતરાષ્ટ્રના સો પુત્રો હતા જેમને કૌરવ કહેવામાં આવે છે, પરંતુ આ કથા સંપૂર્ણ સત્ય નથી. મૂળ કથા અનુસાર પુત્રપ્રાપ્તિની ઈચ્છા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ મહર્ષિ વેદવ્યાસ પાસે વ્યક્ત કરી હતી. વેદવ્યાસે આ દંપત્તિને આ આશિર્વાદ આપ્યા પણ હતા પરંતુ ત્યારબાદ બે વર્ષ સુધી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સંતાન પ્રાપ્તિ ન થતા તેઓ બંને અતિશય વ્યાકુળ થયા હતા.

એવામાં સમાચાર મળ્યા કે રાજકુમાર પાંડુ અને ધર્મપત્ની કુંતીને ધર્મરાજે આશિર્વાદ આપ્યા અને તેમને ત્યાં યુધિષ્ઠિરનો જન્મ થયો. આમ આ રીતે હવે પોતાના મૃત્યુ બાદ હસ્તિનાપુરની ગાદી પર પોતાનું સંતાન નહીં પરંતુ પાંડુપુત્ર યુધિષ્ઠિર બેસશે કારણકે તે હવે મોટો પુત્ર થયો એ કલ્પનાએ ધૃતરાષ્ટ્રને અધીરા કરી દીધા હતા.

આ સમયે ગાંધારીની એક દાસી જે વૈશ્ય હતી તેના થકી ધૃતરાષ્ટ્રને પુત્રપ્રાપ્તિ થઇ જેનું નામ પડ્યું યુયુત્સુ અને એ જ દિવસે ગાંધારીએ પણ સુયોધનને જન્મ આપ્યો જેને બાદમાં દુર્યોધન તરીકે ઓળખવામાં આવ્યો. આમ એકજ દિવસે જન્મ લેવાને કારણે યુયુત્સુ અને દુર્યોધન પોતાના બાકીના ૯૯ ભાઈઓ તેમજ એક બહેન દુશાલાથી સહુથી મોટા હતા!

આમ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ૧૦૦ નહીં પરંતુ ૧૦૨ સંતાનો હતા જેમાં યુયુત્સુ અને દુશાલા પણ સામેલ હતા જેના અંગે આપણે ત્યાં બહુ ઓછી ચર્ચા થઇ છે. એક બીજો સુંદર યોગાનુયોગ પણ અહીં ખાસ જાણવા જેવો છે અને એ એવો છે કે જે દિવસે યુયુત્સુ અને દુર્યોધનનો જન્મ થયો તે જ દિવસે પવનદેવના આશીર્વાદથી પાંડુ અને કુંતીને ત્યાં વીર યોદ્ધા ભીમનો પણ જન્મ થયો હતો. આમ યુયુત્સુ, દુર્યોધન અને ભીમની ઉંમર એક સરખી હતી.

યુયુત્સુ નામ સંસ્કૃતના બે શબ્દો પરથી બન્યું છે ‘યુદ્ધ’ અને ‘ઉત્સુક’. એટલેકે જે વ્યક્તિ યુદ્ધ કરવા માટે ઉત્સુક હોય છે એ યુયુત્સુ! અને યુયુત્સુ ખરેખર યુદ્ધ માટે અત્યંત કાબેલ વ્યક્તિ હતો. એવું કહેવાય છે કે યુયુત્સુ એક સાથે ૬૦,૦૦૦થી પણ વધુ યોદ્ધાઓ સાથે એકલેહાથે લડી શકે તેવી તાકાત ધરાવતો હતો. આ જ કારણસર યુયુત્સુને મહારથીના બીજા નામે પણ ઓળખવામાં આવે છે.

આ ઉપરાંત તે ધૃતરાષ્ટ્રનો પુત્ર હોવાથી ધાર્તરાષ્ટ્ર, કુરુવંશનો હોવાથી કૌરવ્ય અને વૈશ્ય માતા સુગધાનો પુત્ર હોવાથી વૈશ્યપુત્રના નામે પણ ઓળખાય છે.

મહારથી અને શૂરવીર હોવા ઉપરાંત યુયુત્સુમાં એક બીજો ગુણ પણ હતો જે તેને મહાન બનાવે છે. આ ગુણ હતો હંમેશા ધર્મની સાથે રહેવું અને અને તેની રક્ષા માટે એક સાચા સિપાઈ તરીકે લડતા રહેવું. યુયુત્સુ દુર્યોધન અને અન્ય કૌરવોનો ભાઈ હતો તેમ છતાં તેણે ક્યારેય દુર્યોધનના અધાર્મિક કૃત્યોનો સાથ નહોતો આપ્યો એટલુંજ નહીં પરંતુ તે દુર્યોધન સામેનો પોતાનો વિરોધ જાહેરમાં કરતા પણ અચકાયો ન હતો.

તો સામે પક્ષે યુયુત્સુ દાસીપુત્ર હોવાને લીધે દુર્યોધન અને અન્ય કૌરવો તેને સન્માનની દ્રષ્ટિએ જોતા ન હતા. સતત ધર્મની સાથે રહેવાને કારણે યુયુત્સુ કૌરવોને ખટકતો પણ હતો અને આથી જ યુયુત્સુ પાંડવો તરફ ઢળેલો રહેતો હતો. છેવટે પરિસ્થિતિ એવી આવી કે યુયુત્સુ પાંડવોનો જાસૂસ બની ગયો જે તેમને સમયાંતરે કૌરવોની તેમની વિરુદ્ધની યોજનાઓ વિષે જાણકારી આપતો રહેતો હતો.

યુયુત્સુની જાસુસી વિષે એક કથા પણ છે. જ્યારે પાંડવો જુગારમાં દ્રૌપદી સહીત પોતાનું સર્વસ્વ હારી ગયા હતા ત્યારે વિકર્ણની સાથે યુયુત્સુ એવો વ્યક્તિ હતી જેણે ખુલ્લી રાજસભામાં કૌરવોનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ જ્યારે પાંડવોને વનવાસ આપવામાં આવ્યો ત્યારે કૌરવોએ પાંડવો જંગલમાં જે તળાવમાંથી પાણી પીતા હતા તેમાં ઝેર ભેળવવાની યોજના બનાવી હતી. યુયુત્સુએ તરતજ પાંડવોના મિત્ર અને ગાંધર્વરાજ ચિત્રસેનને આ અંગેની માહિતી આપી અને પાંડવોનો જીવ બચાવ્યો હતો.

દ્રૌપદીના ચીરહરણ સમયે યુયુત્સુ ઉપરાંત એક અન્ય કૌરવ વિકર્ણએ પણ તેનો વિરોધ કર્યો હતો કારણકે તે પણ નીતિવાન હતો. પરંતુ વિકર્ણએ મહાભારતના યુદ્ધમાં પોતાના ભાઈઓનો સાથ આપ્યો હતો અને તેનું પણ યુદ્ધમાં મૃત્યુ થયું હતું. મહાભારતના યુદ્ધમાં કોણ કોના પક્ષે લડશે તે જે-તે વ્યક્તિએ નક્કી કરવાનું હતું. વિકર્ણએ નીતિ કરતા પોતાના વંશના મહત્ત્વને વધુ સાચું માન્યું એટલે તેણે કૌરવોને સાથ આપ્યો. પરંતુ યુયુત્સુ સદાય ધર્મની પડખે ઉભો રહેતો હતો અને એટલે તેણે ધર્મને પાંડવોને પક્ષે જોતા તેમને સાથ આપ્યો હતો.

મહાભારતના યુદ્ધમાં તમામ કૌરવોનો નાશ થયો હતો પરંતુ એકમાત્ર કૌરવ જે મહાભારતના યુદ્ધ પછી પણ જીવિત રહ્યો હતો તે હતો યુયુત્સુ કારણકે તે ધર્મના પક્ષે હતો. યુયુત્સુએ ધર્મની તરફેણ કરતા પોતાના પરિવારના મોહને ત્યાગી દેવામાં બિલકુલ નાનપ નહોતી અનુભવી. આ જ કારણ હતું કે તેઓ પોતાના બાકીના તમામ કૌરવ ભાઈઓ કરતા અલગ અને શ્રેષ્ઠ સાબિત થયા હતા.

યુયુત્સુની ધર્મપરાયણતાની નોંધ પાંડવોએ પણ લીધી હતી. આથી જ્યારે પાંડવોને લાગ્યું કે યદુવંશનો અંત નિકટ છે અને શ્રીકૃષ્ણએ સંન્યાસ લઇ લીધો છે અને આથી આપણે પણ સ્વર્ગારોહણ કરવું જોઈએ ત્યારે હસ્તિનાપુરને તેમણે યુયુત્સુને સોંપી દીધું હતું.

પાંડવો સ્વર્ગારોહણ સમયે હિમાલય તરફ નીકળી ગયા હતા અને હસ્તિનાપુરના સંરક્ષક તરીકે તેમણે યુયુત્સુની નિયુક્તિ કરી હતી. ત્યારબાદ યુયુત્સુએ પણ પોતાનો ધર્મ યોગ્યરીતે બજાવતા યુવા પાંડવપુત્ર પરિક્ષિતને પોતાની દેખરેખમાં ઉછેર્યો તેને રાજા જેવી તાલીમ આપી અને જ્યારે પરીક્ષિત યુવાન થયો ત્યારે તેને હસ્તિનાપુરનો રાજા ઘોષિત કરી પોતે સત્તાથી દૂર થઇ ગયા.

આમ મહાભારતમાં આવા તો અસંખ્ય પાત્રો છે જેના વિષે બહુ ઓછી ચર્ચા થઇ છે, પરંતુ તેમનું મહત્ત્વ મહાભારતની વાર્તામાં કે તેના યુદ્ધમાં જરાય ઓછું નથી. યુયુત્સુ વિષે કદાચ આપણે અગાઉ આટલું ક્યારેય નહોતા જાણતા બરોબરને? પરંતુ યુયુત્સુ એક એવા વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે જેમણે સદાય ધર્મની રક્ષા કરી હતી અને ધર્મના પક્ષે જ રહ્યા હતા. આ માટે તેમણે કૌરવોનો ગુસ્સો પણ વહોરી લીધો હતો.

આટલુંજ નહીં યુયુત્સુ પાસે જ્યારે ધર્મ અને વંશની પસંદગી કરવામાં આવી ત્યારે પણ તેમણે ધર્મનો જ સાથ આપ્યો હતો. આટલું જ નહીં દ્રૌપદીના ચીરહરણ કે પછી પાંડવોને મારવાની કૌરવોની કુવૃત્તિથી પાંડવોને અગાઉથી જ અવગત કરાવીને ધર્મ માટે તેમનો જીવ પણ બચાવ્યો હતો.

પાંડવો દ્વારા યુયુત્સુને યુવાન પરીક્ષિતને સોંપીને સ્વર્ગારોહણ માટે જતા રહ્યા બાદ પણ યુયુત્સુ પોતાના ધર્મથી અલગ ન થયો અને પરીક્ષિતને યોગ્ય શિક્ષણ આપી અને હસ્તિનાપુરની ગાદી સોંપીને જ સંતોષ મેળવ્યો નહીં કે પરીક્ષિતની ઓછી ઉંમરનો લાભ લઈને પોતે સત્તા પર બેસી ગયો.

આવા અનોખા અને ધર્મપ્રેમી યુયુત્સુને સો સો પ્રણામ!

***