Sumudrantike - 28 books and stories free download online pdf in Gujarati

સમુદ્રાન્તિકે - 28

સમુદ્રાન્તિકે

ધ્રુવ ભટ્ટ

(28)

ગ્રીનબેલ્ટનું કામ શરૂ થઈ ગયું છે. ગાડાંનાં ગાડાં ભરીને રોપાઓ આવે છે, વાવેતર થાય છે. મારું કામ પૂરું થવાની અણી પર છે. રિપોર્ટ પૂરો થઈ ગયો છે. દક્ષિણની થોડી જમીન માપવાની છે તે માપીને છેલ્લો નકશો પણ મુકાઈ જશે.

‘પગી, રવિવારે ગાડું મંગાવજો’ મેં કહ્યું. ‘હું જિલ્લા કચેરીએ જવાનો છું પછી ત્યાંથી રજા પર.’

નકશા, રિપોર્ટ સાથે જ બદલી અરજી આપી દેવાનો અને બદલી ન થાય ત્યાં સુધી રજા પર રહેવાનો મારો ઈરાદો હતો. રાજીનામું આપવું પડે તો એ આપવાની મારી તૈયારી છે. રોડ બાંધવાવાળાં મશીનો અહીં પહોંચે ત્યારે અહીં રહેવાનું મારાથી નહીં બને.

શનિવારે આખો દિવસ માપણી ચાલી. ઊભા પટ્ટે માપ લેતા લેતા અમે ક્યાંના ક્યાં નીકળી ગયા.

‘રુક્મીપાણો અહીંથી કેટલો દૂર?’ મેં પગીને પૂછ્યું. સાંકળ થેલામાં ભરીને તે ઘોડી બાંધવામાં પડ્યો હતો.

‘બસ, આ ભાઠોડું વટો એટલું. વાંહે મીઠી વિયડિયું આવે ઈને માથે રુક્મીપાણો.’

‘તો તું જા, હું મોડેથી પાછો આવી જઈશ’ મેં પગીને કહ્યું, જતાં પહેલાં એક વખત સબૂરને મળવું હતું. તે તો ન આવ્યો પણ રુક્મીપાણો જોઈને પાછો વળીશ.

મેં કબીરાને દોર્યો. થોડી વારમાં જ વિરડીયો આવી અને મેં અશ્વને ભેખડ પર ચડાવ્યો. ઉપર જતાં જ મેં જે જોયું તેનાથી મારો શ્વાસ થંભી ગયો.

રુક્મીપાણા પર, એ કાળા પથ્થરની છાટ પર, આંબા, નાળિયેરી, ચીકુ અને દાડમના નાના નાના છોડવા લહેરાય છે. સબૂરની બે એકર જમીન બેલાથી ઘેરાઈને પડી છે. ઘડીભર મને લાગ્યું કે હું સ્વપ્ન જોઉં છું.

મને જોતાં જ સબૂર અને તેની પત્ની દોડતાં આવ્યાં. ઊંઘમાંથી જાગતો હોઉં તેમ મેં સબૂરને પૂછ્યું. ‘કેમ આટલા બધા વખતથી દેખાયો જ નહીં?’ કહેતાં મારું મન સંકોચ અનુભવી ગયું. હું બોલાવું નહીં ત્યાં સુધી સબૂર કઈ રીતે આવે?

સબૂરે હાથ જોડ્યા. નીચે નમ્યો અને બોલ્યો. ‘ખાલી હાથે સું આવું? કાંક કોળે ને એકાદું ફળ બેહે તોયે લઈને અવાય.’

મને થયું કે મેં ‘તેં તો કમાલ કરી નાખી’ કે એવું કંઈક કહ્યું હોત તો સારું હતું.

રુક્મીપાણાને મથાળે સબૂરે ઘર બનાવ્યું છે. ચણતર વગર એક પર એક બેલાં ગોઠવીને. તે તરફ જતાં મને અવલના શબ્દો યાદ આવ્યા. ‘આપણને નહીં સૂઝતું હોય તે એને સૂઝતું હશે.’

સબૂરની સ્ત્રી પાણી લાવી. નાની ખાટલી ઢાળીને મને બેસાર્યો.

‘ખરેખર સબૂર, તું જાદુગર નીકળ્યો. કઈ રીતે આ બધું કર્યું?’ મેં નાના છોડવાઓ તરફ જોતાં કહ્યું. સબૂરની બુદ્ધિને ઓછી આંકવા બદલ મને પસ્તાવો થયો.

‘બસ, તું ભાળ છ ઈ રીત્યે. વાડી નામ થઈ તે દુના અમીં બેય મંડ્યા પાણો કોચવા.’ તેણે પત્ની તરફ જોઈને કહ્યું.

‘આ કૂવો ગાળીએ એવા બાંકોરા આ પાણામાં પાડ્યાં. માથોડું ઊંડા ને બે પછેડીવાળા પહોળા ખામણાં કોતરી નાખ્યા. પછે ગાડે ને ગાડે ધૂળને ખાતર ભર્યે માલીપા.’ સબૂરને આટલું લાંબુ બોલતાં જોઈને મને ખૂબ આનંદ થયો.

‘અને પાણી?’ મેં પૂછ્યું.

‘આંય પાણીનો ક્યાં કાળ છે? આ પાણાની હેઠેથી જ સરવાણી જાય છ. વાંહે સાત વિયડિયું છે. આ ઝૂંપડા વાંહે સાઈઠ ફૂટનો કૂવો ગાળ્યો છ.’

સાઈઠ ફૂટ પથ્થર તોડીને પાણી કાઢવું સહેલું નથી. આ વેરાન ભૂમિ પર મીઠા પાણીનું હોવું વિરલ ગણાય. ખેરા-પટવામાં મીઠું પાણી ત્રણ ગાઉથી ભરી લાવવું પડે છે. બંગલે પીવાનું પાણી વરસાદી ટાંકામાં સંગ્રહાય છે. ત્યારે આ કાળમીંઢ પથ્થરના પેટાળમાં મીઠું પાણી ક્યાંથી આવતું હશે? કૂવો બનાવવા પાછળ, કૂવાની પ્રતિકૃતિ સમા ક્યારા બનાવવા પાછળ આ બધુ દંપતીએ કેટલો અથાક શ્રમ કર્યો હશે. ‘બહુ મહેનત કરી.’ મારાથી કહેવાઈ ગયું.

‘મેનત વિના તો ક્યાંથી થાય? પૂનમથી પૂનમ લગણમાં તૈણ ખામણા તિયાર થાય. મૂળે પાણામાં કામ કરેલું એટલે ફાવટ આવે. બીજાથી નો થાય’ સબૂરે કહ્યું ‘ઓલા તૈણ આંબા તો પેલે વરહે જ નાખી દીધાં’તા. આ વા’ઝડીમાં ઈ તૂટી ગયા છ. બાકી ઈ થોડાક મોટા દેખાત.’

‘મોટા હોત તો સાવ તૂટી ગયા હોત. નાના છોડ છે એટલે ટકી ગયા’ મેં કહ્યું, ‘હજી તો ઘણું વાવવાનું બાકી છે. ખરું?’

મેં તેના કબજાના મોટા વિસ્તારને ખાલી, વાવેતર વગરનો જોયો.

‘હજી અડધું બાકી રહ્યું છ. પણ થાહે ધીમે ધીમે. ખાડા કરી વાળ્યા છ. આ વરસાદ થઈ ગ્યો એટલે હવે વાવસું.’

હું ઊભો થયો. આ ગંદા, કાળા સબૂરિયાને મેં ક્યારેય મારા કવાર્ટરના ઓટલે ચડવા નથી દીધો. આજે તેને ભેટી પડવાનું મન થાય છે. મેં તેના બેઉ હાથ પકડ્યા અને થપથપાવ્યા.

સૂર્ય ડૂબવાની તૈયારીમાં છે. નાનકડી નાળિયેરીનાં પાન પાછળ ચમકતો દરિયો, ડૂબતા સૂરજનું કેસરી બિંબ, દિવસભર તપેલ ખડકો વચ્ચે ઊઠતી ભીના ક્યારાઓની સુગંધ.

ક્યાંકથી કોઈક અજાણ્યો અવાજ સંભળાય છે. હું સ્વીકારું છું કે ધરતી ખરેખર સાદ કરતી હોય છે અને કેટલાક વિરલજનો એ સાંદ સાંભળવા અને તેનો જવાબ આપવા શક્તિમાન હોય છે. પ્રકૃતિ અને માનવી વચ્ચે આ પરાપૂર્વથી સ્થપાયેલો વ્યવહાર છે જ. આ સચરાચરમાં ક્યાંક કોઈક છૂપો માર્ગ છે જે માર્ગે જડ અને ચેતન પરસ્પર વાર્તાલાપ કરી શકે છે.

હું ઝાંપલી પાસે પહોંચ્યો ત્યાં સુધી આ બન્ને મને વળાવવા આવ્યા. ‘આવજે પાછો’ સબૂરે મને કહ્યું.

‘હું તો કાલે જઉં છું.’ મેં જવાબ આપ્યો ‘પણ અવલને તારી વાડી જોઈ જવાનું જરૂર કહીશ.’

‘ઈ તો દર પૂનમે આંયા આવે છ’ સબૂરની પત્નીએ કહ્યું.

‘આ વા’ઝડીનું ઈ જ આવીને કંઈ ગ્યા’તા નીકર અમીં તો ગ્યા હોત વંટોળિયા ભેગાં.’

સબૂરે ડોકું હલાવીને હા પાડી. ‘આ બે વરહ માથે થ્યું. અમીં બેય તો આખો દી આંયાં કામ કરીયે છ. બીજે મજૂરી નથ જોતાં, પછે રોટલાનું સું થાય? તે અવલબા દર પૂનમે દાણો નાખી જાય છ. આ બે-અઢી વરહનું રોટલાનું દેવું માથે ચડ્યું છ.’

હું પળભર થીજી ગયો. અનાજનો આવો સરસ ઉપયોગ મેં ક્યારેય ન કર્યો હોત. અવલ હતી તો એ શક્ય બન્યું.

કબીરા પાસે આવીને હું થંભ્યો. કદાચ આટલે વખતે પહેલી જ વાર મેં તેના શરીરે હાથ ફેરવ્યો અને કેશવાળીમાં આંગળા ફેરવ્યાં. અશ્વની ચામડી થરકી. મેં કબીરાની ગણના આજ સુધી એક સફરના સાધનથી વિશેષ નથી કરી. પાળેલાં પ્રાણીઓ, વફાદારી, માલિક-સેવકના સંબંધો ઉપરાંતની લાગણી આ બધું વાર્તાથી વિશેષ હોય તેવું હું માનતો ન હતો.

કોઈ જાણે શાથી? પણ આજે કબીરો મને કંઈ જુદો જ લાગે છ. આ ખમીરવંત ધરાનો, તેના સોંદર્યનો, તેની અંધશ્રદ્ધાઓનો, તેના હાજરાહજૂર દેવ-દેવલાંનો અને તેની કથાઓનો પરિચય કબીરાએ મને પોતાની પીઠ પર લઈ જઈને કરાવ્યો છે. મારા મનોવ્યાપારનો, મારા આનંદનો, મારી વ્યથાઓનો, મારા થાક અને ઉત્સાહનો તે એક માત્ર સાક્ષી બની રહ્યો છે.

ઓચિંતુ જ મને કબીરા પર સવારી કરવાનું મન ન થયું. મેં તેની લગામ છોડી, ચોકડું કાઢી લીધું, પલાણ છોડી નાખ્યું અને તે બધું જ વજન હાથમાં લઈને હું ખડકો ઊતરી સમુદ્રતટ પર ચાલવા માંડ્યો.

મુક્ત, બંધનરહિત કબીરો મારી પાછળ ચાલ્યો. ઢળતી સંધ્યાએ, સમુદ્રની ભીની રેતમાં છ પગલાંની છાપો એકમેકમાં ભળી જતી ચાલી.

સમાપ્ત

***