મોત ની સફર - 39 - અંતિમ ભાગ

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 39

અંતિમ ભાગ

આઠ લોકોનું દળ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના અને રાજા અલતન્સ નો ખજાનો શોધવા ભૂગર્ભ માર્ગે આગળ વધે છે.માઈકલ પોતાની મહેચ્છા મુજબ ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના મેળવી શક્તિશાળી રૂપમાં આવી જાય છે.. વિરાજ, સાહિલ, કાસમ, ગુરુ અને ડેની એનો મુકાબલો કરવામાં અસફળ જાય છે અને ઈજાગ્રસ્ત થઈને જમીન પર પડ્યાં હોય છે.. માઈકલ એ લોકોનો ખાત્મો કરે એ પહેલાં કોઈ દિવ્ય પ્રકાશનાં લીધે માઈકલ અટકી જાય છે અને આ પ્રકાશ એને દર્દ આપતો માલુમ પડે છે.

"ઈશ્વર ની શક્તિ આગળ શૈતાન ની શક્તિ ત્યારે પણ નિર્બળ હતી અને આજેપણ નિર્બળ છે.. "

એક પુખ્ત અવાજ દિવ્ય પ્રકાશની સાથે-સાથે એ લોકોનાં કાને પડ્યો.. માઈકલ ની દર્દભરી ચીસો આ સાથે સળંગ વાતાવરણમાં ગુંજતી રહી.. થોડીવાર બાદ જ્યારે ત્યાં હાજર બધાં લોકો ની આંખો તીવ્ર રોશનીમાં જોવાં માટે ટેવાઈ ત્યારે બધાં મિત્રોએ જોયું કે એક સાઠેક વર્ષનો વ્યક્તિ હાથમાં એક સફેદ રંગનો હીરા જેવો પદાર્થ લઈને ઉભો હતો.. અને ત્યાં પ્રસરાયેલી આ દિવ્ય રોશની એ પદાર્થ ને જ આભારી હતી.

વિરાજે ધ્યાનથી એ વ્યક્તિનો ચહેરો જોયો તો એની આંખો ફાટી ને ફાટી રહી ગઈ.. આ વૃદ્ધ વ્યક્તિ એ જ હતો જેને વિરાજે હોટલમાં જોયો હતો અને ત્યારબાદ એ લોકોનાં ઈજીપ્ત આવ્યાં પછી ઈજીપ્તમાં પણ એ વ્યક્તિ દ્વારા પોતાની ટુકડીનો પીછો થતો હોવાનું વિરાજે નોંધ્યું હતું.

પ્રથમ નજરે ખતરારૂપ લાગતો આ માણસ અત્યારે જે રીતે ત્યાં આવી પહોંચ્યો હતો એ પરથી તો એ તારણહાર બની ગયો હતો.. માઈકલ ને હજુપણ પીડા તો થઈ રહી હતી છતાં હવે દર્દ પર માઈકલે થોડાં ઘણાં અંશે કાબુ તો મેળવી જ લીધો હતો.. માઈકલ ત્યાં આવી ચડેલી એ વ્યક્તિને ઓળખતો હોય એ રીતે ગુસ્સાભરી નજરે એકધારો એ વ્યક્તિને જોઈ રહ્યો હતો.

માઈકલ ની આ હાલત જોઈ એ વૃદ્ધ વ્યક્તિ પ્રસન્ન જણાતી હતી.. આ જોઈ માઈકલ ક્રોધમાં આવી બોલ્યો.

"પ્રોફેસર રિચાર્ડ જેકોબ.. આ ઉંમરે પણ તને જપ ના થઈ તે ના જ થઈ.. તું મને રોકવા આખરે આવી જ પહોંચ્યો.. "

પ્રોફેસર રિચાર્ડ જેકોબ તો લ્યુસીની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આર્કિયોલોજી વિભાગમાં મુખ્ય પ્રોફેસર હતાં.. એ વાત વિરાજ, ગુરુ, ડેની અને સાહિલને તરત યાદ આવી ગઈ.. કેમકે લ્યુસીની ડાયરીમાં ઘણી જગ્યાએ પ્રોફેસર નાં નામનો ઉલ્લેખ હતો.. પ્રોફેસર રિચાર્ડ અહીં કેમ અને કેવી રીતે પહોંચ્યાં એ જાણવાની ઉત્સુકતા ના રોકાતાં વિરાજે એમની તરફ જોઈને સવાલ કર્યો.

"પ્રોફેસર, તમે અહીં કેવી રીતે.. ? અમને લ્યુસીની ડાયરી પરથી તમારું નામ તો ખબર હતી.. અને મેં તો તમને બે વખત જોયાં પણ હતાં.. "

"હા.. હું જ હતો હોટલમાં જ્યારે તે મને જોયો હતો.. અને કૈરો માં પણ હું જ તારી નજરે ચડ્યો હતો.. તમે લોકો લંડન આવ્યાં એનાં બે દિવસ પહેલાં જ ઈશ્વરીય શક્તિઓએ મને તમારો ચહેરો બતાવી દીધો હતો.. મને મારી છઠ્ઠી ઇન્દ્રિય તમારાં સુધી હોટલ માં લઇ આવી.. પણ આ બધું કેમ થયું એ મને ત્યારે તો ના સમજાયું.. પણ જ્યારે તમે લ્યુસીનાં પિતાજી અને માઈકલ ને મળ્યાં ત્યારે મને કંઈક અનિચ્છનીય બનવાનાં એંધાણ મળી ચુક્યાં હતાં."

"લ્યુસી મારી સૌથી વધુ પ્રિય સ્ટુડન્ટ હતી.. કેટાકોમ્બ માં ડેવિલ બાઈબલ મળવાની વાત મને એને કરી ત્યારે મેં તાત્કાલિક એ શૈતાની પુસ્તક નો નાશ કરવાનું કહ્યું.. પણ માઈકલ દ્વારા લ્યુસીને જે રીતે ભોળવવામાં આવી હતી એનાં લીધે એને મારી વાત ના માની અને ઈન્ડિયા આવી પહોંચી એ શૈતાની પુસ્તકનાં અધૂરાં પન્ના ની શોધમાં.. "

"છ-છ મહિના વીતી ગયાં બાદ પણ લ્યુસી ના આવતાં હું માઈકલ જોડે જઈ પહોંચ્યો અને ડેવિલ બાઈબલ મને સોંપી દેવાની વાત કરી.. પણ એ દિવસે માઈકલે જે રીતે એ પુસ્તક પર પોતાનો હક જતાવ્યો અને મારી જોડે જે પ્રકારનું વર્તન કર્યું એ પરથી મને એનાં મનમાં કંઈક તો અવળું રંધાઈ રહ્યું હોવાનો અંદેશો આવી જ ગયો હતો.. "

"ત્યારબાદ હું માઈકલ પર ધ્યાન રાખવા લાગ્યો.. માઈકલ જે રીતે કાળી શક્તિઓ અને સેટનીક વિધિ કરતાં લોકોને મળતો રહેતો એ જોઈ હું સમજી ગયો હતો કે માઈકલ ડેવિલ બાઈબલ નો ખોટો ઉપયોગ કરવાં માંગે છે.. તમે લોકોએ જ્યારે એને ડેવિલ બાઈબલનાં અધૂરાં પન્ના આપ્યાં એ દિવસે હું આવનારી વિપદા નાં એંધાણ પામી ચુક્યો હતો.. "

"હવે તો એ પુસ્તક નો સંપૂર્ણ નાશ કરવો એ જ મારો ઉદ્દેશ હતો.. એટલે મેં તમને લોકોને સતેજ ના કર્યાં અને તમારી ઉપર નજર રાખવાનું શરૂ કર્યું.. વિરાજ, તારાં રૂમમાંથી જે સફર દરમિયાન ઉપયોગી વસ્તુઓ મળી હતી એ પણ મેં જ ત્યાં રાખી હતી.. માઈકલ સાથે તમારી બીજી વખત થયેલી મુલાકાત ની પણ મને જાણ હતી અને તમે ઈજીપ્ત જવાનાં છો એની પણ.. "

"હું તમારી પાછળ-પાછળ ઈજીપ્ત આવી પહોંચ્યો.. પણ છેલ્લે તમારાથી રણમાં આવેલી આંધી નાં લીધે રસ્તો ભટકી જતાં પાછળ રહી ગયો.. સારું થયું હું યોગ્ય સમયે અહીં આવી પહોંચ્યો નહીં તો ત્યાં પડેલી આનાં મિત્ર માઈકલ ની લાશ ની માફક તમારી પણ લાશો ત્યાં પડી હોત.. આ પથ્થર મને વેટિકન સીટી નાં પૉપ દ્વારા શૈતાન નો ખાત્મો કરવાં આપવામાં આવ્યો હતો."

આ સાથે જ પ્રોફેસર રિચાર્ડ જેકોબે પોતાની અહીં સુધીની સફરની વિતક એ લોકોને કહી સંભળાવી.. પ્રોફેસર રિચાર્ડ નાં ત્યાં આવી પહોંચવાનાં લીધે બાજી હવે પલટો મારી ચુકી હોવાનું એ લોકો હજુ મહેસુસ કરી રહ્યાં હતાં ત્યાં માઈકલ બોલ્યો.

"ઓહ.. તો તું આ લોર્ડ જીસસ નાં આંસુઓમાંથી બનેલાં પથ્થરથી મને હરાવી દઈશ.. હું એમ હાર સ્વીકારવાનો નથી.. અત્યારે તો હું તારો મુકાબલો નહીં કરી શકું પણ તું સમજે છે એટલી સરળ રીતે મારો અંત પણ નહીં થાય.. "

આટલું બોલી માઈકલ આંખો બંધ કરી કંઈક બોલ્યો એ સાથે જ એનાં શરીર પર પાંખો ફૂટી નીકળી અને એ ઉડીને ઉપર પડેલાં બકોરામાંથી બહાર નીકળવાની તૈયારી કરવાં લાગ્યો.. માઈકલ ની હિલચાલ પર નજર રાખતાં પ્રોફેસર રિચાર્ડ દ્વારા આમ થતાં એક પણ ક્ષણ ગુમાવ્યાં વગર પેલો અલૌકિક પથ્થર વિરાજનાં હાથમાં મુકવામાં આવ્યો.. અને પછી પ્રોફેસરે એક બાઈબલ પોતાનાં કોટમાંથી બહાર નીકાળી અને એમાંથી અમુક શબ્દો જોરજોરથી બોલવાનું શરૂ કર્યું.

"હું લોર્ડ જીસસ કે જે આ દુનિયાની ઈશ્વરીય શક્તિઓનું વહન કરે છે.. એમનાં નામ ઉપર માઈકલ નાં દેહમાં હાજર શૈતાનને હુકમ આપું છું કે એ પાતાળમાં સમાઈ જાય અને આ જગતમાંથી આસુરી શક્તિઓનો નાશ થાય.. "

પ્રોફેસર નાં આમ બોલતાં જ જાદુઈ અસર થઈ અને માઈકલ નાં આખા શરીરમાં આગ પ્રગટી ઉઠી.. માઈકલની પીડાદાયક ચીસો હવે કાન નાં પડદા ફાડી નાંખે એવી તીવ્ર થઈ ચૂકી હતી.. વિરાજ અને એનાં મિત્રો એ પણ પ્રોફેસર ની પાછળ-પાછળ એમનાં જેમ જ બોલવાનું શરૂ કર્યું.. જેની અસર રૂપે માઈકલ નું આખું શરીર અગનગોળામાં પરિવર્તન પામી ગયું અને થોડી જ ક્ષણોમાં એ રાખનો ઢગલો થઈને જમીન ઉપર પડી ગયો.

આ સાથે જ એક ત્યાં ધ્રુજારી ઉત્તપન્ન થવા લાગી.. આમ થતાં જ પ્રોફેસરે વિરાજ અને એનાં મિત્રોને ઉદ્દેશીને કહ્યું.

"હું ડેવિલ બાઈબલ નો ખાત્મો કરું ત્યાં સુધી તમે ઇચ્છો તો આ ખજાનો પોતપોતાની બેગમાં ભરી શકો છો.. "

આટલું બોલો પ્રોફેસર રિચાર્ડ હાથમાં હોલી વોટર ભરેલી બોટલ સાથે માઈકલની રાખની નજીક ગયાં અને પાણી નો છંટકાવ કર્યો.. આમ કરતાં જ એ રાખમાં પ્રચંડ અગ્નિ પેદા થઈ જેમાં રિચાર્ડ જેકોબ દ્વારા ડેવિલ બાઈબલ ને સળગાવી દેવામાં આવી.. આ દરમિયાન વિરાજ અને એનાં મિત્રો એ શક્ય એટલો રાજા અલતન્સ નો ખજાનો પોતપોતાની બેગમાં ભરી લીધો.

ત્યાં હવે પેદા થયેલી ધ્રુજારી ભારે ભૂકંપનું સ્વરૂપ લઈ ચુકી હતી.. આમ થતાં જ પ્રોફેસરે એ લોકોને બકોરાં નીચે આવીને ઉભાં રહેવાં કહ્યું.. બધાં ત્યાં ગોઠવાઈ ગયાં એટલે પ્રોફેસરે કંઈક મંત્ર બોલ્યો એટલે એ લોકોનું શરીર હવામાં ઊંચકાયું અને બધાં બીજી જ મિનિટે બહાર આવી ગયાં.

"ત્યાં રહ્યાં ઊંટ.. જલ્દી ઊંટ પર ગોઠવાઈ જાઓ.અહીં રોકાવું હવે સુરક્ષિત નથી.. "બહાર નીકળતાં જ પ્રોફેસર રિચાર્ડ જેકોબે બધાં ને ઉદ્દેશીને કહ્યું.

એ લોકો ઊંટ ઉપર બેસી હજુ તો માંડ પચાસ મીટર દૂર પહોંચ્યા ત્યાં તો આખું હબીબી ખંડેર જમીનની અંદર ધરબાઈ ગયું અને એનાં સ્થાને બધે રણની સૂકી માટી પથરાઈ ગઈ.. જાણે ત્યાં આમ જ રણ હોય.

આખરે મોત ની સફર ને માત આપી બચેલા પાંચ મિત્રોને લઈને પ્રોફેસર રિચાર્ડ ત્રણ દિવસની સફર બાદ કૈરો આવી પહોંચ્યા.. ગુરુ, સાહિલ, વિરાજ અને ડેનીએ પોતપોતાનાં ભાગનાં ખજાનામાંથી થોડો ભાગ કાસમ ને આપ્યો જેથી એ ખજાનો જોહારી નાં પરિવારને આપી એ લોકો ની જીંદગી માં થોડીક ખુશીઓ પુરી શકાય.

કાસમ ની વિદાય લઈ જો નસીબ હશે તો ફરીથી મળીશું એવું કહી એ ચાર મિત્રો એ બધો ખજાનો ઈજીપ્ત સરકાર ની ઓફિસે પહોંચ્યાં.. જ્યાં 70% ખજાનો ઈજીપ્ત સરકાર દ્વારા લઈ લેવામાં આવ્યો.. અને બાકીનો 30% ખજાનો એ ચાર મિત્રોની મહેનત અને સાહસિકતા નાં ફળ સ્વરૂપ એમને આપવામાં આવ્યો.

પ્રોફેસર રિચાર્ડ જેકોબ નો ખરાં દિલથી આભાર માની ગુરુ, ડેની, સાહિલ અને વિરાજ ચાર-પાંચ દિવસ બાદ સીધાં ભારત આવવા રવાનાં થઈ ગયાં.. પ્રોફેસર રિચાર્ડ પણ પોતે જે કામ માટે આવ્યાં હતાં એને સફળતાપૂર્વક અંજામ આપ્યાં બાદ બાકીની જીંદગી લોર્ડ જીસસ ની સેવામાં પસાર કરવા વેટિકન સીટી જવાં રવાનાં થઈ ગયાં.

શ્યામપુર થી નીકળેલી ચાર મિત્રોની ટોળકી એક એવું કામ કરીને આવી હતી જે વિશે એમને સ્વપ્નેય નહોતું વિચાર્યું.. મોત ને માત આપી એ લોકો કરોડો નાં ખજાનાં સાથે આખરે પોતાનાં ઘરે શ્યામપુર આવી પહોંચ્યાં હતાં.. એ લોકો સાથે જે કંઈપણ થયું એ ખરેખર સપનાં બરાબર હતું.. આ સપનું સારું હતું કે ખોટું એ તો જીંદગી નાં છેલ્લાં શ્વાસ સુધી એ લોકો નક્કી નહોતાં કરી શકવાનાં.

એક પછી એક બે મોત ની સફરો ને અંજામ આપ્યાં બાદ ચારેય મિત્રો હવે પોતપોતાની રીતે સેટલ થઈ જવાની ઈચ્છા રાખતાં હતાં.. અને એ મુજબ જ એ લોકો એ પોતપોતાનો પર્સનલ બિઝનેસ પણ શરૂ કરી દીધો.. પોતપોતાનાં કામ-ધંધામાંથી ફુરસત કાઢી દર રવિવારે સાંજે જ્યારે એ લોકો એકઠાં થતાં ત્યારે એમની રોમાંચક સફરની સ્મૃતિઓ જરૂર વાગોળી લેતાં.

કરોડો ની સંપત્તિ નાં માલિક બની ગયાં હોવાં છતાં એ લોકોને જીંદગીમાં કંઈક ખૂટતું લાગતું હતું.. અને એ ખૂટતી વસ્તુ હતી રોમાંચ, એક મોત ની સફરનો રોમાંચ.. .!!

★★★

સમાપ્ત

આ સાથે જ આ રોમાંચક નવલકથા નો અંત જાહેર કરું છું.. આશા રાખું છું કે આ નવલકથા સૌને ગમી હશે.

***

Rate & Review

Verified icon

Kuldip Raiyani 4 days ago

Verified icon

Dharmdarshan 6 days ago

full of adventure and secret........ and friends forever.......

Verified icon

Nirav Chauhan 2 weeks ago

Verified icon

Tanvi 2 weeks ago

Verified icon

Sudha 2 weeks ago